વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઈન્ટરનેટ વરદાન કે અભિશાપ

આજે મોબાઈલ આપણું જીવન બની ગયો છે.શું આપણે એક દિવસ પણ મોબાઈલ વગર રહી શકીએ છીએ?શું એક દિવસ ઇન્ટરનેટનો ઉપયોગ ના કરીએ તો ચાલે છે ?


આપણે આજે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં એલેક્સા ગીતો વગાડે છે અને સિરી ફોન લગાવે છે.એ દિવસ પણ દૂર નથી જયારે આપણામાંના મોટાભાગના લોકોના ઘરમાં રોબોટ્સ હશે.


માનવ ઇતિહાસની સૌથી મોટી હરણફાળ શોધમાંની એક અમૂલ્ય શોધ એટલે ઈન્ટરનેટ જેણે આજે પૂરાં વિશ્વને આપણી આંગળીના ટેરવે મૂકી દીધું છે.અતિશય ઉપયોગી અને આજના આ આધુનિક યુગની સૌથી વધારે આવશ્યક એવી આ શોધ વિશે આજે થોડીક વાતો કરવી છે.

ઈન્ટરનેટ એટલે વિશ્વભરમાં ફેલાયેલું કોમ્પ્યુટરનું નેટવર્ક.આ નેટવર્ક દુનિયાભરમાં ફેલાયેલું છે.ઈન્ટરનેટ એ અસંખ્ય માહિતીનો અગાધ દરિયો છે.એકબીજાનો  સંપર્ક સાધવા,માહિતીની આપ-લે કરવા કે મનોરંજન મેળવવા માટે આજે આખી દુનિયા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.એક ઈન્ટરનેટ વાળો મોબાઈલ વિશાળ સંસાધનોનો દરવાજો ખોલે છે.


આજના યુગમાં ઈન્ટરનેટ બધા માટે જરુરી છે.આપણા ગેસ બિલ,બેન્ક પેમેન્ટ,કરિયાણા,ભોજન,કપડાં અને તમામ જરુરિયાતો હવે ઈન્ટરનેટ દ્વારા ઘરે બેઠા પૂરી થાય છે. ભણવાથી લઈને ધંધા સુધી હાલ બધું ઓનલાઈન થાય છે એટલે વાપરવું તો પડે પણ શું આપણે એનો સારો અને સાચો જ ઉપયોગ કરીએ છીએ?

ઈન્ટરનેટ ખરાબ છે કે ઈન્ટરનેટ પર બધું જ ખરાબ છે એવું મારુ કહેવું નથી પણ ખરાબ ભાગનો ત્યાગ કરી અને સારા ભાગનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે વિવેકથી કરવું જોઈએ.સારો ઉપયોગ કરીશું તો ફાયદો છે અને ખરાબ ઉપયોગ કરીશું તો નુકસાન પણ થઈ શકે છે.

જેમ કે,અગ્નિ દ્વારા બનેલ ભોજનથી આપણે રોજ પેટની ભૂખ સંતોષી રહ્યા છીએ.તો એ જ અગ્નિથી આપણે દાઝી કે મરી પણ શકીએ છીએ.એવી જ રીતે ઇન્ટરનેટનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરી તેની નુકસાનીથી બચવું જોઈએ.


જો તેનો સારો અને સવળો ઉપયોગ થાય તો તેના ઘણા લાભો છે.ભણવામાં, ધંધા-રોજગારમાં, સંશોધનમાં, પ્રચાર પસાર કરવામાં પણ ઈન્ટરનેટ અતિ ઉપયોગી છે.ઘણાં લોકો તેનો સારો ઉપયોગ કરીને તેમાંથી કમાણી મેળવી રહ્યા છે અને ઘણાં નેટ દ્વારા જુગાર રમીને પાયમાલ થઈ રહ્યા છે.


કહેવાય છે ને કે,"દરેક સિક્કાની બે બાજુઓ હોય છે."એવી જ રીતે આપણને ડગલે ને પગલે ઉપયોગી થનાર આ ઇન્ટરનેટની શોધ પણ આપણાં માનવ સમાજ માટે ઘાતક પણ પુરવાર થઈ રહી છે એટલે એનો સંયમ પૂર્વકનો ઉપયોગ જ આપણાં સૌ માટે લાભદાયી છે.


આવો જોઈએ ઈન્ટરનેટના કેટલાક ઉપયોગો:


ઓનલાઈન અરજી : આજે લગભગ દરેક વસ્તુ માટે અરજી પ્રક્રિયા છે.એ પછી અભ્યાસ માટે કોઈ જગ્યાએ એડમિશન લેવું હોય કે નોકરીની ભરતી હોય બધા ફોર્મ અત્યારે ઓનલાઈન માધ્યમ દ્વારા જ ભરાય છે.આ ઈન્ટરનેટ દ્વારા તો શક્ય છે.


સંદેશાવ્યવહાર : આજે તમામ પ્રકારના સંદેશા હવે ઈ-મેઈલ દ્વારા જ મોકલવામાં આવે છે.ટપાલવ્યવહાર તો જાણે સાવ નાબૂદ થવાના આરે છે.

સંરક્ષણ દળો : સંરક્ષણ -શાસ્ત્રોને નિશાન બનાવવા અને સ્થાનો શોધવા માટે ઇન્ટરનેટનો વ્યાપક ઉપયોગ થાય છે.

ઓનલાઈન ખરીદી : ઓનલાઈન ખરીદીના માધ્યમે ઘરે બેઠા ખરીદી કરી શકીએ છીએ.


સમાચાર : હાલમાં સમાચારની અપડેટ પણ આપણે ઓનલાઈન માધ્યમ દ્વારા જ મેળવીએ છીએ.


મનોરંજન : આપણે આપણી મનપસંદ ફિલ્મો કે સિરિયલો પણ કોઈપણ સમયે ઈન્ટરનેટ દ્વારા ગમે ત્યાં જોઈ શકીએ છીએ.


ઈ-લાઈબ્રેરી : વાચકો ઈ-પુસ્તકો દ્વારા મનપસંદ પુસ્તક ડાઉનલોડ કરીને વાંચી શકે છે.


સોશિયલ મીડિયા : વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, સ્કાયપેની મદદથી મિત્રો, પરિવાર અને સહકર્મીઓ સાથે ગમે ત્યારે વાત કરી શકીએ છીએ.


આમ, ઈન્ટરનેટ દ્વારા આપણને અતિ ઉપયોગી સેવાઓ સહજમાં ઉપલબ્ધ છે.જે આપણાં માટે આશીર્વાદરુપ પુરવાર થઈ છે અને થશે.શિક્ષણના અને જ્ઞાનપ્રાપ્તિના ક્ષેત્રો તો ઈન્ટરનેટ પર અપાર છે. આ પરથી આપણે તારણ કાઢી શકીએ આપણાં જીવનનું અભિનન્ન અંગ બની ગયું છે.


પણ શું આટલાં બધા લાભો હોવા છતાં ઈન્ટરનેટ આપણાં માટે ખરાબ તો નથી સાબિત થઈ રહ્યું ને ?


ઈન્ટરનેટથી આપણાં બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ભારે વિપરીત અસર થઈ રહેલ જોવા મળે છે. આજે આપણે ઓનલાઈન શિક્ષણના નામે બાળકોને ઈન્ટરનેટ વાળો મોબાઈલ આપી દઈએ છીએ પણ શું આપણે બાળકનું ધ્યાન રાખીએ છીએ કે બાળક મોબાઈલમાં શું કરે છે? જો એ ખરાબ જોતું થઈ જશે તો એના કુમળા માનસ પર શું અસર થશે એ વિચાર્યું છે કોઈ દિવસ?


શિક્ષણના નામે બાળકો pubg અને free fire જેવી ગેમોના રવાડે ચડવા લાગ્યા છે.અરે પોતાનાં માતાપિતાના બેન્ક એકાઉન્ટમાંથી ઓનલાઈન પૈસા પણ ગેમ રમવા માટે કપાવવા માંડ્યા છે પૈસા કપાઈ જાય ત્યાં સુધી તો માતાપિતાને ખબર નથી હોતી કે મારુ બાળક શું કરી રહ્યું છે.હમણાં જ એક કિસ્સો સામે આવ્યો હતો કે મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા એક કિશોરે તેના પરિવારજનોની હત્યા કરી નાખી.આના પરથી તમે વિચારી શકો છો કે એક ગેમના ખોટા રવાડે ચડી જતા કેટલી વિકૃત માનસિકતા થઈ જાય છે.


શું માતાપિતાએ google link જેવી એપનો ઉપયોગ કરી બાળકોનું ધ્યાન ના રાખવું જોઈએ?હજી પણ કોઈ ચેત્ય ના હોય તો ચેતી જજો.ઈન્ટરનેટને જેટલું સારું સમજો છો એટલું ખરાબ પણ છે.પોતાનાં બાળક પર આંધળો વિશ્વાસ મુકવાને બદલે બાળકની યોગ્ય તપાસ કરતા રહો.


આજના યુવાનો પણ અશિસ્ત અને અસંયમના માર્ગે દોરવાઈ રહયા છે.ફેસબુક,ટવીટર,ઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મીડિયા પર પોતાની અમૂલ્ય જિંદગીના કલાકો કે દિવસો વેડફ્યા કરે છે.તેમાં બીજાએ પોતાનાં વિશે આપેલા સારા કે ખરાબ પ્રતિભાવો વાંચીને ખુશ થાય છે કે નાખુશ થાય છે.ક્યારેક તો ખરાબ પ્રતિભાવોના લીધે ડિપ્રેશનમાં પણ જતા રહે છે.સોશિયલ મીડિયા પર ઘણાં યુવાનો એકબીજાને જોયા-જાણ્યા વગર સંબંધો બાંધી લે છે અથવા અગત્યના નિર્ણયો લઈ લે છે એનાથી અનેક પ્રકારની સમસ્યાઓ વધી રહી છે.


વળી સોશિયલ મીડિયા પર આપણી પ્રાઈવેટ માહિતી આપવી ફરજીયાત હોય છે.જેનાથી તમે કોના જોડે સંબંધ ધરાવો છો?શું શું કરો છો?તે બધું જાણવા મળે છે વળી તે માહિતી તેની પાસેથી બીજા જોડે જવાની સંભાવના પણ છે.તેથી આપણી પ્રાઇવેટ માહિતીનો દુરુપયોગ પણ થઈ શકે છે.માટે સાવધાન અને સતર્ક રહો.


ઓનલાઈન ફ્રોડનું પ્રમાણ પણ આજકાલ ખુબ વધી ગયું છે જુદી જુદી રીતે લોકો છેતરપિંડીનો ભોગ બની રહયા છે.


તો જોઈએ કેટલાક ઓનલાઈન ફ્રોડ વિશે:


સોશિયલ મીડિયા સબંધિત ફ્રોડ :

છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા યુઝર બેઝમાં અનેકગણો વધારો થયો છે કારણ કે બિઝનેસ, મનોરંજન, ગપસપ માટે અથવા પોતાના હિતોને આગળ ધપાવવા અને વિકાસની નજીક રહેવા માટે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવી વેબસાઇટ્સનો ઉપયોગ કરતા સમાજના લગભગ તમામ વર્ગ.  વપરાશકર્તાઓને છેતરવા માટે ઘણી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવે છે.  તેમાંના કેટલાકમાં શામેલ છે-

~સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવવું.

~કોઈ વ્યક્તિનો અનધિકૃત ફોટોગ્રાફ અથવા વીડિયો અપલોડ કરવો.

~અન્ય વ્યક્તિની પ્રોફાઇલ હેક કરો.

~વ્યક્તિગત ચેટ પર અથવા સમુદાય પૃષ્ઠો/ ફોરા પર અપવિત્રતાનો ઉપયોગ.

~બીભત્સ ભાષા અથવા અશ્લીલતા.

~સાયબર ગુંડાગીરી.

~ખોટા સમાચાર અથવા અફવાઓ ફેલાવવી.

~ધર્મ, જાતિ, ભાષા અથવા પ્રદેશના સંબંધમાં કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવી.


ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ ફ્રોડ:

સતત વધતી જતી પદ્ધતિઓમાંની એક, આ છેતરપિંડીમાં સંભવિત ભોગ બનેલા વ્યક્તિનો ફોન અથવા એસએમએસ દ્વારા સંપર્ક કરવામાં આવે છે અને જો બેંક અધિકારીનો રોલ કરનારી વ્યક્તિ દ્વારા બેંક ખાતું બંધ કરવા અથવા બેંક ફી વધારવા અંગે ચેતવણી/ ધમકી આપવામાં આવે છે જો તેઓ તેમની ચકાસણી ન કરે તો  સંબંધિત વિગતો સાથે એકાઉન્ટ.  કેટલીકવાર પીડિતોને સારા નંબરના ડિસ્કાઉન્ટનું વચન આપીને લાલચ આપવામાં આવે છે કે કાર્ડ નંબર, કાર્ડ વેરિફિકેશન વેલ્યુ (સીવીવી), એક્સપાયરી ડેટ અને બેંક દ્વારા ચકાસણી માટે મોકલવામાં આવેલા એક વખતના પાસવર્ડ જેવી માહિતી મેળવવા માટે.

એકવાર આરોપીઓ સંબંધિત વિગતો મેળવી લે પછી, તેનો ઉપયોગ બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા અથવા ઓનલાઈન ખરીદી કરવા માટે થાય છે.

ઘણા કિસ્સાઓમાં, પીડિતોને કોઈ ફોન આવતો નથી અને તેમ છતાં તેમના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઓનલાઇન દુરુપયોગ થાય છે.  આવા સંજોગોમાં, શક્ય છે કે આરોપીએ ઓનલાઈન ડેટાબેઝ અથવા સ્કિમર મશીનોના ઉપયોગ દ્વારા વિગતો ભેગી કરી હોય.  આ મશીનો સ્વાઇપ મશીનોની જેમ દેખાય છે પરંતુ કાર્ડમાં વપરાતા મેગ્નેટિક ટેપને વાંચી અને કોપી કરી શકે છે.  આ વિગત સાથે આરોપી ક્લોન કાર્ડ પણ બનાવી શકે છે.


આવા તો બીજા ઘણાં બધા ફ્રોડ થાય છે જેવા કે,

-લગ્નની કરાવી આપવાની લાલચ આપીને પૈસા પડાવી લેવા.

-નોકરી ફ્રોડ

-લોન ફ્રોડ

-ઇન્સ્યોરન્સ ફ્રોડ

-કેમિકલ સાયબર ક્રાઇમ

-ઓનલાઈન શોપિંગ ફ્રોડ

-ટાવર ઈન્સ્ટોલેશન ફ્રોડ

-લોટરી/પ્રાઈઝ ફ્રોડ

-ઈ-મેઈલ હેક

-સિમ કાર્ડ સ્વેપિંગ ફ્રોડ

-કસ્ટમર કેર ફ્રોડ

-ઈ-કોમર્સ રિલેટેડ ફ્રોડ

-ડેટા ચોરી

-વાઈરસ એટેક


જેવા ફ્રોડથી આપણે સાવધાની રાખીને બચવું જોઈએ.

ઈન્ટરનેટ પર રજૂ થતા મનોરંજનાત્મક કાર્યક્રમ પાછળ આજે યુવાનો પોતાનો કિંમતી સમય વેડફી રહ્યા છે.જેના પરિણામે એમનો બૌદ્ધિક વિકાસ અટકી ગયો છે.અમુક એવી ગેમો મોબાઈલમાં આવે છે જે આખો દિવસ રમવાથી યુવાનો આળસુ અને ગુસ્સાવાળા બની ગયા છે.


વળી,ઈન્ટરનેટના ગંદા મનોરંજનરૂપી રાક્ષસ હાલમાં અસંખ્ય માણસોનો દરરોજ ભોગ લઈ રહ્યો છે.પોર્નફિલ્મ રૂપી સમાજની સંસ્કૃતિને લાંછન પહોચાડનાર વિષ પણ રહેલું છે.આવી ફિલ્મોથી ઉશ્કેરાઇને યુવાનો ન કરવાનું કામ કરી બેસે છે.કેટલીકવાર બળાત્કારનું પગલું પણ ભરી લે છે પોતાની વાસના સંતોષવા માટે.


માટે આવા જોખમી માર્ગમાં આપણે સદા ચેતતા રહેવું જોઈએ.નેટનું વ્યસન દારૂના વ્યસન જેવું ખતરનાખ છે ખબર છે મોત નક્કી છે પણ પાછા વળી શકતા નથી કે છોડી શકતા નથી માટે ખૂબ સાવધાન રહીને એનાથી બચવું જોઈએ.


ઈન્ટરનેટના દૂષણથી દૂર રહેવાના ઉપાયો :

- ઈન્ટરનેટના પણ આપણે વ્યસની થઈ શકીએ છીએ આ વાતને દિલથી સ્વીકારો.

- નેટનો ઉપયોગ ક્યાં કામ માટે કરવો છે અને કેટલા સમય માટે તે નક્કી કરી ને તેને અનુસરવાની કોશિશ કરો.

- ચિંતા,ડિપ્રેશન અને મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે નેટનો સહારો ના લો બીજા ઘણાં રસ્તા છે તેને અપનાવો.

- ઓનલાઈન મિત્રો કરતા ઓફલાઈન મિત્રો બનાવો અને તેમની સાથે સમય પસાર કરો.

- નેટનો જરૂર પૂર્વકનો ઉપયોગ કરી બાકીનો સમય સારા કામો માટે કે રચનાત્મક કાર્યો કરવા માટે વાપરો.

- સારા મિત્રોનો સંગ રાખો.

- માનસિક શ્રમ વાળી રમત રમીને મગજનો બૌદ્ધિક વિકાસ કરો.

ખાસ ભલામણ ; જો આપણામાંથી કોઈને પણ આ ઈન્ટરનેટનું વ્યસન હોય તો ઉપર બતાવ્યા મુજબના ઉપાયો કરી વહેલી તકે તેને છોડવાની કોશિશ કરાવી ક્યાંક બહુ મોડું ના થઈ જાય જોજો નહિ તો પસ્તાવા સિવાય હાથમાં કઈ આવશે નહીં.

આ ઇન્ટરનેટની શોધ આપણા માટે એક ક્રાંતિકારી શોધ જ કહી શકાય જો એનો આપણે સૌ સંયમ પૂર્વક ઉપયોગ કરીએ તો.આ ઈન્ટરનેટનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં જ સમજદારી રહેલી છે. સમજપૂર્વક અને સુયોગ્ય મર્યાદામાં રહીને ઉપયોગ થાય તો ઘણો લાભદાયી નીવડે છે.અને જો એનો ગેરસમજભર્યો તથા વધુ પડતો અતિરેક થાય તો નિ:શંક આપણને ભારેમાં ભારે નુકસાન પહોંચાડવાની પણ તાકાત ધરાવે છે.

'ચેતતો નર સદા સુખી'એ કહેવત પ્રમાણે ચાલીને ચેતીને ચાલવામાં જ શાણપણ રહેલું છે.


માટે ઇન્ટરનેટનો સારા હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ બને છે નહીં તો અભિશાપ બની જાય છે.



       “રે માનવ વાત કહું છું કાનમાં,

         સમજી જાને તું ભાઈ શાનમાં,

        કરને ઉપયોગ તું એનો ભાનમાં,

         છે જે ખજાનો તારાં હાથમાં.”



~હેમાની પટેલ "તસ્વી " ✍️✍️



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ