વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રેડ ડ્રેગન એન્ડ ધ સ્ટોન

રેડ ડ્રેગન એન્ડ ધ સ્ટોન
[ Red Dragon and the Stone ]

લેખક :- Khushal Rajput "KD"


      તમે જાદુઈ શક્તિ અને ડ્રેગન વિશે તો સાંભળ્યું જ હશે ને! તો આ સ્ટોરી કંઇક એવી જ દુનિયામાં તમને લઇ જશે. જેમાં હશે એક રાજ્ય, જાદુઈ શક્તિ ધરાવતાં માનવો, પક્ષીઓ, પ્રાણીઓ, ડ્રેગન અને આવું તો ઘણું બધું. રણનાં મેદાનમાં બે સેનાઓ એકબીજાની સામે કેવી રીતે લડશે તે પણ જોવામાં મજા આવશે.

આ કથા એટલે સમગ્રપણે વાસ્તવિક દુનિયાથી દૂર થઇને એક નવી જ દુનિયાનો સફર ખેડવો! તો ચાલો ડ્રેગનની સવારી કરીએ!!!


******


"સર દેવોસ! આ તમે શું કહી રહ્યા છો?" માર્ક પોતાનાં હાથમાં રહેલ દિવ્ય આંખને ટેબલ ઉપર રાખતાં બોલ્યો. માર્કને બોલતાં સાંભળીને સર દેવોસ હવામાં ઉડતાં ઉડતાં જ માર્કની પાસે આવ્યા અને તેને થોડાંક ભારપૂર્વક જણાવતાં કહ્યું,

"માર્ક, હું સાચું કહી રહ્યો છું! જો બ્યુરોનાઇટની સેના જાગી ગઇ છે તો-"

"તમને આ વાત ક્યાંથી મળી સર દેવોસ! બ્યુરોનાઇટ અને તેની સેના વર્ષા પહેલાં જ ખત્મ થઈ ગઇ છે" માર્કને બોલતાં સાંભળીને સર દેવોસ હવામાં ઉડવાનું બંધ કર્યું અને પોતાનાં પગ જમીન ઉપર રાખીને કહ્યું,

"માર્ક! મારાં પણ પક્ષીઓ જંગલમાં ઉડે છે." સર દેવોસને સાંભળીને માર્ક એક ચિંતાજનક નજર કરીને કહ્યું,

"આ અશક્ય છે સર દેવોસ! તમને ધ બ્લુસ્ટોનમાં જાદુઈ શિક્ષા આપવા માટે બોલાવ્યા છે, એટલે જે કામ આપ્યું છે તે કરો, આવી વાતોમાં ખોટો સમય બરબાદ ન કરો." આટલું કહીને માર્ક ટેબલ ઉપર પડેલ પુસ્તકોને હાથમાં લઇને રૂમની બહાર નિકળવા જઇ રહ્યા હતા ત્યાં જ પાછળથી સર દેવોસ ટેબલ ઉપર રહેલ દિવ્ય આંખને હાથમાં લઇને કહ્યું,

"તમે માસ્ટર કેન ઉપર ભરોસો કરીને બેઠાં છો માર્ક! જે મેં જોયું છે ને તે જોઇને તમે પણ ચોંકી જશો." સર દેવોસને સાંભળીને માર્ક ત્યાં જ ઉભા રહી જાય છે અને પાછળ ફરીને એક નજર સર દેવોસના હાથમાં રહેલ દિવ્ય આંખ તરફ કરીને જોયું,

'તે આંખમાં એક સફેદ ડ્રેગનની ઉપર બ્યુરો કિંગ સવાર થઇને આવી રહ્યો હતો અને તેની પાછળ....' હજું માર્ક તે આંખમાં જોઇ રહ્યો હતો ત્યાં જ બધાં જ ચિત્રો તે દિવ્ય આંખમાં વિસરાઈ ગયા.

"માર્ક, જ્યારે સત્તાની લાલચમાં આવીને બ્યુરોનાઇટએ આપણી ઉપર હુમલો કર્યો હતો ત્યારે અનેક નિર્દોષ માણસો મર્યા હતાં અને"- આટલું કહીને સર દેવોસ પોતાનાં હાથમાં રહેલ દિવ્ય આંખને ટેબલ ઉપર રાખી અને ચિંતા ભરી નજરે, માર્ક તરફ જોઇને કહ્યું,

"ત્યારે રાજ્યને બચાવવાં પાછળ માસ્ટર ડ્રેગોનાઇટને પોતાનો જીવ ગુમાવ્યો હતો અને આ વખતે કદાચ માસ્ટર કેનને જીવ ગુમાવવો પડે!" સર દેવોસને સાંભળીને માર્ક પોતાનાં હાથમાં રહેલ બધાં જ પુસ્તકોને ફરીથી ટેબલ ઉપર રાખીને એક ઉંડો નિઃશ્વાસ નાખીને ખુરશી ઉપર બેસી ગયાં અને એક નજર ટેબલ ઉપર રહેલ દિવ્ય આંખ તરફ કરી અને પછી ડર ભરેલ શબ્દોએ કહ્યું,

"દિવ્ય આંખ ક્યારેય ખોટું કહેતી નથી. જો વાસ્તવમાં બ્યુરોનાઇટ અને તેની સેના જાગી ગઇ છે અને તે ફરીથી આપણાં રાજ્ય ઉપર આક્રમણ કરશે તો! નહીં નહીં મારે આ વાત માસ્ટર કેનને કહેવી જરુરી છે."

"માર્ક, ત્રણેય માસ્ટર પાસે દુનિયાનાં બધાં જ રાજ્યો કરતાં વધું શક્તિશાળી જાદુ છે." આટલું કહીને સર દેવોસ, માર્ક પાસે આવ્યાં અને તેની આંખમાં આંખ નાખીને ડરની સાથે કહ્યું,

"આપણાં રાજ્યમાં કોની પાસે માસ્ટર જેટલી જાદુઈ શક્તિઓ છે? આ વખતે રક્ષસેના પણ બ્યુરોનાઇટનો સામનો નહીં કરી શકે!"

"સર દેવોસ, તમે એમ કહેવા માંગો છો કે આપણે રાજ્યને બચાવી નહીં શકીએ! બ્યુરોનાઇટની સેના ક્યારેય જાદુઈ દિવાલને પાર નહીં કરી શકે." માર્કને ગુસ્સાની સાથે બોલતાં સાંભળીને સર દેવોસ, માર્કના ખંભે હાથ રાખીને કહ્યું,

"હું ન ભુલતો હોવ ત્યાં સુધી માસ્ટર બ્યુરોનાઇટ પણ ત્રણ માસ્ટરોમાંનાં એક છે, એટલે આ વખતે જાદુઈ દિવાલ પણ બ્યુરોનાઇટ અને તેની સેનાને નહીં રોકી શકે!" સર દેવોસની વાત સાંભળીને માર્ક ખુરશી ઉપરથી ઉભો થઇને કહ્યું,

"એટલે શું આપણે હાથ ઉપર હાથ ધરીને બેસી રહેવું!"

"નાં, આપણે જો રાજ્યને બચાવવું હોય તો એક જ ઉપાય છે"- આટલું કહીને સર દેવોસનાં ચહેરા ઉપર ડરની રેખાઓ આવી અને સર દેવોસ ફરીથી માર્કની આંખોમાં જોઇને કહ્યું,

"ડ્રેગન કિંગ" સર દેવોસના મોઢામાંથી 'ડ્રેગન કિંગ' શબ્દ સાંભળતા જ સમગ્ર રૂમમાં નિરવ શાંતિ છવાઈ ગઈ. માર્ક અને સર દેવોસ બંને મૌન થઈને એકબીજાની સામે ઉભા હતાં.

ડરના કારણે, સર દેવોસના કપાળમાંથી પરસેવાનું એક ટીપું જવું જમીન ઉપર પડ્યું ત્યાં જ માર્ક, પોતાનું મૌન તોડતા કહ્યું,

"હું માસ્ટર કેનને આ વાતની જાણ કરવા જઇ રહ્યો છું અને ત્યાં સુધી તમે બધાં જ રક્ષસેનાનાં અધિકારીઓને અને માસ્ટરોને, ડ્રેગન હોલમાં ભેગાં થવાનો સંદેશો મોકલાવો, એ પણ સત્વરે." આટલું કહીને માર્ક, પોતાનાં હાથમાં રહેલ અંગૂઠીને કાઢી અને તે અંગૂઠીને પોતાની છાતી પાસે લાવીને કહ્યું, "અમેરા સ ડ્રેગો." આટલું કહીને માર્ક ગાયબ થઇ ગયાં અને જતાં જોઈને સર દેવોસ પણ પોતાનાં હાથની બે આંગળીઓ કપાળ ઉપર અડાળીને કહ્યું, "અમેરા સ ડ્રેગો." આટલું કહીને સર દેવોસ પણ પોતાનાં કામમાં લાગી ગયા.


***


" 'કેસ્ટલી ડ્રેગો' નામનું જાદુઈ રાજ્ય મુખ્યત્વે ત્રણ મહાપુરુષો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. 'માસ્ટર ડ્રેગોનાઇટ', 'માસ્ટર બ્યુરોનાઇટ' અને 'માસ્ટર કેનનાઇટ' દ્વારા આ રાજ્યને પોતાની જાદુઈ શક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ ત્રણેય માસ્ટર દ્વારા આ રાજ્યને સમ્પુર્ણ પણે જાદુઈ શક્તિથી જ બનાવામાં આવ્યું હતું એટલે આ રાજ્યમાં રહેલ રહેલ દરેક પ્રાણી પાસે પોતાની જાદુઈ શક્તિ હતી.

સમય જતાં આ રાજ્ય દુનિયામાં પોતાનાં ડ્રેગન અને જાદુઈ વેપારને કારણ પ્રખ્યાત થયું અને ધીરે ધીરે લોકો આ રાજ્ય તરફ આકર્ષિત થયાં અને અહિયાં આવીને વસવાટ કરવા લાગ્યાં. ત્રણેય માસ્ટર દ્વારા અહિયાં આવતાં લોકોને જાદુઈ શક્તિ વધું પ્રબળ બને તે હેતુથી 'ધ બ્લુસ્ટોન' નામની વિદ્યાલયની સ્થાપના કરી અને લોકોને જાદુઈ શિક્ષા આપવાનું શરું કર્યું.

કહેવાઇ છે કે આ ત્રણેય માસ્ટર ડ્રેગન કિંગની આગમાંથી ઉત્પન્ન થયાં હતા એટલે આ ત્રણેય માસ્ટર કોઈ પણ ડ્રેગનને કાબુ કરી શકતાં હતા અને તેની સવારી પણ કરી શકતાં હતા. માસ્ટરની આ કળાને લીધે બીજા રાજ્યના કાળાં વાદળો 'કેસ્ટલી ડ્રેગો' ઉપર ધેરાવા લાગ્યાં.

બહારાના અનેક રાજ્યોએ કેસ્ટલી ડ્રેગો રાજ્ય ઉપર આક્રમણ કર્યા પરંતુ તે ક્યારેય આ રાજ્યને જીતવામાં સફળ થયાં નહીં. વિશ્વમાં સૌથી શક્તિશાળી જાદુઈ શક્તિ ધરાવતું 'કેસ્ટલી ડ્રેગો' રાજ્ય પાસે દુનિયાની સૌથી મોટી સેના એટલે ડ્રેગન.

વિશ્વમાં એકમાત્ર આ રાજ્ય એવું હતું જેની પાસે ડ્રેગનને કાબુ કરવાની શક્તિ હતી, આથી બહારનાં રાજ્યના કાળાં વાદળો 'કેસ્ટલી ડ્રેગો' ઉપર વારંવાર છવાયાં કરતાં, પરંતુ ક્યારેક કોઇ આ રાજ્યને પરાસ્ત કરવામાં સફળ થયું નહીં.

આવી રીતે વારંવાર યુદ્ધનો માહોલ છવાયાં કરવાને લીધે રાજ્યનાં લોકોમાં પણ એક ભય ઉત્પન્ન થયો અને રાજ્યના લોકોમાં ભયનો ફફડાટ વ્યાપી ગયો અને રાજ્યમાં અશાંતિ છવાઇ ગઇ.

આખરે આ ત્રણેય માસ્ટર દ્વારા આ રાજ્યને હર હંમેશ માટે સુરક્ષિત રહે અને રાજ્યના લોકો સુખ અને શાંતિ પુર્વક પોતાનું જીવન પસાર કરે તે માટે 'જાદુઈ દિવાલનું' નિર્માણ કર્યું. જાદુઈ દિવાલનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું કે હતું કે રાજ્યની ફરતે એક વિશાળ દિવાલ બનાવવામાં આવી અને તે દિવાલના તથા રાજ્યનાં રક્ષણ માટે આ ત્રણેય માસ્ટરો દ્વારા 'રક્ષસેના'નું નિર્માણ કર્યું.

'રક્ષસેના' અને 'જાદુઈ દિવાલ' હોવાથી આ રાજ્ય હર હંમેશ સુરક્ષિત રહ્યું. સમય જતાં માસ્ટર ડ્રેગોનાઇટને રાજ્યની સત્તા સોપવામાં આવી. માસ્ટર ડ્રેગોનાઇટને રાજ્યની સત્તા સોપવામાં આવી હોવાથી સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.

એક બાજું રાજ્યમાં ખુશીનો માહોલ હતો અને બીજી બાજું માસ્ટર બ્યુરોનાઇટનાં મનમાં દ્વેષાગ્નિ જન્મી. સત્તાની લાલચમાં આવીને બ્યુરોનાઇટ...." હજું સર દેવોસ આગળ કંઇક બોલવા જઇ રહ્યા હતા ત્યાં જ રૂમનો દરવાજો ખોલીને એક સિપાહી અંદર આવ્યો અને સર દેવોસને કહ્યું,

"ડ્રેગન હોલમાં બધાં જ ઉપસ્થિત થઇ ગયાં છે માસ્ટર અને સભા થોડીક જ ક્ષણોમાં શરું થવાની છે. તમને સત્વરે લોર્ડ માર્કએ ત્યાં ઉપસ્થિત થવાનો સંદેશો મોકલાવ્યો છે." આટલું કહીને તે પહેરેદાર પોતાની બે આંગળીઓ કપાર ઉપર કરીને કહ્યું, "અમેરા સ ડ્રેગો" અને તે સિપાહી ત્યાંથી ચાલ્યો ગયો.

તે સિપાહીને ત્યાંથી જતાં જોઈને સર દેવોસ પોતાનાં હાથને ટેબલ ઉપર પડેલ બધાં જ પુસ્તકો તરફ કર્યો અને તે બધાં જ પુસ્તકો હવામાં ઉડવા લાગ્યા.

"તમે બધાં જ કેસ્ટલી ડ્રેગોનું ભવિષ્ય છો! તમે જાદુઈ શક્તિને પસંદ નથી કરી, જાદુઈ શક્તિએ તમને પસંદ કરી છે!" આટલું કહીને સર દેવોસ પોતાનો હાથ રૂમમાં બેઠેલાં છોકરાંવો તરફ કર્યો અને જે હવામાં ઉડતાં પુસ્તકો હતાં, તે પુસ્તકો આપમેળે જ બધાં જ છોકરાંવના હાથમાં ચાલ્યા ગયા.

તે પુસ્તકોને બધાં જ વિદ્યાર્થીઓનાં હાથમાં જોઇને સર દેવોસ, હાથની આંગળીમાંથી એક અંગૂઠીને કાઢીને કહ્યું,

"જ્યારે સમ્પુર્ણ જાદુઈ શિક્ષા પ્રાપ્ત થઇ જશે ત્યારે તમે પણ 'કાલરક્ષક' બની જશો અને તમારી પાસે પણ આ અંગૂઠી હશે"- તે અંગૂઠીને છાતીની પાસે લાવીને સર દેવોસ, ચહેરા ઉપર હાસ્ય કરીને કહ્યું, "તમને બધાને ધ બ્લુસ્ટોનમાં તમારો પહેલો દિવસ શુભ રહે તેવી શુભેચ્છાઓ." આટલું કહીને સર દેવોસ ત્યાંથી ગાયબ થઇ ગયાં.


***


માર્ક, ડ્રેગન હોલની બહાર ઉભાં ઉભાં બધાં જ વ્યક્તિઓને નિહાળી રહ્યા હતા. ડ્રેગન હોલમાં ઉપસ્થિત બધાં જ વ્યક્તિઓ અંદરો અંદર કંઇક ચર્ચા કરી રહ્યા હતા. માર્ક આવી જ રીતે બધાંની તરફ નજર કરી રહ્યા હતા ત્યાં જ પાછળ સર દેવોસનો અવાજ આવ્યો,

"માસ્ટર કેન હજું આવ્યા નથી લાગતાં?" સર દેવોસને આવી રીતે અચાનક જ પાછળથી આવતાં જોઈને માર્ક પાછળ ફરીને એક નજર સર દેવોસ તરફ કરીને કહ્યું,

"માસ્ટર કેન, બસ આવતાં જ હશે...." હજું માર્ક બોલી રહ્યા હતા ત્યાં જ ડ્રેગન હોલમાં બધાં જ પોતાની જગ્યાએ ઉભો થઇ ગયાં. ડ્રેગન હોલમાં બધાને ઉભાં થતાં જોઈને માર્ક અને સર દેવોસ સમજી ગયાં કે માસ્ટર કેન આવી રહ્યા છે, એટલે માર્ક અને સર દેવોસ પણ પોત પોતાની જગ્યાએ જઈને ઊભા રહી ગયા.

થોડીક જ ક્ષણોમાં માસ્ટર કેન હોલના પ્રવેશ દ્વારથી અંદર આવ્યાં અને જઇને સીધાં જ રાજસિંહાસન ઉપર બેસી ગયાં. આશરે સોએક વર્ષની ઉંમરના માસ્ટર કેન પોતાનો એક હાથ ઉંચો કર્યો અને બધાંને ઈશારાથી બેસવાનું કહ્યું. બધાને બેસી જતાં જોઈને માસ્ટર કેન ધીરાં અવાજે બોલવાનું શરું કર્યું,

"વર્ષો પહેલાં જેને આપણે માત આપી હતી, તે ફરીથી આવી રહ્યો છે. અસંખ્ય કાલરક્ષકોની કુરબાની આપવી પડી હતી તેને રોકવા માટે! અંતે માસ્ટર ડ્રેગોનાઇટને રાજ્યને બચાવવાં માટે પોતાનો જીવ કુરબાન કર્યો..." હજું માસ્ટર કેન બોલી રહ્યા હતા ત્યાં જ સભાનાં પ્રવેશ દ્વારથી એક નેત્રક્ષ ( 'નેત્રક્ષ' એક નામનું પક્ષી છે. આ પક્ષી સંદેશાની આપ-લે કરવામાં માટે ઉપયોગમાં આવે છે. નેત્રક્ષ પાસે પોતાની જાદુઈ શક્તિ હોય છે એટલે તે એકવાર સંદેશો આપ્યા બાદ પોતાની મેળે જ અદશ્ય થઈ જાય છે.) ઉડતું આવ્યું અને સીધું જ માસ્ટર કેનનાં હાથમાં જઈને બેસી ગયું. નેત્રક્ષ સંદેશો માસ્ટર કેનનાં હાથમાં આપીને અદશ્ય થઈ ગયું.

માસ્ટર કેન ઝીણી આંખે સંદેશાને વાંચ્યું અને તે સંદેશો વંચાઇ ગયાં બાદ આપોઆપ જ સળગી ગયો. માસ્ટર કેન એક નજર સભામાં બેઠેલ બધાં જ વ્યક્તિ તરફ કરીને જોયું તો બધાં જ વ્યક્તિ અંદરો અંદર કંઇક ચર્ચા કરી રહ્યા હતા અને બધાંના ચહેરા ઉપર સાફ સાફ ભયની રેખાઓ પણ દેખાતી હતી.

માસ્ટર કેન રાજસિંહાસન ઉપર પોતાનું શિથિલ શરીર લઇને હળવેકથી ઉભાં થયાં. માસ્ટર કેનને ઉભાં થતાં જોઈને ફરીથી હોલમાં શાંતિ છવાઇ ગઇ.

"જાદુઈ દિવાલ તુટી ગઇ છે!" માસ્ટર કેનનાં મોઢામાંથી આ શબ્દ સાંભળીને હોલમાં જાણે કે એક આંચકો નિકળી ગયો હોય તેમ બધાં જ એકી નજરે માસ્ટર સામે જોઇ રહ્યા હતા. વર્ષાથી જેને આ રાજ્યને બચાવી રાખ્યું હતું તે આજે ક્ષણવારમાં જ નષ્ટ થઈ ગયું! માર્કે પણ આશ્ચર્યની સાથે સર દેવોસ તરફ એક નજર કરીને જોયું.

"દક્ષિણની રક્ષસેના હારી ચૂકી છે. મોત આવી રહ્યું છે! આપણી પાસે આજ સાંજ સુધીનો સમય છે." આટલું કહીને માસ્ટર કેન માર્ક તરફ જોઇને કહ્યું, "બધાં જ કાલ રક્ષકોને તૈયાર કરો, આપણે જેને એક વખત માત આપી છે તેને ફરીથી માત આપીશું-"

"માસ્ટર કેન! ત્યારે આપણી પાસે માસ્ટર ડ્રેગોનાઇટ અને ડ્રેગન કિંગ પણ હતાં. અત્યારે શું આપણે તે મુર્દાઓની સેના સાથે લડી શકવા સક્ષમ છીએ!" આટલું કહીને માર્ટિન પોતાનાં સ્થાન ઉપર ગુસ્સા સાથે ઉભા થયાં અને કમરે લટકતી તલવારને કાઢીને સભાની વચ્ચે આવીને ફરીથી આક્રોશમાં આવીને બોલવાનું શરૂ કર્યું,

"તે એક લાખ મર્દાઓની સેના અને બ્યુરોનાઇટની સામે શું આપણે દશ હજાર કાલ રક્ષકો અને થોડાંક ડ્રેગન લઇને જીતી શકીશું! માસ્ટર કેન તમે જોયું નહીં કે ક્ષણવારમાં જ તેને વર્ષોથી અડીખમ ઊભેલી જાદુઈ દિવાલને તોડી નાખી!" સમગ્ર સભામાં આ અવાજ ગુંજવા લાગ્યો. માર્ટીનને સાંભળીને ત્યાં રહેલ બધાં જ વ્યક્તિ ફરીથી તેની વાત ઉપર વિમર્શ કરવા લાગ્યાં. ડરની સાથે ફરીથી સભામાં તણાવનો પણ માહોલ છવાઇ ગયો.

"માસ્ટર કેન, અત્યાર સુધી તો આ રાજ્યની રક્ષા તો 'રક્ષસેના' જ કરતી આવી છે. તમે તો બસ આ રાજમહેલમાં બેઠાં બેઠાં આદેશ ફરમાવી રહ્યા હતા!" માર્ટીન સમ્પુર્ણ ગુસ્સાના આક્રોશમાં આવીને કહ્યું. માર્ટીનના બધાં જ શબ્દો હજું ડ્રેગોહોલમાં ગુંજી રહ્યા હતા. માસ્ટર કેન તો હજું પણ ચૂપ જ હતાં.

"તમે કહેવા શું માગો છો?" સભામાં ઉપસ્થિત બધાં જ વ્યક્તિઓમાંથી એક ગુસ્સા ભર્યો અવાજ આવ્યો.

સભામાંથી આવી રીતે અવાજ આવતાં જોઈને માર્ટીન પોતાનાં હાથમાં રહેલ તલવારને ગુસ્સા સાથે જમીન ઉપર ફેંકીને કહ્યું, "વૃદ્ધાવસ્થામાં રહેલ માસ્ટર કેનનાં ભરોસે બેસવું એ આપણી મુર્ખતા છે!" હજું માર્ટિન આટલાં શબ્દો બોલ્યા ત્યાં જ ડ્રેગો હોલમાં રહેલ સૈનિકો આગળ આવીને માર્ટિનને ઘેરી લે છે.

સભામાં ફરીથી તણાવનો માહોલ છવાઈ ગયો. માસ્ટર કેન ફરીથી પોતાનાં સિંહાસન ઉપર બેસી ગયાં અને પોતાના હાથનાં ઈશારાથી સિપાહીઓને માર્ટિનથી દૂર થવાનું કહ્યું.

"માર્ટીન, તમે જે કર્યું છે તેને રાજદ્રોહ કહેવાઇ છે. આનાં માટે તમને મોતની સજા પણ મળી શકે છે!" માર્ક રાજસિંહાસનની પાસે આવીને કહ્યું.

માર્ટીન હજું વળતો જવાબ આપે તે પહેલાં જે જમીન ઉપર પડેલ તલવાર હતી તે હવામાં ઉડવા લાગી અને તે તલવારનો આગળનો ભાગ સીધો જ માર્ટીનનાં ગળાની પાસે આવીને રોકાઇ ગયો.

"માર્ટીન તમે શું કહેવા માંગો છો તે મને ખબર છે. મરેલાને ફરીથી જીવંત કરવા એ આપણા નિયમની વિરુદ્ધ છે." માસ્ટર કેન આટલું કહીને તે ઉડતી તલવારને ફરીથી જમીન ઉપર પછાડી દે છે.

જાણે કે માર્ટિનને મોતનો ડર જ ન હોય તેવી રીતે તે રાજસિંહાસન પાસે આવ્યા અને એક નજર સર દેવોસ તરફ કરી અને પછી માસ્ટર કેનને કહેતાં બોલ્યાં,

"હું અહિયાં સમય બરબાદ કરવા નથી આવ્યો, આજ સાંજ સુધીમાં મોત આપણી સામે હશે! હું તો તમને એ કહેવા આવ્યો છું કે એક જ વ્યક્તિ આપણને અત્યારે બચાવી શકે છે!" સભામાં ઉપસ્થિત બધાં જ વ્યક્તિઓ એકી નજરે માર્ટિન તરફ જોઇ રહ્યા હતા.

માર્ટિને ગંભીરતાપૂર્વક કહ્યું, "માસ્ટર ડ્રેગોનાઇટની તરછોડાયેલી ઓલાદ ! તેની પાસે જ ડ્રેગન કિંગને કાબૂમાં કરવાની શક્તિ છે. એકમાત્ર તેનાં જ શરીરમાં માસ્ટર ડ્રેગોનાઇટનું ખુન વહી રહ્યું છે."

સમગ્ર માહોલમાં એકાએક પલટો આવ્યો. બધાં જ ફરીથી અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યાં. સર દેવોસ પણ માર્ટિનને સાંભળીને પોતાનાં સ્થાનેથી ઉભાં થઈને સીધાં જ માર્કની પાસે આવ્યા અને તેનાં કાનમાં કશુંક કહેવા લાગ્યા.

"આ સભા અહિયાં જ પુર્ણ થાય છે. બધાં જ કાલ રક્ષકોને તૈયાર કરો, આજ સાંજે મોતથી લડવાનું છે." આટલું કહીને માસ્ટર કેન પોતાની જગ્યાએ જ ઉભા થયાં ફરીથી બધાંની સામે જોઇને બોલ્યાં, "કેસ્ટલી ડ્રેગો અમર રહે! અમેરા સ ડ્રેગો" આટલું કહીને માસ્ટર કેનની આજુબાજુ સફેદ ધૂમાડો ઉત્પન્ન થયો અને માસ્ટર કેન તે ધૂમાડામાં અદશ્ય થઈ ગયાં.

માસ્ટર કેનને આવી રીતે ગાયબ થઇ જતાં જોઈને માર્ટીન પોતાનો એક પગ જમીન ઉપર પછાડીને સીધાં જ હોલની બહાર જતાં રહ્યા, અને તેનાં પાછળ બીજાં બધાં જ સલાહકારો અને અધિકારીઓ પણ બહાર જતાં રહ્યા.

"માર્ટીનની વાતમાં દમ તો છે!" સર દેવોસ, માર્કની સામે જોઇને બોલ્યાં.

"જંગની તૈયારી કરો સર દેવોસ! અને હા, માર્ટીનની વાત સાચી હતી." આટલું કહીને માર્ક પણ રાજસિંહાસનની સીડીઓ નીચે ઉતરતાં ઉતરતાં ફરીથી સર દેવોસને કહેતાં બોલ્યાં,

"આ છેલ્લી રાત હશે આપણાં માટે! જે ઈચ્છાઓ બાકી હોય તે પુરી કરી લેજો સર દેવોસ! પછી કહેતાં નહીં કે કહ્યું નહોતું!.." આટલું કહીને માર્ક પણ હોલની બહાર ચાલ્યા ગયાં.

"હા....પણ આ આખરી રાત તો નહીં જ હોય!" આટલું કહીને સર દેવોસ પણ બહાર ચાલ્યા.


***


"માસ્ટર કેન.....જે વાત માર્ટીન કરી રહ્યો હતો તે પ્રમાણે આપણે શું સાચે જ ડ્રેગન કિંગને કાબૂ કરી શકીએ છીએ? જો આવું બન્યું તો આ યુદ્ધનું પાસું જ બદલી જશે!" માર્કે માસ્ટર કેનને કહ્યું.

શયનખંડમાં માસ્ટર કેન અને માર્ક બંને સભામાં જે થયું હતું તેનાં વિશે ચર્ચા કરી રહ્યા હતા. બહાર રાજ્યમાં ચારેય બાજુ બસ 'જાદુઈ દિવાલ તુટી ગઈ છે...' તેની જ ચર્ચા થઈ રહી હતી તો બીજી બાજુ બધાં જ કાલરક્ષકો રાજ્યની સીમા ઉપર યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા. બધાંને ખબર હતી કે તે મુર્દાઓની સેના સામે કોઈ ટકી શકવાનાં નથી! હવે 'કેસ્ટલી ડ્રેગો' રાજ્યને આવનારી આફતથી કોઈ બચાવી શકે તેમ નથી! જેને એકવાર પોતાની કુરબાની આપીને આ રાજ્યને બચાવ્યું હતું તેની અત્યારે બધાંને યાદ આવી રહી હતી. માસ્ટર ડ્રેગોનાઈટનો ડ્રેગન કિંગ પણ અમેરાશની પર્વતીય શૃંખલાઓની વાદીયોમા ક્યાંક ગાયબ થઈ ગયો છે!

“બસ હવે તેજ આપણી આખરી ઉમ્મીદ છે!”

“શું માર્ક?”

“બસ....ડ્રેગન કિંગ!”

“પણ તેને કાબૂ કરવા કોણ જશે?”

“માસ્ટર ડ્રેગોનાઈટનો તરછોડાયેલી સંતાન! એ એક જ હવે રાજ્ય ઉપર આવતી આફતને રોકવા સક્ષમ છે.”

“એ ક્યારેય નહીં માને માર્ક!”

“કેમ માસ્ટર કેન? એવું શું કર્યું છે આપણે તેની સાથે?”

“આપણે? શું કર્યું?!”

“રાજ્ય ઉપર આવેલ આફતને તે રોકવામાં મદદ ન કરી શકે? તેની અંદર માસ્ટર ડ્રેગોનાઈટનો ખૂન રહી રહ્યું છે.”

“જ્યારે આપણે તેની જરૂર પડી ત્યારે તેની અંદર માસ્ટર ડ્રેગોનાઈટનો ખૂન વહી રહ્યું છે?! અત્યાર સુધી તેને કેમ રાજવંશથી દૂર રાખવામાં આવ્યો? માર્ક, તેનો જન્મ એક ભૂલથી થયો છે, છતાં તે આ રાજ્યની રાજગાદીનો અસલી ઉતરાધિકારી છે.”

“તો પછી તે શાં માટે આવાં કપરાં સમયે આપણી મદદ ન કરે?”

“કેમ કે અત્યાર સુધી આપણે તેને આ રાજવંશથી વંચિત રાખ્યો એ માટે! તેનો અધિકાર છે આ આલીશાન મહેલમાં રહેવાનો. આ રાજગાદી ઉપર બેસવાનો પરંતુ તેને આ બંધી વસ્તુ ન મળી. તેને એક કીડામકોણાની જેમ રાજ્યની ગલીઓમાં છોડી દેવામાં આવ્યો!” માસ્ટર કેન શાંત થઈ ગયા.

સામે દૂર ટેબલ ઉપર રહેલ મદિરાનો ગ્લાસ હવામાં ઉડીને માસ્ટર કેન પાસે આવ્યો. તે ગ્લાસને હાથમાં પકડીને માસ્ટર કેન શયનખંડની બારીએ જઈને બેસી ગયા. બહાર દૂર કેસ્ટલી ડ્રેગો રાજ્ય ઉપર ઉડતાં ડ્રેગને જોઈને ફરીથી માસ્ટર કેને મૌન તોડ્યું,

“તને શું લાગે છે તે ખરેખર આપણી મદદ કરશે? તે એક તરછોડાયેલી સંતાન છે એટલે તેનાં બંધા જ હકો ખારીશ કરવામાં આવે. રાજ્યના નિયમો ઉપર કોઈ જઈ શકતું નથી, ખુદ માસ્ટર ડ્રેગોનાઈટ પણ નહીં!”

“હા, માસ્ટર. નહીંતર આપણે જાદુંઈ વિદ્યાથી માસ્ટર ડ્રેગોનાઈટનો ફરીથી જીવંત ન કરી શકીએ, પરંતુ આવું કરવાથી જાદુંઈ નિયમો તુટે છે અને એની એટલી જ કિંમત ચૂકવવી પડે છે.”

“કિંમત નહીં પરંતુ જીવન ચૂકવવું પડે છે! એટલે તો માસ્ટર ડ્રેગોનાઈટે પોતાનો જીમ કુરબાન કર્યો.” ફરીથી માસ્ટર કેન શાંત થઈ ગયા. દરવાજા પાસે ઊભેલા માર્કે હવામાં ઉડીને જ માસ્ટર કેનની બાજુમાં આવીને બેસી ગયા. તેમણે પણ બારી બહાર હવામાં ઉડતાં ડ્રેગન ઉપર નજર કરી.

“મને આ માસ્ટર બ્યુરોકિંગ જાગી ગયા છે અને તેની મુર્દાઓની સેના આપણી તરફ આવી રહી છે, તેની જાણ મને સર દેવોસે અગાઉ જ કરી હતી, પરંતુ મેં ત્યારે તે વાતને ગાફલાઈમાં કાઢી.”

“માર્ક! હું તો હવે સો વર્ષનો વૃદ્ધ થયો છું. મારી પાસે હવે એટલી તાકાત નથી રહી કે આ રાજ્યને બચાવી શકું.”

“બસ તમે પરવાનગી આપો તો હું માસ્ટર ડ્રેગોનાઈટની તરછોડાયેલી સંતાનને શોધીને રાજ્યને બચાવવાની મદદ માગું તેની પાસે.” આટલું કહી માર્ક અટક્યો. આંખો નીચે થઈ કે ત્યાં એને ધીમાં અવાજે ફરીથી કહ્યું,

“નહીંતર આવનારા મોતની આફતથી કોઈ નહીં બચી શકે...”

ક્રમશ...

વાંચવામાં મજા આવી હોય તો યોગ્ય રેટિંગ સાથે આપનો કિંમતી પ્રતિભાવ જરૂરથી આપશો. આ રચના મેં ૨૦૨૦માં લખેલી હતી. આજે ડ્રાફ્ટ ચેક કરતો હતો ત્યાં નજરે ચડી એટલે થયું કે લગે હાથ પ્રકાશિત કરી જ દવ. એટલે પછી મગજમાં ખ્યાલ રહે કે આનો આગળનો ભાગ પણ લખવાનો છે. આળસું વ્યક્તિ રહ્યાને અમે એટલે. આવતા પ્રકરણમાં આ વાર્તાનો અંત આપી દઈશ... ત્યાં સુધી જયશ્રી કૃષ્ણ.


©ખુશાલ ડાભી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ