વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પિયર અને સાસરું

        આપણે જાણીએ જ છીએ કે દીકરીને લગ્ન કરી સાસરીયે આવવું પડે છે. હવે અહીં આવ્યા પછી જ બધા ડખા ચાલુ થાય. સાસુ વહુ, દેરાણી જેઠાણી, વગેરે વગેરે વચ્ચે વાંધા વચકા પડે. ત્યારે પિયર વાળા એમ ક્યે કે અમારી દીકરીને દીકરીની જેમ રાખતા જ નથી તો બીજી બાજુ સાસુને પણ એવું થાય કે એને એની વહુ મા ગણતી જ નથી. અરે! આ સબંધ સાસુ વહુનો છે મા દીકરીનો નહિ. સાસુને સાસુ અને વહુને વહુ જ રેહવા દો બંને સબંધને ભેગા ના કરો. તમે ગમે તેટલું કહો કે સાબિત કરવા મથો પણ સાસુ વહુ મા દીકરી ના બને અને આપણે બનાવવી પણ નથી. મારે કેવું છે એટલું જ કે એ સંબંધની એક આગવી વિશષતા છે. સાસુને મા જેટલું જ મહત્ત્વ આપો, સમ્માન આપો, પ્રેમ પણ આપો. સાસુ એ વડલાનું એ મૂળિયું છે જેને ઉખેડી નાખો ને તો ઉપર કોરેલાં લીલાંછમ પાંદ સૂકાય જાય. જો વડલા રૂપી સંસાર અને દામ્પત્ય જીવનની કૂંપળોને સતત કોરવા દેવી હોય ને તો એના મૂળિયાંને મજબૂત રાખજો.

           મારા સાસુ હર હંમેશ કહેતા રહે છે કે વહુ કંઈ જન્મથી વહુ બનીને નથી આવી. એને સાસરીયાનાં વાતાવરણમાં ભળતા વાર લાગે. જેમ વહુએ સાસુને મા જેવું મહત્વ આપવું જોઈએ ને એમ સાસુએ પણ દીકરી અને વહુમાં ભેદ ન રાખવો. એક બહેનને ત્યાં મહેમાન આવ્યાં. તે મહેમાન અને આ બહેન બંને વાતે વળગ્યાં. વાતવાતમાં મહેમાન બહેને આ બહેનના દીકરી વિશે ખબરઅંતર પૂછ્યા તો આ બહેન ક્યે  ‘મારી દીકરીના સાસરા વાળા બોવ સારા એને બધી છૂટછાટ છે, પેરવા ઓઢવામાં ને હરવા ફરવામાં પણ, ને જમાય તો બોવ જ સારા છે મારી દીકરીને કામમાં પણ મદદ કરે ને એનું કહ્યું પણ કરે’ તો મહેમાન બહેને સારું કહી એની વહુ વિશે પૂછ્યું તો પેલા બહેન ક્યે ‘એને તો ક્યાં કંઈ કામમાં ગતાગમ પડે છે, ને એને જીન્સ પરવું'તું પણ મે ના પાડી કે અહીં અમારે સાડી જ પહેરવી પડે, ને મારા દીકરાને તો અત્યારથી વહુઘેલો કરી દિધો.’ હું આ વાત દ્વારા એ સમજાવવા માંગુ છું કે સાસુને મા નહિ પણ સાસુ બનતા આવડવું જોઈએ. મેં આગળ વાત કરી ને કે મૂળિયાં વિના વડલાનું કોઈ જ મહત્વ નથી તો બીજું એ કે વડલાને જે જમીનની અંદર પાણી મળી રહે છે, અમી મળી રહે છે એ જ તો વહુ છે. વડલો ખીલી ઊઠે છે એ મૂળિયાંથી એ તો ખરું જ પણ જ્યારે વડલો મોટો વટવૃક્ષ બની જાય ત્યારે એને ઉપરથી કોઈ પાણી પા'તું નથી અને એ અંદરથી એની જાતે જ પોષણ મેળવે છે એ જ વહુનું કામ છે.

           અહિં મોરારી બાપુની એક વાત યાદ આવે છે જે કાજલ બહેનની જેમ મને પણ સ્પર્શી ગઈ છે. “નવી પરણેલી વહુ આવી. અહીં સાસરીયામાં મા દીકરો બે જ રહે. બંનેમાંથી કોઈને સવારે નાસ્તો કરવાની ટેવ નહીં. વહુને સવારમાં નાસ્તો જોઈએ. થોડાક દિવસ તો સરમમાં ને સરમમાં કાઢ્યાં પછી થયું કે રોજ આમ તો કેમ ચાલે. નાસ્તો તો જોઈએ, છેક બપોરે જમવાનું ત્યાં સુધી ભૂખ્યા પેટે કામ કેમ થાય. પછી એ વહુ રાતે એક ભાખરી વધુ બનાવતી અને ઘંટી નીચે વાટકામાં સંતાડીને રાખી દેતી. સવારે દરણું દળવા બેસે ત્યારે એમાંથી ખાતી જાય. એક દિવસ એના સાસુ વહેલા ઊઠી ગયાં તો એ દળવા બેસી ગયાં. જેવું ઘંટી નીચે જુએ તો વાટકામાં સંતાડેલી ભાખરી જોઈ. એને દયા આવી કે ‘અરેરે બિચારી લુખી ભાખરી ખાય છે, ગળે કેમ ઉતરતી હશે?’ એમ કરી એણે એમાં ગોળ મૂકી દીધો. જ્યાં વહુ ભાખરી ખાવા જાય તો એણે ભેગો ગોળ પણ જોયો તો એને થયું કે એમના પતિએ મૂક્યો હશે, એના સાસુ થોડા મૂકે? આમ જ થોડા દિવસો નહિ પણ વર્ષો વીતી ગયા. હવે તો એ વહુને ત્યાં પણ વહુ આવી ગઈ. ને એના સાસુ તો ઉંમરમાં થઈ ગયાં ને આંખે ઓછું દેખાવા લાગ્યું. એક દિવસ એ વડસાસુએ એની વહુને પછ્યું કે ‘બેટા તારી વહુ કેવીક છે?’ તો એમણે જવાબ આપ્યો કે ‘બા! આમ તો સારી છે પણ કામકાજે મોળી છે.’ તો એના સાસુએ પ્રતિઉત્તરમાં કીધું કે ‘બેટા ગોળ નાખ તો ગળી થાય, મેં બોવ વરસ નાખ્યો છે. એમનેમ ગળી નો થાય આપણે ગોળ નાખવો પડે.” આપણે શીરો બનાવાતા હોઈએ તો એમનેમ શેકાયને શીરો નથી બની જતો એમાં ખાંડ નાખવી પડે તો શીરો થાય.

            અત્યારે જમાનો એવો આવ્યો છે કે હવે પહેલાં જેવી સાસુ નથી રહી. દીકરા વહુના જીવનમાં પણ કોઈ માથું નથી મારતાં. પણ હવે વાંધો આવે છે તો વહુના વિચારોથી. જે પોતે બે પોતાના બેમાં જ ખુશ રહેવા માંગે છે. એને પરિવારમાં બીજું કોઈ ગમતું જ નથી. આપણે આપણા જ હાથે આપણું અને આપણાં બાળકોનું ભવિષ્ય બગાડીએ છીએ. જે બાળકોને દાદા દાદીનો પ્રેમ એનું વ્હાલપ, એનો હુંફાળો હાથ નથી સ્પર્શતો ને એને ખુદના માત પિતાનું મહત્વ કોઈ દિવસ નહીં સમજાય. કારણ કે જેવી તમારી માનસિકતા બની ગઈ છે કે પતિપત્ની અને બાળકો એ જ પરિવાર એવી જ રીતે તમારું સંતાન મોટું થઈ એના પરિવાર સાથે ચાલ્યું જશે. પછી તમને એ વાતનો અહેસાસ થશે કે જે પીડા તમે સહન કરો છો એ આ પહેલાં તમે પણ તમારા માતાપિતાને આપી હતી. પણ ઓલું કહેવાય છે ને કે...

       “अब पछताए होय का जब चिड़ियां चुग गई खेत।”

એટલે જે લોકોને હજુ આમ પછતાવાનો વારો નથી આવ્યો ને એ એના ‘અમે બે ને અમારા બે’ ના નરમાંથી મુક્ત થઈ ‘આપણે બધાં’ નો નારો અપનાવજો.

           ઘરમાં શાંતિ રાખવી હોય તો શાંત રહેજો. બધા એક સરખા નથી હોતા. બધાનાં વિચારો આપણા જેવા હોય એવું પણ જરૂરી નથી. ને બે વાસણ હોય તો ખખડેય ખરા. સબંધો સાચવવા માટે નમી જવું પડે તો કંઈ વાંધો નઈ. પરિવાર છે કંઈ પુસ્તક થોડું છે કે ભૂલ થઈ, ના ગમ્યું તો આ પાનું ફાડી નાખ્યું! અહીં પાનાં ફડાય નઈ પણ ઈરેજર જેવી સમજણ લઈ હળવેકથી ભૂંસી નખાય ને ઈ પાનાંમાં આખી જિંદગીનાં મીઠાં સંભારણાં કેદ કરી લેવાય અને એ પણ પેન્સિલથી નહીં પણ કદી ના ભૂંસાય એવી પેનથી.

            

             

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ