વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પેટી

પેટી

 

"ભાઇ, પેટી…!"

 

'પેટી' સાંભળતા જ જાણે ભાઇના પેટમાંય પતંગિયા ઉડ્યા. પેટી - માની પેટી. ઉઘાડવાની તો દૂર, માએ કોઇ દિ' અડવાય નો'તી દીધી. સમજણ આવી તે દિ' થી જોયું છે કે મા ભગવાનની હારોહાર એ પેટીનીય પૂજા કરે, પણ એમાં શું છે એ કોઈ દિ' કીધું જ નઈ. હવે તો પૂછવાનુંય છોડી દીધું'તું, પણ આજે-

 

આજે માને હમણાંજ ટ્રેનમાં બેસાડી આવ્યા. ઘણા દિ' થી માની ઈચ્છા હતી ચારધામની, તે આજે માંડ મેળ પડ્યો હતો. અને ઘરે આવ્યાભેગું જ બેનથી નો રેવાણું, તે સીધી પેટી સંભારી. વાત તો ભાઇના મનમાંય એ જ રમતી'તી તે બંને ગયા મંદિર પાસે. ભગવાન સામું હાથ જોડી મનોમન માની મંજુરી અને ક્ષમા બેય એકહારે જ માંગી લીધી. પછી બંનેની નજર એ પેટી પર સ્થિર થઈ. એક નાનકડી પિત્તળની પેટી-વર્ષોનાં વીતવા સાથે એની ચમક પણ સાવ ખોવાઇ ગઇ હતી. પણ બંને સમયે એની સામું દીવાબત્તી અને ધૂપ અગરબત્તી અચૂક થતાં. કંઈક તો હતું એમાં! 

 

બહેને એના પરથી રાખ ખંખેરી અને ભાઇએ ધરુજતો હાથ પેટી પર મૂક્યો. ફરી બંનેની નજરું મળી અને એ પેટી વર્ષો પછી, કદાચ પહેલી વાર મંદિરમાંથી બહાર આવી. ઉપરથી સ્હેજ ઠપકારી જામી ગયેલો નકુચો ખોલ્યો અને જરા જોર કરી પેટી ખોલી જ નાંખી. એમાં રહેલી વસ્તુઓ જોઇ બંનેની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. 

 

શું હતું એમાં? ભાઇના હાથમાં રહેલ પેટીમાંથી બહેન એક એક વસ્તુ બહાર કાઢી તાકી તાકીને જોવા લાગી. સૌથી ઉપર ચાંદીનું લવિંગીયું હતું, એ પણ એકજ! એની નીચે ચુંદડીનો એક નાનકડો કટકો, એક નાની પોટકી અને એક કાગળ. હા, એ કાગળ, જેમાં છુપાયેલી હતી હકીકત. 

 

***

 

લગનવાળું ઘર, પાંચ દા'ડાનો ઓચ્છવ, પાંચ દિ' આખું ગામ ધુમાડાબંધ હતું. એમ કહો કે આખુંય ગામ પોતાના જ ઘરનો પ્રસંગ હોય એમ અહીં હાજર હતું. અને કેમ ન હોય! કેસર હતી જ એવી મીઠડી, આખાય ગામની લાડકી. કેસરનાં બાપા આમ તો ગામના સરપંચ હતા, પણ એ ઓળખાતા કેસરનાં નામે. કોઇ એમ નો કે' કે સરપંચબાપા જાય છે, બધાનાં મોઢે એમ જ આવે, એ જો કેસરનાં બાપુ જાય. આવડી આ કેસરનાં લગનની તૈયારી જોઈ હંધાયની આંખ્યું ઠરતી. પણ બે આંખ્યું એવીય હતી જે ઠરવા નહી, બાળવા આવી'તી.. 

 

એ ચકળવકળ આંખ્યું હંધોય ક્યાસ કાઢી ક્યારે અંધારે ઓગળી ગઇ એની કોઈને સૂરતા નો' રઈ, પણ બીજે દિ' એ આંખ્યું પાછી આવી. વે'લી પરોઢનો સમો ને મીઠો વાતો પવન, એવી ઘડીએ ડેલીની સાંકળ ખખડી. સરપંચબાપાય વિચારે ચડ્યા કે આવા અહુરા ટાણે કોણ હઈશે? ઘરવાળાય જાગી ગ્યા તે ફાનસ પેટાવી સરપંચબાપાની હારે થ્યા. બાપાએ જરીક ડેલી ખોલી ત્યાં તો બેનાળી સીધી અંદર! એક કોદો વાગ્યો ને સરપંચ ભોં ભેગા. ને પછી તો એક પછી એક પાંચ બહારવટિયા સીધા ઘરમાં. સરપંચ બાપાની છાતીએ જોટાળી ધરી આંખ્યું કરડી કરી. 

 

"કાં ઠકરાણા, ગરીબોનાં પૈસે છોડી પૈણાવવી છે?"

 

ઠકરાણા તો ધોળી પણી જેવા થઈ ગ્યા. કાપો તો લોહી નો નીકળે. જે નાથા બહારવટિયા વિશે આજસુધી માત્ર વાત્યું જ હાંભળી'તી ઈવડો ઈ આજ નજર સામે ઉભો'તો. માથે કાળો સાફો અને એનાથીજ બાંધેલી બુકાની વચ્ચેથી દેખાતી તગતગતી લાલ આંખ્યું! આંખ્યુંની લાલાશ ઉતરી હોય એવો કરડો અવાજ અને એવા અવાજે મળેલો હુકમ-"જીવ વા'લો હોય તો હંધુય આંયા ભેગું કરો."

 

"પણ નાથા, દિકરીનાં લગન… "

 

સરપંચબાપા બોલવા ગ્યા ત્યાં ફરી એક કોદો વાગ્યો. 

 

"જીવતા રે'વું હોય તો ઉતાવળ કરો. હાલો ઠકરાણા, પછેડીય તમારી જ પાથરવી પડશે."

 

નાથાનો કડપ અને એના પરાક્રમોની ગાથા કામ કરી ગયા. ઠકરાણાએ તરત અંદરથી એક ચુંદડી લાવી આંગણામાં પાથરી. પોતાના પંડ પર હતા એટલા દાગીના એમાં ઢગલો કરી દીધા. પછી એના છેડા ભેગા કરી ગાંઠ મારવા ગયા ત્યાં ફરી વચ્ચે જોટાળી આવી. 

 

"કાં ઠકરાણા, કોને બનાવો છો? સરપંચના ઘેર લગનનો માંડવો હોય, અને દાગીનો આટલો જ હોય? હાલો, તિજોરી ખાલી કરો. ઉતાવળ રાખો નકર આ કોઇની સગી નઈ થાય." 

 

બેનાળીની ઠંડી ટોચ ઠકરાણાને ગાલે અડી ને એમનાં આખા શરીરમાં કમકમા આવી ગ્યા. ઉતાવળી ચાલે ફરી ઠકરાણા અંદર ગયા. નાથાએ ઇશારો કરતા તેનો એક સાથીદાર પણ પાછળ ગયો. ઠકરાણાએ તિજોરી ખોલી અને એમાં રહેલ રોકડ તથા દિકરીનાં લગનનો બધો દાગીનો બહાર કાઢ્યો. હવે કશું બાકી રહેતું નથી એ ખાતરી કરી નાથાનો સાથીદાર બહાર આવ્યો અને નાથાને ઈશારો કર્યો. 

 

નાથાએ મનોમન ગણતરી મૂકી. આખો ખેલ દસ મિનિટમાં પાર પડી ગયો હતો. સરપંચબાપાએ સલામતી અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો. બે હવાલદાર… એને તો સૌથી પહેલા ઝબ્બે કર્યા હતા. અને પોલીસ ટેસને સમાચાર પૂગે ને બીજા પોલીસ આવે એમાં અડધો કલાક તો સ્હેજે નીકળી જાય. હજુ પાંચ મિનિટ હતી તેની પાસે. પછી કોતરોમાં ઓગળી જવા બાકીની પંદર મિનિટ તો ઘણી ઘણી હતી. 

 

નાથાએ પછેડી બાંધી પાછા વળવાનો ઈશારો કર્યો, બરાબર ત્યારેજ મેડી પર ખખડાટ થયો. નાથાએ તરત જ સાથીદારને ઈશારો કર્યો અને એણે ઉપર દોટ મૂકી. બીજી જ મિનિટે એક ચીસ સંભળાઇ અને લાખો ઢસડતો ઢસડતો કેસરને નીચે લઈ આવ્યો. કેસરની ચીસથી સરપંચબાપા અને ઠકરાણા ફરી થડકી ગયાં. અત્યાર સુધી મનમાં હા'શ હતી કે કેસર હેમખેમ છે. બાકી બધું તો પછી પોંચી વળાશે. પણ હવે… 

 

કેસર નીચે આવી ને પોતાના મા-બાપુને આવી કફોડી હાલતમાં જોઈ રડી પડી. કાલે જ પીઠી ચોળી હોવાથી કેસરના શરીર પર કોઈ ઘરેણું નો'તું. બસ, કાનમાં બે ચાંદીનાં લવિંગીયા. નાથાએ એ પણ કાઢવા કહ્યું. કેસરે મા સામે જોયું. એમની આંખ્યુંમાં લાચારી ટપકતી હતી. પછી એક નજર જોટાળી નીચે ચત્તાપાટ પડેલા બાપુ સામે નાંખી રડતી આંખે કાનમાંથી લવિંગીયા કાઢવા માંડી. જમણા કાનનું તો તરત નેહરી ગ્યું, પણ ડાબો કાન હઠે ચડ્યો'તો. એમાંથી લવિંગીયું નો નીકળ્યું તે નો જ નીકળ્યું. વીતતી જતી એક એક ક્ષણ નાથા માટે અકારી થઈ રહી હતી. તેણે અવાજમાં શક્ય એટલો વધુ કડપ ઉમેરી કહ્યું, "જલ્દી કર છોરી."

 

કેસરે દયામણી નજરે નાથા સામે જોયું. "નથ નીકળતું… " પણ નાથાની નજર એ લવિંગીયા પર જડાઇ ગઈ હતી. તેને બીજલ સાંભરી આવી. તેની બીજલ… આ લવિંગીયાની જોડ તો બીજલને જ શોભે. બસ, તેની આંખમાં એક ચમક આવી અને તે માણસ મટી જનાવર બની ગયો. "મારી હાર્યે ત્રાગું કર છ?નથી ઓળખતી મને? હું નાથો.. " આટલું કહેતાંક ને નાથાએ હાથ લાંબો કરી કેસરની ડાબા કાનની બૂટ પકડી એક ઝાટકો માર્યો અને કાન ચીરીને લવિંગીયું નાથાનાં હાથમાં આવી ગયું. એકબાજુ નાથાનું અટ્ટહાસ્ય તો બીજી બાજુ કેસરની રાડ…. પણ આ બેયની સાથે એક ગર્જનાય સંભળાણી. "નાથા! છેટો રે'જે… "

 

આ અવાજ સાંભળી નાથોય ઘડીક ઓઝપાઇ ગ્યો. એ ત્રાડ બીજલની હતી, એની બીજલની! પણ એ અહીં? એના મનમાં ઉઠેલો સવાલ તરત તેની જીભાન પર આવી ગ્યો. અને જવાબમાં બીજલનાં હાથમાં રહેલી તલવાર ઝળકી ઉઠી. એ જ તલવાર, જે લઈને નાથો બહારવટે ચડ્યો હતો. પણ સમય બદલાતાં એ તલવારનું સ્થાન આ જોટાળીએ લઈ લીધું હતું. પરંતુ આજે પણ એ તલવાર ભવાની માતાનાં ચરણોમાં સાચવેલી હતી. દરેક ધાડ વખતે આ જ તલવારથી પોતાના રક્તનો અભિષેક કરી તે ભવાની માતાનાં આશિર્વાદ લેતો. એ તલવાર સાથે બીજલ અહીં? 

 

"તું મારગ ભૂલ્યો નાથા. અસ્તરીનો મલાજો નઈ હાચવ તો માતાનાં આસિરવાદ કેમના મળસે? તું બચારા ગરીબોનાં હારા હાટુ બા'રવટે ચડ્યો તે મું તારી કેડે ઉભી રઈ. મા ભવાનીનાં આસિસ તુંને મળીયા. પણ તું મારગ ભૂલ્યો." નાથા સામું જોઈ બોલતી બોલતી બીજલ કેસર પાસે આવી. દરદથી બેવડી વળી ગયેલી કેસરને બરડો પંપાળી ઉભી કરી અને નાથા સામે હાથ ધરી ઉભી રહી. નાથાએ એ લવિંગીયું તેના હાથમાં મૂકી દીધું એટલે એ કેસરનાં હાથમાં આપી તેને પોતાની પાછળ લીધી. કેસર આભારવશ નજરે બીજલ સામે જોઈ રહી. તેની ક્રોધ ભરેલી વિસ્ફારિત આંખો, કપાળમાં રૂપિયાના સિક્કા જેવડો લાલ ચટ્ટક ચાંદલો, હવામાં ઉડતા વાળ, હાથમાં ઉઘાડી તલવાર અને… અને પૂરા દિવસ જતાં હોય એવું ઉપસેલું પેટ. સાક્ષાત જગદંબા જાણે તેના રક્ષણ કાજે આવ્યા હોય એવું કેસરે અનુભવ્યું. 

 

"બધું પાછું દઈ દે. આ છોરીનો કોઈ વાંક નથ. એના લગન નો બગડવા જોવે. આ માટે બા'રવટું નથ કયરૂં."

બીજલ એક એક શબ્દ ચીપીને બોલતી હતી. પરંતુ નાથો એની વાત માની શકે એમ નહોતો. જેમ જેમ સમય વીતતો જતો હતો એમ એમ પોલીસ પલટન આવી પહોંચવાની ધાસ્તી વધતી જતી હતી. સમય ગુમાવવો પાલવે એમ નો'તો. છતાં નાથાએ એકવાર બીજલને સમજાવવાની કોશિષ કરી જોઈ, પણ બીજલ મક્કમ હતી. તેણે બધી જણસ ભેગી કરી બાંધેલા પોટલા પર તલવાર ઠેરવી દીધી. ત્યાં તો ગામને પાદર ઉભેલા સાથીદારે ચીબરી બોલાવી. આ ખતરાનો સંકેત હતો. નાથા અને બીજલ વચ્ચે ખેલાતો ખેલ જોઈ બાકીના સાથીદારો અથરાં થ્યા. લાખાએ નાથાની મંજૂરી વિના જ બીજલનાં હાથ પર પ્રહાર કર્યો. તેની નેમ તલવાર છોડાવવાની હતી, પણ બીજલ સાબદી હતી. તેણે લાખાનો વાર ચૂકવી તેની ઉપર જ તલવારથી ઘા કરી દીધો. "લાખા, તારો મનસૂબો મું સાંભળી લીધેલો. તું કેસર પર મોહી પડ્યો એ જાણ્યું એટલે જ મું વાંહે આયવી. બા'રવટિયાની નિયત ખોરી થાય એ કેમ હાલે? આ કેસર હવે મારી જવાબદારી…"

 

 લાખો ઘવાયો એ સાથે જ નાથાની રાડ ફાટી ગઈ. પણ તે પરિસ્થિતિ સંભાળે એ પહેલાં તો તેના બાકીના ત્રણેય સાથીદાર પણ લાખાની તરફેણમાં આવી ઉભા. એ ચાર અને બીજલ એકલી… ના એકલી નહી બેકલી! 

 

બેજીવસોતી બીજલે તલવારની મૂઠ પર પકડ મજબૂત કરી અને "જય ભવાની" ના હુંકાર સાથે લડતમાં કુદી પડી. નાથાએ ઘણી કોશિષ કરી કે તે આ પરિસ્થિતિ ખાળી શકે, પણ હવે તેના હાથમા કાંઈ રહ્યું નહોતું. તેની જોટાળી પણ હાથમાંથી સરકી ગઈ હતી. બીજલે બે ને પાડી દીધા હતા. બીજા બે હારે હજુય જંગ જામ્યો હતો, એવે ટાણે જ પોલીસની સાઈરન વાગી. પોલીસ પાર્ટી આવી પૂગી'તી ને હવે ભાગવું જરૂરી હતું. જો પકડાણા તો… 

 

"બીજલ, ભાગ." નાથાએ બીજલનો હાથ પકડી ખેંચ્યો, પણ બીજલ એક ડગલું ય નો હાલી. બીજા સાથીદાર તો પોલીસની સાઈરન સાંભળતાંજ ભાગી નીકળ્યા, પણ બીજલ ત્યાં જ ખોડાઇ રહી. ઉલટું, નાથાએ તેનો હાથ ઝાલ્યો ત્યારે તેણે હામું નાથાને ઝાલ્યો. નો પોતે ભાગી નો નાથાને ભાગવા દીધો. તેણે નક્કી કરી લીધું હતું કે હવે બા'રવટું પૂરૂં કરવું છ. એકવાર શરણે થાવું છ. પછી જી થાય ઈ જોયું જાશે. પણ, પોલીસ પટેલે બીજો જ ખેલ પાડ્યો. ધીંગાણાનાં સમાચાર તો પેલા જ પૂગી ગ્યા'તા તે એમણે દૂરથી જ નિશાન લઈ નાથાને જેર કરી દીધો. બીજલથી આ નો સહેવાયું. ક્યાં તે શરણે થવાનું વિચારતી'તી, ને ક્યાં… 

 

"નાથા… " એક હૈયાને વલોવી નાંખતી ચીસ અને એમાં ભળી પ્રસવપીડા! ધીંગાણાનો માર, મનનાં માણીગરનું મૃત્યુ ને નવા જીવનું અવતરણ… તો ય બીજલે ઝીંક ઝીલી. બરાબર ઝીલી. કુદરતે પણ જાણે તેની હિંમત બીરદાવી હોય એમ બેલડાનાં ભાઇ બહેન જનમ્યાં. બીજલે એની જવાબદારી કેસરને સોંપી નાથા પાછળ સતી થઈ. કેસરે પણ એ બાળકોને પંડનાં છોકરાં ગણ્યા. એમને સાસરે સાથે લઈ જવાની જીદ કરી તે તેનું સગપણ પણ તૂટ્યું. બસ, પછી કેસર એ બંને ભાઇ બહેનને લઈ અહીંથી જતી રહી. 

 

***

 

ભાભાએ વાત પૂરી કરી. એ પેટીમાંથી મળેલા કાગળ પર એક ગામનું નામ હતું. એક ખાંભીનો ફોટો હતો. બસ, બંને ભાઇ બહેન પોંચી ગયા શોધતા શોધતા. ગામને પાદરે જ એક મોટી ઉંમરના દાદા મળી ગયા. તેમને એ પેટી બતાવી. એ ચુંદડીનો કટકો, એ રાખ ભરેલી પોટકી… બસ, એક પછી એક પડળ ખૂલવા માંડ્યા. 

 

"દાદા, તમે આ બધું નજરે જોયેલું?"

 

દાદા મૂંગા થઈ ગયા. તેમની પીંગળી પડી ગયેલી આંખો શૂન્યમાં તાકી રહી. ભાઇ બહેન ખાંભીમાં ઉભા થઈ બીજલની ખાંભી પાસે પહોંચ્યા. ત્યાં અગરબત્તી કરી પોતાની ખરી માને પ્રણામ કર્યા. સાથેજ મનોમન તેમની કેસર માને પણ વંદી રહ્યા. પરત થતી વખતે ફરી એ દાદા તરફ નજર કરી, જેમણે આખો ઇતિહાસ આટલી વિગતે જણાવ્યો હતો. અચાનક શું સૂઝ્યું તે એ બંને દાદાને પગે લાગ્યા, એ સાથે જ દાદાએ પગ પાછા ખેંચી લીધા. "રેવા દે બટા, હું એ લાયક નથ."

 

"દાદા..?"

 

"દાદા નઈ બટા, આ બધાનું મૂળ… હું જ લાખો. "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ