વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નેહડાની ઉતરણ


                 'નેહડો' શબ્દ બોલતાં જ આપણને લાગણીનાં પુર આવવા લાગે. 'નેહડો' કે 'નેસડો' શબ્દનો સામાન્ય અર્થ થાય 'માલધારીઓની વસાહત' એટલે કે જ્યાં પશુઓની સાથે ભોળા માનવીઓ રહેતાં હોય તે 'નેહડો'. જ્યાં માનવ માનવ વચ્ચે તો ખરી જ  પણ માનવને પશુઓ પ્રત્યે નર્યો નેહ નીતરતો જોવા મળે છે. પશુઓથી જેને નેહ(પ્રેમ) હોય છે તે 'નેહડો'.

                વઢિયારમાં મોટે ભાગે રબારી, ભરવાડ, આહીર અને ચારણ લોકોના વસવાટને 'નેહડો' કહે છે. આ ચારે વર્ણને *"ધાબળિયા ભાઈ"* તરીકે ઓળખવામાં આવે છે.

                આજે વાત કરવી છે નેહડાની ઉતરણની. આમ, તો 'નેહડો' શબ્દ આવે એટલે નેચરની નજીક ના લોકો. આધુનિક ઝાકમઝોળથી પર પોતાની જે વ્યવસ્થા છે તેને તેની જ મોજમાં માણવી એવી નેહડાવાસીઓની જીવન શૈલી બની જાય છે.

                 ઉતરાયણ પર્વ મૂળ તો ભારતમાં વૈદિકકાળથી માનવામાં આવે છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં સૂર્ય માટે 'પતંગ' શબ્દ વપરાયો છે. આર્યો સૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માગણી કરવામાં આવી છે. હિંદુઓ માટે સૂર્ય પ્રત્યક્ષ બ્રહ્મ રૂપ છે, જે એક અદ્વૈત, સ્વયં પ્રકાશમાન, એક આશીર્વાદ અને તમામ અકથ્યનું પ્રતિક છે. પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર

"ॐ भूर्भुव: स्व: तस्ववितुर्वरेण्यं भर्गो देवस्य: धीमहि॒ धियो॒ यो न: प्रचोदयात् ।

(પદાર્થ, ઊર્જા, અંતરિક્ષ અને આત્મામાં વિચરણ કરવા વાળા. તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત્ત કરે.)

                   જે દરેક શ્રદ્ધાળુ હિન્દુ દ્વારા રોજ ઉચારાય છે. ભગવાન સૂર્યદેવને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરાય છે.

                  સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને 'મકરસંક્રાંતિ' કહે છે. આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે. મકરસક્રાંતિના દિવસથી ભગવાન સૂર્યનારાયણ પોતાનું તેજ વધારે છે અને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે એટલે કે ઉત્તર તરફ આયન કરે છે એટલે 'ઉત્તરાયણ' કહે છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નનાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. એટલે નેહડાવાસી પોતાના આરાધ્ય દેવ કાળિયા ઠાકર-ઠાકોરજી ના પ્રથમ વિવાહના સંકેત રૂપ 'ઠાકોરજી નો માંડવો' રોપે છે. આ માંડવો રોપીને જાણે આમજનતાને લગ્ન કરવાની લીલીઝંડી આપે છે. ઉતરણના દિવસે ગવરી ગાયના છાણમાંથી ઓટલી જેવું બનાવી, તેના પર લીંપણ કરી પછી જુવારના ડોકલિયાં ભીડાવી. ડોકલિયાં ઉપર કાચા સૂતર કે રૂની પૂણીઓ વીંટાળીને માંડવો તૈયાર કરવામાં આવે છે. આ વિધિ સાંજના સમયે એટલે કે દિવસ આથમે કરવામાં આવે છે. ઘીનો દીવો કરી માંડવાની પૂજા કરવામાં આવે છે. પછી એને મોવટીએ નેવાં ઉપર મૂકી દેવામાં આવે છે. બાજરી, ચોખા, જુવાર, ઘઉં, મગ,મઠ,અડદ,ચણા,તુવેર,તલ, ચોળા,કાળિંગાની કળિયો આ બાર ધાન ભેગાં કરી 'ખીચડો' બનાવી ઠાકોરજીને નૈવેધ ધરાવવામાં આવે છે. નૈવેધ ધરાવવા માટે દેશીનળિયા (નાળ)ને પવિત્ર પાત્ર માનવામાં આવે છે. નેવામાં દેતવા લઈ તેના ઉપર ઘી અને ખીચડાનું ધૂપ પાડીને પછી ખીચડાને પ્રસાદ તરીકે આરોગવામાં આવે છે.

                  ઉતરાયણ ની વહેલી સવારે નેહડો ચાર-પાંચ વાગે જાગી જાય છે, જો કે આ નેહડા માટે જાગવાનો નિત્યક્રમ છે.


ગોધણ સળવળ થૈ રહ્યું,નભ ઉગ્યો નારાણ,

રાઘવ વંદે વાલથી, (તને) કશ્યપ કુંવર ભાણ.


                  ઉત્તરાયણના સૂરજનારણ કોર કાઢે એ પહેલાં તો નેહડાવાસીઓ પોતપોતાના ઘરેથી ભારેભારા જૂવારના પૂળાઓ બાંધીને ગામને ગોંદરે ગાયોને માટે નિરણમાં નાખે છે. ગામના ચાર-પાંચ યુવાનો ઘરે ઘરે ફરીને ઉઘરાણુ કરી ખૈડો-ફાળો એકઠો કરીને કુતરાંઓ માટે લાડવા બનાવે છે. મહોલ્લે મહોલ્લે ફરીને કુતરાંને લાડવા નાખવામાં આવે છે. આજના દિવસે કોરા ગાડવા(ઘડા)માં લાડવા ભરીને આજુબાજુના ગામમાં બે યુવાનો 'વધતી વેલ' કે 'વળતી વેલ' હેંડાળે છે. અને આમ એક ગામથી બીજા ગામ પુણ્યનો સંદેશો પહોંચે છે.

                  ગામના ગોંદરાથી થોડે દૂર કે સરોવરની પાળે બનાવેલા પક્ષીઘર-ચબૂતરે જઈને પંખીડાઓને દાણા નાખીને પોતાની જાતને ધન્ય અનુભવે છે. એવી માન્યતા છે કે આજના દિવસે કરેલું પુણ્ય સો ગણું મળે છે. ગામના વહવાયા કોમના લોકો જેવા કે રૂખી-ઢોલી અને બજાણીયાઓને પણ ઉતરણના દિવસે દાણા, કપડાં, અને રોકડ રકમ થી સંતુષ્ટ કરવામાં આવે છે.

                 નેહડો તેની આગવી સંસ્કૃતિ ધરાવે છે. નેહડાની દીકરીઓ, બહેનો, માતાઓ આજના દિવસે ઘણાં અલગ-અલગ પ્રકારનાં વ્રતો  નક્કી કરે છે. જેમ કે, અન્નપાણીને મોંમાં લીધા પહેલાં 'શંકર-પાર્વતી', 'સતનારાયણ ભગવાન', 'લોટેશ્વર કોટેશ્વર મહાદેવ', 'રામ', 'રાધે ક્રિષ્ના', 'જય શ્રી કૃષ્ણ',  કુળદેવી-દેવતાનું નામ બોલવાં. તો વળી કેટલાક નિયમો પણ આજના દિવસથી નક્કી કરતાં જેને આચરણમાં મૂકવા જેવા હોય છે. સવારે દાતણ કરી ગાય માતાને ચાંદલો કરવો, તુલસી ક્યારે પાણી ચડાવવું, ઘરની બારસાતોની પૂજા કરવી, નિત્ય સ્નાન કરી પોતાના કપાળે કંકુનો ચાંદલો કરવો. જેને ચાંદલાવ્રત પણ કહે છે. 


"રામનામ તુલસી પંચા,ત્રેપન દીવા, શ્રી ભગવાન."


                       આવું બોલી વ્રત લેતાં. સાંભળનાર 'શ્રી ભગવાન' બોલે તો દાતણ મુખમાં મૂકવાનું.


"રામ લક્ષ્મણ વનમાં ચાલ્યા સીતા કે હું સાથે આવું. એ વાત સાચી કે ખોટી"

                       જો 'ખોટી' બોલે તો દાતણ મુખમાં ના મૂકવું અને 'સાચું' બોલે તો દાતણ કરવું. ઘણી વખત હું મારી બહેનો ને 'ખોટી' કહીને સતાવતો તો પછી મને કહેતી કે તારા માટે કંઈ નહીં લાવીએ એટલે હું લાલચમાં 'સાચી...સાચી..' બોલતો. દીકરીઓ મૂનિવ્રતો પણ લેતી તેને છૂટા કરવાના બોલ પણ બોલતા.


ઉગિયો તારો,પૂજ્યો તારો,

                        અંટ વાગ્યા  ઘંટ  વાગ્યા.

ઝાલર વાગ્યાં, ઝણકાર વાગ્યાં.

                        શિવ નગારાં ભેળાં વાગ્યાં.

ગાયો ના તો ગાળા છૂટ્યા,

                         ભેંસોના ભોગાળ વાગ્યા.

મૂનિઓનાં મૌન છૂટ્યાં,

                         કુંવારીકાઓનાં વ્રત છૂટ્યાં.

                                બોલો બેની રામ......"

           

               'રામ' બોલી વ્રત છોડતાં. તો વળી આજના દિવસથી નેહડાની બહેન, દીકરીઓ પોતાને પ્રાણથી પણ વ્હાલી પોતાની હસ્તકળા ભરતગૂંથણની પણ શરૂઆત કરતી. આજના દિવસથી ઘણાં એવાં સારાં કામોને વેગ મળતો. જેવા કે લગ્ન પ્રસંગો, બોલમણાં, આંણાં, અગેણી વગેરે સામાજિક પ્રસંગો ઉત્તરાયણ પછી શરૂ થતા. નહીંતર "હામી ઉતરણ છે" કહી પ્રસંગો ટાળી દેવામાં આવતા.

                 નેહડામાં પતંગ ચગતી હોય તેવા બહુ ઓછા કિસ્સા જોવા મળતા. જોકે હાલના આધુનિક સમયમાં નેહડો પણ આધુનિકતાના રંગે રંગાયો છે, તેમાં કયાંક કયાંક યુવાનો પતંગો ચગાવતા જોવા મળે છે. નેહડો જીવદયાની ભાવનાથી વણાયેલો એટલે જીવની હિંસા થાય તેવાં કાર્યો અને પ્રકૃતિના વિરુદ્ધના ઉત્સવો બહુ ઓછા મનાવે. એને તો એની પ્રકૃતિમાં જ દીવાળી, હોળી કે ઉતરાયણ માણવાની મજા આવે.

- રાઘવ વઢિયારી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ