વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માટીનું ઋણ!!

માણસાઈનાં તડકે લાચારીનાં આંસુ સૂકવી લેજે,

માટીનાં માણસનો ભેરુ થઈને કોક દી માટીનું ઋણ ચૂકવી લેજે.


પાંત્રીસોની વસ્તી ધરાવતું ગામ- ખીમરાણા. જામનગરથી હાથ છેટે અને સામા ગામ ધ્રોલને ભાઇબંધની જેમ અઢેલીને બેઠું હોય એવું ગામ. પાણી વિહોણી હુવેડો નદીના અર્ધગોળાકાર પટ ને કિનારે વસેલું આ ગામ આકાશેથી જાણે કોઈ સગર્ભાનાં પેટ જેવું દેખાય અને એટલું પવિત્ર અને પાવન પણ ખરું.

ગામનાં ઘર પણ ગામ જેવા જ - તમામનાં અને તમામ માટે ખુલ્લા. જામનગર જતા રસ્તેથી એક નીચે તરફ સરકતો રસ્તો સીધો ખીમરાણાનાં ચોકમાં ઉતરે. દસ દિશાઓ જેવા દસ મંદિરોથી ઘેરાયેલું ગામ હંમેશા બહારથી આવનારાઓ માટે હાથ ખોલીને ઉભું રહેતું અને પારકાને પોતાનું બનાવી લેતું. પાણી માંગો અને દૂધનો લોટો ધરી દેતું આ ખીમરાણા ગામ. જાતિ , ધર્મ અને વિચારોની દીવાલોને વર્ષો પેહલા ધરાશાયી કરી ચૂકેલા આ ગામમાં લગ્ન કોઈના પણ ઘેર હોય, દરેક ઘરમાં માંડવા બંધાયેલા હોય. ઘરે ઘરે જાન ઉતરેલી હોય. મરણનો શોકેય ગામ આખું પાળે.

સૂરજનું પહેલું કિરણ રાંદલ માતાના મંદિરનો ઘંટ વગાડે એટલે ગામ રમતું થાય અને સીમના ખભેથી સંતાકૂકડી રમતા સૂરજદાદા અંધારાનો ધાબળો ઓઢે એટલે ગામ શાંત થઇ જાય. કોઈને કોઈની ઈર્ષ્યા જ નહીં. આ રામનાં ગામમાં બધા વ્યવહાર રામ ભરોસે ચાલે.

આવા રમણીય ગામમાં રમણ નામનો એક કુંભાર હતો. પચાસની ઉંમર વટાવી ગયેલો. એના સફેદ વાળ એની વધી ગયેલી ઉંમરના અને મોંઢા પરની કરચલીઓ એની વેઠી લીધેલી જિંદગીની ચાડી ખાતા હતા. પણ આ માટી ગૂંથીને સાધન રચનારાનું મન ઉપરવાળાએ કોક અલગજ માટીનું ઘડેલું. ઉદારતામાં સૂર્યપુત્ર કર્ણને પણ આછો પાડી દે એવો. એની ડેલી એ જે આવે એ ખાલી હાથે જાય નહીં... માણસ જોઈને ગજવું જોખી લે એવો સમજદાર હતો રમણ.

ઘરના માટલાથી લઈને દીકરીની માઇમથ... નવજાતના રમકડાંથી લઈને સ્મશાને જતી માટલી આ રમણનાં ત્યાંથી જ જાય. પૈસા ન હોય તોય વાસણ આપી દે અને કેહ ખરો:- " મફત નથી આપતો... વખત આવે કોકનું ટાણું હાચવજો...ઈ વચને બાઇધા સે તમને..." હસતા મોઢે આ દાનવીર લોકોના વીલા મોંઢા થનગનતા કરી દેતો.

રમણને ઘરમાં ચાર દીકરી અને પછી આવેલો એકનો એક રઘુ.. રઘુ એટલે રમણનો રઘલો... જેમ દરિયાના પાણીના વાદળાં વર્ષે તો દરિયા જેવું પાણી વરસાવે એમ રઘુય રમણનો જ પડછાયો જોઈ લ્યો. પણ રઘુને પોતાના બાપનો આ હદ થી વધુ દાનવીર સ્વભાવ ખટકતો.

"બાપુ... આ ગામ તમને ચૂસી જાહે એક દી... ક્યાંક કોક બે આસુંડા ટપકાવે ને તમે પીગળી જાવ છો... જેટલું તમે આ ગામને મફતમાં દીધું સે એટલું જો વસૂલીલો તો આપણું ઘરનું ઘર થઇ જાહે.અને આ ઘર હમું ન કરાવો તો કાંઈ નઈ પણ મૂડી હોય તો બીજી ધંધો તો કરાય! આ માટી ચૂંથી-ચૂંથીને આ ગારો હવે શરીર હાઈરે આપણા નસીબનેય લાગવા માઇડો સે.", રઘુ અકળાઈ ઉઠતો.

"ઓલો ઈશ્વરીયો... મફતિયો... આખો દી તમારી કોર આવી આવીને બધું મફતિયું કરી જાય સે. તમેય મૂંગા મોઢે ઈને બધુંય દઈ દયો સો. હિસાબ રાઈખો સે? કોકદી વિસારજો... જેટલું તમે ઈશ્વરિયાને મફતનું દીધું સેને એટલું તો તમે તમારી દીકરીયુંનેય નથ દીધુ", રઘુ ધુંઆપુંઆ થઇ ને એક દી બોલી ગયેલો.

"રઘલા... તું આમ આડી જીભ વાઇડમાં...ઈ હંધાયને મેં માણસાઈના વચને ઠામણાં દીધા સે... ગામનું થઇ જાવું પડે રઘલા..તોજ કોકદી ગામ આપણું થાય....કોક દી જરૂર પડે આ ગામ જ ઉભું રેસે જોજે રઘલા!", રમણ એને સમજાવતો.

ઈશ્વરીયો એટલે ઈશ્વર ભરવાડ... એક નંબરનો કંજૂસ... ગાયનું દૂધ છાસ જેવું પાતળું કરી ને વેચે. જયાંથી મળે ત્યાંથી મલાઈ લઇ લેવાની વૃત્તિ. માટલામાં દૂધ ભરો એટલે ઠંડુ રહે એમ વિચારીને દર અઠવાડિયે માટલું લેવા જાય... દૂધના રૂપિયા આવશે એટલે વાળી દઈશ કહીને મફત માટલું લઇ જાય. ગામ એની ખીજ ખાય પણ રમણ બિચારો ક્યારેક કાંઈ બોલે નઈ.

તાજા ઉગેલા પુષ્પોને સુવાસ આવતા વાર લાગે એમ રઘુય આ જમાનાનો... બાપનું ગણતર એના યુવા વિચારો સામે હારી જતું. એકાતરે દિવસે બાપ-દીકરો આ ભણતર-ગણતર વચ્ચેની સાપસીડી રમતાં અને રમણ દીકરાને સમજાવવાના વ્યર્થ પ્રયત્ન કરતો.

આટ આટલી મહેનત કરે બાપ-દીકરો તોય ઘણીવાર પાણીમાં લોટ ઓગાળીને પીવો પડે એવી એમની અમીરી. આમેય મનની અમીરી આ પેટની ભૂખનું ઋણ ક્યાં ચૂકવી શકવાની! વનવન ભટકતા કોઈ મુનિના શરીરે બાઝી ગયેલી પોપડીઓ જેવી ઘરની ભીંત...રમણની ઘરવાળી તો વર્ષો પહેલાજ માટી ઘડતી ઘડતી માટીમાં ભળી ગયેલી. બાપ-દીકરો આખો દી માટલા ઘડે, વેચાય એટલા વેચે... પરચુરણ ની મુઠ્ઠી વાળીને ઘર ભેગા થઈ જાય. લોટના પાણીની રકાબી ચુસતો રઘુ ફરી બાપ હારે બાઝી પડે અને આજે ઓલાને કેમ માટલું એમનેમ દીધું એવું પૂછ્યા કરે. આમ ને આમ દિવસો વીતતા...

આવામાં એક દિવસ રઘુ અને રમણ પૈડું ચાક ઉપર ચઢાવીને માટલા ઘડતા હતા. અચાનક રઘુને પરસેવો વળવા માંડયો અને જોત જોતામાં બેભાન થઇ ગયો. ઉનાળાની ચડતી બપોર હતી એટલે રમણને થયું લૂ લાગી ગઈ હશે.

"રઘલા... હું થયું? આમ હેઠો હુકામ બેહી ગયો?", રમણે પાણી છાંટતા પૂછ્યું.

રઘુ કાંઈ ન બોલ્યો.

"ઇમ કર... હાઇલ ઘર ભેળા થઇ જાઈ... આજ વેલી વસ્તી કરી દેસુ!", રમણ હાથ ધોતા ધોતા બોલ્યો.

રઘુને ઉઠાડવા રમણ ઘણું મથ્યો પણ રઘુ ભાનમાં આવ્યો નહીં.

"ત્રણ શેરી દૂર એક સરકારી દવાખાનું હતું. બપોરનો સમય હતો એટલે ડોકટર જમવા ગયા હશે એવું વિચારીને રમણ સીધો જ ડોક્ટરના ઘરે પહોંચી ગયો.

"સાહેબ હાલો ને ભેળા.. રઘલો જવાબ દેતો નથ... કેટલોય હચમચાઇવો પણ નવરીનો મોંમાં મગ ભરીને બેઠો છે.", પરસેવે રેબઝેબ રમણ બોલ્યો.

ક્ષણવારનો વિલબ કર્યા વીના ડોક્ટર સીધા જ રમણની દૂકાને પહોંચ્યા. રઘુની આંખો ઉપર ચઢી ગયેલી અને હાથ પગ ઠંડા થઇ ગયેલા.

"આને હાલ જ ઇરવિન લઈજા રમણ... તું ધારે છે એનાથી ગંભીર સમસ્યા લાગે છે."

"આવી બપોરે ગામ સાવ નિર્જીવ થઇ જાય..એવામાં કોઈને સાથે લેવો તોય કેમ.", રમણની આખો ફરીયાદ કરતી રહી.

પરિસ્થિતિ ભાખીને ડોક્ટરે પોતાના જ મોટરસાઇકલ પર રઘુ ને વચ્ચે બેસાડયો અને એને પકડીને રમણ પાછળ બેઠો અને ત્રણેય નીકળી પડ્યાં જામનગરના રસ્તે...

ઇરવિનના ઇમર્જન્સી રૂમની બહાર રમણ ગભરાયેલો અને નિ:સહાય બેઠો હતો. જોડે આવેલા ડોક્ટર, હોસ્પિટલના ડોક્ટર સાથે અંદર રૂમમાં હતા. વીતતી ક્ષણો, આંગળીઓના ધક્કાથી લયબદ્ધ હલતાં પગ સાથે સરી રહી હતી.

થોડીવારમાં ચિંતાતુર મોઢે ડોક્ટર બહાર આવ્યાં અને રમણની બાજુમાં બેઠા... રમણના પગ હલતાં બંધ થયા અને ધ્રુજવા માંડ્યા. ચિંતાથી અંદર ઉતરી ગયેલી લાચાર આંખો સાથે એણે ડોક્ટરની સામે જોયું.

"કયો ને સાહેબ... રઘલો ઠીક સે ને.. હાચુ કહી દેજો હોં! આ બાપ હાઈરે શબ્દોની રમતું નો રમતા!", આટલું બોલતાજ રમણ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યો.

દૂનિયામાં એવો કોઈ દિલાસો નથી જે એક લાચાર બાપને એના દીકરાની લાચારી સામે હારતો રોકી શકે! પણ તોય ડોક્ટરે હિમ્મત કરી અને રમણને શાંત પાડયો.

"જો રમણ... રઘુની એક કિડની ફેલ થઇ ગઈ છે અને બીજી ૧૫-૨૦% જ ચાલે છે. તારા રઘલાને આટલો બધો ડાયાબિટીસ છે તને ખબર નોતી? ડાયાબિટીસ એટલો વધી ગયો કે સીધી અસર કિડની ઉપર થઇ છે.", ડોક્ટરે શાંતિથી રમણને સમજાવ્યું.

"તો હવે... કાંઈ નો થઇ હકે? મારી બેય કિડની કાઢી લ્યો ને! દઈ દયો રઘલાને..મારે હવે જીવીને હું કરવું સે?", રડતી રાખે રમણ બોલ્યો.

"એ શક્ય નથી રમણ... તને પ્રેશર નો પ્રોબ્લેમ છે. તારી કિડની એમ ન કાઢી લેવાય. બીજો રસ્તો ગોતવો પડશે!", ડોક્ટરે જવાબ આપ્યો.

"બીજો રસ્તો... ઈટલે?", રમણ સામે પૂછી બેઠો.

બીજો રસ્ત એટલે કે કોક દાતા ગોતવો પડે જેની કિડની રઘુને ઓપરેશન દ્વારા આપી શકાય. સમય ખુબ ઓછો છે રમણ... હોસ્પિટલ વાળા તપાસ કરે છે... પણ હું તને કહીશ કે તું પણ શોધ કોક દાતા જે કિડની આપવા તૈયાર થઇ જાય...

"ઇમ કોઈ થોડું એનું અંગ દઈ દયે... અને મારા જેવા કુંભારડાને એનું અંગ દઈને હું કામ કોઈ ખોટ નો ધંધો કરે. એમ કોઈ નો માને.. આ રઘલો હાથ માંથી સરવા લાઈગો સે સાહેબ... હાચુ કહું સુ... મારુ અંગ કાઢી લ્યો... એનાથી યે રઘલો થોડું ઘણું તો જીવી જાહેને, સાહેબ?", ધ્રૂજતો ધ્રૂજતો રમણ બબડયો.

"રમણ જો અને તો ની મોંકાણ મૂક અને તારાથી થાય એટલું કર. શોધ એવો દાતા જે તારા દીકરાને કિડની આપવા તૈયાર થઈ જાય. અને હા આ ઓપેરશન ના રૂપિયા પણ જોઈશે. થોડી ઘણી મૂડી તો હશે ને તારી પાસે?", ડોક્ટરે કહ્યું.

ભાર હૈયે રમણ ખીમરાણા તરફ ઉપડ્યો. પશ્ચિમમાં ડૂબતો સૂર્ય રમણને રઘુ જેવો દેખાઈ રહ્યો હતો જેને અચાનક ક્ષિતિજ ભરખી ગઈ અને રમણની આંખોમાં અંધકાર પાથરતી ગઈ.

રમણ ગામમાં પ્રવેશ્યો. ભારે હૈયે અને રડતી આંખે ઘરે ગયો અને ફસડાઈ પડ્યો. એના રઘલાના શબ્દો એના કાને પડ્યા. બધાને મફતમાં જે આપ્યું એનું વળતર મળ્યું હોત તો આજે રઘલા માટે પૈસા બચાવી શક્યો હોત. ઓપરેશન કરાવી શક્યો હોત.

છું પોતાનું મન મનાવતો અને બોલતો,' પણ... પૈસો હોત તોય પણ આખે આખું અંગ ક્યાંથી લાવી હકત...'

રમણ જોરજોરથી રડવા માંડયો અને હાથ ભીંત ઉપર પછાડતા બોલ્યો, " આ ગારા ચૂંથીને આયખું આખું જાત-જાતના વાસણ ઘડ્યાં... મૂર્તિઓ ઘડી... ઓલી ગામની વાછડીઓ પાણી પી હકે ઈ હાટુ એવડી મોટી ટાંકી ઘડી નાખી..દિવાળીના દીવાઓ ઘડીને આખા ગામને અજવાળાં દીધા. 

ને આઇજે..આ મારા રઘલા હાટુ આ ગારામાંથી અંગ રચી હકવાનો? આ માટી નું લીંપણ કરીને એને શ્વાસ દઈ હકવાનો? આ મારુ નસીબ તો આ માટલાંથીય પોલું નીકઈડું"

"વિચારતો વિચારતો અને જીવનથી હારેલો રમણ આંખ બંધ કરીને વિચારે ચઢી ગયો."

"રમણીયા... એ રમણીયા... આપણા ગામમાં ભાઇયું ની બેઠક છે હાઇલ!", ગામનો એક માણસ રમણને હલાવી ને બોલ્યો.

"હું થયું? આમ અચાનક બેઠક?", સફાળો જાગેલો રમણ બોલ્યો.

"ગામને માઠું લાઇગું સે તારું.... હાઇલ જલ્દી... સરપંચ કાકા ગુસ્સે ભરાણાં છે... હાઇલ જલ્દી", માણસ રમણને ખેંચી ને લઇ ગયો.

"થોડીવારમાં રમણ ચોકમાં પહોંચ્યો"

"ચોકના ઓટલે ગામના વડીલ અને આધેડ પુરુષ માણસ ભેગા થયા હતા... રમણના આવતા વેંત સરપંચે ખોંખારો ખાધો અને બોલ્યા",' રમણીયા ... ગામને પારકું કરી નાઇખું હો તે... અમે બધાય મરી ગયા તા તે ઓલા દાક્તરની હાઈરે એકલો નીકળી પઇડો.. હું હમજસ તારી જાતને... મોટો માણાં થઇ ગયો સો?", આંખ કાઢીને સરપંચ બોલ્યા.

"રમણ થોથવાતા હોઠે બોલવા મથ્યો...પણ ન બોલી શક્યો. આંસુઓ નો બંધ બાપનું હૃદય ચીરીને તૂટ્યો... નીચે બેસીને રમણ બાળકની જેમ રડી પડયો... બધાએ એને રડવા દીધો... હળવો થવા દીધો... પછી સરપંચ રમણની પાસે ગયા અને રમણને ઉભો કર્યો..પાણી પીવડાવ્યું અને બાજુમાં બેસાડયો... જે કાંઈ ઘટી ગયું એની વિગતે વાત કરવા કહ્યું"

"આંસુ લૂંછાતા રહ્યાં અને ફરી વહેતા રહ્યાં અને થોથવાતા અવાજે રમણે દિવસ દરમિયાન ઘટેલી તમામ વિગત પંચોને કહી સંભળાવી... ભેખડ જેવું જીવન જીવેલા વજ્ર જેવા મનોબળ વાળા પંચોય રડી પડ્યાં."

"હાજર હતા એટલા બધાયને પંચોએ વિનંતી કરી અને અમુક વડીલો પૈસાની મદદ કરવા તૈયાર પણ થયા. પણ અંગનું દાન વાતે બધાએ નાકારો ભણ્યો. પંચોએ બે વડીલ સાથે રાખીને ઘરે-ઘરે જઈને વિનંતી કરવાનું નક્કી કર્યું"

"બસ પછી શું... આખી જિંદગી હકનો પૈસા જતો કરનારો બાપ, ડેલી- ડેલીએ ખોબો ફેલાવતો નીકળી પડ્યો. એક એક કરીને ગામના ઘરોમાં ઘૂસતો રમણ એટલીજ નિરાશા સાથે બહાર આવતો અને ફરી આશાનો ટોપલો માથે લઈને આગલી ડેલીએ જતો.

રાત સુધીમાં અડધું ગામ ફરી ગયેલો લાચાર બાપ, ઈશ્વર ભરવાડની ડેલીએ આવીને ઉભો રહ્યો. ઈશ્વરની ડેલીના દરવાજે એને રઘુના કહેલા શબ્દો સંભાળવા લાગ્યા. આ કંજૂસ શું મદદ કરશે એવો વિચાર ખંખેરી રમણે ઈશ્વરને સાદ દીધો.

"ઈશ્વર! લાલા ડેલીએ આઇવ... તારું કામ સે!", રમણે સાદ દીધો.

આખો ચોળતો મદમસ્ત પાડા જેવો ઈશ્વર ડેલીએ આવી ને ઉભો રહ્યો ને બોલ્યો,"કાં રમણા... આવે સમયે કાં રાડું દેસ. ભેંસુ જાગી જાહે... ધીરે બોઈલ. દૂધ લેવા આઈવો હો તો વિયો જા. દૂધ સે નઈ"

"ભલા માણાં! દરવાજો તો ઉઘાઇડ... હામભઈડ તો ખરો આ હું કેવા માંગે સે", જોડે આવેલા વડીલે ખોંખારો ખાધો.

"બીજો અવાજ સાંભળતા જ ઈશ્વરે દરવજો ખોલ્યો અને બહાર આવી ને બોલ્યો", હું સે બોલો?"

"રમણે પાછળ પચ્ચીસ ઘરે વગાડી એજ રેકડ અહીંયા પણ સંભળાવી અને બોલ્યો", "ઈશ્વરીયા! આખી જિંદગી કોઈનો ટાંટિયો નથી પઇકડો... પણ આજ તારો પકડું સુ! મદદ કઈર. રઘલો મરી જાહે... પૈસાના કાગળિયા થઇ જાહે જો આજે મારી ભેગો ન ઉભો રીયો તો!"

"રમણના ધ્રુજતા હાથ પોતાના હાથ વચ્ચે લઇ પછી હાથ છોડાવી ને ઈશ્વરે હાથ જોડ્યા અને ડેલી ખોલીને અંદર જતો રહ્યો અને દરવાજો બંધ કરી દીધો.

"નપાવટ! ઠાઠડી ભેગો નઈ થા તું, જોજે!", એક વડીલ ગુસ્સે ભરાયા.

"નખ્ખોદિયા! મારા રોયા! આવા સમયે પીઠ દેખાડસ નીચ!", બીજા વડીલ રાડ પાડી બેઠા.

"જાવા દયો વડીલ! હશે! એના એ ભોગવી લેશે! તમે તમારું મોં ગંધારું કરોમાં!", રમણ ભારે હૈયે આગળ વધ્યો.

"મધરાત સુધીમાં આખું ગામ ફરી વળેલો રમણ ખાલી હાથે ઘરે આવ્યો. માટલા માંથી પાણી પીધું અને ભૂખ્યો જ સુઈ ગયો"

રાતને સવાર શોધતા વાર ન લાગી. રાંદલનો ઘંટ ગુંજ્યો અને રમણ સફાળો જાગી ગયો અને રઘુ ને શોધવા માંડયો. અચાનક ભાન થયું હોય તેમ ઉતાવળે એ હોસ્પિટલ જવા નીકળ્યો.

ગામ આખું ખાલી ભટ્ઠ દેખાતું હતું... જાણે રાતોરાત કોક તોફાન ગામની વસ્તી ભરખી ગયું હતું. ભગવાનનું નામ લેતો અને રઘલાના જીવનની નક્કર ભીખ માંગતો રમણ ઢાળિયે પહોંચ્યો અને જે પહેલું વાહન મળ્યું એમ બેસી ને ઇરવિન હોસ્પિટલ તરફ નીકળી ગયો.

સૂરજના તાપ થી સળગતા રસ્તા કાલ્પનિક પાણીની છાલકથી પોતાની તરસ છીપાવતાં ક્ષિતિજ તરફ સરકતા હતા. વિચારોની ધૂળ ખંખેરીને સ્વસ્થ થયેલો રમણ રઘુને રાત્રે જ્યાં દાખલ કરીને આવ્યો હતો એ રૂમ તરફ આગળ વધ્યો.

ત્યાં જઈને જોયું તો રઘુ ખાટલે જડ્યો નહીં. હજાર જાતના ખરાબ વિચારોના વાવાઝોડા ચીરતો રમણ રિસેપ્શન તરફ ગયો અને એને ત્યાં જે જોયું એ જોઈને એની આખો ખુલ્લી રહી ગઈ. આંખોમાંથી કરુણા વહેવા માંડી.

આખું ખીમરાણા ગામ રિસેપ્શનની સામે કતારબદ્ધ ઉભેલું હતું. બધા પોતપોતાની રીતે રિસેપ્શન ઉપર બેઠેલા બેન સાથે માથાકૂટ કરતા હતા. કોક રોકડ મૂડી લઈને આવેલું. કોક પોતાના ઘરેણાં રૂમાલે બાંધીને આવેલું. પરચુરણ, ફાટેલી નોટ, તૂટેલા ગલ્લામાંથી, ઘઉંના ડબ્બા માંથી ; જ્યાંથી જેને જે મળ્યું એ લઈને હોસ્પિટલ આવી પહોંચેલું. મંદિરના મહારાજે તો આખેઆખી દાન પેટી કોક જોડે મોકલાવી દીધેલી. જોતજોતામાં હોસ્પિટલના રિસેપ્શન ઉપર ખીમરાણા ગામના પ્રેમનો ઢગલો થઇ ગયો.

ચોથી શેરી વાળા ગંગા માસી તો વાંકા વાંકાય ઝઘડી પડેલાં,"મારો આ હોનાનો દાંત સે ઈ કાઢી લ્યો પણ મારા રમણિયાનો રઘલો જીવતો ગામ ભેગો થાવો જોઈ. આ ડોસલી હવે ખાઈ પીધેલી સે. બોખી-બોખીયે રોટલી ચાવી જાહે."

રડતી આંખે રમણ આ બધું જોઈ રહ્યો. ત્યાંજ એને દૂરથી ડોક્ટર દેખાયા. આંસુઓથી ખરડાયેલી આંખે રમણ ડોક્ટર તરફ દોડયો અને પૂછી બેઠો," રઘલો ક્યાં છે મારો? ક્યાંક કાંઈક......"

સવાલ પૂરો કરે એ પેહલા જ ડોક્ટરે રમણને અટકાવ્યો," આખી રાતમાં શું ચમત્કાર કર્યો તે રમણ? ઓપેરશન, દવાઓ અને બીજા ખર્ચા માટે જોઈશે એના કરતા વધારે ભંડોળ તારા ગામે ભેગું કરી દીધું છે. અને ઉપરથી રઘુને ડોનર(દાતા) પણ મળી ગયો છે જે કિડની આપવા તૈયાર છે. અમે બધાજ રિપોર્ટ કરી લીધા છે અને કિડની રઘુને આપવા યોગ્ય છે."

સુક્કી ધરા પર પહેલા વરસાદી વાદળો વરસેને જેમ પ્રાણીઓ કલબલાટ કરી મૂકે એમ રમણના હૃદય અને મને કલબલાટ કરી મુક્યો. લાગણીઓના ઉભરાથી છલકાતો બાપ કાંઈ બોલી શકે એવી હાલતમાં નહોતો પણ તોય બે હાથ જોડીને દાક્તરના પગમાં પડી ગયો," ભગવાન થઇને આઇવા સો ડાક્ટર. હરી જાણે તમારું આ ઋણ હું કેવી રીતે ચૂકવીશ?"

"બે ખભા પકડીને રમણને ઉભો કરતા દાક્તર બોલ્યા", " પાડ મારો નઈ પેલા માણસનો માન જે પોતાની કિડની આપવા ચત્તો પાટ સૂતેલો છે. આગળ થી ડાબી બાજુ ચોથા રૂમમાં સુવડાવ્યો છે. રાજકોટથી સર્જન આવશે પછીજ ઓપેરશન થશે. ત્યાં સુધીમાં હું બીજી તૈયારી કરી લઉ"

આટલું કહી ડોક્ટર ચાલી ગયા. જેમ રથયાત્રાની સવારે ભગવાન જગન્નાથના મુખના દર્શન માટે એના ભગતનું મન ઉત્સુક હોય તેવી જ ઉત્સુકતા સાથે રમણ ડોક્ટરે કહેલા રૂમમાં દાખલ થયો અને ત્યાં સુતેલા માણસને જોઈને સજ્જડ થઈ ગયો.

બે હાથ જોડીને રડતી આંખે રમણ બોલ્યો,"ઈશ્વર તું? કાલે મારા મોઢે ડેલી બંધ કરીને હાલતો થઇ ગયેલોને આજે આઈ પોતાનું અંગ આપવા રાજી થઇ ગયો? એક રાતમાં તારું મન બદલાઈ કેમનું ગયું?

"રમણિયા! આખી જિંદગી દૂધ જેવા સફેદ અને પવિત્ર અમૃતનો ધંધો કર્યો ને વળી માતા સમાન ગાયોની આજુબાજુ રયો ને તોય પૈસાની ભૂખ ગઈ નોતી હો! કાલે ડેલીએ થી પાછો આઈવો પછી ઘરમાં ઘુઈસોને ચારો તરફ નજર નાઈખી. મારુ આખું ઘર રમણા તારા ઘડેલા અને તારી પાસેથી મફતમાં પડાવેલા વાસણો અને વસ્તુઓથી ભરેલું દેખાણું.

ગૌ ને પાણી દેવા ગયો તો જોયું કે ઘડોય તારો દીધેલો ને બર્યું પીવાની ટાંકીએ તારી ઘડેલી. ઘરની દીવાલો સામે નજર નાઈખી તો લિપણેય તારી માટીનું દેખાણું. ઘરના વાસણ, ઠામણાં, ગોરા, હાંડા બધુંય કાલે રાઈતે ઉધારીની ચાડી ખાતું તું. અંતે નજર માઇમથની માટલી પર ઠરી. દીકરીઓ વળાવી ત્યારે તે હાથે રંગેલી માઇમથ મોકલેલી. છોકરીઓને બચ્ચાં થયા તો રમકડાંય તે દીધેલા. મારી બીજી દીકરીનો મોન્ટુડો તો ગામ એટલે જ આવે કે રમણ કાકા રમકડું દેશે.

પાણિયારે દીવો જોયો ને મંદિરમાં કોડીયું - બધું જ તારું દીધેલ હતું મારા વાલા! હું જમીન ઉપર ફસડાઈ પડ્યો. કેટકેટલી દિવાળીઓ ઉજળી કરી છે તારા દિવા/કોડિયાંએ અને આજે તારા ઘરે અંધારું થયું ત્યારે હું નખ્ખોદિયો તારા મોઢે ડેલી બંધ કરી ગયો.

માતાજીના ગરબાના હમ નક્કી કઈરૂ કે બધું વેચી નાખીસ પણ આ રઘલાને પાછો લાવી દેવો. રાતોરાત ગાયો/ભેંસો વેચી નો હકુ. ઘર વેચવાનો વિચાર આઈવો તો દીકરીઓના મોઢા હામા દેખાણાં. છેલ્લે બાકી રયો હું પોતે અને મારુ આ શરીર. તારી ભાભી તો કયુની સ્વર્ગ ભેગી થઇ ગઈ. આ એકલડા ઈશ્વરિયાને બે અંગ રહે કે એક હુ ફરક પડે!

તો ભાઈ આવી ગયો આયાં ... માણસાઈનું ઋણ તો આ ભવે નો ચૂકવાણુ પણ તારી માટીનું ઋણ ચૂકવી દઉ એટલે થોડી ટાઢક વળે. આભાર મારે તારો માનવો રયો, રમણીયા! કોઈ દી તે મને ગામ વચ્ચે ખોટો નથ ચીતરો! બની હકે તો ભાઈ માફ કરજે હો આ અભણ ભરવાડને જેનું ગણતરેય કાચું નીકઈડું!

"રમણ એક બાજુ બેસીને આંખ બંધ કરી ગયો અને મનોમન બબડ્યો,"રઘલા, જો મેં તને કીધું તું ને જરૂર પડે ગામ ઉભું રેસે... લે થા ઉભો ને કહે કે તારો બાપ ખોટો ને તું હાસો હતો!"

રઘુનું ઓપેરશન સમયસર પૂરું થયું. ગામે દીધેલા રૂપિયાની જરૂરજ ન પડી. રાજકોટથી આવેલા ડોક્ટરે ગામનો ગામના માણસ માટેનો પ્રેમ જોઈને આખી ફી માફ કરી નાખી. ગામ પાછું ગામમાં ભળી ગયું. જાણે કાંઈ થયુંજ નહોતું એમ પાછી ઉદારતાની ઓઢણી ઉતરી ગઈ અને માણસાઈની ઓઢણી ચઢી ગઈ.

આજેય ઈશ્વર જાય હોં! ઓલા રમણની દુકાને... મફતિયું માટલું લેવા... ને પાછો કેતો આવે.. હજી એક કિડની બાકી સે... અડીખમ સે... હિસાબ લખતો રેજે... ચૂકવી દઈશ કોક દી...


(સમાપ્ત)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ