વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઊર્જા સંકટ

અત્યાર સુધીમાં તમે દેશમાં ચાલી રહેલી વીજળીની તંગીથી તો અવગત થઈ જ ચૂક્યા હશો. અખબારો અને ન્યૂઝ ચેનલોમાં પણ આ મુદ્દે ખૂબ ચર્ચાઓ થઈ. વીજળીની આ તંગી માટે કોલસાની તંગીને જવાબદાર ગણવામાં આવે છે. કારણ કે દેશનું 70 ટકા વીજ ઉત્પાદન કોલસાથી જ થાય છે. ઘણાખરા પાવર પ્લાન્ટ પાસે માત્ર ચાર દિવસ ચાલે એટલો કોલસો જ બચ્યો હોવાના સમાચારો પણ ચમક્યા. ઘણા વિસ્તારોમાં તો અંધારપટ છવાઈ જવાની ચેતવણીઓ પણ અપાઈ ગઈ અને અમુક રાજ્યો તો આગમચેતી રૂપે પાવર કટ લાદીને લોડ સેટિંગ પણ કરવા લાગ્યા. ઘણા પાવર પ્લાન્ટનું ઉત્પાદન ઘટી ગયું તો કેટલાક કોલસાના અભાવમાં સદંતર બંધ પણ થઈ ગયા! જાણે કોલસાનો આ કાળો કિલ્વિશ કહી રહી રહ્યો છે, "અંધેરા કાયમ રહે!"  હવે આ કોલસાની તંગી કઈ રીતે સર્જાઈ? કોલસાના ભંડારો ઓછા પડ્યા છે કે પછી ખામી હકીકતમાં  કોલસાના પરિવહનમાં સર્જાઈ છે? કે પછી સ્ટોરેજમાં? કે પછી અન્ય પણ કોઈ કારણો છે? ચાલો વિસ્તારથી જોઈએ.


                 કોલસાની તંગી માટે જવાબદાર કારણો પહેલાં એક ઉડતી નજર કોલસાથી વીજ ઉત્પાદન કઈ રીતે થાય છે? એના પર પણ કરી લઈએ. સૌપ્રથમ કોલસાનો જથ્થો ખાણ પરથી જે તે પાવર પ્લાન્ટના સ્ટોરેજ સુધી પહોચે અને જમા થાય છે. સામાન્ય રીતે અહીં 15 થી 30 દિવસ સુધી ચાલે એટલા કોલસાનો સ્ટોક જાળવી રાખવાનો હોય છે. અહીં ખાણ અને પાવર પ્લાન્ટ વચ્ચેના અંતરને ધ્યાનમાં રાખીને જમા રાખવાના જથ્થાના દિવસો નક્કી થાય. હવે આ સ્ટોરેજમાં જમા થયેલો કોલસો કન્વેર બેલ્ટથી ક્રશર સુધી પહોંચે છે અને એનો પાવડર બને. આ પાવડર હવે સળગવા માટે એક બોઈલરમાં પહોંચે છે. બીજી તરફ અહીં આર. ઓ. થી સાફ કરેલા પાણીનો પણ ઉપયોગ થાય છે. પાણીને એક ટ્યુબમાં જમા કરવામાં આવે છે. હવે આ ટ્યુબ અને બોઈલર એ રીતે ગોઠવાયેલા હોય છે કે જેથી કોલસાની ગરમી પાણીને વરાળમાં તબદીલ કરી દે. હવે અહીં તૈયાર થયેલી આ હાઇપ્રેશર અને નિશ્વિત તાપમાનવાળી વરાળ એક ટર્બાઇન સુધી પહોચે છે. ટર્બાઇનનું ચરકડું આ વરાળથી ઘૂમવા લાગે અને સાથે જોડાડાયેલા જનરેટરથી વીજળી પેદા થાય. આ પેદા થયેલી વીજળી ટ્રન્ફોર્મર સુધી પહોચે અને ત્યાં ટ્રાન્સમીટ થાય. હવે આ વીજળી સડસડાટ દોડતી તમારા ઘર સુધી પહોંચવા માટે તૈયાર છે.


                 હવે, મૂળ વાત પર આવીએ તો કોલસાની તંગી માટે એક સાથે ઘણા બધા કારણો જવાબદાર છે. સૌપ્રથમ તો દેશમાં વીજળીનો ઉપયોગ પહેલાં કરતાં વધ્યો છે. વિકાસની આ દોડમાં  ઘણા એવા નવા વીજ ગ્રાહકો પણ જોડાયા છે કે જ્યાં આજ સુધી વીજળી પહોંચી જ નહોતી. બીજી તરફ લોકોનો ઇલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ પણ વધ્યો છે. ગરીબ વર્ગ પણ ટીવી, ફ્રીજ અને મધ્યમ વર્ગ એસી, વોશિંગ મશીન જેવા ઉપકરણોનો ઉપયોગ કરતો થયો છે. બીજી તરફ કોરોના મહામારીથી ઠપ્પ પડેલા ઉદ્યોગધંધા પણ શરૂ થઈ ચૂક્યા છે. મતલબ બધી રીતે વીજળીનો વપરાસ પહેલાં કરતા ઘણો વધી ગયો છે. પણ આ કંઈ વીજળીની તંગી માટે મુખ્ય કારણો નથી. મૂળ કારણ છે કોલસાની અછત. હમણા થોડા સમય પહેલા ચીન અને યુરોપના દેશોમાં પણ કોલસાની તંગીથી બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ હતી. તો મોટાભાગના દેશોમાં કોલસાનો વપરાશ વધી ગયો છે અને આથી વૈશ્વિક બજારમાં એના ભાવ પણ આસમાને પહોચ્યા છે. જોકે, આપણો દેશ આ બાબતમાં આયાર પર નિર્ભર નથી. આપણે કોલસા ઉત્પાદનમાં બીજા નંબર પણ આવીએ છીએ અને લગભગ 75 ટકા કોલસો દેશમાં ઘરઆંગણે રહેલી ખાણોમાંથી જ મળી રહે છે. બાકીનો 25 ટકા જથ્થો બહારથી આયાત થાય છે. ભલે આપણે ઉત્પાદનમાં બીજા નંબર પર રહ્યા પણ આ સાથે કોલસાના વપરાશમાં પણ આપણું સ્થાન તો બીજુ જ છે! અને એટલે જ કોલસાની આયાત કરવામાં પણ આપણું સ્થાન મોખરે જ છે! મતલબ કે આપણે કોલસાના ઉત્પાદન, વપરાશ અને આયાત બધામાં લગભગ બીજા-ત્રીજા નંબર પર છીએ! આમ તો કોલસો વીજ ઉત્પાદન સિવાય સ્ટીલ, સિમેન્ટ અને પેપર ઉદ્યોગમાં પણ વપરાય જ છે પણ મોટાભાગનો જથ્થો વીજ ઉત્પાદનમાં જ વપરાય છે. એટલે કોલસાની તંગી આ ક્ષેત્ર પર જ વધારે અસર કરે. હવે વિશ્વ બજારમાં કોલસો મોંઘો થયો તો દેખીતી વાત છે કે જે કંપનીઓ થોડીઘણી પણ આયાત પર નિર્ભર હતી એ પણ દેશની ખાણો પર જ નજર દોડાવે.


                દેશમાં લગભગ 80 ટકા કોલસો કોલ ઇન્ડીયા લિમિટેડ (CIL) જ પૂરો પાડે છે. દેશભરમાં એની 345 જેટલી ખાણો પથરાયેલી છે. જેમાં  કોલસાનો સૌથી વધારે જથ્થો છત્તીસગઢ, તેલંગણા, ઝારખંડ, ઓરિસ્સા જેવા રાજ્યોની ખાણોમાં મળી આવે છે. હવે મોટાભાગે દર વર્ષે ચોમાસા પહેલા પહેલાં બધી ખાણો પર કોલસાનો એક નિશ્વિત જથ્થો ખાણની બહારના પ્લોટ પર રાખી દેવામાં આવે છે. કારણ કે પછી વધારે વરસાદમાં કદાચ ખાણકામ બંધ થાય તો વાંધો ન આવે. જો કે ચોમાસા સિવાયના દિવસોમાં પણ આ ખાણો પર ચોક્કસ માત્રામાં જથ્થો રાખવામાં આવતો જ હોય છે પણ એ આગ જેવી દુર્ગટનાને ધ્યાનમાં રાખીને સિમિત માત્રામાં જ હોય છે. આ વખતે બન્યું એવું કે ચોમાસુ ઘણું ખરાબ રહ્યું. છેલ્લે સુધી સતત ભારે વરસાદ ચાલુ રહ્યો. જેથી ખાણકામમાં અડચણો ઊભી થઈ. હવે મૂળ કારણની વાત કરીએ તો રાજસ્થાન, મહારાસ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિલનાડુ, પશ્વિમ બંગાળ જેવા રાજ્યોએ CIL ને ચૂકવવાની થતી પાછલી બાકી રકમ પણ નથી ચૂકવી. આ બધાનું મળીને CIL માં લગભગ 20 હજાર કરોડ જેટલું દેણું ચડી ગયું છે! હવે CIL તો કહેતું રહ્યું કે આગલી રકમ જમા કરાવીને ખાણોના પ્લોટ પર જમા થયેલો કોલસો જલદીથી ઉપાડો જેથી ખાણકામ કરીને પાછો નવો માલ ત્યાં મૂકી શકાય. પણ આ લોકોએ  કોલસો ઉપાડ્યો જ નહીં! હવે પ્લોટ પરથી જૂનો માલ હટે નહીં ત્યાં સુધી નવો નીકળે નહીં. હવે ખાણો પરથી  કોલસો ઉપાડવાની ઢીલાશ માટે પરિવહન ખામી જવાબદાર હોય કે પછી જૂનું દેણું ચૂકવવાની અસમર્થતા એ તો રામ જાણે. ખેર, બીજી તરફ આગળ કહ્યું એમ વૈશ્વિક ભાવ વધારાના માર્યા આયાતકારો પણ હવે CIL પાસે કોલસો લેવા લાગ્યા તો CIL ના માથે આ વધારાનો બોજ પણ આવ્યો. તો આ રીતે ક્યાંક જૂની રકમની દેણાદેણી, પરિવહન ખામી, વધતો વપરાશ અને વૈશ્વિક બજારમાં ભાવ વધારો એ બધુ મળીને આ કોલસાની તંગી સર્જાઈ.


                 આ બધાથી આપણને પ્રશ્ન થાય કે, તો હવે શું થશે? શું વીજળી નહીં મળે? શું ખરેખર દેશમાં અંધારપટ છવાઈ જશે? ના, એવું કશું નહીં બને.  હાલની સ્થિતિ જોતા આવનારા દિવસોમાં ખરાબ હાલતના એંધાણ બિલકુલ નથી દેખાઈ રહ્યાં. સ્થિતિ સુધારામાં છે. તંત્ર હરકતમાં આવી ગયું છે અને સ્ટોકથી લઈને સપ્લાઈ અને પરિવહન સુધી બધાના ચક્રો તેજ ગતિથી ગતિમાન બન્યા છે. CIL પાસે પણ હવે કોલસાનો નવો સ્ટોક જમા થઈ રહ્યો છે. આમ પણ હવે શિયાળો આવી રહ્યો છે તો દેશમાં વીજળીના વપરાશમાં પણ ધરખમ ઘટાડો આવશે. થોડા દિવસોમાં સ્થિતિ થાળે પડી જશે. પણ હા, એક સમાચાર છે કે જે આંશિક રીતે જનતા માટે માઠા બની શકે છે. હાલમાં પાવર પ્લાન્ટના વીજ ઉત્પાદનના ખર્ચ અને નફામાં ખાસ ફરક નથી રહ્યો. કેટલાક પ્લાન્ટ તો નુકસાનીમાં ચાલી રહ્યા છે. એટલે બની શકે નજીકના ભવિષ્યમાં વીજળીના ભાવમાં વધારો થાય.


                વિશ્વભરના અલગ અલગ દેશો છેલ્લાં કેટલાક દિવસથી ઊર્જાના સ્ત્રોતોની તંગી સર્જાઈ રહી છે. થોડા સમય પહેલા બ્રિટનમાં પેટ્રોલ-ડિઝલ માટે લાઇનો લાગેલી તો કોલસાના લીધે ઘણા દેશોમાં વીજ સંકટ પણ પેદા થયેલું. એ બધાના પોતાના અલગ કારણો છે. પણ આ બધાનું કાયમી અને માનવજાત માટે ફાયદાકારક સમાધાન જો કોઈ હોય તો એ છે,  પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ. માનવજાતે હજુ હમણાં થોડા સમય પહેલા જ જલવાયુ પરિવર્તનના ખરાબ રિપોર્ટ સાંભળ્યા હતા. આજે નહીં તો કાલે પણ માનવજાતે આ જલવાયુ પરિવર્તનને નાથવા માટે  પુન:પ્રાપ્ય ઊર્જા તરફ કૂચ કરવી જ પડશે. એના માટે સૌર ઊર્જા, પવન ઊર્જા, જળ ઊર્જા, ભૂ ઊર્જા, જૈવિક ઊર્જાના સ્ત્રોતો પર પૂરતું ધ્યાન આપવું પડશે. આ બધા પર વધુને વધુ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કરીને ઊર્જાના આ સ્ત્રોતોનો વપરાશ સરળ અને સસ્તો બને એવા પ્રયત્નો કરવા પડે. છેલ્લાં કેટલાક વર્ષોમાં આપણા દેશે જે પ્રમાણે સૌર ઊર્જામાં કાઠું કાઢ્યું છે એ બદલ દેશને લાખ લાખ વંદન સાથે અભિનંદન! બે મહિના પહેલાં જ ભારત સૌર ઊર્જામાં 100 ગીગાવૉટની ક્ષમતા સુધી પહોંચી ગયું! જે લક્ષ્ય પર વર્ષ 2022 માં પહોંચવાનું હતું ત્યાં આપણે સમયથી પહેલાં જ પહોંચી ગયા.



- ભગીરથ ચાવડા

bhagirath1bd1@gmail.com

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ