વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિજયી વ્યક્તિત્વ

કાળોતરા નાગને છાતી પર બેસાડી એને સસલાંની જેમ રમાડતાં દીકરાની નીડરતા અને દ્રઢનિશ્ચયી લક્ષણો એના બા- બાપુજીને ત્યારે જ પરખાઈ ગયા હતા જયારે અન્ય બાળકો સાથે ગિલ્લી-દંડો રમવાની નાનકડી ઉંમરે એ દેડકાંના બચ્ચા પકડવાની લ્હાયમાં હિંમતભેર ઊંડા કુવામાં ઉતરી, ફરી એ જ ચપળતાથી બહાર નીકળતો. ૧૩ એપ્રિલ ૧૯૫૯ના રોજ જન્મેલા વિજય પટેલનું સમગ્ર જીવન આરોહ-અવરોહની આંટીઘૂંટીઓ વચ્ચેથી પણ પ્રકાશપુંજ બની વહ્યું હતું. એમની વાર્ષિક પુણ્યતિથિએ એમના જીવનના કેટલાક યાદગાર પ્રસંગોને યથાતથ શબ્દોમાં ઢાળવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. 


મંથર ગતિએ વહેતા શિક્ષણના વાયરા વચ્ચે શૈક્ષણિક અધિકારીની પદવી પર કાર્યરત બાબુભાઇ ફકીરભાઈ પટેલ અને એમના ધર્મપત્ની જમનાબેનના છ સંતાનો પૈકી ત્રીજા પુત્ર વિજયની આ વાત છે.  સાલ ૧૯૭૧માં માત્ર પિસ્તાળીશ વર્ષની ઉંમરે બાબુબાઈ ૩૫ વર્ષની યુવાન પત્નીને વૈધવ્ય આપી અનંત યાત્રાએ સિધાવ્યા. બાબુભાઈની પાછળ રહી ગયેલ સાત જણના પરિવારનો જીવનનિર્વાહ કપરો હતો. સૌથી મોટી દીકરીએ પોતાના નાના ભાઈ-બહેનોને સાચવવા પોતાનો અભ્યાસ પડતો મૂક્યો અને બીજા નંબરનો પુત્ર પણ પેટિયું રળવા ભણતર મૂકી એક કંપનીમાં જોડાઈ ગયો. માત્ર ઓગણત્રીસ રૂપિયાના વિધવા પેન્શન અને નજીવી આવક વચ્ચે આટલા મોટા કુટુંબનું ભરણ-પોષણ કઠિન સમયનું પર્યાય બની ગયું. 


પિતાના સ્વર્ગવાસ બાદ પાંચમા ધોરણમાં ભણતો વિજય પણ પરિવારની પાયાની જરૂરિયાતોની આપૂર્તિ માટે કટિબદ્ધ થયો. અભ્યાસને ચાલુ રાખી વિજયે પણ કમાણી માટે પોતાનું પગલું મોર કર્યું. ગાય-ભેંસ-બકરા પાળવા, સીંગ-ચણાની લારી ચલાવવી, શાળામાં વેકેશન દરમિયાન રંગકામ માટે જવું, મરઘાંપાલનમાં વપરાતો ખોરાક બનાવતી કંપનીમાં મજૂરી અર્થે જવું, અન્યોના ખેતરમાં રોજિંદા વેતન પર કામ કરવા જવું ઉપરાંત કડિયાકામ, મજૂરીકામ, સુથારીકામ વગેરે થકી વિજય રાત-દિવસ પરિવારને બેઠો કરવા મચ્યો રહ્યો.


કામો વચ્ચે અટવાતા અભ્યાસને કારણે કૃપાગુણને સહારે ભણતર આગળ ખેંચી રહેલા વિજય માટે આનંદની વાત એ હતી કે તે સમયે મેટ્રિક ગણાતા સાતમા ધોરણમાં એ પ્રથમ ક્રમાંકે પાસ થયો. એ પછી અટક્યા વગર મંઝિલ સુધી વહેતી રહેલી શિક્ષણની સરવાણી એસ.એસ.સી. અને હાયર સેકન્ડરીની પરીક્ષાઓને સફળતાથી પાર કરી કોલેજ સુધી પહોંચી ગઇ હતી. પણ વિજય માટે સંઘર્ષ ત્યાં પણ ચાલુ જ રહ્યો. કોલેજ માટે ટ્રેનમાં અવરજવર દરમિયાન મળેલા એક ધંધાર્થીની મદદથી એણે રબર સ્ટેમ્પની ડિલિવરીનું કામ શરુ કર્યું. વળી વડાપાવ વેચ્યાં બાદ બચેલા વડાપાવથી પેટ ભરી લેતા વિજયે એક વકીલની મદદથી દસ્તાવેજો, અરજી અને નામું લખી સારી એવી કમાણી શરુ કરી. સાથોસાથ વિજય પોતાના શોખને પણ પાછળ છોડે એમ નહોતો. એ મંદિરોમાં જઈને ભજન ગાઈને, મોટા શહેરોમાં ઓરકેસ્ટ્રામાં ફિલ્મી ગીતો દ્વારા અને ગરબાની રમઝટ બોલાવીને ગરબે ઘૂમનારાઓને ગુલતાન કરી પોતાના પ્રભાવી અને સુરીલા અવાજના પરચા આપતો. આમ જ ખટમીઠાં દિવસો વચ્ચે એ ત્રણ વર્ષનો સંઘર્ષમય અભ્યાસ પૂર્ણ કરી બી.કૉમની ડિગ્રી મેળવી સ્નાતક બની ગયો. આખરે પિતાની છત્રછાયા વિનાનો એક લાંબો કપરો કાળ વિતાવી આત્મસન્માન સાથે ઉજાગર થયું વિજયનું પ્રભાવશાળી વ્યક્તિત્વ.


સંઘર્ષમય જીવનના જાત અનુભવ લઇ બહાર પડેલા વિજયે એક એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કંપનીમાં જુનિયર ક્લાર્ક તરીકે માસિક રૂપિયા ૪૦૦ના પગારથી જોડાઈને બખૂબી કાર્યભાર સાંભળી લીધો. પોતાની આગવી છટા સાથે વટભેર ફરી મુંબઈની ગલીઓ અને સરકારી ઓફિસોમાં કામકાજ સંભાળતો વિજય જોતજોતામાં કંપનીના માલિકનો ખાસ બની ગયો. વળી એ સાથે શરુ કર્યો વકીલાત માટે એલ.એલ.બીનો વધારાનો અભ્યાસ. સારા પગારને પગલે પોતાના પરિવાર માટે સારું મકાન બનાવી શકનાર વિજયે પોતાના ભાઈ-બહેનોને ધૂમધામથી પરણાવી સમાજમાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું. એ પછી શરુ થઇ વિજય નામના પ્રતિભાશાળી યુવકની વિજયભાઈ બાબુભાઇ પટેલ તરીકેની સફર.


વિજયભાઈ વાપીના ચલા ગામની ગ્રામપંચાયતની ચૂંટણીમાં સૌથી નાની વયે ચૂંટાઈ આવી જિલ્લા પ્રમુખ તથા પ્રદેશાધિકારી બન્યા. રાજનૈતિક જીવનમાં પગરણ માંડ્યા બાદ નૈતિકતાને વળગી રહેવાના આગ્રહને પગલે એક જિલ્લા પંચાયતની ચૂંટણી ૧૦૧ મતે હારી ગયા. એ જ અરસામાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટની કંપની પણ બંધ થઇ ગઈ. આખરે દસેક વર્ષના ટૂંકા કર્મયોગ બાદ વિજયભાઈના જીવનમાં બેકારીએ બારણાં ખખડાવ્યા. પણ કહેવાય છે કે, અર્ધાંગિનીની પતિપરાયણતાની પરીક્ષા પતિની બેકારીમાં થાય છે. વિજયભાઈની બેંકર પત્નીએ જાણે એ કથનને યથાર્થ કર્યું અને એમની બેકારીના સમયમાં એમની સાચી સહચારિણી બની. વિજયભાઈની પત્નીએ પતિ અને પતિના આખા પરિવારને સંભાળી લેવા એકાગ્રતા દાખવી સુંદર ભવિષ્યનું ભાથું બાંધ્યું. 


આત્મસન્માનથી જીવતા આ યુગલના જીવનમાં એક દીકરી અને ત્યારબાદ એક દીકરાએ પા પા પગલી પાડી. વિજયભાઈએ પોતાના જીવનની એ જ નૈતિકતા અને સંયમિતાને સંતાનોના જીવનમાં પણ રેડવા માંડી. સંતાનોનું  આદર્શ નાગરિક અને નૈતિક વ્યક્તિ તરીકે ઘડતર થાય એ માટે સદાયે જાગૃત રહી વિજયભાઈએ ફરી પોતાનું રાજનૈતિક જીવન સક્રિય કર્યું. સાલ ૧૯૯૦માં વિજયભાઈને વાપી શહેરના યુવા ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા. એ પછી તેમણે સંઘના પ્રેરક કાર્યકર્તા તરીકે કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં જઈ આદિવાસી સમાજના પુનરુત્થાનના કાર્યક્રમોમાં સેવા બજાવી. હૃદયમાં દેશદાઝને હંમેશા પ્રજ્વલિત રાખતા વિજયભાઈ જયારે ટટ્ટાર ઉભા રહી છાતીએ હાથ ધરી ઉન્નત મસ્તકે પોતાના ઘેઘૂર અવાજમાં સંઘની પ્રાર્થના 'નમસ્તે સદા વત્સલે માતૃભૂમે...' ગાતા ત્યારે તેમના ચહેરા પર શોર્યરૂપી આભા ચમકી જતી મેં જોઈ હતી. વળી તેઓ શહેરની જાણીતી શાળાના વાલીમંડળના સભ્ય તરીકે પણ નિયુક્ત થયા હતા. આ સમગ્ર કર્મયોગને પરિણામે વિજયભાઈ ઘણા પ્રખ્યાત અને નામી વ્યક્તિત્વોના સંપર્કમાં આવ્યા અને તે સૌની સ્મૃતિમાં ન ભુલાય એવું વ્યક્તિત્વ બની વસી ગયા જેના કારણે હંમેશા એમનું સ્થાન શહેર અને જિલ્લામાં આગવું થતું રહ્યું. 


વિજયભાઈના જીવનમાં સૌ કાર્યો એક તરફ અને દેવપૂજા તથા વાંચન એક તરફ રહ્યું હતું. એલ.એલ.બીનો અભ્યાસ, દસ્તાવેજો લખવાનો અનુભવ, ભરપૂર વાંચન અને રાજનૈતિક કાર્યક્ષેત્ર, આ તમામનું સંયોજન વિજય પટેલને એક ઉત્કૃષ્ટ લેખનકળાના ધણી બનાવી ગયું. લેખનની કલાત્મકતા એમની પત્રકાર તરીકેની કારકિર્દીમાં ઝળકી. વિજયભાઈએ દમણગંગા ટાઈમ્સ, નવગુજરાત ટાઈમ્સ, ગુજરાત સમાચાર અને વલસાડ સંદેશ અખબારોના પત્રકાર તરીકે પોતાના લખાણનો જાદુ પાથર્યો. કટાક્ષ લેખન અને સાંપ્રત જેવી કોલમ એમના વાચકોને બેઠાં બેઠાં હચમચાવી દેવા કાબેલ હતી. જેવી એમના લખાણની આક્રમકતા હતી એવી જ ધારદાર હતી એમની વાકછટા. સાંભળનારને પોતાના શબ્દોમાં અભિભૂત કરીને પોતાનામાં ઓતપ્રોત કરી દેવાની એમની આવડતને આજેય એમના નજીકના લોકો યાદ કરે છે. વાપી શહેરના જૂના રહેવાસીઓના મુખે નીકળતા 'વિજય પટેલ' નામ પાછળ 'વરિષ્ઠ પત્રકાર' શબ્દ આપોઆપ જોડાઈ જાય છે. 


ભારતીય સંસ્કૃતિ અને હિંદુત્વના પ્રખર હિમાયતી વિજયભાઈ માટે દેવપૂજા અને સાંઈભક્તિ એમની દિનચર્યાનું અભિન્ન અંગ હતું. સંગીત, લેખન અને વકૃત્વમાં તરબોળ એમનું વ્યક્તિત્વ એક આયોજક તરીકે પણ પારંગત હતું. હજારો લોકોના કર્ણપટલ પર શિવનામના પવિત્ર અમૃતનો છંટકાવ કરતી છ જેટલી શિવકથા, બ્રહ્મસમાજ સંસ્થાના કાર્યકર્તા તરીકે કરેલા કાર્યો, વાપીના ચલા ગામમાંથી નીકળતી શિરડી પદયાત્રાના સંસ્થાપક અને શ્રાદ્ધપક્ષમાં પિતૃતર્પણ માટે આયોજેલાં સામુહિક નારાયણબલિ યજ્ઞને આજે પણ વાપી અને આસપાસના વિસ્તારના લોકો અહોભાવથી યાદ કરે છે. 


ઘણી વખત ઉચ્ચ પદે બિરાજવાનું થયું છતાં અભિમાનનો લેશમાત્ર અંશ પણ વિજયભાઈના પ્રામાણિક વ્યક્તિત્વમાં જોયાનું કોઈને યાદ નહિ હોય. સદૈવ સહાયી સ્વભાવ એમની ઓળખ હતો. દૂધ માંગો અને ખીર હાજર કરી દે એવો એમનો પરોપકાર હતો. સત્તાવાહી અને સામર્થ્યધારી તાસીર છતાં નૈતિકતા અને સ્વાભિમાન એમને સન્માનના પાત્ર બનાવતું હતું. સામાન્ય જાહેર જનતા વચ્ચે રહી નાના ફેરિયાથી લઇ પોશ બંગલામાં રહેતા લોકો સુધી દરેકના હૃદયના મિત્રસ્થાને તેઓ બિરાજતા હતા અને એમની પ્રકાશમય  તેજોમંડળના સંપર્કમાં આવેલ તમામના હૃદયમાં એ સ્થાન હંમેશા રહેશે.


આ નશ્વર જગતના અવિરત વહેતા જળમાંથી વિજય પટેલ નામની એ રૂપેરી આભાવાળી ચમકદાર માછલી ઈશ્વરધામમાં પહોંચી ગઇ એ ક્ષણને આજે એક વર્ષ વીતી ગયું. એમની હયાતી ભલે સૌની વચ્ચેથી અદ્રશ્ય થઇ હોય, પરંતુ એમની સ્મૃતિ હંમેશ માટે એમના સંપર્કમાં આવનારના જનમાનસમાં અંકિત થઇ ગઇ છે. ક્યાંક સહાયરૂપે, ક્યાંક પ્રભાવરૂપે, ક્યાંક શબ્દોરૂપે તો ક્યાંક ન ભુલાય એવી ક્ષણ બની 'વિજયભાઈ પટેલ- વરિષ્ઠ પત્રકાર' હંમેશા આપણા સૌની વચ્ચે હાજર રહેશે. 


વિજયભાઈ માટે લખાયેલા ઉપરોક્ત શબ્દો પણ એમની જ કેળવણી છે જે જાણતાં-અજાણતાં તેમણે ઊછેર સાથે મારા બાળપણથી  જ મારા અબુધ મસ્તિષ્કમાં ઉતારી હતી. પિતાએ કેળવેલી આ લેખનકળા પિતા માટે શ્રદ્ધાંજલિ શબ્દોરૂપે કાગળ પર ઉતરે એ એક દીકરીની ઈચ્છા ક્યારેય ન હોય. એમની જીવનકથા લખવાની ઈચ્છા તો પહેલેથી હતી પરંતુ ઈચ્છા હતી, વિજયના વિજયી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ વિશે લખવાની! એમના પ્રેરક જીવન વિશે અને એમની ઉન્નત મસ્તકે વીતેલી જીવંતતા વિશે લખવાની! પરંતુ એ શક્ય બને એ પહેલા મારી શબ્દસરિતાના સ્રોતે ૧ નવેમ્બર ૨૦૨૦ ના રોજ પોતાની જીવનલીલા સંકેલી લીધી. અફસોસ ઘણો છે, પરંતુ મારા શબ્દોમાં એમને અમર કર્યાનું આશ્વાસન રહેશે. 


_______


લેખક: યામિની પટેલ

તારીખ: ૧ નવેમ્બર ૨૦૨૧ 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ