વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિવંચના

દાયકાઓથી કંઈક ભાંગ્યું છે ભીતર મારામાં, 

નથી કહેવા જેવું કોઈને, રખેને મજા લે મર્મમાં.


શું કામ ઓસડિયાં વાટવા માંડવા તાજા ઘાના? 

લાવને પોપડા જ ઉખાડું, મીઠું ભરું જૂની ઈજામાં.


શ્વાસ ટૂંકા પડ્યા તો ઉચ્છવાસ પાસે ઉધારી કરી, 

રોજે રોજ થોડી મળે છે સાંધેલા સપના પાંપણોમાં.


સરોવર કાંઠે પીડાને ટાઢી કરવા બેઠાં તો ખરાં, 

અરે! આ તો ખડ જ મંડી પડ્યા પીઠ કાપવામાં. 


જીંદગીની નિયત આજકાલ બરાબર નથી લાગતી, 

કંઈક પ્રપંચ હશે એનું મને રોજેરોજ સંતાપવામાં. 


અમે તો અંધારું જોઈને જ ખુશ હતા પ્રિયતમ, 

જાણ નહોતી ને કે, ફેલાયેલું છે અજવાળું ખૂણામાં. 


વહેમ હતો, મહાસાગર મળી ગયો ભવ તરવાને,

લ્યો, આ તો વહાણ જ ડૂબી ગયા ખાબોચિયાંમાં. 


વર્ષો જૂની વાત હતી, અનુભવ જેવી જાત હતી, 

તોયે અમે મૂરખ જઈ ઊભા ખજૂરીના છાંયડામાં.


મનના ખેલમાં જીવને ઈચ્છાનો અધિકાર જ ક્યાં?

તોયે બિચારું ગૂંગળાયું અનેક નકામા કિસ્સામાં.


મૂંગા મર્યે થતો નથી કોઈ ફાયદો વાચાળ જીહ્વાને, 

હ્રદયમાં ધરબાયેલું સંભળાશે તૂટ્યાના અવાજમાં.


કહ્યું નહિ તોયે વાત મારી અધૂરી ક્યાં રહી ગઈ, 

થીંગડાં દેવાની મારી ક્યાં વિસાત ઊંચેરા આભમાં? 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ