વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ટાસિઓગ્રાફી

ગ્રિમ/મૌત કા અપશકુન/ટાસિઓગ્રાફી - સ્પર્શ હાર્દિક

(Declaimer – we do not support or oppose any religion/occult practice mentioned below… બસ વાત પૂરી!!!)

કિતાબે બહોત સી પઢી હોગી તુમને મગર કોઈ દિવસ એંઠા કપ વાંચ્યા ખરા?!?! ઉપરોક્ત છબી ચા આરોગ્યા પછી આળશને કારણે પડ્યા રહેલ મગની અંદરનો ટોપ વ્યૂ છે. ભૂલથી કોઈ એમ ન માની લેશો કે અમે ટેલિસ્કોપની આંખે અવકાશવિહાર કરી નવતર પ્લૅનેટ શોધી લાવ્યા છૈયે, આ માઇક્રોસ્કોપ નીચે મૂકેલ માઇક્રોબનું વિવર્ધિત ચિત્ર પણ નથી. આઇજી પર સ્ક્રિન ચાટી અને ચાવી જવાનું મન થાય એવા સ્વાદિષ્ટ ભોજનની ‘જેપીજી’ મૂકવાના યુગમાં અમે એંઠા કપનો ફોટો મૂકી શા વાસ્તે ધારા તોડી, સાયબર-બહારવટે ચડ્યા છૈયે એવું કોઈ પૂછે એ પહેલા જણાવી દઉં કે એંઠો કપ જોઈ હમોને ટાસિઓગ્રાફી જેવો દૂર દેશાવરનો શબદ સ્મરણે ચડ્યો છે....

‘પોટર યુનિવર્સ’માં મહાલતા હેરી પોટર ફેનગણ માટે આ શબ્દ અજાણ્યો નહીં હોય. જેણે-જેણે હોગવોર્ટ્સમાં મિસ ટ્રિલોનીનાં લેક્ચર ભર્યા હોય એ ધ્યાન આપે! મિસ ટ્રિલોની જ્યોતિષ શાસ્ત્રની કક્ષામાં ચાના કપમાં વધેલી પત્તીઓની સંકેત-ભાષા વાંચીને આને વાલા કલ કહી આપે છે. હેં જી હેં... તમારા એંઠા કપના તળીએ તમારું ભવિષ્ય પડ્યું હોય છે! (જેને તમે બડી બેદરકારીથી સિંકમાં ટાઢા પાણીએ ધોઈ નાખો છે!)

આમ તો ટાસિઓગ્રાફી માટે કૉફિ વધારે ફેમસ કિંતુ, નજૂમો ચાની પત્તીઓ પણ ચાલાવી/તરાવી લે છે. ટાસિઓમેન્સિ કે ટિયોમેન્સિ પણ કહેવાતું આ ઑકલ્ટ શાસ્ત્ર, કોઈ હાયલેન્ડ શિઅર નામે ભેદીજને ‘Tea Cup Reading’ નામે કિતાબમાં સૂચવ્યા મુજબ ગ્રીક લોકોની પરંપરા પરથી પ્રેરિત છે. મારિયો પૂઝોનો પેલો ઇટેલ્યન મૂળનો ગોડફાધર ખરોને? એના માદરેવતન, સિસલી પ્રાંતના પૂરાણા ગ્રીક લોકાઓ અરજણે માછલી વિંધવાની હોય એવી એક રમત-રમતમાં આ ઑકલ્ટ વિદ્યાને જન્મ આપી ચૂકેલા. ગ્રીક લોકાઓની ઉજવણીઓમાં, કપ કે મોં વાટે ફૂંફાડો મારી ખુલ્લાં પાત્રમાં ફેંકેલા વાઇનની છાંટ અને ડાઘાઓ જોઈને નજૂમીઓ અમુક પ્રકારનું ભવિષ્ય વાંચી આપતા. કહે છે કે યુરોપ તો ‘ચા’ નામે ચમત્કારથી સત્તરમી સદી સુધી અંધારામાં હતું! પોર્ટુગીઝો ચાઇનામાંથી ચા લઈ આવેલા રે લોલ! (LOL!) વી, વિશાળ હિંદુસ્તાનનાં લોકો, જેની રગ-રગમાં આજે રક્તકણો-શ્વેતકણો-પ્લાઝમાં ભેગી ચા પણ દોડે છે એ તો ચાને રોજ-રોજનું પીણું ગણી પીતા થયેલા 1920ના દાયકામાં, બોલો!

બંને વિશ્વયુદ્ધોના વચગાળામાં જાગૃત થતી જતી સ્ત્રીઓ નાના-મોટા રોજગારો ખેડવા લાગેલી અને તેમાં એક હતું રેસ્ટોરાં ક્ષેત્ર. નાના, ઘરઘરાઉ રેસ્ટોરાં જ્યાં માદક પીણાને બદલે સાત્ત્વિક ચા-ફૉફિ અને હળવો નાસ્તો પીરસાતા. આવી જગ્યાઓ ટાસિઓગ્રાફી બોલે તો કપ રીડિંગ માટે ફેમસ થવા લાગી. રાજસ્થાન અને પડોશનાં સિંધ પ્રદેશની જે પ્રાચીન રખડું જાતિઓ વર્ણ-વ્યવસ્થાથી પીડાઈને આપણો મુલક છોડી યુરોપ તરફ ગમન કરી ગઈ હોવાનું કહેવાય છે, એ ‘રોમાની’ કે જિપ્સી સ્ત્રીઓ જાત-ભાતની ઑકલ્ટ વિદ્યામાં માહેર ગણાતી આવી છે.

રેસ્ટોરાંમાં સર્વ કરતી વેઇટ્રેસને જિપ્સી સ્ત્રી જેવો પોશાક પહેરાવી રમત અને આકર્ષણ માટે શરૂં થયેલું કપ રીડિંગ એ રીતે સામાન્યજનોમાં જાણીતું થવા લાગ્યું. હકિકતે રોમાની પ્રજાને ટાસિઓગ્રાફી સાથે ખાસ લેવા દેવા નથી. આનો વિકાસ મિડલ ઇસ્ટ દેશોમાં થયો હોવાની સંભાવના જોવાય છે, ‘ટાસિઓગ્રાફી’ના ‘tasse-’ શબ્દની વ્યુત્પત્તિ પણ અરેબિક શબ્દ ‘તાસા’માં. તાસા એટલે કપ કે વાટકી. ‘તાસા’નું સ્ત્રીલિંગ એટલે ‘તાસ’. અહીં ગુજરાતીમાં તાસ કહેવાતા મોટા થાળ યાદ કરાવવાની જરૂર ખરી?! ગુજરાતીમાં અરેબિક-ફારસી ભાષાનાં શબ્દોના સાંસ્કૃતિક વાટકી વહેવારને લીધે, દેખાતી ઘણી સામ્યતાઓને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણવા આવેલો એક ઇરાની છોકરો શરૂમાં તો એવું માની બેઠેલો કે ગુજરાતી ભાષા તેના દેશની પર્શિયન ભાષા પરથી ઉતરી આવી છે!

તો શું છે આ ટાસિઓગ્રાફી બોલે તો કપ રીડિંગ? બસ, નજૂમી તમને આપે એ પત્તીદાર ચા કે ભૂકીદાર કૉફિની ચૂસકી મજેથી માણો! તળીયાભર ચા-કૉફિ છોડી દઈ, કપને ક્લૉકવાઇઝ ઘૂમાવી રકાબીમાં વધેલું પ્રવાહી ઢાલવી દેવાનું. એ સૂકાઈ જાય એ પછી એના સંકેતો વાંચવાનું કામ નજૂમીનું.

વાંચીને ભારોભાર અંધશ્રદ્ગાળું લાગતી આ પ્રવૃતિ ઘણી વાર પશ્ચિમિ લોકાઓમાં સોશિઅલ ગેધરિંગનો પ્રસંગ બની રહે છે. દૂરદેશાવરના એ લોકાઓ મોટા સમુહમાં જમા થઈને એક સાથે ચા-કૉફિ માણે, હળવી વાતો, વિચારોનાં આદાન-પ્રદાન કરે અને રિલેક્સ થઈ જાય. ઓહાયો યુનિવર્સિટીનાં કલ્ચરલ અને મીડિયા સ્ટડીનાં પ્રોફેસર અકિલ હ્યુસ્ટને રેસિઝમના વિષય પર, ટાસિઓગ્રાફીને એક રૂપક તરીકે વાપરી નાનો શોધપત્ર લખ્યો છે. તે કાર્લ યુંગને ટાંકીને લખે છે કે, ‘કપ રીડિંગ 1830ના દશકમાં લોકોમાં પ્રચલિત થયું જે શરૂઆતમાં તો ટાઇમપાસની રમત હતી, પણ વિજ્ઞાનની નજરે માણસમનનાં રહસ્યો જેમ આગળ જતા છતા થવા લાગ્યા, તેમ આ પ્રવૃતિ સમય સાથે અણઘડ ભવિષ્યકથનો, જાદૂ-ટોણા જેવા બીજા ઑકલ્ટથી જૂદી પડવા લાગી.’ અકિલ આગળ ઉમેરે છે કે, ‘ટાસિઓગ્રાફી જાદૂ-ટોણું નથી પણ સંકેતો વાંચવા, ઓળખવા પર ધ્યાન ધરીને અવચેતનને અડવાનો વિષય છે.’

કપ રીડિંગની પેટા શાખાઓમાં ટર્કિશ કૉફિ રીડિંગ સૌથી વધારે ફેમસ છે. તુર્કભાષાની સુલેખિત લિપી દેખાવે ઘણી જ સુંદર હોય છે (ગૂગલ કરલો!) પણ એ ભાષાને ટર્કિશ કૉફિ રીડિંગ સાથે સંબંધ નથી. ખરેખર તો ટર્કિશ કૉફિ રીડિંગનાં સંકેતો અને એના અર્થની સૂચી એટલી સરળ છે કે કોઈ પણ ઇન્ટરનેટ પરથી સંકેતોનું લિસ્ટ જોઇને કપ રીડિંગનો પ્રયત્ન કરી શકે, જસ્ટ ફોર ફન હોં! જમણેરી વ્યક્તિનાં કપમાં સંકેતો જમણેથી ડાબે વાંચવા, ડાબેરી માટે ઉલટું.

ઉ.ત. જો સફરજનનું ચિહ્ન દેખાય તો સમજો કે ધંધો જામશે અને સમૃદ્ધિની રેલમછેલ, સર્જનાત્મકતા અને જ્ઞાન પાક્કા! જો સરફજન બકો ભરેલું દેખાય તો? (આમ તો સ્વીવ જોબને અહીં કંઈ લાગતું વળગતું નથી પણ એપલની સફળતા પછી ઘણાને બકો ભરેલા સફરજન દેખાઈ શકે!) તો તમારા ધ્યેયમાં અડચણો આવશે.

મિસ ટ્રિલોની હેરી પોટર’ની કથામાં હેરીના કપમાં ‘ગ્રિમ’(બિહામણું, ગમગીન) આકાર જૂએ છે જે મૃત્યુનું અપશુકન છે. હેરીના કપમાં દૈત્યાકાર, ભૂતિયો કૂતરો દેખાય છે. તમને કૂતરો દેખાય તો ડરશો નહીં, વાર્તા બહાર, ઇન રિએલિટી બધી જ વેબસાઇટ કૂતરાના સંકેતનો અર્થ આપે છે, ‘સાચી મિત્રતા’. વેબસાઇટ પર આવા સંકેતો અને અર્થની સૂચી મળી રહે છે પણ એમની ખરાઈ અંગે ઘણી શંકાઓ, એટલે રસ ધરાવતી પાર્ટીઓએ કોઈ આધારભૂત પુસ્તકની મદદ લેવી સલાહભર્યું.

અહીં સંકેતોનું અર્થઘટન વ્યક્તિની સમજ પર આધાર રાખે છે, કોઈને જે ચિહ્ન જૂતા જેવું દેખાય એ કોઈને હરણ લાગી શકે. એથી આગળ દરેક ઑકલ્ટ જેમ આમાં પણ અનુભવ અને અંત:સ્ફૂરણા ઘણી જરૂરી અને પ્રાથમિક આધાર. અર્થઘટનની રીતે આ શાખા પેચીદી ખરી. મિસ ટ્રિલોનીને જે કૂતરો દેખાય છે એ હેરીના મિત્ર સીમસને ઝીણી આંખે ગ્રિમ તો લાગે છે પણ ખુલ્લી આંખે ગધેડા જેવું દેખાય છે! હેરી અસમંજસમાં છે કે એને મરવાનું છે કે નહીં?! જો કે કપ રીડર કદી મોટી ભવિષ્યવાણીઓનો દાવો નથી કરતા, તેઓ તો ચેતવે છે કે કપ રીડિંગથી મળતી જાણકારીનો આધાર ક્યારેય પણ જીવનના મોટા નિર્ણયો માટે ન લેવો! સમજો કે આ તો ‘જસ્ટ ફન’ છે!

વૈજ્ઞાનિક રીતે ટાસિઓગ્રાફી સાઇકૉલોજી સાથે અમુક રીતે જોડાણ ધરાવે છે. સાઇકૉલોજી અભ્યાસમાં વપરાતી, શાહીના ડાઘાઓમાં આકારો જોવાની કસોટી સાથે ટાસિઓગ્રાફી મેળ ખાય છે. (બચપણમાં વાદળોમાં આકાર જોવાનું સ્મરે છે?!) ‘રોશાક ટેસ્ટ’ કહેવાતી આ કસોટી માણસની શાહીમાં ચિહ્નો જોવાની ક્ષમતાને આધારે તેના વ્યક્તિત્વ અને વિચારસરણીનો ક્યાસ કાઢે છે. કસોટીનો આધાર એ તથ્ય પર છે કે માણસ તેના અવચેતનમાં ધરબાયેલા રહસ્યોને આવા શાહીના ડાઘ જેવા સ્ટિમ્યૂલેશન પર રોપી દે છે, જે રીતે બાળક તેના મનની કલ્પનાઓ વાદળોને પહેરાવી તેમા ન હોય એવા આકારો જોવા લાગે.

ભલે વિદેશી લાગે પણ સોચો દયા સોચો કે, ચાના રસિયા એવા ભારતમાં આ ઑકલ્ટ ભલે જસ્ટ ફન તો જસ્ટ ફન ખાતર, પ્રવેશે તો? એંઠા ચાના કપ કે રકાબી લેવા આવતા આધેડ કાકા એમાં કંઈ વાંચીને તમને સમાચાર આપે, ‘સાહેબ, તમારે ત્યાં ઘોડિયું બંધાશે.’ તમે ત્યારે કદાચ એમ કહી દો કે, હું આમા માનું-બાનું નહીં હો! ત્યારે કાકા ગર્વથી બોલેે, ‘સાહેબ પંદર વર્ષથી કપ-રકાબી વાંચુ છું, મારો હરફેય ખોટો પડે તો કિટલી મેલી ગામડે વયો જઈશ...’

ઉપર Declaimer મૂક્યું છે પણ કોઈ સવારે ઉઠીને રાતના એંઠા કપ પર ધ્યાન જાય તો ગમ્મત ખાતર એના સંકેતો ઉકેલવાની સાઇકૉલોજીકલ કસરત કરવા જેવી ખરી કે નહીં?!

લખ્યા તારીખ - Nov 25, 2017 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ