વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વહુની જાન

વહુની જાન......



        "લે હેંડ હવે... ઝટ પગ ઉપાડ.હવે ચાર ખેતરવા જેટલું જ સેટું રયું સે રામપુરા.ભળભાંખરું થવાની હવે બઉ વાર નથ.દી ઉજ્યા પેલાં જ ગામમાં ગરી જાયેં."

        ઈ તો તમે મરદ માણહ એટલે તમને બઉ થાક ના લાગે,આ આખીય રાત ખેતરાં વચ્ચે હેંડ હેંડીને પગ લોહીઝાણ થઈ જ્યા સે,કાંટાય મૂઆ અંદર બટકી જ્યા સે.મરે આવો પરેમ.તમને તે કંઈ દયા જેવું સે કે નઈ."

        "લે હેંડ તાણે,મારા ખભ્ભે બેહી જા,સેમ પુરી થાહે એટલે ઓલ્યા રામલા તળાવને આરે તને ઉતારી દેશ.તાં થી પસે તો એ નેરીયું વટો એટલે ડેલે પોંચ્યા જાણે."

               "ના રે ના.... થાચી સું પણ હજુ જોસ ઘણું સે મારામાં.... ગામડાની અસ્તરી સું,હાત હાત સોકરાં જણી નાખું એટલું જોર સે,લો હેંડ..હવે ઝટ પગ ઉપાડો."

       અને ધુડીએ હતું એટલું જોર કરીને પગ ઉપાડ્યા.

મગનો એને ફાટી આંખ્યે જોઈ રહ્યો.


ધુડી અને મગનો.....

             આમ તો બેય નોખા નોખા ગામનાં પણ બેય જણ છેક બાળપણથી એક અલગ જ દોરથી બંધાયેલાં હતાં.એ દોર હતી માનપુરા ગામ.ઘુડી માનપુરાના ધનજી પટેલની એકની એક દીકરી.ધનજી પટેલનું ખોરડું ગામમાં એક નંબરનું ગણાતું.ધનજી પટેલ પાસે પુરી દસ સાંતીની જમીન.વળી,ધનજી પટેલ છેલ્લા વીસ વરસથી માનપુરા ગામના સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા હતા.આ ધનજી પટેલના ખાસ ભાઈબંધ ધીરા પટેલની બેન મંસીને ગામથી દસ ગાઉ દૂર આવેલા રામપુરા ગામે પરણાવેલી.મગનો આ મંસીનો છોકરો એટલે એે આખા માનપુરા ગામનો ભાણિયો થાય.

    દર વેકેશનમાં મગનો જંગી ભેગો માનપુરા જાય અને જાય જ.મંસી તો અઠવાડિયું રોકાઈને રામપુરા જતી રહે પણ આખું ઉનાળું વેકેશન મગનો માનપુરામાં જ વિતાવે. પછી નિશાળ ખૂલે એટલે ધીરામામા એને રામપુરા મુકી જાય.ત્યાં માનપુરામાં એને મજા પડતી.ભાણાભાઈનાં આખાય ગામમાં અદકેરાં માનપાન.ગામનાં બધાંય પ્રેમથી બોલાવે અને લાડથી ખવડાવે પીવડાવે.એ અને એના ધીરામામાના છોકરાં અને આજુબાજુનાં શેરીનાં છોકરાં બધાંય ભેગાં થઈને આખો દાડો રમ્યા કરે.અડવા દા, થપ્પો,સાતેલી,પથરા દા,ગબી,કબડ્ડી,ખો-ખો....છોકરાં પાસે પાછો રમતોનોય પાર નહી.

      આ છોકરાં એટલે છોકરાં.... એમાં છોડીયુંય આવી જાય.ધનજી પટેલની ધુડચીય એની બેનપણીઓ ભેગી રમવા આવે.મગનાને ખબર નહી પણ કેમ નાનપણથી જ ધુડી એને ખૂબ ગમતી.એના ભાગમાંથીય થોડો ભાગ કાઢીને એ ધુડીને આપી દે,ધુડીને રમતમાં જાણી કરીને જીતાડી દે,ધુડી માટે બધાય જોડે બાઝી પણ લે.


                     ધીરે ધીરે સમય એની ગતિએ વહેતો ગયો.હવે મગનો મોટો થઈ ગયો હતો એટલે માનપુરા ખૂબ ઓછો જતો પણ નાનપણથી ધુડી તરફ જે લાગણી હતી એ હજુ પણ મનમાં અકબંધ હતી.ધુડી પણ મગનાને ઘણી વાર યાદ કરતી.હવે તો ક્યારેક અલપ ઝલપ જ મળવાનું થતું.ધુડી મગનાને જોતી અને શરમથી આંખો નીચી ઢાળી દેતી.મગનોય બસ ટગર ટગર એને જોયા કરતો.એ સમયે પ્રેમ પાછો સાવ આવો જ હતો.બંને એકબીજાને ગમતાં પણ સમાજની બીક એવી હતી કે એકબીજાને કહી શકતાં નહી.કદાચ એ જમાનામાં હજારો હૈયાં આ રીતે નંદવાયાં હશે.ધુડી અને મગનાનો પણ એ જ અંજામ આવ્યો.

                 આમેય બેયનાં સગપણ તો ઘોડિયામાં હતાં ત્યારે જ અલગ અલગ જગ્યાએ કરી નાખવામાં આવ્યાં હતાં.એ ટાણે એવો જ રિવાજ હતો.સમય થતાં ધુડીનાં લગન લેવાયાં.મગનો ધુડીનાં લગનમાંય ગયેલો અને ખૂબ નાચેલો પણ.બસ...આંખ પર ઈ ટાણે નવી નવી ફેશનનાં નીકળેલાં કાળા કલરના ગોગલ્સ ચશ્માં એણે એક ઘડીયે અળગા ન'તાં કર્યાં.ધુડી પરણીને એના સાસરે હરિપુરા જતી રહી.

            મગનાનોય વિવાહ કરવા એના બાપા ઉતાવળા થયેલા પણ મગનો હજુ 'ઓણ નહી પોર' એમ કહીને વાત ટાળતો રહેતો.એમને એમ બે વરસ વીતી ગયાં.

                  એવામાં મગનાની મામાની છોડીનાં લગન લેવાયાં.લગનમાં મગનોય માનપુરા ગયેલો અને ત્યાં એણે ધુડીને જોઈ.ધુડી પણ એની બહેનપણીના લગનમાં આવેલી.ધુઙીને જોઈને મગનાનો જીવ બળી ગયો.આ બે વરહમાં તો ધુડી સાવ સુકાઈને સાંઠીકડું થઈ ગયેલી.બંને વચ્ચે આંખો આંખોથી વાત થઈ અને બંને ત્યાંથી સરકી ગયાં.ધુડીના ઘરે એ ટાણે કોઈ હતું નહી.બધાં લગનમાં ગયેલાં.ત્યાં બંને જણ મળ્યાં અને ધુડીનાં આંખમાંથી બોર બોર જેવડાં આંસુ ટપકી પડ્યાં.ઘુડીએ મગનાને બધી વાત કરી.જીવણ હારે લગન કર્યા પછી એ હરિપુરા તો ગઈ પણ ત્યાં એના પર દુઃખના બાવળિયા ઉગી નીકળ્યા હતા.જીવણની દુનિયા જ આખી અલગ હતી. અહીંયાં પણ એ એકલી જ આવી હતી.મગને ધુડીનો હાથ ઝાલીને એટલું જ કીધું...

    "આજ રાત્રે અઢી વાગે આપણે રમતાં ઈ લેમડા હેઠે આવી જજે."

         બરાબર અઢી વાગે ધુડીએ પોટકું ઉપાડ્યું એટલે બાજુમાં સૂતેલી એની મા મંગીએ હળવેક રહીને પૂછ્યું,

        "અલી ધુડચી...દાડો ઉજી જ્યો ક સું? અન આ તું તારું પોટકું ઉપાડીને ચાં હેંડી.હજુ તો અડધી રાત જ થઈ લાગે સે."

               "એ તો બઈ,મારે જાં જાવાનું સે ને તાં જ હું

જઉં સું,મારી ચંત્યા ના કરતી કંઈ.એ તો થોડા દનમાં બધુંય સચવાઈ જાહે."

          મંગીએ ચૂપચાપ ધુડીનાં માથા પર હાથ ફેરવ્યો અને હળવેકથી બોલી "ખૂબ સુખી થાજે બટી,હું બધુંય સાચવી લઈશ." અને ધુડી ડેલીનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ.મગનો લીમડા હેઠે તૈયાર જ ઉભો હતો.

              આખું ગામ લગનના થાકથી થાકીને ભરપૂર નિંદર કરી ગયું હતું.બધી શેરીઓ સૂમસામ પડી હતી.

     અને પાંચ વાગતાં પહેલાં તો બંને જણાં રામપુરા ગામમાં છેક છેવાડે આવેલા મગનાના ખાસ ભાઈબંધ ચમનાના ડેલે પહોંચી ગયાં.ચમનો તો વરસોથી મુંબઈ રહેતો પણ એના ડેલાની ચાવી મગના પાસે જ રહેતી.

   મગનાએ ધુડીને કીધું,

         "હવે તારે પાંચ પંદર દાડા આ ડેલીની બાર પગ મેલવાનો થાતો નથી,બહાર હું બધું ફોડી લઈશ.આમાં પંદર દાડા ચાલે એટલું સીધું-સામાન છે જ."

         અને ડેલીને બહારથી તાળું મારીને મગનો પાછો માનપુરાના રસ્તે પડ્યો.આઠ વાગે તો એ એના મામાના ઘરે ચા પાણી કરતો'તો.

             આખાય માનપુરામાં સવારના પહોરમાં ગોકીરો મચી ગયો."અલી એય સમુડી,તેં હાંભર્યું કે નઈ! ઓલી મંગુની ધુડચી અડધી રાતે ચ્યાંક નાહી જઈ.બાપની આબરૂ પર શેણી મેલી શેણી." આખા ગામમાં ખૂબ ચર્ચા થઈ.ગામની છોડી આમ મધરાતે ભાગી જાય એ તો

ગામની નાલેશી થઈ કે'વાય.

                             ધનજી પટેલે ધુડીને ગોતવા ચારે બાજુ માણસો દોડાવ્યા પણ ધુડી હાથ ના આવી તે ના જ આવી.મગનોય બે ચાર દાડા ગોતવા ભેગોને ભેગો રખડ્યો.છેવટે બધાએ કંટાળીને ધુડીને ગોતવાનું પડતું મૂક્યું.જીવણે અને એનાં ઘરનાંએ ધણાય ધમપછાડા કર્યા પણ ધુડી રાતોરાત ક્યાં જતી રઈ એની કોઈને ખબર ના પડી તે ના જ પડી.

         આમને આમ એકાદ મહીનો વીતી ગયો.

             *************************

          રામપુરા ગામમાં અચાનક બુંગિયો ઢોલ વાગવા માંડ્યો.શંકો ઢોલી ઢોલ વગાડતો વગાડતો ગામના પાદર તરફ દોડતો હતો.ગામના બધા માણસો ઘરની બહાર નીકળી આવ્યા."શું થયું? શું થયું?,શાનો ઢોલ વાગે સે" કરતા બધા ચોરા વચ્ચે ટોળે વળી ગયા.કોઈને કંઈ વાતની ખબર ન'તી પણ ગામ માથે નક્કી આજે કંઈક આફત આવી હતી.શૂરવીર હતા એ બધા ઘરમાંથી જે પણ હાથ પડ્યાં એ હથિયાર લઈને ગામના પાદર તરફ દોડ્યા.કોઈના હાથમાં લાકડી તો કોઈના હાથમાં તલવાર હતી.કોઈ હાથમાં વળી બરછી તો થોડાક જણ પાસે કડીયાળી ડાંગ હતી.ચારે કોર હાકલા અને પડકારા થવા માંડ્યા.

            એ સમયે બહારવટિયાનો ભય ખૂબ રહેતો પણ રામપુરા ગામ પર હાથ નાખતાં બહારવટિયાય સત્તર વાર વિચાર કરતા એવી રામપુરા ગામની આકારીઠ છાપ હતી.આજે પહેલીવાર ગામ માથે નજર કરવાની કોકે હિંમત કરી હતી.

                     ત્યાં તો ગામના અણદા નાયીએ જાસો સંભળાવ્યો કે "સાબદા રેજો,અમારા હરિપુરા ગામની વઉ અને માનપુરા ગામના છોડી ધુડીને તમારા રામપુરા ગામનો મગનો સવેળી ભગાડી લાવ્યો છે.મગનાએ અમારા ગામની આબરૂ પર હાથ નાખ્યો છે.કાં તો ધુડી અને અમારા ચોર મગનાને અમને સોંપી દો કાં તો ધિંગાણા માટે તૈયાર રહો."

            ગામ આખું છક્ક થઈ ગયું.બધાના મનમાં એક જ પ્રશ્ન ઉઠ્યો...'અલ્યા મગનો આવું કરે?' ત્યાં તો મગનોય આ ગોકીરો સાંભળીને ત્યાં આવ્યો.એણે કહ્યું

"હાવ હાચી વાત સે,હું જ ધુઙીને લઈ આયો સું.અમે નાનપણથી ભેગાં મોટાં થયાં છીએ.એનો ભવ સુધારવો એ મારી ફરજ છે."

            ટોળામાં બે ભાગ પડી ગયા.અડધા બંનેને સોંપી દેવાની વાત કરતા હતા તો અડધા મગનાના પરાક્રમથી ખુશ હતા.છેવટે વાત ગામના પંચ પાસે ગઈ.મગનાએ પંચ સમક્ષ આખી વાત કહી સંભળાવી.ગામના સરપંચ માવજીબા તરત જ ઉઠ્યા.મગનાના ડેલે ગયા અને ધુઙીને એકકોર બોલાવીને ખાનગીમાં પૂછ્યું....

          "બોલ.. ધુડી,તારી શું મરજી છે."

       ધુડીએ માવજીબાના પગમાં પડીને કહ્યું...

"હવે મારે જીવવું તોય મગના હારે અને મરવું તોય મગના હારે... બીજા બધા ભાઈને બાપ."

      માવજીબાએ ધુડીના માથા પર હાથ મેલીને કહ્યું,

                 "સુખી થા દીકરી."

     અને માવજીબાએ પોતાનો ફેંસલો સંભળાવ્યો.  "ભાઈઓ,આજ જગતમાં પહેલીવાર વહુની જાન આવે છે.આપણે એની સારી એવી આગતાસ્વાગતા કરવાની છે."

            અને ગામ આખું એક થઈ ગયું.

        થોડીવારમાં તો 'અમારો ચોર લાવો....મગનાને હાજર કરો' એમ બોલતું હરિપુરા ગામના માણસોનું ટોળું રામપુરાના પાધરે આવીને ઉભું રહ્યું.સામે રામપુરાનું આવડું મોટું હથિયારબંધ ટોળું જોઈને હરિપુરાવાળાનું બધુંય જોશ બે ઘડીમાં જ ઓસરી ગયું.બધા શિયાવિયા થઈ ગયા પણ હવે પાછુંય કેમ જાવું?

          માવજીબા ટોળાની સામે ગયા અને હરિપુરાના માણસો સામે બે હાથ જોડ્યા.પછી ધીરે રહીને એ બોલ્યા

        "અલ્યા તમારામાંથી જીવણ કોણ છે?"


     "હું સું... હું સું..." પડકારા કરતો એક જણ આગળ આવ્યો ત્યાં તો માવજીબાના ડાબા હાથની એક ધોલ જીવણાના ગાલ પર પડી.જીવણો તમ્મર ખાઈને હેઠો પડ્યો.માવજીબા એની સામે જોઈને બોલ્યા...

             "તારામાં તાકાત ના હોય તો કોઈની છોડીનો ભવ ના બગાડાયને.....સાલા...બાયલા."

 

             *************************

              

          

       

  

         


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ