વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સફર

                  કઈ તરફ જવું એની દિશા નક્કી ન હતી. મનમાં ફૂંકાતા આક્રોશનો વંટોળ જ કદાચ દોરી રહ્યો હતો. વ્યવસ્થિત ચહેરા ઉપરના અવ્યવસ્થિત ભાવ કદાચ ખુલ્લી હવાને પણ રાસ આવતા ન હતાં. એ પણ મોં મચકોળીને જરા સાઈડ થઈ ગઈ અને કૌશલે કારનો દરવાજો ખોલ્યો. બેસતાં પહેલા વાંકા વળવાનું ભૂલી ગયો અને કારની બોડી સાથે લમણાએ હળવું ચુંબન કર્યું. કારના ભીના સ્પર્શને ભૂંસી નાખવાં કૌશલે હથેળી કપાળમાં ઘસી. બધો ગુસ્સો બંધ થતાં દરવાજા ઉપર કાઢ્યો. દરવાજો પણ જાણે કૌશલ ઉપર ગુસ્સો કરતો હોય એમ ધડાકા સાથે બંધ થયો.


'રોજ રોજની માથાકૂટ...'


               સ્ટીયરીંગ સાથે વાત કરતાં કૌશલે બબડાટ કર્યો પરંતુ સામેથી પ્રત્યુતર મળ્યો નહિ. આખરે કારને જીવંત કરવા એણે કી લગાવી. કાર બાજુ પરથી અચાનક પસાર થતા વાહનથી ડરીને હાઉ... હાઉ... કરીને દૂર ભાગતા કૂતરાની માફક ચિત્કારી ઉઠી. મનમાં ઉદ્દભવેલા દવની અસર ગાડીની રફતાર પણ જણાઈ. ગાડી પણ અણગમાથી આંચકો કરી ઉભી રહી. કૌશલે સ્ટીયરીંગ ઉપર હાથ પછાડ્યો અને ગાડી દર્દથી કણસી રહી. કૌશલે ફરી ગાડી ચાલુ કરી અને નીકળી પડ્યો.

               જાણીતો રસ્તો હતો અજાણી સફર હતી. મનમાં ચાલતું વાવાઝોડું ગાડી સાથે કૌશલને દોરી રહ્યું હતું. ચાલુ એ.સી.માં પણ ગરમીનો પારો ઉપર હતો. એની આંખોમાં રહેલો કંટાળો સફેદીને લાલાશમાં પરિવર્તિત કરતા હતાં. સાથે ખૂણામાં રહેલી ભીનાશ લાલાશને ભીંજવી રહી હતી. કાળા ડિબાંગ સુના રસ્તા પર ગાડી પૂરપાટ દોડી રહી હતી. વિચારોની રફતાર માપવા માટે કોઈ મીટરની વ્યવસ્થા ભગવાને રાખી હોત તો કદાચ ગાડીની રફતાર કરતા એનું માપ ચોક્કસ વધુ હોત. કૌશલ એકલતાની ગૂંગળામણ અનુભવી રહ્યો.

                 'કાયમનું થયું. નાની નાની વાતમાં આમ ઝગડી પડવાનું. કેટલી વાર શ્રધ્ધાને કહ્યું છે કે સમજવાની કોશિશ કરાય કાયમ પોતાનો કક્કો જ સાચો ન હોય. હદ થઈ ગઈ આજ તો.'

            પ્યાસથી સુકાય રહેલા ગલાને રાહત આપવા બાજુની સીટમાં હાથ ફેરવ્યો. પરંતુ હવાના સ્પર્શને ગળે લગાવીને હાથ ઠાલો પાછો આવ્યો. બેચેની, ગુસ્સો, અકળામણ, સ્વમાન કૌશલને વધુ તકલીફ આપી રહ્યું. કૌશલે એફ. એમ. સેટ કરવા લાઈટ ચાલુ કરી. અંધકારની વચ્ચે ગાડીની અંદરનો આછો પીળો પ્રકાશ આખી ગાડીને શોભાવી રહ્યો. અનાયાસ નજર અરીસામાં ગઈ અને કૌશલને એક લાચાર, થાકેલો, ઉદાસ કૌશલ દેખાયો. આંખોમાં રહેલા પ્રેમ અને અહેસાસનું સ્થાન કંકાશે લીધું હતું. ભર યુવાનીમાં પણ જવાબદારીએ આંખો પાસે ઘડપણને જરા સ્થાન આપ્યું હતું. પરંતુ શું?

             રસ્તામાં આવતી હોટેલ ઉપર ગાડીના ટાયર થંભ્યા. કૌશલે પાણીની બોટલ લીધી અને સાથે સિગરેટ જલાવી. સળગતી દિવાસળીને હવાને સમર્પિત કરી કૌશલ ગાડીને તાબે થયો. બંધ કાચમાં પીળા અજવાળામાં ધુમાડાના ગોટા ગૂંગળાવા લાગ્યાં. કૌશલે ફરી અરીસામાં જોયું. આંખમાં થોડા ઝામાં બાઝી ગયાં હતાં. આંખ બંધ કરીને ફરી સિગરેટનો કસ લીધો. સીટ પાછળ માથું ટેકવીને મનમાં ઉદ્દભવેલા તોફાનમાંથી ખુદને બચાવવાની કોશિશ કરી રહ્યો.

            'આવું તે કેવું જીવન! પત્નીને ખુશ રાખવા માટે મા બાપ છોડ્યા. બધાથી અલગ થયો. થયું કે થોડી શાંતિ થશે. પરંતુ શું ખરેખર શાંતિ થઈ ખરા. રોજબરોજની કચકચ તો ચાલુ જ રહી. એવું કોઈ અઠવાડિયું નહિ ગયું હોય કે શ્રધ્ધા સાથે ઝગડો ન થયો હોય.'

            કૌશલે એક ઊંડો શ્વાસ લીધો અને એટલા જ વેગથી ઉચ્છવાસ બહાર આવી સામે હસી રહ્યો. એવું લાગતું કે શ્વાસમાં કૌશલ ઓગળી રહ્યો છે. વિચારોના વહેણમાં તણાતાં કૌશલે ગાડી ફરી ચાલુ કરી અને અજાણી સફરમાં નીકળી પડ્યો. તણાવ અસહ્ય હતો. ગુસ્સો પારાવાર હતો. હૃદયનો ઉભરો શાંત થવાનું નામ નહોતો લેતો.

                 ગાડીએ ફરી જૂની રફતાર પકડી લીધી. સિગારેટના નીકળતા ધુમાડા કૌશલની આંખોને સતાવી રહ્યા. પરંતુ હૃદયની દાહ એ હદે હતી કે આંખોની દાહ સમજમાં આવી જ નહીં. મનની વ્યાકુળતા અને વ્યગ્રતા વળી ચેન લેવા દેતી ન હતી. રોજબરોજના ઝગડાનો કંટાળાએ જીવન પ્રત્યેની અમી દ્રષ્ટિ છીનવી લીધી હતી. રસિક કૌશલ જીવન પ્રત્યે સાવ ઉદાસીન થઈ ગયો હતો. એફ. એમ. માં ગીત ચાલુ થયું.

            'અકેલે હૈ તો ક્યાં ગમ હૈ, જો ચાહે તો હમારે વસમે ક્યાં નહિ....'

            આગળના શબ્દોનો કોઈ મતલબ ન હતો. કેમ કે શ્રધ્ધાના સાથની અપેક્ષા તો સાવ વામણી પુરવાર થઇ હતી. હવે તો બસ જિંદગી સાથે પસાર થઈ જાય તો સારું એવી જ અપેક્ષા હતી. નાની કૌરવાનું ભવિષ્ય સુધરી જાય. બાકી રસ્તા ઉપર જે અંધકાર હતો એથી ભયાનક અંધકાર જીવનમાં પ્રસરેલો જ હતો.

             'એને સમજાવાય જેને ખરેખર સમજવું હોય. પરંતુ શ્રધ્ધાને તો સમજવું જ નથી. કેટલી વાર સામે બેસાડીને સમજાવાનો પ્રયત્ન કર્યો. પણ શેઠની શિખામણ ઝાપા સુધી. બંને કાન ખુલ્લા જ હોય. હાથે કરીને કૌરવાનું ભવિષ્ય બગડશે. ક્યારેય સામે ચાલીને પાણીનો ગ્લાસ પણ નથી પીવડાવ્યો. સમજે છે શું એ એના મનમાં! હદ થઈ ગઈ છે. કામકાજથી થાકીને આવ્યા બાદ હળવાશની જગ્યા એ રોજ તણાવ.'

            શાંત ચિત્તે કૌશલ ગીતના શબ્દોને માણી રહ્યો. પાણી તો ગળા નીચે ઉતર્યું પરંતુ સાથ આપવાની વાત ગળા નીચે ઉતરી નહિ. કૌશલે એક દર્દ ભરેલું કટાક્ષ સભર સ્મિત આપ્યું અને અરીસો એ સ્મિતનો રીપ્લાય એવા જ સ્મિતથી આપી રહ્યો. અંતે તો જીવન છે. કૌશલની વ્યગ્રતાએ માઝા મૂકી હતી. ગુસ્સો એના ઉપર હાવી હતો કે એ મજબુર હતો એનું અનુમાન લગાવવું કદાચ મુશ્કેલ હતું. ફરી એફ.એમ.નો સ્વાદ બદલાયો. એક નવા ગીત સાથે કૌશલે ફરી તાલ મિલાવ્યા:


'જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ...'


                ખરેખર હર એક કદમ પણ જિંદગીના નવા નવા રંગ રૂપ જોવા મળ્યાં. શ્રધ્ધા જ્યારે પરણીને આવી ત્યારે ચંદ્રમાનો ઉજાસ જીવનમાં પથરાયો હતો. પરંતુ એ ભુલાય ગયું કે ચંદ્રનો પણ ક્ષય થાય છે. કૌશલ ફિક્કું હસી રહ્યો. ખુદ ઉપર, જિંદગી ઉપર કે ગીત ઉપર? નક્કી ન કરી શક્યું. આમ પણ જીવનમાં આવતા વળાંકો અણધાર્યા અને અસહજ જ હોય છે ને. ગાડી ચાલતી હતી. પરંતુ કયાં? રસ્તો ગાડી સાથે વ્હાલ કરતો કપાતો હતો. ગાડી કૌશલને દોરી રહી હતી અને કૌશલ ગાડીને.

           'શું કહ્યું હતું એણે? મારી જરૂર નથી. હવે એને ખબર પડશે કે મારી કેટલી જરૂર છે. એ સમજે છે શું? એની આ હિંમત કે એ મને આવા શબ્દો કહે? એના મારે મેં મારું બધું છોડ્યું અને એ મને આજ કહે છે કે તારી જરૂર નથી. વાહ.. આટલો પાવર! આટલો ઘમંડ! ક્યાંથી? જો કૌરવા ના હોતને તો હું એને બતાવી દેત કે કેટલી વીશે સો થાય છે.'

                   ક્રોધાગ્નિની દાહ શરીરના હર એક રુવાડે બળતી હતી. પુરી થઈ ગયેલી સિગારેટના ગોલ્ડન કસને ખેંચીને કૌશલે સિગરેટ બહાર ફેંકી. જમણા હાથ વડે ભીના થઈ ગયેલા નાકને સાફ કર્યું. ચાલુ ગાડી એ જ બીજી સિગરેટ સળગાવી. શરીરની તમામ નસ ખેંચાય એ હદે આંખો બંધ કરી એક કસ ખેંચ્યો અને આંખ ખુલે છે ત્યાં સામે ગાડીની તેજ લાઈટ ખૂબ નજીકથી કૌશલની આંખોને આંજી રહી. એફ.એમ.નો ટેસ્ટ ફરી બદલાયો:

             'જિંદગી એક સફર હૈ સુહાના યહાઁ કલ ક્યાં હો કિસને જાના...'




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ