વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કર્ણાટક રાજ્ય દિન ઉજવણી

કર્ણાટક દિવસ ઉત્સવ

આપણા ગુજરાતનો જેમ પહેલી મે છે તેમ પહેલી નવેમ્બરે કર્ણાટક રાજ્યનો સ્થાપના દિવસ છે. 1956 માં બોમ્બે પ્રેસિડેન્સી થી અલગ પડી આ દિવસે કર્ણાટક રાજ્ય બનેલું.

મેં હું અત્યારે રહું છું તે મોટી, 28 ટાવર દરેક 30 માળના, એ વસાહતમાં આ ઉજવણીમાં ભાગ લીધો.

કર્ણાટક રાષ્ટ્રધ્વજ ત્રિરંગાને તો માન આપે જ છે, રાજ્યનો આગવો ધ્વજ પણ છે જે ઉપરથી સોનેરી પીળો અને નીચેથી લાલ રંગનો હોય છે. આજે એ ધ્વજ લહેરાવવાનો હતો.

લક્ષ્મીજીની મોટી  છબી પાસે ખાસ અહીં જ થતાં નાનાં એકદમ લાલ ગુલાબ જે દસેક દિવસ સુકાતાં નથી તેનું, સાચાં ગુલાબો અને ગલગોટાઓનું ડેકોરેશન હતું. ધ્વજ લહેરાવવાનો હતો એ થાંભલા આસપાસ પણ ફૂલોની ગોળ મોટી રંગોળી પુરેલી.

અહીં નારંગી પીળો અને લાલ રંગ શુકનવંતા અને કદાચ રાજ્યના રંગ ગણાય છે એટલે પુરુષોએ ઉપરથી નારંગી નીચે લાલ એમ બે રંગની પટ્ટી વાળા ખેસ ધારણ કરેલા. સ્ત્રીઓ ઓરેન્જ સાડી અને લાલ બ્લાઉઝમાં સુંદર તૈયાર થઈ હતી. ઘણા પુરુષોએ વેષ્ટિ કહેવાય છે એ સોનેરી કોર વાળી સફેદ લૂંગી કે ધોતી એમની આગવી સ્ટાઈલથી પહેરેલી. અમુક યુવાન સ્ત્રીઓએ તો વાળમાં લાલ ગુલાબ પણ નાખેલાં.

ધ્વજ વંદન સાથે એમનું 'નાડગીથ' એટલે રાજ્ય ગાન 'ધન્ય ધન્ય ભારત જનની, ધન્ય કર્ણાટક માતે' ગવાયું એ સાથે સહુએ ઉભા થઈ એ ગીતમાં સુર પુરાવ્યો અને ગાયું.

બીજું એક 'નિત્યોત્સવ.. નિત્યોત્સવ.. આનંદોત્સવ..' ગીત ગવાયું.

અહીંનું ખાસ નૃત્ય વાઘનું મહોરું પહેરી રજૂ થયું. અહીં આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ કર્ણાટકનાં જંગલોમાં જોવા મળે છે.

બીજી રચનાઓમાં વીંદ્યાચળ પર્વતની દક્ષિણે આવેલી, ભરપુર  નદીઓ અને ધોધ તથા લીલાં જંગલોથી  ભરેલી ધન ધન્ય પ્રદા કર્ણાટક ભુમીનું ગૌરવ ગાતું ગીત પ્રસ્તુત થયું.

બહારથી બોલાવેલ મુખ્ય મહેમાનને અહીંની ખાસ પાઘડી કે ટોપી (એકદમ ટાઈટ પાઘડી) જે રેશમી સફેદ વસ્ત્રની અને સોનેરી કિનારે વાળી હતી તે પહેરાવી. આવી પાઘડી તમે ભુતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન ને માથે જોઈ હશે.

સુંદર પ્રસ્તુતિ પુરી થાય એટલે 'અદભુતા.. અદ્દભૂતા..' કહેવાય. અહીં  કન્નડમાં ખોડો અક્ષર જ એકલો બોલાય. બાકી અ ને આ ની જેમ જ બોલાય. લિસ્ટ નહીં, લિસ્ટા, ગામ નહીં, ગામા, સ્લીપને સ્લીપા કહેવાય છે.

લાલ પીળાં ગલગોટા જેવાં ફૂલોની રંગોળી અદભુત આકર્ષક હતી. એ જ રીતે તેમની ગીત ગાવાની શૈલી.

એન્કરે કહ્યું કે દરેકને પોતાનું માદરે વતન હોય જ જેમ દુનિયાભરમાં ફરતાં વહાણને કોઈ જગ્યાએ પોતાનું લંગર હોય. એ પોતાપણું, sense of belonging  દરેકમાં જીવંત હોવું જોઈએ, ધબકતું હોવું જોઈએ.

પ્રથમ ગૌરવ રાષ્ટ્રનું જેના આપણે નાગરિક છીએ અને જેના કાયદાઓ, જેની એકતા,જેની પ્રગતિ કે પરિસ્થિતિ આપણને અસર કરે છે. એ પછી આપણું રાજ્ય એટલે જેની ભાષા અને સંસ્કૃતિ તથા આગવા રિવાજો આપણાં લોહીમાં વહે છે. એ સાથે આપણું વતન, એ ગામ કે શહેર.

'જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી'. 

જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે.

અહીંની ખાસ સંસ્કૃતિને લગતાં ગીતો અહીંની આગવી ઊંચું ખેંચી લયબદ્ધ રીતે ગાવાની શૈલીમાં રજૂ થયાં.

ત્યારબાદ ફોટાઓ પડ્યા અને ઓડિયન્સના ડ્રોનથી પણ ફોટા લેવાયા 

સહુએ છુટા પડતાં મીઠાઈ અને સમોસાનું પેકેટ લઈ વિદાય લીધી.

ઉજવણીના ભાગ રૂપે અમુક ઢોસા ગરમાગરમ ઉતારી ફ્રીમાં આપતા હતા પણ ત્યાં એટલી અવ્યવસ્થા હતી કે ફ્રી ખલાસ થઈ ગયા પણ વારો ન આવ્યો.

નવી રીતે આ ઉજવણી જોઈ. ગઈકાલે બાળકો અલગ અલગ ડરાવણા કાર્ટૂન કેરેક્ટરના ડ્રેસ ધારણ કરી ઘેરઘેર હેલીવિન ઉજવણીના ભાગ રૂપે આવેલ. દરેકને ચોકલેટ કે એવું આપવાનું.

અહીં હેલોવીનની ઉજવણી દિવાળી કરતાં સારી થતી જોઈ થોડું દુઃખ તો થયું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ