વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક કોલનાં કારણે

ઉગમણે સુરજદાદાના આગમનની છડી પોકારાઇ રહ્યી હતી.વાદળીયા આકાશમાં ઘોળાઈ રહેલો કેસરિયો રંગ જોનારની આંખ્યુંને જકડી રાખે એવો સોહામણો લાગતો હતો. ગોવાળો ગાયુંના ધણને સીમમાં ચરવા હાટું લઇ જઇ રહ્યા હતા. એવા ટાણે ખેતરમાં એક મુછ્યું માંડ ફૂટી હોય એવો જુવાનીયો તેનાં બળદોને પાનો ચડાવવા અલકમલકની વાતો કહ્યી રહ્યો હતો.

" એલા એ .. રૂખા ને મોંઘા આમ કોઈ વહુઆરુ પેલાં આણે આવી હોય ઇમ દબાતા પગલે ચ્યમ હાલો સો હેં ! જોવો કઇ દવું સુ આજે ખેતર ખેડાઈ ન્યો જાય ત્યાં લગણ  વિહામો તો નઇ જ મળે હાં! ને હાં, તમ બેઉને બપોર થાતાં તમારું ખડ નીરી દઈશ ,પણ મું તો આજે આ ખેડ પુરી નાં થાય ત્યાં લગણ મોંમા બટકું રોટલો ય નઇ મેલું હો . હવે તમતમારે હાલે રાખો આમ જ ." બળદો પણ જાણે પોતાનાં માલિકની વાત સમજી ગયાં હોય એમ ડાબે જમણે શિંગડા ઉલાળતા ઝડપી પગલાં માંડવા લાગેલા ! આ જોઈને હરખાયેલો જુવાનીયાએ દુહો લાલકાર્યો .

રૂડીયામાં તારું રટણ,
અને ભરી રાખજે તું ભુદરા.
એ તું તો મનનો થાજે મેમાન,
એ ઓલા કરવટ બદલતો નઈ કાનુડા.

બુલંદ સ્વરમાં ગવાતાં દુહા સાથે ત્રણેય ભેરુઓ સૂકી ધરા પર હળની દાંતી ફેરવીને માટીનાં મોટા ગડબાઓ ઉખેડવા લાગ્યાં. સુરજદાદાની સવારી માથે જળુંબવા લાગેલી તોય કામમાં એકાકાર બનેલો એ જુવાનીયો અટકતો જ નહોતો. એ ખેતરને શેઢે પહોંચ્યો ત્યાંજ બાજુનાં ખેતરેથી બુમ સંભળાઈ, " એ હવે તો હાઉં કર માધા, હું હવારે આવયો તયનો જોઉં સુ તું તો મચી જ પડ્યો સે કાંઈ, તારી હામે નૈ તો આ બચાળા બળદીયાઉં હમું તો જો ભૂંડા ! "

" અરે દેવાઅદા રામ રામ, આજે તો આ ખેડ પુરી કરવી જ પડહે, કાલે દાણા નઇ વાવું તો મોડું થઈ જાહે !''

"તે તો એવી ઉતાવળ માંડી છે જાણે મેઘો કાલ્યે ખાબકવાનો હોય ! "

" હા હવે બે ચાર દનમાં આવ્યો જ હમજો.બાપુએ કહ્યું સે મુને ''

" પણ આકાશે નજર તો માંડ ખાલી ધોળી રૂ જેઇવી વાદળીઓ હડી કાઢે સે હજી લગણ તો, આ વરહાદ નો લાવે હો "

" મેઘ ને મે'માનનો કાંઈ ભરોહો નહીં, ગિમે તીયારે ટપકી પડે ! લયો ભાભી ય ભાત લઈને આયવે સે, તમે તમતારે છાંયે બેહીને રોટલા ખાઈ લ્યો ." આમ કહીને માધાએ બળદોને ડચકારો દેતાં વાળી લીધા.


ભાથું લઈને આવી પહોંચેલી રેવતીએ ધણીને પૂછ્યું, " કાં આયર, ભાઈ હારે હું વાતોએ વળગ્યા સો ? "

" અરે આ માધો હવારનો હળ હાંકે સે, તી મેં કીધું જરા પોરો તો ખા બાપ ! "

" ઇ તો હજી લગણ ઇમની વહુંને આણું વળાવીને લાયવા નથ ને ઇટલે ટાઢ તડકો હમજાય નૈ! "સ્ત્રીએ હસીને માધવને સંભળાય એમ મીઠું મહેણું મારી લીધું.

" ના રે ભાભી, મુંને તો આખો દન આ માટીમાં જ રાગદોળાવું ગમહે, ખેતરથી વાલું કોઈ દન બીજું નૈ થાયે હોં " હસીને માધવે ય જવાબ વાળી દીધો, પણ એનાં રૂદીયામાં પરણેતર બલોયાંવાળા રૂડા હાથે ગળાના હમ દઈને રોટલો જમાડતી હોય એવું સ્વપ્ન ઉગવા લાગેલું .

માધવ હજી ખેતર વચાળે પહોંચ્યો ત્યાંજ એને સાદ સંભળાયો, " એ માધાભાઈ .. તમને બાપુ ઘરયે બરકે સે ..ઝટ હાલો ."

માધાએ માથું એ બાજુ ધુમાવીને પૂછ્યું , " લે રેવતી અટાણે હુ કામ પડ્યું બાપુને ? "

કેડી પર દોડીને પાછી વળી રહેલી માધાની નાની બહેન રેવતીએ કહ્યું , " કાંઈ ચત્યાં નથ, શેરથી મે'માન આયવા સે."

" એ કુણ વળી ? "

" બીજું કુણ સે શે'રમાં આપણું ! તારા સસરા આયવા સે ભાઈ " રેવતીએ ફોડ પાડ્યો.

આ સાંભળતા જ માધવનાં પગ જમીનમાં અટકવાનું ભૂલી ગ્યા હોય એમ લાગ્યું તેને ! મનમાં હમજાય નહીં એવો હરખ ઉભરાવા લાગ્યો. એણે ઝપટ કરીને રૂખા અને મોંઘાની રાસ ઝાડવે બાંધી અને ફાળિયાથી મોંઢા પર લાગેલી માટીને લૂછતો મોટી ડાંફો ભરતો ઘર ભણી ચાલ્યો.

***

મોટું ચોખ્ખું ચણાક આંગણું જેમાં રૂડી ભાતની ગાર કરેલી હતી, વંડી વાળેલ ફળિયાની પછે આવતી એક લાંબી ઓસરીને અડીને ત્રણ રૂમનાં બારણાં પડતા હતા. ઓસરીમાં ઢાળેલા ખાટલા પર શે'રથી આવેલ મેમાન પરભુભાઈ અછડતાં બેઠા હતા. સામે એક ખાટલી પર મેરામણભાઈ એટલે કે માધવનાં બાપું બેઠા હતા. ખાટલાની બાજુમાં પડતાં ઓરડાનાં બારણાં પાસે પાથરેલી શેતરંજી પર બેયની સ્ત્રીઓ બેઠેલી હતી. એ બધાંના ચહેરા પર ના સમજાય એવી ગંભીરતા છવાયેલી હતી.

મેરામણભાઈ જરા ગળું ખંખેરીને બોલ્યા, "વેવઈ મુંને તો ઇમ લાગ્યું કે ઓણ સાલ વહુનું આણું વળાવવાનું કે'વાં આવિયા હશો તીમે, ત્યાં તીમે કયો સો કે.." આગળનું વાક્ય બોલતાં એ ગામનાં મોભી કહેવાતાં આયરની જીભ નો ઉપડી.

એ જ ઘડીએ આંગણું વટાવી ઓસરીમાં દાખલ થવા જઇ રહેલાં માધવે પોતાના બાપુનાં આ નિરાશામાં ડૂબેલા વાક્ય સાંભળ્યા, એણે ઝબકીને ઉપડેલો પગ પાછો ખેંચી લીધો. એને સમજાતું નહોતું કે હંમેશા હરખથી બોલતા બાપુનાં શબ્દો આજ આટલાં ઢીલા કેમ આવ્યા !

'' હાં મેરામણભાઈ , સોડીએ હવે તો આણું વળાવી શકાય એવડી થઈ ગયી છે, પણ અમે અમારાં મનની મુંજવણ તમને નહીં કંઈએ તો કોને કેવી ! " પરભુભાઈ બોલ્યા.

" તીમે શે'રમાં જઈને વસ્યા ને અમે અહીં ગામડે જ રઇ ગ્યા, ઇટલે બેય ઘરની રખાવટમાં થોડું અંતર તો આવે ઇ સમજુ સુ , પણ અમે ય વઉંને કોઈ વાતે દખ નઈ પડવા દઈ એનો ભરોહો રાખો, બરાબરને માધાની મા હામી પૂરો તો !"

" હાં હો મારી સોડી રેવતી કરતાં ય વઉંને હારું જમાડીશ ને લાડચાગ કરહી હું , વેવાઈ ને વેવાણ તીમે મનમાં કોઈ ભોં ના રાખતાં ." માધવની મા અમરત આયરાણી બોલ્યાં.

આ સાંભળતા જ પરભુભાઈનાં ઘરવાળા બોલી ઉઠયા, " અમે ક્યાં કહીએ છીએ કે તમે અમારી છોકરીને દુખ દેહો કે ધ્યાન નઇ રાખો ! અમે તો ઇમ સમજાવવા માંગીએ છીએ કે અમારી દીકરીને અમે બગીચાના ફૂલની જેમ હાચવી છે, એણે કોઈ દી' ગામડું જોયું જ નથી ! જો અહીં આવશે તો મારુ બગીચાનું ફૂલ આવા વગડામાં મૂંઝાઈ મરશે. ઇના કરતા તો .. " ગામડેથી શહેરમાં વસીને પોતાને બહું હોશિયાર માનવા લાગેલા લીલાબેને જાણી જોઈને વાક્ય અધૂરું મૂકી દીધું.

કાળી ઘેઘુર મૂછોમાં અનુભવની સફેદી જળકતી હતી એવા મેરામણ આયર જ્યારે ઉભી બજારે નીકળે ત્યારે આજે ય આ ઉંચા પહોળાં કદકાઠીવાળા પણ સૌ ગામલોક હારે મીઠી મમત રાખવાવાળા આયરને સામેથી હંધાય રામ રામ આયર કે રામ રામ ગામઘણી કઇને વધાવતા હતા. ગામમાં પોતાની નબળી વાતો થાશે એ વિચારીને એમનું ડિલ થથર્યું. એ ધીમા સાદે બોલ્યા , " વેવઈ, મારે આ ગામમાં રેવું સે, તમે જે બાજુ વાતને લઇ જાવાનું કેવો સો ઇ થાય તો આખું ગામ મારી ને મારા માધાની હાંસી ઉડાડે , મારી સોડી રેવતીનાં હગપણમાં પણ વિઘન આવે ,તમે મારાં હામુ જોઈને નબળા વચાર રેવા દયો ભલા . "

વડીલોનો મર્યાદા જાળવીને ઉંબરે જ ઉભા રહી ગયેલા માધવે આ સઘળો વાર્તાલાપ સાંભળ્યો, એક એક વાકયે
એ ઉગતાં આયરનું લોહી ઉકળી રહ્યું હતું. એની આંખોમાં લાલાશ ઉતરી આવેલી, હાથની મુઠ્ઠીઓ તંગ થઈ જતાં બાવડાનાં ઉપસેલા સ્નાયુઓ કેડીયામાં અનેરી ભાત ઉપસાવી રહ્યા હતા. એના રૂપાળા ચહેરા પર ફરકતી આછેરી મૂછ પર આંગળીઓ ફેરવતા આગળ શું કરવું એ વિચારોમાં માધવ ઘેરાઈ ગયો હતો.

લીલાબેનનો જરા તુચ્છકારભર્યો અવાજ સંભળાયો, " અહીં ગામડામાં છે હું બીજું ધૂળ, માટી ને ઢેફાં સિવાય, તમારી આબરૂ હાચવવા મારી છોડીને આયાં કેમની મોકલું? "

માધવથી પોતાનાં બાપુનું અપમાન હવે સહન નો'તું થાતું, ઉંબરો ઓળંગીને એ સીધો વડીલો સામે જઈને ઉભો રહ્યી ગયો. એણે આવનાર મેં'માન સામે જોઈને હાથ જોડ્યા અને બોલ્યો, " રામ રામ મે'માન, તમારા મોટાની વાતમાં વચ્ચે આવા બદલ માફી દેજો, પણ મારી પરણેતર ત્યાં શે'રમાં જેવું જીવતી હોઈ એવું જ આહી લાવી દઉં તો  પછે એને મોકલવામાં તમને કાંઈ વાંધો નથ ને ? "

લીલાબેન અને પરભુભાઈ મૂળ તો બાજુનાં ગામના જ રે'તા, અને સમાજનાં રિવાજ પ્રમાણે જ એમની દીકરીના નાનપણમાં માધવ હારે વિવાહ કરવામાં આવેલા . પરંતુ પછી લીલા આયરાણીનો મુંબઇ ગયેલો ભાઈ ધંધામાં સારું કમાવા લાગતા તેમના આગ્રહથી આખું કુટુંબ મુંબઇ જઈને વસ્યું હતું. જેમ જેમ વર્ષો વીતતાં ગયા એમ લીલાબેનને મોહ જાગ્યો પોતાની દીકરીને સાથે જ રાખવાનો , વળી એ માને ચિંતા પેઠી કે ક્યાંક ગામડામાં જઈને ફુલ જેવી દીકરી કરમાઈ જશે તો ! એટલે એ પરભુભાઈને પાઠ પઢાવી આહી લઈ આવેલા કે વેવાઈને વિવશ કરી એમનાં દીકરાને પણ શે'રમાં લઈ આવવો નહીંતર, લગન ફોક કરાવી દેવા. પોતે ધારેલી વાત મૂકી શકાય એવું માહોલ સરજયું ત્યાં જ આવો સવાલ આવી પડતાં એ અકળાઈ ઉઠ્યા હતા . તો પણ શે'રનું પાણી પીને વાણીયણ જેવી ચતુર બની ગયેલી એ સ્ત્રીએ શાંત મગજે વાત કરવાનું નક્કી કર્યુ. એ બોલ્યા, "મારી સેજલ સાવ નાનેથી સગવડોમાં ઉછરી છે, એને આ ગાર માટીનું ગોબરૂ ફળિયું નહીં ફાવે ! "

" ઠીક સે આખું ફળિયું પાકું કરી નાંખશુ અમે. પછે ? " માધવે પૂછ્યું .

" એને ખેતરનું કામ કાજ નથી આવડતું ! "

" હાં તો તમારી સોડીને કોઈ દન ખેતરે નઇ આવું પડે, ભાતું દેવા ય નઇ ! હાઉં નૈ ! "

" મારી સેજલને રોટલાં ઘડતા નથી આવડતું " લીલાબેન એ બીજું બહાનું ધર્યું .

" લે એમાં શું , રોટલા હું જ ઘડી દઈશ." પોતાનો સાવજ જેવો દીકરો આવી જતા હરખાઈ ઉઠેલા આયરાણી અમરત માધવની વાતને ટેકો દેતાં બોલ્યા .

" કુવેથી પાણી લાવતા ય નૈ ફાવે ! "

" ભાભીને પાણી ભરવા નહીં જાવું પડે, કુવેથી પાણી હું જ ભરી આવું સું આમેય " નાનકડી રેવતી બોલી ઉઠી.

" પણ ગાય ભેંસ દોતા નઇ ફાવે મારી છોકરીને ! " લીલાબેને ડોળા કાઢ્યા એ જોઈને પરભુભાઈ એ બોલ્યા .

હો હો હો .. હસતા મેરામણભાઈ બોલ્યા, "ઓય વોય.. ઈમાં હુ .. ગાયું ને ભેંસુને દોવા આમ તો માણહ આવે જ સે પણ કોક દી' ઇ ના આવે તો ઇ કામ હું કરી દઈશ, હવે કયો વેવાઈ ! "

લીલાબેનને લાગ્યું કે આ છોકરો નાની વાતમાં ઢીલો નઇ પડે, એટલે એ બોલ્યા, " મારી સેજલ તો મોટરોમાં ફરે સે, પગે હાલીને એ ક્યાંય નો જાય ! "

" હારું તૈ.. આંગણે મોટરગાડી ય આવી જાહે. પસે તો તમારી દીકરીને મોકલવામાં વાંધો નથે ને ? " માધવે પરભુભાઈ સામે જોઈને પૂછ્યું.

આજ ઘડીની રાહ જોતાં હોય એમ એ ઘરનાંથી દબાયેલ પણ અસલ આયર માણસ બોલી ઉઠ્યો , " ના .. ના.. તમે સૌ આટલું ધિયાન રાખતાં હોવ તો સેજલને કાંઈ તકલીફ નો પડે હો. અમે આણું વળાવી દેશું છોડીનું ! "

મેરામણભાઈએ પથ્થર પર લીસોટો કરતાં હોય પૂછી લીધું, " આયર આ આખી વાત આપણાં વચ્ચે જ રેહે, પણ જો જો હો હવે વચનથી ફર્યા તો તમને સુરજદાદાની આણ સે. "

" હાં વેવઈ, હવે આ વાતમાં મીનમેખ નહીં થાયે. " આમ કહીને પરભુભાઈ એ મેરામણભાઈ હાથમાં પોતાની હથેળી મૂકીને કોલ આપી દીધો કે બે વરસ પછે સેજલ વહુ સાસરે આવી જાહે.

અમરત આયરાણીએ પણ અસલી આયરાણીને શોભે એમ કડવા વેણ હંધાય ભૂલીને વેવાઈ ને વેવાણને ચોખ્ખા ઘીથી લથબથ લાપસી જમાડીને વિદાય કર્યા. રાત્રે વાળું કરીને મેરામણ આયર અને માધવ ફળિયામાં ખાટલો ઢાળીને ચાંદાનાં પરકાશે બેઠા હતા, શિળો વાયરો વાયી રહ્યો હતો ને બાપે દીકરાને મનમાં ઘોલતી વાત પુછી લીધી , " હેં માધા, તે વઉંને અહીં તેડી લાવવા જે કોલ દીધા એ હંધાયમાં મેં ય તારે ભરોહે હામી ભરી દીધી સે પણ આ બધું ચ્યમનું થાહે હે ? "

" બાપું ભોરોહો રાખો, કળિયા ઠાકોર આપડું બોલ્યું હંધુય પૂરું કરશે. "

" પણ કેમનું થાશે બટા.? "

બાપુ ગામની સીમને અડીને એક જમીનનો ટુકડો સે એમ તમે એક ફેરી કે'તાતાં મુને. "

" હાં સે ને મોટી પહોળી જગા સે બાપ દાદા વખતની પણ ઇનું હું ? ''

" હજી વરહાદ પડ્યો નથ ત્યાં ઈય ખેડી નાખું ને વવી દઈ તો ? "

"અરે રે મારાં છોરું, તીયાં કંઈ ખેતર થોડું સે, ઇ તો કોઈ દી ના ખેડાયેલી ઉંચી નીચી ભોમ સે ! તીયા કેમનું ખેડશું હેં? "

" બાપું ખેડવું તો પડશે હવે તો આબરૂ હાટેની વાત સે, અહીં ખેતરે લાઈટ લાગેલી સે તો રાતરે ખેડીશ ને તીયાં દિવસનાં જતો જઈશ. "

" ગગા આબરૂ તો આપણાં હંધાયની હોડમાં મુકાણી સે, આ તો તું ખેતીમાં લાગી જ્યો ઇટલે હું ઓસું આવતો, બાકી હજીય આ દેહમાં બઉં તાકાત સે હો. કાલથી ખેતરે હું જૈસ, ને તું એ સીમને અડીને પડેલી ભોમાં તારા બાવડાનું જોર બતાવજે ! માં તારા રખોપા કરશે. "


બીજા દિવસે પો ફાટે એ પે'લાં તો માધવ એ ઉંચી નીચી જમીન વચાળે ગાડું જોડીને ત્રિકમ,પાવડો લઈને પોંચી ગયો તો. દસ ધોરણ ભણીને ખેતીમાં જોડાઈ ગયેલો એટલે ભલે ભણતર ઓછું હતું પણ માધવે રાત દી' માટીમાં જ કાઢ્યા હતા. એ હમજી ગયો કે જમીન આમ તો રસાળ સે. એણે બે દિવસમાં તો જમીનમાં ઉંચાઈ નીચાય પરમાણે જુદા જુદા ક્યારાઓ બાંધી દીધાં. અને અઠવાડિયું વિત્યે એણે ત્યાં જુદા જુદા શાકભાજી વાવ્યા. જે શાકભાજી ને ઓછું પાણી જોઈએ એને ઊંચે ને ભાજી જેવા રસાળ છોડ નીચાણવાળી જમીનમાં વાવ્યાં. માધો રાત ને દી' જોયા વગર બસ ખેતર અને નવી કરેલ વાડીમાં જ મંડ્યો રહેતો.

માધવની મહેનત ને એમાંય મેરામણ આયરની સુઝ ભળતાં ચોમાસું ઉતરતા જ મબલખ પાક ઉતર્યો. માધવ એની કમાણીમાંથી જ થોડા પૈસા દઈને ટેક્ટર લાવ્યો અને વાડીમાં પાણી માટે બોર ય ગળાવ્યો. રાત ને દી એક કરીને મચી પડેલાં માધવે બીજું વરસ ઉતરતાં તો લીલાબેને કિધેલું એવું ઘર અને પાકું ફળિયું કરાવ્યું. આંગણામાં જ કુવી ખોદાવી લીધી, અને આંગણે ચમકતી મોટર ય આવી જઇ . ગામલોક જે પેલા આખો દિવસ રાત કામ કરતાં માધવને કોઈ વળગાડ થ્યો સે એમ હમજીને આઘા રેતાં, એ હંધાય ગામમાં પેલી વાર શે'ર જેવી સુવિધાઓ થતાં મોંમાં આંગળા નાખી ગ્યા. મેરામણ આયરે કાગળ લખીને વેવાઈને હરખથી તેડાં દીધા.

એક દી' માધવ ખેતરે હતો ને ફરી સાદ સંભળાયો, " માધાભાઈ મે'માન આયવા સે શે'રથી, તમને બાપુ ઘીરે બોલાવે સે."

આ સાંભળતા જ બે વરહથી જાતને જોતરીને રાતને દી'ને એક કરી નાંખેલ એ પંડમાં જીવ આવ્યો જાણે, જો કે આજે માધવનાં મનમાં બેવડી ખુશી હતી. એક તો પરણેતરને ઘરે લાવી હકશે હવે આ આશ ફળી હતી અને બીજું પોતાનાં બાપુની આબરૂ ઢાંકયેલી રાખી હકયાનો આનંદ હતો.

માધવે ઘીરે પગ મુક્યો ત્યાંજ એણે રસોડામાંથી ચા લઈને શહેરી પે'રવેશમાં પણ અતિશય સુંદર લાગતી એક છોકરીને આવતી ભાળી. કંકુની પૂતળી જેવી રૂપાળી ને હરણી જેવી નાજુક આ પોતાની જ વઉં સે એ હમજી જતાં માધવને આ બે વરહની હંધીય મે'નત લેખે લાગી એમ લાગ્યું! ગામની રીત, મર્યાદા જાણતી સેજલે માથું દુપટ્ટાથી ઢાંકી લીધેલું. એની પાછળ જ જોડાજોડ રેવતી આવતી હતી. સેજલે મેરામણભાઈ ,પરભુભાઈ, લીલાબેન અને અમરતબેનને શે'રથી ખાસ ચાર દી' પેલાં મંગાયેલા કપરકબીમાં ઘરનાં
દુધની રગડો ચા આપી. દૂર એક નાની ખાટલીમાં બેઠેલાં માધવને ચા દેવા એણે રેવતીને મોકલી ને માધવ તરફ એક આછેરી નજર કરી. એ નજરમાંથી નીકળતા હેત એવડાં તો મીઠાં હતા કે માધવને ચાય મોળી લાગી પછે તો !

હંધાય પરવાર્યા પછી સેજલ ધીમેથી બોલી, " પપ્પા મેં હમણાં રસોડામાં રેવતીબેનને આ ઘર ગામડામાં છે તો ય આટલું શહેર જેવું કેમ લાગે સે એમ પૂછ્યું, તો એમણે મને તમે ને મમ્મી અહીં આવ્યા ત્યારે શું માંગણી કરેલી એની વાત કરી.મારાં સાસરિયાઓએ રાત દિવસ એક કરીને કેવી રીતે મારા માટે આ સ્વર્ગ ઉભું કરી દીધું એ પણ ખબર પડી મને! પણ હું મારાં સાસુ સસરાને અને તમને એટલુંજ કેવા માંગુ છું કે મને તો ગામડાંના માણસો જેવું જીવન જ જીવવું છે. આ બધી સુવિધાઓ તો શહેરમાં હતી જ, પણ તોય શહેરમાં આવા માયાળુ માણસો ક્યાં હતા. હું કદી તમને કહી નાં શકી પણ હું જે દિવસ એમને પરણી
એ દિવસથી આ ગામડાંના સીધા સાદા જીવનને પણ અપનાવી ચુકી છું. મને કોઈ સુવિધાઓની જરૂર નથી, બાળપણમાં જીવેલું એવું જ સાદું જીવન મારાં લોહીમાં અને શ્વાસમાં છે. કાલથી અહીં તમારાં બધા વચ્ચે જીવતી સેજલ અસલ આયરાણી બનીને જ જીવશે, આ મારી ઈચ્છા અને મરજી છે. "

બીજા દિવસે વઉં પે'લીવાર સાસરે આવે ત્યારે થતી એ હંધીય વિધિઓ કરવામાં આવી, સાંજ પડતા પરભુભાઈ અને લીલાબેન શે'ર જવા નીકળી ગયા.

બીજા દિવસે સૂરજ માથે આવ્યો  ત્યારે સેજલ વઉં ગામડાંની કેડીઓ વટાવતી માથે ભાત લઈને અસલ આયરાણી જેવા શણગાર સજીને ધણીને ભાત દેવા હાલી નીકળી. આ જોઈને મેરામણ આયર અને અમરત આયરણીની આંખોમાં હેત ઉભરાણું ! ખેતર વચાળે માધવ ઝાડવાં હેઠે બેહીને રોટલાં જમતો હતો અને આયરાણી એને ગળાનાં હમ દઈને જમાડતી હતી. માધવને આજે પરણેતર સેજલનાં હાથેથી જમાતો રોટલો અમૃત જેવો મીઠો લાગ્યો.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ