વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખતરાની છેલ્લી ઘંટડી!

                ગયા મહિને યુનાઇટેડ નેશનની એક સંસ્થા IPCC એ (Intergovernmental panel on Climate Change) જલવાયુ પરિવર્ત પર એક રિપોર્ટ દુનિયાની સામે રજૂ કર્યો -  Climate Change 2021 : The Physical Science Basis. આને IPCC ના છઠ્ઠા રિપોર્ટનું પ્રથમ પ્રકરણ કહી શકાય. આ રિપોર્ટ વિશ્વ માટે છેલ્લી ખતરાની ઘંટડી સમાન છે! પણ ખબર નહીં કેમ, વિશ્વના મોટાભાગના દેશો અને એની સરકારોના બહેરા કાન આ ઘંટડીનો અવાજ નથી સાંભળી રહ્યા! ખબર નથી પડતી કે એ લોકો આંખ આડા કાન કરે છે કે પછી કાન આડી આંખ! બધી સરકારો પોતપોતાના રાજકીય પક્ષોની રણનીતિ ઘડવામાં, આસપાસના દેશો સાથે સરહદી વિવાદોમાં અને મોટા  મોટા ઉદ્યોગ સ્થપવામાં અને વિરોધ પક્ષોને પછાડવામાં વ્યસ્ત છે! તો મિડિયા પાસે પણ રાજકીય ઊથપાથલો બતાવવામાં આવી જલવાયુ પરિવર્તન જેવી ક્ષુલક વાતો કરવાનો સમય નથી! ખેર, સૌપ્રથમ તો આ રિપોર્ટ શું છે? એ જોઈએ અને પછી એના કારણો, તારણો અને ઉપાયો તરફ આગળ વધીએ.


                    ઈ.સ. 1988 માં બનેલી IPCC નું કામ છે; વિશ્વના જલવાયુ પરિવર્તન સાથે સંબંધિત વિજ્ઞાનની આકારણી કરવી. જેને ઈ.સ. 2007 માં નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળ્યો હતો. આ સંસ્થા વખતોવખત જલવાયુ પરિવર્તન વિષે રિપોર્ટ રજૂ કરતી રહે છે.  અત્યાર સુધી આ સંસ્થાએ આવા કુલ છ રિપોર્ટ રજુ કર્યા છે. અને આ છેલ્લે આવેલો છઠ્ઠો રિપોર્ટ સમગ્ર વિશ્વને આ વેૈશ્વિક સમસ્યા પર ગંભીર વિચાર કરવા મજબુર કરે એવો છે! પૃથ્વીના સામાન્ય તાપમાનમાં થઈ રહેલા વધારાને આ જલવાયુ પરિવર્તનની સમસ્યા કહી શકાય. આપણા વાયુમંડળમાં રહેલા ગ્રીનહાઉસ ગેસો એ પૃથ્વી પરના જીવો માટે એક કવચ છે/સંજીવની છે. આ ગેસોનું એક નિશ્વિત પ્રમાણ જળવાઈ રહે છે એટલે જ તો પૃથ્વી પર જીવન સંભવે છે. પણ જો આ ગેસોના પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય તો આ જ સંજીવની આપણા વિનાશનું કારણ બની શકે છે. હાલમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એટલે કે લગભગ અઢારમી અને ઓગણીસમી સદી પછી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા વાયુની માત્રા સતત વધી રહી છે. એના લીધે પૃથ્વીનું કુલ સામાન્ય તાપમાન પણ વધી રહ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી આજ સુધી આ તાપમાનમાં 1 ડીગ્રીનો વધારો નોંધાયો હતો. જે હવે ઈ.સ. 2021 ના અંતમઆં 1.2 ડિગ્રી થવા જઈ રહ્યો છે. તાપમાનનો આ વધારો બરફના ગ્લેશિયર પિગળાવીને મહાસાગરોની સપાટી ઊંચી લાવે છે. સામાન્ય માણસને સવાલ થાય કે એક - બે ડિગ્રીમાં વળી શું ખાટુંમોળું થઈ જવાનું છે? પણ આ એકએક ડિગ્રી કેવા કેવા ભયંકર દુષ્કાળ, પૂર, હિટવેવ, અને દાવાનલ સર્જે છે એની આપણને કલ્પના પણ નથી હોતી!


                 પૃથ્વીના તપમાનને કાબુમાં લેવા એક લક્ષ્ય નક્કી થયું હતું. એ મુજબ ઈ.સ. 2050 સુધીમાં 1.5 અને આ સદી અંત સુધી આ તાપમાનનો વધારો વધુમાં વધુ 2 ડિગ્રી સુધી જ પહોંચવા દેવાનો હતો. પણ આ નવા રિપોર્ટ મુજબ તાપમાનનો વધારો પહેલાં પણ વધારે ગતિથી થઈ રહ્યો છે. હવે જો આ ગતિ મુજબ હિસાબ કરીએ તો આ સદીના અંતે એ 3 ડિગ્રી સુધી પહોચે એમ છે! એ પણ આ જ ગતિ રહે તો, પણ વધારાની ગતિતો દિવસે દિવસે વધી રહી છે! એટલે જ આ રિપોર્ટ ખતરાની છેલ્લી ઘંટડી સાબિત થાય છે. જો આ અનુમાન મુજબ ચાલીએ તો સદીના અંત સુધીમાં વિશ્વના કેટલાય શહેરો સમુદ્રમાં ડુબી જશે! શહેરો તો ઠીક કેટલાક ટાપુ પરના ટચુકડા દેશો પણ આ મહાસાગરોમાં ગરકાવ થઈ શકે છે! આ તો થઈ ભવિષ્યની વાત, પણ પૃથ્વી પર હાલમાં પણ આની અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયા અને એમોઝોનના જંગલોની આગની વધતી ઘટનાઓ, જર્મની અને ચીનના ભયંકર પૂર અને ઈરાનનો દુષ્કાળ એના ઉદાહરણો છે. જલવાયુ પરિવર્તનથી ક્યાંક પૂર અને ક્યાંક દુષ્કાળ, ક્યાંક અતિ ગરમી પડે તો ક્યાંક સખત ઠંડી એવી ઘટનાઓમાં સતત વધારો થતો રહે છે.


                  થોડા સમય પહેલાં કેનેડાના બ્રિટિશ કોલમ્બીયાના એક ગામ લાઇટોનમાં (Lytton) 49.6 ડિગ્રી જેટલું અધધ તાપમાન નોંધાયું! એ કેનેડા કે જે વિશ્વમાં સૌથી ઠંડો દેશ ગણાય છે. કેનેડાના આ ગામમાં સામાન્ય રીતે સરેરાસ વધુમાં વધું 28 અને ઓછામાં ઓછું -20 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય છે. આપણને ભારતવાસીઓ માટે કદાચ એટલું તાપમાન સહન થઈ પણ જાય પણ ત્યાંના લોકો માટે? અતિ મુશ્કેલ. સતત ગરમીથી રોડ-રસ્તા ફાટી ગયા અને નજીકના જંગલમાં આગ ફાટી નીકળી અને આ આગમાં મોટાભાગનું ગામ બળીને ભષ્મ થઈ ગયું! આપણે અહીં રાજસ્થાનના રણમાં બરફ પડે અને કાશ્મિરમાં ભયંકર ગરમી પડે તો શું હાલત થાય? આવી જ સ્થિતિ કેનેડાના આ ગામની થઈ હતી. વૈજ્ઞાનિકોના મતે આ બધું તો હજુ ટ્રેલર છે, પિક્ચર તો અભી બાકી હૈ! પૃથ્વી નામના આ ગોળાનો આવનારો સમય આનાથી પણ ભયંકર ઘટનાઓ લઈને આવવાનો છે. અને એના માટે જવાબદાર હશે એ જ પૃથ્વીનું સૌથી લાડકવાયું સંતાન મનુષ્ય. આ જલવાયુ પરિવર્તનની અસર ભારતના હવામાન પર પણ પડશે. ચોમાસું આઘુંપાછું પણ થાય અને આડુંઅવળું પણ થાય! એની સીધી અસર દેશની ખેતી પર પડે.


                   કાર્બન ઉત્સર્જનમાં સૌથી મોટો હાથ આપણો પોતાનો જ છે. કોલસા અને પેટ્રોલ ડીઝલના વધારે પડતા ઉપયોગના લીધે સતત કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. આજ સુધી IPCC ગાઈ વગાડીને આ ખતરાથી અવગત કરાવતું રહ્યું અને આપણે આંખ આડા કાન કરતા રહ્યા. હવે આ સમસ્યા  હદ વટાવી ચૂકી છે. આખા વિશ્વએ સાથે મળીને કારગર ઉપાય કરવા પડશે. ઉપાય નામે એક માત્ર શસ્ત્ર છે નેટ ઝીરો ઉત્સર્જન. જે દેશ જેટલા કાર્બનનું ઉત્સર્જ કરે એણે એટલાનું શોષણ કરી લેવું. આના માટે જંગલો કાપવાના બંધ કરીને નવા જંગલો બનાવવા અને શક્ય એટલી ગ્રીન એનર્જીનો ઉપયોગ કરી શકાય. આ સિવાય કાર્બન ટેક્સની સિસ્ટમ પણ કારગત નીવડી શકે છે. જે તે વસ્તુના કાર્બન ઉત્સર્જ મુજબ એના પર ટેક્સ લાગે તો આપોઆપ લોકો અન્ય ગ્રીન એનર્જીથી ચાલતી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખે. વિકસિત દેશો માટે તો કદાચ આ શક્ય બને પણ અલ્પ વિકસિત અને વિકાસશીલ દેશો માટે મુશ્કેલ છે. કારણ કે નેટ ઝીરોનો અમલ અતિ ખર્ચાળ સાબિત થાય. બની શકે ગરીબ દેશોની વિકાસની દોડ ધીમી થઈ જાય. કાર્બન ઉત્સર્જનમાં સૌથી પ્રથમ નંબર ચીન અને બીજો નંબર અમેરિકાનો આવે છે. એટલે જ આ બન્ને દેશોએ નેટ ઝીરોનું લક્ષ્ય સ્વીકાર્યું છે. આ બાબતમાં ભારતનું સ્થાન ચીન અને અમેરિકા પછી ત્રીજા જ નંબર પર છે અને ભારત જેવા વિકાસશીલ દેશ માટે નેટ ઝીરોનું લક્ષ્ય સ્વીકારવું લગભગ અશક્ય છે.


                      ગયા વર્ષે જલવાયુ પરિવર્તન પર મળેલા સંમેલન COP 25 માં સત્તર વર્ષની એક્ટિવીસ્ટ ગ્રેટા થનબર્ગે વિશ્વભરની સરકારો અને કંપનીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાટી હતી. પણ આ જાડી ચામડી એમ થોડી મચક આપે! આ વખતે નવેમ્બર 2021 માં COP - 26 સંમેલનનું આયોજન થયું છે. બની શકે એમાં ભારત પર પણ નેટ ઝીરોનું દબાણ બનાવવામાં આવે, જંગલો કાપવા અને કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ લાગે. આ બધું હવે વિશ્વની સરકારોની ઇચ્છાશક્તિ પર નિર્ભર છે. ટૂંકાગાળાના ફાયદા અને એકબીજા સાથેની લડાઈઓ ભૂલીને સાથે મળીને આ મુદ્દા પર કામ કરવામાં આવે તો જ સફળતા મળે એમ છે. હાલ તો સ્કોટલેન્ડમાં આયોજિત આ બસો જેટલા દેશોના નેતાઓની મિટિંગ પર જ વિશ્વનું ભવિષ્ય લટકેલું છે! એક વાત પાક્કી છે કે જો અત્યારે આ બાબત પર કોઈ ઠોસ પગલા નહીં લેવાય તો આના માટે આપણી આવનારી પેઢીઓ આપણને ક્યારેય માફ નહીં કરે.



- ભગીરથ ચાવડા

bhagirath1bd1@gmail.com

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ