વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સતત

 

શૂન્યમાં તરતાં જગન્નાથના માનસપટ પર ચારેક વર્ષ પહેલાની એ રંગબેરંગી ક્ષણો ઉપરતળે થઇ રહી હતી.

 

********

આયર્લેન્ડના ગ્રેયસ્ટોન સાઉથ બીચ પર માર્તેલો હોટેલની બાલ્કનીના રેશમી ઓરગાન્ઝા પડદામાંથી ચળાય આવતો દરિયાઈ પવન જગન્નાથના ફેફ્સાઓમાં તાજગી ભરી ગયો. એની પહોળી છાતી પર સુતેલી એ શ્વેતવર્ણી સુંવાળપ શ્વાસોચ્છવાસની હલચલથી જાગૃત થઇને જગન્નાથને વધુ લપેટાઈ. જગન્નાથે એના લાલ વાળમાં આંગળીઓ ફસાવી, એને સહેલાવી પૂછ્યું, "એ છોકરો કોણ છે? જે આપણી આસપાસ ઘણીવાર દેખાય છે?"

 

"એ તો.. મારી પાસે ગાઈડનુ કામ માંગવા આવે છે. પણ હજુ ઉંમરમાં નાનો છે ને! એટલે હું સમજાવીને એને રવાના કરી દઉં છું." સ્ત્રીસ્વર થોથવાયો.

 

પ્રેમાળ ક્ષણોને ન ડહોળવાના હેતુથી જગન્નાથે એ તરફ દુર્લક્ષ સેવી બાજુમાં પડેલી પોતાની પ્રિય 'ધ બુક ઓફ ઇન્વેઝન્સ ઓફ આયર્લેન્ડ' પર હંમેશા દુઃખતો રહેતો પોતાનો ડાબો હાથ હળવેથી પસવાર્યો, "વાહ! આ આયર્લેન્ડ. મારી આયર્લેન્ડ સાથે જોડાણની અનુભૂતિ અદ્વિતીય છે લીલી. અને હવે તું મળી ગઈ તો હું જાણે આ જગ્યા સાથે વધારે જોડાઈ ગયો છું. સ્વર્ગ જો ક્યાંક છે, તો અહીં જ છે."

 

********

ઠંડીના વાયરાએ જગન્નાથને વર્તમાનમાં લાવી પટક્યો.

 

"નર્ક જો ક્યાંક છે, તો અહીં જ છે." ટાઢીબોર રાતમાં થીજેલા ફૂટપાથ પરથી ટાઢોબોર અવાજ આવ્યો. જ્યાં રાતની કાળાશ ચાંદનીને પણ ગળી ચૂકી હતી, ત્યાં ગરીબીથી આવકારાયેલા, સમાજના રંગબેરંગી કપડાં પરના, જરૂરી છતાં હડધૂત થતાં થીંગડા સમાન ફૂટપાથવાસીઓ ક્યાં બાકી રહેવાના હતા!

 

ગરીબીને પડખામાં ભરીને સુતેલા ભૂખરાં-મેલા શણના કોથળાઓ વચ્ચે એક વાદળી ગોદડી અલગ તરી આવતી હતી. એ કદાચ ફૂટપાથનો નવો-સવો રહેવાસી હતો. મચ્છરોથી આશાસ્પદ રાહત માટે એ ધ્રુજારી સાથે પોતાનું ગલુડિયું લઇ સ્ટ્રીટલાઈટ નીચે સરક્યો. સ્ટ્રીટલાઈટના અજવાળે એને ગોદડી પર ભરત ભરેલા મોરપીંછના છેડે પોતાનું અને પ્રેમિકાનું નામ કોતરાયેલુ વંચાયું, 'જગન્નાથલીલા'

 

એ નામ પર એણે અકળ રીતે દુઃખતા ડાબા હાથની આંગળીઓ ફેરવી ગણગણ્યું, "મારી લીલા... જગન્નાથની લીલા."

 

ગણતરીના મહિનાઓ જ પોતાની સાથે રહેલી લીલા વગર જીવનનો ધસમસતો પ્રવાહ જગન્નાથના મનોજગતને કચડવા લાગ્યો હતો. એના ખોળામાં રહેલું કથ્થાઈ ગલુડિયું હૂંફ મેળવવા ગોદડીમાં ભરાયું. એણે પણ ગલૂડિયાને પોતાના આશ્લેષમાં લઇ લીધું અને કહ્યું, "અરે કેપેચિનો, તને પણ મારી જેમ લીલાની યાદ આવે છે? પણ શું કરી શકીએ? એકલવાયા જીવનમાં માત્ર લીલાની જ તો લીલોતરી હતી. એને શોધવા જ તો ભટકું છું કે ક્યાંક અહીં કોઈ વળાંક પર એ દેખાઈ જાય. લીલાને આ ગરીબોને અને હોસ્પિટલના દર્દીઓની મદદ કરવાનું બહુ ગમતું. કદાચ એ અહીં આવી હોય." કહી જગન્નાથે રસ્તાની બીજી તરફ સીટી હોસ્પિટલની બારીઓ તરફ નજર નાખી. 

 

જગન્નાથનો વારંવારનો ગણગણાટ સાંભળી બાજુમાં સૂતેલો એક ફૂટપાથવાસી ઉઠીને દૂર જઈ સુઈ ગયો. જગન્નાથ રસ્તા તરફ પીઠ કરીને બેસી ગયો. ત્યારે જ સામેના અંધારિયા ખૂણામાંથી આવેલો પ્રકાશનો શેરડો જગન્નાથની આંખો આંજી ગયો. એ પ્રકાશપુંજમાંથી રસ્તો કરી એક માનવાકૃતિ જગન્નાથ સામે પ્રસ્તુત થઇ અને ઘૂંટણિયે બેસી ગઈ. અંજાયેલી આંખોનો ક્ષણિક અંધાપો ઓઝલ થતાં જ જગન્નાથને એક વિલક્ષણ વસ્ત્રોમાં સજ્જ સોહામણો છોકરો દેખાયો.

 

માથું ઝૂકાવીને ઘૂંટણભેર બેસેલા એ છોકરાનો જમણો હાથ માંસલ છાતી પર તો બીજો હાથ જમીન પર ટેકવેલા દંડ પર હતો. દંડને છેડે એક ચમકદાર ગોળા ઉપર ભાલાની તીક્ષ્ણ ધારમાંથી સફેદ પ્રકાશ રેલાઈ રહ્યો હતો, જે જગન્નાથના ચહેરાને ઝળાંહળાં કરી ગયો. માંસલ શરીર સૌષ્ઠવ એ કિશોરના દાઢીમૂછ વિનાના કોમળ ચહેરા સાથે મેળ ખાતું નહોતું. તેમ છતાં આકર્ષક દૈવી આભા ધરાવતા કિશોરને જગન્નાથની આંખો અપલક તાકી રહી. તેના માથા પર સોનેરી દેખાતાં વાળ ખભા તરફ બદામી અને છેડે લાલ રંગના હતા. આ જોઈ જગન્નાથ ચમક્યો. એ મનોમન બોલ્યો, "અરે, આ તો કદાચ... પણ એ કઈ રીતે બની શકે? શું હું નશામાં છું? ના.. ના.. તો મારી સામેનું દ્રશ્ય ને આ પાત્ર મારો વહેમ હશે?"

 

જગન્નાથના અનુત્તરિત સવાલોને વધુ ગૂંચવાડામાં નાખતું હોય એમ એના હાથમાં લપાઈને બેસેલું ગલુડિયું કૂદકો મારીને તે કિશોર પાસે પહોંચી ગયું જાણે જગન્નાથ નહિ, તે કિશોર જ એનો માલિક હતો. અચાનક તે નાના ગલૂડિયાંએ ચમત્કારિક રીતે સામાન્ય કરતાં મોટા ખૂંખાર શ્વાનનો આકાર ધરી લીધો. આ જોઈ જગન્નાથ હેબતાઈ ગયો. પેલા તરુણે એને પોતાના પડખામાં લીધો અને કહ્યું, "તેં ખૂબ સરસ રીતે આર્દ-રીને સાચવ્યા સ્લોન. તારો આ વફાદારી ભાવ તુથા વંશ માટે વરદાન છે."

 

જગન્નાથના ધ્રૂજતા હોઠ ફફડ્યા, "તુથા? સ્લોન? કોણ?"

 

"તમે મને ઓળખો જ છો આર્દ-રી."

 

"આર્દ રી? મતલબ આયર્લેન્ડનો સર્વોચ્ચ રાજા? કોણ હું? શું બકવાસ છે? હું જગન્નાથ છું. ભારતમાં જન્મેલો, ઉછરેલો અને સામાન્ય ગ્રાફિક ડિઝાઈનર. હા, મારી પ્રેમિકા લીલા જરૂર આયર્લેન્ડની હતી. અરે! તમે આર્યલેન્ડથી આવ્યા છો? પણ આ શું વેશ છે? કોણ છો ભાઈ?" ઠંડી, ભૂખ, ઉજાગરો અને પ્રેમિકાવિયોગમાં ત્રસ્ત જગન્નાથ પોતાની નજર સામે અલૌકિક દ્રશ્ય જોઈ નિરંકુશ બડબડાટ કરવા લાગ્યો.

 

"શાંત થાઓ આર્દ-રી. લીલીએ તમારા પહેલા બૉયન  વેલિ પહોંચવું પડે એમ હતું. ત્યાં પહોંચીને એ તમારી રાહ જુએ છે. હવે સમય આવી ગયો છે કે તમે પણ ત્યાં આવી આયર્લેન્ડ પર કબ્જો કરો. પણ તમારા પર જોખમ છે યથાવત છે આર્દ-રી. આપણે સાવચેતીથી બૉયન વેલિ પહોંચવું પડશે. હું તમને લઇ જઈશ."

 

"અરે શું બકવાસ છે છોકરા? નક્કી તું મને ક્યાંક ફસાવવા આવ્યો છે. તેં જ તો લીલાને ગાયબ નથી કરી ને? સાચું કહે કોણ છે તું?"

 

જગન્નાથની જીદથી ખફા એ કિશોરનો ચહેરો રક્તવર્ણો થઇ ગયો. એની આંખની કીકીઓ ઉપર ચડી અને મોઢું વિકૃત થઇ ગયું. પોતાના માલિકનો ક્રોધ માપી ગયેલા સ્લોને પણ પોતાના જડબા ખોલ્યા. થોડીવાર પહેલા સૌમ્ય દેખાતા કિશોરે વકાસીને થથરાવી દેતી રાડ નાખી,  "હું છું કિલિઆન... આર્યલેન્ડના સર્વોચ્ચ શાસક તુથા દે વંશનો રક્ષક. હજુયે મને ન ઓળખતા હોવ તો મારા રૌદ્ર સ્વરૂપના સાક્ષી બનશો આર્દ-રી." તે તરુણે પોતાના હાથમાં રહેલા દંડને ઉપાડીને જમીન પર પછાડ્યો જેના કારણે જગન્નાથની આસપાસની ધરા ધ્રુજી ઉઠી.

 

કિશોરથી ગભરાઈને જગન્નાથે મદદ માટે બૂમો પાડવા માંડી. પણ થોડે દૂર સુતેલા ફૂટપાથવાસીઓ પૂર્વવત આરામ ફરમાવી રહ્યા હતા એ જોઈને ડાફોળીયા મારતો જગન્નાથ ચોંકી ગયો. આ કોલાહલનો એ એકમાત્ર સાક્ષી હતો. હતપ્રભ જગન્નાથ ક્રોધિત કિલિઆનને જોઈ વિચારી રહ્યો, "આ કિલિઆન નામ ક્યાંક સાંભળેલું લાગે છે. આ સોળ વર્ષનો છોકરો તુથા દે વંશનો રક્ષક? બુક ઓફ ઇન્વેઝનમાં વર્ણવેલ કિલિઆન જ તો નથી? કે પછી, આ માત્ર આઈરીશ પ્રેમિકા લીલા, આયર્લેન્ડની ધરતી અને કથાઓનું ખેંચાણ છે?" જગન્નાથના મનઃતરંગો ફરી એને ભૂતકાળમાં ખેંચી ગયા.

 

*******

એક પ્રવાસી ટોળું આયર્લેન્ડની બૉયન વેલિની ઐતિહાસિક જગ્યાઓ પર મુગ્ધતાથી ફરી રહ્યું હતું. આયર્લેન્ડની સ્વચ્છ હવાએ જાણે સૌને મોહપાશમાં બાંધી રાખ્યા હતા. મોહપાશમાં જકડાવાનું એક બીજું કારણ તેમની આગળ ભોમિયો બની ચાલી રહ્યું હતું. અઢાર વર્ષની અલ્લડતા સૌને પોતાની પાછળ સીધાદોર લઇ જઈ રહી હતી. બૉયન નદીની ભીની હવામાં ફરફરતા લીલીના લાલ રંગના વાળ અને એવી જ ઝાંય પડતી કથ્થાઈ આંખો આયર્લેન્ડની સુંદરતાનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.

 

ક્યારેક ગોળાકારે ફરી જતી, ક્યારેક દરિયાના મોજાની જેમ હિલ્લોળા લેતી લીલી પ્રવાસીઓને આયર્લેન્ડના ઇતિહાસમાં તરબોળ કરી રહી હતી, "બૉયન નદીને કિનારે આવેલો આ બ્રુ ના બૉયન, બૉયન વેલિ સ્તૂપ પણ કહેવાય છે. કહેવાય છે કે, આર્યલેન્ડના અમર શાસકોની અંતરહિત દુનિયા અને વર્તમાન જગત વચ્ચેનો આ રસ્તો છે. દેવોના વંશજ એવા સર્વોચ્ચ શાસક તુથા દે વંશ આજે પણ આર્યલેન્ડની રક્ષા કરે છે. પણ એ વંશના રક્ષક છે, સાહસિક ભાઈબહેન- મેરેડીથ અને કિલિઆન. એ બે કિશોરોની માતા, દેવી ઇરિયુંના નામ પરથી જ આયર્લેન્ડનું નામ પડ્યું હતું."

 

"અને તમારું નામ?" પ્રવાસી ટોળામાંથી નવયુવાન જગન્નાથ સહેજ આંખો ચોરીને બોલ્યો.

 

લીલી અને એ યુવાનની આંખો વચ્ચે ક્ષણિક પણ યૌગિક તારામૈત્રક સર્જાયું. લીલીએ શરમાઈને ઉત્તર આપ્યો, "આયર્લેન્ડની શાંતિના પ્રતીક એવા ઈસ્ટર લીલીના ફૂલો પરથી મારું નામ પડ્યું છે, લીલી."

 

પ્રવાસી ટોળું એ દિવસ પૂરતું તો વિખેરાયું પણ યુવાન જગન્નાથના મનમાં આખી રાત લીલીના ફૂલો પૂરબહારમાં ખીલતા રહ્યા. અકથ્ય આકર્ષણ લીલી અને જગન્નાથને એકબીજા તરફ ખેંચી રહ્યું હતું. બીજા દિવસે સવારે ઈસ્ટર લીલીના સફેદ ફૂલોને રંગ આપતા સૂર્યની જેમ જગન્નાથ લીલીની સામે જઈ એ રીતે ઉભો રહી ગયો જાણે કે, ગતરાતનું મનોદ્વંદ્વ એક પળમાં લીલી સામે પ્રસ્તુત કરી દેવા માંગતો હોય. પણ લીલીની ઓજસ્વી કથ્થાઈ નજરોએ જગન્નાથને મૂંગોમંતર બનાવી દીધો.

 

બ્રુ ના બૉયનથી થોડે દૂર આવેલા હિલ ઓફ તારા પર બીજા દિવસનો બૉયન વેલિ પ્રવાસ શરૂ થયો. દૂરથી જમીનમાં ખૂંપેલો નળાકાર પથ્થર દેખાઈ રહ્યો હતો. લીલીએ આંખોમાં ગર્વ ભરીને દૂરથી જ એ પથ્થર વિશે પ્રવાસીઓને જાણકારી આપવાનું શરૂ કર્યું, "આ છે લીયાફેલ, નિયતિ અને પ્રગતિનો પથ્થર! કહેવાય છે કે, આયર્લેન્ડના સર્વોચ્ચ અને લાયક શાસકની હાજરીમાં આ પથ્થર ટંકારવ કરી વિજયઘોષ કરે છે.  પોતાના ટંકારવથી એ આયર્લેન્ડના સર્વોચ્ચ શાસકની હાજરીનું પ્રમાણ આપે છે."

 

લીયાફેલ નજીક પહોંચી લીલીએ એક ઘૂંટણ જમીન પર ટેકવી દઈ જમણો હાથ હૃદય પર રાખી આંખો બંધ કરી મસ્તક ઝૂકાવ્યું. પ્રવાસીઓના ટોળામાંથી કેટલાક લીલીને અનુસર્યા તો કેટલાકને એમ કરવું જરૂરી ન લાગ્યું. જગન્નાથ અન્ય સૌથી વિપરીત લીલીની સામે જઈ બેસી ગયો અને લીલીની આંખો ખોલવાની રાહ જોવા લાગ્યો. બદલાતી ક્ષણે જયારે લીલી અને જગન્નાથની નજરો જોડાઈ, સહસા ત્યાં ઉભેલા સૌ કોઈના કર્ણપટલ ભેદતો તીવ્ર ટંકાર સંભળાયો. લાંબો ટંકાર અટકી ગયો છતાં એના તીવ્ર પડઘા સૌની હથેળીઓને કાન ઉપર જડી રાખવા મજબૂર કરી રહ્યા હતા. ક્ષણિક બહેરા થયેલા કાનમાં આંગળીઓ નાખતા લોકો વિચારી રહ્યા હતા કે, લીયાફેલ પથ્થરની લાક્ષણિકતાનું આ નમૂનારૂપ પ્રદર્શન હશે. પરંતુ એ ટંકાર બાદ લીલી અને અન્ય કેટલાક ગાઈડનું વર્તન બદલાઈ ગયું. લીલી અને સચેત થયેલા બીજા ચાર ગાઈડે ડરેલા સ્વરે બૂમ પાડી, "કિલિઆન..."

 

અચાનક માથેથી શણના કોથળાનું આવરણ ઓઢેલો સોળ વર્ષનો કિશોર પવનઝપાટે ત્યાં આવી બધા  પ્રવાસીઓને બાનમાં લઇ લીયાફેલનું મેદાન ખાલી કરાવવા લાગ્યો. આવરણ નીચે છુપાયેલો એનો ચહેરો તો સ્પષ્ટ કળી શકાતો નહોતો પરંતુ એના સત્તાવાહી અવાજ અને પ્રભાવશાળી અંગભંગિમાઓ સામે કોઈપણ વિરોધી સૂર ન ઉઠાવી શક્યું અને  સૌ કોઈ લીયાફેલથી દૂર જવા લાગ્યા.

 

લીલી હતપ્રભ થયેલા જગન્નાથને અન્ય પ્રવાસીઓથી દૂર ખેંચી ગઈ અને એક પ્રાચીન દીવાલને ઓથે જઈ સંતાઈ. ગૂંચવાયેલા જગન્નાથે લીલીને પૂછ્યું, "શું થયું? આપણે કોનાથી ભાગી રહ્યા છે?"

 

પણ જવાબ આપવાની જગ્યાએ લીલીએ ક્ષણભરમાં પોતાના ચહેરા પર ઉપજેલા ડરને આકર્ષક કામભાવમાં બદલી દઈ કહ્યું, "તમે જ છો એ જેની મને રાહ હતી."

 

"એટલે? હું કંઈ સમજ...." જગન્નાથના હોઠ પર આવેલા શબ્દો લીલીના અધરસ્પર્શ વચ્ચે અટવાઈ ગયા. જયારે અદમ્ય આકર્ષણ લીલી અને જગન્નાથને ગાઢ આલિંગનમાં જકડી રહ્યું હતું ત્યારે જ અદ્રશ્ય અવકાશમાંથી મોટી સંખ્યામાં તીક્ષ્ણ બૂમરેંગ જગન્નાથની પીઠ તરફ ફેંકાયા. પણ એ જગન્નાથ સુધી પહોંચે એ પહેલા તેની અને બૂમરેંગની વચ્ચે પારદર્શક ઉર્જામય કવચ ઉદ્ભવ્યું. જગન્નાથને ઓચિંતા હુમલાથી બચાવવા માટે કિલિઆને પોતાના ભાલામાંથી ઉર્જા ઉત્પન્ન કરીને લીલી અને જગન્નાથ ફરતે કવચ રચી દીધું હતું.

 

અતિબળવાન આક્રમણને અટકાવી રાખવા પોતાની બેશુમાર શક્તિઓથી પણ બમણું જોર લગાવતા કિલિઆનની રાતીચોળ થયેલી કોમળ કાયા પરની રુધિર શિરાઓ ફાટવા માંડી. કિલિઆને ઓઢેલું શણનું આવરણ એની જ ક્રોધાગ્નિથી સળગવા માંડ્યું. સોનેરી અને રાતા રંગની એની કેશશિખાઓ જાણે એ અગ્નિમાં વધુ ઘેરો રંગ પકડી રહી હતી. પણ જગન્નાથ માટે આ દ્રશ્ય જોવાનો કદાચિત ખરો સમય નહોતો તેથી જાણીજોઈને લીલીએ જગન્નાથને પોતાના ઉન્માદ ચેષ્ટાઓમાં રત રાખ્યો. કવચ પર ભેદ કરતાં જતાં બૂમરેંગને રાખ કરવા કિલિઆને રાડ નાખી. આસપાસની ધરા ધ્રૂજી. જેનું કંપન કવચમાં રક્ષિત લીલી અને જગન્નાથને અનુભવાયું.

 

"આ શું હતું લીલી?"

 

" એ તો... અહીં ભૂકંપ આવ્યા જ કરે છે. આપણે હવે જવું જોઈએ."

 

"તું મારી સાથે આવે છે લીલી?" જગન્નાથ ગૂંચવાયો.

 

"હવે હું તમારી સાથે જ રહીશ જગ્ગુ..."

 

********

"આ કંઈ જગ્યા છે? મને ક્યાં લઇ જાય છે?" જગન્નાથે ડરેલા સ્વરે પૂછ્યું.

 

કિલિઆન એક ગુફાના મુખ પાસે અક્કડતાથી ઉભો રહ્યો. મૂછનો દોરો ફૂટી રહ્યો હતો એવા કોમળ ચહેરા પરના નફ્ફટ ભાવોને જોઈને જગન્નાથને ક્રોધ સાથે કિલિઆન પર વહાલ પણ આવી રહ્યું હતું. કિલિઆન જગન્નાથને સાચવી પણ રહ્યો હતો અને સ્લોન સાથે મળી ડરાવી પણ રહ્યો હતો. અંતરમાં ફફડાટ હોવા છતાં જગન્નાથે હિંમત કરીને ફરી પૂછ્યું, "અરે પણ આ જગ્યા કઈ છે એ તો કહે."

 

"ઉત્તરાખંડ, પિથૌરાગઢ." કિલિઆને ટૂંકો જવાબ આપ્યો.

 

"પણ અહીં કેમ?"

 

"આ પાતાળ ભુવનેશ્વરની ગુફા છે આર્દ-રી. પાતાળમાં જવાનો રસ્તો! અહીંથી આપણે બ્રુ ના બૉયન જઈશું. પાતાળમાં જવાના રસ્તા દુનિયાના ઘણા બધા સ્થળે છે જે બધા જ એકબીજા સાથે આંતરિક અને ચમત્કારિક રીતે જોડાયેલા છે. ગુફામાંથી બહાર નીકળતા સુધીમાં તમને બધું જ જ્ઞાત થઇ જશે આર્દ-રી."

 

"અરે પાગલ માણસ, અહીં ભારતથી આયર્લેન્ડ? મને મૂરખ સમજે છે? સાચું બોલ, મારું અપહરણ કરીને ક્યાં લઇ જઈ રહ્યો છે મને." જગન્નાથ કિલિઆનની ધડમાથા વગરની વાતથી ચિડાઈ ગયો. અચાનક  એને દુઃખતા રહેતા ડાબા હાથ પર કંઈક ખૂંચ્યું. જેના કારણે જગન્નાથ મૂર્છિત થવા માંડ્યો. એને લાગ્યું કે તેનું શરીર દરિયાઈ સપાટી પર હિલ્લોળા લઇ રહ્યું છે.

 

********

"તેઓ દરિયાઈ માર્ગે આપણા પર ચઢાઈ કરવા આવી રહ્યા છે. જલ્દી સેના તૈયાર કરો." કહેતો ફોમોરિયન રાજા ઓલિફિસ્ટ ઊંઘમાંથી ઉઠી તલવાર તાકતો પોતાના કક્ષમાંથી બહાર ધસી આવ્યો.

 

એ હતો હજારો વર્ષો પહેલા, ફોમોરિયન વંશનો શાસન સમય. હિલ ઓફ તારાથી થોડે દૂર પથ્થરના અડીખમ ભવ્ય મહેલને સૂર્યોદય અડકે એ પહેલા રાજાની રાડ કંપાવી ગઈ.

 

ઓલિફિસ્ટનો ગભરાટ જોઈ સેવકો અસમંજસમાં મૂકાયા. કારણ, એમને કોઈ આક્રમણની માહિતી મળી નહોતી, ન તો કોઈ ગુપ્તચર ઓલિફિસ્ટને મળવા આવ્યો હતો. બાઘાની જેમ ઉભેલા સૈનિકોને જોઈ ઓલિફિસ્ટને જરા ભાન આવ્યું કે પોતે આક્રમણકારીઓનું સપનું જોઈ રહ્યો હતો. પરંતુ, એને ભવિષ્યનો ચિતાર આપતા રહેતા પોતાના સ્વપ્નજગત પર વિશ્વાસ હતો. તાબડતોબ એણે પોતાના મંત્રીઓને યુદ્ધ ચર્ચા કક્ષમાં હાજર થવા કહ્યું.

 

"નુડા આવી રહ્યો છે. તુથાઓની સેના દરિયાઈ માર્ગે આયર્લેન્ડ પર કબ્જો કરવા આવી રહી છે." ઓલિફિસ્ટે સચિંત જણાવ્યું.

 

ઓલિફિસ્ટના સ્વપ્નમાં શ્રદ્ધા રાખતો સેનાપતિ બેલોર સાવધ થયો. સ્વાભાવિક એનો હાથ તલવાર પર ભીડાયો, "આયર્લેન્ડ આપણું છે અને રહેશે. તુથાઓએ હંમેશા ફોમોરિયન્સ સાથે અન્યાય કર્યો છે. દૈવ વંશજ હોય તેથી શું બધા લોકમાં તેઓ જ રાજ કરશે? ફોમોરિયન્સે શું પાતાળમાં સડતા રહેવાનું? નહિ, હું આમ નહિ થવા દઉં. એ નુડાની શું તાકાત મારી આ તલવાર સામે!"

 

"આપણી ચિંતાનો વિષય નુડા નથી બેલોર. આપણી ચિંતાનો વિષય છે એનું સુરક્ષા કવચ, મેરેડીથ અને કિલિઆન. એ બંને છોકરડાંઓ અજાયબ શક્તિ લઈને બેઠા છે. તેઓ નુડાને જીતાડીને જ રહેશે." ઓલિફિસ્ટે બેલોરની દુઃખતી રગ દબાવી.

 

"આ બંનેએ નાકમાં દમ કરી રાખ્યો છે. નુડાનાં પ્રેમમાં પડેલી મેરેડિથને કારણે કિલિઆન પણ નુડાનું સુરક્ષાકવચ બન્યો છે." બેલોરે હાથના રત્નજડિત કડામાં તરફ જોયું, "તુથાઓએ કરેલો અન્યાય હું કઈ રીતે ભૂલી શકું. એ અન્યાય મેરેડીથ અને કિલિઆને પણ ભૂલવો જોઈતો નહોતો."

 

બેલોરની વ્યથાનો પોતાની સત્તાલાલસા માટે ઉપયોગ કરી રહેલા ઓલિફિસ્ટે બેલોરના ખભે હાથ મૂકી કહ્યું, "હું તારી સાથે છું બેલોર, નુડા સાથે મેરેડીથ અને કિલિઆનને પણ ખતમ કરી દેવા માટે કિલિઆનને મળેલો શ્રાપ આપણને કામ આવી શકે છે. પછી જોઉં છું નિયતિનો એ પથ્થર લીયાફેલ મારા નામ પર સર્વોચ્ચતાનો ટંકાર કરે છે કે નહિ." કહી ઓલિફિસ્ટે તલવાર હવામાં ઉદગ્ર કરી.

 

પ્રકૃતિ સંચાલકોએ દરેક વંશીય જીવની પ્રકૃતિ અનુસાર તેમને લોક ફાળવી આપ્યા હતા. જેમાં ફોમોરિયન્સના ભાગે પાતાળમાં રહેવાનું આવ્યું. પ્રકૃતિની અલૌકિક શક્તિઓનો ઉપભોગ માણતાં તુથા અને માનવોથી ફોમોરિયન્સને ઈર્ષ્યા સ્વાભાવિક હતી. પાતાળની ગરમી, ગંદકી અને અભાવમાં પીડાતા ક્ષીણ થયેલા શરીરવાળા ફોમોરીયન્સે ઇરાદાપૂર્વક લાભ લેવા દેવી ઇરિયુંની સાધના કરવા માંડી.

 

એમની આ સાધનાની દસ્તૂરી મળી હોય એમ ફોમોરિયન્સ વંશમાં અમર તારૂણ્ય અને દિવ્ય શસ્ત્રો ધરાવતા ત્રણ યોદ્ધાઓ ઉત્પન્ન થયા, કિલિઆન, મેરેડીથ અને બેલોર. તેમની મદદથી જ તુથાઓને સત્તાહીન કરી ફોમોરિયન્સ શાસક બન્યા હતા. પણ તુથા અને ફોમોરીયન વચ્ચે નિરંતર ચાલતા રહેતા એ યુદ્ધના વચગાળામાં મેરેડીથને કરુણાહૃદયી અને ન્યાયી તુથા દે વંશના રાજા નુડાથી અનુરાગ થયો. કિલિઆને બહેનનો સાથ આપ્યો પરંતુ બની બેઠેલા રાજા ઓલિફિસ્ટની કાનભંભેરણીથી બેલોર ફોમોરિયન્સનો બળવાન સેનાધ્યક્ષ બની રહ્યો. આયર્લેન્ડનો સર્વોચ્ચ રાજા ઘોષિત કરતો લીયાફેલ પથ્થર પણ વર્ષોથી મૂંગોમંતર પડ્યો હતો.

 

ફોમોરિયન સેના સમુદ્રકાંઠે તહેનાત થઇ ગઈ. થોડા દિવસો બાદ દરિયાની સપાટી પર તુથા સેનાના જહાજો ઉન્નત થતાં દેખાયા. ઓલિફિસ્ટે કહ્યું હતું એમ તુથા શાસક નુડાના જહાજની આગળ બે જહાજ હતા. નાજુક દેખાતી કિશોરી મેરેડીથના લાલ રંગના વાળ દરિયાઈ હવામાં ફરફરતા હતા. એના શ્વેત શરીરને સંપૂર્ણપણે ઢાંકી દેતા મખમલી ગાઉન પર બખ્તર કંઈક અણછાજતું દેખાતું હતું. પરંતુ એ બખ્તર પર મેરેડીથની વીંટીઓનો ટકરાવ યુદ્ધઘ્વની સર્જી રહ્યો હતો. મેરેડિથે પોતાના દિવ્ય ધનુષ્યની પણછ ખેંચી યુદ્ધઘોષ કર્યો, "કિલિઆન આક્રમણ માટે સજ્જ થાવ. આ ધરતીને એનો સર્વોચ્ચ શાસક પરત આપવો છે."

 

કિલિઆને પણ ગર્જના કરીને પોતાનો દૈવી ભાલો ઊંચો કર્યો. નુડા ગર્વથી પોતાની પ્રેમિકા મેરેડીથ અને એના ભાઈ કિલિઆન તરફ જોઈ રહ્યો. બંનેને પાનો ચડાવતો હોય એમ નુડાએ પણ યુદ્ધઘોષ કર્યો, "પોતાની ધરતી પાછી મેળવી લ્યો મારા વીરો."

 

બીજી તરફ બેલોરે પણ સૈનિકોને પોતાના શસ્ત્રો સંભાળવા આદેશ આપ્યો અને યુદ્ધનાદ કર્યો, "બુઆ ફોમોરિયન્સ."

 

ખુલ્લી તલવારો સાથે દરિયાના છીછરા પાણી સુધી પહોંચી ગયેલી ફોમોરિયન સેના આક્રમણની મુદ્રામાં બેલોરને જોશભેર પ્રત્યુત્તર આપ્યો, "બુઆ ફોમોરિયન્સ."

 

કિલિઆને હવામાં ભાલો તાક્યો જેને આદેશ ગણી દરિયાએ તુથા સૈન્યને કિનારા તરફ રસ્તો કરી આપ્યો. દરિયા વચ્ચે થઇ ધસી આવતા તુથાઓને જોઈને ફોમોરિયન્સ ચકિત થઇ ગયા. વર્ષોથી મૂક રહેલો લીયાફેલ નુડાનાં આગમન સાથે જ ગાજી ઉઠ્યો. ન્યાયી અને કરુણામય નુડા પ્રકૃતિ સંચાલકો દ્વારા સર્વોચ્ચ રાજા નક્કી કરાયો હતો. જેને લીયાફેલ દ્વારા પણ યુદ્ધ પહેલા જ સંમતિરૂપે વિજયનાદ મળી ચૂકયો. પણ ફોમોરિયન્સની સત્તાલાલસાએ તુથા સાથે યુદ્ધના બ્યુગલ ફૂંકી દીધા. બંને તરફથી તુમુલ યુદ્ધ શરુ થયું. મેરેડીથ અને કિલિઆનના અભેદ સુરક્ષા કવચમાં ઘૂસી નુડાને મારવો ઓલિફિસ્ટ અને બેલોર માટે દુષ્કર થઇ પડ્યું હતું.

 

યુદ્ધના નિયમથી વિરુદ્ધ જઈ હજારોની સંખ્યામાં ફોમોરિયન્સ મેરેડીથ અને કિલિઆન પર ઉપરાછાપરી હુમલા કરી રહ્યા હતા. પણ કિલિઆનના દૈવી ભાલામાંથી નીકળતા તરંગો અને મેરેડીથના તીખાટ બાણના હુમલા ફોમોરિયન્સને મચક આપતા નહોતા. પગની એક ઠપકાર સાથે હવામાં ઊડતી મેરેડીથ જયારે પોતાના પગ તળે રહેલા ફોમોરિયન્સ પર તાકીને બાણ છોડતી ત્યારે ફોમોરિયન્સમાં આક્રંદ વ્યાપી જતો. યુદ્ધકળામાં માહેર કિલિઆન પણ પોતાના રસ્તામાં આવતી દુશ્મન સેનાને રગદોળી રહ્યો હતો. ફોમોરિયન્સ વચ્ચે ફસાયેલા મેરેડીથ અને કિલિઆનને ચકમો આપી બેલોર નુડા સુધી પહોંચી ગયો.

 

એક તરફ નુડાની તલવાર હવામાં રક્તતૃષિત થઇ વીંઝાતી હતી તો બીજી તરફ બેલોરની તલવાર અડકી જવા માત્રથી સૈનિકો બળીને રાખ થઇ રહ્યા હતા. નુડાની નજીક પહોંચેલા બેલોરે રાડ નાખી, "નુડા તારામાં તાકાત હોય તો મારી સાથે સીધા હાથે લડ, આમ ફોમોરિયન છોકરાઓની પાછળ સંતાવાનું બંધ કર."

 

"તેઓ બંને ભલે ફોમોરિયન હોય પણ હું ગર્વથી કહું છું કે તે બંનેને પ્રકૃતિ સંચાલકોના નિર્ણયમાં શ્રદ્ધા છે. અને તેથી જ તેઓ  મારા માટે લડી રહ્યા છે. આયર્લેન્ડવાસીઓ માટે લડી રહ્યા છે. નહિ કે, તારી જેમ ખોટી જીદે ચડીને, મુર્ખામી કરીને આતતાયી ફોમોરિયન્સ સાથે."

 

નુડાની વાતોથી ક્રોધિત થયેલો બેલોર એના તરફ ધસી ગયો.બંનેની તલવાર વચ્ચે થતો ટકરાવ આકાશ સુધી આગની લપટો ઉઠાવતો હતો. ફોમોરિયન્સ વચ્ચે ફસાયેલા કિલિઆન અને મેરેડિથે આ જોયું. હજારો ફોમોરિયન હુમલાખોરોના કટકા કરી બંને ભાઈ-બહેન દરિયાના મહાકાય મોજાને ચીરતી જતી મહાકાય માછલીઓની જેમ નુડા તરફ વધવા માંડ્યાં. જયારે બંને નુડા પાસે પહોંચ્યા ત્યારે પોતાની શક્તિઓના પ્રતાપે બેલોર નુડા પર હાવી થઇ રહ્યો હતો.

 

નુડા સાથેની લડાઈ ચાલુ રાખી બેલોર દૂરથી આવતા કિલિઆનને જોઈને ખંધુ હસ્યો અને બધા સૈનિકો સહીત મેરેડીથ અને કિલિઆન સાંભળે એમ બોલ્યો, "જો કિલિઆન, તારો રાજા મારી તલવારના ભાર તળે દબાઈ રહ્યો છે. મેરેડીથ અને તું આ કમજોરથી પ્રભાવિત થયા હતા? છી.. છી.. છી.. ફોમોરિયન્સની અલૌકિક શક્તિઓનો તદ્દન દુર્વ્યય."

 

મેરેડીથ, કિલિઆન અને બેલોર જ એકબીજાની કમજોરી જાણતા હતા અને તે દ્વારા એકબીજાને હરાવી શકે એમ હતા. ક્રોધી તાસીર ધરાવતો કિલિઆન જાતે જ પોતાનો ગુસ્સો કાબુમાં રાખે એવા ઈરાદાથી દેવી ઇરિયુંએ જ કિલિઆનને શ્રાપ આપ્યો હતો કે, કિલિઆનને જો ક્રોધ આવે તો કિલિઆન એ હદે બેકાબૂ થઇ જશે કે એ પોતાના-પારકાનો ભેદ ભૂલી જશે. એ પછી એની પાસે પસ્તાવા સિવાય કોઈ રસ્તો નહિ રહે.

 

બેલોરના દરેક શબ્દ સાથે કિલિઆનનું શરીર લાલ થવા માંડ્યું. કિલિઆનના વાળ જાણે આગની લપટો પકડવા માંડ્યા. એના શરીરની ગરમીથી એના હાથમાં રહેલો ભાલો પણ રાતોચોળ થઇ ગયો. કિલિઆનના હોઠ વંકાયાં, આંખોની કિકી ઉપર ચડી ગઈ અને એણે ભયાવહ ચીસ પાડી, "ચૂપ થઇ જા ફોમોરિયન્સના પાળેલા જાનવર. દુર્વ્યય તો તારી શક્તિઓનો થઇ રહ્યો છે. ઓલિફિસ્ટના પગના તળિયા ચાટવાનું બંધ કરી દે અને પોતાના હથિયાર સંભાળ."   

 

આ સૌથી મેરેડીથ અને નુડા ચિંતિત થયેલા જણાતા હતા. તેઓ યુદ્ધ સતત રાખી કિલિઆનને શાંત થવા માટે બૂમો પાડી રહ્યા હતા. નુડાએ મેરેડિથને અવાજ લગાવ્યો, "મેરેડીથ, કિલિઆન પર એની માતાનો શ્રાપ હાવી થઇ જશે. એ શાંત રહી લડે એ ધ્યાન રાખ."

 

બેલોરે વધુ જોરથી નુડાને ભીંસમાં લીધો. આ જોઈ મેરેડિથે બેલોર તરફ બાણ તાક્યું અને કહ્યું, "તું કિલિઆન કમજોરીનો પરના શ્રાપને હથિયાર બનાવી રહ્યો છે. આ યુદ્ધના નિયમોની વિરુદ્ધ છે બેલોર. આમ થયું તો અમે પણ જાણીએ છીએ કે તારી કમજોરી શું છે." કહી મેરેડિથે બેલોરના હાથના કડાં તરફ નજર નાખી. 

 

"આમ તો તેં મારા તરફ બાણ તાક્યું છે એ પણ યુદ્ધના નિયમોની વિરુદ્ધ છે મેરેડીથ. જોતી નથી હું હમણાં તારા પ્રેમી સાથે લડી રહ્યો છું." બેલોર ખંધુ હસ્યો.

 

મેરેડિથે તાકેલું બાણ એના પર ભાલો ફેંકતા ફોમોરિયન સૈનિક તરફ છોડી દઈ કિલિઆનને  અવાજ લગાવ્યો, "કિલિઆન, પોતાની જાતને કાબુમાં રાખ. આ લોકો તારા પરના શ્રાપનો ફાયદો ઉઠાવે છે. તારો ક્રોધ તારી શક્તિઓને નિરંકુશ કરી દેશે. તને પોતાના અને પારકાનો ભેદ ભુલાવી દેશે. ભાનમાં આવ કિલિઆન..."

 

પણ ક્રોધાવેશમાં કિલિઆન પરિસ્થિતિ અને સમજદારી ભૂલી ચુક્યો હતો. એણે પોતાના ભાલાના દૈવી વિનાશકારી તરંગો નિરંકુશ રીતે રણભૂમિમાં વહાવી દીધા. ફોમોરિયન્સની સાથે તુથાઓ પણ મૃતઃપ્રાય થઇ ધરતી પર પટકાવા માંડ્યા. ચારે તરફ હાહાકાર મચી ગયો. ડરેલું તુથા સૈન્ય બચવા માટે મેરેડીથની પાછળ સંતાવા લાગ્યું. સંગ્રામે વિચિત્ર સ્વરૂપ ધર્યું. શ્રાપિત કિલિઆન ક્રોધમાં ભાન ભુલ્યો હતો અને મેરેડીથ એના પ્રકોપથી પોતાના સૈનિકોને બચાવવામાં પડી હતી. બેલોરને મારવાના ઇરાદે તે તરફ ધસી રહેલો કિલિઆન નુડાની હાજરી તરફ ક્રોધાન્ધ બની ગયો. બેલોર પરનો વાર નુડાને પણ મારી શકે એમ હતો.

 

કિલિઆનના શરીરની અગનજ્વાળાઓ નુડા અને બેલોરને સ્પર્શવા લાગી. નુડા માટે તો કિલિઆન જાણે રક્ષક જ ભક્ષક બન્યો. કિલિઆનના ભાલામાંથી વીંઝાયેલા તરંગોના કારણે નુડા અને બેલોરની ચામડી સુદ્ધા ઉતરડાવા લાગી. ભયાનક રાડ સાથે કિલિઆને પ્રહાર કરવા ભાલો ઉગામ્યો, એ જ સમયે બેલોરે પણ બૂમ પાડી, "પીઠ પાછળ વાર નહિ ઓલિફિસ્ટ."

 

બેલોરના આ વાક્યથી કિલિઆનની ક્રોધતંદ્રા તૂટી અને બીજી જ ક્ષણે એ સાવધ થઇ ગયો. કિલિઆને પોતાના ભાલાની દિશા બદલીને નુડાની પીઠ પાછળ, નુડાને મારવા તલવાર ઉગામીને ઉભેલા ઓલિફિસ્ટના શરીરને બે ફાડચામાં ચીરી નાખ્યો. મરતા ઓલિફિસ્ટની તલવારે નુડાને માર્યો તો નહિ પરંતુ ઘાયલ કરતી ગઈ. નુડાનો ડાબો હાથ કપાઈને ધરતી પર પડ્યો. અતિશય ઘાયલ નુડા પણ નીચે પટકાયો. આયર્લેન્ડની ધરતીએ નિયત કરેલા સર્વોચ્ચ રાજાના રક્તથી રંજીત થયેલી ધરતીએ ચિત્કાર કર્યો. પ્રકૃતિ સંચાલકોએ બનાવેલા નિયમ મુજબ, શારીરિક રીતે ખંડિત વ્યક્તિ શાસન ન કરી શકે. યુદ્ધભૂમિએ જાણે સમયને પાશમાં બાંધ્યો. બંને સેનાઓ આગામી હુકમની રાહ જોતી યથાતથ ઉભી રહી ગઈ.

 

બેલોર તલવાર છોડી મૂઢની જેમ ઊભો હતો. એણે કિલિઆન સાથે માનસિક માનસિક દ્વંદ્વ કર્યો હતો પરંતુ યુદ્ધના નિયમો ઉથાપે એટલો અધમ એ નહોતો. ઓલિફિસ્ટે નુડાની પીઠ પર કરેલા વારને કારણે અધવચ્ચે અટકેલા યુદ્ધથી એ મૂંઝાયેલો હતો. મેરેડિથે દોડી જઈને નુડાનું માથું પોતાના ખોળામાં લીધું. મેરેડીથનો ચહેરો આંસુઓથી ખરડાઈ ગયો હતો. કિલિઆન માથું ઝુકાવીને નુડા પાસે ઘૂંટણિયે બેઠો. 

 

નુડાએ મેરેડીથના હાથ દબાવ્યા અને કિલિઆન તરફ જોઈ કહ્યું, "અરે વહાલા, આમ જીવ નાનો ન કર. તું શ્રાપના કારણે મજબૂર હતો. સમય જતાં શ્રાપ અને શક્તિ બંને પર નિયંત્રણ રાખવાનું શીખી જઈશ. ચાલ મને લીયાફેલ પાસે લઇ જા."

 

લીયાફેલ પહોંચી નુડાએ મેરેડીથના ગાલ પર હાથ ફેરવ્યો અને કહ્યું, "હજારો વર્ષો બદલાશે, યુગો બદલાશે, દૈવી શક્તિમાં શ્રદ્ધા બદલાશે. પરંતુ પ્રકૃતિએ નક્કી કરેલા શાસકો અને રક્ષકો એના એ જ રહેશે. ઇજા અથવા હત્યા સિવાય આપણે મરી શકતા નથી એ જ આપણી આ ધરતી પ્રત્યેની જવાબદારી છે. આપણા માટે આ અભિશાપ કહો કે વરદાન, દરેક જન્મમાં દરેક યુદ્ધ આપણે લડવા જ પડે છે. બંને વંશના દરેક પાત્રએ ફરીફરી સતત અહીં આવવું જ પડે છે."

 

"શાંત રહો આર્દ-રી. આરામ કરો. પોતાને કષ્ટ ન આપો. આ સઘળું અમને ખબર જ છે." મેરેડિથે ચિંતિત સ્વરે કહ્યું.

 

"હવે થોડા દાયકાઓનો આરામ જ છે. ફરી અહીં ક્યારે અવાય એ પ્રકૃતિ જાણે. ત્યાં સુધી તમે અને કિલિઆન આયર્લેન્ડના રક્ષકો છો." અતિશય રક્તસ્રાવથી  નુડાની આંખો મીંચાઈ રહી હતી પરંતુ પ્રયત્નપૂર્વક એણે આંખો ખુલ્લી રાખવાનો પ્રયાસ કરી કહ્યું, "તુથા પર તમારો બંનેનો ઉપકાર રહેવાનો. તમે પોતાની વિચક્ષણ શક્તિઓ સર્વોચ્ચ શાસકોની રક્ષા માટે સોંપી દીધી છે. મેરેડીથ, મારી પ્રિયા, તમારો પ્રેમ તો મારા અણુઓ સાથે વણાઈ ગયો છે. તને જલ્દી જ મળવાની આશા રહેશે. પ્રકૃતિ સંચાલકોના આદેશ મુજબ હું ક્યારેક તો ફરી આવીશ. કયા સ્વરૂપે એ તો મને પણ જાણ નથી."

 

"પણ આર્દ-રી હવે અહીંનો શાસક કોણ?" કિલિઆને અસમંજસમાં પૂછ્યું.

 

"નિયતિનો આ પથ્થર લીયાફેલ જેવી નિયતિ નક્કી કરે એ ખરી." નુડાએ નિયતિના પથ્થર તરફ જોયું અને ઢસડાતા પગે એ લીયાફેલ તરફ આગળ વધ્યો.

 

એ જ સમયે બેલોર પણ લીયાફેલ નજીક પહોંચ્યો. એની નજરો હજુયે હતાશ હતી. તેણે અછડતી નજર નુડાનાં કપાયેલા હાથ તરફ નાખી અને  જે સમયે નુડાએ પોતાની તલવારથી લીયાફેલને સ્પર્શ કર્યો એ જ સમયે લીયાફેલને વંદન કરવાના હેતુથી બેલોરે પણ લીયાફેલને તલવાર અડાડી. એ સાથે જ લીયાફેલ ટંકારવ કરી ઉઠ્યો. ચતુર્દીશ એના પડઘા સાંભળવા લાગ્યા. નુડા, કિલિઆન અને મેરેડીથ અચંભિત થઇ બેલોર તરફ જોવા લાગ્યા. બેલોર આઘાતથી લીયાફેલ તરફ જોઈ રહ્યો.

 

"લીયાફેલે બેલોરને પોતાનો રાજા ઘોષિત કર્યો?" મેરેડીથના મ્હોંમાંથી ગણગણાટ નુડાનાં કાનમાં ગયો..

 

"હા, લાગે છે તો એવું જ." નુડાએ મેરેડીથને ફુસફુસાવ્યુ.

 

"ફરી ખરાઈ કરવી છે?" કિલિઆને નુડા અને મેરેડિથને ઈશારામાં પૂછ્યું.

 

"એમ કરવું લીયાફેલ પર શંકા કર્યા બરાબર હશે. આવો અવિશ્વાસ દાખવવો ઉપયુક્ત નથી. જે છે એ સ્વીકારી લઈએ." નુડાએ કહ્યું અને પોતાની તલવાર બેલોર સામે ધરી. બેલોરે પણ નુડાની તલવારની અણી પર પોતાની તલવારની અણી અડકાવી.

 

નુડાએ બેલોરની આંખોમાં નજરો પરોવી કહ્યું, "નિયતિ અને પ્રગતિના પ્રતીક લીયાફેલની સાક્ષીએ આયર્લેન્ડના સર્વોચ્ચ રાજાનું પદ હું બેલોરને હસ્તાંતરિત કરું છું. આ ઘડીથી હું સશરીર પરત આવું ત્યાં સુધી આયર્લેન્ડનો સર્વોચ્ચ રાજા છે, બેલોર. આયર્લેન્ડની તમામ પ્રજા બેલોરના આદેશને આધીન રહેશે."

 

બીજી જ પળે નુડાનું શરીર રાખ થવા લાગ્યું. એણે મેરેડીથ તરફ જોયું. અધૂરા પ્રેમની નજરો મેરેડીથના હૃદય સોંસરવી ઉતરી ગઈ. નુડાએ ફરી બેલોર તરફ જોયું અને પછી કિલિઆન તરફ. કિલિઆનને નુડાની આંખોમાં આશ્ચર્ય દેખાયું. એણે નુડાને બોલાવવાનો પ્રયાસ કર્યો, "આર્દ-રી, અમે તમારી રાહ જોઈશું."

 

"નહિ, કિલિઆન.. આ બેલોર..." નુડાનાં શબ્દો એની સાથે જ રાખ થઇ ગયા.

 

"આર્દ-રી મને કંઈ કહેવા માંગતા હતા મેરેડીથ." કિલિઆન મેરેડીથ તરફ ફર્યો.

 

"હવે હું આર્દ-રી છું કિલિઆન. નુડા નહિ." બેલોરે અટ્ટહાસ્ય કર્યું.

 

કિલિઆન અને મેરેડીથ નજીક આવ્યા અને સાથે જ બોલ્યા, "મને લાગે છે કે... બેલોર સર્વોચ્ચ રાજા..ન.."

 

********

 

"બેલોર સર્વોચ્ચ રાજા નથી. લીયાફેલે એના માટે નહિ મારા માટે જ ટંકારવ કર્યો હતો. પણ હું શારીરિક રીતે ખંડિત હોવા છતાં?" બેહોશીમાંથી જાગેલા જગન્નાથે કિલિઆન તરફ જોયું.

 

ઉત્તરાખંડની પથરાળ ગુફામાં મૂર્છિત થયેલા અને બ્રુ ના બૉયનની બહાર આયર્લેન્ડની લીલોતરીમાં જાગેલા જગન્નાથના વાક્યથી કિલિઆન ચમકી ગયો. "તમને બધું યાદ આવી ગયું આર્દ-રી?" કિલિઆન ખુશ થતાં બોલ્યો. 

 

મૂર્છિતવસ્થામાં જગન્નાથ પોતાના વર્તમાન જીવન અને નુડા તરીકેના જીવન વચ્ચે હાલકડોલક થતો રહ્યો. વચ્ચેવચ્ચે જાગી જતી એની નજરો સામે ક્યારેક આધુનિક યુગના માનવો આવી જતાં તો ક્યારેક ગુફામાં પોતાના મૂર્છિત શરીરને પ્રાચીન ફોમોરિયન્સથી બચાવતો કિલિઆન દેખાતો. સતત ચાલતા મનોસંઘર્ષ વચ્ચે નુડા એ નાનકડા કિશોરનો પોતાના માટેનો સમર્પણભાવ જોઈ ગદગદીત થઇ જતો. એને અનાયાસે લીલીની યાદ આવી ગઈ.

 

"હા, લગભગ બધું જ યાદ આવી ગયું." કહેતો જગન્નાથ ઊંડા શ્વાસમાં આયર્લેન્ડની હવા ભરી જ રહ્યો હતો કે, અચાનક લીલી આવીને જગન્નાથને વળગી પડી. જગન્નાથે સંતુલન ગુમાવ્યું, "અરે! મેરેડીથ, જરા સંભાળીને... આપ સામ્રાજ્ઞિ છો. વર્તણૂક સંભાળો."

 

આ સાંભળી લીલીએ મ્હોં બનાવ્યું, "હમ્મ, પહેલા લીલીને લીલા બનાવી, અને હવે મેરેડીથ? પણ સાચું કહું જગ્ગુ, આર્દ-રીની મેરેડીથ બનવા કરતાં મને જગન્નાથની લીલા બની રહેવું વધારે ગમશે." લીલીના ગાલ રતુંબડા થઇ ગયા.

 

"એ શક્ય નથી મેરેડીથ, આ સત્તા સાચવવાની જવાબદારી છે આપણી ઉપર. આ પાત્ર એ માટે જ અમર છે કે શરીર બદલ્યા છતાં આ સ્થળની સ્મૃતિ આપણી આત્મા સાથે જોડાઈ રહે છે. સમયના પરિમાણોથી પર એવા આ યુદ્ધ નિરંતર છે." જગન્નાથે ગંભીર મુખમુદ્રા ધારણ કરી.

 

મેરેડીથ અને કિલિઆન હવે જગન્નાથને નુડા સ્વરૂપે જોઈ શકતા હતા. બંનેએ એક ઘૂંટણ જમીન પર ટેકવી, હૃદય પર હાથ રાખી જગન્નાથનું અભિવાદન કર્યું.

 

"બેલોર સર્વોચ્ચ રાજા નથી આર્દ-રી. લીયાફેલનો નિર્દેશ સમજવામાં આપણી ભૂલ થઇ. સર્વોચ્ચ રાજાના પદને લાયક એકમાત્ર તમે જ છો. લીયાફેલે જયારે તમારી જગન્નાથ રૂપે હાજરી અનુભવીને ફરી ટંકાર કર્યો ત્યારથી બેલોર તમને શોધે છે. બેલોરે ફોમોરિયન સિવાયની પ્રજા પર ત્રાસદી વર્તાવી રાખી છે. ફોમોરિયન્સને અપરાધોની છૂટ આપી રાખી છે. જેના કારણે સૌ ત્રાહિત થઇ ગયા છે અને એણે બદલારૂપે તુથાઓને પાતાળમાં રહેવા મજબૂર કરી દીધા છે." કિલિઆને કહ્યું.

 

"બેલોરે એની તલવારથી મને બાળ્યો ત્યારે જ મને અંદાજો આવી ગયો હતો કે આપણે લીયાફેલના નિર્દેશને સમજવામાં ભૂલ કરી છે. પણ ત્યારે મોડું થઇ ચૂક્યું હતું. આ બધું મને પહેલા કેમ યાદ ના કરાવડાવ્યું?" 

 

"જગન્નાથની નુડા તરીકેની તમારી શક્તિઓ ફરી પ્રસ્થાપિત થાય એ માટે ઔષધિના દેવ એવા તમારા ભાઈ રુથર તમારા માટે એક રસાયણ બનાવી રહ્યા હતા. તે રસાયણ બની રહે એટલો સમય તમને છુપાવી રાખવા જરૂરી હતા તેથી મેરેડિથે તમારી સાથે ભારત આવવાની જીદ કરી અને તમારી રક્ષા માટે ત્યાં રહી. રસાયણ વિશે બેલોરને જાણકારી મળી ત્યારથી સત્તાલાલચુ થયેલો બેલોર રુથરની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેથી તાબડતોબ તમને કહ્યા વગર મેરેડીથ રુથરને બચાવવા અહીં મારી મદદે પરત આવી અને સ્લોન કેપેચિનો બનીને તમારી રક્ષા માટે તમારી પાસે રહ્યો." કિલિઆને જવાબ આપ્યો.

 

"ઓહ! આ સ્લોન જ મારો અને લીલાનો કેપેચિનો છે?" જગન્નાથે પ્રેમથી મહાકાય શ્વાનના ગળામાં હાથ ફેરવ્યો અને કિલિઆન તરફ જોઈને કહ્યું, "તારો ક્રોધ ઘણો કાબૂમાં આવી ગયો લાગે છે છોકરા. અને આ કવચ રચવાની નવી શક્તિ શીખી લીધી?"

 

એવામાં દૂરથી રુથરની ચીસ સંભળાઈ. પીઠમાં ખુંપેલા બાણ સાથે એ ટેકરીઓ પરથી દોડી આવતો દેખાયો. હાથમાં રહેલી શીશી એણે કિલિઆન તરફ ફેંકી જે કિલિયાને સ્લોન પર સવાર થઇ હવામાંથી જ ઝીલી લીધી. એ સમયે ટેકરીઓને પાર રુથરની પાછળ આવતા બેલોર અને ફોમોરિયન્સનું દળ જોઈને કિલિઆનની આંખો પહોળી થઇ ગઈ.

 

કિલિઆને સ્લોનના ગળામાં બાંધેલું બ્યુગલ ફૂંક્યું. જે સાંભળી બ્રુ ના બોયનની ગુફામાંથી હજારો તુથા સૈનિકો મેદાનમાં ધસી આવ્યા. કિલિઆને રસાયણની શીશી મેરેડીથ તરફ ફેંકી અને મેરેડિથે એ જગન્નાથના મ્હોંમાં ખાલી કરી દીધી. જગન્નાથનું કદ વધ્યું, એની ભુજાઓ બળવત બની. કિલિઆને હવામાં હાથ ગોળાકારે ફેરવી જગન્નાથ સામે એની તલવાર પ્રસ્તુત કરી. જગન્નાથે તલવાર ઉઠાવી અને યુદ્ધનાદ કર્યો. સામેથી ધસી આવતી બેલોરની સેના જગન્નાથની સેનામાં સમાઈ ગઈ.

 

અકથ્ય પરિમાણ પર સતત લડાતું યુદ્ધ જોવા સમય અટકી ગયો. સત્તાની લોહિયાળ જંગ શરુ થઇ. પ્રકૃતિ સંચાલકોએ નિયત કરેલા સર્વોચ્ચ રાજાએ પણ હક મેળવવા માટે પોતાનું લોહી વહાવવા માંડ્યું. યુગો વીતવા સાથે બળવાન થયેલા બેલોર સામે તરુણવયના કિલિઆને પણ પોતાની શક્તિનો પરચો બતાવવાનું શરુ કર્યું. બેલોરની શક્તિ પણ કિલિઆને રચેલું કવચ તોડી શકતી નહોતી. કિલિઆન બેલોરને જગન્નાથ સુધી પહોંચવા દેતો નહોતો. ચપળ મેરેડીથ સતત પોતાના બાણની વર્ષાથી જગન્નાથ તરફ ચારે દિશામાંથી આવતા શસ્ત્રોને વ્યર્થ કરી દેતી હતી.

 

જયારે કોઈ પણ પ્રકારે જગન્નાથને મારવાનું શક્ય ન બન્યું ત્યારે બેલોરે ફરી એકવાર માનસિક યુદ્ધ છેડ્યું, "યુગો વીત્યા છતાં તમે બંને છોકરડાંઓ આ ગરીબડા બનેલા તુથાને હજુયે સર્વોચ્ચ ગણો છો? અને..." બેલોરના શબ્દો અચાનક અટકી ગયા. મેરેડીથની પ્રત્યંચા પરથી છુટેલું બાણ સનનન... કરતું બેલોરની જીભ ચીરી ગયું.

 

પીડાથી આહત ગુસ્સાયેલા બેલોરે પોતાની તલવાર જગન્નાથ તરફ તાકીને ફેંકી. જગન્નાથે પણ સામે તલવાર ફેંકી. બંને તલવારો કિલિઆને રચેલા કવચની સપાટી પર સામસામે આવીને અટકી અને એ અલૌકિક શક્તિઓના ઘર્ષણથી કવચ ધડાકાભેર તૂટ્યું. બળવાન તરંગોને કારણે આખેઆખી રણભૂમિમાં તરંગો ઉઠ્યા. ત્યાંની ધરતી હચમચી ગઈ. જગન્નાથ એ શક્તિમાન તરંગોને કારણે હવામાં ઉછળ્યો. જેને કિલિઆને પોતાના ખભા પર ઝીલી લીધો. જગન્નાથે પોતાની જાતને પડતી બચાવવા કિલિઆનના તેજઝરતાં વાળ મજબૂતીથી પકડી લઇ એમાં આંગળીઓ ફસાવી દીધી.      

 

બેલોર જગન્નાથ સુધી પહોંચે એ પહેલા કિલિઆને પોતાનો ભાલો બેલોર તરફ અગ્રેસર કર્યો. તીક્ષ્ણ તણખા સાથે ભાલો બેલોરના શક્તિસંગ્રહ એવા કડાંને તોડતો  બેલોરની આરપાર નીકળી ગયો. ફોમોરિયન્સની હાર થઇ. લીયાફેલે જગન્નાથનો સર્વોચ્ચ રાજા તરીકે વિજયઘોષ કર્યો. આખી સેના જગન્નાથ, કિલિઆન અને મેરેડીથ સામે નતમસ્તક થઇ. એ સેનામાં માત્ર એક માથું વિરોધમાં ઉંચકાયું હતું.

 

"ઓલિફિસ્ટ ફરી આવ્યો?" કિલિઆન અને મેરેડીથ બોલી ઉઠ્યા.

 

"આ યુદ્ધ સતત છે." જગન્નાથે તીક્ષ્ણ નજર ઓલિફિસ્ટની નજરોમાં નાંખતા કહ્યું.

 

કોઈ કંઈ સમજે એ પહેલા ઓલિફિસ્ટે જગન્નાથ તરફ તલવાર ફેંકી...

 

*******

ફૂટપાથની સામેની સીટી હોસ્પિટલની કેન્ટીનમાં બે મેડિકલ સ્ટુડેંટ્સ ઝડપભેર મ્હોમાં સેન્ડવીચ ઠૂંસી રહ્યા હતા.

 

એકે પાણીથી મોઢામાંનો ડૂચો ગળે ઉતાર્યો, "તને ખબર આજે આપનો જે સબ્જેક્ટ પેશન્ટ હતો એ અમારો પાડોશી હતો. ત્રણેક વર્ષ પહેલા એની આઈરિશ ગર્લફ્રેન્ડ અચાનક ગાયબ થઇ ગઈ હતી. ત્યારથી એ આઘાતમાં હતો. આ સામેના ફૂટપાથ પાસે જ એ રોજ એની ગર્લફ્રેન્ડને શોધવા આવતો. હવે બિચારો કોમામાં છે. એની પ્રેમિકાની યાદમાં એ રાત-દિવસ આઈરિશ કથાઓ વાંચતો રહેતો. અમારું કેપેચિનો, એ પહેલા એનું જ ગલુડિયું હતું. અરે! એ તો જે મળે એને આઈરિશ પુસ્તક- 'ધ બુક ઓફ ઇન્વેઝન્સ' વાંચવા કહેતો રહેતો. કહેતો કે, 'એ મારી કથા છે.' કદાચ એ પ્રેમિકાનો વિયોગ નથી સહી શક્યો."

 

"અરે બિચારો! હવે તો બોડી પેરલાઈઝડ છે. બસ આઈબોલ મૂવમેન્ટ છે અને બારીમાંથી પેલા ફૂટપાથ તરફ જોઈ રહે છે."

 

"અરે, લાગે છે તેં કેસ પેપર બરાબર નહિ વાંચ્યા? લખ્યું હતું કે, ક્યારેક અપર લિમ્બ મૂવમેન્ટ પણ થાય છે અને એ મુઠ્ઠીઓ સતત ખોલ-બંધ કરે છે."

 

********

"અરે! આ તેત્રીસ નંબરના કોમા પેશન્ટ જગન્નાથ બિશ્તની હથેળીમાં રોજેરોજ આવા સોનેરી-લાલ વાળ ક્યાંથી આવે છે?"

 

ફૂટપાથની સામે પડતી બારીવાળા સીટી હોસ્પિટલના એ કમરામાં દર્દીઓને સ્પોન્જબાથ આપવા આવેલી પરિચારિકાએ ચિલ્લાઈને પૂછ્યું.   

 

-----

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ