વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પરમસુંદરી

પ્રેમ કોઈને પણ ગમે ત્યારે થઈ શકે છે મને પણ થયેલો આજથી 3 વર્ષ પહેલાં કોલેજમાં.., કોલેજના એ પહેલાં જ દિવસે હું સવારે કોલેજ જતો હતો અને રસ્તામાં મેં એને જોઈ.. સિલ્ક સાડી સેન્ટરમાં ઉભેલી એ એટલે મારા સપનાની રાજકુમારી નામ એનું પરમસુંદરી, આ નામ પણ એને મેં જ આપેલું. એ હતી જ એટલી સુંદર કે... એને જોઈને કોઈપણ પાગલ થઈ જાય


લાલ રંગની એ જામનગરી બાંધણીમાં માનો મારી પરમસુંદરી કોઈ અપ્સરા જેવી લાગતી હતી. એ એક નજર એને જોયા પછી જાણે ત્યાંથી એની સામેથી હટવાનું મન જ નોહતું થતું. થયું કે બસ અહીં જ ઉભો રહું અને એને આમ જ જોયા કરું... થયું શુ આજ પ્રેમ છે..? શુ આને જ પ્રેમ કહેવાય..? બીજી જ ક્ષણે ખ્યાલ આવ્યો શુ તું પણ પાગલ છે.. આની સાથે પ્રેમ.. અરે ના હોય..


એ પછી તો રોજ આવતા જતા મને એને જોવાની આદત પડી ગઈ.. એને જોવાની જાણે એવી તલપ લાગી કે એના માટે હું જલ્દી એક વાગે અને કોલેજ ખતમ થાય એની રાહ જોયા કરતો.. ક્યારેક તો છેલ્લો લેક્ચર પણ અધુરો મૂકી હું ભાગતો એની પાસે સિલ્ક સાડી સેન્ટર પહોંચી જતો..


રોજ.. એ મને નવી નવી ભાતભાતની આકર્ષક સાડીઓ માં જોવા મળતી, અરે અહીં સિલ્ક સાડી સેન્ટરમાં એજ તો કામ હતું એનું સાડીઓ નું પ્રદર્શન કરવું અને લોકોને સિલ્ક સાડી સેન્ટર તરફ આકર્ષિત કરવા..


એને જોઈને ઘણીવાર તો થતું કે.. બસ હવે બહુ થઈ ગયું આ રીતે ચોરીછુપે જોયા કરવાનું આજે તો હું પરમસુંદરીને જઈને મારા દિલની વાત કહી જ દવ... બીજી જ ક્ષણે ખ્યાલ આવતો તું જઈને કહીશ અને એ સાંભળશે..


અરે ના એ કઈ બોલશે ના કઈ સાંભળશે.. ઉલટાનું તું સાચે પાગલ છે એ સાબિત થઈ જશે..


કોલેજનું એ પહેલું વર્ષ તો આવતા જતા બસ એને જોવામાં જ નીકળી ગયું. સેકેન્ડ યરમાં આવતા જ મેં મારું મન બનાવી લીધું કે બસ હવે બહુ થઈ ગયું હવે હું એને મારા દિલની વાત કહીશ અને એ એણે સાંભળવી પણ પડશે.


આખરે એક દિવસ મેં હિંમત કરી એને મારા દિલની વાત કહી જ દીધી અને એણે પણ મારી લાગણીઓ ને સમજતા મને કહ્યું


"વીર, મને આ ગુલામીમાં થી આઝાદ કર.. નથી રહેવું મારે આ દુકાનમાં.. શુ તું મને તારી સાથે લઈ જઈશ..?"


"તું ચિંતા ના કર... પરમસુંદરી બહુ જલ્દી જ હું તને આ ગુલામીભરી જિંદગીમાં થી આઝાદ કરીશ.. તું આવીશ ને મારી સાથે મારી દુનિયામાં..."


"હા.."


એણે હા કહી કે હું દોડ્યો એની પાસે.. એને ભેટવા હું એની નજીક ગયો કે.. એની અને મારી વચ્ચે રહેલા એ પારદર્શી કાચની દીવાલ સાથે અથડાયો..


એ પારદર્શી કાચની દીવાલ જાણે મને કહેતી હતી કે.. વીર, છોડી દે આ પાગલપન.. તારું અને એનું મિલન શક્ય નથી તું એક માણસ છે જ્યારે એ....


હું કાચ સાથે અથડાયો એ જોઈ સિલ્ક સાડી સેન્ટરનો માલિક બહાર આવ્યો, મને ધમકાવતા એણે સહેજ ઊંચા અવાજમાં કહ્યું


"એય છોકરા આવડો મોટો કાચ દેખાતો નહીં.. કે ત્યાં ભટકાય છે.."


હું એમ જ એને ધુરી રહ્યો.. એજ તો હતો મારી આ પ્રેમકહાનીનો વિલન.. જો એ ના હોત તો આ કાચની પારદર્શી દીવાલ પણ ના હોત અને આ કાચની દીવાલ ના હોત તો મને મારી પરમસુંદરીને મળતા કોઈ ના રોકી શકેત..


"અરે જોઈ શુ રહ્યો છે.. નીકળ અહીંથી.."


સિલ્ક સાડી સેન્ટરના માલિકના એ ગુસ્સાને ઇગ્નોર કરી હું મારી પરમસુંદરીને પ્રેમનજર જોતા જોતા પાછા પગલે પાછળ હટ્યો.. એ વખતે મારી નજરો બસ એના પર હતી.. એને જોઈને સ્મિત કરતો હું.. પાછળ પાછળ જતો હતો કે ત્યાં જ... એક કાર ના બોનેટ સાથે અથડાયો.. કે.. એ મારા પર હસી જોરથી પડી.. એને એમ હસતી જોઈ હું પણ મારી મુર્ખામી પર હસી પડ્યો. આ પ્રેમમાં માણસ સાચે પાગલ થઈ જાય છે.


હું ત્યાંથી રોજ નીકળતો અને એ મારી પરમસુંદરી જોઈને બસ ત્યાં જ રોકાય જતો.. જાણે અમારી નજરો મળતી, એનો એ સસ્મિત ચહેરો જાણે મને જ જોઈ રહ્યો હોય એવું લાગતું.. એનો માલિક રોજ અંદર બેઠો બેઠો આ બધું જોતો.. થોડા દિવસ એમ જ ચાલ્યું પછી એણે પરમસુંદરી પર એક સફેદ કપડું ઢાંકી દીધું જેથી મારી નજર એના પર ના પડે હું એને જોઈ ના શકું..


ખરેખર તો એ દુકાનદારની નજરમાં હું એક પાગલ જ હતો. જે એની દુકાનમાં લગાવેલ એ શો પીસ સ્ત્રીના પ્લાસ્ટિકના મોડેલ ને પ્રેમ કરી બેઠો હતો..


હા, દુનિયા માટે એ એક બેજાન કાળા રંગનું પ્લાસ્ટીક મોડેલ હતી પણ મારા માટે... મારા માટે એ મારો પ્રેમ હતો મારી પરમસુંદરી


એને એક નજર જોવા જાણે હું બાવરો બની સવારે જલ્દી જલ્દી કોલેજ ભાગતો, રસ્તામાં એ સિલ્ક સાડી સેન્ટર સામે રહેલી એ ચા ની ટપરી પર બેસી ચા ની ચૂસકીઓ ભરતો બસ એને જોયા કરતો.. એ પછી કોલેજમાં જેમ તેમ એક બે લેક્ચર ભરી હું ફરી એની પાસે પહોંચી જતો, હાયે મારી પરમસુંદરી..


સન્ડેમાં કોલેજ બંધ હોય તો પણ એને જોવાનું હું ના ચૂકતો, એ સાડીની દુકાન ખુલે એની રાહમાં વહેલા સાત વાગ્યે પહોંચી જતો.. જેવી દુકાન ખુલતી.. મારી નજર એના પર પડતી...


આ વાત જ્યારે મેં મારા બેસ્ટફ્રેન્ડ હાર્દિક ને કહી ત્યારે એ તો જાણે મારા પર ગરમ થઇ ગયો.


"અરે દિમાગ તો ઠેકાણે છે ને તારું.. શુ પ્રેમ પ્રેમ કરે છે.. અરે એ એક પૂતળું છે અને તું એક જીવતો જાગતો માણસ... મને કે... તું શુ એક સજીવ વ્યક્તિ કોઈ નિર્જીવ વ્યક્તિને પ્રેમ કરી શકે...?"


"અરે કરે જ ને... શુ તને તારી પર્સનલ વડતુઓ સાથે કોઈ લગાવ નથી..?"


"નક્કી તું પાગલ થઈ ગયો છે. મને લાગે છે તારે કોઈ દિમાગના ડોક્ટરની જરૂર છે."


"એ જે હોય એ.. બટ હું મારી પરમસુંદરીને પ્રેમ કરું છું અને મને એને મળતા કોઈ નહીં રોકી શકે.. કોઈ જ નહીં.."


એજ રાત્રે મેં એ દુકાનમાં થી એને ઉઠાવવાનું નક્કી કર્યું. પ્લાન સિમ્પલ હતો અડધી રાત્રે જ્યારે આખું શહેર સૂતું પડ્યું હશે ત્યારે એ દુકાનનું તાળું તૂટશે.. હું દુકાનમાં દાખલ થઈશ અને પછી...


એ રાત્રે હું મારા એ પ્લાનને અંજામ આપવાનો હતો કે ત્યાંજ મારે ફેમેલી સાથે પાંચ દિવસ માટે અમદાવાદ જવાનું થયું. મારી કઝીન ના મેરેજ હતા.. મારી જવાની કોઈ ઈચ્છા નોહતી પણ ફેમેલી તો ફેમેલી કહેવાય ના ચાહવા છતાં મારે અમદાવાદ જવું પડ્યું


5 દિવસ પછી હું જ્યારે અહીં પાછો આવ્યો અને આવતા વેંત એ દુકાને પહોંચ્યો તો આખેઆખી દુકાન જ બદલાય ચુકી હતી.. એ સિલ્ક સાડી સેન્ટર હવે રોકી મેન્સવેર બની ગયેલું. વુન્સવેરમાંથી એ લોકો હવે મેન્સવેરમાં આવી ગયેલા. એટલે આગળ ડિસ્પ્લેમાં લગાવેલ એ બધા પ્લાસ્ટિક મોડેલ હવે પુરુષોના હતા..


એ જોઈ મારુ તો જાણે દિલ જ તૂટી ગયું  ખબર નહી એ ક્યાં હશે મારી પરમસુંદરી.. આજે એ ઘટનાને ત્રણ વર્ષ થઈ ગયા. આજે પણ શહેરના એ દરેક સાડી સેન્ટરમાં મારી નજર બસ એને જ શોધી રહી છે..


સમાપ્ત



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ