વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુલાકરમ


               મિત્રો, કલ્પના કરો કે તમે એક એવા સમાજમાં જીવી રહ્યા છે કે જેમાં તમારી મા, બહેન, દિકરી, મિત્ર, પ્રેમાકા કે તમને પોતાને પોતાના સ્તન ઢાંકવાનો અધિકાર નથી! જો કમરથી ઉપર કપડા પહેરવા હોય તો એના માટે ટેક્સ આપવો પડે! આ ટેક્સ પણ એટલા માટે ચૂકવવો પડે કે જે તે વ્યક્તિ કોઈ એક ખાસ જાતિમાં જન્મી હોય! કલ્પના કરવી પણ ધૃણાસ્પદ લાગે છે ને? તો હવે એનાથી પણ શરમજનક વાત - આ ટેક્સની રકમ એના સ્તનના આકારની માપણી કરીને એ આકાર મુજબ લેવામાં આવે! અને આ માપણી પણ કોઈ પુરુષ અધિકારી કરવા આવે તો? ખરેખર કલ્પના પણ ધ્રુજાવી જાય છે. આ બધું રાજાશાહી વખતના ભારતના સૌથી અમીર રાજ્ય, સૌથી પૈસાદાર, સુખી-સંપન્ન અને શિક્ષિત રાજ્ય ત્રાવણકોરમાં ચાલતું હતું. જે આજે કેરળ તરીકે ઓળખાય છે. આ ધૃણાસ્પદ કાયદા અને પરંપરાની સાથે એક વિરાંગનાની કથા પણ જોડાયેલી છે. જેણે એકલીએ આ પ્રથાનો વિરોધ કર્યો, પોતાની જાતનું બલિદાન આપ્યું અને આખરે સત્તાધિસોએ પણ આ કાયદો પાછો ખેંચવા માટે ઝુકવું પડ્યું. તો ચાલો આજે   ઇતિહાસના પાનાઓમાં ધરબાયેલું એક અજાણ્યું પ્રકરણ ખોલીએ.


                    ઈ.સ. 1729 માં હાલના કેરળ રાજ્યમાં એક મહાન સામ્રાજ્યની સ્થાપના થઈ. નામ હતું - ત્રાવણકોર. આ ત્રાવણકોર સમગ્ર ભારતનું એક માત્ર સૌથી વધું શિક્ષિત રાજ્ય હતું અને આજે પણ છે. તો સાથે સાથે આ રાજ્ય સંપતિમાં પણ બાકીના રાજ્યોને ટક્કર મારે એમ હતું. અહીંના મંદિરોમાં પડેલા સોનાના ભંડારો માટે આજે પણ વખણાય છે. બધી રીતે સમૃધ આ ત્રાવણકોર સામ્રાજ્યમાં "મુલાકરમ" (સ્તન ટેક્સ) નામની પરંપરા આ રાજ્યના માથા પર એક કાળા કલંક સમાન હતી. ત્રાવણકોરના કાયદા મુજબ કેટલીક ખાસ જાતિના પુરુષો જો પોતાના માથા પર પાઘડી પહેરે કે અન્ય કોઈ રીતે માથું ઢાંકવાની કોશિશ કરે તો એના માટે એણે ટેક્સ ચૂકવવો પડતો. તો આવી જ રીતે મહિલાઓ જો કમરથી ઉપર કપડું પહેરે તો એણે પણ ટેક્સ આપવો પડતો! આ ટેક્સનું નામ હતું - મુલાકરમ. જેનો અર્થ થાય છે સ્તનટેક્સ. એ સમયે આ જાતિઓમાં મુખ્ય બે જાતિઓનો સમાવેશ થતો, એક એઝવા અને બીજી નાદર. આ બન્ને જાતિની સ્ત્રીઓએ મોટાભાગે છાતીનો ભાગ ખુલ્લો રાખીને જ બહાર નીકળવું પડતું. કારણ કે ટેક્સના પૈસા આપવા તો એમના માટે લગભગ અશક્ય જ હતું. હવે, ગરીબીમાં જીવતી આ સ્ત્રીઓને બે ટંકના ભોજન માટે બહાર તો નીકળવું જ પડે. કદાચ કોઈ પૈસાદાર ઘરની મહિલા હોય તો ઘરમાં રહે તો પણ ચાલે. બહાર જતી આ મહિલાઓના શરીરો પર આસપાસના પુરુષોની ગંદી નજરો મંડરાયેલી રહેતી. જ્યારે અન્ય જાતિની સ્ત્રીઓ પૂરેપૂરા કપડા પહેરીને ચાલી શકતી. આ સ્ત્રીઓની કેવી સ્થિતિ શરમજનક હશે? એમની માનસિક સ્થિતિ કેવી હશે? કે જેને માત્ર એક ખાસ જાતિમાં જન્મી હોવાથી પૂરા કપડા પહેરવાનો, પોતાની ઈજ્જત ઢાંકવાનો પણ અધિકાર નથી!


                 ત્રાવણકોરમાં એ સમયે મંદિરમાં જવા માટે તો બધી જાતિની સ્ત્રીઓ માટે પણ આ જ પરંપરા લાગુ પડતી. પણ અહીં પણ પૈસાદાર ઘરની સ્ત્રીઓ ટેક્સ આપીને આ કાયદામાંથી મૂક્ત થઈ શકતી. જ્યારે ગરીબ સ્ત્રીઓએ પૂજારી સમક્ષ અર્ધનિર્વસ્ત્ર અવસ્થામાં જ જવું પડતું. ત્રાવણકોરમાં ઈ.સ. 1803 સુધા આવા કાયદા અને પરંપરાઓ બેરોકટોક ચાલ્યા. આખરે ઈ.સ. 1803 માં પુરુષોની ગંદી નજરોથી તંગ આવી ચૂકેલી એઝવા જાતિની નાંગેલી નામની એક સ્ત્રીએ બંડ પોકાર્યું. એણે પોતાની છાતી ઢાંકીને બહાર નીકળવાનું શરૂ કર્યું. આથી ઊંચી જાતિના પુરુષોના પગેમાં તેલ રેડાયું. એમણે નાંગેલીની છાતી પરનું આ કપડું હટાવી લેવા ખૂબ કાવાદાવા કર્યા. ઝેરીલી નાંગણ જેવી નાંગેલી આગળ કોઈનું કંઈ ન ચાલ્યું. રાજનો કાયદો હતો કે આ રીતે કપડું પહેરે તો ટેક્સ ભરવો પડે. અને નાંગેલી પોતાની છાતી ઢાંકીને બહાર પણ જતી અને ટેક્સ પણ નહોતી આપતી. તો હવે ઊંચી જાતિના  પુરૂષોની ખટપટથી આખરે વાત ઉપરી અધિકારીઓ  સુધી પહેચી. વાત વધું વણસી અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાવા લાગી. આથી એક દિવસ ટેક્સ અધિકારી ટેક્સ લેવા માટે નાંગેલી પાસે પહોંચ્યો.


                 ટેક્સ અધિકારી દ્વારા દર અઠવાડીયે આ ટેક્સનું ઉઘરાણું થતું. મુલાકરમની (સ્તન ટેક્સ) રકમ કેળના પાનમાં આપવામાં આવતી. ટેક્સ અધિકારી બપોરના સમયે નાંગેલીના ઘરે પહોંચ્યો અને ટેક્સની માંગણી કરી. અહીં પણ એણે ટેક્સની રકમ નક્કી કરવા બધાની હાજરીમાં પોતાના સ્તન બતાવવા પડ્યા! થોડીવારમાં નાંગેલી ઘરમાં અંદર ગઈ. અધિકારીને લાગ્યું કે એ પૈસા લેવા ગઈ હશે. પણ એ જેવી બહાર આવી કે બધાની આંખો ફાટી પડી! નાંગેલી પોતાનું એક સ્તન કાપીને કેળના પાનમાં રાખીને આંખોમાં અંગારા ભરીને સામે ઊભી હતી! આ ઘટના પછી એ જ દિવસે વધુ પડતું લોહી વહી જવાથી એ વિરાંગના શહીદ થઈ ગઈ. કહેવાય છે કે સ્મશાનમાં એની ચિતા પર ચડીને એના પતિએ પણ પ્રાણની આહુતિ આપી. સતીપ્રથાનો ચલણમાં હતી પણ પોતાની પત્ની પાછળ જીવ આપનાર એ પ્રથમ પુરુષ હતો. ઇતિહાસ ગવાહ છે કે  કોઈપણ કુપ્રથા ખતમ કરવા માટે, સમાજમાં બદલાવ લાવવા માટે માણસે આખી જિંદગી ખર્ચી નાંખવી પડે છે. પણ અહીં નાંગેલીએ તો પોતાના જીવની જ કુરબાની આપી દીધી. પણ એની આ કુરબાની વ્યર્થ ન ગઈ. આ ઘટના પછી સમગ્ર ત્રાવણકોરમાં આ વાત ફેલાઈ ગઈ. ઠેકઠેકાણેથી એઝવા જાતિનો વિરોધનો સૂર બુલંદ થતો ગયો. આખરે રાજાએ પણ નમતું જોખવું પડ્યું. ત્રાવણકોરમાં આ શરમજનક પ્રથામાંથી એઝવા જાતિને મૂક્તિ મળી ગઈ. કેરળમાં આજે પણ એક હાથમાં ધારધાર દાતરડું અને બીજા હાથમાં કેળના પાનમાં કાપેલા સ્તન સાથે લોહીલુહાણ હાલતમાં ઊભેલી નાંગેલીની મૂર્તીની પૂજા થાય છે. વર્ષોથી ચાલી આવતી આ ધૃણાસ્પદ પ્રથાનો આખરે ઈ.સ. 1803 માં જઈને અંત આવ્યો. પણ આ અંત માત્ર એઝવા જાતિ માટે હતો. બાકીની નાદર જેવી જાતિઓ માટે તો હજુ પણ આ પ્રથા ચાલું જ હતી.


                  નાંગેલીના બલિદાન પછી નાદર જાતિ પણ હરકતમાં આવી અને પોતાના અધિકાર માટે બળવો કરવા લાગી. એ સમયે ત્રાવણકોરની બાજુમાં  હાલના કર્ણાટક, તમિલનાડુ અને અન્ય કેટલાક વિસ્તારોમાં મદ્રાસ પ્રેસિડેન્સીનો સૂર્ય ચમકતો હતો. એ વખતે મદ્રાસ પ્રેસિડન્સી બ્રિટિશ સાશનનો ગઢ બની ચૂકી હતી. નાદર જાતિના લોકોએ આ મુલાકરમથી બચવા એક વચલો રસ્તો કાઢ્યો. એ લોકો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા લાગ્યા. આથી હવે ધર્મ જ બદલાઈ ગયો તો એમની જાતિ પણ મટી ગઈ અને આ કાળા કાનૂનથી પણ મૂક્તિ મળી ગઈ. કેરળમાં એ સમયે ખૂબ મોટાપાયે ધર્મપરિવર્તન થયું. નાદર જાતિના લોકોને એક વચલો રસ્તો ચોક્કસથી મળ્યો પણ પોતાના જ ધર્મનું પાલન કરતાં રહીને આ મુલાકરમથી બચવાનો કાયમી ઉકેલ હજુ સુધી નહોતો મળ્યો. ઘણાં બળવાઓ થયા અને હિંસક દંગાઓ પણ ફાટી નીકળ્યા. આ મુદ્દો પણ ધીમેધીમે રાજા સુધી અને ત્યાંથી આખરે સમગ્ર મુદ્દો મદ્રાસના ગવર્નર ચાર્લ્સ ત્રેવેલિયન (Charles Trevelyan) સુધી પહોચ્યો. આ બધું થતાં સુધીમાં નાંગેલીના બલિદાન પછી પણ લગભગ 46 વર્ષ વીતી ગયા હતા. 1857 ની ક્રાંતિ પછી ઈ.સ. 1858 માં આખા ભારતમાં બ્રિટિશ સાશન સ્થપાઈ ચૂક્યું હતું. જેથી મદ્રાસના ગવર્નર પણ આ પ્રથા નાબુદી માટે ત્રાવણકોર પર દબાણ કરી શક્યા. અને છેક ઈ.સ. 1859 માં જઈને આ પ્રથા સંપુર્ણ નાબુદ થઈ.


                    ત્રાવણકોરમાં ઈ.સ. 1959 માં મુલાકરમની પ્રથા કાયદેશર રીતે તો નાબુદ થઈ ગઈ પણ કેટલાક વિસ્તારોમાં નાબુદી પછી પણ નાદર જાતિનો સંઘર્ષ ચાલુ જ રહ્યો. ઘણા વિસ્તારોમાં આ પ્રથા ચાલુ રહી તો ઘણા વિસ્તારોમાં વિરોધ કરીને છાતી પર કપડું ઢાંકીને બહાર નીકળનાર મહિલાઓ પર બળાત્કાર જેવા અત્યાચારો પણ થયા. કેટલાક મુદ્દા કોર્ટમાં પણ પહોંચ્યા અને આવું કરનાર લોકો દ્વારા આ સ્ત્રીઓએ પરંપરાનો ભંગ કર્યો હોવાના લીધે એમના પર થયેલા અત્યાચારો યોગ્ય હોવાના મતો પણ વ્યક્ત થયા! છેક ઈ.સ. 1924 સુધી ત્રાવણકોરમાં આ પ્રથા અને સ્ત્રીઓ પરના અત્યાચારો ચાલુ રહ્યા. ઈ.સ. 1924 પછી ત્રાવણકોરમાં આ કુપ્રથા સંપુર્ણ રીતે નાબુદ થઈ.


                    મોટાભાગે આ પ્રથાનો ઉલ્લેખ કાયદેશરના ઇતિહાસ લેખનમાં જોવા મળતો નથી. જોકે આપણે અહીં કાયદેશર ઇતિહાસ લેખનની પરંપરા જ બહું ઓછી જોવા મળી છે. પણ કેરળમાં નાંગેલીની મૂર્તિ અને સ્થાનિક લોકોની વાતો પરથી આ ઇતિહાસની પુષ્ટી થાય છે. The National Council of Educational Research and Training ની (NCERT) એક બુકમાં પણ આ બાબતને ઉજાગર કરતું એક પ્રકરણ હતું - "Cast conflict" પાછળથી ઈ.સ. 2016 માં દક્ષિણ ભારતની  કેટલીક રાજનૈતિક પાર્ટીઓના વિરોધના લીધે મદ્રાસ હાઈકોર્ટે આ પ્રકરણ ભણાવવા પર પ્રતિબંધ મૂક્યો અને આ પ્રકરણ હટાવવામાં આવ્યું.



ભગીરથ ચાવડા

bhagirath1bd1@gmail.com

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ