વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગઝલો નથી લખવી

ના, એની આંખના કાજળ ઉપર ગઝલો નથી લખવી,
રૂપાળું છે છતાં, એ છળ ઉપર ગઝલો નથી લખવી.

મને સૌંદર્ય વહાલું, પણ નિકટતા છે વધુ વ્હાલી,
ધરા પર રહું છું, તો વાદળ ઉપર ગઝલો નથી લખવી.

થશે આવી ગયાની ખાતરી ત્યારે લખી નાખીશ,
હવે 'આવે છે' ની અટકળ ઉપર ગઝલો નથી લખવી.

ન દાઝે વાંચનારા કોઈ એવા શુભ આશયથી,
હૃદયમાં જલતા દાવાનળ ઉપર ગઝલો નથી લખવી.

જગતને પણ એ મારા ઘાવ પર મીઠુ જ લાગે છે,
અકસ્માતો ભરી એ પળ ઉપર ગઝલો નથી લખવી

કરી હો બેવફાઈ એણે, તો પણ મન મનાવી લઉં,
કરી એણે જે, એ ટીખળ ઉપર ગઝલો નથી લખવી.

હૃદય પર જે લખી'તી એ, હૃદયથી જો ન વંચાઈ,
મૂકી દીધી કલમ, કાગળ ઉપર ગઝલો નથી લખવી.

સંદીપ પૂજારા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ