વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગરમ તપેલી

*ગરમ તપેલી*


ધીમી ધારે શરૂ થયેલો વરસાદ પોતાનો આગવો મિજાજ પકડી રહ્યો છે. આખુંય નભ એકરસ થઇ ગયું છે ને કાંતા ડોશીએ બૂમ પાડી..


    "રમલી, લૂગડાં લઈ લેજે.. જો બાપેલો આ તો દેવા મંડ્યો..."


   "તમે સેકણી ગહો ને પડ્યા પડ્યા.. ચાર ના લઈ લીધા.." રમી કંતાનનો કોથળો માથે ઓઢતી બોલી. એનાં પલળી ગયેલ સાડલાનો છેડો કેડની ડાબી બાજુએ ખોસીને એ બબડતી આગળ ચાલી... "ડોશીને આ ઉમરે ય હખવાર નથી.."


     "મૂઈનો સભાવ બઉ આકરો..ગરમ તપેલી જેવો.."  પાછળથી કાંતા ડોશીનોય અવાજ છૂટ્યો પણ, એ વાછટમાં વિલાઈ ગયો.


     વીજળીનાં ચમકારા અને કડાકા ભડાકા સાથે મેઘરાજા આજે મોકળા મને વરસતા હતાં. રમી બેય હાથે કપડાં ઊંચા કરી, લપસાય નહિ એનું ધ્યાન રાખતી ઘરની પછવાડે રહેલા વાડામાં પહોચી. એણે આજુબાજુ ચકોર નજર ફેરવી. વિકો તો ઊભો નથી ને! પણ, વરસાદે એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એથી, કોઈ દૂર ઉભુ હોય તો દેખાય એમ જ ન્હોતું. વીકો ચેટલો હરામી.. ઘરે આવે તો કાકી.. કાકી કેતા મોઢુ ના હુકાય ને બાકી પોતે જેટલીવાર વાડે આવે.. એકધારું જોઈ રે... નફ્ફટ... એવું વિચારતી રમીએ પોતાનુ કામ નિપ્ટાવ્યું ને ચણીયો પકડીને ઉભી થઇ.


     "અરરર.. આ છાણા પલળી જ્યાં... વરી ડોશી ખીજાશે.." એવું વિચારતી એ પાછી ઢાળીયામાં આવી. એક મેંણીયું લઈને છાણા ઢાંક્યા.


    "છો પલળ્યા..નેચે તો કોરા રેશે..એકલી ચેટલું કરું... જેઠાણી શેરમાં બેઠી બેઠી માલપુઆ ખાય ને મને મેલી દીધી રમતી.... ગોગાની ધરતીમાં.." વળી ખિજાતી ખિજાતી એ ઓરડીમાં દોડી. અભરાઈ ઉપર પડેલી તપેલી ઉતારી. એમાં ગોળ હતો. જો વધારે સમય તપેલી ખુલ્લી રહી હોત તો ગોળમાં ભિંતનું ચુવતું પાણી અડી ગયું હોત. ચેલાનો જીવ બળી જાત.


       રમીએ ચેલાને દશ દિવસ પહેલાં ભલામણ કરી હતી કે નઈ ને વરહાદ આવે..તમે ઇ ભેતનું ઠેકાણું પાડો.. નકરું પાણી ચુવે.. કોક દિ ભેત તૂટી ને તો રઉ રેશે...


   પણ, ચેલો આખો દી પતે રમ્યા કરે..એય ઉલા હરામી વિકલાના ઘરે.. પાછો.. માલદાર બાપનો દીકરો હોય એમ હાત આઠ જણની ચા પોતાનાં ઘરની પીવડાવે. ચા નું કેવા પણ વિકલાને મેલે..

   "કાકી.. દાળો સુધરી જાય એવી ચા બનાવો.." વિકલો રમીની ભરાવદાર કાયા પર લોલુપ નજરે તાકીને બોલતો.


   રમીને બહુ ગુસ્સો આવતો.


   "તારા કાકાને કે પતા હેઠા મેલી કાક કામધંધો કરે... આમ ને આમ તો છોકરાં ભૂખ્યા મરશે..." રમી પોતાનો સાડલાનો છેડો ઉરોજ પર નાખીને વિકાને જવાબ આપતી.


     "તે હે કાકી.. મારા ચેલાકાકા કશાય કામનાં નઈ..?" વિક્લો હસીને પૂછી લેતો.


   "ઈ તારા કાકા ને જ પૂછી લેજે..." એવો ઉડાઉ જવાબ આપીને રમી વળી ચૂલો ફૂંકતી. એમાં પણ વરસાદની સીઝનમાં લાકડાં ઝડપી સળગે નહિ. કોરા રાખેલા છાણા ઉપર કેરોસીન નાખી એ ભડકો કરે, ચા બનાવે. જેમ જેમ ભડકો મોટો થાય તેમ તેમ રમીની અંદર પણ વિદ્રોહની આગ વધતી જાય. એણે એકવાર ચેલાને ફરિયાદ કરતી કે તમે વિક્લાને કઈ દેજો.. મારી હામે હખણી રીતે વાત કરે..


  સામે ચેલાએ હસીને કહ્યું હતું.. ભોડી.. વીકલો તો છોકરું કેવાય...એનું માઠું નાં લગાડ ને તું તારો સભાવ સુધાર... ગરમ તપેલી જેવો સભાવ તારો હાવ... મનેય બીક લાગે..


   સાચે જ ચેલો રમીથી ડરતો. એક તો રમીની માંસલ કાયામાં હણહણતી ઘોડીને નાથી શકે એવું જોર ચેલામાં ન્હોતું. ઘણીવાર એ જાણીજોઈને રાતે મોડો ઘરે આવે... ચૂપચાપ ખાટલામાં સુઈ જાય. રમી પોતાની જવાનીને બાથમાં લઈને ખીજાતી પડી રહે. અષાઢનો ધોધમાર વરસાદ રમીને બહું ગમતો. ચેલો શ્રાવણનું સરવડું પણ માંડ માંડ બની શકતો. રમી રોજ પોતાના માવતરને કોસતી. અંદરથી અકળામણ અનુભવતી. દિવસે કામમાં જોતરાય પણ,એને કોઈ છંછેડે નહિ. સામેવાળાનું મોઢુ જ તોડી નાખે.


     આજે તો ચેલાએ સવારથી જ વિકાની ડેલીમાં ધામાં નાખ્યાં હતાં. વરસાદ અનરાધાર હતો. રમી ઘરમાં બધું કામ આટોપી બારણે આવી ઉભી. શેરીમાં વરસતો વરસાદ જોઈ એ રાજી થઈ. બચપણમાં બેનપણીઓ જોડે એ વરસાદમાં પલળતી તો સૌ કેવી ટીખળ કરતી.. અલી રમલી... આ જો મોભારે પાણી ચડ્યાં.. પરણીને હાહરે જાયે તો આનો અરથ હમજાય... રમી પ્રતીક્ષા કરતી કે ક્યારે એનાં લગન થાય. કાચા કુંવારા કોડને, ભાવિના શમણાંને એ મનભરીને માણતી. વિચારોનું જે વૃંદાવન એ કલ્પનામાં રચતી એનો એક અંશ પણ ચેલા પાસેથી મળ્યો ન્હોતો. સુકલકડી શરીર ને બુધાલાલ,ચૂનો ભરીને ફરતો ચેલો ખાલી બાપાએ વારસામાં આપેલ ખેતરમાં એક આંટો મારી આવતો ને પછી હેય ને બાજુના ડેલામાં ગપ્પાં મારે.


   પણ,આજનો વરસાદ અલગ હતો. રમલી વિચારી રહી..આખી ધરતી પાણી પાણી થઈ જઇ... ચેવો વરહ્યો આ બાપલો.. માટીની મીઠી મીઠી સુગંધ રમીનાં રોમરોમમાં ફરી વળી.


  "કાકી...ચા બનાવજો.." પાછળથી આવેલા વિકાના અવાજે એને ચોંકાવી દીધી.


  " હે.." એણે એ રીતે વિકા સામે જોયું કે પેલો ગભરાઈ ગયો. આજે રમલીની આંખમા નોખો ચમકાર હતો.


    "હેડ... ખાંડનો ડબ્બો ઉતારવો જોશે.." કહેતી રમી ઓરડીમાં ઘૂસી ગઈ. બાજુના ડેલામાં બેઠેલા ડોશીનાં નસકોરા વરસાદના અવાજ સાથે ભળી જતાં હતાં.


    વિકો રમીની પાછ્ળ ઓરડીમાં ઘૂસ્યો. રમીની જોવનાઈ આજે તોફાને ચડી હતી. નળિયા પરથી ચૂવતું પાણી.... ઓરડીનું અંધારું અને બફારો બેય જંગે ચડ્યા હતા. ધોધમાર વરસાદે શેરીમાં બાંધેલી પાળી તોડી નાખી હતી. એનું પાણી ગામના પાછળના તળાવમાં વહી જવા લાગ્યું. એક મીઠી સુગંધ વડે વાતાવરણ મદમસ્ત બની ગયું.


     એ સાંજે ચેલાને રોટલો ઘડીને આપતી રમલી બિલકુલ શાંત હતી. એની આંખમાં ઉગ્રતા ન્હોતી. વરસાદ અટકી ગયા પછીનું ઠરી ગયેલું સ્વચ્છ, નિર્મળ વાતાવરણ જેવું એનું વર્તન જોઈને ચેલો ખુશ થયો ને બોલ્યો..."તું રોજ આવી ડાહી ડમરી રેતી હોય તો..."


    અંતરમાં જાગેલા ઉન્માદને આંખોમાં લાવી,હોઠ ભીડી, મીઠું સ્મિત આપી રમી વાસણ ચેલાની જોડે જમવા બેસી ગઈ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ