વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હેલિકૉપ્ટર દુર્ઘટના

                ગત તારીખ 8 ડિસેમ્બરના રોજ સવારે લગભગ પોણા બાર વાગ્યે Mi 17 V5 હેલિકૉપ્ટરે તમિલનાડુના સુલૂર એરબેઝથી ઉડાન ભરી. એમાં દેશના પ્રથમ ચિફ ડિફેન્સ ઑફ સ્ટાફ (CDS) બિપિન રાવત અને એમના પત્નિ મધુલિકા રાવત, સુરક્ષા દળના  જવાનો તેમજ ક્રૂ મેમ્બર અને પાયલોટ સહિત કુલ 14 લોકો સવાર હતા. સી.ડી.એસ. રાવતને વેલિંટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજમાં લેક્ચર આપવા માટે જવાનું હતું. પણ આ હેલિકૉપ્ટર ત્યાં પહેચે એની થોડી મિનિટો પહેલાં જ એની સાથે  સંપર્ક તૂટી ગયો અને એક દુર્ઘટના ઘટી. હેલિકૉપ્ટરમાં આગ લાગી અને નીચે કુન્નુર પાસેના જંગલમાં જઈને પડ્યું. આગ જોઈને સ્થાનિક લોકો ત્યાં પહોચ્યા અને આગ બુઝાવવાની કોશિશ કરવા લાગ્યા. આ દુર્ઘટનામાં સીડીએસ રાવત અને એમના પત્નિ સહિત કુલ 13 લોકો મૃત્યુ પાપ્યા. અને ગ્રૂપ કેપ્ટન અરૂણ સિંહ હજુ પણ વેલિંગટનની હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ સમાચાર આખા દેશની જનતાની આંખોમાંથી આંસુ બનીને વહ્યા! બીજા દિવસથી જ મિડિયા અને સૉશ્યલ મિડિયામાં આ દુર્ઘટના ઘટવા પાછળના કારણો વિશે જાતજાતની અટકળો લાગવા માંડી અને કેટલીયે જાતની થિયરીઓ રજુ થવા લાગી. રાવત સાહેબે ઘણી વખત ચીન અને પાકિસ્તાનને પણ ચેતવણી આપીને આડેહાથ લીધા છે તો એક અટકળ એવી પણ લાગી કે કદાચ આમાં એ બન્નેનો હાથ પણ હોય! તો કેટલાક લોકોના મતે હેલિકૉપ્ટર જૂનું હોય કે સુરક્ષા બાબતની ટૅક્નોલૉજીમાં ઊતરતી કક્ષાનું હોય. તો કોઈ વળી પાયલોટ બિનઅનુભવી હોવાની આશંકાઓ વ્યક્ત કરતું હતું. તો ક્યાંક હવામાન ખરાબ હોવાથી આ દુર્ઘટના ઘટી હોવાના પણ અનુમાનો લાગ્યા. મોટાભાગના લોકોના મનમાં એક જ સવાલ ઘુમી રહ્યો છે કે આખરે આ ઘટના ઘટી કેમ? એની પાછળ કયા કારણો જવાબદાર છે? દેશના મહત્ત્વના પદ પર રહેલ વ્યક્તિનું હેલિકૉપ્ટર આ રીતે ક્રેશ કઈ રીતે થઈ શકે?


                  સૌપ્રથમ તો હેલિકૉપ્ટરની વાત કરીએ તો આ રશિયાથી મંગાવેલું Mi 17 V5 હેલિકૉપ્ટર હતું.  ઈ.સ. 2012 માં આ મોડલના હેલિકૉપ્ટરોનો જથ્થો ખરીદવાનો એક કોન્ટ્રાક્ટ રશિયા સાથે થયેલો અને છેલ્લે ઈ.સ. 2018 માં એમણે બધા હેલિકૉપ્ટરો પૂરા પાડ્યા. છેક કારગીલ યુદ્ધ વખતથી આપણે  Mi 17 નું નામ સાંભળતા આવ્યા છીએ એટલે કદાચ એ જૂનું હોવાની ગેરસમજ ઊભી થાય પણ આ એનું એક અપડેટેડ વર્ઝન છે. આ હેલિકૉપ્ટર 6000 મિટરની ઊંચાઈ સુધી અને પ્રતિકલાક 250 કિલોમિટરની ઝડપે ઊડી શકે છે. ત્રણ એન્જીન, એડવાન્સ રડાર સિસ્ટમ અને બુલેટપ્રૂફ જેવી કેટલીયે આધુનિક ટેક્નૉલૉજી આ હેલિકૉપ્ટરમાં સામેલ છે. તો લગભગ 13000 કિલો સુધીનો સામાન લઈ જવા માટે પણ સક્ષમ છે. આર્મીમાં લડાઈ અને સામાનની હેરફેર બન્ને માટે ઉપયોગમાં લઈ શકાય એવા આ હેલિકૉપ્ટરમાં સુરક્ષા બાબતની તો કોઈ ખામી છે જ નહીં. દુનિયાભરની 60 દેશોની આર્મી આ હેલિકૉપ્ટરનો ઉપયોગ કરે છે. આપણા દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ અવારનવાર આ હેલિકૉપ્ટરમાં આવાગમન કરે છે. તો આના પરથી હેલિકૉપ્ટર ખરાબ કે જૂની ટેક્નૉલૉજી વાળું હોવા બાબતની શંકાનો તો છેદ જ ઊડી જાય છે. રહી વાત પાયલોટની તો એમાં પાયલોટ હતા વિંગ કમાન્ડર પી.એસ.ચૌહાણ. જેઓ ઈ.સ. 2002 માં ઓફિસર બન્યા અને ઈ.સ. 2015 થી તેઓ વિંગ કમાન્ડર તરીકે ફરજ બજાવી રહ્યા છે. હાલમાં તેઓ 109 જેટલા હેલિકૉપ્ટર યુનિટના મુખ્ય અધિકારી હતા. તો અહીં હેલિકૉપ્ટરનું સુકાન એક અનુભવી પાયલોટના હાથમાં હતું.


                    વાત કરીએ ચીન અને પાકિસ્તાનનો હાથ હોવાની તો એ કોઈ રીતે શક્ય નથી. ભારત જેવા દેશના ત્રણેય સેનાની જવાબદારી સંભાળતા એક મહત્ત્વના અધિકારીને એમના જ અંગરક્ષકો વચ્ચે એમના જ હેલિકૉપ્ટરમાં દુર્ઘટનાની સાજિશ રચવા માટે ચીન અને પાકિસ્તાને હજુ સો જનમ લેવા પડે! આ કોઈ ઢિંગલા-ઢિંગલીની રમત નથી કે ગમે ત્યારે ગમે ત્યાં ઘુસીને હેલિકૉપ્ટર ઊડાવી દે. દેશની સુરક્ષા વ્યકવસ્થા હજુ સુધી એટલી બધી ખાડે નથી ગઈ કે કોઈ બહારથી આવીને આવા કાંડ કરી જાય. એક પરિબળ જે સૌથી વધારે બંધ બેસે છે એ છે ખરાબ હવામાન. દુર્ઘટના ઘટવા પાછળ મુખ્ય જવાબદાર  પરિબળ આ જ હોઈ શકે. કારણ કે જ્યાં આ હેલિકૉપ્ટર ઊતારવાનું હતું એ હેલિપેડ લગભગ 6000 ફુટ જેટલી ઊંચાઈ પર હતું અને આસપાસ પહાડો અને જંગલો હતા. જોકે, વધારે માહિતી તો બ્લેકબોક્ષની તપાસ પછી જ બહાર આવે. આ બ્લેક બોક્ષમાં હેલિકૉપ્ટરની ગતિ, સ્થિતિ બધું રેકૉર્ડ થયેલું હોય છે અને પાયલોટના એક એક સંવાદો પણ રેકોર્ડ થયેલા હોય છે. તો છેલ્લી ઘડીએ શું સ્થિતિ હતી એ તો બ્લેકબોક્ષ જ જણાવશે. આ બ્લેકબોક્ષ દરેક વિમાન કે હેલિકૉપ્ટરમાં હોય છે જે આગમાં પણ સુરક્ષિત રહી શકે એવું મજબુત હોય છે. પહેલાં તો એ એના નામ મુજબ કાળા કલરનું જ રહેતું પણ હવે એ કેસરી કલરનું બનાવાય છે જેથી આવી દુર્ઘટના વખતે સરળતાથી શોધી શકાય. આ દુર્ઘટના માટે ખરાબ હવામાન કઈ રીતે કારણભૂત બની શકે એ જાણવા માટે આપણે ઉડ્ડયનશાસ્ત્રમાં થોડું ઊંડું ઉતરવું પડશે.


                    હેલિકૉપ્ટરમાં ઉડાન ભરવા માટે પાયલોટ પાસે બે રીતો હોય છે, એક Instruments Flight Rules (IFR) જેમાં હેલિકૉપ્ટરમાં રહેલી મશીનરી પર આધાર રાખીને ઉડાન ભરવાની હોય છે. મોટાભાગે આર્મી સિવાયના સામાન્ય હેલિકૉપ્ટરો આ રીતથી જ ચલાવવામાં આવે છે. આ સિસ્ટમમાં હેલિકૉપ્ટર એક નક્કી કરેલા રસ્તે જ ચાલી શકે છે. અને પાયલોટ મોટાભાગે મશીનરીને આપવામાં આવેલા કમાન્ડ અને એમાં બતાવતા આંકડાઓ પર જ નિર્ભર રહે છે. જ્યારે બીજી રીત હોય છે, Visual Flight Rules (VFR)  જેમાં ઉડાન ભરવાથી લઈને ઉતરવા સુધીનો બધો કંટ્રોલ પાયલોટના હાથમાં હોય છે. એ ગમે ત્યારે ગમે તે રસ્તો પકડી શકે છે. પણ એમાં એને મશીનરીની મદદ નથી મળતી. પાયલોટે જાતે આકાશ જમીન બધું જોઈને ચલાવવું પડે છે. આર્મીના હેલિકૉપ્ટર મોટાભાગે આ VFR રીતથી જ ચાલતા હોય છે. કારણ કે એમને ગમે ત્યારે રસ્તો બદલવાની જરૂર પડતી હોય છે. VFR મુજબ હેલિકૉપ્ટર ચલાવવા માટે હવામાન એકદમ સાફ હોવું અત્યંત જરૂરી છે. એમાં જો વચ્ચે વાદળો કે ધુમ્મસ આવી જાય તો પાયલોટને આગળનો રસ્તો દેખાવાનો બંધ થઈ જાય અને દુર્ઘટના સર્જાય શકે છે. આ દુર્ઘટનાગ્રસ્ત હેલિકૉપ્ટર  Mi 17 v5 પણ VFR રીતથી જ ઊડી રહ્યું હતું. કારણ કે શરૂઆતમાં જ્યારે () થી ઉડાન ભરી ત્યારે વાતાવરણ એકદમ સાફ હતું પણ આગળ જતાં કૂનુર પહોચતા સુધીમાં અચાનક વાતાવરણ બદલાયું અને હેલિકૉપ્ટર ધુમ્મસના વાદળોમાં ખોવાઈ ગયું. એક વાયરલ વિડિયોમાં પણ આ જોઈ શકાય છે.


                  ભારત સરકારે ચિફ ડિફેન્સ ઑફ સ્ટાફ નામનું એક નવું પદ હજું હમણાં જાન્યુઆરી 2020 માં જ બનાવ્યું હતું. આ એક મહત્ત્વનું પદ છે. દેશની આર્મીની ત્રણેય પાંખ નેવિ, એરફોર્સ અને આર્મીને એક તાંતણે બાંધીને દેશની સુરક્ષા વધારે મજબુત બને એવા હેતુથી આ નવા પદની રચના કરવામાં આવેલી અને આ પદ પર દેશના પ્રથમ CDS તરીકે બિપિન રાવત સાહેબની વરણી થઈ હતી. રાવત સાહેબનો જન્મ ઈ.સ. 1958 માં ઉતરાખંડમાં થયો હતો. એમના પિતા પણ લેફ્ટનન્ટ જનરલ હતા. ઈ.સ. 1978 તેઓ ગોરખા રાઇફલ્સમાં જોડાયા અને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઈ.સ. 1980 માં એમણે એક બટાલીયનનું નેતૃત્વ કરેલું. મ્યાનમારમાં થયેલી ભારતની પહેલી સર્જીક સ્ટ્રાઇકમાં પણ એની મુખ્ય ભુમિકા રહી છે. તો ઈ.સ. 2016 ની સર્જીકલ સ્ટ્રાઇકના પ્લાનીંગમાં પણ એમનો હાથ હતો. પરમ વશિષ્ટ સેવા મેડલ, અતિ વશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ, યુદ્ધ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ વગેરે જેવા કેટલાય મેડલોથી તેઓ સન્માનિત થયેલા છે. નેપાળી આર્મીએ તો એમને માનદ જનરલનું (Honorary General) ટાઈટલ પણ આપ્યું છે! CDS ના પદ પર રહીને એમણા કેટલાય મહત્ત્વના નિર્ણયો લઈને દેશની સુરક્ષામાં વધારો કર્યો છે. આ નાનકડા લેખમાં એમની  દેશસેવા અને ઉપલબ્ધિઓ સમાવવી ખરેખર મુશ્કેલ છે. શ્રદ્ધાંજલિ રૂપે આ નાનકડો લેખ એમને અર્પણ. દેશને એમની ખોટ સદાય માટે સાલશે. દુર્ઘટનામાં શહીદ થયેલા ભારતમાતાના સપુતોને સો સો સલામ.




- ભગીરથ ચાવડા

bhagirath1bd1@gmail.com

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ