વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રઘુનું રસીકરણ

રઘુનું રસીકરણ.


રઘુ એકવડીયા બાંધાનો તંદુરસ્ત જુવાન હતો.જીવનમાં ક્યારેય દવાખાનાનું પગથિયું ચડ્યું નહોતો.કોરોના તો જાણે એનાથી ડરતો હોય એમ રઘુની આસપાસ પણ ફરકયો નહોતો. રઘુ સવારમાં ડાંગ અને એના બકરાં લઈને સીમમાં જતો રહેતો.સફેદ ધોતિયા પર કેડે ચાંદીનો કંદોરો, મેના પોપટને મોરનું ભરતકામ કરેલું મેલુઘેલું વાદળી બાંડિયું કેડિયું અને માથે મેલો ફટકો બંધીને ટરરર...ટરરર...કરતો એ નીકળી પડતો.એનાં બકરાં અને ઘેટાં પણ એની આગળ પાછળ બેં...એં... બેં.. એં... કરતા સીમનો રસ્તો પકડતાં.રઘુની ઘરવાળી જીમી એને બાજરાનો બડો અને ડુંગળીનો દડો ફાળિયાના છેડે બાંધી આપતી.એ ફાળિયું રઘુના ટીફીનની ગરજ સારતું એને ખભે લટકી જતું.


 બપોરે એકાદ બકરીનો ટાંગો પકડીને રઘુ રોટલા અને કાંદાને બટકું ભરી, બકરીના આંચળ માંથી દૂધની શેડ મોઢામાં મારતો.

જમી રહ્યાં પછી કોઈ ખેડુની વાડીના ધોરીયામાં વાંકો વળીને ખોબે ખોબે પાણી પી લેતો.


  દિવસ આથમવા લાગે એટલે રઘુ ફરી ટરરર..ટરરર...કરતો એટલે ઘેટાં બકરાં ઘર તરફ ચાલવા લાગતાં. વાડામાં ઘેટાં બકરાં પુરીને ઓસરીમાં પડેલી ઢોરણીમાં બેસે એટલે જીમી પાણીનો લોટો લઈને આવતી. રઘુના ત્રણ છોકરાં બાપુ આયા...બાપુ આયા...કરતાં એના ખોળામાં ચડી બેસતાં. એકાદું ખભે ચડતું તો બીજું ખોળામાં બેસીને રઘુની મૂછો ખેંચતુ.ત્રીજું વળી પેલા બેમાંથી એકાદને ધક્કો મારીને ગાંગરતું.


  રઘુ પાણી પીતાં પીતાં જીમીને ત્રાંસી નજરે પીતો રહેતો.જીમી 'લ્યોને હવે..વાયડા થિયા વગર પી લ્યો ઝટ, અટલે સા મેલું.' કહી હસી પડતી.


  'હાસુ કવ ? મન તો આખો દન સીમમાં તું બવ હાંભરસ. માલ લયન ઝટ ઘીરે આવી જાવાનું મન થાયસ.'' રઘુ લોટો ખાલી કરીને જીમીને આપતાં બીજા હાથે જીમીનું કાંડુ પકડતો.


''હવ લાજો લાજો, આ તણ ભાંડયડા તો ઈમ હંભારી હંભારીને જ થય જ્યાસ. મારે હવ ચોથું નથ જણવું. આખો દાડો લોય પી જાયસ."કહીને જીમી મોઢું મચકોડતી.


"આમ મોઢું તરાંહું કરસ તાર ઈમ થાયસ ક તારા ગાલે બટકયું ભરી લેવું જોવે.જીમલી આંય બેહ તો ખરી ઘડીક મારી કને." રઘુ જીમીનો હાથ ખેંચતો.


''હં.. કં. .ન..હું આંય નય બેહવા દવ.. હં..કં.. ન...!" રઘુના પડખામાં બેઠેલું બચ્ચું ગાંગરતું.


''તમને તો કાંય ભાન જ નથ બળી.મારે ચેટલા કામ પયડા સે.હું કાંય નવરી નથ.." કહી જીમી હાથ છોડાવીને ભાગતી.


  રઘુ અને જીમીનો સુખી સંસાર આમ ધીમે ધીમે ગબડી રહેલા ગાડાની જેમ ચાલતો. પણ આજ જીમી થોડી ગંભીર હતી.


''ચ્યમ આજ મોઢા ઉપર્ય લાયટ ઉડી જય હોય ઈમ લાગસ ?કોયે કાંય કીધુંસ ?'' કહી રઘુએ ડાંગ ઉઠાવી.


"સેરમાં કેસેકે કોરો આયોસ. માણહ ટપોટપ મરી જાયસ. ચેટલાય મરી જયાસ.આપડા ગામના સામાકાકાનો છોકરો આજ પાસો થ્યોસ.કેસેકે ઈ કોરો હવ ગામડામાં આયો સ.સરકારે કેસેકે રશી ગોતી સે.હંધાયને ઈ રશી મુકવાના સે." જીમીએ રસોડાના બારણાં પાસે પહોંચીને કહ્યું.


"હેં...? ઈ વળી ચીમ ? એવો કોરો ફોરો આપડી અડતો નો આવે.તું તારે સા મુકય. ઈતો શેરમાં રેતા હોય ઈનજ આવે.આપડે તો માલ ઢોર સારનારા કેવાવી.કોરોય હમજે કે આંય કાંય કાંદો નીકળે ઈમ નથ.'' કહી રઘુ હસ્યો.


"એવો ફાંકો નો રાખવો.કોરો કાંય તમારી માસીનો સોરો નથ તે તમાર્થી આઘો રે.ઈ તો રોગસાળો કે'વાય.હંધાય રશી મુકાવાના સે.આપડે'ય મેલાવી દેવાની સે.."


"હું તને ઘહીંન કય દવસું. હું એવી રશી ફશી નહિ મેલાવું.બાવળના હુળાની મન બીક નથ પણ દાગતરના ઈંજીસનની મન બવ બીક લાગસ.હું તો સીમમાં જ રશ. ગામમાં તો આવવું જ નથ.તું કાલ્ય સોરાવને લયન મારી હાર્યે જ વય આવજે.આપડે આખો દાડો સીમમાં જ રેશું.એવું લાગે તો સીમમાં જ ચ્યાંક ઝૂંપડું બાંધી લેશું અટલે કોરાને આપડે જડવી જ નઈ. મારે તો ઇંજીસન લેવું જ નથી ઈ તને કય દવસુ.." કહી રઘુ ઉદાસ થઈ ગયો.


"બયરા સોકરાને સીમમાં કોય રખડાવે સે ? હંધાય રશી મેલાવવાના સે.હું કાંય સીમમાં ભાટકવા નય આવું.રશી તો તમારે લેવાની જ સે.કીડી સટકો ભરે એવુ લાગે.કેસે કે ખબર્યય નય પડે ઈમ ઈંજીસન મેલી દે સે."કહી જીમીએ ચૂલો સળગાવ્યો.


 રઘુના મનમાં ઈન્જેક્શનની બીક પેસી ગઈ.થોડીવારે જીમીએ બનાવેલી ચામાં એને કોઈ સ્વાદ આવ્યો નહિ.એને તો બસ 'ઈંજીસન' ભરેલી નર્સ એના બાવડાં પર ભીનું પોતું ફેરવતી દેખાઈ રહી હતી.


   રઘુ ઉઠીને વાડાની બહાર ગયો.એના ભાઈબંધ તોગો અને ભુરો એનો માલ ઝોકમાં પુરીને શેરીમાં ખાટલા નાખીને બેઠાં બેઠાં બીડીઓ પીતા હતા.રઘુ ઉતાવળે જઈને તોગા પાસે બેઠો.


"હેં તોગા, કેસે કે કોરાની રશી કોકે ગોતી સે.મેં ઈવું હાંભળ્યુ સે કે હંધાયને ઈ રશી મેલવાના સે." રઘુ, તોગો પણ પોતાની જેમ રશીનો વિરોધ કરશે એવી આશાએ એને તાકી રહ્યો.


"હાં.. ઈતો મેલવી જ પડેને.પેલા સિતળાની રશી મેલતા નોતા ? કાંક વાયસર જેવું હોય ઈ મરી જાય અટલે રોગસાળો વકરે નઈ.

વિગનાનીકું હોય ઈ આવી રશીયું ગોતી કાઢે હો.મારા બેટા ભારે જબરા." તોગાએ બીડીનો કશ ખેંચતા કહ્યું.


''પણ આપડે તો ભૂંડા આખો દી માલ ઢોર લયન સીમમાં રખડતા હોવી.નયાં ચ્યાં કોરો આપડી વાંહે આવવાનો સે. આપડે નો લેવી તો હાલે..!" જે જવાબની આશા તોગા પાસેથી હતી એ જવાબ રઘુએ જ આપ્યો.


"ઈમ નો હોય અલ્યા, માણહા માતરને વાસરય સોટી જાય. તું થોડું ઘેટું બકરું સો તે નો રશી લે તો હાલે ? કોક કોરાવાળો ચ્યારેક અડી જ્યો હોય તો ઈ વાસરય આપડનેય સોટે. કેસે કે આ વાસરય બવ ભૂંડો સે.હાહ લેવા નો દે અટલે માણહ ડફ કરતોકને મરી જાય સે.શેરને ગામડામાં ચેટલાય મરી જ્યા.. અટલે જીવતું રે'વુ હોય તો રશી લેવી જ પડે.કાલ્ય આપડા ગામના સરકારી દવાખાને રશી મેલવાવાળા આવવાના સે. અટલે હું તો રશી મેલાવીને જ સીમમાં જાવાનો સુ." ભૂરાએ એનું જ્ઞાન રજૂ કરતાં કહ્યું.


રઘુ હવે મુંજાયો.મિત્રો પાસે રસીવિરોધી વિચારોની એની અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યું. એને રસી મુકાવવા સામે વાંધો નહોતો પણ એને ઈંજેકશનની બહુ બીક લાગતી હતી.


"તો આપડે તણય બયરાવને લયન કાલ જ પોગી જાવી.પસી ભલે કોરો આંટા મારે..ઈની બેંહને દવ આ સીનાઓને ભડાકે દેવાની જરૂર સે.નો હોય એવો રોગસાળો ફેલાવી રિયા સે." તોગાએ બીડીના ઠુંઠાને ખાટલાની ઈસ સાથે ઘસીને ચીનની દાઝ એ ઠુંઠા ઉપર ઉતારી.


  "ના ભઈ, તમે ભલે જીમ કેવું હોય ઈમ કિયો.પણ મારે તો રશી લેવી નથી.રશી મેલ્યા પસી અમુક અમુક મરી જ્યાસ.અટલે એવું જોખમ નો લેવાય.આપડે સીમમાં રેવું.હું તો કવસુ બયરા સોકરાનેય સીમમાં લય જવાય. રશી ફશી તો લેવાય જ નય." રઘુએ આખરે પોતાનો મત સ્પષ્ટ કરતા કહ્યું.


"અલ્યા બુધી સે કે બકરાં સરી જ્યાં સે ? સાનુંમાનું કાલ્ય તિયાર થઈ જાજે.અમારે તો મેલાવવાની જ સે અન તનેય મેલાવવાની સે. હું ને ભુરો તને પકડીન લય જાશું બાકી રશી તો લેવાની જ સે.સરકાર મફતમાં મેલી દે સે.ઈને આપડી ચેટલી ઉપાધિ સે,ને તું વળી ડાપણનો દીકરો થાશ ?" ભુરો ખિજાયો.


  ભૂરાની વાત સાંભળીને રઘુ ઉભો થઈ ઘર તરફ ચાલવા લાગ્યો.એટલે તોગો અને ભુરો હસી પડ્યાં, "રઘુડીયા, કાલ્ય તિયાર થઈ જાજે.હવારમાં નવ વાગ્યે અમી તન લેવા આવસું. ચ્યાંક ટીંગાટોળી કરીને નો લય જાવો પડે..!''


 રઘુ ઘેર આવી એ ઢોરણીમાં ફસડાઈ પડ્યો. દોસ્તો જ દુશ્મન થયા હતા.


"લ્યો હાલો વાળુ કરી લ્યો.મેં બકરાં દોય લીધા સે.ખયને હુઈ જાવ, કાલ્ય માલ લયને મોડું જાવાનું સે,રશી મુકાવવા જાવું સે ને ? કંકુડી અને રેસુડી હોતે આવવાની સે. તોગાભય, ભુરભાઈ ને આપડે.બધા હાર્યે હાર્યે મુકાવી દેવી." કહી જીમીએ ઓસરીમાં પાટલા ઉપર રોટલોને દૂધ મુકયાં 


  " મારે ખાવાનો બવ વિસાર નથી.તું ને સોરાવ ખાઈ લ્યો.મને ઊંઘ આવે સે" કહી રઘુ પડખું ફરી ગયો.


"રશીનું નામ પડ્યું તારથી તમને પેટમાં ગુંસળા વળવા માંડ્યા સ.પણ તમે ગમે એટલા ગોટો વળી જાસો તોય રશી તો મેલવાની જ સે હમજયા ? અટલે સાનામાના ગળસી લ્યો.ભૂખ્યા ઊંઘ નય આવે....કવસું !"


રઘુ પરાણે ઉભો થઈને જમવા બેઠો.પણ એને તો 'ઈંજીસન'ની સોય જ દેખાતી હતી.


  રાતે જીમીએ એના પડી ગયેલા મોં પર બકી ભરીને વ્હાલથી કહ્યું,

"મરદ જેવા મરદ થયન આમ તે સુ બીતા હયસો.જરીક કીડી સટકો ભરે એવું થાય.હવે સંત્યા કર્યા વના હુઈ જાવ સનામાના."


  પણ રઘુના મનમાં તો રસી મુકવાની વાત સાંભળી ત્યારથી કીડીઓ ચટકા ભરવા માંડી હતી. આંખ બંધ કરે કે તરત જ એક નર્સ હાથમાં સોય લઈને આવતી એને દેખાતી હતી...!


  વહેલી સવારે એ ઉઠ્યો.તોગો અને ભુરો એને બોલાવવા આવવાના હતા એ રઘુને યાદ આવ્યું.કાળો ધાબળો ઓઢીને બકરાંના ઝોકમાં જઈને બેઠેલા બકરાં વચ્ચે ગોઠણવાળીને બકરું બની ગયો.શરીર ઉપર પેલો ધાબળો ઓઢી લીધો જેથી તોગો ભુરો કે જીમી એને શોધી ન શકે.


  અજવાળું થયું એટલે જીમી ઉઠી.રઘુને ન જોતા એને ફાળ પડી.રસીની બીકે એ ક્યાંક જતો રહ્યો હશે એ એને સમજાઈ ગયું.

તરત એ તોગા અને ભૂરાને બોલાવી લાવી.


  "મારો વાલીડો ભારે બીકણ.તમે ઉપાધિ નો કરતા જીમીભાભી, ચ્યાંક સીમમાં જઈને હંતાણો હશે હમણે અમે ગોતી કાઢશું.હવે તો ઈને ઊંધો નાખીને રશી મેકાવવી જોશે.. હાલ્ય તોગા ઊગમણે જ જ્યો હોય !" 


 ભુરો અને તોગો ચાલતા થાય ત્યાં  ઝોકમાંથી રઘુ 'ઓય ઓય બાપલીયા....મરી જીયો રે..એ.. એ.." એમ રાડ પાડતો પાડતો દોડ્યો.


  ભુરો,તોગો અને જીમી હસી હસીને બેવડ વળી ગયા.વાત જાણે એમ બની હતી કે અજવાળું થતાં જ બકરીઓ વચ્ચે ધાબળો ઓઢીને ગોઠણે પડેલા રઘુને જોઈ,બધી જ બકરીઓનો એકલો સ્વામિનાથ બોકડો હરકતમાં આવ્યો હતો.


  અંધારાનો લાભ લઈ કોઈ જનાવર પોતાની રાણીઓની ઈજ્જત સાથે ખીલવાડ કરી રહ્યો હોવાનું જાણી એ બોકડો ગુસ્સે થઈને હુંતુંફુંહુંતુંતુંફૂં.. હુંતુંફું.. હુંતુંતુંફૂં...કરતો દોડ્યો હતો.એના માથે ઉગેલી મજબૂત શીંઘડી હવામાં વીંજતો બોકડો, ધાબળો ઓઢીને બકરીઓ જોડે બકરી બની ગયેલા માલિકને ઓળખી શક્યો નહિ.


   રઘુના પાછલાં પોચા પ્રદેશ પર અચાનક બોકડાએ શીંઘડી પ્રહાર કર્યો.એ સાથે જ રઘુનું મોઢું આગળ ઉભેલી બકરીઓએ તાજી જ કરેલી લિંડીઓમાં ઢસડાયું.રઘુ ઉભો થાય એ પહેલાં જ બકરીઓની ઈજ્જત બચાવવા તુલેલા બોકડાએ  હુંતુંફુંહુંતુંતુંફૂં...હુંતુંફુંહુંતુંતુંફૂં.....કરીને ફરિવાર રઘુના બે પગ વચ્ચે શીંઘડીઓ ભરાવીને માથું હવામાં ઉછાળ્યું.

  

  રઘુ ધાબળો ફગાવીને બેઉ હાથ પાછળ દબાવતો રાડ પાડી ઉઠ્યો.બોકડો માલિકને જોઈ વધુ ગુસ્સે ભરાયો હોય એમ પાછળ દોડયો, જાણે કહેતો ના હોય કે વાડ ઉઠીને ચિભડા ગળી જાવા છે તારે રઘુડા...ઉભો રેજે તારી જાતના હુંતુંફુંહુંતુંતુંકું... હુંતુંફુંહુંતુંતુંકું..."


  રઘુ ઝોકમાંથી બહાર નીકળ્યો એટલે તોગાએ ડાંગ ઊંચી કરીને બોકડાને પાછો તગેડી મુક્યો.રઘુ તોગાની ડાંગ આંચકીને બોકડાને મારવા ધસ્યો.પણ ભૂરાએ એને પકડી રાખ્યો.


"નયાં બકરીયું વસાળે તું ગોઠણીયા વાળી જ્યોતો અટલે બોકડો ઊંધું હમજ્યો લાગે સે..હાલ્ય હવે રશી મેલાવા જાવાનું સે"


"હું કાંય ઈ હાટુ બકરીયું વસાળે નોતો જ્યો.. હું તો ન્યા હંતાણો'તો.."રઘુએ ખુલાસો કરતા કહ્યું.


"પણ બોકડાને એવી ખબર્ય નો હોય ને ! શું તમેય પણ..બકરીયું વસાળે કોઈ હંતાય ?" જીમી હજી હસવું રોકી શકતી નહોતી.


  "હાલ્ય હવે શિરામણ કરી લે અટલે અમે તને લેવા આવહું. ભૂંડા હવે ચ્યાંય હંતાતો નય.રશી તો તારે લેવાની જ સે.''કહીને તોગો અને ભુરો એના ઘેર ગયા.


  જીમી હજી મોં આડો હાથ દઈને હસતી હતી.એ જોઈ રઘુ ખિજાયો, "હવે ચ્યારની દાંત શીના કાઢસ.તોગડાને ને ભુરિયાને બોલાવવાની શું જરૂર હતી.હું કાંય રશી નથી મેલાવવાનો..હાલ્ય ભાતું બાંધી દે,મારે માલ સારવા જાવું સે..!"


  ''બોકડાનેય ભેગો લય જાજો નકર ઈને વે'મ પડશે. સીમમાં તો કોણ બસાવશે બીસાડી બકરીયુંને.." કહી જીમી અંદરના ઓરડામાં ભાગી.રઘુ એને મારવા અંદર ધસ્યો.


   તોગા અને ભૂરાએ રઘુને ધમકી આપી કે 'જો તું રશી મુકાવવા નય આવ્ય તો અમે ગામમાં બધાને કેશુ કે તું રાતે બકરીયું ભેગો હુવા જ્યો'તો અટલે બોકડાએ તને ઈની શીંઘડિયું મારી...! તારી તો આબરૂ રેશે નય.બકરીવાળો રઘુ નામ પડી જાશે ઈની કરતાં હાલ્ય. અમે હાર્યે સી પસી શેની બીક સે તારે.."


  તોગાની ધમકીથી ડરીને માંડ માંડ તૈયાર થયેલો રઘુ દવાખાને તો આવ્યો.ડાઘીયો કૂતરો સામે ઉભેલો જોઈ કઈ બાજુથી ભાગવું એ વિચારતી ડરી ગયેલી બિલ્લી જેવી રઘુની દશા હતી.કોઈ એના ડરને સમજવા તૈયાર નહોતું.કેમ કરી છટકવું એના વિચાર કરવાનો હુકમ એણે મગજને આપ્યો.


મગજે ઉત્તપન કરેલા આઈડિયા મુજબ રઘુએ તોગાને કહ્યું,


"તોગા મને બવ લાગી સે,હું જીયાવું...!"


"એવા ખોટા બાના કાઢ્યમાં,આંય દવાખાનામાં જીયાવ."તોગાએ અરજી નામંજૂર કરી એટલે રઘુએ બીજું કારણ રજૂ કર્યું,


"મને જાજરૂમાં નઈ ઉતરે,બાર્ય જ જાવું પડશે..!"


  તોગો રઘુએ ઉભું કરેલું કારણ જાણી ગયો હતો.ગમે તેમ કરીને રઘુ છટકવા માંગતો હતો.પણ તોગો એનો જ ભાઈબંધ હતો.


  "તો હાલ્ય આંયથી હું બાટલો ભરી લવ..આનીકોરની સીમમાં ચ્યાંક વાડય વાંહે બેહી જાજે "

કહી તોગાએ પ્લાસ્ટિકનો બાટલો શોધવા માંડ્યો.


"પણ તું મને જાવા દે ને ભાય.હું હમણે પતાવીન આવતો રશ..!'' રઘુએ ગરીબડા અવાજે કહ્યું.


  "ના હો ઈમ કરીને ભાગી જાવું સે ઈમને, તોગાભય રેઢા તો મેલતા જ નય.." જીમીએ રઘુની પેરવી સાંભળીને દૂરથી કહ્યું. 


"તું મૂંગી મર્યને બાપા..મને હાચુંન લાગી સે." રઘુએ હાથ પાછળ લઈ જતા કહ્યું.


"તો હાલ્ય પેલા તારું કામ પતાવી આવવી.. હજી આંય તો વારો આવતા વાર લાગહે,જો આ બે લિટરનો થમસમનો બાટલોય જડી જ્યો..''


  કોલ્ડ્રીંકની જૂની અને ગંધાતી ગોબરી બોટલ તોગો ગામમાં વહેતી ગટરમાં આડી પાડીને ભરી લાવ્યો.એ જોઈને રઘુ બોલ્યો,


'રેવા દે તોગા હવે પસી વાત..."


   ''ના ના હો તોગાભય, ઈમને લય જ જાવ.નકામું ઈંજીસન દેશે ઈ વખતે બગાડી મેલશે તો મારે જ ધોવું પડશે હંધુય, તમે લય જ જાવ..દખણાદી દસ્યે કોકની વાડીમાં જીયાવો ભાયશાબ્ય.''


  'લે હાલ્ય આમાં બવ માન નો ખવાય. દાગતરું કેસે કે આને દબાવી રાખવું હારું નય." કહી તોગાએ રઘુનું બાવડું પકડ્યું.


 રઘુને ના છૂટકે હવે સંડાસ જવા જવું જ પડ્યું.એના મગજે રસીકેન્દ્ર પરથી છટકવા માટે ઉત્તપન કરેલો આઈડિયા તોગાએ ચાલવા દીધો નહિ.


  છગનકાકાની વાડી આથમણી દીશામાં સૌથી પહેલાં આવતી. ગામની સાવ નજીક આવેલી આ વાડીમાં કોઈ ને કોઈ કાયમ ઘુસી જતું અને શાકભજી, ચિભડાં કે બીજું ત્રીજું ઉપાડી જતું.એટલે છગનકાકાએ કંટાળીને વાડી ફરતે તાર બાંધીને વાડ કરેલી.થોડા દિવસો પહેલા જ એમનો કપાસ કોઈ ચોરી ગયેલું.એટલે એમણે સગરામ પગીને ચોકી કરવા નોકરીએ રાખેલો.સવાર પડી એટલે એ ચા પાણી પીવા એને ઘેર જતો રહેલો.


  તોગો અને રઘુ વાડીનો ઝાંપો ખોલીને અંદર ઘુસ્યા.રઘુને ગોબરા પાણીનો બાટલો પકડાવીને એને વાડીમાં ઉભેલા કપાસમાં હળવો થવા મોકલીને તોગો ઝાંપે ઉભો રહ્યોં.


  તોગો બીડી સળગાવીને રઘુની વાટ જોતો ઉભો હતો.ત્યાં એનો દોસ્ત રાજો રાજદૂત લઈને ત્યાંથી નીકળ્યો.તોગાને છગનકાકાની વાડીના ઝાંપે ઉભેલો જોઈ એણે રાજદૂત ઉભું રાખ્યુંને પૂછ્યું.


"ચીમ આંય ઉભો સો ? આ દશમાં તો તું માલ સારવા આવતો નથ.."

  

તોગાએ રઘુવાળી વાત કરી એટલે બેઉ ખખડી પડ્યા.પછી રાજાએ કહ્યું કે, "છગનકાકાએ ફરિયાદ કરી સે અટલે પોલીસ આવવાની સે.તું ઝટ વ્યો જા નકર સોરીનો આરોપ તારી ઉપર્ય આવહે."


 પોલીસનું નામ પડતા જ તોગો બીડી ઓલવીને 'રઘલો આવતો રે'શે હવે...'કહીને ચાલવા માંડ્યો.અને રાજાએ પણ રાજદૂતને કીક મારી.


 સગરામ પગી સાઈકલ લઈને તોગાને પાદરમાં સામો મળ્યો. એક હાથે એણે સાઈકલનું હેન્ડલ અને બીજા હાથે ખભે મૂકેલું ધારીયું પકડ્યું હતું.તોગાએ 'રઘુ હેમખેમ પાછો આવી જાય તો સારું' એવી પ્રાર્થના કરી.


  સગરામ પગી વાડીની ઝાંપામાં પ્રવેશ્યો ત્યારે જ રઘુ પેલો બાટલો ઢોળીને કપાસમાં ઉભો થયો. પગીએ કપાસ ચોરી જનારો ચોર રંગેહાથ પકડાયો એટલે વાડીના ભાગીયાઓને સાદ પાડ્યો.


  કુવા પરથી ચાર જણ દોડ્યા.રઘુ હજી તોગાને આપવાનું બીજું બહાનુ વિચારતો વિચારતો બહાર આવી રહ્યો હતો.ત્યાં જ એણે ચાર ભાગીયા અને સગરામ પગીને લાકડીઓ લઈને ઉભેલા જોયા.થોડીવાર પહેલા જે નહોતી લાગી એ હવે ખરેખર લાગી હોવાનું રઘુને અનુભવાયું.


"કાં અલ્યા રઘલા આવા ધંધા કરસ ? કપા વીણાવીને બારોબાર્ય વેસી મારસ..? ઢીબી નાખો હાળાને..!'' 


'અલ્યા ભઈ હું કાંય કપા વીણવા નોતો આયો..હું તો ડબલે જાવા આયોતો..ચ્યાં જ્યો તોગો..હુંને ઈ બેય આયાતા.."


"પણ ડબલું તો નથ..અને તોગોય નથ..તું નક્કી સોરી કરવા જ આયોતો.."કહીને સગરામેં રઘુનો કાંઠલો પકડ્યો.


એ જોઈ પેલા ચાર ભગિયાઓ રઘુને ઢીબવા માંડ્યા. રઘુનું કેડિયું ફાડી નાખ્યું અને વાદળી ધોતિયું પણ ખેંચી લીધું ભારે સોટાવાળી કરીને ચાલી શકે એવો પણ રહેવા ન દીધો.રઘુ રડતો રડતો માથે હાથ મૂકીને બેસી પડ્યો.


  સગરામ પગી રઘુને ચોરી કબૂલ કરાવે એ પહેલાં છગનકાકા આવી પહોંચ્યા. રઘુ એમને ઘેર ભેંસ દોહવા જતો એટલે રઘુને ઓળખી ગયા.રઘુએ માંડીને વાત કરી એટલે નિર્દોષ જાહેર કરીને એનું ધોતિયું પાછું આપીને છગનકાકાએ કહ્યું,


"રઘુ, રશી તો લેવી જ જોવે.આ કોરો બવ ખતરનાક સે હો..!"


"હા બાપા હું રશી લેવા જ આયોતો.."કહી રઘુ બે હાથ જોડીને હળવે હળવે ચાલતો થયો.

   

રઘુ લંગડાતો લંગડાતો દવાખાને ગયો ત્યારે એનો વારો આવી ગયો હતો.


  તોગો રઘુની હાલત જોઈ બધું સમજી ગયો. એટલે એણે કહ્યું,

''નો લાગી હોય તોય જાવી અટલે આવું જ થાય.બસાડાને રશી નોતી લેવી.બોલ્ય હવે લેવી સે કે બીજું બાનું કાઢવાનું સે ?'',


"ચ્યાં રશી મેંલે સે ? હાલો મારે મેકાવી જ દેવી સે..!'' કહેતો રઘુ અંદર ગયો.નર્સે જરૂરી વિગતો ભરીને રઘુને ઈન્જેકશન લગાવી દીધું.


  બહાર નીકળીને રઘુ બોલ્યો,

"આ તો જરીક કીડીએ ચટકો ભર્યો એટલું લાયગુ..!"


"અમેં તો કેતા'તા.પણ તું વળી બકરીયું ભેગો હંતાણો, બાકી હતું તે છગનકાકાની વાડીએ જઈને ઢીઢું ભંગાવી આયો..!"તોગાએ કહ્યું એટલે ભુરા સહિત એમની બયરીઓ પણ હસી પડી.


હવે રઘુ બધાને કહેતો ફરે છે કે 'ભઈ આ કોરો આયો સે.રશી તો બધા લય જ લેજો !'


----*--------

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ