વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આંખોના શમણાં આંખોમાં સમાણા


         આંખોના શમણાં આંખોમાં સમાણા

            રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'



આંખો ,નયન ,લોચન ,નેન ,નેના જે કહો તે ચાલે.           


         આંખોથી જ કુદરતની સુંદરતા જોઈ શકીએ છીએ,એ  આંખો જ છે જે કેટલાય સપનાઓ જોવે છે અને દિલ એની પાછળ દોડયું જાય છે અને આ સપના તૂટી જાય ત્યારે આંખો ચોધાર આંસુડે રડવા લાગે છે. આંખોને જે એકવાર ગમી જાય ,આંખોમાં જે એકવાર વસી જાય તે સીધા દિલમાં ઉતરી જાય છે.અને એ ન મળે ત્યારે  આંખોમાથી દર્દનો દરિયો વહેવા લાગે છે.અને માણસ આંખો ના શમણાં પૂરા કરવા ગમે તે કરવા તૈયાર થઈ જાય છે.

     એવી જ આ વાત આંખોએ જોયેલા શમણાની છે.

     બા એ બા. રોંઢા નું ભાથું તૈયાર કર્યુ કે નહી?

હા બેટા બસ તૈયાર જ છે.બા રોંઢાનું ભાથું આપે છે અને ગોપાલ હાથમાં લાકડી લઈ ખભે ખેહ નાખી ગાયો ચરાવા નિકળી જાય છે.

      આ ગોપાલનો રોજિંદો ક્રમ ભાથું તૈયાર કરી આપે અને ગોપાલ તેને લાકડીના એક છેડે બાંધી ખભે લાકડી નાખી ગાયો ચરાવવા નીકળી જાય.

    એક દિવસની વાત છે ગોપાલ પોતાની ગાયોને લઇને નદીના સામે કાંઠે આવેલા ગામની સીમમાં ચરાવવા જાય છે, ગાયોને ચરતી મૂકી ગોપાલ એક પથ્થર પર બેઠો છે. ત્યાં નદીના કાંઠે એને કોઈનો અવાજ સંભળાય છે, ગોપાલ નદીના કાંઠે જઈને જુએ છે તો પાણી ભરવા આવેલી બે સહેલીઓ વાતો કરતા કરતા પાણી ભરી રહી છે.

          અરે રતન! તારા લગ્ન તો નાનપણમાં થઈ ગયેલા અત્યારે તારો ઘરવાળો કેવો લાગતો હશે તે એને જોયો છે?

        ના રે રૂપલી! દસ વર્ષ પહેલા લગ્ન થયેલા અત્યારે તો મને કાંઈ યાદ પણ નથી,કેવા લાગતા હશે એ તો  રામ જાણે?

    બંને સહેલીઓ આવી વાતો કરી રહી છે,પાણીનો હાંડો માથે મૂકી બંને પાછી વળે છે રસ્તામાં ગોપાલ ઉભો છે .ગોપાલ ની નજર રતન પર પડે છે અને રતન ની નજર ગોપાલ પર. બંને ની આંખો ચાર થાય છે અને જાણે ભવોભવના ભેરુ હોય તેવો એકબીજાને ભાવ થાય છે.


મુ મન લાગી તુમના, તું મન લાગી મુ.

      

બંને એકબીજાને જોતા રહી જાય છે, અને  કોઈ નવી દુનિયામાં ખોવાઈ જાય છે 

              રતન એ રતની.ચાલ ને! મોડું થાય છે ,ક્યાં ખોવાઈ ગઈ, રૂપાના એવા શબ્દો કાનમાં પડતા રતન ભાનમાં આવે છે અને ગામ ભણી ચાલવા લાગે છે.

     શું જોતી હતી ? કોઈ પરદેશી ને એ રીતે જોવાય !રૂપા રતન ને ટકોર કરે છે.

      કાંઈ નહિ .ચાલ હવે જલ્દી પગ ઉપાડ!

ગોપાલ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી મીટ માંડી  જોતો રહે છે.

હવે તો બંનેનો આ નિત્યક્રમ બની ગયો ગોપાલ ગાયો ચરાવવા નદીના સામે કાંઠે જવા લાગ્યો અને રતન પણ એ દિવસના સમય મુજબ પાણી ભરવા આવવા લાગી.

      બંને એકબીજાને જોતા આંખો આંખોથી કેટલીયે વાતો કરી લેતા, બોલવાની એકેય ને  હિંમત થતી નહીં. હવે તો બંનેને એકબીજાને જોવાની આદત પડી ગઈ બંનેએ પોતાનો નિત્યક્રમ એ બનાવી લીધો. બંને એ આંખો આંખોમાં કેટલાય શમણાં સજાવી લીધા.

    

એક દિવસ ગોપાલ પોતાની બા ને કહે છે.


બા એ બા! મારે તને એક વાત કરવી છે.

બોલ ને બેટા શું કહેવું છે?

કંઈ નહિ બા પછી વાત.


  એમ કહી ગોપાલ પાછો ગાયો ચરાવવા ઉપડી જાય છે પણ આજે રતન તેને જોવા મળતી નથી. ગોપાલ આખો દિવસ રતન ની રાહમાં નદીના કાંઠે બેસી રહે છે સુરજ ભાણ પોતાના ઘરે પાછા જતાં રહે છે પણ રતન આવતી નથી.

   એક દિવસ, બે દિવસ ,ત્રણ દિવસ વીતી જાય છે પણ રતન જોવા મળતી નથી. ચોથા દિવસે રૂપા નદીના કાંઠે પાણી ભરવા આવે છે ગોપાલ તેને રતન વિશે પૂછે છે.

   આવતા હોમવારે રતનીનું આણું તેડવા આવે છે એટલે રતન હવે નહિ આવી શકે.એવું કહી રૂપા ચાલતી થઈ જાય છે.

       રૂપા ના મોઢે આ શબ્દો સાંભળી ગોપાલ નાતો જાણે બારેય વહાણ ડૂબી જાય છે.

      ઠાકરે જાણે એનું ભવોભવનું ઠેકાણું છીનવી લીધું હોય એવુ ગોપાલ ને લાગવા માંડે છે.

        તેનું મન હવે ક્યાંય લાગતું નથી.

બે દિવસ પછી ગોપાલ નદીના કાંઠે આવેલા પથ્થર પર બેઠો છે. અચાનક રૂપા હાફળી-ફાફળી ત્યાં આવી પહોંચે છે.

     રતન !રતન!

     શું થયું!રતનને?

રતને  કટારી ખાઈને પોતાનું જીવન......

       રૂપા ના મોઢે આટલા વેણ સાંભળીને ગોપાલ ના પગની નીચેથી જાણે ભો સરકી જાય છે.

ગોપાલ ઢગલો થઈને ત્યાં ને ત્યાં ઢળી પડે છે

થોડો વખત વીત્યા પછી ગોપાલ સ્વસ્થ થઈ ઘર ભણી જાય છે.

     આવી ગયો બેટા !

સાંભળ!

     ગોપાલ કાંઈ પણ સાંભળ્યા વિના પોતાના ઓરડામાં જતો રહે છે.

         ગોપાલ !ગોપાલ ! બેટા બે દિવસ પછી હોમવારે તારી વહુનું આણું તેડવા જવાનું છે,

એમ કહેતા કહેતા બા ઓરડામાં જઈને જુએ છે તો.......


સમાપ્ત.


રચયિતા-અશોક પેથાણી 'સ્નેહી'


     

     

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ