વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દોઢસો વિઘાનો ખાતેદાર

   


"હા,પણ હવે ક્યાં સુધી તારે ઈ એકની એક વાત લવ્ય લવ્ય કરવી છે ? બાપાએ બે હજાર નો આપ્યા તો નો આપ્યા..ઈ માંબાપ કહેવાય મરજી પડે તો દે અને નો મરજી હોય તો નો'ય દે.ઇમનું છે ઇ હંધુય આખરે તો આપડું જ છે ને,અને હવે તું જો ને..બાપાને બતાવી નો દઉં તો કે'જે..હવે તો ઘરની ગાડી થાય તે દી' જ હું ગામમાં પગ મુકીશ " રાઘવે કંઇક ગુસ્સાથી અને કંઈક કંટાળાથી એની રાધાને કહ્યું.


   ગામડેથી સુરત આવતી વખતે ભાડાના પૈસા આપવાની બાપાએ ઘસીને ના પાડી હતી એટલે રાઘવ રિસાઈને એની પત્ની રાધાને લઈને ઘેરથી નીકળી ગયો હતો. માં રડતી રડતી છેક બસ ઉપડી ત્યાં સુધી સાથે બેઠી હતી.


"કપાસ વેચ્યો છે ને ? બાબો વાણિયો પાંચ લાખ રોકડા દઈ ગ્યો  છે, બાપાએ મને જ કીધું'તું કે, લો બટા આ જરીક કબાટમાં મૂકી દેજો..તે ઈ ઈમને શું ગળે બાંધી જાવા હશે ? એક ફદીયું'ય કોઈ દિ' દે છે ? ઘી,દૂધ ને માખણ ગામ આખાને તો ઉભા ગળે ખવરાવશે પણ પંડ્યના પોતરાને પાવલી'ય વાપરવા દે તો ઈમની માં મરે.."


"હવે બસ કર્યને ભાઈસા'બ તું ! ઈમની માં તો કે'દુંના મરી ગ્યા છે.લાવ્ય બસ્સોક રૂપિયા તો દે..મારા ખિસ્સામાં કંઈ નથી.રિક્ષાભાડુ તો જોશેને કારખાને જવા.."


  રાઘવે રીક્ષાભાડાના પૈસા માંગ્યા.બાપાએ બે હજાર ન આપ્યા એમાં  બાપાનો વાંક ન્હોતો એ પોતે સમજતો હતો.કારણ કે બાપાની ઈચ્છા વિરુદ્ધ એ સુરત હીરા ઘસવા આવ્યો હતો,અને જતી વખતે જ બાપાએ એક પણ ફદીયું અપવાની ના પાડી હતી. એટલે, રાધાએ પોતાની ખાનગી મૂડી મોકળી મુકવી પડી હતી.એની પીડા, રાધાએ સાંજે બસમાં બેઠા ત્યારે, સવારે બસમાંથી ઉતરીને ઘેર આવ્યા ત્યારે અને અત્યારે કારખાને જવા નીકળ્યો ત્યારે પણ કકળાટ કરીને કહી હતી. એટલે રાઘવે રાધાને સમજાવવાની કોશિશ કરી. પણ એ તો પાણીમાં વર્તુળ દોરવા જેવી વાત હતી. કારણ કે રાધાને પોતાની બચતના બંધમાં ખર્ચનું કાણું પડે એ પોસાય તેમ નહોતું.નાનકડું કાણું આખો બંધ ખાલી કરી નાખવા સક્ષમ હોય છે એ રાધા જાણતી હતી.


રાઘવ, ગામના મોટા ખેડું એવા ગોરધનભાઈનો એક નો એક દીકરો હતો. પાડાના કાંધ જેવી દોઢસો વીઘા જમીન, દુઝણી ભેંસ દૂધનું બોધરણું ભરી દે એમ ગોરધનભાઈના ઘરને મબલક ઉપજથી ભરી દેતી હતી.ત્રણ બહેનો પછી આ દોઢસો વીઘાનો વારસદાર જન્મ્યો હોઈને ખૂબ જ લાડકોડમાં ઉછર્યો હતો.પણ લાડકોડની આડમાં એ આડેધડ પાંગરે એ ગોરધનભાઈને મંજુર નહોતું.


  એક દિવસ રાઘવને નિશાળમાં સાહેબે માર્યો. ઘેર આવીને રાઘવે સાહેબની ફરિયાદ કરી, "માં, મને ઓલ્યા ચંદુડિયા માસ્તરે માર્યો..ઈ બવ હવાળીનો છે, કાલ હું નિશાળે નઈ જઉં.. એં.. એં..એં.." એ ફરિયાદ સાંભળીને રાઘવની બા, ગોમતીબેન બોલ્યા, "બટા ઈમ નો કે'વાય..ઈ તારા ગુરુ કે'વાય.."


ગોરધનભાઈ રાઘવનો રાગ સાંભળીને ઉભા થયા. ગોમતી બેનની બાજુમાં બેસીને ઝીણા રાગે રડતા રાઘવનું બાવડું પકડીને ઉચકી લીધો.ગોમતીબહેન કંઈ સમજે એ પહેલાં તો રાઘવના બેઉં ગાલ પર બે તમાચા ચડાવીને ફળિયામાં ધકેલી પણ દીધો..


"ખબરદાર કોઈ દી સાહેબનું નામ તોછડાઈથી લીધું છે તો..તારી માં અને બાપ પછી ત્રીજું જ સ્થાન તારા જીવનમાં ઈ સાહેબોનું છે, ઈ જ તારા સાચા ગુરુજી છે..મારો સાહેબને બદલે મારા સાહેબ જ બોલજે,ગુરુને તુંકારો કર્યો તો મર્યો હમજજે. મારી મારીને ટાંટિયા ભાંગી નાખીશ..કોઈપણ તારાથી જે મોટું હોય એનું માન જાળવજે. કોઈની સામું પણ બોલ્યો છો તો યાદ રાખજે.ઘરે વારો પડી જશે.."


  પિતાની રાડ અને ગાલ પરના ચાડથી રાઘવની ચડ્ડી પલળી ગઈ.


એનું એં...એં મુંગુ મંતર થઈ ગયું,એ જોઈને ગોમતીબેન એની વ્હારે ચડ્યા, "ઈમ તે શું કરતા હશો.છોકરાને સમજાવો તોય ઈ બસાડો સમજી જાય.આમ કંઈ ઢોરની જેમ મારવાનો નો હોય.."


"રાઘવની બા..છોડવાની આડી અવળી ડાળ્યું સોરો(તોડો) નહીંને તો એ કોઈ દી ઊંચું ઝાડવું નો થાય.ઈમ અપલખણ નાનું હોય ત્યારથી જ ડામવું જોવે..નકર મોટું થઈને માથું ઊંચું નો રે'વાદે હમજી ? એકનું એક હોય એટલે મોઢે ચડાવેલું અને તોછડીયું નો થઈ જાય ઈનું ધ્યાન રાખવું જોવે હમજી ? " ગોરધન ભાઈએ કહ્યું અને પછી ફળિયામાં ઉભેલા રાઘવને ખોળામાં બેસાડયો અને છાનો રાખીને પૂછ્યું.


"સાહેબે તને મારવો પડ્યો અટલે તારો જ કંઈક વાંક હશે.તારો વાંક આવ્યો જ કેમ ?" એમ કહીને ગોરધનભાઈએ ગાલ પંપાળ્યો. અને બીજે દિવસે નિશાળે જઈને સાહેબને કહ્યું ,"જરૂર પડે તો ઢીબી નાખજો પણ ભણવામાં વાંહે નો રે'વો પડે.."


  ખાવા પીવાની અને પહેરવા ઓઢવાની બિલકુલ તાણ નહોતી. પણ રોકડા રૂપિયા વાપરવા ઉપર કડક પ્રતિબંધ હતો.ગામમાં ગોરધનભાઈને ''ચમડી તૂટે પણ દમડી નો છૂટે' એ કહેવત લાગુ પડતી.'ખેતરમાં ઉગેલું ખાવ અને હરિના ગુણ ગાવ' એ ગોરધનભાઈનો જાણે કે જીવનમંત્ર હતો.


  રાઘવે ભણવામાં ખાસ ઉકાળ્યું નહીં.


" સગવડ વાળાના સગા સો" એ હિસાબે રાઘવના ભાઈબંધોની સંખ્યા વધુ હતી.પણ વાપરવાના વાંધા હોવાથી ક્યારેક ક્યારેક બાપાની બંડીમાં હાથફેરો થવા લાગ્યો.


શરૂઆતમાં ગોરધનભાઈને એમ કે એમનાથી જ કયાંક આડા અવળા વપરાયા હશે એટલે બહુ ધ્યાન ન આપ્યું.પણ વારંવાર એમની બંડીમાંથી 'છુટ્ટા', પગ  છુટ્ટો કરી જવા માંડ્યા એટલે એમણે બંડીને નજર નીચે રાખી. બીજા ત્રીજા દિવસે દીકરાનો હાથ એમાં હાથફેરો કરતો ઝડપાયો એટલે એમને પોતાની ભૂલ સમજાઈ. નાના છોકરાઓને પણ વાપરવા હોય અને ઘરમાં હોવા છતાં ન મળે તો એનું આવું જ પરિણામ આવે ! પછી રાઘવને પૈસા તો વાપરવા મળવા માંડ્યા. પણ એનો હાથ થોડો વધુ છુટ્ટો થઈ ગયો.અને દોસ્તોને જલસો પડી ગયો. ભણતરનું ચણતર અધૂરું રહ્યું.


   નિશાળમાંથી "આ હવે નહીં ભણે" નું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું એટલે ગોરધનભાઈએ એને વાડીમાં વળગાડયો.


વહેલા પાંચ વાગ્યે સાથી ટ્રેકટર લઈને ખેતર ખેડવા જતો એની સાથે જ રાઘવની ડ્યુટી પણ ચાલુ થતી. પંદર વરસની ઉંમરે નિશાળના એકડા અધૂરા મૂકીને રાઘવને એકડે એકથી ખેતી કરતા શીખવવાનું શરૂ કરવામાં આવ્યું, ગામના દાડીયા હારોહાર એને તનતોડ કામ કરવું પડતું. માલિક તરીકેનો મોભો તો મળ્યો પણ મરજી મુજબ જીવવા મળ્યું નહીં.


  સુરત હીરા ઘસવા ચાલ્યા ગયેલા એના ભાઈબંધો દિવાળી પર ગામ આવતાં. એ બધાની હેરસ્ટાઈલ, જીન્સના પેન્ટ અને ટીશર્ટ, કમર પર બાંધેલો ચમકતાં બકકલવાળો પટ્ટો અને પગમાં ચમકતાં બુટ જોઈને રાઘવને પોતાના લઘરવઘર વેશ પર શરમ આવતી.પોતાના ઘેરથી માગી છાછ લઈને ખાતાં છોકરા હીરાની ચમકદમકને લીધે દિવાળી ઉપર ગામમાં ''ઓ" પાડતા. એ જોઈને,બે વરસ ખેડ કરીને ખડતલ બનેલા રાઘવને પણ એવો ''ઓ" પાડવાનું મન થવા લાગ્યું.


"બાપા, મારે'ય સુરત હીરા ઘંહવા જાવું છે.હું ખેડ નહીં કરું..'' એક દિવસ રાઘવે હિંમત કરીને પોતાનો પ્રસ્તાવ બાપુજીની સરકાર સમક્ષ ડરતાં ડરતાં પેશ કર્યો.


"ઈમ..? માલિક મટીને મજૂર થાશો ? તું સરખું ભણ્યો નહીં, સરખી ખેડ કરતા'ય હજી શીખ્યો નથી અને હવે હીરા ઘંહવા જાવું છે ઈમ ?" માખણ વગર રોટલો ગળે ઉતરશે ? દૂધ વગર ખાવું ભાવશે ? ગાદલાં વગર, હીરાની ઘંટી હેઠે ઊંઘ આવશે ? એક ડોલ પાણીથી ના'વાનું થઈ રે'શે ? "


ગોરધનભાઈએ એને રણમેદાનમાં ઉભેલા શત્રુઓ જેવી તકલીફો બતાવી.


"આંય હું ક્યાં માલિક છું, મજૂર જ છું ને ! હવે મારે મારી મરજીનો માલિક થાવું છે, હું કાલે જ મારા ભાઈબંધ હાર્યે જાવાનો છું.." રાઘવને આટલું કહેતા તો આંખમાં આંસુ આવી ગયા.એ આંસુ દરિયો બનીને ગોમતીબેનને રાઘવની વ્હારે તાણી લાવ્યો.


''બસાડાને જાવું સે તો જાવા દયોને


શીદને ઈનો જીવ કકળાવો સવો.." મા માટે એ હમેશા 'બીસાડો' જ હતો.


"એક મહિનો હાલે એટલા રૂપિયા તને મળશે.તારી મરજી મુજબ જીવવુ હોય તો તારો ખરચ પણ તારે જ કાઢવો પડશે.. જીગર હોય તો જાજે..અને ન્યા મેળ નો પડે તો વાડી તારી વાટ જોશે.અને હું, એક પાવલી'ય દઈશ નઈ હમજી લેજે"


  બસ, એ વખતે એક મહિનાની ખરચી લઈને દોઢસો વિઘાનો ખાતેદાર "હમજી લઈને" હીરા ઘસવા સુરત જતી લકઝરીમાં બેઠો.એના મામાના દીકરા નાગજી સાથે રહીને હીરા ઘસતા શીખવાનું હતું.


   સુરત આવ્યા પછી પંદર દિવસમાં જ એને પોતાની વાડી સાંભરી હતી. સવારે માખણમાં છૂંદેલો રોટલો અને થાંગુ ભરીને દૂધની જગ્યાએ કારખાનાની ગલીના નાકે અડધી ચામાં માંડ ડૂબતી પાંચ રૂપિયાની ખારી એને ખાઈ જવા લાગી.બપોરે વાડીના તાજા રીંગણાંના, ભીંડાના અને તુરિયાના શાક સાથે ઘી ગોળનો વાટકો અને માખણ તરતું હોય એવી જાડી છાછની જગ્યાએ પાણીમાં તરતા બટાકાના ફોડવાના શાકને અડધી કાચી કે અડધી બળેલી રોટલીના બટકે ચડાવવુ ભારે થઈ પડ્યું.અને છાછને તો જગાડી જગાડીને પીવી પડતી.


રાત્રે રોવું આવતું હતું પણ હવે પગ પાછો મુકાય એમ નહોતું. રાઘવ હીરા શીખીને પેલા દોસ્તોની જેમ "ઓ" પાડી શકે એટલું કમાવા લાગ્યો.


દિવાળી પર ઇનશર્ટ કરીને આવેલો રાઘવ વાડીએ આંટો મારવા'ય ન ગયો એટલે ગોરધનભાઈને ખ્યાલ આવી ગયો હતો કે દોઢસો વીઘાની દોડા દોડી એમણે જ કરવી પડશે.


  એ દોઢસો વિઘાએ રાઘવને રાધા જેવી નમણી નારીનો નાથ બનાવી દીધો.રાધાને એમ હતું કે બાપા હવે સુરતમાં ઘરનું મકાન લઈ આપશે અને મારા 'ઈવડા ઈ' વધુ નહીં કમાય તોય ગામડેથી ઘણું'ય આવશે અને અમે ચકો અને ચકી એકબીજાની ચાંચમાં ચાંચ પરોવીને પ્રેમનું ચીં ચીં કર્યા કરશું અને ફર્યા કરશું. હોટલમાં જમીશું અને ટોકીઝમાં ફિલમ જોશું..રાઘવ તો એકના એક છે અને જમીન તો દોઢસો વીઘા છે..!


  પણ ગોરધનભાઈએ રાધાના અરમાનો આધા કરી નાખ્યા.રાઘવ માંડ રોટલા નીકળે એટલા જ હીરાને પેલ પાડી શકતો. બજારમાં દલાલી કરવા ગયો તો પેકેટ પડી ગયું,હીરાને ઘાટ કરવા ગયો તો પહેલા હીરાનું અને પછી રાઘવનું વજન ઘટી ગયું.એટલે પીલાતાં પીલાતાં પેલ પાડવાનું પસંદ કરવું પડ્યું.અને મહિનાને અંતે જે પગાર લાવતો એમાં રાધાનું રસોડું જ માંડ ચાલતું.


પણ રહેવું તો સુરતમાં જ હતું. ગામડે ગાય ભેંસના દૂધ હતા પણ પોદળાનો પમરાટ હતો.પૈસા હતા પણ પિતાજીના હતા..વાડી હતી પણ વસમી હતી.એટલે રાઘવે બે છેડા ભેગા કરવા ઉછીના રૂપિયાનો સાંધો કરવા માંડ્યો.


  ગોરધનભાઈના દીકરાને ઉછીના પૈસા આપવાની કોણ ના પાડે ? પણ એ સાંધામાં વાંધો ત્યારે પડ્યો જ્યારે એ ઉઘરાણી રાઘવ પાસે માથા પછાડી પછાડીને થાકી અને ગામડે બાપા પાસે પહોંચી.


"આલતી વખતે મને પૂછ્યું'તું ? જાવ જેને આલ્યા છે એની કનેથી કઢાવી લ્યો.." ઉઘરાણી કરનારને રૂપિયાને બદલે રોકડો જવાબ મળ્યો.એટલે એ ઉછીના રૂપિયા વ્યાજ નામનું ચકરડું બનીને રાઘવના માથે રાત્રે ન ફરે એટલું દિવસે અને દિવસે ન ફરે એટલું રાત્રે ફરવા માંડ્યું.


  ડૂબતા દીકરાને બાપાએ ''દેશમાં વ્યા આવો'' એ સંદેશા રૂપી દોરડું પકડી લેવા કહ્યું પણ રાધાને વાડીએ જઈને વાંકુ વળવું નહોતું.


  ચારેય બાજુથી ઘેરાઈ ગયેલું બિલાડું જેમ સામું ઘુરકવા લાગે એમ રાઘવે પણ પરિસ્થિતિ સામે પૂંછડી બે પગ વચ્ચે દબાવીને દાંતીયા કરવા માંડ્યા.આખરે એ કાંડા બળીયા કણબીનો દીકરો હતો. પાછળ પડી ગયેલી "તાણ", બાણ બનીને પોતાને વીંધી નાખે એ પહેલાં એ ભાગવા માંડ્યો. બીજા જ દિવસે, સૌથી છેલ્લો કારખાને આવતો રાઘવ કારખાનું ખુલે એ પહેલાં જ આવીને ઘંટી સાફ કરીને બેસી ગયો.


આગળના દિવસનો અધુરો હીરો એને જોઈને હસવા લાગ્યો, જાણે કહેતો હતો કે, "કેમ અલ્યા વ્હેલો આવ્યો ? તને તો એમ હશે ને કે હું આજ પૂરો થઈ જઈશ..સાંજ સુધી બળ કર્ય તોય હું મચક આપવાનો નથી.."


  રાઘવ જાણતો હતો કે મામાનો દીકરો હોવા છતાંય નાગજી એને ઓસ્ટ્રેલિયન રફના કડક હીરા જ આપતો હતો.આખો દિવસ વળ ખાઈને તૂટી જાય ત્યારે માંડ ચાર પેલ પડતા.કારખાનું કરવું હતું ત્યારે પૈસા તો બાપા પાસેથી ઉછીના લઈ ગયા હતા. ફુવા ફુવા કરીને ફૂંક મારતા ગયા, ગોરધનફુવાના ગળે ઘૂંટડો ઉતારતા ગયા. હીરા શીખવાડીને જાણે મોટો ઉપકાર કર્યો હોય એમ રાઘવને કામ પરથી ઉઠાડીને હીરાના પડીકાં આપવા લેવા રોજ બજારમાં મોકલતા.એનું હોન્ડા પડયું હોય તોય રાઘવને તો સાઇકલ જ ખેંચવી પડતી.અડધો વારો તો એમાં જ જતો.એટલે પેલો હીરો આગળનું પેલ પડવાની રાહ જોઇને ડબ્બીમાં પુરાઈ રહેતો. બીજા કારીગરો રોજના આઠ દસ હીરાનો લોટ(જથ્થો) જમા કરાવીને એનો હિસાબ ગણીને ખુશ થતા..અને એનો સહઘંટી "આવતા મહિને તો હીરો હોન્ડા જ ઉતારવું છે આપડે હો રાઘવા..તને એકાદો આંટો મારવા દઈશ તું તારે.."એમ કહીને એની સાઇકલ પાછળ બેસી જતો. અને રાઘવને પેડલ ઉપર જોર કરવું પડતું.


અધૂરામાં પૂરું નાગજીભાઈ કામ ઉપર કામ ચીંધતા અને એ કામ કરવાનો એક રૂપિયો'ય દેતા નહીં. કારખાનાનો સમાન લેવા આઠ દસ સરનામાં આપીને દરેક દુકાને પૂછીને, જ્યાંથી ઓછો ભાવ હોય અને વસ્તુ સારી હોય ત્યાંથી જ ખરીદી લાવવાનું કહેતા.ક્યારેક કોઈ વસ્તુ મોંઘી લેવાઈ ગઈ હોય તો પાછી આપવા પણ એણે સાઇકલ લઈને જ જવું પડતું. સુરતમાં આવ્યો ત્યારથી એમણે ભેગો તો રાખ્યો હતો,પણ તોડવી નાખ્યો હતો, એમને તો રાઘવ સાવ મફતનો નોકર જ મળી ગયો હતો.


ફઈના દીકરાને ભેગો રાખીને ધંધે ચડાવવાનો જશ પણ એ ખાટી રહ્યા હતાં અને બદલામાં ફુવા પાસેથી દોઢસો વિધાની નિપજના નાણાં ઉસેટી રહ્યા હતા.સુરતમાં એમણે બીજું રો-હાઉસ પણ ફુવાના પૈસે લઈ રાખ્યું હતું એવું રાઘવને મિત્રો પાસેથી જાણવા મળતું.


રાઘવ અને રાધા, પ્રેમજીના મકાનમાં જ એક રૂમ ભાડે રાખીને રહેતા."તું તો મારા ફઈનો ભાણો એટલે બીજા કરતા પચાસ રૂપિયા ભાડું ઓછું લઈશ" એમ કહીને પાછો એક ઉપકાર કર્યો હતો.બે જણનું કામ કરીને બપોર વચ્ચે જરીક આડી પડેલી રાધાને નાગજીની વહુ એના ઘરમાં કંઈકને કંઈક કામ માટે બોલાવી લેતી.


  કારખાને નાગજી,રાઘવને અને ઘરે એની વહુ રમીલા, રાધાને 'સખ' લેવા દેતા નહોતા. રજાના દિવસે પિક્ચર જોવા એ બન્ને છાનામાના ભાગી જતા અને બહાર હોટલમાં પાંઉભાજી કે ઢોસા ખાઈ લેતા.પણ બિલ ચુકવવામાં ખિસ્સું ખાલી થઈ જતું.બીજે દિવસે નાગજીભાઈ ઉપાડ આપવાનો ઉપકાર કરીને એકાદું નવું કામ ચીંધતા.


  વાડીના કામને વૈતરું સમજીને સુરત આવેલો રાઘવ નાગજી નામની પથરાળ ભોંમાં ભરાઈ પડ્યો હતો.નાગજીની નાગચુડ માંથી છૂટવા એ હવામાં હવાતીયા મારી રહ્યો હતો પણ એના જીવન ની ક્ષિતિજે કોઈ "આઝાદી" નો સૂરજ ઉગતો નહોતો.


  એટલે હવે રાઘવે,નાગજીને ના પાડીને કામ કરવા કમર કસી હતી.ન ચાલતા હીરાને અંગુરમાં લગાવીને સરણ પર ઘસાતો મૂકીને એણે બીજો હીરો ઘસવા માંડ્યો. બજારમાં જવાની રાઘવે ના પાડી એટલે નાગજીની આંખ ચમકી હતી.નાનપણમાં નિશાળમાં એણે વાર્તા સાંભળી હતી."એકધારું દોરડું પાણા પર ઘસાય તો પાણા પર આંકા પડી જાય છે એ જોઈને કાળીયો, મહાકવિ કાલિદાસ બની શકતો હોય તો હું રાઘવ, રાજા શું કામ નો બની શકું ?" એમ વિચારી ને બમણા જોરે એ હીરાની પાછળ પડી ગયો. દિવસે દિવસે વધુ ને વધુ હીરા તૈયાર કરવા લાગ્યો.


નાગજીએ એનું કામ જોઈ,રાજી થઈને કહ્યું, "એમ તળીયા મથાળા માં મેળ નો પડે.. ઘાટમાં આવી જા.."


  હીરાને ઘાટ કરવાનું કામ પહેલા એને ફાવ્યું નહોતું.પણ આ વખતનો રાઘવ વાડ ઠેકવા વછુટેલો વછેરો હતો. પાંચ હજારેથી પંદર હજારે પહોંચેલા રાઘવનો વેગ હવે વધવા લાગ્યો.એની ધગશ જોઈને નાગજીભાઈએ છ મહિના પછી ઘાટીયામાંથી મેનેજર બનવી દીધો. પોતાના પૈસે હોન્ડા લઈને રાધાને  પાછળ બેસાડીને એણે 'કીક' મારી


ત્યારે જાણે જંગ જીત્યો હોય એવું લાગતું હતું..!


  એના દોસ્તો હવે રાઘવને રાઘવશેઠ કહેવા લાગ્યા. પણ શેઠ બનવા તો પોતાનું કારખાનું હોવું જોઈએ. અને કારખાનું કરવા રૂપિયા હોવા જોઈએ.અને રૂપિયા ફરતે તો કુંડલી મારીને બેઠેલા બાપા ભોરિંગની જેમ ફેણ માંડીને ફૂંફાડા મારતા હતા.


  "અલ્યા નાગજીને દીધા..તારા ત્રણેય બનેવી પણ લીલા લહેર કરે છે, ગામનો કડે ચડેલો કોઈપણ જાય તોય તારા બાપા કોઈને ના નથી પાડતા..અને તને ચીમ એક ફદીયું'ય દેતા નથી. તું ખુલાસો કર્ય નકર દોઢસો વીઘા પાંજરાપોળમાં દઈ દેશે.." ભાઈબંધોએ રાઘવની આંખ ઉઘાડવાની ફરજ નિભાવી.


દિવાળી આવી એટલે નાગજીભાઈ પૂછ્યું, "રાઘવ દેશમાં ક્યારે જાવું છે ?"


  બસ, એ સવાલની જ વાટ જોઈ રહ્યો હોય એમ એ નાગજીભાઈ ઉપર તૂટી પડ્યો


  "કયો દેશ અને કેવી દિવાળી ? ન્યા મારું છે કોણ ? હું તો હવે કોઈદિવસ ગામડે આવવાનો જ નથી..મારા બાપા, તમને જ્યારે માગો ત્યારે અને જેટલા માગો એટલા રૂપિયા આપે, ત્રણેય બનેવીઓને બોલાવી બોલાવીને બંધાવે,ગામનો ગરીબડો બે આંહુડા પાડે તો બરફનો ગાંગડો ઓગળે એમ ઓગળી જાય, પાંજરાપોળમાં અવેડા અને નિશાળમાં ઓરડા બંધાવે..પણ હું ઇમનો એકનો એક સગ્ગો દીકરો છું તોય મને કેમ કાંઈ દેતા નથી..? હું ઓલ્યા ભવમાં એમનો દુશ્મન હતો ? " એકી શ્વાસે હૈયાનો ઉભરો ઠાલવીને રાઘવ રડી પડ્યો.


  "લે..એ..એ..તેં તો ભારે કરી.પણ હવે તને કે'વામાં વાંધો નથી.કારણ કે તું હવે બધું સંભાળી શકે અને સાંભળીને સમજી શકે એવો થઈ ગ્યો છો.ગોરધનફુવા તને આવો જ બનાવવા માંગતા'તા.." નાગજીએ હસતાં હસતાં કહ્યું.


  એમને હસતાં જોઈને રાઘવ આંસુ લૂછીને બોલ્યો, "શું ક્યો છો ? કંઈ સમજાણુ નહીં.. મને અતાર લગી બનાવ્યે જ રાખ્યો છે


ને..! બનવા માટે કંઈ દીધું તો નથી ને..?"


  "નથી કેમ દીધું...? હું રહું છું એ મકાનમાં તારો ભાગ છે, કારખાનામાં'ય તારો ભાગ છે.અને આ કારખાનાની કમાણીમાંથી તારા સાટું એક રો-હાઉસ લઈને રાખી મૂક્યું છે.. તેં જે ભાડું મને અતાર લગી દીધું એ બધું જ તારા નામે બેંકમાં મૂક્યું છે.તું તો એમની હાર્યે રિસાઈને આવતો રહ્યો છો એટલે


અઠવાડિયે દસ દિવસે મને ફોન કરીને તારી ખબર લીધી છે..અને ફોન મુકતી વખતે એમનું ડૂસકું પણ કાયમ મેં સાંભળ્યું છે..તું જ્યારથી સુરત આવ્યો પછી કોઈ દિવસ એમને રોટલો ચોપડ્યો નથી.અને ગામથી જે આવે એની હારે તારી અને વહું માટે પાકના લાડવા, સુખડી, ઘીની બરણી કાયમ મોકલી છે, તું મારા ઘરેથી જે લઈ જાતો'તો ઈ અસલમાં તો તારું જ હતું..અને હું તને જે ઉપાડ આપતો'તો એ ઉપાડ હું નહીં, ગોરધનફુવા જ આપતા હતા સમજ્યો ? હવે ખબર પડી કયો દેશ અને કેવી દિવાળી ?"

નાગજીભાઈની આંખમાં પણ આંસુ આવી ગયા.એ આંસુ લૂછીને એમણે ઉમેર્યું, "અને રાઘવ, હું તને ઘરની અને કારખાનાની વસ્તુઓ લેવા એટલે મોકલતો હતો કે તને ખરીદી કરતાં આવડે. હીરા બજારમાં સાઇકલ લઈને હીરાના પેકેટ દેવા એટલે મોકલતો'તો કે તું હીરાની ઓફિસો જોઈ લે અને તારી ઓળખાણ થાય.તું મને મનમાં તો ગાળ્યું જ દેતો હઈશ પણ મને તો ગોરધન ફુવાનો હુકમ હતો કે તને થઈ શકે એટલો હેરાન કરવો. ઇ એમ કહેતા હતા કે ભઠ્ઠા


માં તપાવીને અને ઘણ મારી મારીને લોઢાને ગજવેલ બનાવી દો તો પછી એને કાટ નથી લાગતો. અને હવે તું કટાઈ જા એવું લોઢું મટીને ગજવેલ થઈ ગ્યો હોય એમ મને લાગે છે.."


   રાઘવ તો આ સાંભળીને સુનમુન થઈ ગયો. પછી રડતાં રડતાં ઉભા થઈને નાગજીને બથ ભરી લીધી.


નાગજીએ એના બરડામાં ધબ્બો માર્યો. રાઘવને દેશમાં જઈને એને બાપાના પગમાં આળોટી પડવાનું મન થયું.


સાંજે નાગજી ઉપર ગોરધનભાઈ નો ફોન આવ્યો, "શું કરે છે મારો રાધવો ? દેશમાં તો આવવાનો છે ને ? નાગજી, હવે એને બસાડાને બવ સતાવવો નથી હો..હવે એ તૈયાર થઈ ગ્યો છે.."


  "મેં દેશમાં આવવાનું કીધું એટલે મને કે..કેવો દેશ અને કેવી દિવાળી..પછી ફુવા મારાથી તો નો રે'વાણું..એટલે આજ બધું જ કહી દીધું.." નાગજીએ કહ્યું.


"કહી દીધું ? પછી ? રાધવો કંઈ  બોલ્યો ?" ગોરધનભાઈએ આતુરતાથી કહ્યું.


"અરે તમે જોયું હોય તો એના મોઢા પરથી માખ નો ઉડે..સાવ મિયાંણો થઈને બેઠો'તો. પછી મને બથ ભરીને બહુ રોયો..ફુવા હવે તમે રાઘવાને બધું સોંપીને જાત્રા કરવા વ્યા જાવ તો'ય વાંધો નહીં.."


  "તો હવે ઈ દોઢસો વિઘા જમીનનો ખાતેદાર સાચો...!" કહીને ગોરધનભાઈએ રીસીવર મૂકીને માથે બાંધેલા ફાળિયાના છેડાથી આંખી લૂછીને રાઘવની માં ને સાદ પાડ્યો, "રાઘવની માં, આજ ખીર બનાવો..ભલે ડાયોબિટીસ ભડકે બળતો હવે..!"


 


( સમાપ્ત)


  


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ