વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એનિમલ ફાર્મ

પુસ્તક : એનિમલ ફાર્મ

લેખક : જ્યોર્જ ઓરવેલ

અનુવાદક : સ્વેતા પરમાર

(એનિમલ ફાર્મનો વિચાર - જ્યોર્જ ઓરવેલે એકવખત જોયું કે દસ બાર વર્ષનો એક છોકરો ઘોડાગાડી લઈને જઈ રહ્યો હતો. તેના હાથમાં એક ચાબુક હતી. એ ચાબુક તે જરૂર હોય કે ના હોય ઘોડા પર વિંઝતો હતો. આ દ્રશ્ય જોઈને જ્યોર્જ ઓરવેલને વિચાર આવ્યો કે સદીઓથી માણસજાત ચાબુકના જોરે પ્રાણીઓને ગુલામ બનાવીને બેઠી છે. આ અત્યાચારથી કંટાળીને કોઈવખત પ્રાણીઓ માનવ વિરૂદ્ધ બળવો કરે તો? બસ આ જ વિચારમાંથી એનિમલ ફાર્મનું સર્જન થયું છે.)

આ નવલકથાની મુખ્ય વિશેષતા એ છે કે અહીં પાત્રો મનુષ્ય નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓ છે. લેખકે પ્રાણી અને પક્ષીઓના સહારે આખી નવલકથાને આકાર આપ્યો છે. કથાની શરૂઆત મનોર ફાર્મમાં થાય છે જે પાછળથી એનિમલ ફાર્મ તરીકે ઓળખાય છે. મિ.જોન્સ મનોર ફાર્મનો માલિક છે અને તે ખેતી તથા પશુપાલનનું કામ કરે છે. મનોર ફાર્મમાં મિ. જોન્સે ડુક્કર, ઘોડા-ઘોડી, મરઘી, બકરી, ગાય, ભેંસ, કૂતરા, કબૂતર વગેરે પ્રાણી પક્ષીઓ પાળ્યા છે.

બાબા મેજર એક વૃદ્ધ ડુક્કર છે. જે પ્રાણીઓની સ્વતંત્રતા અને સ્વરાજની સ્વપ્ન જોવા છે અને સ્વરાજ માટે કેટલાક નિયમો બનાવે છે.

નેપોલિયન એક ખૂંખાર દેખાતું ડુક્કર છે. જે છળકપટ દ્વારા સત્તામાં આવે છે ને જાનવરોને પોતાની જાળમાં બહુ આસાનીથી ભેળવીને તેમના પર રાજ કરે છે.

સ્નોબોલ એક ડુક્કર છે. જે મિ.જોન્સને હાંકી કાઢ્યા બાદ નેપોલિયનનું હરીફ છે.

બોક્સર એક વફાદાર, મજબૂત, લીડર પ્રત્યે સમર્પિત, દયાળુ, ઈમાનદાર અને અત્યંત મહેનત કરનાર ઘોડો છે. તે ખેતીના કામમાં પોતાનો મહત્વનો હિસ્સો આપે છે. એને વિશ્વાસ અપાવવામાં આવે છે કે "નેપોલિયન સાચો છે". અને તે અંત સુધી એ વાક્ય અનુસરે છે અને બીજાને કહેતો આવે છે.

સ્ક્વિલર નેપોલિયનના પ્રચારમંત્રી અને સેનાપતિ તરીકે કામ કરતું એક સફેદ મોટું ડુક્કર છે.

મીનીમસ એક કાવ્ય લેખક છે. જેણે એનિમલ ફાર્મ માટે બીજા અને ત્રીજા રાષ્ટ્રગીતની રચના કરી. જે "ઇંગ્લેન્ડ કે જાનવરો" ગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારબાદ લખવામાં આવેલા.

આ સિવાય પણ કેટલાક મહત્વના અને સાઈડ કેરેક્ટર નવલકથામાં છે.

મિ.જોન્સ દ્વારા ફાર્મના પ્રાણી અને પક્ષીઓની સારી સારસંભાળ અને સમયસર ખોરાક મળતો નથી એટલે પ્રાણીઓ સ્નોબોલ અને નેપોલિયન નામના બે ડુક્કરોના નેતૃત્વ હેઠળ મિ.જોન્સ વિરૂદ્ધ બળવો પોકારે છે. મિ.જોન્સને ફાર્મમાંથી હાંકી કાઢે છે અને ત્યાં પોતાની સરકાર સ્થાપિત કરે છે. આ ક્રાંતિનો સર્વપ્રથમ વિચાર વૃદ્ધ મેજર (ડુક્કર) ને આવ્યો હતો. એટલે તેમણે કેટલાક નિયમો બનાવ્યા હતા.

૧. જે પણ બે પગ પર ચાલે છે તે દુશ્મન છે.

૨. જે પણ ચાર પગ પર ચાલે છે અથવા જેને પાંખો છે તે દોસ્ત છે.

૩. કોઈપણ જાનવર કપડાં નહીં પહેરે.

૪. કોઈપણ જાનવર બિસ્તર પર નહીં સુવે.

૫. કોઈપણ જાનવર શરાબ નહીં પીવે.

૬. કોઈપણ જાનવર કોઈ બીજા જાનવરને નહીં મારે.

૭. દરેક જાનવર એક સમાન છે.

આ નિયમો પર એનિમલ ફાર્મનું કાર્ય આગળ વધે છે. સ્નોબોલ અને નેપોલિયનની રાજકીય મહત્વાકાંક્ષા ચરમસીમાએ પહોંચે છે. એક સમયે નેપોલિયન પોતાની કૂતરાની સેના દ્વારા સ્નોબોલને ભગાડી મૂકે છે અને એનિમલ ફાર્મ પર પોતાનું રાજ સ્થાપિત કરે છે ને જાતે જ ફાર્મનો વડો બને છે. ધીરે ધીરે એ એનિમલ ફાર્મ માટે બનાવેલ દરેક નિયમોને બાજુ પર કરતો જાય છે. તે પોતાના સ્વાર્થ ખાતર નિયમો બદલીને એનિમલ ફાર્મ પર રાજ કરે છે.

અહીં પ્રાણીઓને માત્ર વાત કરતા જ નહીં પરંતુ મનુષ્યની જેમ ખેતી કરતા, યુદ્ધ કરતા, યોજનાઓ ઘડતા પણ બતાવાયા છે. અહીં જાનવરો બંદૂકધારી મનુષ્ય વિરુદ્ધ યુદ્ધ પણ જીતે છે અને મનુષ્યને પરાસ્ત પણ કરે છે. યુદ્ધમાં ઉત્તમ પ્રદર્શન કરનાર જાનવરને પુરસ્કૃત કરીને સમ્માન પણ આપવામાં આવે છે. પોતાના રાજ્ય માટે નવા નિયમો પણ ઘડવામાં આવે છે. એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે જેનું દરેક જાનવરે પાલન કરવાનું હોય છે. સમાનતાના સિદ્ધાંત પર શરૂ થયેલી કથા અંતે ક્યાં જઈને અટકે છે એ જાણવા સુધીની સફર અત્યંત રોમાંચક છે.

નવલકથાનું વિશ્વપ્રસિદ્ધ વાક્ય :

# દરેક જાનવર સમાન છે, પણ કેટલાક જાનવર અન્ય કરતા વધારે સમાન છે.

બસ આ જ રીતે આજકાલ નેતાઓ સામાન્ય જનતાને પોતાની વાતોમાં ભેળવીને રાજ કરે છે. આમ જનતા માટે તો સત્તાઓ બદલાય છે, સત્તાધીશો બદલાય છે પણ દિવસો એના એ જ. એ ક્યાં ક્યારેય બદલાય છે! ક્રાંતિના વિચારો દ્વારા યુવાનોને પ્રેરણા આપનારા નવા નેતાઓ પર સત્તાની, પૈસાની ભૂખ કેમ હાવી થઈ જાય છે? નેતાઓ આવે છે ને નવા નવા વાયદાઓ આપે છે. જનતા કેમ આ વાયદાઓ સરળતાથી ને ટુંક સમયમાં ભૂલી જાય છે? તેમની યાદશક્તિ આટલી ટુંકી કેમ છે?

જ્યોર્જ ઓરવેલ દ્વારા લિખિત મૂળ કૃતિ "Animal farm" નો સ્વેતા પરમારે હિન્દી ભાષામાં ખૂબ જ સરળ શબ્દોમાં અનુવાદ કર્યો છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ