વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અધુરપ

 'અધુરપ'

શાક ભાજી લઈને આવેલી રમા, રૂમાલે બાંધેલી ઘરની ચાવી છોડી દરવાજાનું લોક ખોલીને બિલ્લીપગે ઘરમાં આવી. જરાક અવાજ થાય તો અંદર સુતેલી નાનકી ઉંઘમાથી ઉઠી જાય. પણ ઘરમાં આવતાવેંત જે દ્રશ્ય જોયું તો જાણે એની રાડ ફાટી ગઈ. "આ... આ.. શું કરો છો માઁ? શું માંડ્યું છે તમે?" રમાની ત્રાડ સાંભળી, ખુણામાં સંકોરાઈને બેઠેલા સંતોકમા સાડલાનો છેડો સરખો કરી, ખોળામાં સુવાડેલી નાનકીને તેડી બીતા બીતા ઉભા થઈ ગયા. રમાએ દોડીને સાસુનાં હાથમાંથી નાનકીને જાણે ઝુંટવી લીધી. હજીય તેની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. 

   

રમાવહુનું કાળઝાળ રૂપ જોઈ સંતોકમાની આંખો અનરાધાર વરસવા લાગી અને બીકના માર્યા થર થર ધ્રુજવા માંડ્યાં. 

 

  "રમાવહુ, તમ ખાલી એક દાણ મારી વાત તો હાંભરો, પસે તમ જી કેહો ઈમ મુ કરહ." 


"હવે સાંભળવા જેવું બાકી શું રહ્યું છે?"


નાનકીને બે હાથે છાતી સરસી ચાંપતી રમાનો અવાજ વધુ ધારદાર બન્યો. 

 

"આપડે બેય તઈણ વરહથી ભેગા રઈસી, તમને દખ થાય ઈવું કોય'દી મે કાંઈ કયરૂ સે? તો પસે આજ આમ અથરાં કાં થાવ? તમે તમારી સૈયરૂંને હરખથી કો' સોને, મારે ખાલી મારી હાહુને જ હાસવવાના સે, અન ઈવડાં ઈ તો હાવ ભોળા ભટાક સે. મારે ઝાઝી લપ જ નઈ." 


સહિયર સાથે કો'ક દિવસે ફોનમાં વાત કરતી વખતે સારી ભાવનાથી બોલાયેલા શબ્દો પણ આજે જુદા લહેકાથી સાસુનાં મોઢે સાંભળી રમા સ્હેજ વળ ખાઇ ગઇ. અચાનક તેનાં મોઢામાં એક અજીબ કડવાશ પ્રસરી ગઈ. સાસુ સામે ઉભા હોવાથી તે થૂંકી તો ન શકી, એટલે કડવો ઘુંટડો પરાણે ગળે ઉતારી ગઈ. 


રમાની મનઃસ્થિતિ સમજતાં સંતોકમા બોલ્યા, "ના વહુ, હું તમુને હંભળાવતી નથ. હું હંધુય હમજુ છું કે તમે મારું હારું જ બોયલા હોવ, પણ તમ કોઇદી મન હમજવાની કોસિસ કયરી?" 


સંતોકમા રોતાં રોતાં હવે હિબકે ચડ્યા'તા. રમા હજુ પણ ગુસ્સાથી લાલચોળ આંખે અને હાંફતી છાતીએ, નાનકીને જાણે માત્ર સાસુથી જ નહીં પણ આખી દુનિયાથી બચાવવા માગતી હોય એમ છાતી સરસી દબાવીને ઉભી હતી. 

   

સંતોકમાએ રમાને હાથ પકડીને પોતાની પાંહે બેહાડી, અને પોતાના મનની અને ધમરોળાયેલી જીંદગીની વાત કહેવાનું ચાલુ કર્યું. "હાંભળો રમાવહુ, જે વાત મેં મારા આંયખનાં રતન જેવા મહેશને નથી કયરી, ઈ વાત હું તમને કવસુ. તમ લગીર ટાઢા પડો તો હારૂ." 


રમાનાં હોઠ હજુય એવા જ ભીડેલા હતા. આંખમાંથી એવા જ અંગારા વરસતા હતા. બસ, સાસુની કાકલૂદી સાંભળી તેની નજર સ્હેજ નીચે ઢળી ગઈ હતી. 


  " રમાવહુ, મારા બાપા દેવ થ્યા તઈ હું આઠ વરહની હતી. બેય ભાય નાના હતા. મને તેરમે વરહે તો મોટુ ખોરડું જોઈ, બિજવર હારે પૈણાવી દીધી. હાહરાને ધિરધારનો ધંધો ને ગામમાં હારી શાખ, તે દિકરી સુખી થાહે એવુ માનીને સબંધ નક્કી કયરો, અને પંદરમું વરહ બેઠુ ત્યાં તો આણુ વળાવી દીધું. હજી તો હું ના'તી ધો'તી થઈ ત્યાંતો હાહરે આવી ગઈ. મારી શોક્યને બે સોકરા થ્યાતા પણ ગમે ઈ કારણે ઈ બસ્યા નોતા. તીજી હુવાવડમાં તો મા-દિકરી કોઈ નોતું જીયવું. હા, શોક્યના પિયરીયાએ મારી હારે આજની ઘડી લગી વેવાર રાયખો સે. લગનને છ મૈના થ્યાને  મારૂ ના'ણ આવતુ બંધ થઈ ગ્યું. મને કાંઈ હમજ નોતી પડતી. પણ મને મારા હાહુમાએ હમજાયવું કે મને અઘયણી સે. અને હુય ઘેલી થૈ ગય. મીઠા સપના જોવા મંડી."


સંતોકમા ફરી એ જ મીઠી અનુભૂતિ કરી રહ્યા હતાં. જેને ખરેખરું સુખ કહી શકાય એવી ગણી-ગાંઠી ક્ષણોમાંથી આ સમય કદાચ સૌથી સુખદ હતો. પરંતુ એ સમયની જેમ એ યાદ પણ અલ્પજીવી નીકળી અને ફરી સંતોકમાની આંખોમાં નવા આંસુ ઉભરાવા માંડ્યા. 

  "એક દિ' તમારા બાપુજી કો'કની હારે બાધીને ઘરે આયવા. માથામાં થોડુંક વાયગુતું. લોય પણ ગળતુતું. એમની દશા ભાળીને હું તો એવી બી ગઈતી કે મુને બે દાડા ખાવાનુંય નતુ ભાયવુ. પણ વૈદને ત્યાં પાટો બંધાયવા પસે હારૂ હતું. ધંધામાં કાંઈક થ્યુંંતું એવું મને કીધું. ઘરમાં બધાય મોટેરા હોય એટલે મારે કાંય બીવા જેવું નો'તુંં. આમ વખત વિતતો'તો. મારી તબિયત હારી નોતી રેતી, જેટલી વાર હાહુમાને તકલીફની વાત કરૂ તઈ 'એવુંતો થાય, કાંઈ સોકરૂ એમનમ થોડુ જણાશે' એમ જ કેતા, એટલે હું મુંગે મોઢે કામ કરવા મંડતી'તી. આમ ને આમ છ મૈના પુરા થાવા આયવા. હાતમે મૈને મારૂ ખોળો ભરવાનું મુરત હતું. પસે મારે હુવાવડ હાટુ પિયર જાવાનું હતું. બધું નક્કી થઈ ગ્યુતું." 


" હા, મને ખબર છે બધી સ્ત્રીઓ પહેલી સુવાવડ પિયરમાં જ કરે, પણ તમે તો ખોળો ભર્યા પછી મને એક રાત પણ પિયરમાં ક્યા રોકાવા દીધી'તી?" ફરિયાદનાં સ્વરે રમાએ સાસુને સંભળાવી જ દીધું. પરંતુ સંતોકમા તો ભુતકાળમાં ભુલા પડ્યા હતાં એટલે રમાની ફરિયાદ એમનાં કાન સુધી પહોંચી જ નહોતી. એમણે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, 

   

"પિયરમાં વરહદી' રેવા મળશે ઈ હાંભળીને તો હું રાજી થઈ ગઈ'તી. પણ મારો રાજીપો કદાસ પરભુને મંજુર નો'તો." 

  

 રમા સાસુજીની વાત મૂંગે મોઢે સાંભળી રહી હતી, પણ વારંવાર ઘડિયાળ સામે જોઈ લેતી હતી. કલાકમાં મહેશ પણ આવી જશે. રસોઈનો સમય થવા આવ્યો હતો. પરંતુ સાસુજીને સાંભળવા પણ જરૂરી હતા. 

  

" આજે ઘરે ઘણા મે'માન આવવાના હતાં. મારા બા અને બેય ભાઈ પણ આવી ગ્યાં. મેં પણ મારો સામાન આગોતરો તિયાર કરી લીધો'તો. ખોળો ભરવાની બધી વિધિ પતિ ગઈ એટલે હંધાય મોટેરાંને પગે લાગીને તમારા બાપુજીની રજા લઈને હું બા અને ભાયુ હારે પિયર આવવા હારૂ નેકળતી'તી તયે તમારા બાપુજી એ ખડકીની ઓથે ઉભા રહીને મારો હાથ પકડી લીધો'તો, જાણે મને રોકવા માગતા હોય! સપ્પનની સાતીવાળા માણાની આંખમાં તેદી મેં આંહુડા ભાયળા પણ હું મુઈ હમજી નયને ભાયુ હારે હાલવા મંડી. આ અમારો સેલ્લો મેળાપ હતો, પસી ભવના વિજોગ થાવાના હતા ઈ કોણ જાણતું'તું! 

  ભાયનાં ઘરે હવે થોડી હરખાઈ હતી. ડેલીબંધ ઘર બનાયવું'તુ. આગળ મોટી ઓસરી, બે ઓરડા, રાંધણીયું, મોટુ ફળિયું- જેમાં નાના ફુલ છોડ દિપતા'તા. બા પણ રાજીપાથી રેતા'તા. અને મારા આવવાથી ઘરમાં બધાય રાજી હતા. પણ ખબર નય કેમ, મને હુવાણ નો'તી લાગતી, પણ 'હેળ આકરી સે' એવું હમજીને દાડા ટૂંકા કરતી'તી. 

   મને હામા બેહી ગ્યાતા(નવમો મહિનો) અને એક ગોઝારી હવારે મારા હાહરેથી એક ખેપિયો આયવોને મારા ભાયને એક કાગળ આપીને હાયલો ગ્યો… અને આખા ઘરમાં રડારોળ સાલુ થઈ ગઈ. બધાય મારી હામે જોતાં જાય ને છાજીયાં લેતાં જાય! મુંને કાઈ હમજાતુ નતુ કે આ બધું હું થાયસે? અને એકદમથી મારી માઁ મારી હામે આવીને બોયલા, 'અભાગણી....' 

  હા રમાવહુ, હું ભાગમાં (ભાગ્યમાં) ભમરો લઈને જનમી'તી. નાનપણમાં બાપ ખોયા, અને ભરજવાનીમાં ધણીના વિજોગ થ્યા. બાળોતિયાની બળેલી અને ભાગની ભમરાળી, કાયમની અભાગણી..... "


"અભાગણી" શબ્દ સાથે જ રમાનાં મનમાં કંઈક ઓગળવા માંડ્યું. એ 'કંઈક' છેક આંસુ બની તેની પાંપણે લટકી રહ્યું. તેણે હળવેકથી નજર ઉપર કરી ફરી તેના સાસુ સામે જોયું. ત્યાં લીંપાયેલી પીડા જોઈ તેનાં મનમાં પણ જાણે શારડી ફરી રહી! 


"ખોળો ભરીને હું માવતરે આવી એટલે મહેશનાં બાપુજી બાર ફળિયામાં ખાટલો ઢાળીને હુતા'તા. ધિરધારનાં ધંધામાં જુની અદાવતમાં રાતવરત આવી કોઈએ એમનું ખૂન કરી નાયખુ'તું. મને મળેલા અખંડ હેવાતનનાં આશિષ ખોટા પયડા, મારો સુડી સાંદલો (ચૂડી ચાંદલો ) નંદવાઈ ગ્યો."  


જાણે અત્યારે જ એ ખેપિયો આવ્યો હોય અને એ કાગળ અત્યારે જ હાથમાં આવ્યો હોય એમ સંતોકમાએ પોક મૂકી. રમા પણ જાણે એમનું દુઃખ અનુભવી રહી હતી. તેણે નાનકીને બાજુમાં સુવડાવી અને સંતોકમાનો બરડો પંપાળવા માંંડી. 


"બીજે દિ હવારે હજામ ઇની પેટી લયને આયવો. સમાજનાં રિવાજ પરમાણે મારા માથે મુંડન કરાવવાનું હતું, પણ મારી હાલત જોઈને સેવટે નક્કી થ્યું કે જે રીત રિવાજ કરવાના હોય ઈ હુવાવડ પસે કરવા. મુનેતો જીવતર અકારૂં લાગતુ'તું, પણ મારે જીવવાનું હતું...પેટમાં રહેલા જીવ હાટુ મારે જીવવાનું હતું. ઈ સોડી સે કે સોકરો ઇનાથી કાંઈ ફેર નતો પડતો. જી હોય ઈ મારા ધણીનો વારસદાર હતો."


ધીરે ધીરે સંતોકમાનાં અવાજમાં ખુમારી વધતી જતી હતી. 


"રમાવહુ, તમ કે'તાતા ને કે તમે માતર ફિલમુંમાં જ ગામડું ભાયળું સે. આજ કાલ ફિલમુમાં ગામડામાં ભરાતા મેળા,  સોકરીયુંને જોઈ પાવા વગાડતાં સોકરાવ, ઝાડવાની ફરતે ગાણાં ગાતા અને સાના સપના મળતા પેમલા, પેમલી બતાવેસે. પણ ગામડામાં જુની અદાવતમાં થાતાં ખુન, એની વાંહે રજળી પડતો પરિવાર, વારસાગત હાલતું વેરઝેર, હાવ નાની સોકરીયુનાં બિજવર હારે થાતાં લગન અને હજીતો ઉગીને ઉભી થાય ઈ પેલા આવતો રંડાપો, પાનેતર પેરવાની ઉંમર થાય ઈ પેલા જ માથે નખાતું પોત, અને ઈ હંધાય દુઃખનો ભાર વેંઢારીને જીવતી અસ્તરીની વેદના પણ ભારોભાર ગામડામાં જોવા મળે સે." 

 

  રમા તો ગામડાનું એક અલગ રૂપ જોઈને અવાક બની ગઈ હતી. થોડીવાર સુધી મૌનનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું એટલે રમા પૂછી બેઠી, 


"પછી શું થયું માઁ?"


 " પસી, વખત આવ્યે મને પેટમાં દુખાવો સાલુ થ્યો, મારો ભાય જઈને હુયાણીને લઈ આયવો. હાંજ હુધી કહટાણી તયે સુટકારો થ્યો'તો. અને મારી કુખે દિકરાનો જનમ થયો. કટમ્બનો વારસદાર જનમ્યો, પણ ઈ મોર વારસો દેનારા અમને રોતા મેલીને હાયલા ગ્યા'તાં. બાપ-દિકરાએ એક બીજાનું મોઢુંય જોયું નો'તુ. 

   એમ કરતાં મહેશ છ મૈનાનો થવા આયવો અને એક દા'ડો મારા હાહરેથી ટપાલ આયવી. લખતા'તા કે હવે તમે ક્યો તઈ અમે આવીને મહેશને તેડી જાઈ. બવ વહમી વેળા હતી ઈ મારા જીવતરની. 

    મારી કરતાં વધારે તો મારી બા મુંઝવણમાં હતાં. અને આવી પરિસ્થિતિમાં મારૂ ધાવણ હોત હુકાઈ ગ્યુતું. મહેશને બકરીનું દૂધ પાઈને મોટો કરતા'તા. પણ મારા મનમાં મહેશને મારૂં દુધ નય પાયાનો વસવસો કાયમી ઘર કરી ગ્યો'તો. એક અધુરપનો અનુભવ થયા કરતો'તો. હું મારા દિકરાને અળગો કરી જીવી નય હકુ એમ મે મારા હાહરે સંદેશો મોકલી દીધો. અને ભગવાનની મે'રબાની તે બધા માની ગ્યા."


રમાએ અનુભવ્યું કે આ સાંભળતા જાણે તેનો શ્વાસ હેઠો બેઠો.. સંતોકમા તો અનંતમાં તાકી રહ્યા હતા. જાણે વીતેલી ક્ષણો ફરી જીવી રહ્યા હતાં! 

 

" એક દા'ડો મહેશ રમતા રમતા વાંહેના ફળિયામા રેતા શામજીઆતાના ઘરે પૂગી ગ્યો, હું વાહે જ જાતી'તી અને મારા કાનમાં શામજીઆતાનો અવાજ હંભળાણો, કદાચ એના સોકરાને કેતા હોય એવું લાયગુ, ' રમાડ, બસારો નબાપો સે, અભાગિયો…' મારી બા પણ ત્યાં જ હતાં, એ મારી હામું જોઈ ર્યાં ને હું બવ રોવા મંડી. બીજું કરૂય હુ? પણ મારી બા... 

બાએ બીજા દિ ની હવારે મને બાવડું ઝાલીને બેઠી કરી, જાણે મને દુનિયામાં જીવવાની શીખ દેવા તિયાર થ્યાતાં. અને ઈ મા મટીને માસ્તરાણી બની ગ્યાં. એક આકરા માસ્તરાણી. અને મારી ને મહેશની જીંદગી જાણે બદલી નાખી. અમને બસારા અને અભાગિયામાંથી દુનિયાને ઠોકર મારતાને વટથી જીવતા હિખવાડી દીધું. 

ધીરે ધીરે મહેશ પણ હમજણો થતો ગ્યો. એને નિહાળે ભણવા બેહાડ્યો. ઈ ભણવામાં હુંશિયાર હતો, અને ભેગા દુનિયાદારીની હમજણ પણ લેતો ગ્યો. એમ કરતાં હાત ધોરણ પાસ કરી લીધા. 

 એક વખત મુંબીથી (મુંબઈ) કાકા હાહરા , ગામ અમને મળવા આયવા. મહેશની હુંશિયારી જોઈને એણે મુંબી ભેળો લઈ જાવાની વાત કરી અને અમને બેયને મુંબી લઈ આયવા. આમ વખત વિતતો'તો. કાકાનો સાથ અને મહેશની આવડત અને મે'નતનાં લીધે આગળ વધતા ગ્યા. તમારા લગન લેવાણા પસેનું તો હંધુય તમે જાણોસો. તમારો સુખી સંસાર જોઈ મારી આંયખ ઠરતી'તી પણ મારા મનમાં રહેલી અધુરપ મને કોરી ખાતી'તી. કે'વાય પણ નય ને હેવાય પણ નય જેવી હાલત હતી મારી."


સંતોકમાએ સ્હેજ અચકાતાં નાનકીનાં માથે હેતાળ હાથ ફેરવ્યો. રમાએ પણ એમને રોક્યા નહી, એટલે હિંમત કરી અંતિમ સત્ય કહી જ દીધું. 

 

" રોજ હાંજે બે તણ કલાક હુઈ રેતી નાનકી, આજે તમે બકાલું લેવા નેકળ્યાને ઘડીકમાં જ ઉઠી ને કજીયે સડી ગઈ, કેટલા વાના કર્યા પણ સાની રેવાનું નામ નોતી લેતી. એને તેડીને ઉભી'તીને એનો હાથ અજાણતા મારી છાતી ઉપર અડી ગ્યો અને મારા હૈયે હંઘરાયેલી અધુરપે મને જંજોડી નાખી, અંદરથી એક ઝબ્બર ઉસાળો ચયડો, જાણે કાંઈ ઓગળવા મંડ્યુ, અને મને પણ ખબર નો રય ક્યારે મેં નાનકીને મારા થાને વળગાડી દીધી. એ સરગાપરીનો આનંદ… ભાન તો તંઈ આયવું જ્યારે તમે રાડ પાડી. મારી ભૂલ થઈ સે પણ હવે એવું નય થાય."


સંતોકમા બે હાથ જોડી રમાને વિનવી રહ્યા. નાનકીનો વિયોગ એમનાથી સહન થાય એમ નહોતો.અચાનક રમાનું ધ્યાન આટલા અવાજમાં પણ એકદમ શાંતિથી સુઈ રહેલી નાનકીનાં માસુમ ચહેરા ઉપર ગયું. એક ચમત્કાર હતો-એનાં ગુલાબી હોઠ જાણે હજુ પણ અમ્રુતપાન  કરી રહ્યા હોય એમ દુધથી તરબતર હતાં અને સાસુજીનાં ચહેરા પર પરમ સંતોષ! 

  આજે સંતોકમાની અધુરપ છંડાઇ ગઈ હતી. એમનાં હૈયે પુર્ણતાનો સંતોષ છવાયેલો હતો.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ