વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મનનો મેળો



    "ઓ..સાયેબ..."


કોયલ સરીખો મીઠો ટહૂકો મેળાની ભીડમાં ઓગળી રહ્યો ને મારાં પગ ધૂળ સાથે ચોંટી ગયા. મેં આસપાસ નજર ફેરવી. ગોળ ગોળ ઘૂમતી ચગડોળ.. મોતનો કૂવો.. જાદુ... રંગબેરંગી બંગડીઓની દુકાનો... પાવાનાં મધુર સૂર... યાત્રિકોની ભીડ અને ઘોંઘાટ વચ્ચે કોઈ જાણીતો સ્વર કઈ બાજુથી આવ્યો એ જોવા હું ઊભો રહી ગયો. હૈયે પડેલો ધ્રાસકો શમાવી શકું એ પહેલાં તો બીજો ટહુકો છૂટ્યો.


  "સાયેબ..આય જોવો આય..." ડાબી બાજુએથી આવતાં એ અવાજ તરફ મે ડોક ફેરવી. એક શ્યામલ છોકરી મારી સામે બેઠી હતી. એનું ઓઢણું ઉરોજ પરથી હેઠું સરકી ગયું હતું. એ જ્યાં બેઠી હતી ત્યાં ચોપાસ ચિનાઈ માટીનાં રમકડાં ગોઠવાયેલા હતા. પાછળ એક જુવાન બેઠો હતો. ખૂણામાં એક છોકરું હાથમાં વેફરનું પડીકું લઈને બેઠું હતું. એનાં મોઢા પરથી ઊડતી માંખીઓ ઉડાડવાની તસ્દી કોઈ લેતું ન્હોતું. આદમી જરા શુષ્ક જણાતો હતો. છોકરી આવતાં જતાં સૌને બૂમો પાડીને બોલાવતી હતી ત્યારે એ ખૂણામાં બેઠો બેઠો બીડીઓ ખેંચતો.


      મને નવાઈ લાગી. એ છોકરી મને શા માટે બોલાવી રહી હતી. એ અવાજ  મને પરિચિત લાગતો હતો. મે મારી આજુબાજુ નજર ફેરવી. એની સામે જોયું તો હસીને એણે મારી સામે આંગળી કરી.


  "હા...તમે...તમે... ભૂલી જ્યાં કે હું"


         હું નજીક ગયો.છેક એની પાસે જઈ ઊભો રહ્યો. અચાનક મારાં મગજમાં ઝબકાર થયો. મે એને ઓળખી. ઓહ... આઠ વર્ષ જેવડો વિશાળ સમયકાળ પસાર થઈ ગયો હતો. એ મને મેળાની ભીડમાં પણ ઓળખી ગઈ હતી.


  " તું કેસર ને ?"


" હા..બીજું કોણ હોય.."


    "ઓહ...બહુ વખતે મળ્યા"


     " ચા ખોવાઈ જ્યા તા...આટલા વરહ..." એણે હસીને પૂછ્યું. એનું હાસ્ય જોઈને મારું મન આઠ વર્ષ જૂના આ મેળામાં ઉતરી ગયું.


       એ વખતે હું આ મેળામાં સ્વયંસેવકની ભૂમિકામાં હતો. પાણીના બોરની એક ચાવી મારી પાસે રહેતી.  એક સાંજે હું બોરની નજીક બેઠો હતો ત્યાં એક શ્યામલ,સુંદર છોકરી મારી પાસે આવી હતી. હાથમાં પાણીનું દેગડું, બીજા હાથમાં રૂમાલની બનાવેલ ઈંઢોણી, મરક મરક થતા હોઠ...


    "સાયેબ.. પાણી ભરવા દો ને...એક બેડું જ બસ...બીજીવાર નઈ આવુ.." એ એવા લહેકાથી બોલી કે હું પાણી પાણી થઈ ગયો.


  "પણ..તને એકને ભરવા દઉં તો બીજાને ય ભરવા દેવું પડે..."


   " હું છાનીમાની ભરી લઈશ..."


   "બહાર જઈને કોકને કીધું તો."


    " વશવા રાખો.. નઈ કુ બસ.. બઈના હમ.. ખોડિયાર મા નાં હમ.."


    "બસ બસ..માતાજીનાં ખોટાં સમ ના ખા...હેડ,હું ભેગો આવુ..."


   કહીને હું આગળ થયો. પાણીની ટાંકી જ્યાં હતી એ રૂમને તાળું હતું. જેની ચાવી મારી પાસે રહેતી. મે તાળું ખોલ્યું.


     " ઉતાવળ રાખજે હો.."


     પેલી અંદર પ્રવેશી. હું એની બિલકુલ પાછળ ઊભો રહ્યો. એનાં હ્રદયના ધબકારા સાંભળી શકું એટલો નજીક હતો.


      "તારુ નામ શું?"


     "કેસર..."


     "અહી શું વેચો?"


      " માટીનાં રમકડાં.... કબૂતર..પોપટ..ઉલી ચકડોળ રઇ ને...એની જોડે જ અમારી દુકન...આવજો "


  આમ એ સહજ થયેલ સ્નેહની શરૂઆત હતી. બીજા દિવસે હું મેળામાં ફરવા નીકળ્યો હતો.


      ચગડોળ, નાસ્તાની દુકાનો, રમકડાંની દુકાનો, જાદુગર,લોકોની ભીડ, ઘોંઘાટ, ત્રાસ... લાઇનસર દુકાનો હતી. કેસરનાં માબાપ દર વર્ષે આ મેળામાં વ્યાપાર માટે આવતા. તેઓ નાની જગ્યા ભાડે રાખીને દિવસો સુધી પડ્યાં રહેતા.  પ્લાસ્ટિકનું ઢાંકણ કરીને ઉભી કરેલી દુકાનો... આગળ વેચવાનો માલ સામાન હોય, પાછળ એક પડદો આડો રાખી રસોડું બનાવ્યું હોય. એમાં સૌ ત્રણ ઈંટો ગોઠવી રાંધે,જમે,રાતે સુઈ રહે.. આ એમનું જીવન હતું.


   તેઓ દર વર્ષે આ મેળામાં આવતાં. બધો વેપાર બૈરા કરે. મોટા મોટા અવાજે બૂમો પાડી આવતાં જતાં ને બોલાવે...


   કેસરે મને પણ બોલાવ્યો હતો.


    "ઓ..સાયેબ.."


  હું એની નજીક ગયો.


  "સાયેબ..જે જોવે ઈ લઈ લો... કબુતર.. પોપટ..."


    "મારે શું કરવાનું આ ?"


   " લઈ લો સાયેબ.. પૈસા નથ જોતાં.."


     "પૈસાનો સવાલ નથી.. મારે આ લઈ જઈને ક્યાં મૂકવા",


   " ગમે તા..યાદ રાખશો ને..." બોલતી વખતે કેસરની આંખમા મસ્તી હતી. એ હસતી એટલે એક ગાલમાં ખાડો પડતો. એ ખાડામાં હું ઉતરી ગયો.


   "લો આ કબૂતર લઈ જાવ.."


    "ક્યાં રાખું?" મે ફરી એ જ સવાલ કર્યો.


    " પંખી હે... માળામાં હારું લાગે.."


   " આના માટે માળો બાંધવાનો?"


    " મનના માળામાં રાખજો"


  કેસરની બોલવાની શૈલી, એની હસતી આંખો, એનો ઘાટીલો,શ્યામલ દેહ..ને, હેત વેરતું હૈયું...મને ઊંડે સુધી અસર કરી ગયું.


   બીજા દિવસે એ ફરીથી પાણી ભરવા આવી. એકલી.. બપોરે હું ફરીથી એ બેસતી ત્યાં ગયો. ત્રીજા દિવસે એ મને મેળાની ભીડમાં ભટકાઈ.


     "ઓએ સાયેબ..મને બંગડી લેવડાવો ને.." ઍવુ હસીને બોલી હતી.


    " બંગડી તો નહિ પણ, બપોર છે..કોઈ ઓળખીતું આવે એ પહેલા ચગડોળમાં બેસવું હોય તો ચાલ" મે કરેલી રજુઆત સામાન્ય ન્હોતી. અહી સૌની નજર એકબીજા ઉપર જ હોય.


  આમ છતાં, કેસરે એ દિવસે જબરું સાહસ કર્યું હતું. એ મારી સાથે ચગડોળમાં બેઠી હતી. એના ગાલ પરથી આવતી પોંડ્સ પાવડરની સુગંધ મારા નાકમાં વરતાતી હતી. એની કાનમાં ઝૂલતાં બગસરાનાં લટકણિયાં ચગડોળ ચાલુ થઈ એ સાથે જ ખનખનવા લાગ્યા હતા. ધીમે ધીમે ચગડોળ રફતાર પકડવા લાગી. પછી તો ઉપરથી નીચે આવતી વખતે છાતીમાં જે ચીરો પડ્યો એનો રોમાંચ અને ડર કેસરને મારો હાથ પકડવા મજબૂર કરી ગયો. જ્યારે તીવ્રગતિએ ચગડોળ ફરવા લાગી ત્યારે અમે બેય જોરશોરથી ચિચિયારીઓ પાડીને મજા લીધી હતી. જ્યારે હેઠા ઉતર્યા ત્યારે ખડખડાટ હસ્યા હતાં.


   પછી તો રોજ સવાર સાંજ હું કેસર પાસે જાઉં. એ મારી પાસે આવે. પાણી ભરવાને બહાને. વાતો કરીયે. એની જોડે એનાં મા બાપ બેઠાં હોય તો આંખોથી વાતો કરીયે. કશું ફોડ ન પાડીએ. આ રીતે એ મેળો પૂરો થયો.


    એ જવાની હતી એની આગળની રાતે મારી પાસે આવી. એની આંખમાં આંસુ હતાં. એ કશું જ બોલી નહિ. હું પણ કશું બોલ્યો નહિ. પણ,મને લાગ્યું કે એ વધારે લાગણીશીલ થઈ ગઈ છે. અમારી વચ્ચે એવું કશું જ બન્યું ન્હોતું. બસ,ખાલી આંખની ઓળખાણ થઈ હતી. હૈયે થોડો સમય હરખની કોયલ ટહુકી હતી. જેની નિર્દોષ મસ્તી ને આનંદના અમે સહભાગી બન્યા હતાં.


   બીજા દિવસે હું પણ ઘેર આવ્યો. શહેરમાં નોકરી માટે ગયો. લગન કર્યાં. જવાબદારીઓમાં ગૂંચવાઈ ગયો ને એ તરફ જવાનું બિલકુલ બંધ થઈ ગયું. કેસર વિસરાઈ ગઈ.


   આજે આઠ વર્ષ પછી એ મેળામાં પરત ફર્યો હતો. કેસર મને ઓળખી ગઈ. મને બૂમ પાડીને બોલાવ્યો. હવે એ એના માબાપ સાથે નહિ,એનાં પતિ સાથે બેઠી હતી. એ દર વર્ષે આ મેળામાં આવતી.


   "તમે તો જ્યા ઈ જ્યાં... વરીને લમણો જ ના વાર્યો..ખરાં હો..... ચા રો હાલ..?" આઠ વર્ષ પછી પણ એનો બોલવાનો લહેકો બદલાયો ન્હોતો.


     "અમદાવાદ..."


    "હે..હું ય અમદાવાદ...લગન કર્યા?"


    "હા.... તે?"


    " આ મારો ઘરવાળો.. આ મારું ટેણીયું... હું તો એકેય મેળો ચૂકી નઈ હો....મે આલ્યું ઇ કબુતરનો માળો બાંધ્યો તો ક નઈ?"


    "ના.. એ ફૂટી ગ્યું.." બોલ્યાં પછી મને અફસોસ થયો કે એને દુઃખ લાગશે. કોઈ પ્રેમથી ભેટ આપે તો એને સાચવવી જોઈએ.


    " ખબર હતી મને...બધા પંખી માટે માળો થોડો હોય... નસીબદારને જ મળે...મને કોઈ વાતે અફસોસ નથ..હેય ને મોજ કરાવે એવો આદમી મળ્યો... વસ્તાર થ્યો..બસ.. મનમાં બાંધેલો માળો હજુય એમનો એમ..." કેસર ધીમેથી પાછળનું વાક્ય બોલી.. એ દરમ્યાન એનો ઘરવાળો નજીક આવ્યો.


   " પેલજી..જો.. આ સાયેબ..હું નતી કેતી તને કે એક સાયેબ પેલા આય આવતાં....." એ એના ઘરવાળા સામે જોઈ બોલી.


    એના પતિએ મારી સામે બે હાથ જોડીને નમસ્કાર કર્યા. મે ખિસ્સામાં હાથ નાખ્યો. સોની નોટ એનાં છોકરાને આપી.


  "આવજે...સંજોગ હશે તો બીજીવાર ભેગા થશું.." કહી હું ઊભો થયો


  " ઊભા રો ..સાયેબ..લો આ કબૂતર લેતા જાવ..." એમણે ચિનાઈ માટીનું રમકડું મારા હાથમાં પકડાવ્યું.


    " માળો ન બાંધતા હવે...ઘરના એક ખૂણે પડ્યું રાખજો..તોય આયખું વીતી જાહે.." બોલતી વખતે કેસરની આંખમા ભીનાશ હતી ને ત્યાંથી નીકળતી વખતે મારા પગ ભારે હતા. કોઈ અજાણી યુવતીએ એનાં મનમાં એક માળો બાંધી રાખ્યો હતો. એનાં ખરી જતાં તણખલા પણ એની શ્રદ્ધા ડગાવી શક્યા નહોતા. જેને હું બાલિશ રમત સમજી જીવતો હતો એ તો કોઈના મનનો મેળો હતો. કેસરની આંખમા એ દ્રઢતાનાં દર્શન કર્યાં હતાં. પાછું વળીને એનો ચહેરો જોવાની મારી હિંમત નહોતી. મને ખબર હતી કે એની આંખના ખૂણા ભીના હતાં.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ