વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રોજની જેમ જ...

રોજની જેમ જ ચાલીને, પાછાં ફરતાં દાદાજીની નજર તાજા અને લીલાછમ શાકભાજીની લારી પર પડી. આ જ ઋતુમાં મળતું આવું તાજું શાક કુટુંબની સ્વસ્થતા માટે ખૂબ અગત્યનું છે એવું વિચારતાં વિચારતાં શાક લેવા માંડયું. બધી ભાજી એકસામટી લઇશ તો ઘરની સ્ત્રીઓનું કામ વધી જશે એમ વિચારી તાંદળજાની ભાજી કાઢી લીધી. બાળકો અને દીકરાને ગાજર, બીટ, શિંગોડા ખૂબ ભાવશે એમ વિચારીને થોડા જોખાવી લીધા. થેલીઓ ભરીને સ્વાસ્થ્ય લઈ જતાં જતાં પાકીટમાં વધેલી છેલ્લી નાની નોટ તરફ ગર્ભિત સંતોષી સ્મિત કરી ગૃહ તરફ ચાલવા માંડ્યું. શાકના વજનથી હાથમાં અને ખભામાં ઉપડેલી કળતરને થેલીઓની અદલાબદલી કરી, થોડા સમય થાક ખાવા ઊભા રહી ઓછી કરી.


ગૃહપપ્રવેશે જ 'આજે બહુ મોડું કર્યું' એવા ટહૂકા સાથે હાથમાંથી થેલીઓનો પરાણે અંદર લઈ જવો પડતો ભાર નજર મેળવ્યા વગર જ હળવો કરાયો!


હાથ ધોઈને દાદા જમવાની થાળી સુધી ગોઠવાયા તો કાને પડી ચૂક્યું હતું કે શિંગોડા કોણ ખાવાનું છે અને આ મૂળાની ભાજી  તો કામવાળાને જ પધરાવવી પડશે!


શારીરિક થાક સાથે, શબ્દોના બાણોને દિલમાં ઉતારતાં દાદાજી થાળી પાસે ગોઠવાયા અને જણાવ્યું કે એમને આટલી બધી દાળ નહીં જોઈએ અને એમનાથી આજે આટલું બધું નહીં ખવાય! ત્યાં જ યુવાન દીકરાનો મોટો અવાજ સંભળાયો. "પપ્પા તમને આટલા બધાં નાટક હોય તો ઊભા થઈ ને જાતે જ ડિશ લઈ લો ને!!!"


ઘેર તંદુરસ્તી પીરસાશે એવો અભરખો અને આનંદ એક જ વાક્યમાં ઝાટકા સાથે થાળીમાં દાળ-શાક જોડે શરીરમાં શૂળ ભોંકાય તેમ ભળી ગયો!


મનોમન દાદાજીથી પૂછાઈ ગયું ,

"મારી ક્યાં ભૂલ થઈ? "

તો આજે પણ રોજની જેમ જ....








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ