વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કલંક




   શિયાળાની ઘનઘોર અંધારી રાત, તમરાંના શોરબકોરના સંગીતમાં ધીમા ડગલે મદમસ્ત હાથણીની જેમ ચાલી જતી હતી. આકાશમાં ટમટમતા તારલાઓની ઓઢણી ઓઢીને ખાબકેલું ભેંકાર અંધારું રાતના સામ્રાજ્યના ગરૂરમાં છકી ગયું હોય એમ ચારેય દિશાઓમાં ફરી વળ્યું હતું. ટાઢા પવનના સુસવાટા એ અંધકારને ડહોળી રહ્યાં હતાં.


 એવે વખતે ગામની વચ્ચોવચ આવેલા મોટા ખોરડાના ડેલા આગળ માથે કાંબળો ઓઢીને એક માણસ આવીને ઊભો રહ્યો. ડેલાની સાવ પડખેથી ચાલી જતી બજારની બંધ હાટડીઓના ઓટલે ટૂંટિયું વળીને સૂતેલા એક-બે કૂતરાઓએ એ માણસની ગંધ પારખીને ઊંચા કરેલા કાન વાળીને બે પગ વચ્ચે માથા ભરાવી દીધાં!

 

   ડેલાની બારીએ કાન મૂકીને એ માણસે અંદરનો સંચાર પારખ્યા પછી હળવેથી ખિસ્સામાંથી એક ચાવી કાઢીને એ ડેલીની બારી ખોલી નાખી.


 થોડીવારે એ ડેલામાંથી એ કાંબળાધારી માણસ બહાર નીકળ્યો. એક સ્ત્રી દેહને એણે દબોચી લીધો હતો. એ સ્ત્રી બિલાડાનાં પંજામાં સપડાયેલા પારેવાની જેમ છૂટવા માટે છટપટતી હતી. એના મોં પર દબાયેલો એ માણસનો મજબૂત પંજો એના ગળામાંથી ઊંહકારો પણ નીકળવા દેતો નહોતો. એ સ્ત્રીના દેહનો વજન જાણે કે એને લાગતો જ ન હોય, જાણે રૂનું ગાદલું ઊંચકી એ જતો હોય એવી ત્વરાથી એ ઘોઘર બિલાડાં જેવો એ આદમી, કાંબળો સરખો લપેટીને અંધારામાં ઓગળી ગયો. દુકાનના ઓટલે સૂતેલા કૂતરાઓએ ડોક ઊંચી કરીને હળવેથી ભસી લીધું...!


***


  ક્ષિતિજમાંથી ઉષાના કિરણો પૂર્વના આકાશમાં લાલ હિંગળોક ચાદર બિછાવીને જાણે સૂર્યનું સ્વાગત કરી રહ્યાં હતાં. પ્હો ફાટતા જ ધરતી પરથી અંધકાર, હારેલા રાજવી માફક એનું સૈન્ય હટાવી રહ્યો હતો.


  ગામની વચ્ચોવચ આવેલા એ ખોરડાના ડેલામાં ગામલોક તંબે થયું હતું. ફળિયામાં અને ડેલીની બહાર સુધી ધોળા કેડિયા-ચોરણા પહેરેલા લોકો માથે ધોળા ફાળિયા બાંધીને ફળિયામાં જઈને મૂંગા મૂંગા ઊભા રહી ગયાં. દરેક જણના દિલમાંથી આર્તનાદ, દરિયાના મોજા કિનારે દોડી આવે એમ મોઢા પર દોડી આવતો હતો. દુ:ખિયાના બેલી સમાં રામબાઈને ન જાણે ક્યાંથી એરું આભડી ગયો હતો! કાળુભાના કહેર સામે ઢાલ બનીને ઊભા રહેતા રામબાઈના મોતથી ગામ માથે આફત, તૂટેલા ડુંગરની જેમ ધસી પડવાનો ભય જાણે કે લોકોના શ્વાસ રૂંધી રહ્યો હતો. 


  ઓસરીમાં રામબાઈનું શબ મોતનો શણગાર સજીને સૂતું હતું. કાળુભાની એકની એક દીકરી વીરબાઈ કોરીધાકોર આંખોથી મૃત્યુ પામેલી માને તાકી રહી. ઓસરીની ધારના છેક છેડે બેઠેલો કાળુભા કોઈને મોં બતાવવા ન માંગતો હોય એમ બે પગ વચ્ચે માથું નાખીને બેઠો હતો. વીરબાઈ થોડી થોડીવારે એના પિતા સામે જોતી હતી ત્યારે એની કોરીધાકોર આંખોમાં આગના તણખાં ઊઠતાં હતાં ! એની આયા મોંઘી સાડીથી મોં ઢાંકીને ઓસરીમાં દીવાલને ટેકે બેઠી હતી. એની આંખોમાંથી વહેતા આંસુઓનો ધોધ એના સાડલાના છેડાને ભીંજવી રહ્યો હતો.


  ગામની સ્ત્રીઓ કાળા સાડલાથી માથા ઢાંકીને આવવા લાગી અને ડેલી રુદન સ્વરોથી ઉભરાઈ ગઈ.


   કાળુભાના કુટુંબી ભાયાતોએ નનામી તૈયાર કરીને રામબાઈના શબને એમાં સુવડાવ્યું. મરણોત્તર વિધિ પૂરી કરીને ચાર કાંધિયાઓ નનામી ઉપાડવા આગળ વધ્યાં, ત્યાં જ વીરબાઈએ ઉઠીને એક કાંધિયાને હડસેલો મારીને નનામી નીચે પોતાનો ખભો મૂકી દીધો.


   ભાયાતો અને લોકોમાં હાહાકાર મચી ગયો.


 'દીકરી કાંધ નો આપી હકે અને મહણીએ પણ નો આવી હકે. ઈ આ વીરબાઈ શું નઈ જાણતી હોય?' એ સવાલ દરેકની આંખોમાં ઉગીને તરત આથમી ગયો.


 સૌએ કાળુભા સામે જોયું પણ એ તો નીચું મોં કરીને ઊભો હતો.એક શબ્દ પણ એ બોલ્યો તો નહિ, વીરબાઈની સામે સુધ્ધાં જોયું પણ નહિ; જાણે જીવતી લાશ થઈ ગયો હતો ખૂંખાર કાળુભા.


  શબયાત્રા ઉપડી. હળવા સ્વરે રામમંત્રનો ગણગણાટ ઊભી બજારમાં છવાઈ ગયો. રાત જેવી જ ભેંકાર એ બજાર ભાસતી હતી.

 

 ભડભડ બળતી ચિત્તાની જ્વાળાઓ કરતાંય ભયાનક અગ્નિ વીરબાઈની આંખોમાં પ્રગટ્યો હતો. ચિતા ફરતે પ્રદક્ષિણા ફરતા એના પિતા કાળુભાને જોઈને એના રોમ રોમ સળગી ઉઠ્યાં હતાં. અચાનક એ આગનો ભડકો થયો હોય એમ એ દોડી. સળગતી ચિતા સામે બે હાથ જોડીને ઊભેલાં કાળુભાને વીરબાઈએ જોરથી ધક્કો મારીને ચિતામાં હડસેલી દીધો..!


 "હાં.. હાં...હાં.....આ શું ગજબ કર્યો...!" કહેતા લોકો ધસ્યા પણ વીરબાઈએ એક સળગતું લાકડું લઈ ત્રાડ નાખી....


"ખબરદાર..જીવ વા'લો નો હોય ઈ જ આગળ ડગલું મેલજો! મારી માનું મોત નીપજાવનાર આ હરામખોરની આ જ સજા છે !"


   ડાઘુઓની આંખો અને મોં પહોળા રહી ગયા. ક્રોધથી સળગીને થરથર ધ્રૂજતી અને ઊભા થઈને બહાર નીકળવા મથતાં કાળુભાના માથામાં સળગતાં લાકડાથી પ્રહાર કરતી વીરબાઈ રાક્ષસનો વધ કરતી કોઈ દેવી જેવી જણાઈ રહી હતી.


  જીવતાં સળગવાની ભયાનક પીડાને કારણે કારમી ચીસો પાડતો કાળુભા ચિતામાંથી બહાર નીકળવા બહુ મથ્યો પણ દીકરીએ એને બહાર આવવા ન દીધો. આખરે એ શાંત થઈને રામબાઈ સાથે જ ભડભડ બળવા લાગ્યો.


 મા રામબાઈના મોતના ઘાવ પર વીરબાઈએ બાપનો જીવ લઈને મલમ કરી આપ્યો હતો પણ એણે આવું શા માટે કર્યું એનો જવાબ કાળુભાના ગોઠિયાઓ, વીરબાઈ અને એની આયા મોંઘી જ જાણતાં હતાં!


***


  કાળુભા એટલે પાંચ હાથ પૂરો, લીંબુની ફાડ જેવી આંખો અને પૂળા જેવી મૂછો, પહોળી છાતી અને ગામની મોટી જાગીરનો માલિક. ગામમાં જમીન ખેડી ખાતાં ખેડુઓ એની કરડી નજરથી ડરતાં. જુવાન દીકરીઓ અને વહુવારુઓ સસલાની જેમ ફફડતી. ક્યારે આ નરરાક્ષસનો પંજો કોની પર પડશે એ કોઈ કહી શકતું નહિ.


  મોડી રાત સુધી કાળુભાની મેડીએ મહેફિલો જામતી. શરાબ પીને છકી ગયેલા કાળુભા અને એના ગોઠિયાઓને શબાબની જરૂર પડતી.


વસ્તીનો રક્ષક જ ભક્ષક બન્યો હોય ત્યાં અને જ્યાં વાડ જ ચીભડાં ગળવા માંડે ત્યાં ભગવાન બચાવે એ જ બચતું હોય છે. વસ્તીમાંથી ગમે તેની બહેન બેટીને ઉઠાવી જઈ આ મહેફિલમાં શરાબ સાથે શબાબની વ્યવસ્થા થતી. કાળુભા ખુદ એની જાગીર પર કાળા કલંકનો ખૂબ મોટો ધબ્બો હતો !


  કાળુભાના ઘરમાં કામ કરતી મોંઘી ઊંચી અને રૂપાળી બાઈ હતી. રામબાઈની રહેમનજર હેઠળથી એને ઉપાડવી શક્ય નહોતી. વીરબાઈને એ આયા એની મા કરતા પણ વધુ વહાલી હતી. એટલે કાળુભાનો ડોળો એની ઉપર હોવા છતાં એ સુરક્ષિત હતી.


  તે રાતે ગામની બહાર આવેલા કાળુભાના બીજા મકાનની મેડી પર ફાનસના અજવાળામાં  શરાબની છોળો ઊડી રહી હતી. કાળુભા પણ રંગમાં આવી ગયો હતો. એના ખાસ દોસ્ત હામાએ લથડતી જીભે મોંઘીના વખાણ કરવા માંડ્યાં.


"ભેરુ...તારી કામવાળી તો ભાય સરગાપરની અપસરા સે હો. અલ્યા પડ્યું પડ્યું તો લોઢુંય કટઈ જાય..ઈની જુવાની તો જો. અલ્યા ઈ આપડા કામમાં નઈ આવે તો કોના કામમાં આવશે હેં? આજ તો આ મહેફિલમાં ભલે થઈ જાય...!" હામાએ લથડતી જીભે અને મીંચાઈ જતી અડધી આંખો પરાણે ઉઘાડીને લાળ ટપકાવી.


 આજ સુધી મહેફિલમાં આ હામો જ શબાબની વ્યવસ્થા કરતો હતો. આમેય કાળુભાના મનમાં પણ મોંઘી રમતી જ હતી. શરાબના નશામાં એ રાતે કાળુભા ભાન ભૂલ્યો હતો. ખુદ એના જ ઘરમાં ખાતર પાડવા અંધારી રાતે કાંબળો ઓઢીને એ ઉપડ્યો હતો.


*** 


   કાળુભાના ખોરડે ઓસરીમાં જ એ મોંઘી ખાટલો ઢાળીને સૂઈ રહેતી. વીરબાઈને એ અવનવી વાર્તાઓ કહેતી. વીરબાઈ વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જાય એટલે એ બહાર આવીને સૂઈ જતી. એ ગોઝારી રાતે વીરબાઈને ઊંઘ આવતી નહોતી એટલે રામબાઈ, પોતાની પથારી મોંઘીને આપીને ઓસરીમાં જઈને સૂઈ ગયાં હતાં. મોડી રાતે વાર્તા કહીને મોંઘી અંદરના ઓરડામાં ઊંઘી ગઈ હતી.


   કાળુભાએ તે રાતે ઓસરીમાં સૂતેલી રામબાઈને મોંઘી સમજીને પારેવા પર તરાપ મારીને દબોચી લેતા બિલાડાની જેમ રામબાઈને દબોચી હતી. એના મોં પર કાળુભાના મજબૂત હાથનો પંજાએ રામબાઈના ગળામાંથી ઊંહકારો પણ બહાર આવવા દીધો નહોતો.


   ચિત્તો હરણને ઉપાડીને ઝાડ પર ચડી જાય એમ જોરાવર કાળુભા મેડીનો દાદર ચડ્યો હતો. કાંબળો ફેંકીને મૂછે તાવ દઈને મેડીમાં પાથરેલા ખાટલામાં રામબાઈને ફેંકતા એ ખડખડ હસીને બોલ્યો, " દોસ્ત, હામા..લે આજ તારી અબળખા પૂરી કરી લે...આજ શબાબ મારા તરફથી..."


   ખાટલામાં પડેલી રામબાઈએ ઊભાં થઈને પતિના અસલી રૂપને તે રાતે મેડીના ફાનસના અજવાળે જોયું. મોંઘીને બદલે રામબાઈને જોઈને ભેરુઓના મોઢા સિવાઈ ગયા. કાળુભા શરમનો માર્યો મરી જવા જેવો થઈ ગયો.


''ફટ છે તારી જિંદગી. તારી જેવા નીચ માણસની હું ઘરવાળી છું ઈ જાણીને મને જીવવાનો કોઈ મોહ નથી રહ્યો." કહી ધડાધડ મેડીના દાદર ઉતરીને રામબાઈ ઘેર આવ્યાં હતાં.


   ડેલીની ઉઘાડી બારીમાંથી દોટ દઈને રામબાઈ રસોડામાં પેઠી હતી. ઘરમાં રાખેલા અફીણને વાટકો ભરીને ઘોળ્યું અને મોટા ઘૂંટડે ગળા નીચે ઉતારી દીધું હતું.ત્યાર બાદ અંદરના ઓરડામાં સૂતેલી વીરબાઈના માથે હાથ ફેરવ્યો હતો. માના ઊના ઉચ્છવાસથી જાગી ગયેલી વીરબાઈએ ઊભા થઈને ફાનસની વાટ તેજ કરી હતી.


  રામબાઈની દશા જોઈને એના ગળામાંથી રાડ નીકળી ગઈ. એ રાડથી જાગી ગયેલી મોંઘીની આંખો પણ ફાટી રહી.


   અફીણના ઘેનમાં રામબાઈએ બનેલી ઘટના તૂટકતૂટક અવાજે બયાન કરી. કાળુભા એ રાતે ભયાનક ભૂલ કરી બેઠો હતો.


  વીરબાઈએ માના મોતનો બદલો એ કલંકને જીવતો સળગાવીને લઈ લીધો હતો. એક નરાધમના કર્મોનો હિસાબ એને બરાબર મળી ગયો હતો.


    વસ્તીએ જ્યારે આ સત્ય જાણ્યું ત્યારે વીરબાઈ એક દેવી તરીકે પૂજાવા લાગી હતી.


----×------

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ