વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સુખ

‘સુખ’ શબ્દ સાંભળતા જ આપણા માનસપટ પર પહેલી છબી ગુણધર્મ વિશે જન્મે છે. જેમાં આપણાં બાહ્ય લક્ષણો કે ગંતવ્ય આ પ્રમાણે હોય છે - એક વેલસેટ લાઇફ સ્ટાઇલ, મોંધી કાર, ફોન કે પછી ચાર માણી બંગલો. અઢળક પૈસા અને સમયની આગળનું જીવન. બરોબર ને? સુખ અહીં આવીને ઊભું રહી જાય છે. જોઈએ તો આ સુખના ગુણધર્મો છે? નહીં. આતો માનવજાતે ઉપજાવી કાઢેલ માનસિક બંધન છે. સુખ કાંતો સાંસારિક હોય શકે અથવા તો આધ્યાત્મિક અથવા સરળ શબ્દોમાં કહું તો શારીરિક અને માનસિક રીતે સુખનું વિભાજન કરી શકાય છે ( અને આથી પણ સરળ શબ્દોમાં કહું તો સુખનું દ્વિભાજન કરી શકાતું નથી. સુખનું કોઈ અસ્તિત્વ નથી! ) 

આ પરથી એક પ્રશ્ન જન્મે કે સુખનું વિભાજન કરી શકાય?

મારા મતે સુખને દ્વિભાજન ન કરી શકાય. સુખ એક સ્થિતિ છે. એનું કોઈ ગંતવ્ય કે બાહ્ય લક્ષણ તો નથી હોતું. સરળ ભાષામાં કહું તો તે સ્થાયી, કાયમી કે વ્યક્તિત્વકેન્દ્રી હોવા છતા, સુખ પરીવર્તનશીલ છે. સુખનું સ્થાન લાગણી, આનંદ કે હર્ષાવેશ સાથે છે. જે સમયે સમયે પોતાનું સ્થાન બદલા કરે છે. કદાચ અપવાદ રૂપે જોઈએ તો સુખ આંતરમનનું હોય શકે છે, એમાં ના નહીં. જે અકથ્યહર્ષ, અકથ્યઆનંદ અને તીવ્ર લાગણીઓ સાથે જોડે છે. સુખ કાંતો અનુભૂતિ કરાવે અથવા તો તેને બતાવી શકે.

સુખ એક સ્થિતિ છે. આથી આપણે તેને કોઈ બાહ્ય લક્ષણો, ગંતવ્યો કે પછી માનસિક બંધનમાં બાંધી નો શકીએ. સુખ ક્યારેય સ્થાયી નથી હોતું. તે હંમેશ પરિવર્તનશીલ હોય છે. સુખનો સંબંધ વ્યક્તિત્વ કેન્દ્રી છે, છતાં પણ તે સમયે સમયે પોતાનું સ્થાન બદલ્યા કરે છે. સામાન્ય લોકોના મગજમાં સુખની પરિભાષા કે સ્થાન ભૌતિક સંસાધનની પૂરતી હોવી એવું હોય છે, પરંતુ અહીં સુખ સ્થાન લાગણી, આનંદ કે હર્ષાવેશ સાથે છે. આથી સુખ પરિવર્તનશીલ છે. 

એક ઉદાહરણ - એક નાનું બાળક છે. એના સુખનું સ્થાન કૌતુકપ્રેરક રમવાની વસ્તુ અર્થાત્ રમકડાંઓ છે. એ એની સાથે રમે છે, કુદે છે, સૂવે છે, આનંદ માણે છે. એ એના સુખનું સ્થાન છે. ઉંમર વધતાં શું એ બાળકનું સુખ એક રમકડાંમાં રહેશે? નહીં. એનું સુખ હવે ભૌતિક સંસાધનો તરફ ખેંચાશે. આ શું થયું? સુખનું પરિવર્તન. 

હવે આગળ જોઈએ તો સુખનું એક જૂદું સ્થાન પણ છે, જેને આપણે અંતરમન તરીકે ઓળખીએ છીએ. જેમાં અકથ્યહર્ષ, અકથ્યઆનંદ કે તીવ્ર લાગણીનો સમાવેશ થાય છે. સાવ સરળ શબ્દોમાં સુખ કાંતો અનુભૂતિ કરાવે અથવા બતાવી શકે. હાલ આપણે અનુભૂતિ કરાવીએ એ મુદ્દા પર આગળ વધીએ. અંતરમનના સ્થાનને જોઈએ કદાચ આપણે આંતરિક અને બાહ્ય સુખના આ અભિગમને ખોટો પણ ન કહી શકીએ. 

એક ઉદાહરણ - એક યૌવન યુવાની અવસ્થાએ પહોંચેલા થનગનાટને કારણે પોતાના પ્રિય પાત્રને શોધવાની તીવ્ર ઈચ્છાને કે લાગણીને અંતે જન્મતું સુખ. જ્યારે કોઈ પરસ્પર પ્રેમ કરે છે, ત્યારે આ સુખનું સ્થાન જોવા મળે છે. તે આપણે કોઈને બતાવી નથી શકતા, પરંતુ ચોક્કસ એની અનુભૂતિ કરી શકીએ છીએ. એ ભલે પ્રેમ હોય, આલિંગન હોય, ચૂંબન હોય, મળવાની ખુશી હોય કે પછી સંભોગ હોય! સુખનું સ્થાન અહીં અંતરમનનું છે. સંભોગ વેળાએ સ્ખલિત થતાની સાથે અનુભવાતું સુખ એ અકથ્ય છે. એને દર્શાવી શકાતું નથી. 

આજ સેમ વસ્તુ કોઈ મહર્ષિ વ્યક્તિને અધ્યાત્મના માર્ગે થાય તો એ પરમ સુખનો અનુભવ કરે છે, એ પણ સુખનું એક જ સ્થાન છે. જેમાં તે સંસારના મૂળમાં રહેલ અદૃશ્ય શક્તિને અનુભવે છે. આમ જોઈએ આ સુખ એ વ્યક્તિત્વ લક્ષી છે. એને બધા નથી અનુભવી શકતા. 

જ્યારે નવ માસ માતાનાં ગર્ભમાં રહેલ એક નવજાત બાળક પ્રથમવાર આ જગતમાં આવે છે, ત્યારે એને અનુભવેલ શીતળનાઓ અનુભવ કેવો હશે? સુખદ. એનું કોઈ બાહ્ય ગંતવ્ય ખરું? ( આપણે બધાંએ આ પ્રથમ શીતળ સુખનો અનુભવ કર્યો છે. કોઈને યાદ છે, બોલો?! નહીં, પરંતુ કર્યો તો છે જ. યાદ નથી એમ કહીને અવગણના પણ ન કરી શકીએ, કારણ કે મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે. યાદ છે, બસ અચેતન મન (unconscious mind) માં પડ્યું છે. )

સુખ કાંતો અનુભૂતિ કરાવે અથવા બતાવી શકે. પાંચ લાખનો ફોન લઈને તમે સગાં સંબંધીઓમાં દેખાડો કરો છો તો એ બાહ્ય સુખ થયું. એ બતાવ્યું છે. જ્યારે સતત મહીનાઓના પ્રયત્ન બાદ ધ્યાન અવસ્થામાં અનુભવેલ સુખને તમે બતાવી કે કહી ન શકો. જો એને સાબિત કરવા જાવ તો એનું અસ્તિત્વ ખોરવાઇ જાય છે. એની બસ અનુભૂતિ થઈ શકે છે. 

આજે તો મનેય ખબર નથી કે હું શું લખી રહ્યો છું અને શાં માટે લખી રહ્યો છું. અચાનક જ મગજમાં ‘સુખ’ નામના તત્વએ ઘૂસ મારી એટલે થયું કે કશુંક નવું કરીએ. આથી વગર મુદ્દાના મુદ્દાને લઈને લખવાનું શરૂ કર્યું. અંતે આ મુદ્દાને પતાવતાં કહું તો સુખ શબ્દને માનસિક અને ભાવનાત્મક રીતે દશાર્વી શકાય. આંતરિક અને બાહ્ય સુખ તો વ્યક્તિત્વલક્ષી ઉપર આધારિત છે. 

( મારા વિચાર પર આવું તો સુખનું અસ્તિત્વ જ નથી. સુખ માણસને ક્યારે અનુભવાય? જ્યારે તે કોઇક દુઃખદ ઘટનામાંથી બહાર આવે ત્યારે. એકંદરે સોમાંથી નવાણું લોકો ‘સુખ’ અને ‘દુઃખ’ શબ્દને અલગ અલગ જોતા હોય છે, પરંતુ આ ખોટો ભ્રમ છે. સુખ અને દુઃખ બંને એક જ છે. નાસ્તિક અને આસ્તિક દર્શનો પણ આજ કોન્સેપ્ટ સાથે નિર્માણ પામ્યા છે. નોંધ કે હું ન્યાય, વેવૈષિક, યોગ, બૌદ્ધ, જૈન વગેરે છઠ્ઠ દર્શનોની વાત કરું છું. એકનું અસ્તિત્વ ખોરવાઇ તો બીજો આપોઆપ જ નાશ પામે છે. અપેક્ષા જ બધાંનું કારણ છે અને સૌથી વધારે અગત્યની વાત એ છેકે મનુષ્યનું સમગ્ર જીવન વધારે પડતું સુખ અને દુઃખ બંનેના અભાવમાં જ પસાર થતું હોય છે. જેનો ખ્યાલ કોઈને હોતો નથી. કારણ કે તે કાંતો ભૂતમાં કે ભવિષ્યમાં જીવતાં હોય છે. વર્તમાન સમયનું ભાન હોતું નથી. બસ..બસ.. હવે બવ આવી ચર્ચા ન કરાઈ. કો'ક પાછું ગાંડો ગણવા માંડે...)

આ અવિષયના ટોપિકને પૂર્ણ કરતા અંતે સુખની વ્યાખ્યા આપું તો સુખ એ પસંદગી છે. ( દુઃખને દુઃખ ન લાગે એટલે એનાં માટે પણ એક વ્યાખ્યા દુઃખ એ અપેક્ષા છે. )

આજે ઊંડા ઉતર્યા છીએ તો યાદ આવ્યું કે એક વ્યક્તિએ મને પૂછ્યું હતું કે ભગવાન શું છે? મારા તરફનો જવાબ સાવ સરળ છે. તમને એક ઘટાદાર વૃક્ષ દેખાય છે, પરંતુ જમીનમાં રહેલ તેના મૂળ નથી દેખાતા. અદૃશ્ય મૂળ એટલે જ ભગવાન... જગત સત્ય, બ્રહ્મ મિથ્યા તો વળી બ્રહ્મ સત્ય, જગત મિથ્યા - હું કહું કે તમે પોતે જ સત્ય...

- ખુશાલ ડાભી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ