વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જન્નતનશીન

*જન્નતનશીન*



અત્યારે લોહી નીંગળતી મારી કમર પર ક્યારેક મેં એનાં મજબૂત હાથની પકડ અનુભવી હતી. મારા ધમણની માફક ચાલતા શ્વાસ આજે એનાં ગળા પર અથડાવા ફાંફાં મારી રહ્યા હતાં. મને સૂઝતું જ નહોતું કે હું શું કરી શકું? કેવી રીતે એને ફરી એકવાર મળી શકું? એને અનુભવી શકું? અને આખરે મેં આ પગલું ભર્યું.


હું નુસરત... આજે અહીં અક્ષરધામ નામના તમારાં ધાર્મિક સ્થળ પર ભય ફેલાવવા આવી હતી. પણ મને મારાં હ્રદયની ધડકનો પર કોતરાયેલું નામ રૂબરૂ થઈ ગયું. અલ્લાહતાલાએ મારી દુઆ કબૂલ કરી. મારાં મુલ્કને આઝાદી મળે ના મળે મને જન્નત અહીં જ મળી ગઈ. મારો મહેબૂબ મને આવીને મળશે એ જ ઉમ્મીદ મને જિજીવિષા જગાડતી હતી. મને લગભગ પાંચ ગોળીઓ વાગી હતી. હા, ગદ્દારી ચોક્કસ કરી હતી મેં મારાં જ મુલ્ક અને મારાં જ ભાઈઓ સાથે. પણ એ ઈલ્જામ પણ મને આજે મંજૂર હતો.


'ઉન કાફિરો કો સબક સિખાના હી હમારા મક્સદ હૈ. યહ જેહાદ હૈ. યહાં મરકર ભી આપ મરતે નહીં. જન્નતનશીન હોતે હો. પરવરદિગાર તુમ્હે આપને પાસ બુલાકર ઈનામ પેશ કરેગે. પયગંબરને હમેં કાફિરો કે સામને લડના સિખાયા હૈ. ' વગેરે વગેરે કંઈ કેટલાય ભાષણો સાંભળી મેં મારી જાતને મક્કમ કરી હતી.


અને બધું જ કડડભૂસ થઇ ગયું ફક્ત એની એક ઝાંખીથી. એ કાફિરોમાંનો એક હતો. આજે મને ભડકીલા દરેક ભાષણ વ્યર્થ લાગવા માંડ્યા હતાં. મને શું જોઈએ છે એ મને આજે ખબર પડી હતી.


હું અક્ષરધામનાં  ગેટ નંબર સાતથી અંદર પ્રવેશી હતી. ત્યાં નાનકડી જાફરી હતી. કોઈ પહેરો પણ આ બાજુ નહોતો. એ જાફરી પછી તરત જ મંદિરને ફરતી પરસાળ ને આશ્રિત કરતો લગભગ વીસેક ફૂટ પહોળો વિસ્તાર ઝાડથી આવરિત હતો. દરેકનું ધ્યાન મંદિરમાં થયેલા હોબાળામાં હતું. મારા જેવાં જ બીજાં જેહાદીઓ મંદિરમાં ઘૂસી ચૂક્યાં હતાં. મારે સિગ્નલ મળે એની રાહ જોવાની હતી.


હું ત્યાં જ એક ઝાડ નીચે બેઠી. મેં સાથે લાવેલો ડબ્બો ઉડાડ્યો. ફાતિમા ખાલાનાં ઘીથી  તરબતર પરાઠા અને ચિકન બિરયાનીની સુગંધ મારાં નાકમાં ફેલાઈ ગઈ.


'અમ્મીના પરાઠા આવાં જ બનતાં.  ના, આનાથી પણ સ્વાદિષ્ટ. ખાલાને તો એ પણ નથી ખબર કે હું ક્યાં છું? જો ખબર પડી હોત તો એ બહુ ગુસ્સે થયાં હોત. ' હું વિચારતી હતી. લગભગ દોઢેક મહિના પહેલાં  ઘટેલી ઘટના મારા મન પર એ સમયે તાજી થઈ ઊઠી હતી. અને અત્યારે પણ હું એ જ ઘટનાની તાજગી માણી રહી હતી.


એ દિવસે મારા બેગમાંથી એક પિસ્તોલ મળી હતી ખાલાને.


"નુસરત, અલ્લાહતાલા સે ડર. યહ ક્યા હૈ? શરમ  કર. લોગ થૂકેગે તુજ પર." ખાલા બહુ ગુસ્સામાં હતી.


"ખાલા, આપ તો રહને હી દો. આપસે ઔર કુછ ઉમ્મીદ ભી નહીં કી જા સકતી. ઉન કાફિરોને આપકે મિયાં કો ભી નહીં છોડા. વહ તો મૌલવી થે ના? યહ હિન્દુસ્તાન વાલે હમેં હમારા હક કભી નહીં દેંગે. ઔર માંગને સે હક નહીં ખૈરાત મિલતી હૈ." મેં ય જોશમાં દલીલ કરી હતી.


અમે મૂળ કાશ્મીરી. કાશ્મીરમાં તોફાન, બોમ્બ બ્લાસ્ટ, બળાત્કાર, અપહરણ બધું જ સામાન્ય હતું. અમે એક હિન્દુ સ્ત્રીને પરેશાન કરતા અને એ છિનાળના પેટનાઓ અમારી ચાર ઔરતોની બેઇજ્જતી કરતાં. એ કાફિરોનો એક શહીદ કુરબાન થતો અને અમારા પાંચ દીકરાઓ સરેઆમ મારી નાખવામાં આવતા. અત્યારે પણ જખ્મી હાલતમાં પણ આ  વિચાર આવતા મેં મારું જેકેટ જે અત્યારે કપાવીને બાજુ પર ફેંકાયું હતું એને પકડવાની કોશિશ કરી. પણ એ પાક ધરતી પર પડ્યા પડ્યા મારાથી હલાયુ નહીં, મારા હાથ જ ત્યાં ન પહોંચ્યા. મારા હાથ અડધાં થઈ ગયા હતા.


"બચ્ચા , તુજે પતા ભી હૈ? કાફિર કા મતલબ? મોહમ્મદ સાહેબને લડાઈ કિન કાફિરો સે લડી થી?" ખાલાનો જવાબ મારા કાને હમણાં જ અથડાયો હોય એવું લાગ્યું.


"કાફિર મતલબ જો મુસલમાન નહીં હૈ વહ. કોઈ નઈ બાત બતાઓ ખાલા. મૈં પચ્ચીસ કી હું. કોઈ છોટી લડકી નહીં જો રશીદભાઈ બોલેગે ઔર મૈં માન જાઉગી. " મેં દલીલ કરી. પણ અંદરથી મને પણ ખબર નહોતી કે આખરે આ જેહાદ શેની છે અને કેમ એ વાટાઘાટોથી પતે તેમ નથી? અને જેહાદ બાદ સજા આપવા માટે ગુનેગાર કોણ છે?


"નહીં બેટા... કાફિર મતલબ જો મુસલમાન હોકર ભી પાક મુસલમાન નહીં. જો ઔરતો કી ઇજ્જત નહીં કરતા. જો નિર્દોષ કી જાન લેતા હૈ. જો મુસલમાન નહીં ફિર ભી જો સચ્ચા ઈન્સાન હૈ વહ કાફિર કૈસે? વૈસે મૈં તો પઢી લીખી નહીં હૂં તું તો હૈ ના?" ખાલાએ કહ્યું. મેં એમની વાત પર હસતાં હસતાં દલીલ કરી,


"જબ આપકો પઢના નહીં આતા તો કુરાન પઢી હતી કહાં હોગી આપને? યહ જેહાદ હૈ... યહ સચ્ચાઈ કી લડાઈ હૈ. મુજસે ઈન લોગો ને સબકુછ ચીન લિયા. મેરા ઘર, મેરા પરિવાર, મેરા પ્યાર સબકુછ.. અબ મેરા મક્સદ ઉન લોગો કી મૌત હૈ." મેં દલીલ કરેલી. મારામાં ફરી એકવાર ગુસ્સો જ્વાળામુખી માફક ભભૂકી ઉઠયો.


"તૂને કુરાન પઢી હૈ?" એમનાં આ સવાલે મને મૂંગી કરી દીધી હતી.



એ દિવસે, આજથી લગભગ પંદરેક વર્ષ પહેલાં, અમારી સોસાયટીમાં કેટલાંક માણસો ઘૂસી આવ્યા. પેન્ટ આર્મીનુ હતું અને સાદા સફેદ ટી-શર્ટ પહેર્યાં હતાં. લગભગ દસેક દિવસ પહેલાં ભાઇજાન અને એમનાં આ સોસાયટીના બીજાં ચાર છોકરાઓનો સંબંધ અલ-રશીદ અને અલ-કાયદા સાથે હોવાનું સાબિત કરી આર્મીવાળા લઈ ગયા હતા. જેમની લાશ પછીથી ચોતરે લટકતી મળી હતી. એ દિવસે શબનમ આપા અને મમ્મીને ઝઘડો થયો હતો. આપાને બાજુવાળી ફલક સાથે ખરીદી કરવા જમ્મુ જવું હતું.અમ્મીએ ના પાડી. અને એ જ રાત્રે બહાર હલ્લો મચી જતાં અમ્મીએ મને વાંસનાં કબાટમાં અને આપાને ટેબલ નીચે સંતાડી દીધી હતી.


અમ્મીને નોચતા એ નરાધમો જોઈ આપા અને હું ધ્રુજી ઉઠેલાં. પોતાનાં કુકર્મો પતી જતાં એમણે અમ્મીનુ ગળું કાપી નાખ્યું હતું. મોં પર લગાડેલા ફૂલ માસ્કમાંથી દેખાતી એ ખૂંખાર આંખો હજુ આજે પણ મને સૂવા નથી દેતી.


અમ્મીની હાલત જોઈ આપાથી બૂમ પડાઈ ગઈ. અને પછી આપા સાથે પણ એ જ થયું જે અમ્મી સાથે થયું. દસ વર્ષની નાનકડી ઉંમરે આંખો પરિવાર  એક જ ઝાટકે ગુમાવી દેવાનું દુઃખ શું હોય એ એને જ ખબર પડે  જે એ પરિસ્થિતિમાંથી પસાર થયું હોય. અબ્બુને જીવલેણ બિમારી ખાઈ ગઈ અને બાકી બધાંને હિન્દુસ્તાન નામની બિમારી.


મેં મારું માથું ઊંચું કર્યું. આ ઘટાદાર વૃક્ષોમાંથી ચાંદ દેખાયો. અને મારાથી બંને હાથ દુઆ માંગવા જોડાઈ ગયા. પણ શેની દુઆ? ખબર નહીં.



લગભગ બે દિવસ હું એકીટશે એ બંને લાશોને જોતી કબાટમાં જ બેસી રહી હતી. અવાજ ન નીકળે એમ‌ રડતી રહી. આખરે થાકીને હું જ્યારે સૂઈ ગઈ. ત્યારે આર્મીવાળા મને કેમ્પમાં લઈ ગયા હતા.


ત્યાં જ મેં પહેલી વખત ફારૂકને જોયો હતો. પેલી માસ્ક નીચેની ખૂંખાર આંખો પર જ્યારે ફારૂકની મમતાળુ આંખો દેખાતી ત્યારે જ મને ઊંઘ આવતી.


પછી હું અને ફારૂક ખાલા સાથે એમનાં સસુરાલ અમદાવાદ આવી ગયા. લગભગ હું ઓગણીસ વર્ષની હતી જ્યારે હું રશીદભાઈને મળી હતી. એ પછી મારો અને ફારૂકનો સંપર્ક તૂટી ગયો હતો. આમ તો એનાં વર્ષ પહેલાંથી....!


પાંચ વર્ષની આકરી તાલીમ અને સતત બ્રેઈનવોશ મારા મનમાં કાફિરોને ખતમ કરવાની ઈચ્છા બળવત્તર બનાવતાં ગયા.


અહીં અક્ષરધામમાં  મંદિરની આટલી નજીક બેસી ખાઈ લીધાં પછી કોગળા કર્યા. પરાઠા સાથે ચિકન બિરયાની ખાધી હતી. એ ચિકન બિરયાની ત્યાં વેરી પણ હતી. કંઈક પાશવી આનંદ લીધો હતો મેં એમ કરીને.  પણ ત્યાં દૂર હાથ ધોતાં મને બે મમતાળુ આંખો ફરી દેખાઈ. એ જ આંખો પણ ખાખીના આર્મી પોશાકમાં. ઝાડની ઓથેથી એ આંખો જોઈ મારા હ્રદયનાં ઊંડાણમાં સંગ્રહાયેલી યાદો ફરી એકવાર ઉમટી આવી.


"ફા...રૂ...ક.." મારા મોંમાંથી શબ્દો સરી પડ્યા.


અને ત્યારે જ એ આંખો મને તાકી રહી હતી. એમાં મશગૂલ થઈ હું ઝાડની ઓથેથી બહાર આવી ગઈ હતી એનીયે મને ખબર નહોતી પડી.


"એલર્ટ.... " એ બે આંખો ધરાવનાર ઓફિસરે બૂમ પાડી.


અને હું પણ સાવધાન થઈ ગઈ. મેં તરત જ મારી જાતને ફરી ઝાડની આડશે સંકેલી લીધી.


થોડીવાર પછી  એક શસ્ત્રધારી મહિલા ઓફિસર મારી તરફ વધી રહી હતી અને મેં બૂમ પાડી.


"યા અલ્લાહ .. રહેમ કર... વહી રુક જા. વરના મેં તો મરુગી પર તુમ સબકો ઔર અંદર રહે સારે ભક્તો કો લેકર.." એ સહેજ અટકી.


"નુસરત, ભરોસા રખ. મૈં તેરી મદદ કરવા ચાહતી હૂં." એ બોલી.


"તૂ... તુજે મેરા નામ કૈસે પતા? કોને હૈ તું? ફારુકને બતાયા?" મને એ સાંભળેલો સાવધાન કરતો અવાજ પણ ફારૂકનો લાગ્યો હતો.


"મેં જાનતી હું તુજે. મેં તેરે બાજુ મેં હી રહતી થી. મૈને તો વો સહા ભી થા. કાશ... ઉસ દિન હમ ખરીદારી કે લિયે જમ્મુ ચલે ગયે હોતે... ! " એણે કહ્યું.


હું અવાચક બની ગઈ.


"ફલક... " મારા મોંમાંથી નીકળી ગયું.


"તેરા ભી પરિવાર ઇન્હીં હિન્દુસ્તાન કે લોગોને ઉજાડા થાય. તું ફિરભી ઈન કાફિરો કે સાથ જેહાદ કે સામને લડ રહી હૈ?" મને નવાઈ લાગી. આ બચી કેવી રીતે ગઈ? અને બચી ગઈ હતી તો પોતાને અત્યાર સુધી મળી કેમ નહીં?


"ના, હું જેહાદ સામે નથી લડતી, જેહાદ માટે લડું છું. " એ બોલી.


"તો તું પણ અહીં ગુજરાતમાં જ રહી છું? ક્યારેય મળી કેમ નહીં? તને ગુજરાતી સારું આવડે છે. અને તું પણ રશીદભાઈ માટે કામ કરે છે?" મેં પૂછયું.


"ના, હું હિન્દુસ્તાન માટે કામ કરું છું. જેહાદ આ કેન્સર જેવા આતંકવાદને નાબૂદ કરવાની છે. મારા પરિવારને ગુમાવ્યો ત્યારે જાણે હું ભાંગી પડી હતી. પણ મારા અત્યારનાં અબ્બુ જેઓ આર્મીમાં કેપ્ટન હતા તેમણે મને બચાવી. બાકી એ પોતાને જેહાદી કહેનાર લોકો તો મને મરેલી સમજી ત્યાં જ મૂકી જતા રહ્યા હતા." એણે કહ્યું. એ ઘડીભર રોકાઈ. પછી બે ડગલાં આગળ આવી. જો એ ફલક હોય તો મારે એનાં પર ભરોસો કરવો જ રહ્યો. મેં એને મારી સામેના ઝાડ પાસે બેસવા ઈશારો કર્યો અને કહ્યું,


"એક કાફિરે તને બચાવી?" હું અચરજ પામી.


"કાફિર? ના... હી વોઝ આ ટ્રુ પર્સન. " એણે કહ્યું.


"ઉન્હોંને મુજે યહાં અપને ઘર ભેજ દિયા. ઔર મુજે સલામત કર દિયા. વહ તેરા ફારૂક થા ના? ઉસે ભી રશીદભાઈ મિલે છે. પર ફારૂકને જબ દેખા કિ વહ અપને હતી લોગોં કો મારતે હૈં તો ઉસે વહ જેહાદ કુછ સમજ નહીં આઈ ઔર ફિર ઉસને ભી આર્મી જોઈન કરને કા ફેંસલા કિયા. " એણે આગળ કહ્યું.


"તો વહ ફારૂક હી થા.. હેં ના?" મેં પૂછયું.


ત્યાં જ ગોળી છૂટવાનો અવાજ આવ્યો. આ મારા માટે સિગ્નલ હતું. મેં બોમ્બ લગાવેલ જેકેટ મારી કુર્તીની નીચે પહેર્યું જ હતું. મેં કુર્તી કાઢી. પહેલાં સફેદ ટી-શર્ટ અને એની પર જેકેટ. અને નીચે નવી નીકળેલી પેટર્ન જેગીન્ગ્સ.. મેં એક છૂટ્ટો બોમ્બ હાથમાં લીધો અને કહ્યું.


"આઈ એમ સોરી. જો તમે કાફિરો સાથે મળી ગયાં છો તો મારે તમને પણ ખતમ કરવા જ પડશે અને મેં એ ઓફિસરને ઢાલ  બનાવી મંદિરનાં ઓટલા તરફ નજર કરી. મને એ જ બે ખૂંખાર આંખો દેખાઈ. અને એક સ્ત્રીની લાશ... એક ગર્ભવતી સ્ત્રીને ઢાલ બનાવી એ માંગણી કરી રહ્યો હતો.


'તો એ લોકો કાફિર નહોતાં. અને માંગણી તો રશીદભાઈ જ કરવાનાં હતાં. તો શું આ માણસે રશીદભાઈને કશું કરી નાખ્યું હશે? કે પછી શું આ રશીદભાઈ સાથે કામ કરતો હશે? કે પછી આ પોતે જ રશીદભાઈ... તો શું રશીદ ભાઈએ જ અમ્મી .... આપા...' મારા મનમાં દ્વિધા ચાલી રહી હતી. ત્યાં જ પેલી ઓફિસરે પોતાનાં ખિસ્સામાંથી એક ફોટો કાઢ્યો.


એ ફોટામાં હું , ફારૂક અને ખાલા હતાં. કાંકરિયા મેળો લાગેલો ત્યારે પડાવેલો. મને ગમતો એ ફોટો જેનાં પર મેં ફારૂકનાં ફોટા પર દિલ બનાવ્યું હતું. પણ હવે એ મને પ્રેમ કરશે?


મેં ગુસ્સામાં હાથમાં રહેલ બોમ્બની પીન ખેંચી કાઢી અને ઓફિસરને ધક્કો માર્યો. એ સાથે જ ગોળીઓનો વરસાદ થયો. ઓફિસર મારી તરફ ધસી આવી અને એણે મારાં હાથને ધક્કો માર્યો.


મેં જેકેટની સ્વીચ ચાલુ કરી નહોતી. આ બધું ક્ષણમાં બની ગયું. હું ગોળીઓ વાગવાથી પડી ગઈ. ઓફિસરે ધક્કો માર્યો હોવા છતાં એ બોમ્બ બહુ દૂર ન જઈ શક્યો અને પછી...... "બૂમ્મ"


અને અત્યારે હું મારો એક હાથ ગુમાવી ચૂકી હતી. મારી કમર પર લાગેલી ગોળી કદાચ કરોડરજ્જુમાં ખૂંપી હતી. મારી આંખો ભારે થઈ ગઈ હતી. ત્યાં જ કેટલાક કાફિરોએ મને સ્ટ્રેચર પર સુવાડી અને મને મુખ્ય આગમનવાળા દરવાજા પાસે ઊભેલ એક મેડિકલ વાન પાસે લઈ ગયા.


"ફા...આ... રૂ... ક... " મારાં મોંમાંથી શબ્દો સરી પડ્યાં.


થોડીવારમાં હું તંદ્રામાં સરવા માંડી. કોઈ ડોક્ટર તપાસી રહ્યા હતા. ત્યાં જ અવાજ સંભળાયો.


"નુસરત... " મેં એ અવાજને ઓળખ્યો. મેં પરાણે મારી આંખો ખોલી.


"ફ...લ..ક..?" મેં પ્રશ્નાર્થભરી નજરે ફારૂક સામે જોઈ પૂછયું.


"એ ફલક નહોતી. એને થોડું લાગ્યું છે. પણ એ ઠીક છે. એ હિના છે. એ પણ કાશ્મીરી છે. મેં એને તારી વાત કરેલી.  તો એણે તારા માટે છટકું ગોઠવી દીધેલું. પણ એ તને સચ્ચાઈ બતાવી બચાવવા માંગતી હતી. પણ... "


"પણ મને કાફિર કોણ અને જેહાદ શું સમજતાં વાર લાગી. પણ કદાચ હું જન્નત જ પામીશ. આખરે મેં કાફિરના મનસૂબાને પાર ના પાડ્યો. ..... જય... હિંદ... " મારા જયહિંદ સિવાયનાં શબ્દો ગરબડિયા બની ગળામાં અટવાઈને બહાર આવ્યા અને હું મારા મહેબૂબની બાહોમાં જન્નતનશીન થઈ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ