વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્મ-વંચના

આત્મ-વંચના

****

"કોણ હતો એ છોકરો?" મેં નંદિનીને મારી ઓફિેસમાં બોલાવીને પુછ્યું.

નંદિની પચ્ચીસ વરસની સુંદર, ચંચળ અને જિંદગીથી ભરપૂર છોકરી હતી. પરંતુ લગ્નનાં બે જ વરસમાં એના પતિનું મૃત્યુ થયું હતું અને પિયર કે સાસરામાં કહી શકાય એવું કોઈ જ સગું-વહાલું નહોતું. આથી એ અહીંયા ભગિની નિકેતન વિધવા આશ્રમમાં આવીને રહી હતી.

એ આવી ત્યારે ઉદાસ અને જિંદગીથી હારી ગયેલી હતી. એને મેં કેટલીયે વાર સમજાવી હતી કે આમ હતાશ થયે કાંઈ નહીં વળે. જિંદગી તો ભરપૂર જીવવાનું નામ છે. ધીરે ધીરે એ આશ્રમની પ્રવૃતિઓમાં ભાગ લેવા મંડી હતી, અને એનામાં જીવવાનું જોમ પાછું ઉમેરાયું હતું. દેખાવે આકર્ષક એવી નંદિની દરેક વાતે હોંશિયાર અને ભણેલી ગણેલી હતી.

બે દિવસ પહેલા એને આશ્રમની જ કોઈ મહિલાએ કોઈક છોકરા સાથે ફરતી જોઈ લીધી હતી. હું ગૃહમાતા હતી આથી મને ફરિયાદ કરી હતી. આશ્રમમાં મોટાભાગે બધાં મારાથી ડરતા. કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે શિસ્તમાં બાંધછોડ હું ચલાવી ન લેતી. છેલ્લા વીસ વરસથી આશ્રમમાં મારા અનુશાસનમાં કોઈ જ અનિચ્છનીય ઘટના બની નહોતી.  શિસ્તપ્રિય અને સંસ્કારોમાં માનવાવાળી ગૃહમાતા તરીકે જ બધાં મને ઓળખતા. મારી છાપ બહુ કડક વ્યક્તિ તરીકેની હતી. હોય જ ને! આખી જિંદગી મેં એ સંસ્કારોમાં જ તો રહેવાની કોશિશ કરી હતી.

મારે નંદિની બાબતે તપાસ કરવી જ રહી.

"નંદિની, તને પૂછું છુ.." મારા પ્રશ્ન કર્યા પછી પણ ખાસ્સીવાર સુધી એણે જવાબ ન આપ્યો એટલે મને ગુસ્સો આવ્યો.

"મા, આમી ઓકે ભાલોબાશી...મા, પ્રેમ કરું છુ હું એને." નિર્ભિક થઈને નંદિનીએ જવાબ આપ્યો.

એના આવા નીડર જવાબથી ગૃહમાતા તરીકેનું મારૂ અભિમાન ઘવાયું હતું. આજ સુધી કોઈએ મને આવો જવાબ નહોતો આપ્યો.

"પ્રેમ?.. એ બધી ફાલતું વાતો ન કર. અહીંયાં કોઈ સારો છોકરો ધ્યાનમાં આવતાં તારા લગ્ન કરાવી જ દઈશુને.." મેં  ગૃહમાતાને છાજે એવી ઠાવકાઈથી કહ્યું.

નંદિની મારી સામે જોઈ રહી. હું જાણતી હતી કે વિધવાઓને પરણવા આશ્રમમાં મોટાભાગે એવા છોકરાઓ આવતાં જેમને પોતાની નાતમાં કોઈ છોકરીઓ મળતી નહીં. અથવા તો કોઈ મોટી ઉમ્મરે વિધુર થયેલા પૈસાવાળાઓ. નંદિનીને લાયક કહી શકાય એવા છોકરાઓ મળવા મુશ્કેલ હતા. પરંતુ તેથી આમ મર્યાદા તો...

"મારે એની સાથે જ લગ્ન કરવા છે અને હું કરીશ." એની મોટી સ્વચ્છ પારદર્શક આખોમાં એક નિર્ણય દેખાયો હતો.

આશ્રમમાં અને ટ્રસ્ટીગણમાં આ વાત ફેલાઈ ગઈ હતી કે નંદિની કોઈ છોકરા સાથે ફરતી હતી. બધાને મારી પાસે અપેક્ષા હતી કે હું કોઈ કડક પગલાં લઉં. મારે પણ આટલા વરસોની મારી છાપને અનુરૂપ જ નંદિનીને આવું બધું  કરતાં રોકવાની હતી.

એના ગયા પછી મેં મારી રીતે તપાસ કરતાં ખબર પડી હતી કે છોકરો ભગિની નિકેતનના મુખ્ય ટ્રસ્ટી મુકુંદોરોયનો દીકરો હતો. જો કે આ વાત કદાચ બહુ ઓછા લોકો  જાણતાં હતાં. એ બધી રીતે યોગ્ય છોકરો હતો. પરંતુ સમાજમાં વિધવા વિકાસનાં મૂલ્યો સ્થાપિત કરવા માંગતા એ ટ્રસ્ટીશ્રી કોઈ કાળે પોતાના એકના એક દીકરાના લગ્ન આશ્રમની છોકરી સાથે થવા ન દે.

મેં બે દિવસ રહીને ફરી એને મારી પાસે બોલાવી.

"આ હું બધું શું સાંભળું છુ? તું જાણે છે ને આનું પરિણામ?"

મેં બહુ જ ઓછા શબ્દોમાં એને કડક ચેતવણીનાં સૂરમાં કહ્યું હતું કે જો એ આવું કઈં જ વિચારતી હોય તો એના માટે ભગિની નિકેતનમાં જગ્યા નથી.

"હા મને ખબર છે હું શું કરું છુ. અને પરિણામ પણ જાણું છુ. આમ પણ હવે મારે અહીંયા રહેવું જ ક્યાં છે! મારે તો .."

એના અધૂરાં મૂકેલા વાક્યનો અર્થ હું સમજી ગઈ. સાથે સાથે એના નીડર જવાબ અને નિર્ણય લેવાની ક્ષમતાની એક છૂપી ઈર્ષા થઈ આવી.

"જો તે એવું કઈ કર્યું અને છોકરો લાયક ન નીકળ્યો તો તને પાછી અહીં જગ્યા નહીં મળે એ ખબર છે ને તને?" મેં વળી એને થોડી ડરવવાની કોશિશ કરી.

"મા , પહેલી વાત તો એ કે એ એવો નથી જે વચ્ચેથી સાથ છોડી દે. અને કદાચ જો એવું કઈ થયું તો મારાં નિર્ણયનું પરિણામ હું ભોગવી લઈશ. એટલી હિમ્મત છે મારામાં. પરંતુ એના વગર મરી મરીને તો નહીં જીવાય મારાથી."

"પરંતુ આશ્રમ એમ તને મંજૂરી નાહિ આપે ."

ઘણા બધા પ્રોબ્લેમસ અને શક્યતાઓ મેં એને બતાવી.

એણે પછી મને કોઈ જવાબ ન આપ્યા મને પરંતુ એની આંખમાં રહેલી મક્કમતા મને સ્પર્શી ગઈ.

મારે ટ્રસ્ટીને જાણ કરવી જોઇએ? નંદિનીને રોકવા માટે એના પર પાબંદીઓ લગાવવી જોઈએ? શું કરવું જોઈએની અસમંજસમાં ખાસ્સી એવી વાર હું મુંઝાઈ રહી.

***

"વિધવા આશ્રમમમાં રહેતી એક વિધવા નંદિની કોઈની સાથે ભાગી ગઈ! તમે સમજો છો તિલોત્તમા, આનો અર્થ શું થાય? આપણો આશ્રમ ડિસિપ્લિન અને મર્યાદા માટે જાણીતો છે. અહીંયા વિધવાઓનો વિકાસ થાય એમનું જીવન સમૃદ્ધ થાય એવો પ્રયાસ કરવામાં આવે છે. કોઈ વિધવા આવી રીતે કોઈ સાથે ભાગી જાય એ આશ્રમના નામ પર ધબ્બો છે." આશ્રમનાં ટ્રસ્ટી મંડળની મિટિંગમાં મારે સફાઈ આપવાની હતી.

"અને તમે તો જાણો છો કે આપણે એમના પુનર્રલગ્નના પણ વિરોધી નથી પરંતુ આવી રીતે!"

એક પછી એક ટ્રસ્ટીઓ ગૃહમાતા તરીકે હું મારી ફરજ બજાવવામા મોળી પડી છું એવો આરોપ મારી પર કરી રહ્યા હતાં.

"તિલોત્તમા, જો આવું જ ચાલ્યું તો અમારા તરફથી મળતું આશ્રમ માટેનું ડોનેશન અમે બંધ કરી દઈશું. આપણે સમાજમાં મૂલ્યો સ્થાપિત કરવાનાં છે. એક સુંદર સંયમિત જિંદગી જીવવા માટે શિસ્ત અને અનુશાસનમાં રહેવું જરૂરી છે. તમને ખબર હતી તોય તમે એને સમજાવવાની, રોકવાની કોશિશ ન કરી?" આશ્રમનાં મુખ્ય ટ્રસ્ટી મુકુંદોરાય  બોલ્યા.

"કરી હતી સર, મેં એને ખૂબ સમજાવી હતી અને કોશિશ પણ કરી હતી પરંતુ એ ક્યારે અને કેમ ભાગી...." હું વાક્ય પૂરું ન કરી શકી.

ટ્રસ્ટીઓને નંદિનીની તપાસ કરાવીને એને પાછી લાવવાની કોશિશ કરીશ અને બીજીવાર આવું નહીં થાય એવું ધ્યાન રાખીશ વગેરે ખાતરીઓ આપીને જેમ તેમ શાંત કરીને હું મારા ક્વાટરમાં આવી.

'તિલોત્તમા તમે એને રોકવાની સમજાવવાની કોશિશ નહોતી કરી?' ટ્રસ્ટીઓનો આ સવાલ મારા મગજમાં વારેવારે અફળાવાં લાગ્યો.

કોશિશ? કોશિશ જ તો કરી હતી મેં. જિંદગીભર કોશિશ જ કરી હતી. બધાં અરમાનો, સપનાઓ, યુવાનીના એ રંગીન દિવસોને સંસ્કાર અને શિસ્તના અંચળા હેઠળ ઢાંકીને જીવવાની જ કોશિશ કરી હતી. ઊંડે ઊંડે કયાંક મેં મારી જાતથી અન્યાય કર્યો હોય એ લાગણી મને હંમેશા થતી રહી.

લગ્ન અને વિધવા શબ્દનો અર્થ પણ ખબર ન હોય એ ઉંમરમાં મારા બંગાળી માતાપિતાએ એક દિવસ મને કહી દીધું, 'તારા લગ્ન થઈ ગયા.'

ગુડ્ડા ગુડ્ડીની રમતમાં હોય એવા કોઈ એ લગ્ન હશે. એમ માનીને હું, હસીને બેનપણીઓ સાથે પાંચીકા રમવા ચાલી ગઈ હતી.

પછીનાં એકાદ વરસમાં મને કહી દેવામાં આવ્યું કે, 'હું વિધવા થઈ ગઈ હતી.'

ત્યારેય મને કંઈ ખાસ ફરક નહોતો પડ્યો. બસ મારું બેનપણીઓ સાથે પાંચીકા રમવા જવાનું માએ બંધ કરાવી દીધું હતુ એ મને ગમ્યું નહોતું.

મને સમજાયું નહોતું કે બધી જ છોકરીઓ રંગબેરંગી કપડાં પહેરીને પતંગિયાની માફક અહીં તહીં ઉડાઉડ કરતી ત્યારે મારી પાંખો કેમ કાપી નાખવામાં આવી હતી!

મને માછલી ખાવા ન મળતી. માનો જીવ બળતો ત્યારે એ પણ માછલી ન ખાતી. જયારે હું સવાલ કરતી ત્યારે માની આંખમાં આંસુ અને દાદીનાં શબ્દો સાંભળવા મળતાં, "તું વિધવા છે, હવે તારાથી બધાંની જેમ ન જીવાય."

"હું વિધવા? એટલે શું, પણ એમાં મારો શું વાંક? મેં તો મા, પિતાજી કે દાદીની નજરમાં ખોટું કહી શકાય એવું કંઈ નથી  કર્યું નથી. તો પછી?" મને ઘણા સવાલ થતાં પરંતુ કોઈ જવાબ આપતું નહીં.

બસ બધાં કહે એમ કરવાનું હતું. છોકરીઓ રમવા જાય, હરવા ફરવા જાય, માત્ર મને જ કેમ એ નથી કરવા મળતું! કોઈ વાર જીદ કરીને માને પૂછતી ત્યારે માની આંખમાં આંસુ આવી જતાં એટલે પછી પૂછવાનું બંધ કર્યું.

ધીરે ધીરે ઉમ્મર વધતાં સપનાઓ, ઈચ્છાઓનું સ્વરૂપ પણ બદલાયું હતું. મેઘધનુષી રંગોની દુનિયામાં મારા માટે માત્ર સફેદ રંગ કેમ હતો એનું કારણ હવે સમજાતું હતું પરંતુ મન કંઈ એમ થોડું બાંધ્યું બંધાય?

લીલી, લાલ શંખની ચૂડીઓ મારે પણ પહેરવી હતી! લાલ રંગ મને બહુ જ ગમતો. મારી સહેલીઓ પગમાં લાલ રંગનો અલ્તો લાગવતી ત્યારે મારા પગની ગોરી ગોરી પાનીઓ પણ એ સુંદર રંગ માટે જીદ કરતી. હું કોશિશ કરતી એમને સમજાવવાની, સમજવાની કે એ મારા માટે નથી.

મારા સુંદર ચહેરાને મોટો લાલ ચાંલ્લો કરવાનું મન થતું. દુર્ગાષ્ટમીમાં મને મન થતું, મા દુર્ગની પૂજામાં બધા સાથે બેસવાનું પરંતુ કોઈ ઉત્સવ કોઈ રંગ, કોઈ ખુશી પર મારો જાણે હક જ ન હોય એમ મારી ગણતરી જ ન થતી ક્યાંય.

મને અમુક નિયમો આપી દેવામાં આવ્યા હતા જે મુજબ મારે જીવવાનું હતું. સમય જતાં મેં પણ સ્વીકારી લીધું હતું. કદાચ આને  જ મર્યાદા અને સંસ્કાર કહેવાતા હશે તો મારે પણ આમ જ જીવવું જોઈએ. સતત ઊછળતા સંવેદનોના પૂરને ખાળતાં ખાળતાં મનમાં મેં ક્યારે એક રણ પેદા કરી દીધું, મને જ ધ્યાન ન રહ્યું.

વીસની થઈ ત્યારે મારી વિરાન દુનિયામાં પડોશમાં રહેવા આવેલા  દેબુના આગમને પાછી કોઈ લીલીછમ તરસ અંતરમનમાં જગાવી હતી. રણમા અચાનક ફૂટતા ધોધની જેમ કશુંક પાછું ફૂટી નિકળ્યું હતું.

"તિલુ તું બહુ જ સુંદર છે." જ્યારે પણ એ ઘરે આવતો, કોઈ ન જુએ એમ મારી પાસે આવીને કહી જતો. અને મને નવવારની સુંદર લીલી સાડી પહેરવાનું મન થઈ જતું.

"તિલું તારા કાળા, લાંબા, રેશમી વાળનું ધ્યાન રાખજે." અને મને એમાં ગજરો લગાવવાનું મન થઈ જતું .

"તિલું તારી આંખોમાં દરિયો છે." અને મને એ દરિયાનાં ઉછળતાં મોજા પર સવાર થઈને એની પાસે પહોંચી જવાનું મન થઈ જતું.

પરંતુ હું આવું કઈં જ કરી શકવાની નથી એવું મારા મનને સમજાવવાની મારે કોશિશ કરવાની હતી.

એક સાંજે જ્યારે ઘરે કોઈ નહોતું, એ રીતસર મારી પાસે દોડી આવ્યો હતો.

"તિલુ મારા ઘરે મારા લગ્નની વાતો ચાલે છે, ચાલ આપણે ભાગી જઇને લગ્ન કરી લઈએ નહીંતો એકબીજાને ખોઈ દઈશુ."

"હું સ્તબ્ધ થઈ ગઈ. હા, મને દેબાશીશ ગમતો હતો. એની સાથે જીવવાનાં શમણાં મારામાં પણ ફૂટી નીકળ્યા હતા. પરંતુ એની સાથે ભાગીને લગ્ન કરવા એ મારાં માટે શકય નહોતું. વિધવા ન હોત તો પણ મારાં ઘરમાં, કોઈ મારાં અને દેબાશીશના લગ્ન માટે હા ન પાડત. અમારી નાત અલગ હતી. અને હવે તો પાછી હું વિધવા. મારે તો બીજા લગ્ન વિશે વિચાર જ ન કરાય ને!

હા, હવે તો ઘણી જ જગ્યાએ વિધવાનાં લગ્ન થતાં હતા. પરંતુ હું તો મોટા જમીનદારનાં ખાનદાનની હતી ને! અમારા કુટુંબમા હજી વિધવાના બીજા લગ્ન, પરનાતમાં લગ્ન જેવી વાત કરવી પણ શકય નહોતી.

"તિલું તું મને ચાહે છે ને ?" એ બોલ્યો હતો. એની આંખોમાથી નીતરતો મારા માટેનો પ્રેમ હું જોઈ શકી હતી. અને મારી આંખોમાં પણ એને એજ પ્રેમનું પ્રતિબિંબ દેખાયું હશે. એટલે જ એણે કહ્યું.

"બહુ વિચારવાનો સમય નથી આપણી પાસે તિલુ, બે દિવસમાં મારી સગાઈ નક્કી થઈ જશે. જો તું હા પાડે તો કાલે આપણે અહીંથી દૂર, ક્યાંક બહુ દૂર ચાલ્યા જઈએ."

"ના દેબાશીશ,  હું વિધવા છુ અને આમ બીજી વાર લગ્ન? તેય ભાગીને? સમાજ, કુટુંબ?" મારામાં જાગેલા સંસ્કારોએ પ્રેમની સંવેદનાઓની પરવા કર્યા વગર કહ્યું.

એણે ઘણી સમજાવી પરંતુ મારી હિમ્મત નહોતી થઈ. મારા સંસ્કારો મારાં અરમાનો પર હાવી થઈ ગયા, બે દિવસ પછી એની સગાઈ મારી નજર સામે જ થઈ ગઈ હતી.

...અને હું સંસ્કારો અને મર્યાદાઓની બેડીનાં બંધનમા આખી જિંદગી ગૂંગળાતી, અકળાતી જીવન વિતાવી ગઈ. વીતી ગયેલી એ ક્ષણનો પછી મને ઘણો જ રંજ થયો.

સમાજ અને કુટુંબની દ્રષ્ટિએ હું જીંદગીની બધી પરીક્ષાઓમાં સાંગોપાંગ પાર ઉતરી હતી. પરંતુ જાત સાથે  કરેલા અન્યાયનો ભાર હું જીવનભર વેંઢારતી રહી. મારી જ સાથે મેં જે કર્યું, એ આત્મછલનાં જ તો હતી. ત્યારે જો થોડી હિમ્મત દાખવી હોત તો... પણ ના, મારે તો સતત સંસ્કારી જીવન જીવવાની કોશિશ જ કરવાની હતી ને!

કાશ! મારામાં પણ નંદિની જેટલી મક્કમતા હોત. પોતાની જિંદગીનો નિર્ણય લેવાની ક્ષમતા હોત! એ નિર્ણયથી ભોગવવા પડતા સારા ખરાબ પરિણામોનો સામનો કરવાની હિમ્મત હોત! મને એની મીઠી ઈર્ષા થવા લાગી.

ફોનની રિંગ વાગવાથી હું વરસો જૂના મારાં ભૂતકાળમાંથી ક્વાટરમાં પાછી ફરી. ટ્રસ્ટીશ્રીનો ફોન હતો. નંદિનીને શોધવા ક્યાં અને કેવા પ્રયત્નો કરી રહ્યા છે અને એમાં મારે કેવી રીતે એમને કો-ઓપરેટ કરવાનું છે એ વિષે ચર્ચાઓ કરી.

જો કે હું જાણતી હતી કે નંદિનીને પાછી લાવવા આટલી કવાયત શું કામ થઈ રહી હતી. એ પેલા છોકરા સાથે લગ્ન કરી લે એના પહેલાં એ બંનેને કોઈ પણ ભોગે પાછા લાવવાના હતા. ટ્રસ્ટી બહુ જોરદાર હતા એમની વગ અને શાખ એટલી હતી કે એ પાતાળમાંથી પણ નંદિનીને શોધી કાઢે. છેલ્લે મને બહુ સારા શબ્દોમાં એમણે ચેતવણી પણ આપી કે જો નંદિની નહીં મળે તો મારે ગૃહમાતા પદેથી રાજીનામુ આપવું પડશે.

ટ્રસ્ટી સાથેની વાત પૂરી કરીને ફોન મૂકયો અને ફરી રિંગ વાગી.

"મા અમાર નિરાપદે પોમશે..... મા, તમે કરેલી વ્યવસ્થા મુજબ અમે સુખરૂપ પહોંચી ગયા છીએ અને આજે સવારના અમે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા." અનેરા આનંદ સાથે નંદિની મને ફોન પર કહી રહી હતી.

એક પહોળા સ્મિત સાથે મેં ફોન મૂક્યો. મારામાં રહેલી જીંદગીભર કરેલી આત્મ-વંચનાની, આત્મ-છલનાની પીડા અને ગ્લાનિને ઘણી જ શાતા મળી. એક સંતોષ સાથે હું રાઇટિંગ પેડ લઈને રાજીનામું લખવા બેસી ગઈ.

***

પલ્લવી કોટક

03/08/2021






ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ