વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ

પ્રિય પુત્ર,

        ૧૨ વર્ષની ઉંમરે તું એક છોકરીના પ્રેમમાં છે અને તેની સાથે ભવિષ્યમાં જીવન વીતાવવા માગે છે એ જાણીને મને આંચકો કે નવાઇ લાગ્યા નથી. એનો અર્થ એ નથી કે મેં તારી વાતને સ્વીકારી લીધી છે કે તને આગળ વધવા માટે સંમતિ આપી દીધી છે. આ પત્ર તને તારા ભવિષ્યની ચિંતા કરીને અને તારો સાચો માર્ગ કયો છે એનું માર્ગદર્શન આપવા લખી રહ્યો છું. આજનો જમાનો આધુનિક છે અને પિતા-પુત્ર વચ્ચે કોઇ પડદો ના હોય કે બંને મિત્રની જેમ વર્તતા હોય એ બધાના કિસ્સામાં બનતું નથી. હું હજુ એક મર્યાદા જાળવીને જીવું છું. અને તારી સમક્ષ રૂબરૂ ખૂલીને કહી ના શકું એવા સંકોચને કારણે આ પત્ર તારા ભવિષ્યને સંવારવા લખી રહ્યો છું. મને આશા જ નહીં વિશ્વાસ છે કે તું મારી વાતને સમજીને તેનો અમલ કરીશ. બલ્કે એક નાગરિક તરીકે એ જ તારા માટે યોગ્ય છે.  

તને એક છોકરી ગમી ગઇ અને તેને તું ચાહે છે એમ થવું સ્વાભાવિક છે. એમાં તારો દોષ ન પણ હોય. અમારા જમાનામાં તો એવા પણ કિસ્સા છે કે વીસ કે પચીસ વર્ષની ઉંમરે લગ્ન થયા પછી પત્નીનો ઘૂંઘટ ઉઠાવીને એનું મોઢું જોયું હોય. આજના જમાનામાં બાળકો ઓછી ઉંમર તન-મનથી જલદી પુખ્ત થઇ જાય છે. એને ઘણી બધી સમજ આવવા લાગે છે. અમે જે વાત વીસ કે બાવીસ વર્ષની ઉંમરે વિચારતા હતા એ તમારી પેઢી બાર વર્ષની ઉંમરે વિચારે છે. રહી વાત તને તારા વર્ગની એક છોકરી ગમી ગઇ છે એની તો એ તને ગમે છે એમાં કોઇ વાંધો નથી. કોઇ આપણાને ગમવું એ અલગ વાત છે અને એને મેળવવું એ અલગ વાત છે. છોકરી તને ગમે છે તો એને માન-સન્માન આપ. એની લાગણીઓની કદર કર પરંતુ આ ઉંમરે એને પ્રેમિકા કે પત્ની તરીકે મેળવવાની ચાહના રાખવાની ભૂલ ના કરીશ. છોકરી સાથે મૈત્રી હોય તો એ સામાન્ય છે. છોકરા-છોકરીઓ સમાન જ છે. પરંતુ એનાથી આકર્ષાઇને તું એને ચાહતો હોય તો એ બાબતે તારે વિચારવું જોઇએ.

તારી ઉંમર અત્યારે અભ્યાસમાં ધ્યાન આપીને સારા ભવિષ્યનું નિર્માણ કરવાની છે. આ ઉંમર બહુ નાજુક હોય છે. ખાસ કરીને છોકરાઓ સુંદર છોકરીઓ પ્રત્યે કે છોકરીઓ સુંદર છોકરા પ્રત્યે આકર્ષાય અને પ્રેમમાં હોવાનો વ્હેમ રાખે એ યોગ્ય નથી. આપણા સમાજની અને કાયદાકીય કેટલીક વ્યવસ્થાઓ અને જોગવાઇઓ છે. જેનો આદર કરીને આપણે જીવન જીવવું આપણા હિતમાં છે. આ ઉંમરે કોઇ છોકરો કે છોકરી લગ્ન કરી શકે નહીં એ મારે તને સમજાવવાની જરૂર નથી. અને એ માટેની આ ઉંમર પણ નથી. જીવનમાં આવા ઘણા પ્રસંગો આવશે જયારે આપણે આપણી લાગણીઓને કાબૂમાં રાખવી પડશે. જે એમાં સફળ થાય છે એની લાઇફ બની જાય છે.

અત્યારે તારું મુખ્ય ધ્યેય ઉચ્ચ શિક્ષણ મેળવવાનું છે. એના પરથી ધ્યાન બીજે ભટકવું ના જોઇએ. જો એ છોકરી પણ તારા પ્રત્યે કૂણી લાગણી ધરાવતી હોય કે તને પસંદ કરતી હોય તો એને પણ તું સમજાવજે કે આપણે અત્યારે સાચા મિત્ર બની રહીશું. બીજા કોઇ વિચાર મનમાં લાવવાની જરૂર નથી. એક વખત કારકિર્દી બની જાય પછી કોઇપણ બાબતે વિચારી શકાય એમ છે. આ વિદ્યાર્થી કાળ ગણાય છે. એને વિદ્યાભ્યાસમાં જ ગાળવાનો છે. સમાજે ઉંમર પ્રમાણે જુદા જુદા આશ્રમ નક્કી કરેલા છે. એને અનુસરવાનું છે. કોઇની વાતોથી બહેકી જવાનું નથી. આ ઉંમર જ એવી છે કે એમાં અનેક પ્રલોભનો આપણા મનને ચલિત કરવાનો પ્રયાસ કરશે.

હું તારી વયનો હતો ત્યારે મને પણ આવો અનુભવ થયો હતો. ત્યારે મારા પિતાએ એમના 'પુત્રના પ્રેમ' વિશે જાણીને આજ રીતે પત્ર લખીને માર્ગદર્શન આપ્યું હતું. હું પણ એક છોકરીને પસંદ કરવા લાગ્યો હતો. પિતાએ મને સમજાવ્યું કે એ અત્યારે માત્ર શારિરીક આકર્ષણ છે. એ બાબતથી બચવાનું છે. પછી મેં એ છોકરી સાથે સામાન્ય મૈત્રી રાખી હતી. સ્કૂલનો અભ્યાસ પૂરો કરીને કોલેજમાં ગયો અને નોકરીએ લાગ્યો ત્યાં સુધી હું એને ભૂલી ગયો હતો. એ ક્યાં છે અને શું કરે છે એની પણ મને ખબર ન હતી. મને સમજ આવી ગઇ હતી કે એ ઉંમર સહજ આકર્ષણ હતું. પિતાએ સમયસર મને માર્ગદર્શન આપ્યું અને હું એમાંથી બહાર આવી ગયો. મેં અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું એટલે જ આજે સફળ ઉદ્યોગપતિ બની શક્યો છું. પ્રેમ કરવાનો, લગ્ન કરવાનો પણ એક ગાળો હોય જ છે. એનાથી વંચિત રહેવાનું નથી. એ કારણે આપણી કારકિર્દી બાજુ પર રહી જવી ના જોઇએ. તને ખબર છે? જે છોકરીને હું કિશોરાવસ્થામાં પસંદ કરતો હતો એ આજે ક્યાં છે? એ તારી મા છે! હું સેટ થઇ ગયો પછી મેં એની શોધ આરંભી અને તેનો પત્તો લાગી ગયો. એ પરિવારને મદદરૂપ થવા નોકરી કરતી હતી. અમે મુલાકાત કરી અને એ સમયની જૂની ઓળખાણ કે આકર્ષણ માત્રથી પરણી ગયા ન હતા. અનેક વખત મુલાકાતો કરી સ્વભાવ અને વિચારો જાણ્યા એ પછી લગ્ન કરવા માટે પરિવારોની સંમતિ માગી અને અમે જીવનસાથી બન્યા.

સમય સાથે ઘણું બદલાય છે. સદનસીબે મારા કિસ્સામાં બધું બરાબર જ રહ્યું. હું આશા રાખું છું કે મારા જીવનના આ પ્રસંગમાંથી તું પ્રેરણા લઇને સાચા માર્ગે ચાલીશ. આજે ભલે બધું ડિજિટલ થઇ ગયું હોય પણ કાગળના પત્રથી જે વાત કહી શકાય એનો વિકલ્પ હજુ સુધી મને દેખાયો નથી. આ મારો પુત્ર પ્રત્યેના પ્રેમનો પત્ર છે. આ પત્ર તને સતત તારી જવાબદારીને યાદ કરાવશે. હું તને ચાહું છું અને તું યોગ્ય માર્ગે વધે એવી ખેવના રાખું છું. તારે પોતાનું જ નહીં આપણા કુટુંબનું, સમાજનું અને દેશનું પણ ગૌરવ જાળવવાનું છે. તું મારું લોહી છે અને મને ખાતરી છે કે મારી વાતને સમજી ગયો હશે. જો તારા મનમાં હજુ પણ કોઇ શંકા કે મૂંઝવણ હોય તો મને જરૂર જણાવજે. તારું સોનેરી ભવિષ્ય આપણે સાથે મળીને કંડારવાનું છે.

તારો પ્રેમાળ પિતા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ