વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુજરાતી ભાષામાં લેખનશુદ્ધિનું મહત્ત્વ અને સૂચનો

જીપીએસસી સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા   અને લેખનમાં સફળતા ઈચ્છતા યુવામિત્રો માટે ભાષાશુદ્ધિ, લેખન અંગે  કેટલાંક પ્રાથમિક સૂચનો, જેના થકી લખાણ વધુ વાચનક્ષમ બનશે, વધુ લોકો વાંચશે


- લાંબું લખાણ સળંગ એક જ ફકરામાં હોય તેને બદલે વધુ ફકરા પાડો. બે ફકરા વચ્ચે એક space મૂકો. વાચકની આંખોને ઓછો શ્રમ પડશે, વિરામ મળશે, શ્વાસ લેવાની જગ્યા રહેશે.


- મનફાવે ત્યાંથી ફકરા ન પાડો. મુદ્દો બદલાય ત્યારે ફકરો બદલાય, અથવા એક લાંબા મુદ્દાના અનેક વિચાર-તંતુ હોય તો તેમાં એક તંતુ જ્યાં સ્વાભાવિક રીતે ખતમ થતો હોય (જ્યાં તમને પણ શ્વાસ લેવાની જરૂર મહેસૂસ થાય) - ત્યાં ફકરો પાડો.


- ક્યાં અલ્પવિરામ (,) આવે, ક્યાં પૂર્ણવિરામ (.) આવે, ક્યાં ડેશ (-) સેમિકોલન ( ; ) ઓબ્લિક (/) પ્રશ્નાર્થ (?) કે આશ્ચર્યચિહ્ન (!) આવે કે મૂકવાથી વધુ અસરકારક બને એ પણ જાણવું જોઈએ. આમાંથી ડેશ અને ઓબ્લિકને બાદ કરતાં બાકીનાં  ચિહ્નો વાક્યના  છેલ્લા શબ્દ સાથે space વગર જોડાયેલાં  જ મૂકવાં જોઈએ. એ છૂટાં-છવાયાં વેરાયેલાં પડ્યાં હોય તો વાચકને લખાણ પણ વેરાઈ ગયેલું લાગે છે.


- આ બધું સમજવા માટે પ્રસ્થાપિત લેખકો કે માધ્યમોનાં છપાયેલાં/બ્લોગસ્થ લખાણો અભ્યાસુ નજરથી જુઓ. લખાણો માટે વ્યાકરણ સિવાયના કોઈ નિયમો નથી, દરેકની શૈલી જુદી હોય છે; પણ આવી સામાન્ય શિસ્ત જાણ્યા સમજ્યા પછી જ તે બાબતે સાહસિક પ્રયોગો થઇ શકે. ભૂલો થાય એ પ્રયોગો નથી.  


- શબ્દ સાથે જોડાતી વિભક્તિ , એટલે કે નો/ની/નું/ના, એ/થી/માં વગેરે પ્રત્યયો શબ્દથી જુદા પાડીને ન લખો, જોડેલા લખો. દા.ત. ભગવાનની, વરસાદનું, સભ્યએ, ઘરમાં... વિ.


- બોલી અને લેખિત ભાષા બેઉ જુદી વસ્તુ છે. બોલચાલમાં અપભ્રંશ થયેલું ઘણું હોય છે. જેમ કે આપણા-નું 'આપડા', આમાંથી-નું 'એમોંથી', હવે-નું હવ, છે-નું 'સે' વિ. લખાણમાં બોલી અભિપ્રેત ન હોય તો ચોખ્ખી લેખિત ભાષાના શબ્દો જ વાપરો.


* નોંધ : આ કંઈ લેખન માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા નથી, પણ 'આટલું તો કરો' એ પ્રકારની અપીલ માત્ર છે 😊... અને હા, જે સભ્યો હજુ વાંચે જ છે અને લખતા નથી, પણ લખવા માંગે છે - તેના માટે પણ એક સાદું સૂચન છે : બસ, તમારે કયા મુદ્દે 'શું કહેવું છે' તે મનમાં નક્કી કરો અને તમારા મિત્રને એ વાત બોલીને કહેતા હો એમ જ લખવા માંડો. બાકીનું પછી જોયું જશે. 😇


સૌજન્ય : ✍️કિરણ ત્રિવેદી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ