વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું પુરબ મેં પશ્ચિમ - કલકત્તાની પ્રવાસ યાત્રા

આ પ્રવાસલેખ પ્રો. અનુપમ બુચ એ લખેલ છે. તેઓ અંગ્રેજીના પ્રોફેસર, જાહેરાત લેખક, કુશળ બ્લોગર અને લેખક છે. તેમનાં બે પુસ્તકો 'ધુમાડા વિનાની ધૂણી' અને 'તણખા વિનાનું તાપણું' પ્રસિદ્ધ થયેલ છે જે માત્ર ફેસબુક પોસ્ટ્સ નું કલેક્શન છે .
અહીં તેમની આગવી શૈલીમાં કલકત્તા પ્રવાસનું વર્ણન છે જે તેમની મંજૂરીથી હું રજુ કરું છું.


1.

તૂ પૂરબ, મૈં પશ્ચિમ! (ભાગ-૧)©


દરેક દિવાળી સરખી નથી હોતી, અને ન હોય તો ખોટું પણ નથી. 


મેં આગોતરી રજાચિઠ્ઠી અને ક્યાંક ભાગી જવાની ગર્ભિત જાસાચિઠ્ઠી મૂકી'તી અને અમે આ દિવાળી દરમ્યાન અમદાવાદનાં સીસીટીવી કેમેરાઓથી દૂર સરકી જવાનું આયોજન કરી રાખ્યું'તું. વાત થોડીઘણી લીક પણ થઈ ગઈ'તી, જે કંઈ નવું ન કહેવાય.


અમે જ્યાં હતા ત્યાં અમારે માટે 'બધું નવું' હતું એટલે દિવાળી હતી. હા, રંગો, ફટાકડા, રોશની, નવાં કપડાં, બજારોમાં ગીર્દી કે પરંપરાગત નાસ્તા નહોતા છતાં દિવાળી હતી. દિવાળી અને બેસતા વર્ષની શુભેચ્છાઓની અપ-લે તો કરવી જ હોય, પણ...ચાર દિવસ શ્વાસ લેવાની ફૂરસત જ ક્યાં  હતી? તમે જ કહેશો, 'સાચી વાત. આમાં સમય ક્યાંથી મળે?' તો સાહેબ, સામે બિરાજો. ૠષી ઉવાચ:


સામાન્ય રીતે આસ્તે આસ્તે નીચે ઊતરતા એરક્રાફ્ટમાંથી નજર ફેંકો ત્યારે દૂર દૂર દેખાતાં લીલાં ખેતરો અને સાવ નીચે ચળકતાં કાચનાં ગગનચૂંબી ખોખાંનું જંગલ દેખાય. અહીં દ્રશ્ય જુદું હતું. નીચે અસંખ્ય ટચૂકડાં તળાવો, નાનાં મોટાં ભૂખરાં ગીચ મકાનો અને ઠેકઠેકાણે સફેદ ગુંબજો અને પિલર્સવાળી બેનમૂન ઈમારતોનું વિહંગવાલોકન કરવા મળ્યું. કંઈક જુદું, અનોખું, નવું લાગ્યું. અંદરથી કેવું હશે આ શહેર? તો સાહેબ, આવું લાગ્યું કોલકોતા...


મને તો 'જાલમૂરી' ભરેલું છાપાનાં કાગળનું ટચૂકડું બાઉલ ગમ્યું. અને એથી ય વિશેષ ગમી 'જાલમૂરી' ખાવાની નિર્દોષ પદ્ધતિ. એક હથેળીમાં કાગળિયું બાઉલ અને બીજા હાથની પાંચ આંગળથી પકડી, ક્રેનની જેમ ઊંચા કરેલા હાથે, આકાશ ભણી ખૂલ્લા મોઢામાં 'જાલમૂરી' સ્વાહા! જેમ શર્ટ પર ચાસણીનું ટીપું પાડ્યા વિના, બે આંગળીયે ખૂલ્લા મોઢામાં મૂકાતો રસ ટપકતો 'રસોગૂલો' સ્વાહા!


'જાલમૂરી(ડી)'ની રેસિપી મેં હૂગલીની ફેરીનાં 'બાબુરાવ' સ્ટેશને શંભૂને પૂછી પણ એના ખૂમચાનાં દીદાર જોતાં ખાધી તો પોશ 'પાર્ક સ્ટ્રીટ'ને મળતી એક ગલીનાં વળાંક પર. હાલતાં-ચાલતાં ખવાતું રાયનાં તેલનાં આછા કોટિંગવાળી અનોખી ભેળ ઝીણી મમરી, ચનાચૂર અને શીંગ અથવા બોમ્બે મિક્સ, બોઇલ્ડ પોટેટો, ઝીણાં સમારેલ ટમેટાં, કાંદા, કાકડી, નાળિયેર, ધનિયા. ઊપરથી મીઠું-મરચું-સ્પાઈસી મસાલો અને લીંબુ. મીઠી ચટણી નહીં. 'જાલ' એટલે જ તીખું તમતમતું! સિસકારા બોલાવતા જાવ અને ફાકા ભરતા જાવ. ચટાકેદાર!©


બિસ્લેરીની અર્ધી બોટલ ગટગટાવી ગયા પછી 'કૂછ મીઠા હો જાય'ની તિવ્ર ઈચ્છા થઈ'તી પણ અમે ઘેરથી નીકળ્યાં ત્યારે ટ્રાવેલિંગ દરમ્યાન ખાવા માટે ખરીદી રાખેલી ડાર્ક ચોકલેટ 'ઘરને તાળું મારતી વખતે ફ્રીજમાંથી કાઢી લઈશું'નું ડહાપણ છેક ત્યારે યાદ આવ્યું.


સારું થયું 'પાર્ક હોટેલ'થી થોડે જ દૂર ગયા ત્યાં કોલકતાની જ નહીં, વેસ્ટ બેંગોલની નં.૧, ચોરાણું વર્ષ જૂની મશહૂર પેસ્ટ્રી/બેકરી/કેક શોપ 'ફ્લરીઝ' Flurys પહોંચી ગયાં. ક્વોલિટી પેસ્ટ્રી અને ચોકલેટને ન્યાય આપ્યો અને પેક પણ કરાવ્યાં. સદનસીબે રજાનો દિવસે હતો એટલે પાર્કિંગ કે ટ્રાફિક સમસ્યા નહોતી. આસપાસ હાઈ એન્ડ ગાડીઓનો જમાવડો અને અંગ્રેજીમાં ભીખ માગતી એક વૃધ્ધાને જોઈ 'શિક્ષિત' અને 'પોશ' કોલકોતાની ક્ષણિક ઝલક જોવા મળી ખરી. 


હા, હવે આગળ. શિક્ષણ, સાહિત્ય, કલા અને સંગીત ક્ષેત્રે હંમેશાં અવ્વલ ગણાતું કોલકોતા. 'નેશનલ લાયબ્રેરી'ની ભવ્ય ઈમારત ફક્ત બહારથી જોયાનો સંતષ લીધા પછી અનાયાસે સાક્ષર કોલકોતાની 'કૉલેજ સ્ટ્રીટ' પર લટાર મારવાની તક મળી.#Anupam_Buch આ સાંકડા રસ્તાની બન્ને તરફ આ શહેરને મળેલો અઢળક પુસ્તકો અને સાહિત્ય વાંચનનો વારસો ધબકતો જણાયો. ૬×૩×૪ અને ૭×૪×૪ ની સાઈઝની દોઢસોથી વધુ જૂના અને અલભ્ય પૂસ્તકોની હારબંધ દુકાનોનું વિશાળ બજાર જોઈ મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. પાર્કિંગની મૂઝવણને કારણે પુસ્તક ખરીદી ન શક્યો કે ફોટો પાડી ન શક્યાનો રંજ પરહી ગયો.©


ખરેખર મારે વાતની શરૂઆત કોલકોતાની સાચી ઓળખ, ગૌરવ અને યશકલગી સમા 'બેલૂર મઠ'થી કરવી જોઈએ. સ્વામી વિવેકાનંદ દ્વારા હુગલી નદીનાં પશ્ચિમી કિનારે સ્થાપવામાં આવેલ 'રામકૃષ્ણ મઠ'ની ઓળખ શું આપવી? યાત્રાધામ? આધ્યાત્મિક કેન્દ્ર? મંદિર? શૈક્ષણિક સંકુલ? આશ્રમ? ખરું પૂછો તો આ કોઈ જગ્યા નથી, એક મિશન છે, એક ઇન્ટિટ્યૂશન છે. અમે ખૂલ્લા પગે, મોબાઈલ વિના, દોઢ કલાક સુધી પરમહંસ, મા શારદા દેવી અને વિવેકાનંદનાં ધ્યાનખંડ અને સમાધિ સ્થળનાં દર્શન કરી કૃતાર્થ થયા. 


આમ્રકુંજ અને બાગ-બગીચાની ખૂલ્લી જગ્યા સામે હુગલીનાં વહેતાં નીર, નિરવ શાંતિ અને અમે. એ અનુભૂતિ જ અનોખી અને અલૌકિક હતી. પતાસાંનો પ્રસાદ લીધો ત્યારે એક જ વિચાર આવ્યો કે સાત-સાત દાયકા સુધી ફક્ત ઇતિહાસના પાનાં પર સ્કેચ, દીવાલો પર ફોટા, રસ્તાઓ પર પૂતળાં, ગિફ્ટ શોપમાં રેપ્લિકા અને સુવેનિયરમાં જોયેલ સ્વામી વિવેકાનંદનો અમે સાક્ષાત્કાર કરી શક્યા. શહેરની મધ્યે ગૌરમોહન સ્ટ્રીટમાં આવેલ જન્મ સ્થળ જોવા ઉપરાંત સ્વામીજી સમાધિલીન થયા એ પાવન ભૂમી 'બેલૂર મઠ' પહોંચ્યાની અમે ધન્યતા અનુભવી. 


કોલકોતા એટલે મૂઠી ઊંચેરા મહામાનવોનું શહેર. આપણને નોબલ પુરસ્કૃત પૂજ્ય રવિન્દ્નાથ ટાગોર અને આઝાદીના ઘડવૈયા નેતાજી સુભાષચન્દ્ર બૉઝનું સ્મરણ થઈ આવે. ટાગોર અને સુભાષચન્દ્રની જન્મભૂમિ અને કર્મભૂમિની રૂબરુ મુલાકાત લીધા વિના કોલકોતાનો ફેરો વિફળ જ ગણાય. જુનાં કોલકોતાની ગલીઓમાં વંદનીય નેતાજીનાં નિવાસ્થાન તથા મહોદય રવિન્દ્રનાથનાં નિવાસ્થાન અને ઐતિહાસિક રંગમંચ સામે (જોરાસાંકો ઠાકુરબારી) ઊભાં રહ્યાં ત્યારે બંગાળનાં અદના સાહિત્યકારની સંવેદના પ્રગટાવવા સમર્થ કલમ અને આઝાદ હિંદનાં પ્રથમ ફૌજીની તીખી તલવારની તાકાતની સાંભળેલી અને વાંચેલી વાતો તાદ્રષ્ય થઈ. જેમને માત્ર ભણ્યા અને પૂજ્યા હોય એમને રૂબરુ મળ્યા તુલ્ય અનુભવ કરીએં ત્યારે રોમાંચિત થઈ જવાય. કહો, ભીતરે અલૌકિક અજવાળાં પથરાયાં.©


કોલકોતા દેશનું એક એકથી ચઢિયાતી અનેક ઐતિહાસિક ઈમારતોનું એક માત્ર શહેર છે. બસ, આવા ઠાઠમાઠ અને રોનકમાં એ મુંબઈ, દિલ્હી, ચેનાઈ કે બેંગલોરની આધુનિક ઝાકઝમાળથી જુદું પડે છે. બ્રિટીશરોએ કોલકોતાને પ્રથમ કેપિટલ બનાવ્યું ન હોત તો કદાચ આ શહેરને બેનમૂન ઈમારતોનો વારસો મળ્યો ન હોત. તો આ શહેરમાં શું બચ્યું હોત એ કલ્પના કરવી દુષ્કર છે. બ્રિટીશ સ્થપતિ દ્વારા નિર્મિત પશ્ચિમી, મોગલ, ઈજીપ્તશીયન અને ભારતીય સ્થાપત્યકલાના સુભગ સમન્વય સમી ભવ્ય ઈમારતોનો વારસો સાચવી બેઠું છે આ શહેર. હું વર્ણવી શકું તેના કરતાં અનેક ગણી માહિતીસભર અને વિસ્તૃત વાતો ગૂગલ કરે જ છે.  


મારે સૌથી પહેલો ઉલ્લેખ ભવ્યાતિભવ્ય 'વિક્ટોરિયા મેમોરિયલ'નો કરવો પડે. આ મેમોરિયલમાં તાજમહાલ જેવા જ 'મકારાના' માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે આ ડ્રીમ બિલ્ડીંગ સવારના ભાગમાં નિરાંતે નિહાળ્યું અને રાત્રે પણ ખાસ લટાર મારવા નીકળ્યાં'તા. મુલાકાતીઓમાં મધ્યમવર્ગીય 'પબ્લિક' વધુ જોવા મળી. બે-ચાર અમારા જેવા વિઝિટર્સ પણ ખરા. સાંકળ બાંધેલ લોખંડનો મુખ્ય દરવાજો, અંદર નાનામોટા ગોળ કાંકરા પર ચાલવું પડે, અંદર-બહારની શુષ્કતા અને બહાર આંખને ન ગમે એવી ડેકોરેટિવ 'લાઉડ' બગીઓની રાઈડ લેતી 'પબ્લિક'. મને તો એક ઐતિહાસિક ઈમારતને છાજે એવું વાતાવરણ લાગ્યું નહીં. ખેર, રાત્રિ પ્રકાશમાં આ સ્મારક ખરેખર રોયલ અને મનમોહક લાગે છે અને બ્રિટિશ યુગની શાનની પ્રતીતિ કરાવે છે. 


કલકત્તાની શાન અને અભિમાન લઈ શકાય એવું આંતરરાષ્ટ્રિય સ્મારક જોયું ત્યારે હું વિચારમાં અટવાઈ ગયો કે શું આખું કોલકોતા શહેર આટલું બધું સમૃદ્ધ હશે? શું આખું કોલકોતા શહેર અન્ય શહેરોનાં રહીશોને ઈર્ષા થાય એવું તવંગર હશે? હજુ તો શરૂઆત થઈ! ઉત્સુકતા અને ઈંતઝાર લઈ આરંભેલ અમારી યાત્રા આગળ વધે એટલે ખબર...

(ક્રમશ:)

#Kolkota #Anupam_Buch

2.

તૂ પૂરબ, મૈં પશ્ચિમ! (ભાગ-૨)©


અમારી યાત્રા આગળ ચાલી. અટકવાનું મન ન થાય એ જ યાત્રા સાચી. એક પછી એક સામે આવતી શાહી ઈમારતો કંઈ ને કંઈ બોલતી'તી. અમે સ્થાપત્યકલાનું વૈવિધ્ય, બાંધકામની શૈલી, એક એક ઈમારતનું અપ્રતિમ સૌંદર્ય અને ખાસિયતો સમજવામાં મશગુલ હતાં. કેટલીક મહત્વની અને મૂલ્યવાન ઈમારતો નજીકથી નિહાળવાનો લાભ લીધો અને ફોટાઓ પણ પાડી શક્યા. કેટલીક ઈમારતો પસાર થતાં ઓળખી. આવો સમૃધ્ધ વારસો કોલકોતાને મળ્યો એ વાતનું ગૌરવ લેવું કે ઈર્ષા કરવી?


નેશનલ લાયબ્રેરીની વિશાળતા(લાયબ્રેરીનું સાચું સૌંદર્ય અંદર હોય), જબરજસ્ત સેન્ટ પોલ કેથેડ્રલ (અમે દૂરથી જ જોઈ શક્યાં), માર્બલ પેલેસ મેન્શન અને ટાઉન હોલનાં અદભૂત પિલર સ્ટ્રક્ચર, બધું સંગેમરમર! રાજસ્થાની લાલ-આઈવરી પથ્થરની બનેલી અને બેલ્જીયમ સ્થાપત્યની દેશની સૌથી પહેલી અને જૂની કોલકતા હાઈકૉર્ટની  ઈમારત આજે પણ અડીખમ ઊભી છે, જાણે ગઈ કાલે બંધાઈ ન હોય! ગવર્નર હાઉસ, જીપીઓ, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા, રાઈટર્સ બિલ્ડિંગ, વિધાન સભાની ઈમારત, ફૉર્ટ વિલિયમ્સ, ગ્રેટ ઇસ્ટર્ન હોટેલ, ઇસ્ટર્ન રેલવેનું વડાં મથક, બિરલા હાઉસ, બિરલા પ્લેનેટોરિયમ, બિરલા મ્યૂઝિયમ...લગભગ બધી ઈમારતો નજીકથી નિહાળવાનો અનુભવ એટલે જાણે શિવરાત્રીનાં મેળામાં "....યે કુતુબ મિનાર દેખો, યે તાજ મહાલ દેખો...યે જંતરમંતર દેખો..." લાકડાની ઘોડી ઊપર ગોઠવેલા બોક્સ(વ્યૂ માસ્ટર)નાં ગોળ કાચમાંથી એક પછી એક બદલાતાં પૂઠાંનાં દ્રષ્યો. વાસ્તવમાં અહીં બધું સાક્ષાત હતુ, સન્મુખ હતું. 


સફેદ, બદામી અને લાલ રંગની કેટલીયે આકર્ષક ઇમારતોમાં આજે સરકારી ઑફિસો બેસે છે. હાવરા બ્રીજના એક તરફનાં છેડે એક વિશાળ ઈમારત પર લહેરાતો રાષ્ટ્રધ્વજ જોઈ મેં એક રાહદારીને પૂછ્યું તો જાણવા મળ્યું કે એ રાજ્ય સરકારની વહીવટી કચેરી હતી. કોલકોતાની બેમિશાલ, કલાત્મક અને સ્થાપત્યકલાની દ્રષ્ટિએ આશ્ચર્યજનક ઈમારતો જોતાં એવું લાગે કે કોલકોતાનાં ઐતિહાસિક સ્મારકો હેઠા જીવે નિહાળવા માટે એક અલગ કલાયાત્રા ગોઠવવી પડે.  


કોલકોતાનો 'મૈદાન' વિસ્તાર ખુલ્લોખુલ્લો સુઘડ અને  વૃક્ષાચ્છાદિત લાગ્યો. કોલકોતાનાં મહત્તમ ગીચ અને તરફડતા વિસ્તારને અહીંથી જ ઓક્સિજન મળતો હશે! રેસ કોર્સ, કલબ્સ, ઇસ્ટર્ન નેવલ/ મિલિટરી કમાન્ડ, અને વિવિધ સ્ટેડિયમો. શહેર મધ્યે ઘોડેસવારી! 


બહુમાળી મકાનો વિનાનું આ કોલકોતા અંગ્રેજો છોડી ગયા ત્યારે હશે એ જ દબદબાની ઝાંખી આજે પણ થાય છે. અલબત્ત, આ ઈમારતોનું તેજ ઉચ્ચ ગુણવત્તાનાં માર્બલ, પથ્થર અને બાંધકામને આભારી છે કે જાળવણીને એ પણ તંદુરસ્ત ચર્ચાનો વિષય છે. અત્યારે તો લાગે કે આ વારસો સમયને સદીઓ સુધી હંફાવ્યા કરશે!


મેં તો આગ્રહપૂર્વક ફૂટબોલના મહારથી મોહન બગાન કલબના ગેઈટનો ફોટો પણ લઇ લીધો. મને 'ઈડન ગાર્ડન'નું પ્રવેશદ્વાર સીધું શહેરનાં વ્યસ્ત અને પ્રમાણમાં સાંકડા રસ્તા પર પડતું જોઈ અચરજ થયું.#Anupam_Buch આ પ્રખ્યાત સ્ટેડિયમ અંદરથી જોઈવન શક્યાનો અફસોસ રહી ગયો. ખેર, આ શહેરની અસંખ્ય લેન્ડમાર્ક જગ્યાઓ અંદરથી જોવાનો આગ્રહ રાખવા કરતાં હું 'સમગ્ર કોલકોતા' આંખોમાં ભરી લેવાના મતનો ખરો. કદાચ કશું માણતાં ચૂકી જવાનું આ એક સમાધાન પણ હોય. 


પછી તો અમે નીકળી પડ્યા વિશ્વનુ સૌથી વિશાળ વડનું ઝાડ જોવા. Yes, world's largest Banyan tree! શહેરથી દૂર અનેક પ્લાન્ટ્સની નવતર સ્પેસિસ ધરાવતા સુંદર બોટનિકલ ગાર્ડનમાં આવેલા અઢીસો વર્ષ જુનું અને અધધ ઘેરાવો ધરાવતા આ વડનું મુખ્ય થડ કહેવાઈ જતાં કાપી નાખ્યું છે પણ આ ઈશ્વર સર્જિત ઘટાટોપ શમિયાણો એક અજાયબી જ છે. જો કે મારે કહેવું પડશે કે, અહીં આપણાં કબીરવડની છાયામાં બેસવા, રમવા, ફરવાનો આનંદ નજરે ન પડ્યો. આ ભવ્ય વડ જેલના સળિયા પાછળ નિસાસા લે છે. વડનાં ઘેરાવાની ફરતે કાટ ખાતાં લોખંડનાં જાડા સળિયા અને ભાલાંની ફેન્સિંગ છે અને અંદર વડવાઈઓ ગૂંગળાય છે. આટલે દૂર આવ્યા પછી દસ ફૂટ દૂરથી વડનાં દર્શન કરવાના?


અમને ગુજરાતી વિસ્તારમાં આવેલું કાચનું બેનમૂન જૈન ટેમ્પલ ગમ્યું. સાંકડી ગલીમાં વિશાળ મંદિર જોઈ અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. અકલ્પનિય કાચકામ અને કલાત્મક સ્થાપત્ય શૈલી. અહીં રહેવાની સુવિધા અને નાનું સરખું પોન્ડ પણ છે. મંદિરમાં કાચનાં ગોખમાં અખંડ દિવો કેટલાય દાયકાઓથી બળતો રહ્યો છે. દિવસમાં બે વાર તેલ પુરવામાં આવે છે. દિવાની જ્યોતનો કાર્બન એક પાતળી નળી વાટે કાચનાં બોક્સની બહાર ફેંકાય છે. અદભૂત રચના!  


ગીચ શહેર મધ્યે આવેલા કાલીઘાટ મંદિરમાં દર્શન કરવાં એટલે કોલકોતા આવ્યા હોવાનાં સહી-સિક્કા! અમે રોડ સાઈડ જાદુગરને 'કાલી કલકત્તે વાલી, તેરા વચન ન જાયે ખાલી' બોલતાં ઘણીવાર સાંભળ્યા હશે. અમે વાસ્તવમાં એ જ 'કલકત્તે વાલી', એ જ કાલી માની ભૂમિ પર ક્યારેક હાજરાહજૂર થઈશું એવી કલ્પના પણ ક્યાંથી કરી હોય!©


અમને ડરાવવામાં આવ્યાં'તાં એટલી ભીડ નહોતી. અમને માર્ગદર્શન અને મદદ મળ્યાં એ મુજબ અમે ધરાર વીઆઈપી બની ગયાં. આપણાં કોઈ પણ ધર્મસ્થાનમાં ઈશ્વરને મળવાનું સ્વાર્થ માટે કશુંક 'આઘુપાછું કરવા'નું શ્રધ્ધાળુઓએ સસ્મિત સ્વીકારી લીધું છે. અમે પણ અપવાદ નહોતા. આગોતરી વ્યવસ્થા મુજબ એક 'ટાઉટ' અને એક 'પંડો' અમારા એસ્કોર્ટ બની ગયા. એમનાં ઈશારે અમે એક હાટડી જેવી દુકાનની અંદર પગરખાં ઊતાર્યાં. પ્રસાદ અને ફૂલો ખરીદવા માટે સાંકડી ગલીયારીની હાટડીઓમાંથી આવતી બૂમાબૂમ તરફ કાન બહેરા કરી અમે એસ્કોર્ટ સાથે મૂખ્ય મંદિરમાં દાખલ થયા. 


નીજ મંદિરમાં નીચે ઊતરતાં ધક્કામુક્કી અને શોરબકોર વચ્ચે અમે હટ્ટાકટ્ટા મુખ્ય પૂજારી નજીક ઊભા. ત્યાં પૂજા, ચૂંદડી, અને પૈસાની ખેંચતાણ પણ ચાલી. પૂજારીએ કડકડાટ સંસ્કૃત શ્લોક સાથે અમારા કપાળ પર લાંબો કેસરી ટીકો કર્યો. સાચું કહું તો બે ઘડી માટે અમે બધી દુનિયાદારી, લાચારી અને સાચું-ખોટું ભૂલી જઈ ને એક ભક્તની શુધ્ધ ભવનાથી કાલી માનાં ચરણોમાં પૂરી શ્રધ્ધા સાથે માથાં ટેકવ્યાં અને ઉપર મંદિરમાં બલી ચડાવવાની કંકુભીની લાકડાની થાંભલીઓ પર હાથ ટેકવ્યા. બધું જાણે પળવારમાં બની ગયું. ભય અને રહસ્યો વિરામ પામ્યા. નિરાંતનો દમ લેતાં અમે દાનનાં હક્કદાર પૂજારીને, જરૂરિયાતમંદ 'ટાઉટ'ને, રોજી-રોટી કમાવા કલાકો સુધી ઊઘાડા પગે આમથી તેમ દોડતા રહેતા રહેતા  'પંડા'ને અને અમારાં પગરખાં સાચવનાર ગરીબ દુકાનદારને યતકિંચિત ખૂશ કર્યાનો સંતોષ લઈ નીકળ્યા ત્યારે અમારી યાત્રા ખરા અર્થમાં સંપન્ન થઈ.©


હજી કાલી માની યાત્રા અધુરી હતી. હુગલીનાં કાંઠે આવેલા ભવ્ય દક્ષિણેશ્વરનાં દર્શનનો લાભ લેવાનું કેમ ચૂકાય? બહાર મોબાઈલ જમા કરાવવાની લાઈન, પગરખાં મૂકવાની લાઈન, અંદર મંદિરમાં લાઈન. ધાંધલ ધમાલ અને કાગારોળ તો હોય. આપણાં નીજ મંદિરોનાં પ્રવેશદ્વારો એક સરખાં હોય છે, પછી એ તિરુપતિ બાલાજી હોય, સોમનાથ હોય કે દ્વારિકા હોય. મૂર્તિ કે શિવલીંગ સન્મુખ પહોંચ્યા પછી ચાલતા રહેવાનું અને ભોળો ભગવાન પણ તમને ત્રણ સેકન્ડમાં જોઈ લે એટલે દર્શન સમાપ્ત!


અહીં કાલીઘાટ જેવું તણાવયુક્ત અને ડરામણું વાતાવરણ નહોતું. મંદિરના વિશાળ પટ અને કાંઠા તરફનાં પાંચ શિખરો વચ્ચેથી ચળાઈ, બે કાંઠે વહેતી હુગલીની લહેરો પર સવાર થઈ વાતા પવન, મંદિરની બાંધણી, લોકેશન ત્યાંનું અલૌકિક વાતાવરણ અમને ખૂબ ગમ્યાં. 


દક્ષિણેશ્વર થી બેલૂર મઠ અથવા બેલૂર મઠ થી દક્ષિણેશ્વર બોટ રાઇડ કરવાનો રોમાંચ અનુભવવા અમે તલપાપડ હતાં. નસીબ બે ડગલાં આગળ હશે. બધી સ્પેશ્યલ બોટ બે દિવસ માટે પોલિસ ફૉર્સને શરણે હતી. બેલૂર મઠનો રમણિય કાંઠો અને દક્ષિણેશ્વરનાં આઠ શિખરોનું હુગલીના ઓવારે એલિવેટેડ લોકેશન જોતાં ચોક્કસ કહી શકાય કે એ બોટ રાઈડ અમારી જિંદગીની સૌથી યાદગાર સફર હોત. સાચું કહું છું, સાહેબ! તો મશહૂર ફિલ્મ 'અમર પ્રેમ'નાં અતિ મશહૂર રૉઈંગ બોટનાં દ્રશ્યોનાં પ્રતિબિંબ હુગલીનાં શાંત નીરમાં ફરી એકવાર જીલાયાં હોત!©


મને હાવરા બ્રીજ બોલાવે છે...મને ફાટેલી તાડપત્રીઓ પાછળ કણસતું બંગાળ બોલાવે છે.


ક્રમશ:

#Kolkota #Anupam_Buch

3.

તૂ પૂરબ, મૈં પશ્ચિમ- (ભાગ-૩/અંતિમ)©


તમે હાવરા બ્રીજ, બેલૂર મઠ, જોરાસાંકો ઠાકૂર બારી અને સત્યજિત રેને ઊઠાવી લો અને પછી કોલકોતામાં કંઈ બચે તો કહેજો!


એક ચોખવટ કરી દઉં. કોલકોતા નવ-દસ મહિના પરસેવામાં નીતરતું શહેર છે. અહીંનાં વેધરને ધ્યાનમાં રાખી ને આવવાની હિંમત કરવી.


ખેર, અમે ચાર દિવસમાં હાવરા બ્રીજ બે વખત વખત સવારે અને એક વખત રાત્રે પસાર થયા'તા/જોયો'તો છતાં મનમાં ખણખણો હતો કે હજી અધુરું છે. બોટ કે ફેરીનો મેળ પડે તો વાત જામે. કોલકોતા છોડવાનાં દિવસે બપોરની ફ્લાઈટ પકડતાં પહેલાં સવારે ઘાટ થી ઘાટની વચ્ચે ફરતી ફેરી પકડી. બાબુરાવ ઘાટ થી હાવરા બ્રીજનો છેડો. શરત એટલી જ હતી કે અમારે 'લોકલ પબ્લિક' બની જવું. બોટની બ્યૂટીનું વર્ણન નહીં કરી ને હું આ લોકલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની આમાન્યા રાખીશ. આવ-જા મોંઘી પણ પડી. અધધધ ૬×૬ રૂપિયા! ચામડું ચીરાઈ ન જાય?


નદીનાં બન્ને કાંઠે ગરીબ કોલકોતા. ન કોઈ ઝાકઝમાળ કે ન કોઈ બહુમાળી મકાન. હા, અંગ્રેજો છોડી ગયા છે એ બે-ત્રણ ભવ્ય લાલ-સફેદ ઈમારતો હોવાનું આશ્વાસન લેવાનું. ફોટામાં આવે પણ શું? ખાલીખમ આકાશ ને હૂગલીનું ધૂંધળું પાણી? પણ સાહેબ, હુગલીનાં શાંત જળમાં સરકતી, ખખડતી ફેરીને સામે ભેટવા આવતો હાવરા બ્રીજ જોયો ને શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. ભલે મેં સાનફ્રાન્સિસ્કોનો ગોલ્ડન બ્રીજ જોયો હોય, આ તો પોતીકું ગૌરવ, એન્જિનીયરિંગની કમાલ. યુનિક સ્ટ્રક્ચર! કાંઠે ઊતરીને પાયામાંથી જોયો. કૂછ તો બાત હૈ!©


કોલકોતાનો બીજો ગૌરવશાળી બ્રીજ એટલે વિદ્યા સાગર સેતુ (ન્યૂ બ્રીજ) મુંબઇનાં વરલી સી-ફેઇસ બ્રીજ જેટલો વિશાળ નથી પણ અતિ સુંદર લાગે છે. અમે પ્રિન્સેપ ઘાટથી નિહાળ્યો અને પછી તેના પર પસાર થવાનો પણ લાભ ચૂક્યા નહીં.


ચાલો, હવે સમય થયો છે અસલ કોલકોતાની ઝાંખી કરવાનો અને એનાં રહેવાસીઓની અંદરથી ઓળખવાનો. અમે કોલકોતાનાં શક્ય હતા એટલા લગભગ બધા જાણીતા વિસ્તાર, રસ્તાઓ, સ્ટ્રીટ્સ, ગલીકૂંચી ઘૂમી લેવાનો મનસૂબો કર્યો'તો. 'ડેલહાઉઝી' એટલે જુના કોલકોતાનાં ઘણાં મહત્વનાં રસ્તાઓ અને માર્કેટ્સનો વિસ્તાર. 

વળી, ન્યૂ માર્કેટ, ધર્મતલ્લા, (ચૌરંઘી) વિગેરે ફરવા સાથે જુના કોલકોતાનાં બે અલગ અલગ માર્કેટમાં યાદગીરી પૂરતું શોપિંગ કર્યું. બંગડી-કંકુનું ખરીદવા ત્યાંનાં પાનકોરનાકા જેવી ગીચ બજાર સુધી રખડી આવ્યા. બાકી તો 'હવે બધે બધું મળે છે' એ વાત દિવા જેવી સ્પષ્ટ છે. એક કબૂલાત. અમે જાલમૂરી સિવાય સ્ટ્રીટ ફૂડ અને મીઠાઇઓ જોઈ ને જ સંતોષ માણ્યો.


એક સાંકડા ત્રિભેટે પોલિસ બંદોબસ્ત જોતાં ખ્યાલ આવ્યો કે વેસ્ટ બેન્ગોલનાં 'દીદી' અહીં રહે છે! ઉપરાંત, શહેરની એક ગલીનાં સાંકડા વળાંક પર દસ ફૂટ ઊંચી ગ્રે કમ્પાઉન્ડ વૉલ પાછળ ગોએન્કા બ્રધર્સનું ઘર હોવાનું જાણ્યું ત્યારે અમે અચરજ પામ્યા'તા. #Anupam_Buch જુનું કોલકોતા પંજાબી, મુસ્લિમ, ગુજરાતી, ચાઈનિસ, રાજસ્થાની વિગેરે વિસ્તારો અને વસાહતોમાં વહેંચાયેલું શહેર છે છતાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ ટકી રહ્યું છે. ગુજરાતી વિસ્તારમાં મંદિરો, ધર્મશાળા અને તાર પર સૂકાતાં કપડાં, બીજું શું?©


મોટા ભાગનું કલકત્તા ગંદુ અને ગરીબ છે એવું કહેવું અધુરું છે. ભલે દુ:ખ થાય પણ એવું કહેવું પડે કે, કોલકતા મેલુંઘેલું, તૂટેલ-ફૂટેલ, જુનું ઝપટ, 'ગ્લેમરલેસ' અને દેશનાં કોઈ પણ મેટ્રો સિટિ કરતાં ઓછાંમાં ઓછાં વીસ વર્ષ પાછળ રહી ગયું હોય એવું જ છે.

મને તૂટલાં-ફૂટલાં, ભૂતિયાં મકાનો અને બજારોની બદતર હાલત જોઈ જીવ પણ બળ્યો. કેટલાંક મકાનો કાલે પડશે કે આજે એ તો 'કાલી કલકત્તેવાલી' જાણે, પણ આપણને ધ્રાસ્કો જરૂર પડે! 


મેં જેમની સાથે પણ વાત કરી એમની વાતનો સૂર સરખો જ હતો. અહીંનાં લોકો પોતાની રીતે સુખી છે, સંતુષ્ટ છે. 'જે છે એ સારું છે અને અમારું છે' એવી સામૂહિક માનસિકતા સાથે જીવવા માગે છે. એમને કશું નવું ખપતું નથી, કશું નવું કરવું પડે તો પણ ના છૂટકે કરે છે. એમને સમૃધ્ધ થવાનાં નુસ્ખા સામે નફરત છે. લોકોને આધુનિકતામાં વિતંડાવાદ અને અધોગતીનો ડર લાગે છે. જાણે 'Say no to modernity' એમનો મુદ્રાલેખ છે. અહીં ગણ્યાં ગાંઠ્યાં પોશ વિસ્તારો છે પણ શોધવા પડે. અહીં આપણી જેમ ડગલે પગલે કૉફીશોપ, આઈસ્કીમ પાર્લર, ઇટિંગ જોઈન્ટ્સ કે 'હેપનિંગ પ્લેસ' હોવાં અસંભવ ગણાય. તમમે માનશો? અમને બજારમાં પારલે-જી અને ઑરો ક્રીમ બિસ્કિટ શોધતાં વીસ મિનિટ થઈ. 


કોલકોતાની ઘણીખરી ફૂટપાથો વ્યક્તિગત અને સામુહિક દબાણ, અને પૂતળાં ઊભાં કરવા માટે જ હોય એવું લાગે. જુની દિલ્હીને શરમાવે એટલા ઑવરહેર કેબલ્સનાં ભરડાથી આ શહેર રૂંધાય છે. અમે નાના-મોટા બ્રીજ નીચે, ખાડાઓ અને ગટરો ઊપર ફાટેલી તાડપત્રીઓ બાંધી રહેતા અસંખ્ય નિરાશ્રિતો જોયાં જેમને ભવિષ્ય પણ એક કાળ છે એવી ગતાગમ જ નથી. અસંખ્ય નિરાધાર અને સાચા-ખોટા માઇગ્રન્ટ્સની ઉપાધી વહોરી ને વધુ કંગાળ બનતું જાય છે બંગાળનું આ કમનસીબ કોલકોતા.


કોલકોતાનો વાહન-વ્યવહાર આ શહેરની ઇકોનોમીની ચાડી ફૂંકે છે. જે શહેરમાં કાટ ખાઈ ગયેલ ફેરી બોટ દ્વારા ફક્ત ચાર-છ રૂપિયામાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં માણસ ઠલવાતા હોય, દાયકાઓથી તરછોડી દેવાયેલી વિચિત્ર ઘાટની પીળીચરક એમ્બેસેડર ટેક્સીઓ રસ્તાઓ પર દોડતી હોય, સામસામા બે જણ જ બેસી શકે એવી કેરોસિનનાં ડબ્બા જેવી ખડખડતી સ્કૂટર રીક્ષા ચાલતી હોય, ઊઘાડા પગે કોઈ બુઝર્ગ માલ-સામાન ખડકીને મોટાં પૈડાંવાળી લારી ખભાથી ખેંચતો હોય, એ શહેરની દયા ન આવે? પીળા-બ્લૂ રંગનાં ચીતરામણાં કરેલી ડબ્બા જેવી પ્રાઇવેટ બસો તો આંખને જરા પણ ન ગમે. ખબર નહીં, આ આખા શહેરને પીળા-બ્લૂ રંગનું ઘેલું કેમ હશે? સાહેબ, રસ્તાની બન્ને બાજુની ફૂટપાથ પરથી ભૂગર્ભમાં મેટ્રો ટ્રેન પકડવા ચડ-ઊતર કરતાં રોજનાં સાત- સાડા સાત લાખ બેહાલ શહેરીજનો કોલકોતાનાં બ્રાન્ડ એમ્બેસેડર છે. 


છતાં, આ પ્રજા સ્વભાવ અને સભ્યતામાં સમૃધ્ધ છે. હસતે મોઢે અસ્તિત્વ ટકાવી રાખતા ગરીબ, ભીરૂ, સહિષ્ણુ, દયાપાત્ર, સ્રી સન્માન અને કાલી માનાં ભક્તોનું આ શહેર છે. લાલ વાવટા સાથેનું ઘર્ષણ ઘટતું જાય છે એ એક આશ્વાસન છે. મીઠડી ભાષા મીઠડું સંગીત પણ હ્રદયસ્પર્શી છે જ. કોલકોતાનાં રહીશોની 'ઓ' (O) બોલવાની લઢણ જબરી છે. મીઠી બંગાળી બોલી એટલે તો સાંભળવી ખૂબ ગમી જાય છે. અલગ રોટી, કપડાં, મકાન અને ભાષા માટે આપણે 'વિવિધતામાં એકતા'ની પિપૂડું વગાડી લઈશું. 


મારી આ ટૂંકી મુલાકાત દરમ્યાન કોલકોતાવાસીઓ આપણામાંનાં જ છે છતાં નથી એવો મને ફડકો પેસી ગયો. પૂર્વનાં આ સીમાડાઓ સાથે આપણું સહઅસ્તિત્વ જાણે શેહશરમ પૂરતું હોય એવું લાગ્યા કરે. દુનિયા આખી ઘમરોળતા પ્રવાસભૂખ્યા ગુજરાતીઓ કોલકોતાની ઉપેક્ષા કેમ કરતા હશે એ કોયડાનો હું ઉકેલ શોધી હું પાછો ફર્યો.©


સાંજે અમારું પ્લેન પૂર્વ થી પશ્ચિમ ઢળતા સૂરજ તરફ સીધી લીટીએ સતત ઊડતું રહ્યું. ગતિશીલ હોવા છતાં પ્લેન હવામાં સ્થિર ઊભું હોવાનો આભાસ થતો હતો. આકાર બદલતાં આછાં વાદળાં પર ઢોળાતા અને ધીમે ધીમે બદલાતા મોહક સોનેરી અને નારંગી રંગોમાં અંધારું છવાયું ત્યારે થોડી ગ્લાનીનાં ભાવ ઉભર્યા અને અકળ મૌન પથરાયું. પૂર્વની ભિન્ન દુનિયા અને વિભિન્ન સંસ્કૃતિનો હું આટલો ટૂંકો અને આટલો અધૂરો પરિચય કેળવી શક્યો અને એ પણ છેક જીવનનાં ઉત્તરાર્ધમાં? 


એરક્રાફ્ટની કેબિન લાઇટ્સ ઝળહળી ઊઠી. લેન્ડિંગ અનાઉન્સમેન્ટ થયું ત્યારે મારી વિચાર યાત્રા તૂટી. ધીમા પગલે એરોબ્રીજ ક્રોસ કરતાં મેં સમાધાન કરી લીધું કે દેશનાં પૂર્વીય અને પશ્ચિમી સીમાડાઓ વચ્ચે બાંધેલો સહઅસ્તિત્વનો એરોબ્રીજ કાલ્પનિક છે.


હું સભાન હતો કે હું ઊગતા સૂરજનું પૂર્વ નહીં, ઢળતા સૂરજનું પશ્ચિમ છું અને છતાં બન્ને દિશાઓ મારામાં વિરમે છે.©


સંપૂર્ણ

(ત્રણ ભાગ સળંગ વાંચી શકાય એવી લિંક મૂકીશ)

#Anupam_Buch


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ