વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આંગળિયાત



  1956 માં જોસેફ મેકવાને લખવાનું શરુ કરેલું. ત્યારબાદ 1964માં  તેમની એક વાર્તાનો અસ્વિકાર થયો અને તેમણે એમ કહીને લખવાનું છોડી દીઘું કે, "મારે જે લખવું છે એ સ્વીકારાશે નહિ અને જે સ્વીકારાય છે એ મારે લખવું નથી" .

એના બે દાયકા પછી 1986માં  એમની પહેલી નવલકથા આવી અને એ "આંગળિયાત". આ કૃતિએ એમને નામ અને દામ બન્ને અપાવ્યા. શ્રી ઉમાશંકર જોશી એમની કૃતિ વિશે લખે છે, " ખલીલ જિબ્રાન કહેતા કે મેં પ્રોફેટ (પયગંબર) નથી લખ્યું પણ પયગંબરે મને લખ્યો છે, એમ જ ' આંગળિયાત'ને તમે ઉજાગર નથી કરતાં પણ 'આંગળિયાત' તમને ઉજાગર કરે છે." ધવલ મહેતાએ આ નવલકથાને 'સોરઠ તારા વહેતા પાણી' (ઝવેરચંદ મેઘાણી), ' માનવીની ભવાઈ' (પન્નાલાલ પટેલ) , અને 'કથાત્રયી' (રઘુવીર ચૌધરી) પછીનું  "ચોથું મોજું " કહી નવાજી છે.


    જોસેફ મેકવાન દ્વારા 1986માં લખાયેલ 'આંગળિયાત' એ દાયકાની તો ખરી જ પણ અત્યારના સમયની પણ નોંધપાત્ર નવલકથા છે. લેખકે પોતે જણાવ્યું છે કે માત્ર અડસઠ દિવસમાં આ નવલકથા પૂરી કરેલી, એ પણ કોઈ જાતના રીરીડિંગ વગર.


    આશરે આઝાદી પહેલાંનો દશકો અને એ પછીના દોઢ-બે દાયકાને ઝીલતી આ કથા સામાજિક રીતે પછાત વર્ગ પ્રત્યે, સંપન્ન વર્ગોના દ્વેષપૂર્ણ વ્યવહારનો ચિતાર છે.  આ કથામાં મધ્ય ગુજરાત કે ચરોતરી પ્રદેશના ઉપેક્ષિત અને પીડિત વર્ગના જીવન સંઘર્ષની ગાથા આલેખાઈ છે. વાર્તાનો સમયગાળો એવો છે કે આઝાદી દેશના ડેલેથી દેખાઈ રહી છે, સ્વરાજ આવવાની તૈયારી છે અને એવાં સમયે પણ આ પ્રજા કોઈને કોઈ રીતે પોતાનાં જ લોકોની ગુલામી ભોગવે છે. ગામના છેવાડે રહેતો એક સાવ પછાત વર્ગ, ગામના કચરા કૂડા સાફ કરવા અને ઉજળિયાત વર્ગનો એંઠવાડ ઉપાડવા જ બન્યો છે એ માન્યતા વચ્ચે વાર્તાનો નાયક હાથે પછેડીઓ વણીને વેચે છે, અને સ્વમાનભેર જીવન જીવવા ઈચ્છે છે. એ બાબત સંપન્ન વર્ગની આંખમા ખૂંચે છે. વાર્તાનો નાયક ટિહો આ શોષિત સમાજનું પ્રતિનધિત્વ કરે છે. તે સ્વમાની તો છે જ સાથે બહાદુર પણ એટલો જ છે. અન્ય જ્ઞાતિ દ્વારા થતો અત્યાચાર તે જરાય સાંખતો નથી. તેના સઘળા કામમાં ખભેથી ખભો મેળવનાર વાલજી પણ ટિહાનો જાણે પડછાયો છે. જાણે એક જીવ બે ખોળિયા. બંને સાથે જ કામ કરે અને સાથે જ માલ વેચવા જાય.


      એક દિવસ બન્ને ભાઈબંધ બાજુના ગામ શીલાપર ગામમાં પોતાનાં હાથવણાટની ચાદર, પછેડી વગેરે વેચવા ગયા. ત્યાં ભરબજારે કોઈકે વણકરની તરુણીના માથાની હેલ ફોડી નાખી. કહેવાતી ઊંચી કોમના એક યુવાન દ્વારા એ ભીંજાયેલી યુવતીની ઠઠ્ઠા મશ્કરી થવા લાગી. આ જોઈ ટીહાનું લોહી ઉકળી ગયું. એણે સામેના યુવાનને પડકાર્યો એટલું જ નહિ એને સારી પેઠે પાઠ પણ ભણાવ્યો. પારકા ગામનો અને એ ય પાછો એક વણકર ભરબજારે આપણાં યુવાનને મારી જાય એ કેમ સાંખી લેવાય, એ વિચારે એ આખુ ગામ એના લોહીનું તરસ્યું થાય છે. ત્યાંથી શરુ થાય છે આ કથા. જે મેઠી( ટિહાને ગમતી યુવતી) માટે તે શીલાપર ગયો હતો એ ગામ સાથે જ તે વેર બાંધીને આવ્યો. એ ઝઘડાના છાંટા એના ગામમાં પણ ઊડ્યા. કેટલાંય સમયથી તાકી રહેલાં ગામના લોકો ટિહાને ભીડમાં લેવા તલપાપડ બની ગયા. શીલાપર ગામમાં ટિહા માથે જીવનું જોખમ હોવાથી તેનો જીગરજાન ભાઈબંધ વાલજી અને તેનો ભાઈ દાનજી મેઠીને તેડી લાવવાની યોજના ઘડે છે, પણ એ જ વખતે ટિહા માથે ખાર ખાઈ બેઠેલા તેના જ ગામના રણછોડ ડેલાવાળાને પણ વેર વાળવાનો લાગ મળે છે. પરિણામે એમની બાજી ઊંધી પડે છે. કોઈ પણ રીતે મેઠીને એમના હાથમાં ન આવવા દેવી અને એના બાળ પરણેતર ચૂંથીયાના ગામ પહોંચાડી દેવાના કાવતરા ઘડાય છે. ત્યાંથી શરુ થાય છે ટિહા અને મેઠીની પ્રેમકથા. ક્યાંક એમને મેળવવાની તજવીજ તો ક્યાંક એમને નોખા પાડવાની તજવીજ. 

   

    પ્રેમની પરાકાષ્ઠા હોવા છતાં આ માત્ર પ્રેમકથા નથી. આ કથા છે બે જાતિના અથડામણની, દેશમાં જ પોતાનાં લોકો દ્વારા થતાં શોષણની, અંદરો અંદરના વિખવાદની, રાજકારણની મેલી રમતોની, કાયદાની આંટીઘાંટીએ અટવાતા નબળા લોકોની, ઉજળિયાત વર્ગની ગેરવાજબી વર્તણૂકની..! ટિહા મેઠીની પ્રેમકથા દ્વારા, ટિહા વાલજીની ભાઈબંધી દ્વારા, વાલજી કંકુના અનોખા દાંપત્યજીવન દ્વારા, ભવાન કાકાના મર્માળુ બોલ દ્વારા લેખક એક ઉપેક્ષિત સમાજના ઘાવ ઉઘાડા કરવા માંગે છે. સીમમાં/ કામે જતી બહેન દીકરીઓને રંજાડતી, સત્તાના જોરે આ કોમની પરેશાની વધારતી અને અંદરોઅંદર લડાવી એમની એકતાને તોડતી ઉજળિયાત કોમના કાળા કરતૂતોને ખુલ્લાં પાડવા માંગે છે. એ સિવાય કુટુંબ સમાજ અને જ્ઞાતિના પોતાના અનેકવિધ પ્રશ્નોને પણ લેખક લોકો સમક્ષ મૂકવા માંગે છે.  જ્ઞાતિવાદના ઝેરને વર્ણવતી હોવા છતાં આ કથા જ્ઞાતિવાદનું ઝેર ફેલાવતી નહિ પણ ઝેરનું મારણ કરતી કથા છે. મિત્રતાની મોંઘેરી મોલાતની કથા છે, સગપણના સોનેરી સૂત્રોની કથા છે .


     ભાષા વિષે કહું તો આખી કથા ચરોતરી બોલીમાં લખાઈ છે. ઘણાં શબ્દો સમજવા અઘરા પડે છે પણ જેમ જેમ વાંચતાં જઈએ એમ સમજાવા લાગે છે. ભાષા વિશે નોંધનીય બાબત એ પણ છે કે આખી વાર્તામાં પાત્રો તો ગ્રામ્ય બોલી બોલે જ છે, પણ લેખકનું વર્ણન પણ ગ્રામ્ય બોલીથી ભરેલું છે.  એથી પાત્રો અને લેખક વાર્તા અને વર્ણન જાણે એકમેકમાં ભળી ગયા છે. પન્નાલાલ પટેલ અને મેઘાણીજી પછી કોઈએ તળપદી ભાષાનું આવું ખેડાણ ખેડ્યું છે અને સફળ પણ થયું છે. ચરોતરી ભાષામાં લખાયેલ આ નોવેલના સંવાદો પણ એટલાં જ ચોટડૂક છે. કોઈ એક હોય તો હું લખું પણ ડગલે ને પગલે લેખક પોતાના ભાષા પ્રભુત્વથી અવાચક કરી દે છે . કહેવતો બહુ જ સહજ રીતે પાત્રોની વાતોમાં ભળી જાય છે. તેમ છતાં ટીકાકારોએ વાર્તાના વર્ણનમાં પણ તળપદા શબ્દો પ્રયોજવાથી લેખકની ટીકા કરી છે, અને તેને નવલકથાનું નબળું પાસું પણ ગણાવ્યું છે. પરંતુ મને તો એની ભાષાએ જ સૌથી વધુ આકર્ષી અને લેખકની સંવાદકળા પણ એટલી જ ગમી.

   પાત્રાલેખન વિશે કહું તો વાર્તાના પાત્રો મોટેભાગે અસલ જીવનના પાત્રો છે, એથી એમના પાત્રમાં સમયાનુસાર પીઢતા આવે છે પણ આકસ્મિક પરિવર્તન નથી થતું. રણછોડ, રમલો, મેઘજી , નાનજી વગેરેમાં કોઈ સકારાત્મક પરિવર્તન આવતું નથી. મેઠીનો પતિ ચૂંથીયો મરે ત્યાં સુધી એના કુલક્ષણો સાથે જ જીવે છે, અને વાલી વાલી જ રહે છે. ક્ષણિક વૈરાગની જેમ ક્ષણિક સુધારો આવે પણ આખર સ્વભાવ બતાવ્યા વગર ન રહે. સામે પક્ષે ટીહો, વાલજી, દાનજી, કંકુ, મેઠી, માસ્તર, ભવાનકાકા અંત સુધી પોતાના સ્વભાવ મૂજબ જ વર્તે છે.લેખક પોતાનાં પાત્રો વિશે લખે છે કે, "આ કથામાં ચરિત્રોની ગતિ એમની પોતિકી સ્વભાવગત વિકાસ યાત્રા છે.  પોતાના ઉછેર પ્રમાણે જ એ વર્ત્યાં છે, જીવ્યાં છે, ઝૂઝ્યાં છે, અને ના જ ચાલ્યું ત્યારે નમી ગયા છે."


     અંત તરફ જતાં વાર્તા થોડી ઝડપથી ચાલે છે. પરિણામે ગોકળ જેવુ સબળ પાત્ર ખૂલવું જોઈએ એ ખૂલ્યું નથી. એના મનોભાવ તો જણાય છે પણ એનું ઊંડાણ ઝીલાવું જોઈએ એવું ઝીલાયું નથી એ મને થોડું ખટક્યું. છતાં લેખકને જે કહેવું હતું એ તો એણે આખી વાર્તામાં કહી જ દીધું હતું એટલે કદાચ વાર્તાનું પોત ઝડપથી વાળી લીધું હશે. છતાં અંતે, ડેલાવાળાને મંત્રી થતો બતાવીને  રાજનીતિની ખટપટથી ભરેલા નવા નવા "સ્વરાજ"ના દર્શન કરાવવાનું પણ લેખક નથી ચૂક્યા.


    અંતે એટલું જ કહીશ કે આંગળિયાત પોતાની જ જાતની માણસ તરીકેની ઓળખાણ પામવા અને પોતાનાં અસ્તિત્વને સાબિત કરવા મથતા લોકોની કથા છે. દેશની આઝાદી સાથે પોતાની આઝાદી ઈચ્છતા લોકોની કથા છે. ચરોતરની પ્રજાની જિંદગીને લેખકે કાગળ પર કંડારી છે. એથી જ આ વાર્તા ઘટનાપ્રધાન કરતાં પાત્રપ્રધાન કથા વધુ લાગે છે અને એનાં પાત્રોના કારણે જ આ વાર્તા લોકોના મનમાં જીવતી રહેશે.


- Hetal Sadadiya

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ