વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચુકાદો

​'આજે રોજ કરતા ગરમી થોડી વધારે છે'


આમ મનમાં ને મનમાં બબડતો બબડતો શ્રીકાંત સસ્ટેશન પર ટ્રેન આવે એની વાટ જોતો સમયને મ્હાત કરવાના પ્રયત્નો કરતો બેઠો હતો...
બેઠો હતો ??
ખબર નહિ બેઠો હતો કે બેઠા બેઠા ઉભો હતો...
આવ્યાને હજી તો માંડ 15 મિનીટ થઇ હશે તેમાં તે 10 વાર તો ઉભો થયો ને પાછો બેઠો..
ટ્રેન આવી કે નહિ તે જોવા માટે....
ઉતાવળ હતી કદાચ... હોય જ ને! કેમ ન હોય ...?
આ ક્ષણ માટે સાડા ત્રણ વર્ષથી દિનરાત મહેનત કરતો હતો...


શું હતો આજથી સાડા ત્રણ વર્ષ પહેલા ??
માત્ર શ્રીકાંત સોનીથી વિશેષ એની શું ઓળખ હતી ?
સેવંતીભાઇએ પ્રાઇવેટ નોકરીમાં ડગલે ને પગલે અપમાનો સહન કરતા કરતા મોટી આશાથી શ્રીકાંતને ગ્રેજ્યુએટ સુધી ભણાવીને, પરણાવીને એમની જવાબદારી પૂરી કરી પણ...
આ બધું મેળવવામાં એમને જિંદગીની સૌથી મોટી મૂડી ખોઈ હતી....
આઘાત પણ કઈ નાનો ન હતો...
એક તરફ શ્રીકાંતની પત્ની જીજ્ઞાની હઠને વશ થઈને એમને એકમાત્ર દીકરાથી અલગ રહેવા જવું પડ્યું અને એ જ આઘાતમાં નિરુબેન પણ એમના શ્વાસને અને સેવંતીભાઇને છોડી ગયા..
આજે સાડા ત્રણ વર્ષ પછી એને કંપનીના શ્રેષ્ઠ માર્કેટીંગ મેનેજરનો અવોર્ડ લેવા માટે કંપનીની હેડ ઓફિસ પર આયોજિત કાર્યક્રમમાં જવાનું હતું..

અને જે કઈ ગુમાવ્યું છે એને ભૂલીને જે મેળવ્યું એની ખુશીમાં મ્હાલવાના ઠાલા પ્રયત્નો કરતો એ ટ્રેનની રાહ જોતો બેઠો હતો....


અચાનક એની સામેના પ્લેટફોર્મ પરથી ધીમે ધીમે પસાર થઈ રહેલી ટ્રેનની બારીમાંથી ડોકિયા કરતો એક ચહેરો એની આંખને આંજી ગયો....
ટ્રેન ચાલતી રહી પણ એ ચહેરો સ્થિર થઇ ગયો અને સાડા ત્રણ વર્ષથી સ્થિર થઇ ગયેલા એના સંવેદનોને હચમચાવી ગયો....
અને ટ્રેન હજી થોડી ઝડપ પકડે તે પહેલા તે એકદમ ઝડપથી ઉભો થઇને ચાલુ ટ્રેનમાં જેમ તેમ કરીને ચડી ગયો ને પછી તો

ટ્રેન જે રીતે સરકી રહી હતી એના કરતા વધારે તો એ પોતે સરકી રહ્યો હતો પેલા ચહેરા તરફ..
અને ત્યાં પહોચીને.....
નંદીની...?  (હાંફતા સ્વરે )
????
નંદીની ??
???
આમ શું જોયા કરે છે ?? ભૂલી ગઈ મને ??
(નંદીની મનમાં ને મનમાં ) પાગલ... શ્વાસ લેવાનું કોઈ ભૂલે છે ક્યારેય.?
નંદીનીએ કઈ પણ બોલ્યા વગર, થોડી સંકોચાઈને બેસવા માટે સંકેત કર્યો
"નહિ મને ફાવશે"
નંદીનીનો એકદમ સરળ પહેરવેશ અને મેકઅપ વિનાનો ચહેરો જોઇને શ્રીકાંત થોડો અટવાયો એની સ્થિતિનો ક્યાસ કાઢવામાં પણ...
ચાલુ ટ્રેને એને પૂછવાની હિંમત નહિ કરી અને નંદીનીને જે ભય હતો એ સ્ટેશન આવતા સુધી યથાવત રહ્યો જ..
ને એનું સ્ટેશન આવતા જ "આવજો" નો ઈશારો કરીને એ ઉતારવા જતી હતી ત્યાં જ
શ્રીકાંતથી રહેવાયું નહિ એટલે ઉઠ્યો એની પાછળ પાછળ ઉતર્યો  અને....
"હું આ ટ્રેનમાં માત્ર તને જોઇને જ ચડ્યો હતો"
કારણ ??
કારણ ??
કાન્ત તું હવે આ રીતે મારી પાછળ આવે તે સારું નથી.
સારું તો આમ પણ આપણી સાથે ક્યાં કઈ બન્યું છે ??
બંને વાતો કરતા કરતા સ્ટેશન બહાર આવ્યા ને આસપાસ માં કોઈ બેસવા લાયક જગ્યા શોધીને થોડી વાતો કરવાના આશયથી બેઠા...
તો પણ ..હવે જે છે એનો સ્વીકાર કરી લીધો છે તો એને જાળવી રાખ...
સ્વીકાર કરી લીધો છે ??? કોણે ???
????
બોલ નંદીની..
મારી પાસે માત્ર પ્રેમની પુંજી સિવાય કશું ના હોવાથી તારા પિતાએ
તારા લગ્ન વિદેશમાં વસવાટ કરતા અમીર ડોક્ટર સાથે કરાવી દીધા
તેનો સ્વીકાર તે કર્યો છે ??
અને અમેરિકા જઈને ત્યાની વૈભવી જીંદગીમાં તું મને ભૂલી શકીશ
એ વાતનો સ્વીકાર કર્યો છે ??
અને જો ખરેખર તું એ બધું ભૂલીને એક અમેરિકન ડોક્ટરની પત્ની
હોય તો મને જોઇને તારા
હોઠ કેમ સિવાઈ ગયેલા હતા અત્યાર સુધી ??
અને હું....
તને ગુમાવીને(?) માત્ર તારા પ્રેમની પૂજા અને સ્મરણના શ્વાસ લઈને જીવવા માંગતો
હોવા છતાં પણ માત્ર માતાપિતાની અભિલાષાને પૂરી કરવા પેલી
ઘમંડી, ઝગડાખોર જીજ્ઞાને પરણીને ખુશીથી જીવું છું.  
એનો સ્વીકાર કરું ??
અને એને ખુશ રાખવાના પ્રયત્નો કરું છું પણ રોજ રાત્રે ઓશીકું ભીંજવું છું અને ત્યારે પણ તારી યાદ નથી આવતી
એ વાત નો સ્વીકાર કરું ???
જે પ્રેમના સ્વપ્ના મેં બાળપણથી જોયેલા અને તે આજ સુધી સપના જ છે એ વાતને સ્વીકારી લઉં ??
એટલે ??? કાન્ત તું પણ ખુશ નથી ??
(નંદીનીની આંખના ખૂણે વર્ષોથી સચવાયેલું એક આંસુ સરી પડ્યું )
નંદીની..
નંદીનીથી પણ, જાણે આંખ લુછવા માટે હાથ ઉપર કર્યો, ને ભાર દઈ દઈને દબાવી રાખેલી વેદના અચાનક જ ઉછળીને બહાર આવી ગઈ....
પરણીને અમેરિકા ગઈ અને તે પછી જે વેદના એણે સહન કરેલી પણ
કોઈને નહિ કહેવાની પ્રતિજ્ઞા લીધેલી....
આજ સુધી પળાયેલી એ મજબૂત પ્રતિજ્ઞા આજે લાગણીના એક જ પ્રવાહમાં કડડભૂસ થઇ ને વહી પણ ગઈ....
કાન્ત, હું પરણીને અમેરિકા ગઈ તેના એક જ માસમાં મને ડોકટરના રંગીન મિજાજી સ્વભાવનો અંદાજ આવી ગયેલો અને પછી મને તપાસ કરતા ખ્યાલ આવી ગયો કે એની હોસ્પીટલની જ એક નર્સ સાથે ઘણા સમયથી રહેતો પણ હતો અને મોટા ભાગના લોકો જેમ ભારતમાંથી છોકરી શોધીને લગ્ન કરીને પત્નીને કામવાળી બનાવીને લઇ જાય છે તેમ મને પણ લઇ ગયેલા....થોડા દિવસો પછી તો એ નર્સને ઘરે લાવવાનું ચાલુ કર્યું અને પ્રતિકાર કરું તો.....
એના થી ડૂસકું ભરાઈ ગયું..
બીજી બે આંખો પણ સાવ કોરી નહોતી...
આટલું બધું થયું અને તે મને જાણ પણ નહિ કરી ??? (લાગણીસભર ગુસ્સાથી )
......
ત્યાંથી આવાની હિંમત તો નહિ કરી શકી પણ પપ્પાના અવસાનને લીધે એક વર્ષ પહેલા અહીં આવી પછી ગઈ જ નથી
બાપ છે ને.... મરતા મરતા પણ મને નરકમાંથી છોડાવીને ગયો....
અને એની જાતને એને શ્રીકાંતના ખભે ઢાળી દીધી ને આંખો પુરપાટ વહેવા લાગી..
જરા સ્વસ્થ થઇ ને બોલી...
ને આજે હજી સુધી એણે બોલાવી પણ નથી....જ્યાં ત્યાં કામ કરતી, જાતને સંભાળતી, આમ જ જિંદગી જીવ્યે જતી હતી ત્યાં અચાનક જ મને જાણ થઇ કે આ શહેરમાં એક કંપનીમાં મારા લાયક સારી નોકરી ખાલી છે એટલે આવી છું...
નંદીની તારે નોકરી કરવાની જરૂર નથી....તને ગુમાવ્યા પછી ભગવાને મને ખુબ આપ્યું છે
ના કાન્ત, હવે હું તારી કોઈ પણ ચીજમાં હકદાર નથી....
નંદીની ??? આ તું બોલે છે ???
એક વાર મેં તારા મોઢે જ સાંભળેલું કે
"કાન્ત, તારી એવી કોઈ ચીજ નથી કે જેમાં હું ભાગીદાર નથી "
હા કાન્ત ..પણ સમય અને સંજોગોની સાથે શબ્દોના અર્થ બદલાઈ જાય છે....
અને શ્રીકાંતની લાખ કોશિશ છતાં પણ નંદીની એની રીતે જીવવાની જીદ પકડી રાખી
અને એને નોકરી પણ શ્રીકાંતની ભલામણથી આસાનીથી મળી પણ ગઈ....
અને શ્રીકાંતને લેવાનો હતો જે અવોર્ડ એનાથી પણ શ્રેષ્ઠ અવોર્ડ મળ્યાની ખુશી હતી
પછી દિવસ દરમ્યાન એને રહેણાકની વ્યવસ્થા પણ ગોઠવી આપી અને
એ દિવસે સાડા ત્રણ વર્ષોથી પરિણીત હોવાનો માત્ર બોજ લઈને ફરતા બે હૈયાએ સાચા અર્થમાં પરિણીત હોવાનો એહસાસ કર્યો....
પણ....
શ્રીકાંતનું મન હવે નંદીનીમાં જ રહેતું...
ઘરે તો આમ પણ પહેલા એ ઓછો જ રહેતો..
કંકાશથી કંટાળીને.....બીઝનેસ ટુર વધારે રહેતી...
હવે બીઝનેસ ટુર થોડી વધી ગયેલી
અને જીજ્ઞા બહુ લાંબુ વિચારે નહિ એ માટે થોડા દિવસે ઘરે આવી જતો
....
ધીમે ધીમે શ્રીકાંત દિવસો સુધી ઘરે આવવાનું ભૂલી જતો....
વર્ષો પહેલા અપૂર્ણ રહેલા રંગીન કાચ સમા સ્વપ્નાઓ પૂર્ણ કરવામાં લીન રહેતો...
હવે ઘરમાં રહેવાના દિવસો ઓછા અને ઝગડા વધારે થતા ગયા ..
એ  કારણથી ઘણી વખત એ નંદીની સાથે પણ ઉદાસ રહેતો....નંદીની આ બધી બાબત થી વાકેફ હતી...
નંદીની ઘણી વાર એને સમજાવતી કે તારી કુટુંબ પ્રત્યેની જવાબદારીમાં હું નડતર રૂપ છું
અને સમજાવતી પણ ખરી કે તું પત્નીના મહત્વને અવગણે તેના પરિણામો કેવા કેવા આવી શકે છે ...
પણ શ્રીકાંતને એની પરવા ક્યાં હતી...
એકાદ વરસ તો આમ વીતી ગયું..શ્રીકાંત એની પ્રગતિમાં પાયારૂપ ભૂમિકા ભજવનાર એના સસરાને કારણે જીજ્ઞાને સહન કરતો આવ્યો હતો પણ હવે....
એની સહન શક્તિ ખૂટી હતી કે એનો પર્યાય મળી ગયો હતો એટલે પણ
હિંમત કરીને એક દિવસ જીજ્ઞાથી અલગ થવાના મક્કમ નિર્ધાર સાથે એણે આ દરખાસ્ત મૂકી દીધી અને
જીજ્ઞાને મનાવવામાં વધારે તકલીફ નહિ પડી....
આ વાતનો જેવો તેવો અણસાર નંદિનીને આવી ગયેલો અને એણે વિચાર્યું કે મારે લીધે શ્રીકાંત એનાં લગ્નજીવનની ઈમારત તહસનહસ કરી રહ્યો છે અને હું છું તો હજી પરિણીત.....
કાયદા થી તો બંધાયેલી જ ને....

શું કરું શું નહિ એની અવઢવમાં એને બે દિવસ તો ઓફીસ જવામાં મન નહિ માન્યું કે ના તો ખાવા પીવામાં...પણ એને નિર્ધાર તો કરી લીધો હતો કે શ્રીકાંતને ભટકાવ્યો છે મેં તો મારે જ કઈ રસ્તો કરવો પડશે....
આ બાજુ શ્રીકાંતની ખુશીનો પાર નહોતો...એને થયું કે નંદિનીની જેમ હું પણ આ રોજના કજિયા કંકાશથી છૂટી જઈશ અને એ તરત જ જરૂરી કાગળો અને કાયદાકીય પ્રવૃતિઓમાં વ્યસ્ત બની ગયો....
એણે નક્કી કરેલું કે આ ખુશખબર નંદિનીને બધી જ પ્રક્રિયા પૂરી થયા પછી ચુકાદો હાથમાં આવે પછી જ આપીશ..
બંને પ્રક્ષ તૈયાર હતા એટલે કોઈ વધારે પ્રક્રિયાની કે દલીલોની જરૂર નહોતી.... બધી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ હતી માત્ર ચુકાદાની નકલ પર ન્યાયાધીશની સહી કરીને લેવાનો બાકી હતો બસ......
અને આખરે જે દિવસની આતુરતાથી વાટ જોતો હતો એ દિવસ આવી ગયો....
ખુશીમાં ને ખુશીમાં રાત્રે સરખી ઊંઘ પણ નહિ થયેલી.....
ચુકાદો એને હાથમાં લીધો અને ચકાસણી કરવાની પણ જરૂર નહિ લાગી એટલે કે એને લઈને નંદિની ને બતાવવાની ઉતાવળ હતી એટલે... સીધો જ નંદીની પાસે પહોચી ગયો ને હરખમાં એને ઉચકી લઈને ચુમીઓનો વરસાદ વરસાવી રહ્યો હતો એટલામાં જ.....
એલાર્મ વાગતા એ જાગ્યો અને આજે તો સહુથી પહેલા એક જ કામ કરવાની ઉતાવળ હતી ...
કોર્ટમાં જઈને છૂટાછેડાનો એટલે કે એની આઝાદીનો ચુકાદો મેળવવાની અને એ લઈને નંદિની પાસે જવાની.....
ચુકાદો લઈને એને જિંદગીની સહુથી મોટી ખુશી મેળવ્યાનો આનંદ થયો.....અને સીધો જ સ્ટેશન પર જઈને નંદીનીને મળવા જવા માટે ટ્રેનની વાટ જોતો હતો...ટ્રેનમાં સમય પસાર કરવા માટે વાંચન સામગ્રી લઇ લેવાનો વિચાર આવ્યો અને થયું કે આજે છાપું પણ નથી વાંચ્યું ખુશીમાં...
તો એ અખબાર લઈને ટ્રેનમાં ચડ્યો ...ટ્રેન ચાલી આરામથી બેસીને થોડું પાણી પી ને છાપું ખોલીને પાના ફેરવતો હતો
આ શું ???
છાપાના એક પાના પર એક ખૂણામાં છપાયેલ નાની કોલમમાંના સમાચાર વાંચીને એની આંખો ફાટી ગઈ....
સમાચાર વિસ્તારથી વાંચતા વાંચતા અને સાથેની તસ્વીર જોઇનેતો એને પરસેવો પરસેવો થઇ ગયો....
ફરી ફરી એ સમાચારની હેડલાઈન વાંચતો રહ્યો....
'27 વર્ષની એકલી રહેતી સ્ત્રીએ રહસ્યમય સંજોગોમાં જીવન ટુંકાવ્યું'
અને શ્રીકાંત ​​થોડી થોડી વારે બંને ચુકાદાને વાર ફરતી જોતો રહ્યો...


એક એના ખિસ્સામાં રહેલા કોર્ટના.... 
અને બીજા અખબારમાં રહેલા નંદીનીના​ ​ચુકાદાને...


ટ્રેન ચાલતી રહી અને એને ખબર ના રહી કે મારે ક્યાં સ્ટેશન પર ઉતરવું.....

સંદીપ પૂજારા 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ