વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગિનીમાં તખ્તાપલટ

                ગત તારીખ 5 સપ્ટેમ્બર ને રવિવારના રોજ આફ્રિકાના પશ્વિમ ભાગ તરફ આવેલા દેશ ગિનીથી (Guinea) એક સમાચાર આવ્યા કે ત્યાંની આર્મીના એક વિરોધી દળે બળવો કરીને દેશની સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે. જોકે, આફ્રિકાના દેશો તખ્તાલટ માટે વખણાય છે. ત્યાંના ઘણા દેશોમાં આવું બનતું રહે છે. પણ કોઈપણ દેશમાં આ રીતનું અચાનક સત્તા પરિવર્તન કેટલીયે સારી-નરસી ગંભીર અસરો સાથે લઈને આવતું હોય છે. તો આવી ઘટનાઓ વિશ્વની લોકશાહી શાસન વ્યવસ્થાને એક કદમ પાછળ ધકેલે છે. તો ચાલો ઘટનાના તળિએ  જઈને જાણીએ કે આખરે ગિનીમાં એવું તે શું થયું કે દેશની આર્મીએ આવી ઘટનાને અંજામ આપવો પડ્યો. પણ એ પહેલા ઊડતી નજરે ગિનીની એક નાનકડી સફર કરી આવીએ.


                  વિશ્વના નકશામાં ગિની પશ્વિમ આફ્રિકામાં એટલાન્ટિક મહાસાગરના કિનારે પશ્વિમથી દક્ષિણ તરફ અર્ધચંદ્રાકારે ફેલાયેલો છે. એટલાન્ટિક મહાસાગર એના પશ્વિમ છેડા પર આવેલો છે. લગભગ સવા કરોડની વસ્તી ધરાવતો આ દેશ 245857 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે. કોનાક્રી(Conakry) એની રાજધાની છે જે દેશનું સૌથી મોટું શહેર પણ છે. ગિની કેટલાય અલગ અલગ મહાન સામ્રાજ્યોની ચડતી-પડતીનું સાક્ષી રહી ચૂક્યું છે. ધાના સામ્રાજ્યથી (Ghana Empire) લઈને સોસો સામ્રાજ્ય, (Sosso Empire) માલી સામ્રાજ્ય (Mali Empire) સોંઘાઈ સામ્રાજ્ય (Songhai Empire) વગેરે સામ્રાજ્યો અહીં શાસન કરી ચૂક્યા છે. છેલ્લે અહીં ફાન્સનું શાસન હતું એટલે આને ફ્રેન્ચ ગિની પણ કહેવાય છે, તો આ દેશ પોતાની રાજધાનીના નામ પરથી ગિની કોનાક્રી તરીકે પણ ઓળખાય છે. HDI (Human Development Index) 0.477 છે અને આ બાબતમાં આ દેશ ઘણો પાછળ ગણાય. HDI માં વિશ્વમાં એનું સ્થના છેક 178 પર આવે છે. મતલબ કે અહીં છાશવારે માનવ અધિકારની ઐસીકી તૈસી થાય છે. જેમાં સૌથી વધારે અત્યાચાર સ્ત્રીઓ અને બાળકો પર થાય છે. અહીંની લગભગ 85 ટકા વસ્તી મુસ્લિમ છે. નેઇલ અને કોંગો બાદ આફ્રિકાની ત્રીજી સૌથી મોટી નદી નાઇજર આ દેશના મધ્યમાંથી પસાર થાય છે. જેથી આ  દેશને નદીના રસ્તે પરિવહન સુવિધા પણ મળે છે.


                   હવે અહીંની રાજનીતિની વાત કરીએ તો 2 ઓક્ટોબર 1958 ના રોજ ગિનીને ફ્રાન્સથી આઝાદી મળી. પણ આ આઝાદી પછી આજ સુધી આ દેશને એક પણ વખત કાયદેસરની ચૂંટણીથી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ નથી મળ્યા. સિવાય કે ઈ.સ. 2010 અને 2015. અહીં આઝાદી બાદ લગાતાર તખ્તાપલટનો સિલસિલો ચાલું જ રહ્યો. છેક ઈ.સ. 2010 માં ગિનીના ઇતિહાસમાં પ્રથમ વખત લોકશાહીની જીત થઈ અને ચૂંટણી થઈ જેમા આલ્ફા કોંડે (Alfa Conde) દેશના પ્રથમ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બન્યા. એક ટર્મ પૂરી થયા પછી ઈ.સ. 2015 માં પણ એમની જ જીત થઈ. તો આ દસ વર્ષ સુધી એમણે સત્તાની ધુરા સંભાળી. હવે અહીંના સંવિધાનના નિયમ મુજબ રાષ્ટ્રપતિ પદ માત્ર બે જ ટર્મ સુધી ભોગવી શકાય છે. પણ આ કમબખ્ત ખુરશીની લાલચ! એક વખત આ ખુરશીનો સ્વાદ ચાખી લે એને પછી ક્યાં ચેન મળવાનું હતું! કોંડે સરકારે નિયમો ફેરવી તોડીને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાનો નિર્ણય લીધો. અહીં એક રીતે જોઈએ તો લોકશાહીની હત્યા કરવાની શરૂઆત તો કોંડેએ જ કરી કહેવાય. કોંડેના આ નિર્ણયથી દેશમાં જનતા વિરોધ પ્રદર્શનો કરવા લાગી. વિપક્ષી દળો એ પણ પૂરા જોરશોરથી વિરોધ પ્રદર્શનો કર્યા. પણ કોંડે ના હલે કે ચલે! એટલે પછી છેલ્લે આર્મીના એક વિરોધી દળે એમના હાથમાંથી સત્તા ઝૂંટવી લીધી.


                  5 સપ્ટેમ્બરના રોજ રાજધાની કોનાક્રીમાં રાષ્ટ્રપતિ ભવન પાસે થોડી કલાક ગોળીબાર ચાલ્યો અને અંતે આર્મીનું  આ વિરોધી દળ જીતી ગયું. આ દળમાં આર્મીની સ્પેશ્ય ફોર્સના એલિટ કમાન્ડો સામેલ હતા અને આ દળનું નેતૃત્વ 41 વર્ષીય કર્નલ મામાડી ડૌંબૌયાના (Mamady Doumbouya) કરી રહ્યા હતા. એ જ દિવસે ગિનીની રાષ્ટ્રીય ચેનલ પર કર્નલ સાહેબે જાહેરાત કરી કે આર્મીએ દેશની સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે અને થોડા સમય માટે દેશની સરહદો સીલ કરવામાં આવી છે. આ ઘટના પછી  રાષ્ટ્રપતિ કોંડેના કોઈ જ સમાચાર નથી. એવું નથી કે આ તખ્તાપલટ માત્ર કોંડેની ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની મેલી મુરાદના લીધે જ થયો છે. બીજા પણ કેટલાક કારણો હતા કે જેના લીધે જનતા સરકાર પર રોસે ભરાયેલી હતી. સૌથી મોટી બાબત હતી ભ્રષ્ટાચાર.


               ગિનીમાં બોક્સાઇટના સૌથી મોટા ભંડારો મળી આવેલા છે, તો અહીં સોનું અને હિરા પણ સારી એવી માત્રામાં મળી આવે છે. આઝાદી પછીના લગાતાર તખ્તાપલટના સિલસિલામાં આ ખાણોના પ્રોજેક્ટ જોઈએ એવા સફળ ન થયા. એટલે આ ભંડારોમાં ખાસ માઇનિંગ નહોતું થતું. પણ ઈ.સ. 2010 માં લોકશાહી સરકાર આવ્યા પછી આ બધા પ્રોજેક્ટને વેગ મળ્યો અને ગિનીને સારી એવી કમાણી થવા લાગી. છેલ્લા એક દાયકાથી આ દેશ એની કુદરતિ સંપદાના લીધે આર્થિક દૃષ્ટિએ સધ્ધર થવા લાગ્યો. પણ એની આ આર્થિક સધ્ધરતાનો લાભ સરકારના ખાસ માણસોને જ થયો. કેટલાક ગણ્યાંગાંઠ્યાં ઉદ્યોગપતિ અને સરકારના નજીકના લોકો વધારે અમીર બનતા ગયા, જ્યારે પ્રજા ઠેરની ઠેર જ રહી. તો આ બાબતમાં સગાવાદ અને જાતિવાદ થયો હોવાના પણ આરોપો છે. મતલબ  આ સમયગાળામાં દેશમાં થોડો વિકાસ તો દેખાયો પણ ભ્રષ્ટાચાર એની ચરમસીમા પર રહ્યો એમ કહી શકાય. તો છેલ્લા કેટલાંય સમયથી સરકારે ટેક્ષમાં ધરખમ વધારો પણ કર્યો હતો. જેના લીધે પેટ્રોલ અને ચાના ભાવ આસમાને પહોંચી ગયેલા. તો આ મુદ્દાને લઈને પણ દેશમાં સતત વિરોધ પ્રદર્શનો ચાલુ હતા. તો એકસાથે આ બધા કારણો ભેગા થયા અને જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો! કર્નલ મામાડીએ પણ આ તખ્તાપલટ માટે સરકારના ભ્રષ્ટાચાર, કુશાસન અને અર્થિક અવ્યવસ્થાને જવાબદાર ગણાવ્યા છે. ખેર, કદાચ એની વાત સાચી પણ હશે પણ સો વાતની એક વાત, આ રીતે લોકશાહીની હત્યાને કોઈપણ દૃષ્ટિએ યોગ્ય તો ન જ ઠરાવી શકાય.


                 આ સમગ્ર ઘટનાના પશ્વિમ આફ્રિકા અને ગિની સાથે સંબંધ ધરાવધા બધા દેશોમાં પણ થોડાઘણા પડઘા પડશે. વિશ્વમાં બૉક્સાઇટનો સૌથી મોટો જથ્થો ગિનીમાંથી જ આવે છે તો આ ઘટના પછી કેટલાક દેશોમાં એલ્યુમિનીયમના ભાવ ભડકે બળવા લાગ્યા! કારણ કે દેશની સ્થિતિ જ્યાં સુધી થાળે ન પડે ત્યાં સુધી બૉક્સાઇટની નિકાસ પણ અટકી પડવાની છે. આ સિવાય અહીં કાચા લોખંડનો (Iron ore) પણ વિશ્વનો સૌથી મોટો ભંડાર  ધરબાયેલો પડ્યો છે. સિમાંડું (Simandou) રાજ્યમાં આ જથ્થો મળી આવ્યો એ વાતને પણ લગભગ ત્રીસેક વર્ષ થઈ ગયા છે. એમ છતાં હજુ સુધી એનું સફળતાપૂર્વક માઇનિંગ થઈ શક્યું નથી! આ વિસ્તારમાં લગભગ સાડા આઠ બિલિયન ટનનો વિશ્વનો સૌથી મોટો કાચા લોખંડનો જથ્થો ભોંમાં ભંડારાયેલો પડ્યો છે. આ કુદરતી સંપદાનો ઉપયોગ કરવામાં ખાટલે મોટી ખોડ એ છે કે આ એક અતિ દુર્ગમ જંગલ વિસ્તાર છે. અહીં રોડ-રસ્તા કે રેલ્વે જેવી કોઈ જ સુવિધા નથી. તો અહીં સુધી પહોંચીને આ સંપદાનો ઉપયોગ કરવો ખર્ચાળ અને મુશ્કેલ કામ બની રહે છે. ગિનીની સરકાર પાસે આ ખર્ચને પહોંચી વળાય એટલું નાણું નથી. છેલ્લે અહીં રેલ્વે લાઈન શરૂ કરીને માઇનિંગ કરવાનો પ્રોજેક્ટ પણ રજુ થયેલો પણ વિશ્વના આ સૌથી મોટા માઇનિંગ પ્રોજેક્ટમાં કોઈ કંપની હાથ નાંખવા નથી માંગતી! કારણ? રાજકીય અવ્યવસ્થા... ગમે ત્યારે સરકાર બદલે અને કંપનીને ઘરભેગી કરી દે તો? અને હવે આ તખ્તાપલટ પછી તો ગિનીએ આ પ્રોજેક્ટના નામનું પણ નાહી જ નાંખવાનું રહ્યું! દેશની જ જમીનમાં ધરબાયેલી આ કુદરતી સંપદા દેશને આર્થિક રીતે માલામાલ કરી શકે એમ છે પણ, આર્થિક અને રાજકીય અસ્થિરતાના લીધે ગિની હાથમાં રહેલો કોળિયો મોંમાં નથી મૂકી શકતું! અહીં જ લોકશાહીની કિંમત સમજાય છે.


                 આ સમગ્ર ઘટના પછી પશ્વિમ આફ્રિકાના દેશોનું એક સંગઠન ECOWAS  (Economic Community Of West African States) હરકતમાં આવ્યું અને આ ઘટનાની નિંદા કરી છે. હાલ પૂરતી ગિનીની સદસ્યતા પણ રદ્દ કરી દીધી છે. એમણે કહ્યું કે, અમે ગિનીમાં સ્થિરતા લાવવાના પ્રયત્નો કરીશું. તો અમેરિકા અને નાઇજિરિયાએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે. યુનાઇટેડ નેશને પણ આર્મીને રાષ્ટ્રપતિને છોડી દઈને દેશમાં શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. પણ મિત્રો સૌ જાણે છે કે આમ જોઈએ તો આ UN આખા વિશ્વનું ધ્યાન રાખતું એકમાત્ર સૌથી મોટું સંગઠન મનાય છે. પણ, એની વાત નાનામાં નાનો દેશ પણ કાને ધરતો નથી! હવે ગિનીમાં આ રાજકીય સ્થિરતા અને લોકશાહી પાછી આવશે કે પછી એનો તખ્તાપલટનો સિલસિલો આમ જ ચાલું રહેશે એ તો આવનારો સમય જ નક્કી કરશે.
- ભગીરથ ચાવડા

bhagirath1bd1@gmail.com

                


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ