વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શું લગ્નની ઉંમર વધવી જોઈએ?

              ગત તારીખ 15 ડિસેમ્બર 2021 ના રોજ દેશની સંસદે એક નવો કાયદો ઘડવાનો નિર્ણય લીધો. જે મુજબ સરકાર લગ્ન માટે છોકરીઓની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા માંગે છે. આ સમાચાર મળ્યા ત્યારથી સમગ્ર દેશમાં આ કાયદાના સમર્થકો અને વિરોધીઓની ગરમાગરમ દલીલોનો સિલસિલો શરૂ થઈ ગયો. સમાજનો એક વર્ગ આ કાયદાના વિરૂદ્ધમાં છે તો બીજો સમર્થનમાં. આપણે જોઈએ છીએ કે પાછલા કેટલાય વર્ષોથી સરકાર બાળ મૃત્યુદર, પ્રસૂતા મૃત્યુદર, મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને કુપોષણ જેવા મુદ્દાઓ માટે કાર્યરત છે. એના માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સતત અલગ અલગ યોજનાઓ પણ બહાર પાડે છે, એમ છતાં પણ આ  બાબતમાં જોઈએ એવું પરિણામ નથી મળી રહ્યું. આથી સરકારે આ મુદ્દાના મૂળ સુધી પહોચવા માટે એક સમિતિની રચના કરી. અને અંતે આ સમિતિની ભલામણોને અનુસરીને સરકારે છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાનો નિર્ણય લીધો. તો શું વિરોધ કરનારા લોકો બાળક અને પ્રસૂતાના મૃત્યુનું પ્રમાણમાં સુધારો નથી ઈચ્છતા? ના, એવું પણ નથી. બન્ને પક્ષની દલીલો પર આગળ વિચાર કરીશું. પણ એ પહેલા આ મુદ્દાને સમજવા માટે લગ્ન સંબંધિત કાયદાઓના ઈતિહાસમાં એક છલાંગ મારવી પડશે.


              ઈ.સ. 1890 માં બ્રિટિશ ભારતમાં એક શરમજનક ઘટના ઘટી જેણે અંગ્રેજ સરકારને એક કાયદો બનાવવા માટે મજબૂર કરી દીધી. ફૂલમણિ નામની એક દસ વર્ષની છોકરીના લગ્ન એનાથી ત્રીસ વર્ષ મોટા હરીમોહન નામના એક વ્યક્તિ સાથે થયા. હરીમોહને ફૂલમણી સાથે બળજબરીથી શારીરિક સંબંધ સ્થાપ્યો. આથી દસ વર્ષની કુમળી વયની બાળકી ફૂલમણિનું મૃત્યુ થઈ ગયું. પણ હરિમોહન પર બળાત્કારનો કોઈ જ આરોપ ન લાગ્યો. કારણ કે ફૂલમણી એની પત્ની હતી. એણે એની સાથે લગ્ન કર્યા હતા. અને એ સમયે પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કારની શ્રેણીમાં નહોતો આવતો! પછી એ પત્ની ઉંમરમાં ગમે એટલી નાની કેમ ન હોય! અરે! એ સમયે તો લગ્ન કરવા માટેની પણ કોઈ ઉંમર નક્કી નહોતી થયેલી. આ ઘટના બાદ ભારતમાં સૌપ્રથમ વખત આ બાબતનો એક કાયદો ઘડાયો. જે સંમતિની ઉંમરના કાયદા (Age of consent act) તરીકે ઓળખાયો. જે 1891 માં પસાર થયો. આ કાયદા મુજબ શારીરિક સંબંધ બાંધવા માટે છોકરીની સહમતિની ઉંમર 12 વર્ષ રાખવામાં આવી. પંડીતા રમાબાઈ અને આનંદી ગોપાલ જોશી જેવી એ સમયની ક્રાંતિકારી સ્ત્રીઓએ આ કાયદાનું સમર્થન કર્યું તો બાલગંગાધર તિલકે આ કાયદાનો વિરોધ કરતાં કહ્યું કે, આ અમારી સંસ્કૃતિ પરની દખલગીરી છે જે ક્યારેય સહન ન થઈ શકે! ખેર, ત્યાર પછી ઈ.સ. 1927 માં હરબિલાસ શારદાજીએ લગ્નની એક નિશ્વિત ઉંમરનો કાયદો હોવો જોઈએ એવો ખયાલ રજુ કર્યો. કેટલાય પ્રયત્નો પછી ઈ.સ. 1929 માં અંગ્રેજ સરકારે આ કાયદો પણ ઘડ્યો. શારદાજીના નામ પરથી એનું નામ શારદા એક્ટ-1929 પડ્યું. આ કાયદા મુજબ લગ્ન કરવા માટે છોકરીઓની ઉંમર 14 અને છોકરાઓની 18 વર્ષ રાખવામાં આવી. આ સાથે નાની ઉંમરમાં થતા લગ્નો પર સજા આપતો કાયદો Child marriage restraint act 1929 (CMRA) પણ ઘડાયો. જોકે, આ કાયદાથી બાળવિવાહમાં કોઈ લાંબો ફરક ન આવ્યો અને અગ્રેજ સરકારે પણ આ બાબતમાં કોઈ ખાસ રસ ન દાખવ્યો. દેશની આઝાદી પછી ઈ.સ. 1949 માં લગ્ન માટે છોકરીઓની ઉંમરમાં સુધારો કરીને 15 વર્ષ કરવામાં આવી. આ પછી ઈ.સ. 1978 માં ફરી એક વખત આ કાયદામાં સુધારો થયો અને આ વખતે લગ્ન માટે છોકરીઓની ઉંમર 18 અને છોકરાઓની ઉંમર 21 વર્ષ નક્કી થઈ. ઈ.સ. 2006 માં આ કાયદાને નવું નામ મળ્યું - બાળવિવાહ નિષેધ અધિનિયમ - 2006 (Prohibition of child marriages act-2006) (PCMA) હાલમાં આ અધિનિયમ મુજબ જ બાળવિવાહ પર સજા આપવામાં આવે છે. જેમાં બાળવિવાહ કરનાર, કરાવનાર અને મંજૂરી આપનારને એક લાખનો દંડ અથવા બે વર્ષ સુધી જેલ અથવા બન્ને થઈ શકે છે.


                  હાલમાં આપણા દેશમાં ઇન્ડિયન ક્રિશ્ચન મેરેજ એક્ટ 1872, પારસી મેરેજ એન્ડ ડીવોર્સ એક્ટ 1936, હિન્દુ મેરેજ એક્ટ 1955, સ્પેશીયલ મેરેજ એક્ટ-1954 અને મુસ્લિમ કોડ જેવા અધિનિયમ અંતર્ગત લગ્નની માન્યતા આપવામાં આવે છે. જેમાં મુસ્લિમ કોડમાં છોકરીઓ તરૂણાવસ્થામાં પહોચે ત્યારે લગ્ન કરી શકે છે અને બાકી બધા અધિનિયમ મુજબ લગ્ન માટે છોકરીઓની ઉંમર 18 અને છોકરાઓની 21 રાખવામાં આવી છે. હાલમાં ચાલી રહેલા મુદ્દાની શરૂઆત ઈ.સ. 2019 માં થયેલી. ઓગસ્ટ 2019 માં દિલ્લી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને એક નોટિસ મોકલી. જેમાં લગ્ન માટે છોકરીઓની ઉંમર વધારવાનું સૂચન કર્યું હતું. ગયા વર્ષે બજેટ રજુ કરતી વખતે નિર્મલા સિતારમણે પણ આ મુદ્દે કહેલું કે સરકાર આ બાબતે વિચારી રહી છે. તો 15 ઓગસ્ટ 2020 ના રોજ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પણ પોતાના ભાષણમાં આ વાત રજુ કરેલી. ઉપર જણાવ્યા મુજબ જ્યારે બાળવિકાસ અને સ્ત્રીસશક્તિકરણના બધા પ્રયત્નો નિષ્ફળ જતાં લાગ્યા ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે મહિલા અને બાળવિકાસ મંત્રાલયે જૂન 2020 માં જયા જેટલી સમિતિની રચના કરી. જેમાં નિતિ આયોગ, મિનિસ્ટ્રી ઑફ લૉ, મિનિસ્ટ્રી ઑફ હેલ્થ એન્ડ ફેમિલિ વેલફેર, ચાઇલ્ડ ડેવલોપમેન્ટ, આ બધાના સેક્રેટરીઓ સામેલ હતા. એમને બાળ મૃત્યુદર, પ્રસૂતા મૃત્યુદર અને સ્ત્રીસશક્તીકરણ જેવી કેટલીક બાબતો પર વિશ્લેષણ કરીને એના ઉપાયો શોધવાનું કામ સોંપવામાં આવ્યું. યુનિસેફના ડેટા મુજબ 18 વર્ષથી નીચેની ઉમરે લગ્ન કરનારી છોકરીઓની સંખ્યા લગભગ દોઢ લાખ જેટલી છે! તો દર 1000 પ્રસૂતિમાંથી 110 જેટલી માતાઓ મૃત્યુ પામે છે! બાળ મૃત્યુદર પણ દર 1000 માંથી 37 છે. આ પ્રમાણ ખરેખર ચિંતાજનક છે. આ સમસ્યાના સમાધાન માટે આ સમિતિએ સંશોધનો કર્યા અને એના આધારે કેટલીક ભલામણો રજુ કરી. જેમાં લગ્નની ઉંમર વધારવી, શાળા-કોલેજ સુધી છોકરીઓની પહોચ વધારવી, મહિલાઓના કૌશલ અને વયયવસાય પર ધ્યાન આપવું, શાળામાં સેક્સ એજ્યુકેશન વધારવું અને આ બધી બાબતો પર સામાજિક જાગૃતિ લાવવા જેવા મુદ્દાઓ સામેલ છે.


                  હવે વાત કરીએ આ મુદ્દા પર ચાલી રહેલી ગરમાગરમ દલીલો પર. કોઈપણ નવા સુધારાના ફાયદા અને નુકસાન બન્ને હોય જ છે. સવાલ એ છે કે ફાયદાઓ વધારે છે કે નુકસાન? અને જો ફાયદાઓની સામે નુકસાન એટલા સુક્ષ્મ હોય કે એ નજરઅંદાજ થઈ શકે અને આગળ જતાં એ પણ સમાપ્ત થઈ જતાં હોય તો એ સુધારા ચોક્કસથી આવકાર્ય ગણી શકાય. કેટલાક લોકો આ કાયદાનો વિરોધ કરે છે જેમાં સ્ત્રીઓ પણ સામેલ છે. એમના મતે આ ઉંમર ન વધવી જોઈએ કારણ કે માત્ર કાયદાઓ બનાવવાથી જે પરિણામ જોઈએ છે એ નહી મળે. જો માત્ર કાયદોઓથી સુધારો આવતો હોય તો છેક ઈ.સ. 1978 થી દેશમાં છોકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષ છે, પણ એનો ખરેખર પૂરેપૂરો અમલ થતો નથી. આટલા વર્ષે પણ સમાજમાં બદલાવ જોવા નથી મળ્યો. NFHS (National family health survey) ના સર્વે મુજબ વર્ષ 2019-20 માં 23% બાળવિવાહ થયા! આ કાયદાના સમર્થકો છોકરીઓના ભણતરને આગળ ધરે છે તો વિરોધીઓના મતે છોકરીઓને લગ્ન માટે શાળાએથી નથી ઊઠાવી લેવાતી પણ જ્યારે એનું ભણતર પૂરું થાય છે ત્યારે મોટાભાગના માબાપ એના લગ્ન વિશે વિચારે છે. એમના મતે બાળવિવાહની હાલમાં આ સ્થિતિ છે તો આ કાયદા પછી તો આ આંકડો હજુ પણ વધશે. એ સિવાય આ કાયદાથી ગરીબ, પછાત અને અશિક્ષિત વર્ગ કે જ્યાં નાની ઉંમરે લગ્નો વધુ થાય છે એ આપોઆપ અપરાધીની શ્રેણીમાં મૂકાઈ જશે. જેથી એ સમાજની મુખ્ય ધારાથી વિમુખ થશે. બીજો એક તર્ક એવો પણ રજુ થઈ રહ્યો છે કે જો મતાધિકાર અને અને કાયદાકીય કામો માટે પુખ્ત ઉમર 18 વર્ષ છે તો પછી લગ્ન માટે 21 વર્ષ કેમ? પુખ્ત ઉંમર પછી પોતે ક્યારે લગ્ન કરવા? એ નિર્ણય લેવાની જે તે વ્યક્તિને આઝાદી હોવી જોઈએ.


                 આ કાયદાના સમર્થકોની દલીલો જોઈએ તો સૌપ્રથમ તો બાળક અને પ્રસૂતા માતાના મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે આ કાયદો જરૂરી છે. નાની ઉંમરમાં જ્યારે પોતાને પણ પૂરતા પ્રમાણમાં ન્યુટ્રીશન ન મળ્યા હોય ત્યારે બાળકને જન્મ આપવો એ બાળક અને મા બન્ને માટે હાનિકારક સાબિત થતું હોય છે. ન્યુટ્રીશનના અભાવથી ઍનિમિયા થાય છે અને આ રીતે જન્મ લેનાર બાળક પણ કુપોષણનો શિકાર બને છે. બીજુ, લગ્નની ઉંમર વધી જવાથી સ્ત્રીશિક્ષણમાં સુધાર આવશે, છોકરીઓએ અધવચ્ચે ભણવાનુ નહી છોડવું પડે. અહીં કેટલાક લોકોની દલીલ છે કે લગ્ન માટે છોકરીઓને અભ્યાસ પૂરો થયા પહેલાં શાળમાંથી નથી ઊઠાવી લેવાતી. ઠીક છે, પણ અવારનવાર છાપામાં સમાચાર આવતા હોય છે કે કન્યા લગ્નમંડપથી સીધી પરીક્ષા આપવા ગઈ? પોતાના જ લગ્નના માહોલમાં પરીક્ષા આપવી અને સામાન્ય માહોલમાં પરીક્ષા આપવામાં પણ ઘણો ફરક હોય છે. એ આપણા ધ્યાનમાં નથી આવતું! આપણે તો બણગા ફૂકીએ છીએ કે ચાલુ લગ્નમાં પણ  પણ એ પરીક્ષા આપવા આવી! વાહ! થઈ ગયું સ્ત્રીસશક્તીકરણ! અલ્યા ભઈ, પરીક્ષા હતી તો લગ્નની તારીખમાં કેમ ફેરફાર ન કર્યો? બીજુ, આ કાયદાથી લૈંગિક સમાનતા આવશે. ઘણા સમયથી સવાલો ઊઠતા હતા કે લગ્નમાં છોકરા અને છોકરીની ઉંમરમાં ભેદભાવ કેમ? આમ પણ કદાચ કોઈ આ ઉંમરના તફાવતનું કારણ પૂછે તો એનો કોઈ ઠોસ વૈજ્ઞાનિક જવાબ નથી મળતો. તો પછી કારણ વગર આગળથી ચાલી આવતી આ પરંપરા પણ બદલાવ માંગતી હતી. તો લગ્નની ઉંમર વધવાથી જનસંખ્યા પર કાબુ કરવામાં પણ મદદ મળશે. છેલ્લે જે બાબત પર આપણે ક્યારેય વિચાર નથી કરતા એ છે  માનસિક સ્વાસ્થ્ય. લગ્ન માટે એક 18 વર્ષની છોકરી શારીરિક દૃષ્ટિએ તો કદાચ તૈયાર થઈ ગઈ હોય પણ માનસિક દૃષ્ટિએ? જિંદગીને હજુ પૂરી સમજી પણ ન હોય, અરે પોતાની જાતને પણ હજુ બરાબર ન સમજી શકી હોય ત્યારે એના લગ્ન આગળ જતાં ઘણા બધી સમસ્યાઓ પેદા કરતાં હોય છે. એના કરતાં બહેતર એ છે કે લગ્ન પહેલાં એ શિક્ષણ અને રોજગાર મેળવીને પગભર બને. ભારતીય સમાજમાં તો આ ખાસ લાગુ પડે છે. કારણ કે આપણે અહીં લગ્ન પછી તરત બાળક માટે દબાણ થતું હોય છે! એ બધી જવાબદારીઓમાં શિક્ષણ અને રોજગારના નામનું તો નાહી જ નાંખવાનું રહે! નાની ઉમરમાં લગ્ન કરનાર યુગલની એકબીજા પ્રત્યે આશાઓ પણ વધારે પડતી હોય છે. કારણ કે એ એટલા બધા મેચ્યોર નથી હોતા. આ કપલ જાતજાતના ખયાલી પુલાવોમાં રાચતા હોય છે જે મોટાભાગે જીવનની વાસ્તવીકતાથી અલગ હોય છે. અને જ્યારે એમને વાસ્તવિકતાનું ભાન થાય છે ત્યારે એમના વધારે પડતી આશાઓના ગંજ પત્તાના મહેલની જેમ પડી ભાંગતા હોય છે. જીવનની વાસ્તવિકતાઓથી પરિચિત થયા પછી જો લગ્ન કરવાના થાય તો જીવનસાથીની પસંદગીથી લઈને આગળના જીવન સુધી બધે જ સમજદારી દાખવશે.


                કાયદાની સાથે સાથે સમિતિએ કરેલી અન્ય ભલામણો પર પણ કામ કરવાની તાતી જરૂર છે. માત્ર લગ્ન માટેની ઉંમર વધારી દેવાથી પણ સમાજમાં જાગૃતિ નહીં આવે. કાયદાના અમલ માટે જનજાગગૃતિનું કામ પણ મોટાપાયે કરવું પડશે. એવું પણ ન બનવું જોઈએ કે રાતોરાત કાયદો બની જાય અને પહેલાંથી નક્કી થઈ ગયેલા લગ્નો માટે અડચણ ઊભી થાય. મોટાભાગના મધ્યમવર્ગીય પરિવારોમાં લગ્નનું આયોજન મહિનાઓ અગાઉ થઈ ગયું હોય છે તો આ નક્કી થયેલા લગ્નો અધવચ્ચે અટકી ન પડે એનો પણ ખયાલ રાખવો જોઈએ. હવે, બન્ને પક્ષની દલીલો પરથી તમે જ નક્કી કરો કે આ નિર્ણય કેટલો યોગ્ય છે અને કેટલો અયોગ્ય? આ બાબતમાં તમારું શું માનવું છે? આપનો પ્રતિભાવ કમેન્ટમાં ચોક્કસથી જણાવશો.



- ભગીરથ ચાવડા.

bhagirath1bd1@gmail.com



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ