વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

The Pink Tax

                રોજબરોજની જિંદગીમાં આપણે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે, "છોકરીઓના ખર્ચા બહું વધારે હોય છે." પણ શું આ વાત પર ક્યારેય ઊંડો વિચાર કર્યો છે ખરો? શું ખરેખર છોકરીઓ છોકરાઓ કરતાં વધારે રૂપિયા ખર્ચ કરે છે? ચાલો આ વાતને બીજી રીતે સમજીએ. શું તમને ક્યારેય ખરીદી કરતી વખતે એવો અનુભવ થયો છે કે સ્ત્રીઓ કરતાં પુરુષોની વસ્તુઓ મોંઘી હોય? એ પણ એક જેવી જ અને એ જ બ્રાન્ડની વસ્તુમાં પણ! ઘણી વખત ખરીદી કરતી વખતે તમારા ધ્યાનમાં આવ્યું હશે કે કપડાંંથી લઈને સોંદર્ય પ્રસાધનો સુધીની એવી વસ્તુઓ કે જે સ્ત્રી અને પુરુષ બન્ને વાપરે છે એમાં પુરુષો કરતાં મહિલાઓની વસ્તુઓ વધારે મોંઘી હોય છે. આપણામાંના મોટાભાગના લોકોને આ અનુભવ થયો જ હોય છે. પણ શું મનમાં ક્યારેય એવો સવાલ પેદા થયો કે આખરે આવું કેમ છે? એક જેવું જ કામ કરતી એક સરખી વસ્તુઓમાં ભાવનો આટલો બધો ભેદભાવ કેમ છે? ના, આપણને ઊંડો વિચાર કરવા કરતાં ખર્ચ બાબતનો દોષ ટોપલો સીધો સ્ત્રીઓ પર ઢોળી દેવાનું વધારે સરળ પડે છે! સ્ત્રીઓની વસ્તુઓ પર લેવાતા આ વધારાના ભાવને પિંક ટેક્સ કહેવામાં આવે છે. તો ચાલો આજે આ નવા વિષય પર વિસ્તારથી ચર્ચા કરીએ.


                    સૌપ્રથમ તો એક સ્પષ્ટતા કરી લઈએ કે, દુનિયાની કોઈપણ સરકાર આ પ્રકારનો કોઈ ટેક્સ નથી લેતી. પણ અહીં કંપનીઓ દ્વારા કરવામાં આવતાં લિંગ આધારિત ભાવના ભેદભાવની વાત થઈ રહી છે. જેને વિશ્વભરમાં પિંક ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. પિંક ટેક્સ એ સ્ત્રી હોવાની કિંમત છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ આમ પણ એના સ્ત્રી હોવાની કિંમતો ચૂકવી જ રહી છે ત્યારે આ એક વધારાની કિંમત છે! ઈ.સ. 2015 માં The New York City Department of Consumer Affairs એ Cradle to cane નામનો એક સર્વે કર્યો. જે મુજબ લગભગ 800 જેટલી પ્રોડક્ટ એવી છે કે જે સ્ત્રી અને પુરુષ બન્ને વાપરે છે અને આ એક સરખી વસ્તુ, એ જ  કંપની, એક સરખી ગુણવત્તામાં પણ સ્ત્રીઓ માટેની વસ્તુની કિંમત લગભગ 7% જેટલી વધારે હોય છે. જ્યારે પર્સનલ કેરની પ્રોડક્ટમાં તો આ આંકડો 13% સુધી પહોચી જાય છે. અને વળી હેરકેર પ્રોડક્ટમાં તો ભાવનો આ ભેદભાવ છેક 48% ટકા સુધી પણ પહોંચી જાય છે! કેટલીક વસ્તુઓમાં તો આ તફાવત ડબલ થી પણ વધી જાય છે!  કપડાંથી લઈને નાની બાળકોના રમકડાં સુધી બધે જ આ સ્થિતિ છે. અરે! કમસેકમ બાળકોને તો છોડી દો યાર! ભાવનો ભેદભાવ કરવામાં આ લોકો બાળકોને પણ નથી છોડતા! ક્યારેક બજારમાં રમકડાં ખરીદવા જાઓ તો કાળા અને ગુલાબી કલરના એક જ રમકડાંનો ભાવ પૂછજો! ભાવમાં ઘણો બધો તફાવત હશે!


                  પુરુષ માટેના એક સારી કંપનીના રેઝરની કિંમત 80 રૂપિયા આસપાસ હોય છે, જ્યારે સ્ત્રી માટે સારી કંપનીનું રેઝર 250 રૂપિયાની આસપાસ હોય છે! ફરક માત્ર કલરનો હોય છે. પુરુષોનું રેઝર બ્લેક,બ્લુ અથવા સિલ્વર કલરનું હોય અને સ્ત્રીઓનું પિંક કલરનું! ખરેખર તો ઊલટાનું પુરુષોના બરછટ વાળ માટે વધારે ધારદાર રેઝર બનાવવું પડે! અને સ્ત્રીઓના વાળ માટે તો ઓછી ધાર પણ ચાલે! એમ છતાં પણ સ્ત્રીઓનું રેઝર મોંઘુ હોય છે. સેવિંગ જેલ, શેમ્પુ, રેઝર, ફેસવોસ, બોડીવોસ વગેરે બધી જ વસ્તુઓમાં ભાવનો આવો ભેદભાવ નજર પડતો હોય છે. થોડા સમય પહેલાં જીન્સ બનાવતી પ્રખ્યાત કંપની GAP પણ આ વિવાદમાં ફસાઈ હતી. આ કંપનીના એક સરખા માપના છોકરી અને છોકરા માટેના જીન્સપેન્ટની કિંમતમાં એક હજાર રૂપિયાનો ફરક જોવા મળ્યો હતો! પણ સૌથી મોટો સવાલ એ છે કે આખરે આવું કેમ છે? શું કંપનીઓ પુરુષપ્રધાન માનસિતાને સમર્થન આપે છે? શું કંપનીઓ લિંગ ભેદભાવને (Gender Discrimination) પ્રોત્સાહન આપે છે? ના એવું પણ નથી. આ ભાવ ફરકનું કારણ છે ખરીદીનું મનોવિજ્ઞાન! પણ એ પહેલાં આ બાબતમાં કંપનીઓનો મત પણ જોઈ લઈએ. કંપનીઓની દલીલ મુજબ આવું હોવા પાછળનું એક કારણ છે, ઉત્પાદન ભિન્નતા. (Product differentiation) એમના મતે અલગ કલર અને અલગ પેકેજીંગમાં વધારાનો ખર્ચ થાય છે. ક્યારેક આ અલગ કલરની બનાવેલી વસ્તુઓની સંખ્યા પણ ઓછી હોય છે તો એના લીધે એની કિંમત વધી જાય છે. બીજુ કારણ છે, છૂટક વેચાણનો તફાવત. (Retail Differentiation) દુકાનદારો માટે અલગઅલગ કલરની વધારે વસ્તુઓ રાખવી પડે છે. અને એની આકર્ષક જાહેરાતોમાં પણ વધારે ખર્ચ થતો હોય છે. જાણકારોના મતે કંપનીઓની આ દલીલો પૂરેપૂરી સાચી નથી. ખરેખર તો વસ્તુઓની કિંમતોમાં જેટલો તફાવત જોવા મળે છે, ઉપર જણાવેલા કારણોથી એની પડતર કિંમત પર એટલી બધી અસર થતી નથી.


                     આવું બનવા પાછળનું ખરું કારણ છે ખરીદીનું મનોવિજ્ઞાન. કંપનીઓ તો દરેક જગ્યાએ પોતાનો ફાયદો જ જોવાની છે. હવે કેટલાક સંશોધનોમાં ધ્યાનમાં આવ્યું છે કે ખરીદી કરવામાં સ્ત્રી અને પુરુષ બન્ને અલગઅલગ રીતે વિચારે છે. મોટાભાગની મહિલાઓના ખરીદીના નિર્ણયો કિંમતને આધારે નહીં પણ લાગણીઓ અને ભાવનાઓને આધારે લેવાય છે. જ્યારે ખરીદી કરવામાં પુરુષો લાગણીઓ કરતાં કિંમતને વધારે પ્રાધાન્ય આપે છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓ પોતાના દેખાવને લઈને પણ વધારે જાગૃત હોય છે, વધારે ફેશનેબલ હોય છે. નવા કલરની ફેશનેબલ વસ્તુ માટે મહિલાઓ વધારે રૂપિયા આપવા તૈયાર થઈ જતી હોય છે. સામાન્ય રીતે મહિલાઓ પર સારા દેખાવાનું પણ એક જાતનું સામાજિક દબાણ પણ રહેતું છે. મોટાભાગની કંપનીઓ વર્ષોથી ખરીદીના મનોવિજ્ઞાનની આ વ્યૂહરચનાનો ઉપયોગ કરીને સ્ત્રીઓ પાસેથી વધારે રકમ વસૂલતી આવી છે. તો બીજી તરફ સ્ત્રીઓની કમાણીની વાત કરીએ તો ત્યાં પણ ઊલટો તફાવત જોવા મળે છે! આપણે જાણીએ છીએ કે એક સરખી લાયકાત વાળી નોકરીમાં એક પુરુષથી એક સ્ત્રીને ઓછો પગાર મળે છે! એક સર્વે મુજબ એક સ્ત્રીઓને પુરુષોની સરખામણીમાં સરેરાશ લગભગ 20% જેટલો ઓછો પગાર મળે છે. સામાન્ય નોકરીથી લઈને છેક ફિલ્મી સિતારાઓ સુધી આ  વેતન તફાવતની (Wage Gap) સમસ્યા ફેલાયેલી છે. તો આ હિસાબે તો ઊલટું હોવું જોઈએ ને? યા તો સ્ત્રીઓને વેતન વધારે મળવું જોઈએ અથવા તો આ પિંક ટેક્સ ન લાગવો જોઈએ. મતલબ સ્ત્રીઓ માટે તો આગળ ખાઈ અને પાછળ કૂવો! એક તો વસ્તુઓ પણ મોંઘી મળે અને ઉપરથી વેતન પણ ઓછું મળે!


               એક સર્વે મુજબ ભારતના 67% યુવાઓને તો આ પિંક ટેક્સ શું છે? એ જ ખબર નથી! કારણ કે આપણે ક્યારેય એવું વિચારતા જ નથી કે આવું કેમ છે? જે છે એ સ્વીકારી લઈએ છીએ! થોડા સમય પહેલાં આપણા દેશમાં આ બાબતમાં થોડી જાગૃતિ ચોક્કસથી આવી હતી. જ્યારે સેનેટરી પેડ પર 12 થી 14 ટકા જીએસટી લાગ્યો હતો. દેશમાં ગર્ભનિરોધક ગોળીઓને તો જીવનજરૂરી વસ્તુઓમાં સ્થાન આપીને ટેક્સ ફ્રી રાખવા આવી પણ સેનેટરી પેડને વૈભવી વસ્તુ ગણીને એના પર ટેક્સ નાંખવામાં આવેલો. જે ટેમ્પોન ટેક્સ તરીકે ઓળખાય છે. એ સમયે મહિલાઓએ આ ટેક્સ વિરૂદ્ધ ખૂબ પ્રદર્શનો કર્યા હતા. સોશિયલ મિડિયામાં પણ આ વિરોધ પ્રદર્શનો ખૂબ ચગ્યા હતા. ટ્વીટર પર એક હેશટેગ #Lahukalagaan એટલે કે 'લોહી પર ટેક્સ' ખૂબ ચગ્યું હતું. તો ઓનલાઇન અરજી પણ દાખલ થયેલી જેમાં ચાર લાખ જેટલા લોકોએ સહી કરેલી. આખરે આ બધાના લીધે ઈ.સ. 2018 માં સરકારે આ ટેમ્પોન ટેક્સ હટાવવો પડ્યો. આથી ભારતમાં ટેમ્પોન ટેક્સ વિશે તો જાગૃતિ ફેલાઈ ગઈ પણ પિંક ટેક્સથી તો આજે પણ ઘણા લોકો અજાણ છે. સમાજે જાણે એને અજાણતા જ સ્વીકારી લીધો છે. જોકે, #Genderpricing અને #Thepinktax જેવી સોશિયલમિડિયાની ઓનલાઇન ઝુંબેશોએ લોકોનું થોડાઘણું ધ્યાન ચોક્કસથી ખેંચ્યું છે. પણ એનું પ્રમાણ ઘણું ઓછું છે. આ બાબતમાં ઘણા લોકોની એક દલીલ હોય છે કે, જો પુરુષો કરતાં સ્ત્રીઓની અલગ કલરની વસ્તુઓ મોંઘી હોય તો એમણે એ લેવી જ શા માટે જોઈએ? એમણે પુરુષોની વસ્તુઓ લઈ લેવી જોઈએ. વાતમાં દમ પણ છે. આ રીતે કલર પાછળ દોડ્યા વગર એમણે કાળા અને બ્લૂ કલરની વસ્તુઓ લઈ લેવી જોઈએ. જેથી કંપનીઓની સાન પણ ઠેકાણે આવી જાય. પણ માત્ર કલરનો ફરક હોય ત્યાં તો આવું કરી શકાય પણ કપડાંં અને અંડરગાર્મેન્ટ જેવી વસ્તુઓનું શું? એવી તો કેટલીયે વસ્તુઓ હશે કે જે પુરુષોની વસ્તુઓ સાથે રિપ્લેસ ન કરી શકાય.


                    તો પછી આ સમસ્યાનો ઉકેલ શું? જાગૃત જનતા તરીકે આપણે શું કરી શકીએ? સ્ત્રીપુરુષ બધા સાથે મળીને આવી ભાવમાં ભેદભાવ કરવા વાળી કંપની કે વસ્તુઓનો બહિષ્કાર કરે તો કદાચ કંઈક સુધારો આવે. ઉપરની દલીલ મુજબ જે વસ્તુઓમાં માત્ર કલરનો જ ફરક હોય ત્યાં એને પુરુષોની વસ્તુઓ સાથે રિપ્લેસ કરી શકાય. બીજુ આ બાબતમાં જાગૃતિ ફેલાવવાની ખાસ જરૂર છે. મોટાભાગના લોકોને તો ખબર જ નથી કે આવું કેમ છે? આ કામમાં સોશિયલ મિડિયા પ્રભાવી રીતે ઉપયોગી થઈ શકે છે. જોકે, બધી કંપનીઓ કંઈ આ ભાવ ભેદભાવ ઊભો નથી કરતી. કેટલીક કંપનીઓ એવી પણ છે જે આ પિંક ટેક્સની સમસ્યાના ઉકેલ માટે આગળ આવીને એને ખતમ કરવા માટે પગલાં પણ લે છે. જેમ કે Billie. આ એક રેઝર બનાવતી કંપની છે. જે પોતાની મહિલા ગ્રાહકોને 10% ડિસ્કાઉન્ટ આપે છે. અને આ રીતે એ આ પિંક ટેક્સ સામે ઝુંબેશ ચલાવે છે. તો Burger king  પણ પાછલા કેટલાક વર્ષોમાં પિંક ટેક્સના વિરોધમાં કેટલીયે ઝુંબેશ ચલાવી ચૂક્યું છે. બની શકે કદાચ આવનારા સમયમાં અન્ય કંપનીઓ પણ આગળ આવે અને આ પિંક ટેક્સની વિભાવના ખતમ કરી દે.




- ભગીરથ ચાવડા


bhagirath1bd1@gmail.com



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ