વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક પત્ર...

શિક્ષક નિવૃત જરૂર થાય છે, પરંતુ ક્યારેય મૃત્યુ નથી પામતા.

આદરણીય રાજુસર,

 

      આજે આ પત્ર લખવા બેઠી છું એ આશાએ કે તમે જ્યાં હસો ત્યાંથી આ શબ્દો વાંચી શકશો.

 

       તમને ખબર છે 'એક શિક્ષક મૃત્યુ પામે પછી' શું થાય? હા, એક વર્ષ પહેલા મેં તમને એશા દાદાવાળાનો એક લેખ મોકલેલો. એમાં લખ્યું હતું, 'એક શિક્ષક મરી જાય ત્યારે સ્કૂલનો ઘંટ ઉતારી નથી લેવાતો… ક્લાસરૂમમાં દિવાલને ભરોસે લટકેલું બ્લેક બોર્ડ સફેદ ચોકને તોડી નથી નાંખતું. બેંચ મૌન પાળતી નથી. સ્ટાફરૂમની અચાનક ખાલી પડેલી ખુરશી એકલી નથી પડી જતી. સ્કૂલનાં મેદાન પર ઊગી નીકળેલા ઘાસને રડવું નથી આવતું. હાજરી પૂરવાનું રજીસ્ટર ગેરહાજરીથી હિજરાતું નથી. એક શિક્ષકનાં મરી ગયા પછી-કોઇપણ સ્કૂલનાં મકાનને રડી-રડીને બેવડ થતા મેં આજસુધી જોયું નથી...!' હા આમાનું કશું નથી થતું. 

 

પરંતુ એક શિક્ષક મૃત્યુ પામે ત્યારે એની પાસે ભણેલા અસંખ્ય વિદ્યાર્થીઓ અનાથ બની જાય છે....

 

એક શિક્ષક મૃત્યુ પામે ત્યારે શિક્ષણ જગતમાં તો નહીં પરંતુ એમના શિક્ષક પરિવારમાં એક તિરાડ પડી જાય છે...

 

એક શિક્ષક મૃત્યુ પામે ત્યારે શાળામાં દરરોજ શિક્ષક રૂપે હાજર એક ભગવાન પથ્થર બની જાય છે...

 

એક શિક્ષક મૃત્યુ પામે ત્યારે નિર્દોષ વિદ્યાર્થીઓના શિક્ષક માત્ર સ્મૃતિ બની રહી જાય છે...

 

એક શિક્ષક મૃત્યુ પામે ત્યારે એના થકી શોભતું શાળાનું કૅમ્પસ નિર્લેપ બની જાય છે...

 

 

        તમારા મૃત્યુના સમાચાર સાંભળીને અઢાર વર્ષ દરમિયાન તમારી પાસે ભણેલા દરેક વિદ્યાર્થીઓને મેં આઘાત પામતા જોયા છે. તે દિવસે અચાનક આવી પડેલી આ ક્ષણથી તમારા બધા વિદ્યાર્થીઓ વચ્ચે એક સાંકળ રચાય હતી. કોન્ટેકમાં હોય ન હોય એવા બધાએ એકબીજાને મેસેજ કર્યા હશે. મને મળેલા પ્રથમ મેસેજને તો મેં મજાક જ સમજી હતી. તોયે મનમાં ઊંડે એક ફાળ જરૂર પડી હતી. ધીમે ધીમે મારી ઉપર ઘણા મેસેજ આવવાના શરૂ થયા. સાચું છે કે ખોટું? બધા આવું પૂછ્યા કરતા હતા. જે વાત પર મને વિશ્વાસ નહતો આવતો એનો હું શું જવાબ આપું? ને ખરેખર કોઈ વિશ્વાસ કરી જ નહતું શકતું.

 

        ત્યારે જે ઘટના ઘટી ચૂકી હતી એને ખોટી પાડવા ય અમે તો પ્રાર્થના કરી જોઈ, કે કાશ આ ન્યુઝ ખોટા પડે. પણ અફસોસ... સાચા દિલથી કરેલી એ પ્રાર્થના પણ ફોગટ જ ગઈ! 

 

       તમારી ભણાવવાની ઢબ અને નિખાલસ સ્વભાવ તથા સેન્સ ઓફ હ્યુમરના કારણે તમે લગભગ બધા જ વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક રહ્યા છો. આઠ વર્ષ દરમિયાન તમે મને ખિજાયા હોય એવું બન્યું હોય એ યાદ નથી. ને કદાચ એક બે વાર ખિજાયા હોય તો એ પણ મારા ભલા માટે જ. એવો મીઠો ઠપકો તો જીવનની જડીબુટ્ટી સમાન હોય.

 

        તમે ભણાવેલા વિજ્ઞાનના પાઠ, તમે શીખવેલા પ્રયોગો, તમે રમાડતા એ રમતો, તમે લીધેલી ટેસ્ટ... આવું તો ઘણુંબધું હમણાં હમણાં રોજ મસ્તિષ્કમાં ઘૂમ્યા કરે છે. તમારી સાથે અમારા જીવનની સુંદર સુંદર ક્ષણો જોડાયેલી છે. તમે અમારા સ્મરણોમાં કાયમ જીવંત રહેશો સર.

 

 

       અને સૌથી મુખ્ય વાત તો તમારો જન્મદિવસ... હા, તમારો જન્મદિવસ અમારા માટે કોઈ તહેવારથી ઓછો ન હતો. સોળ એપ્રિલ આવવાની હોય એટલે અગાઉથી જ તૈયારીઓ કરવા લાગતા અમે. હજુ એપ્રિલ શરૂ પણ ન થયો હોય. પણ અમે લોકોએ ડ્રોઈંગ શીટ લઈને બર્થ ડે કાર્ડ બનાવાનું શરૂ કરી દીધું હોય. ગિફ્ટમાં શું આપવું, કેવી ગિફ્ટ અપાય, કેમ પૅક કરાય... નાના હતા ત્યારે આવી કશું ગતાગમ ન પડતી. પણ જે કંઇ આપતા બહુ સ્નેહથી આપતા. અને એ દિવસનો આનંદ તમારા મુખ પર સહજ રીતે પ્રગટ થતો અમે જોઈ શકતા. 

 

        કેક પણ કેમ બનાવાય અને કેમ ડેકોરેટ કરાય કશી ખબર ન પડતી. કઠણ પથ્થર જેવી સાવ સાડી કે બળી ગયેલી કેક હોય કે જે તમે ચપ્પુ વડે બહુ મહેનતથી કાપતા ને હોંશે હોંશે ખાતા પણ. ખાધા પછી કેકના વખાણ પણ કરતા. ટૂંકમાં તમે અમારી બધી નદાની/નિર્દોષતાને ઘોળી ઘોળી પી જતા ને બદલામાં અમને અપાર સ્નેહ આપતા. આ મારું સૌભાગ્ય હતું.

 

       આઠ વર્ષ સુધી હું બંગાવડીની સ્કુલમાં ભણી છું. શાળા 'છોડી' એને આજે સાડા છ વર્ષ થઈ ગયા પરંતુ આજેય હું ત્યાંથી 'છૂટી' નથી. આત્મીયતાથી જોડાયેલા એ સ્થળથી હું ક્યારેય છૂટી શકવાની નથી. તમારા જેવા અન્ય શિક્ષકોને કારણે દર મહિને દોઢ મહિને મને સ્કૂલે આવવાનું મન થાય જ. કામ હોય ન હોય એક ચક્કર મારવી જ. હા, વાંચન- લેખનના શોખને લીધે સ્કૂલે આવવાનું થાય ત્યારે એમ થાય, 'આ બુકની તો મારી પાસે બે કોપી છે. લાવને એક સર માટે લેતી જાઉં... અરે, આ બુક તો મેં વાંચી નથી. સરને પૂછી જોઇશ એમની પાસે કદાચ હોય તો... સરસ્વતીચંદ્ર વાંચવી છે સર તો આપણી સ્કુલની લાઈબ્રેરીમાં એ બુકના દરેક ભાગ હશે?...' ને હંમેશા તમારા તરફથી પોઝિટિવ જવાબ જ મળતો.

 

       હવે પછી સ્કુલે જવાનું થશે ત્યારે ત્યાં તમારી સ્મૃતિઓના ઘંટ વાગશે. એ રણકાર સાંભળીને જૂની યાદો તાજી કરી થોડું હસી લઈશું ને તમને યાદ કરીને થોડું રડી પણ...

 

       હોસ્ટેલમાં હતી ત્યારે ગુરુપૂર્ણિમાના દિવસે હું ને કૃતિ તમને બધાને અચૂક યાદ કરતી જ. બીજા કોઈના તો ફોન નંબર ત્યારે અમારી પાસે હતા નહીં. પણ તે દિવસે તમને ચોક્કસ ત્યાંથી કૉલ કરતા. હા, હોસ્ટેલના મુખ્ય ગેઈટ પર જઈને... સામાન્ય દિવસોમાં કૉલ કરવાની તો પરમિશન હોય જ નહીં છતાંય ત્યાંના ગાર્ડ હતા એ દાદાને વિનંતી કરતા પ્લીઝ દાદા એક ફોન કરવા આપો ને. ઘરે નથી કરવાનો.... આજે ગુરુપૂર્ણિમા છે અમારા એક સરને કરવો છે. બે જ મિનિટ થશે. તમે સામે ઊભા રહો બસ. ને દાદા કરવા પણ આપતા. તમે ગુરુપૂર્ણિમા વિશ કરી દેતા ને બધા ટીચર્સને યાદ કરી લેતા એટલે અમારી ગુરુપૂર્ણિમા ઉજવાય જતી. સાયન્સમાં હતા ત્યારે હોસ્ટેલથી ફોન કરવા નહિ મળેલો ત્યારે મેં અને કૃતિએ અમારા ટ્યુટરને રિકવેસ્ટ કરીને પણ કૉલ કરેલો અને ગુરુપૂર્ણિમા વિશ કરેલું. દરેક ગુરુપૂર્ણિમાએ અમારી આંખો જરૂર ભીંજાશે...

 

        મારા માટે તો શૈક્ષણિક ગુરુ પણ તમે અને લેખનમાં ક્ષેત્રે પણ મારા માર્ગદર્શક તમે જ... પાંચમું/છઠું ભણતી ત્યારે જીવનમાં પહેલી વહેલી નોવેલ વાંચેલી એ હતી તમારી નોવેલ 'જીવન સંગ્રામ' કદાચ ત્યારે જ લખવા માટેની એક કૂંપણ મનમાં ફૂટી હશે. વિદ્યાર્થીઓને તો હંમેશા સરના આશીર્વાદની જરૂર પડે. બસ, આશીર્વાદ આપતા રહેજો.

 

       આજે આ લખતાં લખતાં આવા તો અઢળક પ્રસંગો આંખો સામે તરવરી ઊઠ્યા. લખવા બેસું તો શબ્દો ખૂટશે પણ પ્રસંગો નહીં...

 

        અમે કાયમી તમારા ઋણી રહીશું સર. તમે હંમેશા અમારા શિક્ષણ, સંસ્કાર અને હૃદયમાં જીવંત રહેશો. 

 

પરમાત્મા તમારા આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના...

   

                                      -લિ. તમારી વિદ્યાર્થીની

                                               મીરાલી









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ