વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઉત્તરાયણનો ન્યાય

“ભાઈ..ભાઈ... શું ઉત્તરાયણ જામી છે...”

“એલા ખેંચ જે હોં...”

“અરે પણ! કાઇપો છે...”

“પેચ લગાવ... આજે તો તારી પતંગ કાપીને જ રહું...”

“એલા લૂંટણિયાવ બસ કરો...”

“એલા ડફોળ એ મારી પતંગ છે...”

“એ નાથા! આમ રેને...”

“એલા લપેટ જે...”

ઉત્તરાયણ ટાંણે આવા શબ્દો મારા ગામમાં ગુંજવા માંડે. ગામના નાનાં બાળકોથી લઈને વડીલો સુધી બધાં ઉત્તરાયણ ટાંણે હરખમાં આવી જાય; ઉત્સાહ જ અલગ હોય. પરિસ્થિતિ ગમે તે હોય, પરંતુ કોઈ વાર કે પરબે મારા ગામમાં અલગ જ માહોલ હોય છે. ઉપરથી આતો ઉત્તરાયણ! વિશાળ આકાશમાં રંગબેરંગી પતંગોથી ઢંકાયેલું હોય છે - આ સાથે દરેકનું મન પણ એક અલગ જ આનંદના રંગે ઢંકાયેલું હોય છે. હું જે ગામમાં રહેતો, તે ગામ આમ તો આધુનિક ચમકદમકથી દૂર હતું. સરળ અને સહજ સ્વભાવનાં ગામ લોકો. ઉત્તરાયણની જેમ દરેક તહેવાર સાથે હળી મળીને ઉજવતાં. ગામની દક્ષિણ તરફ જંગલ હતું. જે ઘટાદાર વૃક્ષો અને ગીચોગીચથી ઝાડીઝાંખરાઓથી ભરેલું હતું. ઘણા સમય પહેલા આ જંગલમાંથી ગામ તરફથી વહેતી એક સમૃદ્ધ નદી પણ વહેતી, પરંતુ પાછલાં કેટલાંક વર્ષોથી અગમ્ય કારણોસર આ નદી ઝેર બનીને સૂકાઇ ગઈ છે. જેથી ગામ લોકોને ભારે જહેમત ઉઠાવવી પડે છે. ખેતીનું મુખ્ય સંસાધન જ ચાલ્યું ગયું. છતાં પણ આ ગામ લોકો ગમે તે પરિસ્થિતિમાં ખુશ રહેતા.

આજ ખુશહાલ ગામમાં આજે ઉત્તરાયણનો તહેવાર. ગામનાં બધાં જ ટેણિયાંઓ ખુલ્લા મેદાનમાં હાથેથી બનાવેલ પતંગ ચગાવતાં હતાં. એક પછી એક પતંગની દોરી ખેંચતાણ ખેંચતાણ થઈ રહી હતી. આટલામાં એક ઉત્સાહભેર અવાજો પડવા માંડ્યા,

“એલા આ બાજું...”

“ખેંચ..ખેંચ..”

“કાઇપો છો...”

“લપેટ લપેટ...”

આવાં શબ્દો વચ્ચે જ બે પગ હવામાં ઊડતી એની પતંગને લેવા ઊભી પૂંછડીએ દોડ્યા. બસ! આ ઊભી પૂંછડી એટલે મન્યો. ઉંમરમાં નાનો, પરંતુ તોફાની અલ્લડ છોકરો. વર્ણે શ્યામ, સરળ અને હદયનો એકદમ ભોળો છોકરો, પરંતુ સ્વભાવે થોડોક ડરપોક. હોય પણ ખરોને! એના મા-બાપનો એકનું એક સંતાન. હથેળીમાં રાખીને ઉછેર કર્યો હતો.

પતંગ કપાઇ એટલે મન્યો એને પકડવા દોટ મૂકી. પતંગ આગળ અને મન્યો પાછળ; પગ થોભવાનું નામ નહોતાં લેતાં. મન્યા પાછળ એકથી વધારે લૂંટણિયા દોડ્યા હતા, પરંતુ એના પગ આગળ તરફ રહેલ ઘનઘોર જંગલને જોઈને અટકી ગયા. મન્યો રોકાયો નહિ. મનમાં સહેજ ડર તો અનુભવાયો, પરંતુ એની પાસે આ છેલ્લી જ પતંગ હતી. જંગલના વાતાવરણમાં પ્રવેશતા જ એની ગતિ ધમી પડી. ગામમાં ચાલતી ડરામણી વાતો હવે એના માનસપટ પર અંકિત થવા લાગી. ગામ લોકો વાતો કરતા કે વર્ષો પહેલા એક છોકરી આ જંગલમાં આવીને સળગી ગયેલી હતી અને હવે તે છોકરીની આત્માને ચૂડેલ બનીને જંગલમાં ફરે છે. આથી લગભગ ગામનું કોઈ વ્યક્તિ આ જંગલમાં પ્રવેશ કરતું હતું, છતાં મન્યો આગળ વધ્યો. પતંગ પણ હવે આંખો સામેથી ઓઝલ થઈ ગઈ.

ધીમે ધીમે એ પતંગને શોધતો આગળ વધ્યો. જંગલમાં આગળ વધતાં અંધારું વધ્યું. ડરામણા અને વિચિત્ર અવાજો કાને પડ્યા. ઉંચા અને ઘનઘોર વૃક્ષો - જેની વચ્ચેથી સૂર્યનો પ્રકાશ નહીંવત જમીનને સ્પર્શી રહ્યો હતો. પતંગની શોધ વચ્ચે જાણે ઉત્તરાયણનો ઉત્સાહ ઘટ્યો હતો અને ડર વધ્યો. પતંગની શોધમાં આજુબાજુ રહેલ વૃક્ષો પર નજર કરતા મન્યાની આખરે હિમ્મત ખૂંટી ત્યાં એને એક વૃક્ષ પર અટવાયેલ પોતાની પતંગ નજરે ચડી.

ડરને કારણે ખૂટેલી હિમ્મત ફરી વખત આવી. મન્યો ઉત્સાહમાં આવી ગયો અને ઝડપથી વૃક્ષ પર ચડીને પતંગ ઉતારવા લાગ્યો. વૃક્ષ પર ચડીને મન્યાએ પતંગ ઉતારી લીધી અને જેવો તે નીચે ઉતરવા પાછો વળ્યો ત્યા લાલ આંખો અને મોંમાંથી રક્ત ટપકતાં લાંબા દાંતોવાળી એક ચૂડેલ વૃક્ષના થડ પાસે ઊભી હતી! મન્યાનો જીવ બહાર આવી ગયો. હાથમાં રહેવ પતંગ પણ ડરના કારણે છૂટીને નીચે પડી ગઈ. ડરપોક માસૂમ મન્યો થરથર ધ્રૂજવા માંડ્યો. એ નીચે ઊભેલી ચૂડેલ એની ચમકતી લાલ આંખોએ એકીટશે મન્યાને જોઈ રહી હતી.

એ ચૂડેલનું આખું શરીર સળગેલું હતું. પગના ભાગે બસ માંસનો લોચો જ હતો. જેમાંથી સતત લોહી વહી રહ્યું હતું. એ ચૂડેલનું મોઢું પણ એટલું જ ડરામણું હતું. લાલ આંખો અને દંતશૂળ જેવા લાંબા દાંતો; આવા ભયાવહ ચૂડેલને જોઈને જાણે મન્યાને મોત દેખાઈ ગયું. આજ ક્ષણે તે ચૂડેલ હવામાં ઉડી અને મન્યાને એના સળગીને કાળા પડી ગયેલા હાથેથી પકડીને હવામાં ઉંચો કર્યો. મન્યો બચાવવા સાદ પાડવા માંગી રહ્યો હતો, પરંતુ શબ્દો ગળામાં જ અટકી ગયા હતા. એ ચમકતી લાલ આંખો હજુયે મન્યા પર ટકી હતી. જાણે તે કશુંક કહેવા માંગતી હોય તેવું જણાતું હતું. આટલામાં મન્યાએ હિમ્મત કરીને બૂમો પાડીને મદદ માગી,

“બચાવો બચાવો મને... આ... આ... પેલી જંગલની સળગેલી ચૂડેલે મને પકડી લી...લીધો...” હજુ મન્યાને તૂટક શબ્દોએ મદદ માંગતો સાદ પાડ્યો ત્યા જાણે કે તે ચૂડેલ અત્યંત ક્રોધમાં આવી ગઈ હોય તેમ મન્યા તરફ લાલ આંખોને વધારે વિકરાળ કરતા રક્તના છાંટાઓ ઉડાવતા કહ્યું,

“હું કોઈ સળગેલી ચૂડેલ નથી! મને ગામના વ્યાપારી શેઠ માણેકલાલે આજ જંગલ વચ્ચે સળગાવી નાંખી હતી. આવો જ ઉત્તરાયણનો એ દિવસ હતો. હું પણ તારી જેમ પતંગને શોધમાં જંગલની અંદર સુધી ઘુસી આવી હતી. પતંગ લઈને હું ફરીથી ઉત્સાહ સાથે પાછી ત્યા મારી નજરમાં આવ્યું કે ગામમાં જે નદી વહી રહી છે; જે ગામનો આધારસ્તંભ છે, તેમાં માણેકલાલ કેટલાક ટ્રક સાથે ગામની નદીમાં શહેરની ફેક્ટરીઓનો કેમિકલવાળો પ્રદુષિત ઝેરી કચરો ઠાલવી રહ્યો. એની સાથે કેટલાક શહેરી અફસરો પણ હતા. માણેકલાલ હસીને એ શહેરી અફસરો પાસેથી પૈસા લઈ રહ્યો હતો. હું આ જોઈ રહી. અચાનક જ પવનની લહેરખી આવી એટલે મારાં હાથમાં રહેલ પતંગમાં ફફડાટ થયો. માણેકલાલ સાથે બધાંએ મને જોઈ ગયા! હું માણેકલાલનાં આ કાળા કરતુતો ગામમાં કહી દઈશ, એ ડરથી માણેકલાલ મને વૃક્ષના થડે બાંધીને સળગાવી દીધી... હું... હું... તને જીવંત નહીં છોડું... તું પણ સામેલ હશો નદીનું પાણી ઝેરી કરીને... હું તને મારી નાંખીશ...” આટલા શબ્દો સાથે જ એ ચૂડેલે મન્યાને નીચે પટકી દીધો.

મન્યો અથડાઈને વૃક્ષના થડ પર જઈને પડ્યો. એને મોત દેખાયું - સાથે તે ચૂડેલે કીધેલા વાક્યો પણ માસૂમ મગજમાં ઘૂમવા લાગ્યા. ચૂડેલે હાથનાં પંજાઓને આગળ કરીને જાણે દરેક નિર્દોષ સાથે પોતાના મોતનો બદલો લેતી હોય તેમ નખને મોટા કરીને નિર્દોષ અને માસૂમ મન્યાની છાતી ચીરી નાખવાની હતી ત્યા ગામ તરફથી મન્યાના માતા-પિતા એને શોધતા શોધતા આવી રહ્યાં હતાં. આ જોઈને એ ચૂડેલ થંભી ગઈ અને ક્ષણિક મન્યાની આંખોમાં જોયા કરી. જાણે એ કશુંક સૂચવતી હતી અને પછી તરત તે હવામાં અદૃશ્ય થઈ ગઈ.

મન્યો બચી ગયો. એના માતા-પિતાએ એને લઈને ગામ તરફ પાછા વળ્યા. પછી મન્યાને માંડીને બધી જ વાત કરી. હકીકત સામે આવી ગઈ કે ગામની નદી કેમ સૂકાઇ ગઈ હતી. દુર્ઘટના સમજીને ભૂલાવી દીધેલો ભૂતકાળ આખરે વર્ષો પછી નજર સમક્ષ આવ્યો. યોગ્ય પગલાં લઈને માણેકલાલ સહિત આ કાંડમાં સંડોવાયેલા બધાંને સજા કરવામાં આવી. મન્યા થકી નિર્દોષ બાળકી અને સમગ્ર ગામ લોકોને ન્યાય મળ્યો અને જાણે તે જંગલમાં ભટકતી ચૂડેલને પણ મુક્તિ મળી...


- ખુશાલ ડાભી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ