વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કરજ

સૂરજ ડૂબવાની અણી પર હતો. આકાશની કિનારીનો રતુમડો રંગ એક કોર થઈને ફીકા ચંદ્રને ઝળહળવા આમંત્રણ આપી રહ્યો હતો. એકલવાયા જીવને ઉદાસ લાગનારું વાતાવરણ કનક અને ભારમલ જેવા જોડલાઓને શૃંગારિક ભાસતું હતું.

“મેલ હવે, કાઠી!” કનક ભારમલના હાથમાંથી પોતાનો હાથ છોડાવતા લટકાથી બોલી, “આ અંધારું કોઈનું સગું નથી. હજુ બાપુ મને તારા ઘરે વાળે એ પહેલા એને જવાબ આપવા હું બંધાયેલી છું. કુવેથી ઘેર પહોંચતા હજુ વેળા થાહે.”

“તે કેજે ને કે જેડલ જોડે બે ઘડી રોકાઈ ગઈ ‘તી. આમેય મલક આખાની વાતું તો કરતી હો બધીયું.” ભારમલે મલકાતા કહ્યું.

“એ બધી તો કયારની પુગીય ગઈ હશે. નભ જારે તારલાનો પાલવ કાઢે તંઈયે સીમમાંથી નો નીકળાય. મેલી નજર વાળા જુવાનીયાઉં ઓછા નથ આ મલકમાં.” કનકના ચેહરા પર ચિંતાની રેખા ઉપસી.

“એવા માટીપગાઓની ડોગિયુંના લોહી ચાખવા ભારમલની તલવાર કાયમી તરસી હોય છે. તારી પગની પાનીયું લગી એના લોહીના છાંટા ન ઉડાડી દઉં?” ભારમલના ભવા તંગ થયા.

“તું તારી હારે કાયમી લઈ જાય ત્યાં લગી તારો મારો વહેવાર આ કૂવા અને નદી પૂરતો જ, કાઠી. નદીને પેલે પાર મારી હારે તને કોઈ ભાળી જાય તો બાપુ આ ઉમરે ક્યાં લોક મોઢે તાળાં મારે?”

“હા, તો હાલ અબઘડી જ લઈ જાઉં બાપુ પાહેથી તને.” ભારમલે મૂછમાં હાથ નાખતા કહ્યું.

મીઠી રકઝકને અંતે છેવટે કનક પાણીના એક ઘડાને માથે અને એકને એની પાતળી કમર પર ટેકવીને એકલી ઘેર જવા પાછી ફરી ત્યારે પુનમનો ચંદ્ર એની ચાંદની ફેલાવવા આતુર થઈ ગયો હતો. વાટની બંને બાજુ ફેલાયેલી દેશી બાવળની જંગલી ઝાડીઓમાંથી તમરાઓ દેકારો મચાવી રહ્યા હતા.

“કોડિલી કન્યાઓએ આટલી મોડી હાંજે એકલા નીકળવાની મજા ન લેવી જોઇયે, હો.” ઝાડીઓ વચ્ચેથી એક ઘોઘરો, આછકલાઇથી ભરપૂર અવાજ કનકના કાને પડ્યો. ખંધું હસતાં એ આગળ બોલ્યો, “હા, અમારા જેવા જુવાનિયાઉંના કોડ પૂરા કરવા હોય તો અલગ વાત છે.”

“કુણ છો આહીર? સગળ નથી લાગતાં કનકબાના તમને. જીવ વહાલો હોય તો મોઢું દેખાડયા વગર જ છેટેની વાટ પકડી લો.” કનકે ઝેરીલો જવાબ તો વાળ્યો, પણ આવી પડેલ આફતના એંધાણથી અંદરથી એ પણ કાંપી તો ઉઠેલી જ.

“સગળ તો તમને અમારા નથ, કુંવરબા. મલક આખું ય ધૂળા આહીરના ખાલી નામથી જ મૂતરી પડે છે.” ધૂળાએ મૂછોને તાવ આપતા કહ્યું, “ઝાડીઓના ઝરખો પણ ધૂળાની રજા વગર સસલું અડકતા નથ.”

“હશે ધૂળા. નામ તો અમે ય ઘણું હાંભળ્યું, પણ ઓલા ધોળિયાઓના હણનારા ધૂળાનું. બહેન-દીકરીઓને વાટે રોકતા ધૂળા કરતાં તો ધૂળ હારી.” ધૂળાના નામથી હબકી ગયેલી કનકે આખરી દાવ અજમાવ્યો.

“શું કરે? ભૂખ્યા તો સાવજ પણ થાય.” ધૂળાએ ખંધાઈથી હસતાં કનકની કમર પર હાથ નાખતા એ આશાનો પણ ભાંગીને ભુક્કો થયો.

“આહીર...!” કનકે સિંહણની જેમ ત્રાડ પાડી, “હાલતી પકડ અહીં થી અને માતાજીને વીનવણી કરજે આખું આયખું કે આ તારું નામ અને તારું મોઢું હું અબઘડી જ ભૂલી જાઉં. નહિતર મારો કાઠી તારું નામ મારે મોઢે સાંભળશે તો સાત જનમ સુધી જંગલો ખૂંદીને પણ તને ચીરી નાખશે.”

“સાત જનમ નહીં, સાત ઘડીની જ વાર છે, કનક.” પાછળથી ભરમલનો અવાજ સંભળાયો. જેવો ધૂળો અવાજની દિશા બાજુ જોવામાં અસાવધ થયો કે ભરમલે તલવારની મૂઠથી એના લમણા પર વાર કર્યો. સાત હાથીનું બળ ધરાવતો ધૂળો ય આ ઘાથી તમ્મર ખાઈને નીચો પડ્યો.

એની છાતી પર પગ મૂકીને ભારમલ તલવારથી એની ગરદનના બે કટકા કરવા જાય કે કનક વચ્ચે પડી. “ના, કાઠી.” હાથ જોડીને એ બોલી ઉઠી, “આ નપાવટને આજે મેલી દે. એને વેરીશ તો ગામમાં મારા નામનું ય જોણું થશે અને બાપુ બે બોલ સાંભળશે તો તારી કનક પણ જીવતર ટૂંકાવી દેશે.”

“આ તલવાર લોહી ચાખી ચૂકી છે કનક. હવે એ પાછી વળે તો ભારમલની હત્તર પેઢી લજાય.” ભારમલની આંખો ક્રોધવશ ચકળવકળ થઈ રહી હતી.

“આ પરસંગ જવા દે કાઠી, તારી તલવારને મારું લોહી પીવડાવું.” કનકે પોતાના અંગૂઠાને ભારમલની તલવારની લોહી તરસી ધાર પર ફેરવી એમાંથી નીકળતી રક્તશેરથી ધૂળાના માથા પર ચાંદલો કર્યો. માટલાંની સિંઢોળીમાંથી દોરો કાઢી કણસતા ધૂળાના બાવડા પર બાંધ્યો. “આજે રાખડી પુનમ છે, કાઠી. તારી પરણેતરના મોઢે બોલ્યા વીરાને હવે માફ કર અને પાછો તારા મલક ફર. હું ય ઘેર દીવા કરું.”

દિવસો વીતતા વાર નથી લાગતી અને દિવસોના મહિનાઓ, મહિનાઓના વરસો થયા. કનક અને ભારમલની દીકરી રેવા આજે ઓગણીસ વરસની થઈ. કાળમુખા ક્ષયના રોગે ભારમલ અને કનકનો ભોગ લીધાને ય આજે સાત વરસ થવા આવ્યા. રાજાશાહી મટી. અમલદારશાહી આવી.

“જવા દે એ ખેતરને, દીકરા.” અનુભવનું ભાથું બાંધી ચૂકેલી એ લાચાર ઘરડી આંખોમાં પાણી આવી ગયા, “એક દી જેમ તારી માને વળાવી હતી, એમ હવે તને વળાવી દઉં, એટલે મારે ય હવે માયા મૂકી દેવી આ શરીરની. પસે આ ખેતર મારા શા કામનું?”

“બાપુ, જવા તો ગઢના ગઢ દીધા છે તો આ સીમનું મોહ પણ શા માટે રાખું?” ઘંટડીના રણકાર જેવા મીઠા અવાજમાં રેવાનું ડહાપણ છલકાતું હતું, કનક અને ભારમલના ગયા પછી પોતાના નાના પાસે મોટી થયેલી રેવા એમને બાપુ જ કહેતી. “હું ય કોઈ જીદ નથી પકડી બેઠી. પણ આટલા વરસોથી આપણને અન્ન પૂરું પાડે છે એ ધરા તો આપણી મા કહેવાય. અને માએ નાનપણથી લોહીપસીનો એક કરીને એને જીવતી કરેલી, એટલે એની મહત્તા મારા મનમાં બહુ જ છે.”

“મહત્તા, ધરા, અન્ન.. વાહ, આ સુધારાવાદીઓની નિશાળમાં તું તો જબરા જબરા શબદ શીખી ગઈ છે દીકરા! ને આ ઢળતી ઉમરે મને ય શીખવે પાછી.” દરબારે હસતાં હસતાં ફરી થોડા ગંભીર થતાં કહ્યું, “એક તો દીકરીનું જીવતર, પાછી જુવાન કાયા. હવે રૈયત પોતાના રખેવાળોની નથી સાંભળતી દીકરા. ને જેના નામે એ ખેતર કીધું છે તલાટીએ, એ સવલો કોળીને બધા માણહ પણ છેટા રાખવા જેવા બેટા. ધ્યાન રાખજે તારું.”

અને ડોસલાનો ભય સાચો પડ્યો. બે જ દિવસ થયા કે ગામનો એક છોકરો દોડતો દોડતો દરબારને સાદ દેવા આવ્યો, “બાપુ.. બાપુ... ગજબ થયો બાપુ! રેવાને સવલા કોળીએ મહાદેવ મંદિર પાસે ઘેરી લીધી છે.”

“હે નાથ! પણ મહાદેવ મંદિર તો પોલીસ ટેશનની બાજુમાં! તો..” ડોસો ફટાફટ બહાર નીકળતા ચાલતા ચાલતા બોલ્યો.

“અરે બાપુ, પોલીસ અફસર તે વળી ઇનો જ માણહ છે. ઇણે જ તો ગામના જુવાનોને ય ડારો આપ્યો છે કે ખબરદાર કોઈ મહાદેવ મંદિર તરફ ફરક્યું તો.”

ધ્રૂજતી પણ ઉતાવળી ચાલે શરીરને ખેંચતો ડોસો હજુ પાદર વટાવીને નદી કોર પહોંચે ત્યાં તો લોહીથી લથપથ એવો આધેડ વયનો અને તો ય ઠસ્સાદાર શરીરનો માલિક એવો એક જણસ રેવાને ધ્યાનથી હાથમાં ઊંચકી ગામ તરફ લાવી રહ્યો હતો. દરબારને જોતાં જ એણે રેવાને લીમડાના ઝાડ નીચેના ઓટલા પર સુવડાવી, પોતાના થાકેલા શરીરને પણ થડ પર ટેકવ્યું.

“ઝપાઝપીની મૂઢમાર અને થોડી બીકને કારણે બેભાન થયા છે કુંવરબા. બાકી કાઇં થાવા નથી દીધું.” પોતાના શરીરમાંથી દડદડ વહેતા લોહીને હાથેથી દબાવીને પોતાના છેલ્લા શબ્દો બોલવાના પ્રયાસો કરતાં એણે કહ્યું, “દરબાર, આજ તારી દીકરીની રાખડીનું કરજ ઉતારી મેલ્યું છે ધૂળા આહિરે. આઠ આઠ કોળીઓ અને પેલા પોલીસ અફસરનું એકલા હાથે ઢીમ ઢાળીને એની દીકરીની લાજ રાખી છે. બાકી માફી તો હવે ઉપર પોકીને જ મગાશે. હાલો ત્યારે, રામ રામ.”

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ