વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

“તત્વમસિની પાંખે

પ્રસ્તાવના:-


           કોઈ પુસ્તક વાંચ્યું હોય અને તેની યાદો જે હ્રદયના કોઈ અંગત ખૂણે સચવાઈને પડી હોય તેને શબ્દરૂપી માવજત કરીને મૂળ તો હૃદયનાં ભાવ રજૂ કરવા માટે જે તે યાદો ને ખપમાં લઈને તત્વમસિને મારી નજરે નિહાળું છું.


રચના:



          ગમતું મળે તો ગુંજે ન ભરીએ

          ગમતાનો કરીએ ગુલાલ...

         

        પુસ્તક પ્રેમી જીવાત્માઓ માટે ઉપયુક્ત પંક્તિ બરાબર મેળ ખાય છે.પામર મનુષ્યજાત જે નરી આંખે જોઇ શકતી નથી તેટલી દિવ્યદ્રષ્ટિ પુસ્તકોમાં પડેલી હોય છે.જેમ કોઈ દિવ્યાંગને બીજાની આંખે જોઈને ચાલવું પડતું હોય છે ,તેમ પુસ્તક આપણને તેની દ્રષ્ટિથી દૂર-દૂર  અલક- મલકનાં દેશમાં લઈ જાય છે.પુસ્તકોમાંથી આપણને એવી દિર્ઘદ્રષ્ટિ અને શબ્દચિત્ર મળતાં રહે છે.

         જ્યાં ન પહોંચે રવિ;ત્યાં પહોંચે કવિ.

        તે ન્યાયે સર્જકો આપણને દૂર દેશાવરની યાત્રા કરાવે છે.એક એવા મલકમાં જ્યાં આપણે ક્યારેય ગયા નથી કે નથી જોયું.શરત બસ એટલી કે,આપણે તેની પાંખે ગગન વિહાર કરવો પડે. આવો જ એક સ્વાનુભવ અહીં રજૂ કરવાનો અવસર મળ્યો તે જ ધન્ય ઘડી ધન્ય ભાગ્ય !

        આજે વાત કરવી છે ધ્રુવભટ્ટ રચિત “તત્વમસિ"ની.સાહિત્ય જગતજેને “દાદા" તરીકે સંબોધે છે , તેવા ધ્રુવભટ્ટ રચિત “તત્વમસિ" વાંચતાં વાંચતાં જાણે આંખોયે અંધારીયો પંથક ખૂંદી વળ્યાની અનુભૂતિ થઈ.૨૧મી સદીમાં આજે સાહિત્ય અને સિનેમા જોડિયા ભાઈઓ સમાન છે.ગુજરાતી ભાષાની સુંદર નવલકથાઓનો આધાર લઇને આજે સુંદર ફિલ્મો નિર્માણ પામી રહી છે. તત્વમસિને આવો જ કોઈ સોનેરી સ્પર્શ સાંપડ્યો અને “રેવા" ફિલ્મ અસ્તિત્વમાં આવી.

        આજની દોડધામભરી જિંદગીમાં દરેક વ્યક્તિને પુસ્તક વાંચવાનો ક્યાં સમય ક્યાં છે ? તેવા લોકો માટે “રેવા" ફિલ્મ એ પુસ્તક વાંચ્યા બરાબર સાબિત થાય છે.તેમાંય ક્યાંક તો બંને વચ્ચે ભેદ તો છે જ.અને હોવો જ જોઇએ.નહીં તો વાંચનનો લાભ શો ? છતાંય આખી ફિલ્મ ‘રેવા' કે ‘તત્વમસિ’પુસ્તકમાં લીલાછમ વૃક્ષો , ઝરણાં , વનરાજી ,આદિવાસી સમાજ અને સંસ્કૃતિ ,રિવાજો , લોકબોલી ,લોકોની પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધા અને કેટલાક કુરિવાજો નજરે પડે છે.આ ઉપરાંત પણ “તત્વમસિ”માં અંધારિયા પંથનો જનસમુદાય અને માનવતાની મહેક આપણને પ્રાપ્ત થાય છે.તો વળી, આદિવાસી સમુદાયના કેટલાક કુરિવાજો તથા સુંદર માં “રેવા"નાં દર્શનથી તૃપ્તિથી મન પ્રફુલ્લિત થઈ ઊઠે છે.

        વ્યક્તિગત અનુભવને આધારે કહી શકું છું કે “તત્વમસિ"માં જે વનસંપત્તિ અને “રેવા"(નર્મદા) પ્રત્યેની લોકોની ધાર્મિક લાગણીમાં જાણે હું ખૂદ ત્યાં પ્રવાસ કરી રહ્યો હોઉં તેવી અનુભૂતિ પ્રાપ્ત કરીને મારી જાતને એ વન્યભૂમિનું સંતાન માનું છું.કયારેક હું મારી જાતને સુપ્રિયા તો ક્યારેક પુરિયા તો ક્યારેક શાસ્ત્રીજી તો ક્યારેક ગંડુફકીર , ને વળી ક્યારેક ભણેલા-ગણેલા એવા નાયક કરણમાં ગરકાવ થઈ જાઉં છું.ઈશ્વરે આપણને દરેક પ્રકારનાં ભાવો આપ્યા છે.જે આપણામાં સ્થાયી ભાવે પડ્યા જ છે. આ પુસ્તકની પાંખે ગગન વિહાર કરતાં તે ભાવો દ્રષ્ટિગોચર થયા છે.

        આ પુસ્તકે શું આપ્યું ? તેની જો વાત કરવા બેસી જાઉં તો અતિશયોક્તિ થઈ જાય.ટૂંકમાં ગંડુફકીરનાં એ વાક્યથી મારી વાતને વિરામ આપતાં અટકું છું.

        મેં નમાજી બનું યા શરાબી

        બંદગી મેરે ઘરસે કહાં જાયેગી... 

                                                                      

🖋રચનાકારનું નામ : જોશી પાર્થ કુમાર સોમાભાઈ .....

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ