વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જેવા સાથે તેવા

ખૂની કોણ...? (વાર્તા સ્પર્ધા - પ્લોટ આધારિત )

જેવા સાથે તેવા 

ગુજરાત - રાજસ્થાન ને જોડતા નેશનલ હાઇવે નં. ૨૭ પર એક ગાડી મારૂતિ એસ્ટીમ પુરપાટ ઝડપે દોડી રહી હતી. અત્યારે રાતના ૧૨ વાગી ગયા હતા. ડિસેમ્બર મહિનો હોવાથી ઠંડી પોતાની ચરમસીમા પર હતી. ગાડીમાં લગભગ ૩ જણ સવાર હતા. એક ડ્રાઈવર અને પાછળની સીટ પર બેઠેલ નવપરણિત યુગલ.  

થોડીવાર પછી ગાડી માઉન્ટ આબુ હિલસ્ટેશન લઈ જતા અંતરીયાળ વિસ્તાર તરફ વળી. રાત ઘણી વધી ગઈ હોવાથી ચારેતરફ લગભગ અંધારું જ હતું. વચ્ચેવચ્ચે અમુક જગ્યાએ નાના ઢાબાઓ કે દુકાનો દેખાઈ આવતી હતી , પણ તે પણ બંધ જ હતી. નાનીમોટી ટેકરીઓ અને ઉબડખાબડ રસ્તાઓ પર ચાલવાથી ગાડીની સ્પીડ થોડી ઘટી ગઈ હતી. અંદર બેઠેલ નવપરણિત કપલે એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. તેઓ ડ્રાઈવર રઘુને ન સંભળાય તે રીતે ધીમેધીમે વાતો કરી રહ્યા હતા. 

અંકિતા : કેટલી રાત થઈ ગઈ છે....મને તો આ સુમસાન એરિયામાં ડર લાગે છે. 

અમિત : અરે હું છું ને..!...શું કામ ડરે છે...?

અંકિતા : મેં તમને કહ્યું હતું ને કે મોડું થઈ જશે , પણ તમે માન્યા જ નહિ. આજે તો આપણી ફસ્ટનાઇટ છે. કમસે કમ આજે તો વહેલું આવવું હતું...?! 

અમિત : અચ્છા...તો સુહાગરાતની બહુ જલ્દી લાગે છે..? 

અંકિતા : શટ અપ....કોને જલ્દી છે એ તો દેખાય જ છે..!

અમિત : અરે યાર એવું નથી....મારે ઇમરજન્સી કેસ આવી ગયો હતો. એક ડોક્ટર હોવાથી ડ્યૂટી તો પુરી કરવી જ રહી..!. અને ઉપરથી પ્રોબ્લેમ એ હતો કે પેશન્ટના ઘરવાળાઓ, હું જ ઓપરેટ કરું તેવી જીદ લઈને બેઠા હતા. 

અંકિતા : આઈ નોવ....યુ આર બેસ્ટ 

આટલું બોલી તેણે અમિતનો હાથ ચુમી લીધો. 

અંકિતા : આ રીસોર્ટ આટલો બધો દુર કેમ બુક કરાવ્યો છે...?...સાવ કંજુસ છો તમે...! 

અમિત : અરે કંજુસ ની વાત નથી યાર...દૂર છે પણ તું જોઈને ખુશ થઈ જઈશ.

અંકિતા : રઘુભૈયા...ઔર કિતના દુર હૈ ...?

રઘુ : મેડમ...અભી પંદરા સે બીસ મિનીટ લગેંગે..!. 

અમિત : ઓકે....રઘુ થોડી ફાસ્ટ ચલા...! 

ગાઢ ધુમ્મસમાં બે હાથ આગળ , પાવરફુલ હેડલાઇટ ચાલુ હોવા છતાં કઈ દેખાતુ ન હતું. પરંતુ માલિકના હુકમનું પાલન કરી રઘુએ ગાડીની સ્પીડ થોડી વધારી. વાંકાચૂકા રસ્તા પર ગાડી પુરઝડપે દોડવા લાગી. હજુ ગાડી માંડ ૫૦૦ મીટર દુર ગઈ હશે ત્યાં શાંત વાતાવરણ ને ચીરતો એક બ્લાસ્ટ જેવો અવાજ થયો. ગાડીમાં બેઠેલ ત્રણેય ચોંકી ગયા. તે વખતે રઘુના મજબુત હાથેથી ગાડીનું હેન્ડલ થોડું ઢીલુ થયું અને બેલેન્સ ખોરવાતા ગાડી રસ્તાની બાજુ પર રહેલા ઝાડ સાથે ઘડાકા ભેર અથડાઈ. અંદર બેઠેલ ત્રણેય જણે સીટબેલ્ટ બાંધ્યો હોવાથી તેમને કોઈ નુકસાન તો ન થયું પણ અંકિતાએ ડર ના માર્યા પોતાના નખ અમિતના હાથોમાં ખુંપાવી દીધા...! 

બહાર આવીને જોયું તો ગાડીના બોનેટને બહુ નુકશાન થયું હતું. અંદરથી ધુમાડો નીકળી રહ્યો હતો.  

અમિત : અરે રઘુ ક્યાં હુઆ...? 

રઘુ : સર...લગતા હૈ કીસીને કાંટો વાલી તાર રોડ પર ફેંક દી હૈ...વોહ દેખીયે..... આગે કે ટાયરમે તાર ફસને કી વજહ સે પંચર હુઆ ઔર બેલેન્સ બીગડને કે કારણ યે એકસિડેન્ટ હુઆ...!.

આસપાસ ભયંકર અંધારું અને નીરવ શાંતી પ્રસરેલી હતી. ૫ ડિગ્રી તાપમાન માં લગભગ ઉભું રહેવું પણ અશક્ય હતું. ઠંડીના માર્યા દાંત કચાવવાની સાથે તેમના પૂરા શરીર ધ્રુજી રહ્યા હતા. 

અમિત : ચિંતા કરવાની જરૂર નથી...હમણાં ટાયર ચેન્જ કરીને રિસોર્ટ પહોંચી જઈશું. 

રઘુ : વોહ પોસ્સીબલ નહિ હૈ સર....લગતા હૈ ગાડી સ્ટાર્ટ નહિ હોગી...!

અમિતે રિસોર્ટ પર ફોન કર્યો પણ નેટવર્ક ન હોવાથી ફોન ડાયલ થતા પહેલા જ કટ થઈ જતો હતો. 

અંકિતા તો આ બધું જોઈને ડરી ગઈ. ડરવાની જરૂર પણ હતી..કારણ, અંકિતા હતી પણ રૂપરૂપનો અંબાર..!. ૨૪ વર્ષ , ૫.૧૦ " ની હાઈટ , ગોરો વર્ણ અને પરફેક્ટ ફીગર ધરાવતી રાજકોટ ની રહેવાસી હતી. તેને જોઈને ભલભલાને આવી ઠંડીમાં પણ પરસેવો ચડી જાય તેવું તેનું રૂપ હતું. એટલે જ ડોક્ટર અમિત જેવા સામાન્ય દેખાવના છોકરા સાથે લગ્ન કરવા માટે તેના માબાપ રાજી થયા હતા. અમિત દેખાવે ભલે સામાન્ય હોય પણ ભણવામાં હોશિયાર , સમજુ અને બહુ સીધો છોકરો હતો. એમ.એસ. ( માસ્ટર ઈન સર્જરી ) પુરુ થયાને ૫ વર્ષ પછી તેના લગ્ન થયા હતા. આ પાંચ વર્ષમાં તેણે તનતોડ મહેનત કરીને પોતાની એક હોસ્પિટલ અને ભરોસાપાત્ર શાખ ઉભી કરી હતી. તેની અને અંકિતાની વચ્ચે ૧૦ વર્ષનો ઉંમરનો તફાવત હતો. પણ અંકિતાને અમિતનો સ્વભાવ આકર્ષિત કરી ગયો હૉવાથી તેણે અમિતને પોતાનો જીવનસાથી બનાવ્યો હતો. 

અંકિતા : હવે શું કરશું...?!...મને તો બહુ ડર લાગે છે....! 

અમિતે આજુબાજુ નજર કરી. ત્યાંથી લગભગ ૩૦૦ મીટર દૂર રોડની જમણી તરફ ઉંચાઈ પર બે-ત્રણ મકાનો નજર પડતા હતા. તેમાંથી એક મકાનમાં લાઈટ સળગી રહી હતી. તેને ઉદ્દેશીને અમિત બોલ્યો. 

અમિત : જુઓ...અત્યારે આપણને બીજી કોઈ મદદ તો નહિ મળે. ત્યાં પેલી લાઈટ દેખાય છે ત્યાં જઈએ. હોય શકે ત્યાં કઈ રાત વિતાવવાની વ્યવસ્થા હોય..!. 

અંકિતાને તો ત્યાં જવું ઉચિત લાગી રહ્યું ન હતું. પણ તેમની પાસે કોઈ બીજો વિકલ્પ ન હોવાથી, નાછૂટકે, તેઓ પોતાનો થોડો સામાન લઈને તેમજ ગાડીને લોક કરી તે મકાન તરફ ચાલવા લાગ્યા. થોડીવારમાં જ ત્યાં પહોંચી ગયા. દુરથી નાના લાગતા ત્રણેય મકાનો એકબીજાને અડીને અને બહુ વિશાળ હતા. 

રઘુ : સર લગતા હૈ યે...કિસીકે ફાર્મહાઉસ હૈ...! 

અમિત : હા મુજે ભી યહી લગતા હૈ....યહાઁ લાઈટ જલ રહી હૈ.... અંદર જાકે દેખતે હૈ..! 

અંકિતાએ હજુ પણ અમિતનો હાથ પકડ્યો હતો. તે થોડીથોડી વારે આસપાસ કઈ ભય તો નથીને તે ચેક કરી લેતી હતી. તેમણે બંગલોની નેમપ્લેટ વાંચી " સોમેશ મેન્શન ". ત્યાં બાજુમાં ચોકીદારની કેબીન હતી, પણ કોઈ હાજર ન હતું. તેઓ ચાલતાચાલતા અંદર ગયા. હજુ મેઈન દરવાજા સુધી પહોંચે તે પહેલા અંકિતા ઉભી રહી ગઈ. 

અંકિતા : અમિત મને તો અહીં આવવું ઠીક નથી લાગતું....અંદર ન જાણે કોણ હશે...?! 

અમિત : અરે તું શું કામ ફિકર કરે છે....હું છું ને...! 

હજુ તે એટલું બોલે તે પહેલા ઉપરના માળેથી એક લેડીની હૃદય ચીરી નાખતી ચીસ વાતાવરણને દહેલાવી ગઈ. તેઓ ચોંકી ગયા. 

અંકિતા : મેં કીધું હતું ને કે અહી કંઈક ગરબડ છે...પ્લીઝ ચાલો અહીંથી...! 

રઘુના પણ ડરના માર્યા ગાઢ મોકળા થઈ ગયા હતા. તેને સમજ પડી રહી ન હતી કે શું બોલવું..?. તે પ્રશ્નાર્થ ભરી નજરે અમિતના આદેશની રાહ જોવા લાગ્યો. 

અમિત : લાગે છે અંદર કોઈ મુસીબતમાં છે...આપણે તેની મદદ કરવી જોઈએ...!

આટલું બોલી તેણે પોતાનો સામાન મૂકી મેઈન દરવાજા તરફ દોટ મૂકી. અંકિતા અને રઘુ પણ તેની પાછળ જોડાયા. અમિતે દરવાજા પર ટકોરા પાડ્યા. કોઈ પ્રત્યુત્તર ન મળતા દરવાજાનું હેન્ડલ પકડીને ફેરવ્યું. તેમની નવાઈ વચ્ચે લીવિંગ રૂમનો દરવાજો ખુલ્લો હતો. તેઓ દોડીને ઉપરની તરફ જવા લાગ્યા. હજુ અડધા દાદરા ચડ્યા હશે ત્યાં સામે ઉપરની તરફ એક લેડીને જોઈને તેઓ અટક્યા. તેને જોઈને અંકિતાના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. 

પ્રૌઢ જેવી લાગતી તે લેડીના હાથમાં એક પિસ્તોલ ચમકી રહી હતી. તેના વાળ ખુલ્લા હતા. તે અમિત અને રઘુને જોઈને ડરી ગઈ. સામે અમિત અને તે લોકો પણ ડરી ગયા. તેણે પિસ્તોલ અમિતની સામે ધરી. અમિત અને અંકિતાનો અવાજ તેના ગાળામાં જ ફસાઈ ગયો. 

લેડી : હટ જાઓ મેરે રાસ્તે સે...! 

અમિત , રઘુ અને અંકિતાએ પોતાના હાથ ઉંચા કર્યા. તે લેડી તેમની પાસેથી પસાર થઈ. ફટાફટ ઉતરવાના ચક્કરમાં તેનું બેલેન્સ ખોરવાયું અને તે દાદરા પર પગ લપસતા ધડામ કરતી નીચે પછડાઈ. દીવાલ સાથે તેનું માથું અથડાતા તે ત્યાંજ બેહોશ થઈ ગઈ. અમિતે આવીને જોયું તો તે બેહોશ હતી. તેને નીચે છોડીને તેઓ ઉપરની તરફ ગયા. ઉપર જઈને જોયું તો શોકના માર્યા તેમની આંખો પહોળી થઈ ગઈ. 

અંદર એક ૫૦ વર્ષની આસપાસનો વ્યક્તિ ગાદલા પર ચત્તોપાટ પડ્યો હતો. કોઈએ તેની છાતીમાં ૩ ગોળીઓ ધરબી દીધી હતી. ચારે તરફ લોહીની રેલમછેલમ હતી. આ જોઈને અંકિતના તો હાથપગ કામ્પ્વા લાગ્યા. અમિતે નજીક આવીને જોયું અને તેના મોઢામાંથી આશ્ચર્યના ઉદગાર સરી પડ્યા. 

અમિત : " મીસ્ટર સોમેશ પ્રજાપતિ "...?!

અંકિતા : અમિત....કોણ છે આ માણસ....?! 

અમિત : અરે આ અમદાવાદના સૌથી મોટા ક્રિમીનલ લોયર સોમેશ પ્રજાપતિ છે...!. ભૂલી ગઈ કાલે આપણા મેરેજમાં આવેલા...! 

અંકિતા : હા....ઓહ માય ગોડ...તો પેલી લેડી જે નીચે છે તેણે....!

આટલું બોલી તે અટકી ગઈ. અમિત અને રઘુએ એકબીજા સામે જોયું અને ભાગીને નીચે આવ્યા. તે લેડી બીજું કોઈ નહિ પણ સોમેશ પ્રજાપતિની પત્ની રીટા પ્રજાપતિ હતી. હજુપણ તે બેહોશ હતી. અમિતે રૂમાલની મદદથી પિસ્તોલ તેના હાથમાંથી લઈ લીધી. તેમણે લોકલ પોલીસને જાણ કરી. થોડીવારમા જ ત્યાં ઇન્સ્પેકટર હેમંત બરવાડીયાની ટીમ આવી પહોંચી અને બધો ચાર્જ સંભાળી લીધો. સોમેશ પ્રજાપતિની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી. તેમણે રીટાબેનને અરેસ્ટ કર્યા અને પોતાની સાથે લઈ ગયા. રીટાએ બહુ આજીજી કરી પણ તેનું કઈ ન ચાલ્યું. 

બીજા દિવસે ન્યૂઝપેપર , ટીવી તેમજ અન્ય ડિજીટલ માધ્યમોમાં ખળભળાટ મચી ગયો. સમગ્ર અમદાવાદ સહીત આખા ગુજરાતમાં આ મર્ડરના મીશ્ર પ્રત્યાઘાતો પડ્યા. પડવા પણ સ્વાભાવિક હતા...!. સોમેશ પ્રજાપતિનો એડવોકેટ દુનિયામાં સિક્કો પડતો હતો. તેમજ સામાજીક તથા ધાર્મિક કાર્યોમાં પણ બહુ મોટો ફાળો રહેતો. મોટા ભાગના લોકોને તેમના મૃત્યુ માટે હમદર્દી હતી. તો ક્રિમિનલ્સ તેમજ માફિયાઓને તેના મૃત્યુ થવાથી જાણે મોટી આફત ટળી હોય તેવો હાશકારો થયો હતો. 

કમિશનર બાલકૃષ્ણ પરાસરે આ મામલાની તપાસ ઇન્સ્પેકટર હેમંત બરવાડીયાને સોંપી, અને જલ્દીથી સાચો રીપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો. ઇન્સેપેક્ટર હેમંત અને તેની ટીમ તે કામમાં ચીવટપૂર્વક તપાસ કરવા લાગી ગઈ. તેમણે ઘટનાસ્થળે અમુક વિચિત્ર વસ્તુઓ જોઈ....જેવી કે 

* ચોકીદારને પૂછ્યું તો તેણે જણાવ્યું કે કાલે રાત્રે તેને ડ્યૂટી પર ન આવવાનું જણાવવામાં આવ્યું હતું. અને એ પણ સોમેશ પ્રજાપતિ દ્વારા...!. 

* ઘટનાસ્થળે લાગેલ ફ્રન્ટ કેમેરામાં સોમેશ અને રીટાની સાથે અમિત , રઘુ અને અંકિતાની તસવીરો દેખાતી હતી , પણ પાછળના કેમેરામાં કોઈ અજાણ્યો શખ્સ બ્લેક કપડામાં બંગ્લોમાં રાત્રે દાખલ થયો હતો તે રેકોર્ડ હતું...!.

* ઘટનાસ્થળે સોમેશ પ્રજાપતિની સાથે રીટા પ્રજાપતિની ગાડી એટલે કે બે ગાડી જપ્ત થઈ હતી. મતલબ સોમેશ અને રીટા બંને અલગઅલગ ગાડીમાં આવ્યા હતા.  

* પિસ્તોલ પર રીટા પ્રજાપતિની આંગળીઓની છાપ સાથે કોઈ અજાણી વ્યક્તિના આંગળાની છાપ પણ દેખાતી હતી. હેમંતે તે છાપને આધારે તપાસ કરી તો તે લોકલ ચોર જગનસિંહ ની હતી. પોલીસે તે ભાગે તે પહેલા તેને દબોચી લીધો. 

પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સોમેશનું મૃત્યુ ગોળી વાગવાથી થયું હોવાનું બહાર આવ્યું. કેસ સંપૂર્ણરીતે ઉલ્જી ગયો હતો. રીટા અને જગન બંનેના આંગળાંઓના નિશાન પિસ્તોલ પર હતા , આથી બંને કસુરવાર પુરવાર થતા હતા. બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા હતા કે ખુન તેણે નહિ સામેવાળા એ કર્યું છે. આ બધી ઘટનામાં અમિત અને અંકિતાનું હનીમુન પણ ધક્કે ચડી ગયું હતું. સોમેશ પ્રજાપતિ એક ખ્યાતનામ વ્યક્તિ હોવાથી તેમજ તેઓ આ ઘટનાના મુખ્ય સાક્ષી હોવાથી , તેમને પોલીસ સ્ટેશનના અને કોર્ટના ધક્કા શરુ થઈ ગયા હતા. 

પોલીસ દ્વારા ચોર જગનસિંહ ને થર્ડ ડિગ્રી ટોર્ચર અપાઇને આ ખુનમાં તેનો જ હાથ છે તેનું સ્ટેટમેન્ટ લેવાઈ ગયું હતું. કોર્ટમાં સોમેશ પ્રજાપતિ માટે સરકાર તરફથી પબ્લીક પ્રોસિકયુટર જગદીશ મહેતા કેસ લડી રહ્યા હતા. પરંતુ મેઈન લડાઈ તો જગનસિંહ અને રીટા પ્રજાપતિના વકીલ વચ્ચે થવાની હતી. કારણ કે બંને પોતપોતાના અસીલને બચાવવા માટે એકબીજા પર આરોપ લગાવવા માટે સબુતો ભેગા કરી રહ્યા હતા..!. 

બે દિવસ પછી કોર્ટમાં સોમેશ મર્ડર કેસની સુનવળી થઈ. લોકોનો આક્રોશ અને પોલિટિકલ પ્રેશર વધુ હોવાથી તેનો ફેંસલો કરવો બહુ જરૂરી થઈ પડ્યો હતો.  

ડોક્ટર અમિત , અંકિતા અને ડ્રાઈવર રઘુએ તે રાત્રે જે બનાવ બન્યો અને પોતે જે જોયું તે કોર્ટમાં નોંધાવી દીધું હતું. ખુન લગભગ ૧૨ વાગ્યાની આસપાસ થયું હતું અને તેઓ ૧ વાગ્યે બંગ્લોમાં દાખલ થયા હતા , આથી પોલીસ તપાસમાં તેઓ એકદમ યોગ્ય પુરવાર થયા હતા અને તેમની પર શક કરવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો..!. 

-----------------------------------------------------

જગનસિંહના વકીલે કોર્ટમાં દલીલ મૂકી કે.... 

- જગન તે રાત્રે ચોરી કરવા માટે બંગ્લોમાં દાખલ થયો હતો ત્યારે અંદર જઈને તેણે જોયું તો મુજરીમ રીટાબેન પોતાના હસબન્ડ સોમેશ પ્રજાપતિ સાથે ઝઘડો કરી રહ્યાં હતા. તેઓ કોઈ પરપુરુષ સાથે અફેર કરીને પકડાયા હોવાથી સોમેશજી તેમને આ બધું છોડી દેવા માટે સમજાવી રહ્યા હતા. જગન પરદા પાછળ છુપાઈને તેમનો ઝઘડો જોઈ રહ્યો હતો. બોલાચાલી ઉગ્ર થતા રીટાબેને પિસ્તોલ કાઢી અને સોમેશજી સામે ધરી દીધી. છુપાયેલા જગનથી આ જોવાયું નહિ અને તેણે આવીને રીટાબેનનો પિસ્તોલ તકાયેલો હાથ પકડ્યો.... પણ તેની બે સેકન્ડ પહેલા જ રીટાબેન ગોળીઓ છોડી ચુક્યા હતા. સોમેશજી ત્યાંજ મૃત્યુ પામ્યા હતા. આથી રીટાબેન વધુ કઈ કરે તે પહેલા મારા ક્લાઈન્ટ તેમને ધક્કો મારી ત્યાંથી ભાગી જતા રહ્યા હતા.   

એટલે રીટાબેનના આંગળીઓના નિશાન સાથે જગનસિંહ ના આંગળીઓના નિશાન પણ આવી ગયા. રીટાબેન ચોરીની આડમાં ખુન કરી ઇલ્જામ જગનસિંહ પર નાખી છટકવા માંગે છે , જે ખોટું છે. કારણકે ખુન તો રીટાબેને જ કર્યું છે..!.   

-------------------------------------------------------

રીટા પ્રજાપતિના વકીલે કોર્ટમાં દલીલ મૂકી કે....

- તે રાત્રે રીટાબેન અને સોમેશજી બંગ્લોમાં રાતના ૧૨ વાગ્યે લિવિંગ રુમમાં બેસી ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે તેમણે ઉપરના રૂમમાં કશોક અવાજ સાંભળ્યો. ઘરમાં તેમના સિવાય કોઈ ન હતું , આથી તેઓ સાથે ઉપર તપાસ કરવા ગયા. જેવા તેઓ રૂમમાં દાખલ થયા ત્યારે તેમણે જોયું તો જગન રૂમમાં મોજુદ હતો. તીજોરી ખુલ્લી હતી અને તે પૈસા તેમજ કિંમતી સામાન ચોરી કરી રહ્યો હતો. સોમેશજીએ પોતાની પિસ્તોલ કાઢી તેને પકડી લીધો. હજુ તેઓ  પોલીસને જાણ કરવા જાય તે પહેલા જગને તેમની પર હુમલો કરી દીધો હતો. તેમની વચ્ચે હાથાપાઈ થઈ ગઈ અને રીટાબેને સોમેશજીને બચાવવા જગનસિંહનો હાથ પકડી લીધો. અને જગનસિંહના હાથે પિસ્તોલનું ટ્રીગર દબાઈ ગયું અને તેનાથી છૂટેલ ગોળીથી સોમેશજીનુ મૃત્યુ થયું.

એટલે જગનસિંહના આંગળીઓના નિશાન સાથે રીટાબેનના આંગળીઓના નિશાન પણ આવી ગયા. અમિત અને તેની વાઈફ જયારે આવ્યા ત્યારે રીટાબેન પિસ્તોલ સાથે બેહોશ હતા , અને જગન પોતાનું કામ કરીને ભાગી ગયો હતો. આથી એવું સાબિત થયું કે રીટાબેને જ સોમેશજી નું ખુન કર્યું જે ખોટું છે...! 

રીટાબેને પણ એક જ રટણ કરી રહ્યા હતા... 

રીટાબેન : મારો વિશ્વાસ કરો જજ સાહેબ...મેં ખુન નથી કર્યું...!. હું શું કામ મારા પતિને મારુ...?!

---------------------------------------------------------

આખો મામલો ધક્કે ચડતો જોઈને પબ્લીક પ્રોસિકયુટર જગદીશ મહેતાએ દલીલ રજુ કરી કે જગન અને રીટા બંનેએ સાથે મળીને ખુન કર્યુ છે. કારણ કે મરનારને ગોળી મારતી વખતે તેનું મોઢું દબાવી દેવામાં આવ્યું હતું , જે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાબિત થયેલું છે. જેની પર જગનસિંહના નિશાન છે...!. આથી એવું બન્યું હશે કે રીટાએ તે વખતે ગોળી ચલાવી હશે અને જગને સોમેશજીને પકડી રાખી તેમનું  મોઢું દબાવી દીધું હશે, જેથી તેમની ચીખ ન સંભળાય..!. લાશને સગેવગે કરે તે પહેલા અચાનક સાક્ષીઓ અમિત અને તેની પત્ની તથા ડ્રાઈવર રઘુ આવી જવાથી તેમનો પ્લાન ભયમાં મુકાયો અને તેઓએ એકબીજા પર ઇલ્જામ લગાવવાનું શરુ કર્યું. 

કોર્ટે તેમની દલીલો માન્ય રાખી અને રીટાબેન તથા જગનસિંહને કસૂરવાર ઠેરવી ઉંમરકેદ ની સજા કરી. 

*************

રીટાબેન અને જગનસિંહ સાથે ઇન્સ્પેકટર હેમંત ના દિમાગ ચકરાવે ચડી ગયા. કારણકે......... 

* જગન જયારે બંગ્લામાં અંદર પ્રવેશી ઉપરના રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું તો સોમેશજીની મૃત બોડી પલંગ પર પડી હતી. આથી પોતે ચોરી કરવાનુ છોડી ત્યાંથી તરત જ પલાયન થઈ ગયો હતો. પોતે તો પિસ્તોલને હાથ જ નથી લગાડયો તો તેની આંગળીઓના નિશાન આવ્યા કેવી રીતે...?!

* રીટાબેન પણ નીચે ટીવી જોઈ રહ્યા હતા. ઘણીવાર સુધી સોમેશજી નીચે ન આવ્યા એટલે તેઓ ઉપર જોવા ગયા ત્યારે તેમણે સોમેશજીની મૃત બોડી પલંગ પર જોઈ અને તેને જોઈને ત્યાંજ બેહોશ થઈ ગયા. જયારે હોશમાં આવ્યા ત્યારે તેમના હાથમાં કોઈએ પિસ્તોલ પકડાવી દીધી હતી.... તો શું એ જગન હશે....?!

* હેમંત વિચારી રહ્યો હતો કે કોર્ટની સુનવણીમાં ચોકીદારને સોમેશજી દ્વારા તે દિવસે ડ્યુટી પર ન આવવાના ઓર્ડરનો ઉલ્લેખ તો થયો જ નહિ...મતલબ કેસ ૧૦૦ % સોલ્વ થયો ન હતો....તો શું ખુનમાં કોઈ બીજાનો પણ હાથ હશે...?!

***************

રીટાબેન અને જગનસિંહ ને કોર્ટમાંથી લઈ જવામાં આવી રહ્યા હતા. જેવા તેઓ પોલીસવેન માં ચડવા ગયા ત્યાંજ , લોકોની એકઠી થયેલી ભીડે તેમને મારવાનું શરુ કર્યું. પોલીસે મુશ્કેલીથી તેમને બચાવી વેનમાં ચડાવ્યા. જગનનો ભાઈ મોહન પણ ત્યાં હાજર હતો. તે પોતાના ભાઈને લોકોથી બચાવી રહ્યો હતો. વેનમાં ચડતી વખતે રીટાબેને અને નીચે ઉભેલા મોહનસિંહે કોર્ટના પટાંગણ માં એક શખ્સ ને જોયો....અને તેને જોઈને બંનેના મોઢેથી એકસાથે ઉદ્દગાર સરી પડ્યો.

મોહનસિંહ : ..." કમલ ચૌધરી "....?!.... યે આદમી ઉસ દિન સોમેશ પ્રજાપતિ કે બંગલે પે ક્યાં કર રહા થા....?!!!

રીટાબેન : ..... " જીગર ".....?!....આ તો મને તે દિવસે બંગલે મુકવા આવ્યો હતો......એ અહીં શું કરે છે....?!!!

એ અજાણ્યો શખ્સ બંને પર હસી રહ્યો હતો. બંને સમજી ગયા કે તેમને સોમેશના મર્ડરમાં આ શખ્સ દ્વારા ફસાવવામાં આવ્યા છે...!. પણ હવે કઈ થઈ શકે તેમ ન હતું...!. પોલીસવેન જતી રહી. મોહનસિંહ ભીડની વચ્ચે કમલ ચૌધરીને શોધવા લાગ્યો. પણ તે ગાયબ થઈ ગયો હતો.  

*****************

મોહનસિંહ ભૂતકાળમાં ખોવાઈ ગયો.

મર્ડરના દિવસે બપોરે મોહનસિંહ એક રેસ્ટોરન્ટની બહાર ઉભોઉભો ચા પી રહ્યો હતો. એટલીવારમાં સામેથી એક ૩૪-૩૫   વર્ષનો એક યુવાન હાથમાં બેગ લઈને ટેક્ષી માટે પુછવા આવ્યો. મોહનસિંહે તેને પોતાની ગાડીમાં બેસાડ્યો. તે શખ્સે પોતાનું નામ કમલ ચૌધરી બતાવ્યું. કમલે બતાવેલ એડ્રેસ પર મોહનસિંહે ગાડી ભગાવી મૂકી.

કમલ : તો મોહનસિંહ તુમ યહાં કિતને સાલ સે હો...? 

મોહનસિંહ : સરજી...મેં તો બચપન સે યહી ટેક્ષી ચલાતા હું...! 

કમલ : મેને અભીઅભી યહાં પર છુટ્ટીયો મેં આરામ કરને કે લિયે એક બંગલા લિયા હૈ...!. 

મોહનસિંહ : યે તો બહોત અચ્છી બાત હૈ સર... આપ કે આને સે હમે ભાડા તો મિલેગા...!. 

એટલીવારમાં જ કમલને એક ફોન આવ્યો અને તે વાત કરવા લાગ્યો. 

કમલ : હેલ્લો...બોલીયે....! 

ફોન કરનાર : પૈસે કા ક્યાં હુઆ...?!

કમલ : ફિકર મત કરીએ....પૈસે અભી મેરે પાસ બંગલે પર હી પડે હૈ....આધા ચુકા દિયા હૈ...આધા કલ જયપુર મેં દે દુંગા...! 

ગાડી ચલાવી રહેલો મોહનસિંહ પૈસા બંગ્લોમાં છે તે સાંભળીને ચોંકી ગયો. તેની આંખો નાની થઈ , અને ચહેરા પર એક તીખું મુસ્કાન ઉતરી આવ્યું. તેણે ગાડીમાં લાગેલ મીરરથી પાછળ બેઠેલ કમલ સામે જોયું. કમલ બેફિકરાઈથી પોતાની વાતમાં મશગુલ હતો. ફોન મુકીને કમલે તેને પૂછ્યું. 

કમલ : તુમ મુજે સીધે ઔર ભલે લગ રહે હો...ઇસલિયે એક બાત પુછના ચાહતા હું...! 

મોહનસિંહ : સર યે તો હમારે લિયે સૌભાગ્ય હોગા કે આપ હમ પર ભરોસા કરતે હૈ...!...પુછીયે ક્યાં પુછના હૈ...?! 

કમલ : દેખો દોસ્ત...ઇસ ઈલાકે મેં કોઈ ચોર-બદમાશ કા ખતરા તો નહિ હૈ ના...?!

મોહનસિંહ : નહિ તો....!...કયો પુછ રહે હો સાહેબ...?! 

કમલ : કુછ નહિ...! 

મોહન સમજી ગયો કે કમલ પાસે બંગલોમાં કેસ પડ્યા છે , અને તેને ચોરાઈ જવાનો ડર છે. તે મનોમન હસવા લાગ્યો. 

કમલ : યહાં પર સબસે અચ્છી શરાબ કહા મીલેગી...?

મોહન : અરે સાબ... યે પુછાના આપને સહી સવાલ...!... મેરે ભાઈ કી દુકાન યહી નજદીક હી હૈ...હમ શરાબ ભી બેચતે હૈ. 

થોડીવાર પછી મોહનસિંહ અને કમલ તેના ભાઈ જગનસિંહની શરાબની દુકાને હતા. મોહને જગન સાથે કમલની મુલાકાત કરાવી. કમલે એક રેડ વાઈનની બોટલ , એક શેમ્પેઈન અને એક વિસ્કીની બોટલ ખરીદી. જગને તે બોટલ કમલને આપી. કમલ ગાડીમાં મુકવા ગયો , ત્યારે જગને મોહનને પૂછ્યું.

જગનસિંહ : કોન હૈ યે અમીરજાદા...?!

મોહનસિંહ : મુર્ગી હૈ....!...આજ રાત કો હલાલ કરની હૈ....તૈયારી કર લેના..!

જગનસિંહ : કહા પર...?

મોહનસિંહ : આકે બતાતા હું...!...તું બસ આજ કા પ્રોગ્રામ પક્કા સમજ...!   

ગાડી ફરી પાછી ચાલવા લાગી. રસ્તામાં મોહને કમલને ત્રણ અલગઅલગ બોટલ લેવાનું કારણ પૂછ્યું. 

મોહનસિંહ : સરજી... યે તીનો અલગ-અલગ બોટલ લેને કા કારન...? 

કમલ : દેખો...વીસ્કી તો મેં પીતા હું...રેડ વાઈન મેરી વાઈફ પીતી હૈ...ઔર શેમ્પેઈન તો આજ ઉસકા બર્થ ડે હૈ ઇસલિયે...! 

મોહનસિંહ : ઓહો...! 

થોડીવારમાં તેઓ બંગલે પહોંચી ગયા. કમલે ગાડી થોડી આગળ ઉભી રખાવી.  

મોહનસિંહ : સર યહાં કયો ઉતર રહે હો...?!...ઘર તો થોડા આગે હૈ ના...?!

કમલ : હા... પર મેરી વાઈફ અભી બંગ્લોમે અંદર અકેલી હૈ...મેં ઉસે સરપ્રાઈઝ દેના ચાહતા હું...મેંને ઉસે બોલા હૈ કે મેં રાત કો આઉંગા. અગર તુમ ટેક્ષી વહાં લે જાઓગે તો ઉસે પતા ચલ જાયેગા...!

મોહનસિંહ : ઓહો...અબ સમજા...ઠીક હૈ સાહેબ...!  

થોડીવાર પછી મોહનસિંહને કંઈક યાદ આવતું  હોય તેમ તે અચાનકથી બોલ્યો. 

મોહનસિંહ : સરજી..  યે બંગલા જો આપ દિખા રહે હો..વોહ તો કિસી અહમેદાબાદ કે બડે વકીલ સોમેશજી કા હૈ...! 

કમલ : હા...મેને કલ હી ઉનસે ખરીદકે અપની વાઈફ કો ગીફ્ટ દિયા હૈ...ઇસીલિયે તો આજ ઇધર રુકને આયા હું...!

મોહનસિંહ : યે તો બહોત અચ્છી બાત હૈ..!.

આટલું બોલી તેણે ટેક્ષીનું ભાડું લીધું , અને ચાલતો થયો. જતાજતા તેણે કમલને સવાલ પૂછ્યો.  

મોહનસિંહ : સરજી...રાત કો કહી ઘુમને જાના હૈ...?..તો ટેક્ષી લે કે આ જાઉં...! 

કમલ : અરે નહિનહિ....આજ તો દારુ પીકે....! 

આટલું બોલી તેણે મોહનસિંહ સામે આંખ મીચકારી. મોહનસિંહ ખુશ થઈને જતો રહ્યો. જઈને તે સીધો જગનને મળ્યો. અને તેને આજ રાત્રે ચોરી કરવા માટેની બધી વિગત આપી દીધી. 

જગનસિંહ : ફિકર મત કર...આજ રાત કો ઉનકે સોતે હી સારા માલ ઉડા લુંગા...ઔર ઉનકો પતા ભી નહિ ચલેગા..! 

તે રાત્રે જગનસિંહ ચોરી કરવા સોમેશ મેન્શનમાં ગયો. ઉપર જઈને જોયું તો રુમમાં સોમેશની ગોળી મારી હત્યા કરાયેલી લાશ પલંગ પર પડી હતી. તે ત્યાંથી તરત જ ભાગી ગયો. અને બીજા દિવસે પકડાઈ ગયો. 

જગન કહે છે કે તેણે ખુન નથી કર્યું તો તેની આંગળીઓના નિશાન પિસ્તોલ પર આવ્યા ક્યાંથી..?... એ તો કમલ જ બતાવી શકે...!. પણ તેને પૂછવું કેવી રીતે...તે તો આ બાબતમાં ક્યાંય આવતો જ નથી..?!

******************** 

પોલીસવેનમાં જેલ જઈ રહેલા રીટાબેન પણ ભૂતકાળમાં ખોવાઈ ગયા.

તે દિવસે જીગર તેમને બંગલોના ગેટ સુધી મુકવા આવ્યો હતો. ત્યારબાદ પોતે બંગલામાં અંદર ગઈ હતી. પોતાને આવી રીતે અચાનક જોઈને સોમેશ ડરી ગયો હતો. 

સોમેશ : અરે રીટા તું....?.... અત્યારે અહીં...? 

રીટાબેન : કેમ....?.... કોઈ બીજાની રાહ જોતા હતા...?! 

સોમેશ : આ તું શું બોલે છે...?... હું કોની રાહ જોઉં...?! 

રીટાબેન : તમે તો બહારગામ હતા...અહીં ક્યાંથી...? 

સોમેશ : મારી જયપુરમાં મીટિંગ હતી. કાલે કદાચ પાછું જવું પડે એટલે વિચાર્યું કે અહીં રોકાઇ જાવ...!

રીટાબેન : અચ્છા...!...આ વોચમેન કેમ નથી દેખાતો...? 

સોમેશ : એ બહાર ગયો છે...કહેતો હતો સવારે વહેલો આવી જઈશ...! 

ત્યારબાદ રીટાબેને બંગલોને ઉપરથી નીચે સુધી ચેક કર્યો હતો 

સોમેશ : આ તું શું શોધે છે...?.. અને તું અહીં ક્યાથી...? 

જવાબમાં પોતે કઈ બોલી ન હતી. ત્યારબાદ પોતે અને સોમેશે થોડીવાર સુધી ટીવી જોતા બેસી રહ્યા હતા. થોડીવાર પછી સોમેશ ઉંઘવા માટે ઉપર જતો રહ્યો હતો. ત્યારબાદ તેણે જીગર સાથે વાત કરી હતી. પછી પોતાને ઉપર કંઈક અવાજ સંભળાતા ઉપર ગઈ હતી. રુમમાં જઈને જોયું તો સોમેશની હત્યા કરાયેલી લાશ પલંગ પર પડી હતી. તેને જોઈને પોતે ત્યાંજ બેહોશ થઈ ગઈ હતી. જયારે હોશમાં આવી ત્યારે અમિત અને તેના સાથીઓએ તેને પિસ્તોલ સાથે જોઈ હતી , આથી ખુન નો ઇલ્જામ તેના પર આવ્યો..!. જરૂર જગને જ ચોરી કરતી વખતે ખુન કર્યુ હશે...!. પણ પોતે જીગરની મદદ લઈ શકે તેમ ન હતી. કારણકે જીગર ક્યાંય પિક્ચર માં આવતો જ ન હતો....! 

*******************

સોમેશ પ્રજાપતિના ખુનથી સૌથી વધુ જો કોઈ ખુશ હોય તો તે હતો ડોક્ટર અમિત વ્યાસ ( તે દિવસનો સાક્ષી ). અમિત પણ પોતાના ભુતકાળને વાગોળવા લાગ્યો. 

લગ્નના ૧૫ દિવસ પહેલા તેની પાસે એક વિચીત્ર કેસ આવ્યો હતો. એક નવયુવાન છોકરીનો અમુક મોટા બાપના છોકરાઓ દ્વારા ૩ દિવસ સુધી રેપ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં સાબિત ન થાય તે માટે અમિત પર પ્રેસર અપાઇને(તેની ફેમીલીને જાનથી મારી નાખવાની ધમકીથી ) ઓપરેશન દ્વારા તેનું ગર્ભાશય કાઢી નખાઈને તેમજ બીજા સબુતોનો નાશ કરવામાં આવ્યો હતો. તે બિચારી છોકરી કેસ હારી ગઈ હતી , અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. 

અમિતથી આ અન્યાય સહન થયો ન હતો. પોતે તેમની વિરુદ્ધ લડવા અને મદદ માટે એડવોકેટ સોમેશ પ્રજાપતિની ઓફિસે ગયો હતો. પોતે અંદર ગયો ત્યારે સોમેશજી ૨ લાખ રૂપિયા મહિલા સશક્તિકરણ મંડળને દાન કરી રહ્યા હતા. અમિતને હાશ થઈ કે સોમેશજી તેની મદદ જરૂર કરશે .

સોમેશજી : હા બોલો ડોક્ટર અમિત...હું શું મદદ કરી શકુ..? 

અમિતે તેમને રેપ અને બળજબરીપૂર્વક કરાયેલા ઓપરેશનની વિગત કહી સંભળાવી. તેની વાત સાંભળીને સોમેશજીએ તેને ન્યાય અપાવવાની ખાતરી આપી. પણ આગલી પળે તેમણે ફોન કરીને ડેપ્યુટી કમિશનર એન. રાઘવેન્દ્ર ને બોલાવ્યા. એન.રાઘવેન્દ્ર નો દીકરો પણ તે રેપમાં મુખ્ય આરોપીઓ માંથી એક હતો. અમિત સમજી ગયો કે સોમેશ પ્રજાપતિ પણ તેમની સાથે મળેલો છે. પોતે હવે ફસાઈ ગયો હતો. 

ત્યારબાદ સોમેશ પ્રજાપતિએ અમિતને એક સીડી બતાવી. જેમાં પોતે ઓપરેશન કરી તે છોકરીનું ગર્ભાશય કાઢી રહ્યો હતો. તેને જોઈને અમિતના પગ તળેથી જમીન ખસી ગઈ. અમિત સમજી ગયો કે સોમેશ, આ ટેપ દ્વારા આસાનીથી તેને સબુત નાશ કરવાના આરોપમાં ફસાવી શકશે..!. તેનું કેરીયર બરબાદ થઈ જશે , અને કદાચ વર્ષો સુધી જેલમાં સબડાશે. તેણે બહુ વિનંતી કરી હતી...અરે તેમના પગે પડી ગયો હતો પણ તેઓ માન્યા ન હતા. ઉલ્ટા તેમણે જે માંગણી કરી હતી તે વિશે પોતે સપનેય વિચાર્યું ન હતું. 

સોમેશજી : સાંભળ્યું છે તારા લગ્ન થવાના છે. જો તું ઈચ્છતો હોય કે તારું કેરિયર બરબાદ ન થાય,તો તારી કુંવારી ફિયાન્સ તારી સુહાગરાત પહેલા, એક રાત માટે મને આપી દે...! 

આટલું સાંભળતા તો અમિતને થયું કે તેનું હમણાં જ ખુન કરી નાખે..!. પણ પોતે મજબુર હતો , અને લાચાર પણ. કારણકે તે આ મોટા લોકોનું કઈ બગાડી શકે તેમ ન હતો. 

પોતે ત્યાંથી નીકળીને હોસ્પિટલ આવી ગયો હતો. જયારે તે રડી રહ્યો હતો ત્યારે કોઈએ તેના ખભા પર હાથ મુક્યો હતો. તે શખ્સ હતો મનુ ઉર્ફ મનજીત.( રીટાબેન માટે જીગર અને મોહન-જગન માટે કમલ ચૌધરી ) 

મનુ : સર ઓળખ્યો મને...? 

અમિતે તેને ઓળખી લીધો. મનુ એક બહુ મોટો બદમાશ હતો. પણ પોતે ગુનાહિત પ્રવૃત્તિ છોડી ચુક્યો હતો. એકવાર તેની માતાજીનું ઓપરેશન અમિતે વગર પૈસે કરી આપ્યું હતું , ત્યારે મનુએ તેમને જીવનમાં કોઈ મુસીબત આવે તો યાદ કરવાનું કહ્યું હતું. આજે ઇત્તફાકથી મનુ તેને મળવા આવ્યો હતો.  

ન જાણે કેમ , અમિતે તેની પર ભરોસો કરીને તેને સોમેશ પ્રજપતિની બધી હકીકત જણાવી દીધી હતી. તેની આંખોમાં ખુન ધસી આવ્યું હતું. 

મનુ : સર બદનામ તો અમારા જેવા લોકો છે. પણ સમાજ માટે ઘાતક તો આ સોમેશ પ્રજાપતિ અને રાઘવેન્દ્ર જેવા લંપટ અને હેવાન લોકો છે. હું હમણાં જ તેમના ટુકડેટુકડા કરી દઉં છું...! 

અમિત : નહિ... તો તો હું જ ફસાઇશ...!. મારા વિરુદ્ધ તેમની પાસે સબુત છે...!. 

મનુ થોડીવાર વિચારમાં પડી ગયો. પછી બોલ્યો. 

મનુ : સર મેં તમને એક વચન આપ્યું હતું કે તમારા માટે જાન આપી દઈશ...! 

અમિત : મતલબ....?

મનુ : મતલબ કઈ નહિ...તમે બસ સોમેશ પ્રજાપતિની માંગણી સ્વીકારી લો...! 

અમિત : શું વાત કરે છે...? 

મનુ : મારી પર ભરોસો રાખો. જેવા સાથે તેવા થવું પડે સર...!. હવે હું તમને જે કહું તે પ્રમાણે બસ કરતા જાઓ...!.

બીજા દિવસે અમિતે તેની માંગણી સ્વીકારી લીધી હતી. અને મનુએ તેને લગ્નની ફસ્ટનાઇટ માટે માઉન્ટ આબુ પસંદ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ તે રાત્રે તેઓ સોમેશના બંગલે ગયા હતા અને ત્યાં સોમેશની લાશ જોઈ હતી. પોતે સમજી ગયો હતો કે નક્કી સોમેશની હત્યામાં મનુ નો હાથ હશે...!. પણ મનુ છેલ્લા ૫ દિવસથી ગાયબ હતો.  

*********************

તે સાંજે મનુ તેને મળવા આવ્યો. મનુ તેને જોઈને હસી રહ્યો હતો. અમિતે તેને ગળે લગાડી દીધો હતો. 

ડોક્ટર અમિત : અરે મનુ તું ક્યાં ગાયબ થઈ ગયો હતો..?.. તારો ફોન પણ બંધ હતો...?! 

મનુ : આ મેટર પુરી ન થાય ત્યાં સુધી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. જેથી કોઈને મારી પર શક ન જાય. 

અમિત : મને ખબર છે , ખુન તે જ કર્યું છે....! પણ ખુન કેવી રીતે કર્યું ......એ કઈ સમજાતું નથી...! 

હજુ મનુ કઈ બોલવા જાય તે પહેલા જ અમિત ફરી બોલ્યો.... 

- બંગ્લોમાં સોમેશની વાઈફ રીટા અને ચોર જગન ક્યાંથી પહોંચ્યા....?

- વોચમેન તે દિવસે કેવી રીતે ગાયબ હતો....? 

- તું અંદર ઘુસ્યો ત્યારે તારો ચહેરો બેક કેમેરામાં કેમ ન દેખાયો....? 

- અમે તો ૧ વાગ્યે અંદર આવ્યા હતા. ખુન તો ૧૨ વાગ્યે થયું હતું. તો રીટાબેને ૧ વાગ્યે જ કેમ બુમ પાડી...? 

મનુ : શાંત થાઓ સાહેબ...!...બધું કહું છું. 

-------------------------

તે દિવસે તમે પ્રજાપતિની માંગણી સ્વીકારી પછી , તે ભાભી સાથે વાસના સંતોષવા બેચેન થઈ ગયો હતો. હું મારી નજર સતત તેની પર રાખી રહ્યો હતો.તમને ખબર છે લગ્નના એક દિવસ પહેલા એણે કોઈપણ ભોગે અંકિતા ભાભીને લાવવાનું કહ્યું હતું. 

અમિત : હા...મને યાદ છે...પછી તે મને જે બોલવાનું  કહ્યું હતું તે પ્રમાણે મેં તેને જણાવી દીધું હતું. 

મનુ : ઓકે...! 

તે દિવસે , હું એક મોડેલ નતાશાને, હોટેલ તેમના રુમમાં લઈ ગયો હતો. અને તેમને કહ્યું હતું  કે... 

મનુ : સર...આ મુંબઈની ટોપ મોડેલ્સ માની એક છે. અમિત સાહેબે આપની સેવામાં મોકલી છે...!

અંકિતા ભાભીને બદલે નતાશાને આવેલી જોઈને તે ગુસ્સે થઈ ગયો હતો અને તમને કોલ કર્યો હતો... 

સોમેશ : તારી મંગેતરને કેમ ન મોકલી...?...મારી સાથે ચાલાકી તને બહુ ભારી પડશે. 

અમિત : સર...તે 2 દિવસ નહિ આવી શકે...તેના પિરિયડ ચાલે છે. હું તમને પ્રોમીસ કરું છું કે ૨ દિવસમાં એ તમારી પાસે હશે...!. ચાલાકી કરવાની મારી કોઈ વિસાત નથી...!

ત્યારબાદ તમે લગ્નના દિવસે સોમેશ પ્રજાપતિને જણાવ્યું હતું કે તે કોઈપણ બહાને પોતાના માઉન્ટ આબુ વાળા બંગલે જતા રહે. તમે ત્યાંથી રિસોર્ટમાં જતી વખતે ગાડી ખરાબ હોવાનું કહી તેના બંગલે રોકાશો અને તે અંકિતાભાભી સાથે પોતાની વાસના સંતોશી શકશે...!.

અમિત : હા...એવું જ કહ્યું હતું... અને તે એમ કરવા માટે રાજી પણ થઈ ગયો હતો...!.  

મનુ : બસ એ તેની સૌથી મોટી ભુલ હતી...!. 

નતાશા સાથે એ જયારે રુમની બહાર ઉભો હતો ત્યારે મેં સિક્રેટ કેમેરા વડે તેમના ફોટા પાડી લીધા હતા. તેના પરથી સોમેશ ગુનેગાર તો સાબિત થાય તેમ ન હતો. પણ તે ફોટોઝ મેં તેની પત્ની રીટાબેનને બતાવ્યા હતા. રીટા તે જોઈને ગુસ્સાથી પાગલ થઈ ગઈ હતી. તેને મારી વાત પર ભરોસો થઈ ગયો હતો અને સોમેશ પર શક...!.

મેં પોતાની ઓળખાણ એક એસ્કોર્ટ એજન્સીના મેનેજર જીગર તરીકે આપી હતી. ત્યારબાદ મેં રીટાબેન ને કહ્યું હતું. 

મનુ : મેડમ , તમે જો સોમેશજી ને રંગે હાથ પકડવા માંગતા હોય તો કાલે સાંજે તમારા માઉન્ટ આબુ વાળા બંગલે પહોંચી જાજો. કાલે તેઓ ત્યાં અમારી એજન્સી દ્વારા એક છોકરીને બોલાવવાના છે..!. 

ફરી મનુ બોલ્યો... 

મનુ : ઇન્ફોર્મેશન આપવાના બહાને મેં તેની પાસેથી ૨૫૦૦૦ રૂપિયા લીધા હતા. આથી તેને મારી પર કોઈ શક પણ થયો ન હતો...!.

બસ પછી તો તેની વાઈફ તે રાત્રે પોતાનો શક દુર કરવા બંગલે પહોંચી ગઈ હતી. અલબત્ત હું જ મુકવા આવ્યો હતો...!. 

------------

તમારા લગ્નના દિવસે બપોરે હું પાલનપુર માં હતો. મેં ત્યાં આગાઉથી જ તપાસ કરી રાખી હતી. મોહનસિંહ અને જગનસિંહ નામના બે ચોર ત્યાં એક્ટિવ હતા. મેં જાણી જોઈને મોહનસિંહની ટેક્ષી ભાડે કરી હતી. મેં મારી ઓળખાણ એમ.પી. ના એક વેપારી કમલ ચૌધરી તરીકે આપી હતી. તેની ગાડીમાં ફોન પર તમારી સાથે વાત કરતી વખતે પૈસા બંગલે પડ્યા છે તેવું જાણી જોઈને ઉંચા અવાજે કહ્યું હતું , જેથી તે ચોરીનો પ્લાન બનાવે. તેને એ વિશ્વાસ પણ અપાવી દીધો હતો કે હું જ સોમેશ મેન્શનનો માલિક છું , અને મારી પાસે બહુ પૈસા બંગલે પડ્યા છે.

મને ખબર હતી કે તે પૈસાનો લાલચુ , રાત્રે ચોરી કરવા માટે પોતાના ભાઈ જગનસિંહ ને જરૂર મોકલશે. થયું પણ એવું જ..!. તે રાત્રે જગનસિંહ આવ્યો અને ફસાયો...!.

અમિત : પણ તે વોચમેન તે દિવસે...?!

મનુ : કહું છું...એ જ કહું છું...  

મોહનની ટેક્ષી માંથી હું થોડો દુર ઉતર્યો. તેની સામે હું ચાલતા-ચાલતા સોમેશ મેન્શન સુધી ગયો. મોહન મને જોઈને જતો રહ્યો. ત્યાં પહોંચીને મેં જોયું તો વોચમેન જોંકા ખાઈ રહ્યો હતો. મેં બહારથી બંગલાની અંદર જતા એક ઇલેક્ટ્રિક વાયરને  કાપી નાખ્યો હતો, અને પાવર જતો રહ્યો હતો. 

તેજ વખતે સોમેશ પ્રજાપતિનો ફોન આવ્યો હતો. વોચમેને તેને પાવર ન હોવાની વાત કહી હતી. સોમેશે તેને આજ રાત્રે પોતે ત્યાં આવવાનો હોવાથી પાવર ઠીક કરવાનો ઓર્ડર આપ્યો હતો. અને પોતાને વાસના સંતોષવી હોવાથી વોચમેન તેમની પર શક ન કરે એ હેતુથી તેને કોઈ બહાનું બતાવી છુટી પર મોકલી દીધો હતો. 

બસ,પછી થોડીવાર પછી હું ત્યાંથી પસાર થયો હતો. મેં પોતાને ઈલેક્ટ્રીશિયન બતાવ્યો હતો. વોચમેન મને પાવર ઠીક કરવા માટે અંદર લઈ ગયો હતો. અંદર જઈને મેં ત્યાં લાગેલા કેમેરા અને તેના એંગલ જોઈ લીધા હતા. ત્યારબાદ વાયર  ફરીથી જોડી દેતા પાવર આવી ગયો હતો અને વોચમેનને મારી પર શક પણ થયો ન હતો. 

અમિત : ઓકે...પણ જગને ખુન નથી કર્યું તો તેની આંગળીઓના નિશાન આવ્યા કેવી રીતે..? 

મનુ : મેં તેની દુકાનેથી શરાબની ત્રણ બોટલ લીધી હતી. તેની પર લાગેલ તેની આંગળીઓના નિશાન દ્વારા ગ્લોવ્સ તૈયાર કર્યા હતા. આ મારા માટે ડાબા હાથનું કામ હતું...!. 

એ રીટાને ૧૧ વાગ્યે બંગલોની બહાર છોડીને , જગનની આંગળીઓના નિશાન વાળા ગોલ્વ્સ પહેરીને પાછળથી કેમેરાની નજરમાં ન આવું તે રીતે ઉપરના માળે દાખલ થયો હતો.સોમેશ અને તેની વાઈફ નીચે ટીવી જોઈ રહ્યા હતા. થોડીવાર પછી સોમેશ ઉપર આવતા મારુ કામ આસાન થઈ ગયું હતું. તે ઉપર પહોંચ્યો , જેવું તેણે રૂમનું બારણું બંધ કર્યું , તે જ વખતે મેં એક હાથથી સોમેશનું મોઢું દબાવી સાયલેન્સર યુક્ત પિસ્તોલથી તેની છાતીમાં ત્રણ ગોળી ઉતારી દીધી હતી. બિચારો ત્યાંજ ઢળી પડ્યો હતો. 

થોડીવાર પછી જગન પણ અંદર આવ્યો હતો, પણ તે કેમેરામાં આવી ગયો હતો. જગન અંદર આવ્યો ત્યારે હું પરદા પાછળ છુપાઈ ગયો હતો. સોમેશ પ્રજાપતિની લાશ જોઈને જગન તો ડરના માર્યા ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. થોડીવાર પછી ઉપર રીટાબેન આવતા લાશ જોઈને બેહોશ થઈ ગયા હતા.  

વચ્ચે તેઓ હોશમાં આવે તે પહેલા મેં તેમને ફરી બેહોશ કરી દીધા હતા. તેમને ત્યાં છોડીને હું તમારી ગાડી જ્યાં પંચર થઈ ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યાં મેં કાંટાળી જાળ પાથરી ગાડીનું પંચર કરી નાખ્યું હતું. 

અમિત : હા એ તો તે મને કીધેલું...કે જાણીજોઈને આબુ માટે લેટ નીકળજો. અને રાત્રે તમારી ગાડી બગડે એટલે (પહેલેથી જાણ કરેલા લોકેશન પર ) મદદ માટે બંગ્લોમાં આવજો .

મનુ : બસ થયું પણ એવું જ...! 

તમે બંગ્લોમાં આવો તે પહેલા હું પાછળના રસ્તેથી ફરી અંદર પહોંચ્યો હતો. રીટાબેનને ભાનમાં લાવતા પહેલા મેં પિસ્તોલ પર તેમની આંગળીઓના નિશાન લઈ લીધા હતા, જેથી તમારી પર તો શક ના જ આવે અને કાયદો પણ એવું જ સમજે કે સોમેશનું ખુન જગન અને રીટાએ મળીને કર્યું છે...!. મેં જ તમારા માટે લિવિંગ રૂમનો દરવાજો ખોલી નાખ્યો હતો.  

મનુ : ભગવાન પણ આપણી સાથે જ હતા. તમે અંદર આવ્યા અને રીટાબેન હોશમાં આવ્યા...!..હું ફરીથી પરદા પાછળ છુપાઈ ગયો. 

અમિત : એટલે રીટાબેન પિસ્તોલ લઈને નીચે આવ્યા હતા એમને...?! 

મનુ : હા...આ હતો એકદમ ફુલપ્રુફ મર્ડર પ્લાન...! 

અમિત : સોમેશને તો તેના કર્મોની સજા મળી...પણ રીટાબેન તેમજ જગનને ફસાવવાનું કારણ...?! 

મનુ : મેં તે દિવસે તમને એક વાત કહી હતી કે " જેવા સાથે તેવા " થવાય. મેં પણ એવું જ કર્યું છે...!. 

અમિત : મતલબ...? 

મનુ : સર...એ ના જાણો એમાં જ ભલાઈ છે. બસ એટલું સમજો ગુનાખોરી માં રીટાબેન અને જગનસિંહ , એડવોકેટ સોમેશ પ્રજાપતિ કરતા ઘણા આગળ હતા...!. 

 

 

સમાપ્ત 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ