વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વૈશ્વિક મંદી

                  ચીને વિશ્વને આપેલી કોરોનાની કાળમુખી ભેટની અસરમાંથી વિશ્વના દેશો હજુ પૂરેપૂરા બહાર પણ નથી નીકળ્યા, ત્યાં જ ચીન વિશ્વની અર્થવ્યવસ્થાને ડામાડોળ કરનારું એક નવું નજરાણું પેશ કરવા જઈ રહ્યું છે! પણ એની અસર આખા વિશ્વમાં થશે કે કેમ? શું એનાથી ઈ.સ. 2008 માં આવી હતી એવી જ વૈશ્વિક મંદી સર્જાશે કે કેમ? એ ચર્ચાનો વિષય છે. વૈશ્વિક સમાચારોની દુનિયામાં ડુબકી લગાવતો વાચક વર્ગ તો હવે કદાચ એવરગ્રાન્ડના (Evergrande) નામથી ભાગ્યે જ અજાણ્યો હશે. વિશ્વબજારમાં આજકાલ આ નામ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. આ એવરગ્રાન્ડ ચીનની બીજા નંબરની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની છે. હાલમાં આ કંપનીના માથે માતબર દેણું ખડકાઈ ગયું છે અને નાદારી નોંધાવવાની લગભગ બધી તૈયારીઓ થઈ ચૂકી છે. ચીનના શેરબજાર પર તો એની અસરો પણ  વર્તાવવાની શરૂ થઈ ગઈ છે. તો ચાલો જાણીએ કે આખરે આ એવરગ્રાન્ડ નામનું નવું સંકટ શું છે? કઈ રીતે પેદા થયું? વિશ્વ પર એની કેવી અને કેટલી અસરો પડશે? અને સૌથી મોટો સવાલ શું ખરેખર આ એવરગ્રાન્ડનું દેવાળું ફરી એક વખત ઈ.સ. 2008 ની વૈશ્વિક મંદીના ઓછાયા બતાવશે કે કેમ?


                   કહાની શરૂઆત આપણી કહાનીના મુખ્ય પાત્ર શૂ જિઅનથી (Xu Jiayin) જ કરીએ. 9 ઓક્ટોબર 1958 ના રોજ જિઅનનો જન્મ ચીનના એક નાનકડા ગામડામાં એક આર્મી ઓફિસરના ઘરે થયો હતો. જિઅનના જન્મના આઠ મહિનામાં જ એની મા મૃત્યુ પામી. મા વિહોણા જિઅનનો ઉછેર એના દાદીએ કર્યો. મોટો થયો અને હાઇસ્કૂલ પૂરી કરીને એ એક સિમેન્ટ ફેક્ટરીમાં કામે લાગ્યો. થોડા સમય પછી ઈ.સ. 1978 માં એ સમયે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયર્ન એન્ડ સ્ટીલ (Wuhan Institute of Iron and Steel) તરીકે ઓળખાતી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. જે આજે વુહાન યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટૅક્નૉલૉજીના (Wuhan University of Science and Technology) નામથી પ્રખ્યાત છે. કોલેજ પૂરી કરીને શૂ જિઅન ઈ.સ. 1982 માં એક સ્ટીલ કંપનીમાં નોકરીએ લાગ્યો. જ્યાં એ સાત વર્ષ સુધી એસોસિએટ ડાઇરેક્ટર પણ રહ્યો. ઈ.સ. 1992 માં એણે નોકરી છોડી દીધી અને રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. આગળ જતાં માર્ચ 1997 માં એણે ગ્વાનઝોઉ (Guangzhou) શહેરમાં પોતાની નવી કંપની એવરગ્રાન્ડ ગ્રૂપના પાયા નાંખ્યા. એમાં 16 ટકા હિસ્સો એક રાજકીય પાર્ટીના નેતાના ભાઈનો પણ હતો. તો એ રીતે શરૂઆતથી જ એને રાજકીય સપોર્ટ પણ રહ્યો. કંપનીએ શરૂઆતમાં  પ્રથમ પ્રોજેક્ટમાં 323 જેટલા એપાર્ટમેન્ટ બનાવ્યા અને એ ગણતરીની કલાકોમાં જ વેચાઈ ગયા! પહેલાં જ કોળિયે ઝળહળતી સફળતાનો સ્વાદ ચાખનાર એવરગ્રાન્ડની પ્રગતિએ આ પછી ક્યારેય પાછું વળીને જોયું જ નહીં. આજે આ વિશાળ કંપનીના ચીનના 280 શહેરોમાં લગભગ 1300 જેટલા પ્રોજેક્ટ ચાલે છે. રિયલ એસ્ટેટ પછી તો એવરગ્રાન્ડે ઇલેક્ટ્રીક વાહનો, થીમ પાર્ક, પીવાનું પાણી અને સ્પોર્ટસ્ જેવા અન્ય કેટલાય ક્ષેત્રોમાં પણ ઝંપલાવ્યું. ઈ.સ. 2010 માં એણે સૌથી મોંઘી અને પ્રખ્યાત ફૂટબૉલ ટીમ પણ ખરીદેલી. અને 2015 માં તો શૂ જિઅન એલન મસ્કને ટક્કર આપવાની વાતો કરી રહ્યા હતા. તો ઈ.સ. 2017 માં તેઓ 45.3 બિલિયન ડૉલરની સંપતિ સાથે એશિયાના સૌથી ધનવાન માણસ પણ બની ગયા. હાલમાં 1.7 બિલિયન ડૉલરના ખર્ચે એક લાખની બેઠક ક્ષમતા  ધરાવતું કમળના ફૂલના આકારનું એક ફૂટબૉલનું મેદાન બનાવી રહ્યા છે. તો પછી પ્રોબ્લમ ક્યાંથી શરૂ થયો? એ જાણવા માટે ચીનના રિયલ એસ્ટેટ માર્કેટના ઇતિહાસમાં એક લટાર મારવી પડે.


                   બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે ચાલી રહેલા વિચારધારાના શીતયુદ્ધમાં આખરે અમેરિકા જીત્યું. એક રીતે તો આ સામ્યવાદ સામે લોકશાહી અને મૂડીવાદી વિચારધારાની જ જીત થઈ ગણાય. આ પછી આજે પણ વિશ્વના મોટાભાગના દેશોએ મૂડીવાદી અર્થવ્યવસ્થા જ સ્વીકારી છે. પણ ઈ.સ. 1980 ના દાયકામાં ચીને શાસન અને અર્થવ્યવસ્થાનો એક નવો જ ઢાંચો તૈયાર કર્યો, જે વિશ્વની એક પણ વિચારધારા કે વ્યવસ્થામાં પૂરેપૂરો ફીટ નહોતો બેસતો. એમણે તાનાશાહી, મૂડીવાદ અને સામ્યવાદ આ બધી વિચારધાઓનું મિશ્રણ કરીને એક નવી જ જાતની વ્યવસ્થાનો મસાલો તૈયાર કર્યો. અને આ નવા મસાલાએ ચીનની અર્થવ્યવસ્થાની વાનગીને સ્વાદિષ્ટ બનાવીને એક નવો જ ઇતિહાસ રચ્યો. એની આ આર્થિક પ્રગતિથી આપણે બધા અવગત છીએ જ. ચીનને દુનિયાનું કારખાનું કહેવામાં આવે છે અને આજે એ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા અમેરિકાને  ટક્કર મારવા સુધી પહોચી ગયું છે. હવે મૂળ વાત પર આવીએ તો જમીન એક એવી પ્રોડક્ટ છે કે જેનું ક્યાંય પ્રોડક્શન ન થઈ શકે! તો માંગ અને પુરવઠાના નિયમ મુજબ આ વધતી જતી વસ્તીમાં એના ભાવ હંમેશને માટે વધતા જ રહેવાના છે. જોકે, આ વાત તો બધા દેશો માટે એટલી જ લાગુ પડે પણ ચીને આ બાબતને કંઈક વધારે જ ગંભીરતાથી લઈ લીધી. ચીનની આર્થિક પ્રગતિ પછી ગામડાના લોકો શહેરોમાં આવવા લાગ્યા અને ત્યાં જમીનો ટૂંકી પડવા લાગી. તો આ ક્ષેત્રનું બજાર ગરમ થતાં જ ત્યાં રિયલ એસ્ટેટ કંપનીઓ ફૂટી નીકળી. આ કંપનીઓ ધડાધડ મોટીમોટી ગગનચુંબી ઇમારતો બનાવીને વેચવા લાગી. જોકે, ત્યાં જમીનનું સીધું વેચાણ ન થાય પણ સરકાર પાસેથી લીઝ પર લેવામાં આવે અને પછી વેચાણ થાય.


                    ઈ.સ. 2000 માં ચીનની બેંકોએ પણ કંપનીઓ માટે લોનના નિયમો સરળ અને હળવા કરી નાંખ્યા. લોન માટેની યોગ્યતાઓ પણ ઘટાડી દીધી. બેંકોની આ ઢીલી નીતિનો રિયલ એસ્ટેસ્ટ કંપનીઓ એ ભરપૂર ફાયદો ઉઠાવ્યો. એક પ્રોજેક્ટ પૂરો પણ ન થાય ત્યાં લોનની રકમથી બીજો શરૂ કરી દે! એવામાં ધડાધડ નવા મકાનો બનવા લાગ્યા. આથી જમીનની તંગી સર્જાતા મકાનો અને જમીનના ભાવ ભડકે બળવા લાગ્યા. વળી પાછું કંપનીઓ પાસે  ગ્રાહકોના એડવાન્સ બુકિંગના પૈસા પણ જમા થતા. વધારાના પૈસાનો ઉપયોગ વધુને વધુ નવા પ્રોજેક્ટ બનાવવામાં થવા લાગ્યો. કેટલાક પ્રોજેક્ટ તો અધૂરા પણ રહેવા લાગ્યા. ધીમેધીમે લોકો પણ માર્કેટની આ ભડભડતી ભઠ્ઠીમાં રોકાણનો લોટ નાંખીને કમાણીના રોટલા સેકવા લાગ્યા. નવા બનતા મકાનોનો જેટલો ઉપયોગ રહેવા માટે થતો એનાથી પણ વધારે રોકાણ કરીને પૈસા કમાવવામાં થવા લાગ્યો. મકાનો અને ઇમારતોના ખરીદ-વેચાણની આ રમત સટ્ટાબજાર જેવી બની ગઈ. આ બધાથી આખરે એક સમય એવો આવ્યો કે ત્યાં એવા મકાનોના ગંજ ખડકાઈ ગયા કે જેમાં કોઈ રહેતું જ ન હોય! ધીમેધીમે આવા ભૂતિયા મકાનોથી ચીનમાં આખાને આખા ભૂતિયા શહેરો ખડકાઈ ગયા. રિયલ એસ્ટટનો જરૂર કરતા કંઈક વધારે જ ફૂલાઈ રહેલો આ ફુગ્ગો એક દિવસ તો ફૂટવાનો જ હતો.


                   ચીને રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં જબરદસ્ત હરણફાળ ભરી, આજે ચીનના GDP માં એનો હિસ્સો 29 ટકા જેટલો છે! રિયલ એસ્ટેટની આ તેજીની બજારની વહેતી ગંગામાં હાથ ધોઈને પૈસા કમાવવાની હોડમાં એવરગ્રાન્ડનું નામ સૌથી આગળ હતું. એમણે બેંકો પાસેથી તો લોન લીધી જ પણ સાથેસાથે લોકો પાસેથી એડવાન્સ બુકિંગના નામે પણ સારી એવી રકમ જમા થવા લાગી. કંપની ગ્રાહકોને સસ્તા ભાવે મકાનો ઉપલબ્ધ કરાવતી પણ જે તે મકાન છેક 5-6 વર્ષે તૈયાર થશે એવું કહેતી. હવે એવરગ્રાન્ડ એક મોટું નામ બની ગયેલું તો લોકો પણ આંખ બંધ કરીને આટલી લાંબી મુદ્દત માટે પણ પૈસા આપવા લાગ્યા. એવરગ્રાન્ડ અહીં પણ ન અટક્યું એણે બોન્ડ ઉઠાવીને લોકોને 7-8 ટકાના વળતરનો વાયદો આપીને કંપનીમાં રોકાણ કરવા પ્રેરિત કર્યા. હવે આ બધાથી એવરગ્રાન્ડ પાસે જરૂર કરતાં પણ વધારે પૈસાના ઢગલા ખડકાઈ ગયા! હવે જો એ આ પૈસાથી મકાનો બનાવીને ગ્રાહકોને આપી દે તો બધું બરાબર રીતે જ ચાલતું હોત. પણ એવરગ્રાન્ડ જેનું નામ! એમ કંઈ નાનીસુની કમાણીથી થોડું ખુશ થઈ જવાય! કંપનીની ભૂખ આટલેથી ન સંતોષાઈ અને એને કંઈક તૂફાની કરવાનો વિચાર આવ્યો. એણે વિચાર્યું કે આ અઢળક ધનનો ઉપયોગ કોઈ અન્ય નવા બિઝનેસ ઊભા કરવામાં કરીએ અને પછી એની આવકમાંથી આરામથી મકાનો બનાવીશું અને ગ્રાહકોને આપીશું. જે પૈસાના મકાનો બનવા જોઈએ એ પૈસાના હવે મોટા મોટા થીમ પાર્ક, ફૂટબૉલ ટીમ અને મેદાનો, પાણીની બોટલો બનવા લાગી. એ સમયે કોઈ અન્ય વ્યક્તિ એવરગ્રાન્ડની આ ચમકદમક જુએ તો જોતો જ રહી જાય! કારણ કે બહારથી તો આ સમયે કંપની સફળતાની ટોચ પર બિરાજમાન ભાસતી હતી. પણ ધંધાની આંટીધૂંટીઓ સમજતા ખેરખાંઓ અને શાણા રોકાણકારો તો જાણતા જ હતા કે આ રીતે આલ્યાની ટોપી માલ્યા માથે સરકાવવાનું પરિણામ કેટલું ગંભીર આવી શકે છે. ઈ.સ. 2012 માં ચીનના રોકાણકાર એન્ડ્રુ લેફ્ટે (Andrew left) એક લેખ દ્વારા એવરગ્રાન્ડનું સત્ય ઉજાગર કરીને રોકાણકારોને ચેતવ્યા હતા. એમણે કહ્યું કે, એવરગ્રાન્ડ દેશનો સૌથી મોટો સ્કેમ છે. પણ આ તો ચીન છે બોસ! આ સત્ય ઉજાગર કરવાની એમણે કિંમત ચૂકવવી પડી! ચીનની સરકાર રોષે ભરાઈ. એના પર એક કેસ થયો. જે મુજબ એન્ડ્રુ લેફ્ટ દેશની એક પ્રતિષ્ઠિત અને મહાન કંપનીની આબરૂ ધૂળધાણી કરી રહ્યો હતો! આથી હોંગકોંગના એક્ષચેન્જમાં એના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકાઈ ગયો.


                   ધીમેધીમે આ રિયલ એસ્ટેટ કંપનીઓની લોન પરનું દેણું અને નકામા ભૂતિયા મકાનો બન્ને સતત વધી રહ્યા હતા. અને સટ્ટાબજારે જમીનોના ભાવ પણ આસમાને ચડાવી દીધા હતા. ઈ.સ. 2017 આવતાં સુધીમાં આ વાત ચીનની સરકારના ધ્યાનમાં આવી અને એમને પણ હવે રિયલ એસ્ટેટ કંપનીઓનો આ ફૂલતો ફુગ્ગો કઠવા લાગ્યો. આ કંપનીઓને નાથવા માટે એમણે એક નવી પોલિસી રજુ કરી - 3 રેડ લાઈન પોલિસી. આ ત્રણ રેડલાઇન સરળ શબ્દોમાં જોઈએ તો કંઈક આ મુજબ છે -

1. ઉધારી કે લોનની રકમ કંપનીની સંપતિથી 70 ટકાથી વધારે ન હોવી જોઈએ.

2. કંપનીનું કુલ દેણું અને શેરધારકોની ઇક્વીટીનો રેશીયો 100 ટકાથી ઓછો ન હોવો જોઈએ.

3. કંપનીની કુલ બાકી લોન (દેણું) જેટલી કે એનાથી વધારે રકમ કંપની પાસે હોવી જોઈએ.


             હવે નવા નિયમ મુજબ આ ત્રણેય લાલ રેખાઓ પાર કરનાર કંપનીને એક પાઈની પણ લોન ન મળે. એક પણ રેખા પાર ન કરે એ કંપનીને લોનમાં વાર્ષિક 15 ટકા, એક રેખા પાર કરનારને 10 ટકા અને બે રેખા પાર કરનારને 5 ટકાનો જ વધારો મળે. આ નિયમની સૌથી વધારે અસર એવરગ્રાન્ડને પડી, કારણ કે આ કંપનીએ લગભગ 128 બેંકો અને અને 121 જેટલી અન્ય ફાયનાન્સ કંપનીઓ પાસેથી માતબર લોન લીધી હતી. જેમાં સૌથી મોટી રકમ ચાઇના મિન્સેંગ બેંકની (China Minsheng Bank) છે. આજ સુધી કંપનીને જ્યારે પણ પૈસાની જરૂર પડતી તો સરકારી બેંકો સામે હાથ ફેલાવતી એટલે આરામથી જોઈએ એટલી રકમ મળી જતી. પણ આ નવા નિયમોના લીધે એવરગ્રાન્ડના નાણાંનું ફરતું ચકરડું બંધ થઈ ગયું. અને વ્યાજ પેટે આપવાનો થતો હપ્તો ચૂકવવાના પણ ફાંફાં પડવા લાગ્યા. પોતાની કંપનીના બે લાખ કર્મચારીઓને આપવા માટે પગાર પણ ઘટવા લાગ્યો. કંપની હવે કર્મચારીઓને પગારના બદલે ધરાર બોન્ડ પકડાવે છે. આ પગારની રકમ કંપનીમાં રોકવાની અને પાંચ-છ વર્ષ પછી ડબલ વળતરની લાલચ આપે છે! આ બધી મોકાણની શરૂઆત કંપની દ્વારા સરકાર પાસે મદદ માંગવા લખાયેલા એક પત્રના લીક થવાથી થઈ. આની અસર ગત તારીખ 20 સપ્ટેમ્બર ના રોજ સોમવારના શેરબજારની ખૂલતી બજારો પર પડી. એવરગ્રાન્ડનો શેર 85 ટકા ગગડ્યો તો રેટિંગ કંપનીઓએ પણ એનું રેટિંગ B માંથી સીધું CCC+ કરી નાંખ્યું! આમતો ચીનનું સ્ટોક માર્કેટ છેલ્લા છ-સાત મહિનાથી ગગડી જ રહ્યું હતું. પણ હવે એવરગ્રાન્ડનું વહાણ ડૂબ્યા પછી ચીનની બીજી રિયલ એસ્ટેટ કંપનીઓના શેર પણ રોકેટ ગતિએ ગગડવા લાગ્યા છે.


                 ચીન અમેરિકા પછી વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તો સ્વાભાવિક છે કે આ બે દેશોમાં થતી ઊથલપાથલની અસર આખા વિશ્વની અર્થવ્યવસ્થા પર પણ પડે. ઈ.સ. 2008 ની અમેરિકાની લેહમેન બ્રધર્સના (Lehman Brothers) દેવાળું ફૂંકવાથી આવેલી વૈશ્વિક મંદીની કહાનીથી આપણે બધા અવગત છીએ જ. આ એવરગ્રાન્ડને પણ કેટલાક લોકો એની સાથે સરખાવે છે. કેટલાક અમેરિકી રોકાણકારો તો આને એના કરતાં પણ વધારે ભયંકર ગણાવે છે! પણ ઘણા જાણકારોનું કહેવું છે કે એ એક બેંક હતી અને આ કંપની છે તો એવરગ્રાન્ડના દેવાળું ફૂંકવાની અસર લેહમેન બ્રધર્સ જેટલી. નહીં થાય. એમના મતે વૈશ્વિક મંદી જેવી ભયાનક પરિસ્થિતિ તો નહીં જ પેદા થાય. પણ ચીન અને એની સાથે વેપાર કરતા આસપાસના દેશો પર ચોક્કસથી અસર થશે. સૌથી પહેલો ખતરો તો આ કંપનીના બે લાખ કર્મચારીઓની નોકરી પર જ છે. એ સિવાય આ કંપનીના કામથી દર વર્ષે 38 લાખ લોકોને રોજગારી મળતી એમના પર પણ અસર પડશે. પંદર લાખ જેટલા અધૂરા છોડેલા મકાનોના ગ્રાહકો, બેંકો, ફાઇનાન્સ કંપનીઓ, કન્સટ્રન્કશન કામ સાથે જોડાયેલી અન્ય કંપનીઓ પર પણ અસર થશે. અન્ય દેશોની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા કે જે ચીનને કાચો માલ પુરો પાડે છે, જાપાનના રોકાણકારોએ અહીં રોકાણો કર્યા છે એ બધા પર સીધી અસર પડવાની છે. આપણા ભારતની પણ આ ક્ષેત્ર સાથે જોડાયેલી સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ પર પણ અસર પડશે. આપણે લગભગ 90 ટકા જેટલું સ્ટીલ ચીનમાં નિકાસ કરીએ છીએ.


                હાલમાં એવરગ્રાન્ડ પર કુલ 300 બિલિયન ડૉલર જેટલું માતબર દેણું છે. પણ આ આંકડો પણ સચોટ નથી. કારણ કે ચીનની સરકાર અને બેંકોની નીતિઓ કંઈક એવી છે કે લોનની સાચી રકમની જાણકારી અન્ય કોઈને ન મળી શકે. શું ખબર કદાચ આ રકમ 400-500 બિલિયન પણ હોય! મૂળ સાચી રકમ કેટલી છે એ તો જે તે કંપની અને ચીનની સરકાર જ જાણે! વિશ્વના દેશોની અર્થવ્યવસ્થાઓ માંડ કોરોનાની ચુંગલમાંથી બેઠી થવાની કોશિશ કરી રહી છે ત્યાં જ આ માઠા સમાચાર ફરી એક વખત એની કમર તોડી શકે છે. ગત તારીખ 23 સપ્ટેમ્બરના રોજ એવરગ્રાન્ડે પોતાની આ ઉધારીના વ્યાજનો એક હપ્તો ચૂકવવાનો હતો પણ એ તારીખ ચૂકાઈ ગઈ છે. હજુ એક મહિનાનો સમય છે પણ એવરગ્રાન્ડનું વહાણ હવે ડૂબવાનું નક્કી છે ત્યારે હવે જો ચીનની સરકાર મેદાનમાં આવે તો એ આ ડૂબતા વહાણને કદાચ બચાવી શકે છે. હવે બધો મદાર ચીનની સરકાર પર છે. જોવાનું એ રહ્યું કે સરકાર આ ડૂબતા વહાણને ક્યાં સુધી ડૂબવા દેશે!




- ભગીરથ ચાવડા

bhagirath1bd1@gmail.com

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ