વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દુર્ગા

   મેઘલાએ સર્વનાશનું તાંડવ કરવા માંડ્યું .કડડડ્ કરતી વીજળી પડી. ક્ષિતિજ ક્ષણભર લાલ રંગથી રંગાઈ ગયું .એક સફેદ  ચળકતો તેજમય લિસોટો ,જાણે બધું જ બાળી નાખવા સમર્થ હોય તેમ ડાંગની ધરતી પર તૂટી પડ્યો.

બહુ ભયાનક વાવાઝોડું!

  આવું જ ભયાનક વાવાઝોડું તેના હૃદયમાં પણ હતું. આવા વરસાદમાં, મેઘલી રાતે ,જંગલમાં તે એકલી દોડતી હતી. જીવ બચાવવા.

   પણ આખરે તે કેટલું દોડે? તેને ઠેસ વાગી અને નીચે પડી .તેણે ચીસ પાડી.." બચાવો.. બચાવો. "

   આવી ભયાનક મેઘલી રાતમાં તેની ચીસ વીજળીના કડાકામાં ઓગળી ગઈ. તે ઉભી થવા ગઈ. પણ ત્યાં સુધીમાં તો સફેદ વસ્ત્ર પહેરેલો પુરુષ... ત્યાં આવી પહોંચ્યો. વાસના ભરેલી આંખે!

"નરાધમ ..છોડ મને!" કહેતા તેણે કાદવ,તે  પુરુષના મોઢા પર ફેંક્યો. તેના હાથમાં એક મોટો પથ્થર આવ્યો અને પથ્થરના ઘા તે પુરુષ પર ઝીંકવા માંડ્યા.

"લે.. મૂવા લેતો જા.. મા (હું)મરી જાવહ.. પણ તુમી.." કહેતા તેણે ફરી પથ્થરનો ઘા માથામાં ઝીંક્યો.

એક તરફડાટ અને તે મૃત્યુ પામ્યો.

  મેઘલો વધુ જોરથી વરસવા માંડયો. લાશમાંથી નીકળતા લોહીએ, પાણી સાથે વહેતા વહેતા લોહીનું સરોવર બનાવી દીધું.

તે અવાચક બનીને બેસી રહી. આખી રાત  રડતી રહી.

   સવારે તોફાન શાંત થયું. પણ લોહીના સરોવરે વાતને વહેતી કરી દીધી.

ઇન્સ્પેક્ટર સમરથ આવી પહોંચ્યા.

લાશ અને લાશ પાસે બેઠેલી  માસુમ છોકરીને જોઈ ઘણું બધું સમજી ગયા.

લાશ પાસે બેઠેલી  છોકરીને તેમણે પહેલો પ્રશ્ન કર્યો." તું ભાગી કેમ નહીં ગઈ?"

"પાપ  કરયુહ તો હજા ભોગવવી પડહે જ!"

"કયુ પાપ?"

   લાશ સામે આંગળી ચીંધીને છોકરી બોલી." ડાવરને (દાદાને)મારી નાખહનુ"

  "પણ તે તો તારી ઈજ્જત બચાવવા માટે પાપ કર્યું."

"પાપ ઈ પાપ ! ગમે ઈ હોય. અહીં છૂટહ પણ ઉપર?"

"કોણ છે તું ?શું નામ છે?"

"ધંધાનું કહઅ તો રાણી  અને આઇસે(મા) દીધુહ દુર્ગા."

"દુર્ગા!" ઇસ્પેક્ટર સમરથે નામ ફરી ઉચ્ચાર્યું અને છોકરીનું નિરીક્ષણ કરવા માંડ્યું.

ઘઉંવર્ણો દેહ, ઝીણી આંખો, સુંદર નાક નકશો,આછા સોનેરી વાળ, તેર-ચૌદ વર્ષની વય એટલે કે સગીર છોકરી! આટલી નાની ઉંમરમાં વેશ્યા! તેમનો અંતરાત્મા કકળી ઉઠ્યો. અહીં આદિવાસી વિસ્તારમાં દેહવિક્રયના કિસ્સા વધ્યા હતા. પણ આ રીતે ? આટલી નાની છોકરી.. વેશ્યા!

ટોળું જમા થવા માંડ્યું.

પોલીસની બધી વિધી પતાવી, દુર્ગાને પોલીસ સ્ટેશન લઇ ગયા. તેને થોડા ચા અને બિસ્કીટ આપ્યા.

"માંડીને વાત કર." હેડ કોન્સ્ટેબલ આરતી દુર્ગાને માથે હાથ ફેરવતી બોલી. પણ અટકી ગઈ. લોહીવાળા કપડાંની સાથે સાથે તેની છાતીમાંથી વહેતી દુગ્ધધારાએ પાલવ ભીનો કરવા માંડ્યો.

"તારું બાળક ક્યાં છે?" અનાયાસે હેડ કોન્સ્ટેબલ આરતીથી પ્રશ્ન પુછાઈ ગયો.

   અત્યાર સુધી મક્કમ રહી, મુશ્કેલીનો સામનો કરતી દુર્ગા રડી પડી .ચોધાર આંસુએ, છાતી કૂટી આક્રંદ કરવા લાગી.
"માંડીને વાત કર." હેડ કોન્સ્ટેબલ આરતીએ ફરી માથે હાથ ફેરવીને  પૂછ્યું.

  "   હું માલેગાંવની. ઘરમાં માં ,બાપ, ભાઈ અને ત્રણ બહેન. અમે ગરીબ. ખુબ ગરીબ! ઘરમાં ખાવાનાય હાંહા! માં બાપ મજૂરીએ જાય. ભાઈ ભણવા પણ જાય અને મજૂરી કરે.ત્રણ બહેનોમાંથી હું  હૌવથી વધુ રૂપાળી અને હાત ચોપડી ભણેલી. અમે ઘરે બેહી વાંહના હૂપડાં,ટોપલા  બનાવીએ.
એક દાડો માએ હાટમા નાગલી હારૂ મોકલી. વેપારીએ અંદર બોલાવી અને તેનો હાથ..!
મને ઘૃણા થઈ આવી. તેના હાથમાં જાણે,  હો.. હો..વિંછડા હતા. મને ડંખતા હતા.
પછી તેણે 10 ની નોટ આપી અને નાગલી આપી.
મેં દોટ મૂકી.
10 ની નોટ કોઈ દાડો જોયલી ની.
ઘેર આવી.માં પાંહે આવી. નાગલી મૂકી અને મુઠ્ઠીમાં જોરથી  દબાવેલી, ચોળાયેલી 10ની નોટ મૂકી.
બાપો ખુશ થઈ ગયો. મા હો!
બહુ દાડે બધાએ માછલી ખાધી. મરઘી ખાધી. પણ કોઈએ પૂછ્યું નહીં 10ની નોટ આવી ક્યાંથી?
રાત્રે માને કીધુ .પણ એ તો બોલી ,"રોજ જજે." બાપ હો ખુશ. દારૂ લાવી, પી ને હૂઈ ગયો.
શરૂ થઈ  જિંદગી મારી. ઘૃણા ભરેલી. બદબું ભરેલી.
એક દાડો,  એક ડોહા હાથે લગન કરાવી, હજાર રૂપરડીમાં મા-બાપે વેચી કાઢી.
મૂવો ડોહો! દાડે કામ કરાવે. રાત્રે ધંધો કરાવે.
હું બે જીવવાળી થઈ, તો ય મૂવો ધંધો કરાવે.
  થોડા દાડા પહેલા પેટમાં બહુ દુઃખ્યું. દાયણ આવી. મારા પોયરાનો રડવાનો અવાજ આવ્યો. પણ પછી હુ થ્યું! તે ખબર ની પડી. હું બેભાન થઈ ગઈતી.
હવારે જોઉં ,તો  પોયરો ની મળે. મેં પૂછ્યું તો મૂવો કે"વેચી લાયખું."
  બહુ રડી. હૈયાફાટ રડી. માથુ ભમભમ ભમવા લાયગું.હાલ્લાને મારવા માયડું.લાકડીના ઘા ઝિંકવા માંયડા.માથે,તેના આખા શરીરે. પછી મૂવો મરી ગીયો.

   મી શ્વાસ હેઠે મુક્યો.પણ ડોહાના માણહો..ગુંડાઓ મીને મારીમારીને ,ઢહડીને લઈ જવા લાયગા.હું ભાગી. હંતાતી,ગભરાતી,માંડ માંડ ભાગી. જંગલમાં હંતાઈ.દાદા પાહે  રડતી રડતી આહરો લેવા ગઈ.આહરો મળ્યો હો ખરો!. દાદાએ એક એકાંતમાં ઓરડી આપી. દવા હો આપી. રોટલા હો આપીયા.પણ મૂવો મેઘલો વરહ્યો અને દાદામાં ભૂત આયવું.લાલ લાલ આંખમાંથી નીતરતી વાહના મી ઓળખી ગઈ .દોટ મૂકી જંગલમાં!વનદેવીને આહરે..
પણ એક વાત કહું."બધાં પુરુહો હરખા. વેશ્યા પાહે આવતાં જ,કપડાંની હાથેહાથે ધરમ હો ઉતારી કાઢે.પછી તે હફેદ હોય કે કાળો.કેહરી હોય કે લીલો..! પછી..."

  "બસ બસ! રહેવા દે. આગળ નહીં બોલ." હેડ કોન્સ્ટેબલ આરતીની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી. કાળજું કપાઈ ગયું.

  કઠણ હૃદયના ઇન્સ્પેક્ટર સમરથ આ આવડી નાની અમથી છોકરીની સીધીસાદી ભાષામાં કહેલી કથની સાંભળતા રડી ઉઠ્યા. માત્ર તેર વરસની ઉંમરે દુનિયાના બધા દુ:ખો તેણે અનુભવી લીધા!

તે વિચારવા લાગ્યા..

    વાંક કોનો?

   "તેના મા-બાપનો જ. કે જેણે આટલી નાની ઉંમરમાં દિકરીને વેચી દીધી ."હેડ કોન્સ્ટેબલ આરતી બોલી ઉઠ્યા.

   "તેના પતિનો નહીં? તેણે તેને રક્ષણ આપવાને બદલે તેની પાસે 'ધંધો ' કરાવ્યો. પોતાનું બાળક વેચી કાઢ્યું.જઘન્ય અપરાધ! એક માને પોતાના બાળકનું મોઢું પણ જોવા નહીં દીધું!" શું બાળક એ કોઈ વેચવાની વસ્તુ છે?" કઠણ કાળજાના, બહાદુર ઇન્સ્પેક્ટર સમરથ ભાંગી પડ્યા, આ નાની અમથી છોકરીનું દુઃખ જોઈને!

"આવડી નાની અમથી છોકરીએ બબ્બે ખૂન કર્યા. શા માટે કર્યા? કેમ કર્યા ?એ તો આપણે જાણી લીધું. પણ હવે?"
સમાજ,કાનૂન શું ન્યાય આપશે?આવી નાની અમથી નિર્દોષ છોકરીને સજા આપશે? કે પછી ખરા ગુનેગારને પકડી તેને સજા આપશે?"

  "સાહેબ.. ખરા ગુનેગારોને તો એણે  મારી જ નાંખ્યા છે. તેના ધણીનું ખૂન અને તેની પાછળ, તેની ઈજ્જત લેવા પડેલા પુરુષ ખૂન તેણે કરી જ નાખ્યું છે." હેડ કોન્સ્ટેબલ આરતી બોલી ઉઠી.

"શું આમાં સમાજનો કોઈ ફાળો નથી? સમાજ ધારે તો આ બંધ કરાવી શકે. સાચા ગુનેગારોને પકડવી  શકે. પોતાની બહેન ,દીકરીઓને બચાવવા સમાજના નાગરિકે જાતે જ જાગૃત થવું પડે. "ઇન્સ્પેક્ટર સમરથ  પોતાની નાની દીકરીને યાદ કરતા બોલી ઉઠ્યા.

ઘણા બધા વણઉકેલ્યા પ્રશ્નો હતા. કેસ હવે લાંબો ચાલે તેમ હતો. પણ તે પહેલા ઇન્સ્પેક્ટર સમરથ અને હેડ કોન્સ્ટેબલ આરતી, દુર્ગાને તેનું  બાળક શોધી આપવાની તૈયારી કરવા લાગ્યા

પણ આ બધાની સામે, બાળક વગર આક્રંદ કરતી દુર્ગા, હારી-થાકીને જેલમાં શાંતિથી ,સલામતીથી નિદ્રા માણી રહી હતી.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ