વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મિશન મંગલ

હું, રઘલો , હરિયો, નાનકો અને અમારો મંગલો અમારી ભાઈબંધી એટલે… બસ ભાઈબંધી અમારી દોસ્તીનો કોઈ જોટો ના મલે. હા અમારી ભાઈબંધીને કારણે ગામલોક ત્રાહિમામ હતા પણ એનાથી અમારી દોસ્તીમાં કંઈ ગ્રહણ થોડું લાગે!? ગામલોક ત્રાહિમામ એટલે પોકારતા કે અમે પાંચેય જણા સ્કુલ હોય કે રસ્તા બધે જ અમારી મસ્તીમાં તોફાન કર્યે જતા ક્યારેક કોઈ ડોહાને હેરાન કરવા તો ક્યારેક માસ્તરને ક્યારેક તો અમારા કાળિયા અરે !અમારો ડાઘિયો હોં એની પૂંછડીમાં દોરી અને બોટલ બાંધીને તેને દોડાવતા ને ઈ બચારો આ અવાજથી ડરીને વધારે ભાગતો.તો વળી ક્યારેક કોઈના ખેતરમાંથી ઊભી શેરડી કે ચણા ખેંચી લાવતા ઈ ખાવાની જબરી મજા આવતી. એક વાત કહું આ તમે એવું ન માનતા કે હું તો ચોરીને મજા માનું છું, હું એટલે કોણ એમ? ઓહો મેં મારૂં નામ તો કહ્યું જ નહીં પણ મને એક વચન આપો તમે મને મારા દોસ્તોની જેમ ચીડવશો નહીં , હાં તો હું એટલે ભગો આમ તો મારૂ નામ ફોઈએ ધનંજય રાખ્યુ’તું પણ ઘરમાં બધા ભગો કહે એટલે દોસ્તોય મને ભગો કહે છે, હાલે હવે દોસ્તીમાં બધું જ હાલે અને મેં કહ્યું એમ અમારી તો દોસ્તીયે કેટલી પાકી પછી કંઈ બોલાય ? ના જ બોલાય ને. અમે બધા દોસ્તો આમ તો એક જ કલાસમાં ભણીએ પણ એક અમારો મંગલો અરે હાં અમારા મંગલભાઈ અમારાથી બે વર્ષ મોટા પણ એને ક્યારેય નાના-મોટા જેવું નથી રાખ્યું એટલે અમે એને મંગલો જ કહીએ.અને નાનકો સૌથી નાનો પણ લાગે સૌથી મોટો હાહાહા જાડિયો સા…. અરે! મેં તમારી પાંહે આ દોસ્તી પુરાણ કેમ ખોલ્યું હતું એ તો હું ભૂલી જ ગયો હા, યાદ આવ્યુ આ અમને દાસ્તોને એકબીજા વિના ઘડીયે ના હાલે કોઈ મુસીબતમાં હોય તો તરત જ બધા મદદ માટે તૈયાર. આ અમારા મંગલા હારે એવું જ થ્યું ને તમને નય ખબર ! લે આખું ગામ જાણે છે ઈ તો તમને નથ ખબર ઈમ ને તો હું કવ. હાં તો વાત જાણે એમ હતી કે હું ,રઘલો હરિયો ત્રણેય ત્યારે નવમાં ધોરણમાં હતા ને નાનકો આઠમામાં ને અમારો મંગલો પણ નવમાંમાં જ હતો .બે વર્ષ ફેલ થાવાની મહેનત કરી’તી એને અમારી હારે રેવા માટે . હાં તો મંગલો ઘરેથી સ્કુલ માટે નીકળો પણ તે ના તો સ્કુલ આવ્યો ના તો ઘરે હતો અને સાંજ સુધીમાં તો આખા ગામમાં હોહા થઈ ગઈ કે શું મંગલાને કોઈ ઉપાડી ગ્યું કે શું કે પછી પાદરવાળી ચૂડેલ લઈ ગઈ? બધાએ બધે જ તપાસ કરી ઈના ઘરનાં ને હારે ગામનાં કેટલાક યુવાનો મંગલાને શોધતા હતા પણ તેનો કોઈ પત્તો જ ન હતો એટલે અંતે પોલીસમાં રપોટ કરવાનું વિચાર્યુ. મને જરાય ચેન ન હતું મારો ભાઈબંધ ક્યાં ગયો ? એ વચાર જપવા જ નોતો દેતો અંતે રાતે મેં બધા જ દોસ્તો ને મળીને મારો વિચાર રજૂ કર્યો કે પોલીસ કંઈ કરે કે ના કરે કે પછી ગામલોક આમ હાથ ઉપર હાથ મૂકી બેઠા રહે પણ અમે દોસ્તો નહીં બેસીએ, ને બસ એ રાતે જ અમે હાથમાં લઠ, ટોર્ચ એક મોબાઇલ અને થોડો નાસ્તો લઈને નીકળી પડ્યા મિશન મંગલ પર. હા અમારા મંગલાને શોધવા. રાતનો ટેમ હતો એટલે થોડો જર તો લાગતો જ હતો ને વળી ગામનાં પાદરેથી જ નીકળવાનું હતું ત્યાંની ચૂડેલની વાયકાથી જ અમારા રાજા ગગડતા હતા પણ જય હનુમાન જ્ઞાન ગુન સાગર કરતાં અમે પાદરનાં રસ્તેથી સીમ ભણી નીકળ્યા. અમને કોઈ રસ્તો કે જગ્યા તો ખબર જ નો’તી કે અમારે ક્યાં જવું? ક્યાં શોધવો મંગલા ને પણ ગામમાં તો બધે જશોધ્યો હતો એટલે હવે સીમ ભણી આશ હતી.અમે એકબીજાનાં હાથ પકડીને તો ક્યારેક એકબીજાનાં ખભા પકડીને ધીમે-ધીમે આગળ વધતાં હતાં કેમકે મેં કહ્યું એમ રાત અજાણ્યો પંથ અને સીમમાં જંગલી જનાવરનો પણ ભય હોય એટલે સાવધાનીપૂર્વક આગળ ચાલતા હતા. ત્યાં જ નાનકાનો પગ ક્યાંક ભરાયો ને તે ગબડીને સીધો નીચે પડ્યો , નીચે નીચે સરકતો જ જતો હતો ને અમે એને પકડી પણ ન શક્યા અંતે તેના લપસવાનો રવ બંધ થયો એટલે રઘલાએ અવાજ દીધો, ‘નાનકા ત્યાં સો તને વાગ્યું તો નથ ને ? હવે કઈ રીતે તને ઉપર લઈએ ? થોડું અજવાળું થવા દે પછી કંઈક કરીએ જર તો નય હોં અમે આંયા જ છીએ’. નાનકાનાં કોઈ જવાબને બદલે તેની ચીસ સંભળાઈ અને તે ચીસમાં નામ હતું મંગલાનું એટલે અમે બધા તો બીજું કંઈ વિચાર્યા વિના સરેરાટ એ લપસણીમાં સરકતા નીચે પહોંચી ગયા, ને હારે જ મંગલો! અમે તો ખુશીથી નાચવા લાગ્યા ત્યાં મંગલાએ અમને રોકતાં કહ્યું ,’ અવાજ ન કરો નહીં તો પેલો આવશે તો બધાની બેંડ બજાવી નાંખશે’. ‘અલ્યા મંગલા કોણ આવશે? તું કોની વાત કરે છે ?’ મેં પુછ્યું. ‘પેલો ગામનો ઉતાર એવો અરજણ ઈ નો જ પીછો કરતો હું આંયા પહોંચ્યો.’ મંગલાએ આમ કહેતા બધી જ વાત કરી કે તે સ્કુલે આવતો જ હતો ને તેને અરજણ્યાને કોઈ હારે ફોન પર વાત કરતાં હાંભળ્યો કે ઈ કોઈ પડીકીઓ ગામમાં લાવીને ગામનાં જુવાનિયાઓને આપવાનો છે અને ઇને શેરમાં ડ્રગ્સ કે’ વાય જે બહુ ખરાબ વસ્તુ હોય . જો ગામનાં જુવાનો એ રવાડે ચડી જાય તો ગામના જુવાનોની જીંદગી બગડી જાય ,પરવશ થઈ જાય. બસ એટલે ઈ ક્યાં જાય છે ? કોને મળે છે? એ જાણવા તેની પાછળ ગયેલા મંગલા પર તેની નજર પડતાં તેને તૈયાર કરેલા આ ખાડામાં મંગલા ને કેદ કરી દીધો, પણ એ ઉતાર શું જાણે દોસ્તી શું કે’ વાય ? અમે અમારા દોસ્તને પણ છોડાવીશું અને ગામનાં યુવાનોને પણ . અમે બધા એકબીજાની મદદથી બહાર નીકળી ગયા પણ મંગલાને અમે ત્યાં જ રે’વા દીધો અને પછી મંગલાએ કીધું’તું એમ બે જણ અરજણનાં ઘરે અને એક જણ મંગલાની ઘરે અને હું ..હું ગયો અરજણનાં અડ્ડે. અરજણ હાલ રાત હોવાથી અજ્ડે જ આરામથી ઘોરતો હતો મને સારો મોકો મળ્યો અને હું બીલ્લી પગે તેનાં અડ્ડામાં ઘૂસ્યો. ત્યાં ધીમે ધીમે બધી વસ્તુ આડાઅવળી કરીને હું એ સફેદ પાવડરની પડીકીઓ શોધતો હતો, ને મારાથી કોઈ ટોપલો પડી ગયો ને તે અવાજથી અરજણ જાગ્યો. સામે મને જોઈને પેલા તો ડર્યો પછી ગરજ્યો, ‘ હું લેવા આવ્યો ? અને તને આંયા કોને મોકલ્યો?’ તેના અવાજથી ડર્યા વિના મેં કહ્યું કે, ‘ તને લેવા આવ્યો અને મને મંગલે મોકલ્યો જેને તે પેલા ખાડામાં રાખ્ષો હતો ઈને. મને હવે બધી જ જાણ સે એટલે ચૂપચાપ મારી હારે પોલીસ સ્ટેશન હાલ નહીં તો જોવા જેવી થાહે’ મારી વાત પર અટ્ટહાસ કરતો તે મારી સામે જોવા લાગ્યો ‘યે મુંહ ઓર મસૂર કી ‘ આચલું બોલ્યો ત્યાં જ મેં કહ્યુ , ‘ આ બધી કહેવતો મને બવ સારી આવડે છે એટલે બોલવાનું બંધ કરીને આગળ હેંડ તને શરમ નથ આવતી ગામનાં યુવાનોને આવા નશામાં ધકેલતા? આ બધા પણ તારા ભાઈઓ જ છે ને થોડા રૂપિયાની લાલચે તું ગામનાં યુવાનોને બગાડીશ નફ્ફટ’ કહી હું આગળ ધસ્યો. એને મને ગળેથી પકડીને દૂર ધકેલ્યો ,હું પડ્યો ને ઊભો થઈને ફરી તેની તરફ ધસ્યો , આ વખતે મેં તેને પગથી પકડી નીચે પટક્યો .મારી તાકાત જોઈને તે તો બઘવાઈ ગયો. ભલે ને અમે નાના કિશોર હોઈએ કે ગામનાં લોકોને પજવતા પણ જ્યારે સવાલ ગામનાં અહિતનો હોય તો પીછે હટ ન ચાલે. હું ફરી ઉભો થયો અને મેં તેની ડોક ખેંચીને સામી દિવાલમાં અથડાવી તે તમ્મર ખાઈ ગયો . હવે મને જનૂન વધ્યું હતું એટલે હું તેના પર લાતો,મુક્કાનાં પ્રહાર કરતો જ રહ્યો. અંતે તે જોરમાં આવ્યો અને મારા પર તૂટી પડ્યો, અંતે હું તો એક નાનો બાળ કહેવાઉં કેટલો લડી શકું મારી હિંમત જવાબ આપી ગઈ હતી મને મારૂં મોત અરજણ રૂપે દેખાતું હતું .મારી આંખો પણ બંધ થઈ ગઈ બસ ..દોસ્તો અલવિદા ,અલવિદા મારા પરિવારજનો અલવિદા. ના હું એમ ન મરી શકું મારા ગામનાં યુવાનોને બચાવવાનાં છે મારે તો પેલી હિન્દી સિનેમાનાં હિરોની જેમ વિલનને ખતમ કરવાનો છે પણ ફિલમની જેમ આંયા પોલીસ પહોંચશે કે મારા રામ રમી જ જશે ના ના મારા દોસ્તો પોલીસને લઈને આવશે .પણ હું કેમ પડ્યો છું પેલો અરજણ્યો ક્યાંક મને વધુ મારે કે મારા મંગલાને મારવા જાય કે ભાગી જાય ઈ પે’ લા એનું કંઈક કરૂં. હા સામે દેખાય છે ઈ લોખંડનો પાઈપ જલ્દી હાથ લાગે તો અરજણ્યાની બજાવી દઊં. હાં અરજણ થાકીને ત્યાં બેસી ગયો ઈ મેં જોયું અને પછી ફટાક..હા..હા..હા અરજણનાં માથામાં આલી દીધો. અને બીજી બાજુ મારા બે દોસ્ત પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાં ઈન્સ્પેક્ટરને બધી જ વાત કરી, પહેલા તો ઈન્સ્પેક્ટરને બહુ વિશ્વાસ ન થયો કેમકે આવડા ગામમાં વળી ક્યાંથી ડ્રગ્સ આવે? અને આવવાનું હોય કે આવ્યું હોય તો પોલીસની નજરમાં કેમ ન આવ્યું ? પણ પછી મારા દોસ્તો વારંવાર એક જ વાત કરતા હતા એટલે ફરજીયાત રીતે તેમણે મારા મિત્રો સાથે આવવું જ પડ્યું. તો બીજીબાજુ અમારો નાનકો એ ગયો સીધો મંગલાની ઘરે , જઈને બધું જ કહી દીધું અને પાછો મારી ઘરે અને બાકીના દોસ્તો નહીં ઘરનાને પણ લઈને સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યા મારો હારો બટુકિયો બવ જબરો હોં બાકી. ગામનાં આટલા લોકોને જોઈને તો પોલીસ પણ સમજી ગઈ કે અતારે (અત્યારે) એમને મદદ કરવી જ પડશે. ઈ બધાને મારા રઘલો પેલા તો અરજણનાં ઘર્ લઈ ગયો જ્યાં પોલીસે બહુ તપાસ કરી પણ કંઈ હાથ ન લાગ્યું. ત્યારે અમારા હરિયાએ અરજણ્યાનાં ઘરની પાછળ ગમાણમાં એક પાટીયું ખસેડીને પોલીસને એ પાવડરનાં પેકેટ બતાવ્યા, પથી તો પોલીસે ત્યાં બધું ઘાસ હટાવીને જોયું તો કેટલોય પાવડર મલ્યો. વહેલી સવાર થવામાં હતી એક તરફ મને આખા શરીરે ખૂબ પીડા થતી હતી પણ હું આ અરજણને મૂકીને જઈ ન શકું અને અહીં તેના અડ્ડામાં તેને બાંધી શકું એવું કંઈ ન હતું . એ ક્યારે ભાનમાં આવે ને મને બેભાન કરી નાંખે કે મારૂં ઢીમ ઢાળી દે ઈ નક્કી નો કે’ વાય.પણ હજી લગી કોઈ આવ્યું કેમ નય? હું બધા ડરી ગ્યા? કે ભાગી ગયા? કે પછ ઈ બધાના મા-બાપે એને ઘરમાં પૂરી દીધા? મારા મનમાં કેટલાય વિચારો આવતા હતા અને આવે જ ને આ તો હું બહાદુર કે’ વાવ કે એકલો આ ડાલમથ્થા જોડે લડવા આવી ગયો બાકી બીજો કોઈ હોય તો..ખેર મેં જે કર્યુ ઈ મારા ગામના યુવાનો માટે અને મારા મંગલા માટે. હું આ બધા વિચારોમાં બેઠો હતો ત્યાં જ કેટલાક અવાજ મને સંભળાયા . કોણ હશે? આ અરજણ નાં સાથીઓ કે પછી મારા સાથીઓ? જરાક સચેત થઈ હું ત્યાં એક ટોપલાની અંદર છૂપાઈ ગયો. હા ભઈ ઈ મોટો ટોપલો હતો એટલે હું સમાયો બાકી આપણને ખોટી વાતો ન આવડે હોં.હા તો હું છૂપાઈ ગયો અને મેં જોયું તો મારા તો પરસેવા છૂટી ગયા. એક અરજણ નો’તો સંભાળાતો આ તો બીજા ત્રણ આવતા હતા. બાપરે હવે તો મારા હાડકા પણ કોઈને હીથ નહી લાગે એવો મને મારશે. હવે શું કરૂં ? કેવી રીતે બચું? મને કંઈ સૂઝ પડતી ન હતી.છેવટે પડશે એવા દેવાશે એમ વિચારી હું એ ટોપલામાં જ પડ્યો રહ્યો. મેં જોયું કે તે ત્રણેય અરજણ કરતાંય હટ્ટા-કટ્ટા હતા અને તેને આવીને અરજણ નાં અડ્ડાની હાલત જોઈ દોડાદોડ કરવા લાગ્યા. અંતે તેને અરજણ ખુરશીમાં બેભાન પડેલો જોયો. તાત્કાલીક તેના પર પાણી છાંટી તેને ભાનમાં લાવવા પ્રયાસ કરવા લાગ્યા. અરજણે હોંશમાં આવતા જ ‘છોડીશ નહીં એ મા.’ કહેતો મને ગાળ આપવા લાગ્યો. ‘મને ગાળ..!? સા.. એકવાર કોઈને આવવા દે બતાવું તને’ .હું પણ મનમાં વિચારતો હતો. પણ મારા કોઈ મિત્ર કેમ ન આવ્યા? શું પેલા ગીત જેવું થયું? ‘ દોસ્ત દોસ્ત ના રહા’ ના ના એવું નહીં થાય . “અરે! બોસ આપણે પેલા મંગલાને પેલા ખાડામાં નાંખ્યો ને એનો ભાઈબંધ આંયા પોગી ગ્યો એને જ મને માર્યો આ જોવો” અરજણ કોઈને કે’તો હતો. ‘બોસ!? અરજણનો બોસ? મતલબ આ તો સોને પે સુહાગા જેવી વાત પેલું શે’રમાં બાય વન ગેટ વન હોય ને સેલમાં એવું બાય અરજણ ગેટ અરજણ કા બોસ અને ચમચા ફ્રી ‘ હું મનમાં હસતો હતો પણ મારી અક્કલ ઘાસ ચરવા ગઇ અને મારાથી ઠહાકો મરાઈ ગયો. પતી ગયું ,મરી ગયો મારી કબર મેં જ ખોદી એ ત્રણ અને ચોથો અરજણ તરત જ હું જે ટોપલામાં હતો એ તરફ દોડ્યા ને તરત ટોપલો ઉંચો કરીને મને મારા વાળ ખેંચીને બહાર કાઢ્યો. “હવે બોલ બચ્ચુ કોણ બચાવશે તને ? તારા તો કોઈ સગલાં ન આવ્યા જાણે છે કેમ? કેમકે અરજણથી આખું ગામ ડરે છે, સમજ્યો. હવે તું અને તારો પેલો દોસ્ત મંગલ બેય જશો મંગલ ઉપર ત્યાં ઉપર સમજ્યો”. કહી મને ખેંચીને જ્યાં મંગલો હતો ત્યાં લઈ જતા હતા. સાચે જ હવે તો મને પણ સમજાઈ ગયું કે મારા દોસ્તો મારો દગો કર્યો હવે તો આ ચાર મહાકાય રાક્ષસો સામે બચવાનુ અમારા માટે મુશ્કેલ હતું. હું દર્દમાં પણ આ બધું વિચારતો હતો.ત્યાં જ અમે પેલા ખાડા પાસે પહોંચ્યા અને મને ધડામ કરતો ધક્કો મારી ખાડામાં નાંખ્યો. “હવે મિશન મંગલ માટે તૈયાર થઈ જાવ” અરજણ મોટેથી બોલ્યો. આને કેવી રીતે ખબર કે અમે મંગલાને શોધવા માટે આ નામ આપ્યું હતું! ના ના ઈ તો અમને મંગલ ગ્રહ પર પોગાડવા માંગે છે .મંગલા સામે અચરજભરી નજરે જોતાં હું વિચારતો હતો તે જોઈને મંગલો ગભરાયો.પણ મેં તેને આંખથી સમજાવી દીધું. “અરે! અત્યારથી જ બોલતી બંધ ? તો હવે રેડી અરજણ આખાડો તાત્કાલિક બંધ કરી દો આ બેયની એ જ સજા છે કે તે આ બંધ ખાડામાં જીવતેજીવ ગુંગળાઈ મરશે ને કોઈને ખબર પણ નહીં પડે” કહી અરજણને કોઈએ આદેશ આપ્યો. હું અને મંગલો એકબીજા સામે જોઈ રહ્યા, હવે બચવાનો કોઈ ચાનસ જ ન હતો કેમકે અમે બેય ખાડામાં હતા અને બીજા બધા ગૂમ.અચાનક અમારા ખાડામાં માટી પડવાનો અવાજ આવવા લાગ્યો. અમારો ભય પણ વધવા લાગ્યો. અરજણ જ નહીં બીજા કોઈ એક બે વ્યક્તિ પણ માટી નાંખતા હતાં ત્યાં જ પોલીસની સાયરન વાગી અને પેલા લોકો ‘ભાગો ભાગો’ કરી ભાગવા લાગ્યા. અમને બેયને જીવમાંજીવ આવ્યો ,હાશ હવે અમે બચી જઈશું આખરે અમારા મિત્રો પોલીસને લઈને આવ્યા ખરા. અમે બેય જણા ‘બચાવો બચાવો’ કરતા હતાં એટલે પોલીસને ધ્યાન ગયું કે અમે અહીં અર્ધ બુરાયેલા ખાડામાં છીએ. તાત્કાલિક ધોરણે અમને બહાર કાઢવા પાવડાથી માટી ખસેડવાની ચાલુ થઈ. થોડી જ વારમાં હું અને મંગલો બહાર આવ્યા , બહાર આવીને જોયું તો અમારા મિત્રો આખા ગામને અને પોલીસને લઈને આવ્યા હતા . મંગલાની માંએ તેને જોતાં જ ખુશીની મારી પોક મૂકી અને મારી માં…એ તો બચારી ઉપર બેઠી રાજી થતી હશે. હા હું તો અનાથ છું કાકા-કાકી રાખે ઈમ રવ. માં-બાપનો પરેમ મલ્યો હોત તો થોડો હું આટલો તોફાની હોત. ખેર જેવી લેણાદેણી રામ રાખે ઈમ રહીએ બસ. બધા જ દોસ્ત મંગલાને ગળે લગાવી તેની તબિયત પુછતા હતા ત્યારે મને થ્યું કે મુજ જખ્મીની પણ કોઈ ખબર તો પૂછો , આ મંગલા ને શોધવાનું બીડું મેં જ તો ઝડપ્યું હતું.અંતે હું એક ઠેકાણે બેસી ગયો. મેં જોયું તો પોલીસ અરજણ અને તેના બોસ તેમજ કાથીને પકડીને ગાડીમાં બેસાડતી હતી અને પોલીસમાં સાહેબ મારી પાંહે આવીને મારા માથે હાથ ફેરવી બોલ્યા, “ વેલજન માય બોય” હાં હવે એટલું તો અંગ્રેજી મનેય આવડે હોં કે પોલીસે મને ‘શાબાશ બેટા’ કહ્યું. ધીમે-ધીમે ગામલોકો અને મારા દોસ્તો મારી નજીક આવ્યા અને મને શાબાશી આપતાં બોલ્યા, “ બેટા આજે તે ખાલી મંગલાને જ નહીં પણ ગામની આ યુવા પેઢીને નશાની આદત લાગતાં બચાવ્યા છે .આજ સુધી અમે ગામ વાળા તમારાથી ત્રાહિમામ પોકારતા હતા પ તમારા આ નટખટ, નિર્દોષ તોફાનને અમે સમજી ન શક્યા. ત્યારબાદ મને અને મંગલાને સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા જ્યાં મારા જખ્મોનો અને મંગલો આટલા વખત ખાડામાં રહ્યો હોવાથી તેનાં શરીરને કોઈ તકલીફ નથી થઈને ઈ ચેક કરવા લઈ ગયા. મારા જખમ પર મલમપટ્ટી કરીને મન્ ઘરે જઈ આરામ કરવા કહ્યુ જ્યારે મંગલો બિલકુલ સ્વસ્થ હતો એટલે તેને પણ રજા આપી. થોડા જ સમયમાં પોલીસ ઈન્સ્પેક્ટર મારા ઘરે આવ્યા અને મારા કાકા-કાકીને મારી બહાદુરી પુરસ્કાર વિશે વાત કરી, આ સાંભળી આખા ગામમાં જાણે દિવાળી જેવો માહોલ ઊભો થયો. ઈન્સ્પેક્ટર સાહેબે કહ્યું કે, “ અરજણ જેના માટે કામ કરતો હતો તે જયપાલને સુરત પોલીસ કેટલાય સમયથી શોધતી હતી અને તે મારા કારણે પકડાયો. હવે એક વાત કહું તમે તો બધા મારા વડિલ છો એટલે માઠું લાગે તો માફ કરશો પણ તમારા નાના બાળકો કે અમારા જેવડા પંદર-સોળ વર્ષના બાળકો કે યુવાન બાળકોને થોડી સ્વતંત્રતા આપો અને વિકસવા દો તેની બુધ્ધીક્ષમતાને એને નક્કી કરવા દો એનું આકાશ તમે ફક્ત ઉડતા શીખવો. ફરી કહું છું નાનો છું તો માફ કરશો પણ મારા અને મંગલા જેવા આપણા યુવાધન, બાળધનને ફક્ત માર્ગદર્શન અને યોગ્ય પથદર્શકની જરૂર છે આંગળી પકડી ચલાવનાર ની નહીં.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ