વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સામ્રાજ્યોનું કબ્રસ્તાન : અફઘાનિસ્તાન - 2

                ગયા અંકમાં આપણે જોઈ ગયા સામ્યવાદી દાઉદખાના તાનાશાહી શાસનમાં પણ અફઘાનિસ્તાન વિશ્વમાં એક પ્રગતિશીલ અને શાંત દેશ તરીકે ઊભરી રહ્યો હતો. પણ હજુ એક મોટો ખતરો અફઘાનિસ્તાનના માથા પર ઝળુંબવા માટે ઉતાવળો થઈ રહ્યો હતો! વિશ્વના દેશોમાં બે ભાગ પડવા લાગ્યા હતા. એક તરફ સામ્યવાદી સોવિયેત સંઘના (રશિયા) સમર્થક દેશો હતા તો બીજી તરફ લોકશાહી  અમેરિકાના સમર્થક દેશો. આ બન્ને વચ્ચે વિચારધારાનું એક શીતયુદ્ધ ચાલતુ હતું. અને અફઘાનિસ્તાનના નસીબમાં આ બન્ને સામ્રાજ્યોની ઘાંચીની ઘાણીમાં પિલાવાનું લખ્યું હતુ! બન્ને દેશો વધુને વધુ દેશો પોતાના તાબામાં લેવા મથતા હતા. અફઘાનિસ્તાન સહીત ભારત અને યુગોસ્લોવેકીયા જેવા કેટલાક દેશો એમના આ શીતયુદ્ધમાં તટસ્થ હતા. એ બન્નેમાંથી એક પણ દેશના સપોર્ટમાં નહોતા. જોકે, દાઉદખાન જ્યારે ઝાહીરશાહના રાજમાં પ્રધાનમંત્રી હતા ત્યારે અફઘાનિસ્તાનને આધુનિક બનાવવા સોવિયેત સંઘની મદદ ચોક્કસથી લીધેલી. પણ, હવે એમણે પણ ભારત અને અમેરિકા સાથે સંબંધ વિકસાવવા શરૂ કર્યા. આથી સોવિયેત સંઘના પેટમાં તેલ રેડાયું.


               હવે અફઘાનિસ્તાનમાં સામ્યવાદી પાર્ટી PDPA બે અલગ અલગ ભાગોમાં વહેચાઈ ગઈ. તો ઈ.સ. 1977 માં દાઉદખાને પણ પોતાની એક અલગ નવી પાર્ટી બનાવી - નેશનલ રિવોલ્યુશનરી પાર્ટી. (National Revolutionary Party) નવું બંધારણ પણ ઘડ્યું. એણે ઇસ્લામી લોકોને આકર્ષવા માટે પ્રયત્નો આદર્યા. આ વાત સામ્યવાદીઓને ન ગમી. હવે સામ્યવાદીઓથી દાઉદખાની સત્તા પર ખતરો વધવા લાગયો. આથી એણે બંન્ને સામ્યવાદી પાર્ટીના નેતાઓને મરાવી નાખવાનું ભયાનક કામ શરૂ કર્યું. આ કત્લેઆમથી આખા દેશમાં હંગામો મચી ગયો. એક સમયના શાંત દેશમાં એક સત્તા લાલચુ નેતાના લીધે છાશવારે હત્યાઓ થવા લાગી! આખરે જનતાની સહનશક્તિ ખૂટી અને એપ્રિલ 1978 માં દાઉદખાન સામે SAUR Revolution નામનો એક જબરદસ્ત બળવો થયો. આ બળવામાં પરિવાર સહીત દાઉદખાની હત્યા થઈ ગઈ. સામ્યવાદી સરકાર સત્તામાં આવી અને નૂર મોહમ્મદ તારાકી ( Nur Mohammed Taraki) દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા.


                   તારાકીના શાસનમાં ફરી વખત અફઘાનિસ્તાનની તાસીર બદલાવા લાગી. છોકરીઓ શાળાએ જવા લાગી. એમણે મૌલવીઓનો જે પાવર હતો એ ઓછો કરી નાંખ્યો અને અન્ય કેટલાય સુધારા કર્યા. આથી ઇસ્લામીક પાર્ટી નારાજ થઈ અને દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. બીજી તરફ અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીન સંગઠનનો પાવર પણ વધી રહ્યો હતો. ઈ.સ. 1979 માં આ બધાથી બચવા અને ભડકેલી જનતાને શાંત કરવા શું કરવું? એ બાબતની મંત્રણા કરવા તારાકી રશિયા ગયા. સોવિયેત સંઘે તારાકીને થોડા સમય માટે સમાજસુધારા અટકાવવાની સલાહ આપી. પણ આ બધા વચ્ચે અમેરિકા પરદા પાછળની રમત રમી રહ્યું હતું. અમેરિકાએ પહેલાંથી જ CIA ની મદદથી તારાકી સરકારના જ વિદેશમંત્રી હાફિઝુલ્લા અમીનને (Hafizullah Amin) પોતાના સિક્રેટ એજન્ટ બનાવી લીધેલા! અને પોતાના આ એજન્ટને એમણે સામાજિક સુધારાઓને વધારે વેગ આપવાનું પણ કહી દીધેલું! જેથી જનતા ભડકે! ખેર, આખરે તારાકીએ સોવિયેત સંઘની સલાહ મુજબ વર્તવા જતાં અમીન એના રસ્તામાં રોડા નાંખતો હોવાની વાત પણ કરી. સોવિયેત સંઘે ચોખવટ કરી કે તમારો એ વિદેશમંત્રી જ અમેરિકાનો એજન્ટ છે, એને પદ પરથી તાત્કાલીક હટાવો. આ રીતે ગદ્દાર અમીનને પદભ્રષ્ટ કરવાનું નક્કી કરીને તારાકી અફઘાનિસ્તાન પાછા આવવા નીકળી ગયા. પણ CIA જેનું નામ! તારાકી અફઘાનિસ્તાન પહોંચે એ પહેલાં તો અમીનને હટાવવાની એમની વાતચીત અમીન સુધી પહોચી ગઈ! તારાકી એને પદ પરથી હટાવે એ પહેલાં તો અમીન તારાકીની હત્યા કરાવીને સત્તા પર બેસી ગયો.


                 આ સમયે અફઘાનિસ્તનના રાજનૈતિક સમીકરણો કંઈક એવા હતા કે એક તરફ બે અલગ અલગ સામ્યવાદી પાર્ટીઓ વચ્ચે પણ ઘર્ષણ ચાલું છે તો બીજી તરફ સામ્યવાદી પાર્ટી બનામ ઇસ્લામીક પાર્ટીની લડત પણ ચાલું છે. તો એક તરફ પાડોશમાં ઈરાનમાં એક જબરદસ્ત બળવો થાય છે. ત્યાંની ધર્માંધ જનતાએ સુધારાવાદી સરકારને ઉખેડી ફેંકી. આથી હાફિઝુલ્લા અમીનને પણ સત્તા ખોવાનો ડર લાગ્યો. આથી એમણે પોતે સામ્યવાદી હોવા છતાં અતિ ધાર્મિક મુસ્લિમ જનતાને ખુશ કરવા મસ્જિદો બંધાવી, કુરાનની પ્રતો વહેચવા લાગ્યા. ભાષણોનો ટોન પણ બદલાવા લાગ્યો! ભાષણોમાં વારે ઘડીએ અલ્લાહનું નામ પણ આવવા લાગ્યું! પણ અફઘાનિસ્તાનની ભોટ જનતા કંઈ એટલી બધી પણ ભોટ નહોતી કે સત્તાની લાલચમાં અચાનક આવેલા આ પરિવર્તનને સમજી ન શકે. અહીં એક વાત ધ્યાન ખેંચે એવી છે. દેશ, ધર્મ કે નેતા કોઈપણ હોય, એમની વિચારધારા પણ ચાહે કોઈપણ હોય, ગમે એવા ધર્મ કે વિચારધારાની ડુગડુગી વગાડીને જનતાને નચાવતા હોય પણ નેતાઓ માટે આખરે તો  આ લલચામણી ખુરશીની લાલચ જ મોખરે રહે છે. આ લોકો બહારથી ભલે ગમે એવી વિચારધારાના સમર્થકો જણાતા હોય પણ વાત જ્યારે ખુરશી પર આવીને ઊભી રહે, એની સત્તાનું સિંહાસન ડોલવા લાગે ત્યારે પોતાની એ વિચારધારાઓને ગમે તેમ તોડી મરોડી શકે છે! ખેર, આ બધાથી સામ્યવાદના લીરા ઊડી રહ્યા હતા તો સોવિયેત સંઘ પણ હરકતમાં આવ્યું અને 24 ડિસેમ્બર 1979 માં અફઘાનિસ્તાનમાં ધામા નાખ્યા. એમણે દેશ પર કબજો કર્યો અને અમીનને મરાવી નાખ્યો. સત્તાનું સુકાન હવે બાબરક કરમાલના (Babrak Karmal) હાથમાં સોંપાયું. ફરી એક વખત નવું બંધારણ આવ્યું. કાયદેશરની ચૂંટણીઓ કરવાનું નક્કી થયું, બોલવાની અને વિરોધ કરવાની છૂટ મળી. ધાર્મિક બાબતોમાં પણ સ્વતંત્રતા મળી. અફઘાનિસ્તાનમાં ધીમેધીમે ફરી એક વખત શાંતિ સ્થપાવા લાગી. પણ સોવિયેત સંઘની જીત અમેરિકાથી ક્યાંથી પચે? વળી પાછું અમેરિકાને વિયેતનામવાળા જખમની હજુ રૂઝ પણ નહોતી આવી, વિયેતનામ કબજે કરીને સોવિયેત સંઘે અમેરિકાને દુનિયા સામે નિચાજોણું કરાવ્યું હતું. ત્યાં વધુ એક દેશ વિરોધીઓના હાથમાં જાય તો સ્વાભાવિક છે કે અમેરિકાને તાજા જખમ પર મરચું ભભરાવ્યા જેવું થાય.


                     આ ઘટનાથી એક તરફ આસપાસના મુસ્લિમ દેશો નારાજ છે તો બીજી તરફ અમેરિકા પણ ધૂંઆપૂંઆ છે. અમેરિકાએ સોવિયેત સંઘની આ પ્રસિદ્ધિમાં છેદ કરવા બાકોરા શોધવા શરૂ કર્યા અને એક બાકોરું હાથ લાગ્યું - મુજાહિદ્દીન! અમેરિકાએ એમને હથિયારથી લઈને પૈસા સુધી બધો સપોર્ટ આપવાનું શરૂ કર્યું. આ માટે CIA એ એક કુખ્યાત સિક્રેટ ઓપરેશન પણ લોન્ચ કર્યું -  Operations Cyclone. શહેરોમાં ભલે સોવિયેત સંઘનો કબજો હતો પણ ગામડાઓમાં તો કટ્ટર ધાર્મિક સંગઠનો આ સોવિયેત વિરૂદ્ધ ધર્મયુદ્ધ (જેહાદ) છેડવાના નારાઓ લાગી રહ્યા હતા. આ નારાઓને આસપાસના મુસ્લિમ દેશોનો પણ સપોર્ટ મળવા લાગ્યો. સોવિયેત સંઘ વિરૂદ્ધના આ ધર્મયુદ્ધમાં આસપાસના મુસ્લિમ દેશોમાંથી આર્થિક મદદની સાથે જવાનો પણ આવવા લાગ્યા. એ જવાનોમાં સાઉદી અરબથી આવેલો એક પૈસાદાર બાપનો નબીરો ઓસામા પણ સામેલ હતો. જે આગળ જતાં ઓસામા બીન લાદેન તરીકે ઓળખાયો. મુઝાહિદ્દીનને એક સાથે અમેરિકા, સાઉદી અરબ, બ્રિટનની જાસૂસી સંસ્થા MI - 6 અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIS આ બધાની આર્થિક મદદ મળવા લાગી. આથી પહોડોમાં છુપાઈને લડાઈ કરતા એક સમયના નાનકડા દેશી સંગઠનના ખજાનામાં આધુનિક બંદૂકોથી લઈને નાની મિશાઈલો સુધીના હથિયારો ખડકાવા માંડ્યા. આથી સોવિયેત સંઘને ફટકો પડવા લાગ્યો. પણ સૌથી વધારે ફટકો ઈ.સ. 1985 પછી પડ્યો. ઈ.સ. 1985 પછી અમેરિકાએ મુજાહિદ્દીનને સ્ટીંગર મિશાઇલો (Stinger missile) આપવાનું શરૂ કર્યું. આ મિશાઇલો વજનમાં હલકી હોવાથી હાથમાં પકડી શકાય અને વાપરવામાં પણ સરળ રહે છે. આવડા નાનકડા હથિયારથી આખું હેલિકૉપ્ટર આસાનીથી સ્વાહા થઈ શકે. સોવિયેત સંઘના હેલિકૉપ્ટરો ધડાધડ તૂટવા લાગ્યા. આથી સોવિયેત સંઘ આ લડાઈમાં પાછળ હટવા લાગ્યું અને આ મિશાઇલો ગેમ  ચેન્જર સાબિત થઈ. પછી તો ઈ.સ. 1989 માં સોવિયેતમાં મિખાઇલ ગોર્બોચોવનું (Mikhail Gorbachev) શાસન આવ્યું અને આ વિશાળ સામ્રાજ્યની પડતી શરૂ થઈ. કેટલાય દેશોમાં ફેલાયેલું સોવિયેત સામ્રાજ્ય ધીમેધીમે પોતાની માયા સંકેલવા લાગ્યું. તો સાથે સાથે  અફઘાનિસ્તાનમાંથી પણ એને એના હાલ પર છોડીને ઉચાળા ભર્યા. જોકે, અહીં સોવિયેત સંઘને દોડવું હતું અને ઢાળ આવ્યો હતો. "ભાવતું હતું ને વૈદે કહ્યું." જેવો ઘાટ થયેલો.  અમેરિકાએ વચન આપેલું કે, જો સોવિયેત સંઘ પોતાની આર્મી હટાવી લેશે તો અમે પણ મુજાહિદ્દીનને હથિયારો આપવાનું બંધ કરી દેશુ. આમ છતાં પણ સોવિયેત સંઘના ગયા પછી લુચ્ચા અમેરિકાએ પાછલા બારણેથી મુજાહિદ્દીનને હથિયારો આપવાનું ચાલુ જ રાખ્યું.


                    અફઘાનિસ્તાનમાંથી વિદેશીઓ તો જતાં રહ્યા પણ ફરીથી ઘરમાંને ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા. અફઘાનિસ્તાનની આ પણ એક ખાસિયત રહી છે. વિદેશી સામ્રાજ્યો દેશ પર કબજો જમાવે ત્યારે બધા એની સામે મોરચો માંડે અને એમના ગયા પછી દેશના જ અલગ અલગ સંગઠનો અંદરોઅંદર લડવા માંડે! હવે એ સમયે કેટલીય જાતના આંતરરાષ્ટ્રીય સપોર્ટ મેળવીને મુજાહિદ્દીન આખા દેશનું સૌથી કદાવર સંગઠન બની ગયેલું તો સ્વાભાવિક છે કે આ ગૃહયુદ્ધમાં એની જ જીત થાય. ઈ.સ. 1992 માં અફઘાનિસ્તાનની સત્તાની દોરી મુઝાહિદીનના હાથમાં આવી અને બુર્હાનુદ્દીન રબ્બાની (Burhanuddi Rabbani) દેશના નવા વડા બન્યા. બે વર્ષમાં જ એક નવા દુશ્મને માથું ઊચક્યું. ઈ.સ. 1994 માં તાલિબાન હરકતમાં આવ્યું અને ઈ.સ. 1996 માં તો અફઘાનિસ્તાનની સત્તા છીનવી પણ લીધી. હવે આ તાલિબાનનો ઉદ્ભવ અને શાસન, પછી ઈ.સ. 2001 માં અમેરિકાનું આગમન અને પછી અત્યારે 2021 માં એનું પલાયન એ બધા વિશે તો આપણે જાણીએ જ છીએ.


                   અફઘાનિસ્તાન વિશે એક રસપ્રદ દંતકથા પ્રચલિત છે. કહેવાય છે કે સિકંદર જ્યારે અહીં ચડાઈ કરવા આવ્યો અને ખાસ્સો સમય સૈન્ય સાથે અહીં રોકાયો પણ એ જીતી નહોતો શકતો. એની માએ એક વખત પૂછાવ્યું કે આખી દુનિયા સર કરનાર સિકંદર આજે કેમ અટકી ગયો? ત્યારે સિકંદરે અહીંની થોડી માટી પોતાની મા પાસે એના ગામમાં મોકલી. જેવી એ માટી સિકંદરના ગામમાં પહોચી તો એના ગામમાં અંદરોઅંદર ઝઘડા શરૂ થઈ ગયા! ખેર, અફઘાનિસ્તાન સમય સમય પર વર્ચસ્વની લડાઈનું રણમેદાન બનતું રહ્યું છે. અને મોટા મોટા સામ્રાજ્યોનું કબ્રસ્તાન પણ બનતું રહ્યું છે. એની પાછળ પણ ઘણા બધા કારણો રહ્યા છે. એક તો આ યુરોપ અને એશિયાને જોડતો જમીનમાર્ગ છે અને ઉપરથી આ વિસ્તાર બધા સામ્રાજ્યોની વચ્ચે આવતો હોવાથી બધાની નજર એના પર રહે છે. બીજુ અહીંના કબીલાઓએ ક્યારેય સંગઠીત થઈને લડાઈ નથી લડી. આ કબીલાઓને કોઈ એક નેત્તૃત્વમાં બાંધવા પણ અશક્ય છે અને એટલે જ અહીં આક્રમણ કરવું સહેલું બની જાય છે. પણ, જ્યારે આ અલગ અલગ ફીરકામાં વહેચાયેલા કબીલાઓને એક તાંતણે બાંધીને શાસન કરવાની વાત આવે ત્યારે અલગ અલગ સંગઠનો પોતપોતાની રીતે રમખાણો આદરે અને જે તે શાસકને નાકે દમ લાવી દે છે. એટલે જ અહીં આક્રમણ કરવું કદાચ શક્ય બને છે પણ લાંબો સમય શાસન કરવું લગભગ અશક્ય છે. આ જંગે ચડેલા સંગઠનોને માત આપવી અઘરી પડે છે અને એનું કારણ છે, અફઘાનિસ્તાનમાં આવેલા પહાડી વિસ્તારો.  હથિયારધારી સંગઠનો હુમલો કરીને હિંદુકુશની પહાડીઓમાં છુપાય જાય. હવે આ પહાડીઓમાં છુપાયેલી ટુકડીઓ પર હુમલો કરવો અને પકડવા લગભગ અશક્ય થઈ પડે છે. ત્રીજુ અને સૌથી મોટું કારણ છે, જ્યારે કોઈ સામ્રાજ્ય અફઘાનિસ્તાન પર કબજો જમાવે છે ત્યારે એની સામે એનું દુશ્મન સામ્રાજ્ય લોકલ કબીલાઓને ભડકાવી, હથિયારો અને આર્થિક મદદ કરીને સત્તા પર રહેલા સામ્રાજ્યનો ભુક્કો બોલાવી નાંખે છે. સોવિયેત સંઘ જ્યારે કબજો કરે છે ત્યારે અમેરિકા ત્યાંના મુજાહિદ્દીન જેવા સંગઠનોને મજબુત બનાવે છે તો અમેરિકા વખતે રશિયા અને ચીન તાલિબાન જેવા સંગઠનને સપોર્ટ આપે છે! અને આ રીતે એકબીજાની ટાંટિયાખેંચમાં આ સરજમીન પર શાસન કરવું મુશ્કેલ બની રહે છે.




- ભગીરથ ચાવડા

bhagirath1bd1@gmail.com

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ