વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નટુની નટાયણ

નટુની નટાયણ


નટુ હમણાંથી બહુ ઉદાસ રહેતો હતો. ઓધાકાકાની અસ્મિતા પાછળ લટુ થયા પછી કાકાએ કહેલા કટુ વચન તો તેણે સહેલા અને પડેલા મેથીપાકથી આંખમાંથી આંસુ પણ વહેલા....


 ગામની વચ્ચોવચ્ચ ઓધાકાકાની પાનની દુકાન હતી. ખાનપાન અને ગાનનો શોખીન નટુ ઓધાકાકા ન હોય ત્યારે જ પાન ખાવા જતો; કારણ કે એ વખતે એમની સ્મિત ફરકાવતી અસ્મિતા કે જે ગોળ મોઢાવાળી, લાંબા ચોટલાવાળી, લંબગોળ આંખોમાં કેફ વર્તાવતી કાળી કીકીવાળી માદક માનુની હતી. એના ગળા નીચેની લપસણી ભોં પરથી નટુની નજર લસરી જતી ત્યારે અસ્મિતા અમથી અમથી સ્મિત વેરીને નટુને ઘેરી લેતી..!!



   મોટેભાગે ઓધાકાકા બપોર વચ્ચે કપાળમાં બામ ઘસીને વામકુક્ષી કરવા જતાં રહેતા ત્યારે એક કલાક પૂરતી અસ્મિતા દુકાન સાચવી લેતી. એ વખતે દુકાન, દુકાન મટીને બાગ બની જતો અને આખી દુકાનમાં ગુલાબના ફૂલો ખીલી ઉઠતાં. ઓધાકાકાના 'ઘેરથી' જે કાળીકાકી હતાં એ આ બાગના માળી હતા. જો કોઈ ફૂલ સૂંઘવા આવે તો ધોકાવાળી કરી નાંખતા.



 નટુએ ધીમે ધીમે બપોર વચ્ચેના એ એક કલાકમાં અસ્મિતા નામના ફૂલની સુગંધ લેવાનું શરૂ કરેલું.


 આખો દિવસ ઓધાકાકા જેટલા પાન વેચતા એટલા આ એક કલાકમાં અસ્મિતા વેચી નાખતી.


"બોલો..તમારે શુઉં જોવે સે? પાન જોવે સે કે માવો? સાદું તો રોજ ખાવ સો આજ તમાકુ અજમાવો. જો સાદું ખાવું હોય તો તૈયાર મળશે. બોમ્બેટાઇપ મારા ભાભી માટે લઈ જજો...ખુસ થઈ જહે. તમાકુ ખાવી હોય તો એકસો વીસ જેવી મજા નહીં. ખાવ અને ખવડાવો એકસો વીસ.ઉતરી જસે રીસ...પાંત્રીનો ખાવો હોય તો સોપારી વાંત્રીને નાખું. પસી જોવો જમાવટ. આંયખું ઝબકારા મારે ને જીભ લબકારા મારે તો જ બકે..આ અસમિતા બોલે અટલે બોલે..હોલે... હોલે... હોલે..." 


 શોલેની બસંતીની જેમ એક મિનિટ પણ એ મૂંગી રહેતી નહીં. એના હાથ પણ એવા ફટાફટ ચાલતા કે ઘડીકમાં તો આઠ-દસ ઘરાકને રવાના કરી દેતી. નટુ જેવા ઘણા બટુઓએ ત્યાં લટુ થવા લાઇનો લગાવી હતી. એ બધાય એમ જ માનતા કે અસ્મિતા મને જ 'લાઇન' આપે છે...!


"પાન આલતી વેળાએ ઇવડી ઈણે આજ તો મને સાય કરીન ઇની આંગળીયું મારી આંગળીયું હારે અયડાડી, બોયલ નટીયા.

તમે હંધાય ભલે નિયાં કણે ટીંગાવ પણ ઈવડો ઈ માલ તો આપડો જ સે..હે હે..." નટુના કહેવા પૂરતા દોસ્ત ચમને એક દિવસ પાન ચાવતા ચાવતા નટુના બે પગ વચ્ચે પિચકારી મારીને કહ્યું.


  એક તો પોતાની પ્રાણપ્યારીની આવી અણગમતી વાત કરી અને પોતાના પગમાં પિચકારી મારી એટલે નટુનો પિત્તો છટક્યો.


"હવે હાલી સું નીકળ્યો સો..પાન દેતી વખતે ભૂલમાં તો ઈ હંધાયને અડે.. આમ વેતીનો થા વેતીનો..અને કોઈને આવું નો કે'તીનો. અસ્મિતા તારી જેવા પોદળા ઉપર પગય નો મેલે...હું કાંય મરી નથ્થ જીયો, હમજ્યો?"


  નટુને આવી જીભાજોડી ઘણા બધા સાથે થતી રહેતી. અસ્મિતાને તો બિચારીને એના થકી ગામમાં લાગેલી આગનો અણસાર પણ નહોતો.

  

 દિન પ્રતિદિન અસ્મિતાને પોતાનો જ 'માલ' સમજવાવાળા ઉમેદવારો વધતા જતા હતા એટલે નટુને હવે ઉતાવળ કરવી પડે તેમ હતું. નટુ દુકાને પહોંચે એ પહેલાં તો પાન ખાવાવાળા ટોળે વળી જતા. એમાં નટુને પ્રેમનો એકરાર કરવાની તક મળતી નહીં.


 નટુએ દુકાન સિવાયના સમયે અસ્મિતાને મળવાનું નક્કી કર્યું. ઓધાકાકાની ખડકી સામે એક ઓટલો હતો.


 "જો આ ઓટલે  કલાક બે કલાક બેહું અને ઇ વખતે અસ્મિતી બાર્ય નિહરે તો ઇની હામું જોઈને દાંત કાઢું..પસી ઈય દાંત કાઢે તો આય લવ યુ કય દેવાય.'' મનોમન એમ વિચારીને ચાલુ કારખાને ''મજા નથી''નું બહાનું કાઢીને નટુ ઓધાકાકાની ખડકી સામેના ઓટલે બિરાજમાન થવા આવી ચડ્યો. ખડકીવાળો ખાંચો વળ્યો ત્યાં તો એ આખો ઓટલો રોકાયેલો હતો. ચમનો, રાઘવો,દિયાળીયો અને મન્સુકો...આ બધાય માવા ચડાવીને ખડકી ખુલવાની વાટ જોઈને બેઠા હતા. નટુને આવેલો જોઈ મન્સુકો બોલ્યો,


"અલ્યા એક વયધો. આના નાકમાં તો હજી શેડા ભર્યા સે અને આપડી હાર્યે હરિફાયમાં ઉતર્યું. અય નટીયા...ઘરભેગીનો થા. આંય તારે બેહવાનું નથ."


"હું કાંય આંય બેહવા નથ આયો. આ તો હું આંયથી નિહર્યો. હું તો ઘરે જ જવ સુ." નટુને મન્સુકાએ એકબે વાર ધોયેલો એટલે એનાથી નટુ ડરતો હતો.


"પણ તારું ઘર તો આમ ઓલી બાજુ સે. તો આંય સુ લેવા નિહર્યો? હાચું બોલ્ય આ ઓટલે બેહવા આયો'તો ને..?" દિયાળીયાએ દાણો દબાવ્યો.


"ના, ના..મને તો મારા બાપાએ 

અરજણકાકાના ઘરે કામે મેકલ્યો સે..હું તો અરજણકાકાના ઘરે જાતો તો." નટુએ પેલા લોકોને ગળે ઉતરે એવું બહાનું કાઢ્યું. કાંઈ કામ નહોતું તોય એ ખાંચામાં આવેલા અરજણકાકાના ઘરમાં ઘૂસ્યો.


અરજણકાકાની ખડકીના બારણાં ખુલ્લા જ હતા. નટુ હળવે રહીને ફળિયામાં ગયો. ફળિયું સૂમસામ હતું.નટુને નવાઈ લાગી.

"માળું... ચીમ ઘરમાં કોઈ સે નઈ...."

એમ વિચારતો એ આગળ વધ્યો.


 અરજણકાકાની ઓસરી પૂરી થાય ત્યાં બાથરૂમ હતું. અરજણકાકાને એ બાથરૂમને બારણું ચડાવવાનો મેળ પડેલો નહીં. કડવીકાકી કામકાજ પતાવીને બાથરૂમના દરવાજામાં કપડાંની આડશ કરીને નાહી લેતા.


 નટુ આવ્યો ત્યારે એ નાહવા ગયેલા અને અરજણકાકા ઢાળિયામાં કંઈક સમુંનમું (સરખું) કરતા હતા.


 નટુનું ધ્યાન ઢાળિયામાં જાય એ પહેલાં બાથરૂમના દરવાજાની ગરજ સારતું પેલું કપડું હલ્યું અને અંદર પાણી ઢોળાવાનો અવાજ આવ્યો.


 નટુને એમ કે નળબળ ચાલુ રહી ગયો હોય તો બંધ કરી દેવાની મારી ફરજ છે; જેથી અરજણકાકાનું મોંઘા ભાવનું પાણી ઢોળાતું બચે. નટુએ ઉતાવળી ચાલે પેલો પડદો ખસેડયો.


"હાય...મુવો કોણ આંય ગુડાણો...ચ્યાં મરી જ્યા રમણીયાના બાપા. આ જોવો બાથરૂમ હુંધી તમારો ડોહો કોક પોગી જ્યો." કડવીકાકીએ મોઢે દીધેલા સાબુને કારણે માંડમાંડ આંખ ઉઘાડીને કાળો કકળાટ કરી મૂક્યો.

 

 નટુએ પરિસ્થિતિ પામી જઈ મુઠ્ઠીઓ વાળી. ખુલાસો કરવાનો સમય હતો નહીં.કડવીકાકી ઊંધું સમજ્યા હતા એ સવળું થાય એમ નહોતું. અરજણકાકાએ ભેંસ હાંકવાનું લાકડું ઉપાડીને નાસી જતા નટુના પગમાં ઘા કર્યો.


"ઊભો રે'જે..તારી માને આણું. કોકના બયરા ના'તા હોય ન્યા ડોકા કાઢવા ગુડાશ." કહી અરજણકાકો નટુની પાછળ દોડ્યો.


 પિંડીયું પર પેલું લાકડું આંટી ગયું હોવાથી નટુના પગમાં આંટી પડી ગઈ. નટુ ગડથોલિયું ખાઈને ડેલી આગળ પડ્યો. એ ઊભો થાય એ પહેલાં અરજણકાકો આંબી ગયો. કાકાએ ડેલી બંધ કરીને નટુને સારીપેટ ધોઈ નાખ્યો.


 નટુએ હાથપગ જોડીને અરજણકાકાના પગ પકડીને પોતે નળ બંધ કરવા ગયો હોવાનું ગળે ઉતારવા ઘણી કાકલૂદી કરી પણ અરજણકાકાને એની વાત કેમેય કરીને ગળે ઉતરી નહીં.


  અંતે પેશાબ અને પરસેવાથી નિતરતો નટુ માંડમાંડ ત્યાંથી ભાગ્યો. સાંજે નટુના બાપાએ અરજણકાકાની ફરિયાદ લઈને ફરીથી ઢીબ્યો.



નટુએ વિચારેલો આઇડિયા તો ચમન અને મન્સુકે ક્યારનો વિચારી લીધો હતો.

કારણ વગરનો ફજેતો થયો અને માર ખાવો પડ્યો હોવાથી નટુ નારાજ થઈ ગયો. રાત્રે સૂતી વખતે એણે પોતાના મગજને નવા આઇડિયા ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો.


  તે રાત્રે નટુના મગજમાં એક યોજનાએ જન્મ લીધો. બીજા દિવસે સવારના પહોરમાં જ નાહી ધોઈને નવા કપડાં પહેરી નટુ ઓધાકાકાના ઘરે ઉપડ્યો.


 ખડકીને જરાક ધક્કો મારતા જ તે ખુલી ગઈ. નટુ ધબકતા હૈયે ખડકીમાં પ્રવેશ્યો.


"કાળીકાકી તો વાડીએ જ્યા હોય,ઓધાકાકા દુકાનનો માલ લેવા બોટાદ ગિયા હોય..મારો માલ અતારે એકલો જ ઘરે હોય." એમ વિચારતો નટુ ફળિયામાં આવ્યો. એની ધારણા મુજબ અસ્મિતા એકલી ઓસરીમાં ખાટે બેસીને હીંચકા ખાતી હતી.


 "લે...એ...નટુભાઈ... સારું થયું તમે આવ્યા. હું ચ્યારની વિચારતી'તી કે આ માલ દુકાનમાં ચીમ લય જાવો..લ્યો હાલો સોટી પડો." અસ્મિતાએ ફળિયામાં પડેલા આઠ-દસ મોટા બૉક્સ બતાવીને કહ્યું.


   નટુ તો ખુશ થઈ ગયો. પ્લાસ્ટિકની પટ્ટીથી બાંધેલા એક બૉક્સને ઉપાડવા જતા નટુની કમરમાં કડાકો બોલ્યો.


"નય ઉપડે કે શું..? મને ઈમ કે....."

અસ્મિતાએ નટુને નબળો જાણી મોં બગાડ્યું એ જોઈ નટુ બળમાં આવ્યો...


"અરે શું નો ઉપડે..આવા તો સો ડબલા ફગાવી દવ." એમ કહી નટુએ ધ્રૂજતા પગે બૉક્સ ઉપાડીને ખભે ચડાવ્યું. 


"આવી જાવ..દુકાનમાં..." કહી અસ્મિતા આગળ ચાલી. નટુ લથડીયા ખાતો ખાતો દુકાનના દાદર ચડ્યો. અસ્મિતાએ બતાવેલા ખૂણા સુધી તો માંડ પહોંચાયું.


''જોજો હો હળવેથી ઉતારજો..માલીપા કાચની વસ્તુ સે." કહી અસ્મિતા છેટી ઊભી રહી.


  નટુને સવારે કરેલો નાસ્તો નીકળી જવાની બીક લાગી. માંડ એ બૉક્સને ખૂણામાં ઉતાર્યું.


''જરીક ધક્કો મારીને સરખું ગોઠવી દેજો.

લ્યો હાલો હવે બાર્ય.'' કહી અસ્મિતા ફળિયામાં આવી.પરસેવે પલળતો નટુ બહાર આવીને બીજા નવ બૉક્સ સામે જોઇને ધ્રૂજવા લાગ્યો.


" આ તો તમે આયા..નકર હું તો એકલી મૂકી દવ..આજ તો દહ જ સે.આવા તો પચ્ચી પચ્ચી બૉક્સ હું એકલી જ મેલી દવ." કહીને અસ્મિતા હસી.


નટુએ પોતાની સમગ્ર તાકાત એકઠી કરીને હાંફતા હાંફતા બીજું બૉક્સ ઉઠાવ્યું.


" ઓલ્યું મેકયું ઇની પાંહે જ મેલજો." કહી અસ્મિતા હીંચકા ખાવા લાગી.


  નટુ બીજું બૉક્સ મૂકીને આવ્યો ત્યારે પીસાયેલા શેરડીના સાંઠા જેવો થઈ ગયો. એના પગ ધ્રૂજતા હતા અને હાથ ખભામાંથી લબડી પડ્યા હતા.


"ચીમ થશે..? મેલી હકશો..? નો થાય ઈમ હોય તો રેવા દ્યો. હમણે ચમનભાઈ અને મન્સુકભાઈ આવતા જ હશે..ઈતો બેય બવ બળુકા સે..અતાર હુંધીમાં તો ઈ બધાય બૉક્સ મેલી દે..આમાંથી પાંચ તો માળિયામાં મેલવાના સે...." અસ્મિતાએ હીંચકો હલાવીને ડોક પણ હલાવી.


"હુંય મેલી દવ..ઈમ કાંય મોળો નો હમજતી..આ તો કોય દી' આવું ઉપાડ્યું નથી એટલે અનુભવ નો હોય. બાકી બળ તો બળદિયા કરતાય જાજુ સે." કહી નટુએ ત્રીજા બૉક્સ તરફ પ્રયાણ કર્યું.

  

   છેલ્લું બૉક્સ દુકાનમાં ઉતાર્યું ત્યારે નટુ પણ એ બૉક્સ પર ઢળી પડ્યો. એનાથી ઊભું પણ થવાતું નહોતું. કૂતરાની જેમ જીભ બહાર કાઢીને એ હાંફતો હતો. નવા નક્કોર પેન્ટ અને શર્ટ પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. બૉક્સની ધૂળને કારણે મેલાદાટ થઈ ગયા હતા.


  અસ્મિતા દુકાનમાં આવી. નટુને જોઈ એ ખડખડાટ હસી પડી.


"કેતા'તાને કે બળદિયા જેટલું બળ સે? બળદિયો કંઈ આમ બેહી નો જાય..હજી આ પાંચ બૉક્સ તો માળિયામાં સડાવવાના સે. ચીમ થાશે...? સડાવી હકશો?...નકર મન્સુકભાઈને બોલાવી લાવું."


 પલળી ગયેલા કાગડા જેવો નટુ કા.. કા...  પણ કરી શક્યો નહીં. સવારમાં એકલી જાણીને એકરાર કરવા આવેલો નટુ સાવ નાસીપાસ થઈને પડ્યો હતો.


અસ્મિતા તો મન્સુક અને ચમનને બોલાવીને પાંચ બૉક્સ માળિયામાં ચડાવવાનો કોન્ટ્રાકટ એને આપવાની વાત કરતી હતી. જો એમ થાય તો તો આટલી મહેનત પાણીમાં જ જાય ને?


"ઘડીક હાહ ખાવા દે...ટાઢું પાણી તો પા..હું આંય બીજા કામે આયો તો..ને તેં મને બીજા કામે વળગાડી દીધો..હેહ..હેહ..હેહ.." નટુથી હાંફતા હાંફતા આટલું તો માંડ બોલાયું.


"મન્સુકભાઈ તો હાહય નો ખાય. ઈ હોતને તો ચ્યારનું કામ પતી જયું હોય.આમને તો ટાઢું પાણી પીવું પડ્યું. લ્યો..આવા તે શું કામ કરી હકે." કહી અસ્મિતા પાણી લેવા ગઈ.


"તો કરાવી લે મન્સુક પાંહે..તોડવી નાખ્યો તોય ગણ નથી આને. નટિયા ઘર ભેગીનો થા. કમરનું મણકું ખહી જાહે તો જિંદગીભર વાંકુ હાલવું પડશે. પસી આ અસ્મિતા તો શું..ઓલી કાળી કાન્તુડીય હામું નઈ જોવે." નટુને એના શરીરે જવાબ આપી દીધો હતો. અસ્મિતા પાણી લઈને આવે એ પહેલાં એ ઉઠ્યો. એના પગ ગોઠણમાંથી વળી જતા હતા. માંડમાંડ એ ખડકી બહાર નીકળ્યો.


  સામા ઓટલે બેઠેલા મન્સુક અને ચમન નટુને જોઈને ખખડી પડ્યા.


"અલ્યા..આજ નટિયો ઘાએ સડ્યો.. બધાય ડબલા ફેરવી દીધા કે એક બે બાકી રિયા? માળિયા ઉપર તો નો જ સડાવી હક્યો હોય..ચીમ લાગે સે ચમન...?" કહી મન્સુકે ચમનને તાળી આપી અને નટુ તરફ માવાની પિચકારી મારી.


નટુ કંઈ પણ બોલ્યા વગર ચલાય એટલું ઝડપથી ચાલીને ખાંચો વળી ગયો. એને આવેલો નવો આઇડિયા પણ મન્સુક અને ચમનને પહેલા આવી ગયો હતો...!


  નટુએ હવે નવતર પ્રયોગ કર્યા વગર ચાલે એમ નહોતું. ડાયરેક પ્રેમપત્ર જ અકસીર ઈલાજ છે એમ એના મગજમાં વિચાર આવ્યો.

 

 નટુએ સુંદર અક્ષરે સરસ મજાનો પ્રેમપત્ર તૈયાર કર્યો. પત્રમાં દિલ દોરીને વચ્ચે 'નટવરલાલ' લખીને એક તીર એ દિલની આરપાર કાઢ્યું. એ તીર ઉપર અસ્મિતા લખ્યું. નીચે આવડે એવી પ્રેમની મીઠી મીઠી વાતો લખી. પત્ર પર અત્તરનો સ્પ્રે કર્યો. કવરમાં ગુલાબની પાંદડીઓ નાખીને પત્ર પેક કર્યો.


 "હવે આ પત્ર એકવાર અસ્મિતાના હાથમાં આવી જાય એટલે બસ..મન્સુકો અને ચમનો ભલે ખોખા ઉપાડે.. હું તો અસ્મિતાને જ ઉપાડીશ...!" એમ મનમાં મલકાતો નટુ પ્રેમપત્રને ખિસ્સામાં મૂકી બપોરે પાન ખાવા અસ્મિતાની દુકાને ઉપડ્યો. 


   અસ્મિતા અને કાળીકાકી માદીકરીના શરીરનો બાંધો એકસરખો જ હતો. બંને માદિકરી એકબીજાના ડ્રેસ પણ પહેરતા. પાછળથી જુઓ તો ખ્યાલ ન આવે કે કોણ અસ્મિતા છે અને કોણ કાળીકાકી...! 


 નટુ ગયો એ બપોરે અસ્મિતાની દુકાને કોઈ નહોતું. એ જોઈ નટુને પોતાનું નસીબ સાથ આપી રહ્યું હોવાનું પ્રતીત થયું.


  અસ્મિતા અવળું ફરીને કબાટમાં કંઈક વસ્તુ સરખી ગોઠવી રહી હતી. નટુએ ઝડપથી પેલું કવર કાઉન્ટર પર મૂકી દીધું અને કારખાના ભેગો થઈ ગયો.


"હા..આ..શ..! પ્રેમનો પેગામ પોંચી જીયો..હવે મન્સુકો ઝખ મારે સે...!" એમ મનમાં રાજી થઈ એ ઘંટીએ બેઠો.


"યાર આજે પાનનો મેળ નો પડ્યો. આજ આપડો માલ દુકાને નો'તો." નટુ બેઠો એટલે ચમન બોલ્યો.


"કોણે કીધું..અસ્મિતાને હું મળીને આયો..દુકાનમાં જ હતી." નટુએ કહ્યું.


"અસ્મિતા તો સવારે અમદાવાદ ગઈ સે..દુકાને તો કાળીકાકી હતા..તું ઈમને મળીન આયો...?" કહી ચમને હસીને મન્સુકને કહ્યું,


"એ મન્સુક...આ નટિયો કાળીકાકી પાંહે જીયાયો."


 મન્સુકો, દિયાળીયો, રાઘવો અને ચમનો ખખડી પડયા. નટુ તરત જ કારખાનેથી ભાગ્યો.


"પેલો પ્રેમપત્ર કાળીકાકીના હાથમાં આવી નો જ્યો હોય તો પાસો લિયાવું.'' 

 

 પણ બિચારા નટુને મોડું થઈ ગયું હતું. ઓધાકાકા કારખાનાની બહાર જ ભેગા થઈ ગયા. નટુને બોચીમાંથી પકડીને બે અડબોથ ઠોકીને ન દેવાની ગાળો પણ દીધી.



દેકારો થતા કારખાનું બહાર આવ્યું. મન્સુક અને ચમને માંડમાંડ ઓધાકાકાના હાથમાંથી નટુને છોડાવ્યો.


  હવે નટુએ પાન માવા છોડી દીધા છે...અને પ્રેમના મારગેથી પાછો વળી ગયો છે...!


(મમતા વાર્તા સામાયિકના સપ્ટેમ્બર -21 ના અંકમાં છપાયેલી હાસ્યવાર્તા..)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ